‘તમારા વિશ્વાસની પરીક્ષા કરતા રહો’
“તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.” —૨ કોરીંથી ૧૩:૫.
૧, ૨. (ક) પોતાની માન્યતા વિષે શંકા હોય તો શું થઈ શકે? (ખ) કયા કારણથી કોરીંથના ભાઈબહેનો મૂંઝાઈ ગયા?
એક માણસ ગામ તરફ જઈ રહ્યો છે. ચાલતા ચાલતા ત્રણ રસ્તા આવે છે. તેને ખરો રસ્તો કયો છે એની ખબર નથી. માર્ગદર્શન માટે તે એક-બે જણને પૂછે છે. પરંતુ, દરેક જણ અલગ રસ્તો બતાવે છે. તે સાવ જ મૂંઝાઈ જાય છે. ધર્મને લગતી બાબતમાં પણ લોકો આવી રીતે મૂંઝાઈ જાય છે કે શું માનવું અને શું નહિ. આને લીધે, ઘણા લોકો જીવનના માર્ગમાં સારા નિર્ણય લેતા નથી. આપણા ધર્મની માન્યતાઓમાં જરાય શંકા હશે તો, આપણે પણ મૂંઝાઈ જઈશું. એનાથી સારા નિર્ણયો લઈ શકીશું નહિ. કયા માર્ગે ચાલવું એ પણ ચોક્કસ પારખી નહિ શકીએ.
૨ પહેલી સદીના કોરીંથ, ગ્રીસના મંડળમાં કેટલાક ભાઈ-બહેનો થોડા મૂંઝાઈ ગયા હતા. શા માટે? કેમ કે અમુક “ઉત્તમ પ્રેરિતો” એટલે ઘમંડી ખ્રિસ્તીઓ, પ્રેષિત પાઊલના અધિકાર પર શંકા કરતા હતા. તેઓ કહેતા હતા: “તેના પત્રો વજનદાર તથા સબળ છે; પણ તે પોતે શરીરે નબળો, ને તેનું બોલવું દમ વગરનું છે.” (૨ કોરીંથી ૧૦:૭-૧૨; ૧૧:૫, ૬) અમુક ભાઈ-બહેનોએ તેઓનું સાંભળ્યું. પરિણામે તેઓ જાણે મૂંઝાઈ ગયા. તેઓ ઈશ્વરનો ખરો માર્ગ પારખી ન શક્યા.
૩, ૪. શા માટે આપણે પાઊલની સલાહ સ્વીકારવી જોઈએ?
૩ પચાસની સાલમાં પાઊલે કોરીંથની મુલાકાત લીધી ને ત્યાં મંડળ શરૂ કર્યું હતું. તેમણે ખૂબ પ્રચાર કર્યો ને ‘ઈશ્વરના વચનનો બોધ કરવા દોઢ વરસ સુધી ત્યાં રહ્યા. એનાથી ઘણા કોરીંથીઓએ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૫-૧૧) પાઊલ ચાહતા હતા કે કોરીંથના સર્વ ખ્રિસ્તીઓનો વિશ્વાસ દૃઢ થાય. ભાઈ-બહેનો પણ એવું જ ચાહતા હતા. એટલે તેઓએ અમુક બાબતમાં સલાહ મેળવવા પાઊલને પત્ર લખ્યો હતો. (૧ કોરીંથી ૭:૧) તેથી, પાઊલે તેઓને જરૂરી ઉત્તેજન આપ્યું.
૪ પાઊલે કોરીંથના ભાઈ-બહેનોને લખ્યું: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.” (૨ કોરીંથી ૧૩:૫) જો તેઓએ પાઊલના કહેવા પ્રમાણે કર્યું હોત તો ખરા માર્ગ વિષે તેઓના મનમાં જરાય શંકા ઊભી થઈ ન હોત. આજે આપણે પાઊલની સલાહને ધ્યાનમાં લેવાની જરૂર છે. એ સલાહ કઈ રીતે પાળી શકીએ? આપણે કઈ રીતે તપાસ કરી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે કે કેમ? પોતાની પરીક્ષા કઈ રીતે કરી શકીએ?
“તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો”
૫, ૬. વિશ્વાસની પરીક્ષા કરવા માટે આપણી પાસે કયું ધોરણ છે ને કેમ એ જ વાપરવું જોઈએ?
૫ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની પરીક્ષા કરવા માટે ચોક્કસ ધોરણની જરૂર પડે છે. ધોરણો તપાસવાથી જોઈ શકાય કે એ વસ્તુ કે વ્યક્તિ સારી છે કે કેમ. હવે પાઊલ એમ કહેતા ન હતા કે આપણે સત્યની પરીક્ષા કરવી જોઈએ. તે કહેતા હતા કે આપણે પોતાનો વિશ્વાસ દૃઢ છે કે કેમ એની પરીક્ષા કરવી જોઈએ. શું એ માટે કોઈ ધોરણ છે? હા, આપણી પાસે બાઇબલ છે. એના વિષે દાઊદે લખ્યું: ‘યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે જીવને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહની વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.’ (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮) બાઇબલમાં આપણે યહોવાહના ઊંચાં ધોરણો જોઈ શકીએ છીએ. તેમના સંપૂર્ણ નિયમો, સલાહો અને આજ્ઞાઓ જોઈ શકીએ છીએ. એનાથી આપણે પોતાના વિશ્વાસની પરીક્ષા કરી શકીએ.
૬ પરમેશ્વરની પ્રેરણાથી રચાયેલા બાઇબલ વિષે પાઊલે લખ્યું: “દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” (હેબ્રી ૪:૧૨) એ બતાવે છે કે બાઇબલ આપણા હૃદયની પરીક્ષા કરી શકે છે. એનાથી આપણા વિચારો કે ભાવનાઓ કેવાં છે એ જાણવા મળશે. પણ આપણે બાઇબલથી કઈ રીતે વિશ્વાસની પરીક્ષા કરી શકીએ? ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: ‘જે માણસ યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે; અને રાતદિવસ તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે, તેને ધન્ય છે!’ (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) બાઇબલમાં આપણને ‘યહોવાહના નિયમો’ જોવા મળે છે. એને હોંશે હોંશે વાંચવા અને મનન કરવા આપણે સમય કાઢવો જોઈએ. એમ કરવાથી આપણા વિશ્વાસની પરીક્ષા થાય છે.
૭. વિશ્વાસની પરીક્ષા કરવા માટે શું કરવું જોઈએ?
૭ આપણા વિશ્વાસની પરીક્ષા કરવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો બાઇબલ વાંચીને એના પર મનન કરવું જોઈએ. વિચારવું જોઈએ કે બાઇબલની સલાહ પ્રમાણે હું જીવું છું? બાઇબલને સમજવા માટે આપણને ઘણી મદદ મળે છે. કઈ રીતે?
૮. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી મળતું સાહિત્ય કઈ રીતે આપણા વિશ્વાસની પરીક્ષા કરવામાં મદદ કરી શકે?
૮ યહોવાહ આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા બાઇબલનું શિક્ષણ આપે છે. કઈ રીતે? એક તો બાઇબલ પર ઘણું સાહિત્ય બહાર પાડીને. (માત્થી ૨૪:૪૫) દાખલા તરીકે, યહોવાહ કે કરીબ આઓa પુસ્તકમાં મોટા ભાગે દરેક પ્રકરણને અંતે મનન કરવા માટે સવાલો છે. બૉક્સમાં આપેલી કલમ પછીના એ સવાલોથી આપણે મનન કરી શકીએ છીએ. તેમ જ ચોકીબુરજ, સજાગ બનો! અને બીજાં પુસ્તકો-પુસ્તિકાથી આપણે તપાસી શકીએ કે આપણો વિશ્વાસ કેટલો મજબૂત છે. હાલમાં ચોકીબુરજમાં નીતિવચનો પુસ્તક વિષે અમુક લેખો આવ્યા છે. એના વિષે એક પાયોનિયર બહેને કહ્યું: ‘આ લેખોમાંથી મને ખૂબ લાભ મળે છે. એનાથી હું જોઈ શકું છું કે મારા વાણી-વર્તન ને સ્વભાવ યહોવાહના ઊંચા ધોરણોને વળગી રહે છે કે કેમ.’
૯, ૧૦. આપણા વિશ્વાસને પારખવા યહોવાહે કેવી ગોઠવણ કરી છે?
૯ યહોવાહ આપણને મંડળની સભાઓ, સંમેલનો અને મહાસંમેલનો દ્વારા ભરપૂર માર્ગદર્શન ને ઉત્તેજન આપે છે. એના વિષે ઈશ્વરભક્ત યશાયાહે ભાખ્યું હતું: ‘છેલ્લા કાળમાં યહોવાહના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે. ઘણા લોકો જઈને કહેશે, ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શીખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું.’ (યશાયાહ ૨:૨, ૩) યહોવાહના માર્ગ વિષે શીખવું એ ખરેખર આશીર્વાદ છે!
૧૦ એ ઉપરાંત, મંડળના ભાઈઓ અને ખાસ કરીને વડીલો સારું માર્ગદર્શન આપે છે. તેમના વિષે પાઊલે લખ્યું: “ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતા પકડાય, તો તમે, જે આત્મિક છો, તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.” (ગલાતી ૬:૧) આપણું ધ્યાન રાખતા વડીલોનો શું આપણે આભાર ન માનવો જોઈએ?
૧૧. આપણા વિશ્વાસની પરીક્ષા કરવા બીજું શું જરૂરી છે?
૧૧ યહોવાહ આપણને સાહિત્ય, સભાઓ અને વડીલો દ્વારા ઘણું માર્ગદર્શન આપે છે. આ મદદ માટે આપણે કેટલા આભારી છીએ! આપણા વિશ્વાસની પરીક્ષા કરવા પોતાની તપાસ કરવી પણ જરૂરી છે. કઈ રીતે? કોઈ સાહિત્ય વાંચીએ અથવા ટૉક સાંભળીએ ત્યારે પોતાને પૂછવું જોઈએ, ‘આ મને કઈ રીતે લાગુ પડે છે? હું આ સલાહ પાળું છું? શું હું યહોવાહે આપેલા સત્યને વળગી રહું છું?’ યહોવાહે આપણને તેમનું જ્ઞાન પહોંચાડવા માટે જે જોગવાઈ કરી છે એની કદર કરીશું તો દિવસે દિવસે આપણો વિશ્વાસ દૃઢ થશે. બાઇબલ કહે છે: ‘સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતો નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; પણ જે જન આધ્યાત્મિક છે તે સર્વને પારખે છે.’ (૧ કોરીંથી ૨:૧૪, ૧૫) આપણે જ્યારે આપણું સાહિત્ય વાંચીએ, સભાઓમાં ટૉક સાંભળીએ કે વડીલો તરફથી સલાહ મેળવીએ, ત્યારે એમ વિચારવું જોઈએ કે એ ખરેખર યહોવાહ પાસેથી આવે છે.
“તમારી પોતાની પરીક્ષા કરો”
૧૨. પોતાની પરીક્ષા કરતી વખતે શાનો વિચાર કરવાની જરૂર છે?
૧૨ ‘પોતાની પરીક્ષા’ કરીએ ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ, ‘મારો વિશ્વાસ કેટલો મજબૂત છે?’ ભલે આપણે સત્યમાં હોઈએ, તોપણ આપણો વિશ્વાસ નબળો હોય શકે. પોતાની પરીક્ષા કરવામાં આપણે એ પણ તપાસવું જોઈએ કે ખ્રિસ્તી ગુણો જીવનમાં કેટલા લાગુ પાડ્યા છે. એમ કરીને આપણે ઈસુ જેવા બનવા ચાહીએ છીએ. એનાથી બતાવીશું કે આપણે યહોવાહે આપેલી મદદની કદર કરીએ છીએ.
૧૩. હેબ્રી ૫:૧૪ મુજબ આપણે વિશ્વાસમાં મજબૂત છીએ એમ કઈ રીતે પારખી શકીએ?
૧૩ આપણે વિશ્વાસમાં મજબૂત છીએ, પરિપક્વ છીએ, એનો કઈ રીતે પુરાવો આપી શકીએ? પાઊલે લખ્યું: ‘જેઓ પુખ્ત છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે, તેઓને સારુ ભારે ખોરાક છે.’ (હેબ્રી ૫:૧૪) આમ, આપણે પોતાની ઇંદ્રિયો કે સમજશક્તિને કેળવીને વિશ્વાસમાં મજબૂત છીએ એવો પુરાવો આપી શકીએ. જેમ એક ખેલાડી પોતાના સ્નાયુઓ મજબૂત બનાવવા વારંવાર કસરત કરે છે, તેમ વિશ્વાસને મજબૂત કરવા માટે આપણે વારંવાર બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ. આમ, આપણે સમજશક્તિને કેળવીને ખરૂંખોટું પારખતા શીખીશું.
૧૪, ૧૫. શા માટે આપણે બાઇબલમાંથી અઘરી બાબતો સમજવા પ્રયત્ન કરવો જોઈએ?
૧૪ આપણે ખરૂંખોટું પારખવાનું શીખીએ એ પહેલાં જ્ઞાન મેળવવું જરૂરી છે. એ માટે, આપણે નિયમિત બાઇબલનો ખંતથી અભ્યાસ કરવો જોઈએ. બાઇબલના ઊંડા વિચારો જાણવા જોઈએ. એમ કરીશું તો ખરૂંખોટું પારખવાની આવડત વધશે. ચોકીબુરજમાં ઘણા અઘરા વિષયો આવે છે. એ જોઈને તમને કેવું લાગે છે? શું તમે એમ કહો છો કે ‘“કેટલીએક વાતો સમજવાને અઘરી” છે, એટલે એ ન વાંચું તો ચાલશે?’ (૨ પીતર ૩:૧૬) આપણે એમ ન વિચારવું જોઈએ. આપણે અઘરા વિષયોને સમજવા ખૂબ પ્રયત્ન કરવો જોઈએ.—એફેસી ૩:૧૮.
૧૫ પણ તમને અભ્યાસ કરવાનું મુશ્કેલ લાગતું હોય તો શું? મહત્ત્વનું છે કે આપણે અભ્યાસ કરવાની આદત કેળવીએ.b (૧ પીતર ૨:૨) વિશ્વાસને દૃઢ બનાવવા માટે આપણે બાઇબલની અઘરી બાબતો સમજવા કોશિશ કરવી જોઈએ. નહિ તો આપણી સમજશક્તિ જોઈએ એટલી કેળવાશે નહિ. જોકે વિશ્વાસને દૃઢ કરવા એટલું જ પૂરતું નથી. આપણે બાઇબલ અભ્યાસથી જે કંઈ શીખીએ છીએ એને રોજબરોજના જીવનમાં ઉતારવું જોઈએ.
૧૬, ૧૭. ‘સંદેશો અમલમાં મૂકવા વિષે’ યાકૂબે કેવી સલાહ આપી?
૧૬ જો યહોવાહનું સત્ય આપણા દિલમાં હશે તો, આપણે ભક્તિમાં ને જીવનમાં એ બતાવી આપીશું. એના વિષે સરસ ઉદાહરણ આપતા યાકૂબે કહ્યું: “એ સંદેશો ફક્ત સાંભળવા માટે નથી પરંતુ અમલમાં મૂકવા માટે છે. તેથી તમે પોતાને છેતરશો નહિ. જે કોઈ સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ અરીસામાં જોનારના જેવો છે. ત્યાંથી ખસી જતાંની સાથે તે પોતાનું મુખ જોઈ શકતો નથી, અને પોતે કેવો દેખાતો હતો તે તરત ભૂલી જાય છે. પણ મુક્ત માણસો માટેના ઈશ્વરના નિયમમાં જે પોતાની જાતને નિહાળે છે, અને વચન પ્રત્યે લક્ષ આપે છે તે વચન સાંભળીને ભૂલી નહિ જતાં તેને અમલમાં મૂકે છે. આવા માણસનાં સર્વ કાર્યોમાં ઈશ્વર આશીર્વાદ આપે છે.”—યાકોબ ૧:૨૨-૨૫, IBSI.
૧૭ યાકૂબ કહેવા માંગતા હતા કે, ‘બાઇબલ અરીસા જેવું છે. એમાં જોવાથી ખબર પડશે કે તમારો વિશ્વાસ કેવો છે. એમાં જોતા રહો. એ જોઈને ભૂલી ન જાઓ કે ક્યાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. જરૂર હોય ત્યાં તરત સુધારો કરો.’ જોકે હંમેશાં આ સલાહ પાળવી સહેલી નથી.
૧૮. યાકૂબની સલાહ પાળવી કેમ અઘરી છે?
૧૮ દાખલા તરીકે, પ્રચાર કાર્યનો વિચાર કરો. એ આપણી ફરજ છે. પાઊલે કહ્યું: “ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.” (રૂમી ૧૦:૧૦) આપણે પ્રચાર કરીએ ત્યારે તારણને અર્થે મોંથી કબૂલાત કરીએ છીએ. પણ ઘણાને પ્રચાર કરવાનું કામ ખૂબ અઘરું લાગે છે. વળી, એને હોંશથી કરવું ને જીવનમાં સૌથી પહેલું મૂકવું બહુ ફેરફાર અને ભોગ માંગી લે છે. (માત્થી ૬:૩૩) તોપણ ઈશ્વરે સોંપેલું આ કામ કરીએ છીએ ત્યારે આપણે તેમનો ઉપકાર માનીએ છીએ. તો શું, આપણે હોંશથી પ્રચાર કરીએ છીએ?
૧૯. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે?
૧૯ આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે? પાઊલે કહ્યું: “જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો; અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.” (ફિલિપી ૪:૯) આમ, આપણે યહોવાહના જ્ઞાનને શીખીએ અને પછી એને અમલમાં મૂકીએ. એમ કરીને આપણે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે ને ઈસુના પગલે ચાલવા ચાહીએ છીએ. પ્રબોધક યશાયાહ દ્વારા યહોવાહ આપણને કહે છે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”—યશાયાહ ૩૦:૨૧.
૨૦. કેવા ભાઈ-બહેનો મંડળમાં મોટો આશીર્વાદ છે?
૨૦ આજે મંડળમાં જેઓ દિલ લગાડીને બાઇબલમાંથી શીખતા રહે છે, તેઓ હોંશે હોંશે પ્રચાર કરે છે. તેઓનો વિશ્વાસ અતૂટ છે. તેઓ યહોવાહને વળગી રહે છે. આવા ભાઈ-બહેનો મંડળ માટે મોટો આશીર્વાદ છે. તેઓ મંડળને મજબૂત કરે છે. તેઓ ખાસ કરીને મંડળમાં આવતા નવા નવા લોકોને મદદ કરે ત્યારે, મંડળને બહુ જ લાભ થાય છે. આપણે પાઊલના શબ્દો પર મનન કરવું જોઈએ: “તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો; તમારી પોતાની પરીક્ષા કરો.” એમ કરીશું તો આપણે પણ મંડળ માટે આશીર્વાદરૂપ બનીશું.
આનંદથી યહોવાહની ઇચ્છા પૂરી કરો
૨૧, ૨૨. યહોવાહની સેવામાં આપણે કઈ રીતે આનંદ મેળવી શકીએ?
૨૧ રાજા દાઊદે પ્રાર્થના કરી: “હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.” (ગીતશાસ્ત્ર ૪૦:૮) દાઊદને યહોવાહની સેવા અતિપ્રિય હતી. શા માટે? કેમ કે યહોવાહના નિયમો તેમના હૃદયપટ પર લખાઈ ગયા હતા. યહોવાહનો માર્ગ કયો છે એ તે બરાબર જાણતા હતા.
૨૨ યહોવાહના નિયમો આપણા હૃદયપટ પર લખેલા હશે તો આપણે દાઊદની જેમ ઈશ્વરનો માર્ગ બરાબર જાણીશું. આપણે પણ યહોવાહની ભક્તિ કરવામાં આનંદ માણીશું. તો ચાલો આપણે તન-મનથી યહોવાહની સેવા કરવા બનતું બધું કરીએ.—લુક ૧૩:૨૪.
[ફુટનોટ્સ]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.
b અભ્યાસ કઈ રીતે કરવો એ પરમેશ્વર કી સેવા સ્કૂલ સે ફાયદા ઉઠાઈએ પુસ્તકમાં પાન ૨૭-૩૨ પર સમજાવ્યું છે. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
તમને શું યાદ છે?
• આપણે કઈ રીતે પારખી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે કે નહિ?
• આપણે કઈ કઈ રીતોએ પોતાની પરીક્ષા કરી શકીએ?
• આપણે વિશ્વાસમાં મજબૂત છીએ એનો કઈ રીતે પુરાવો આપી શકીએ?
• આપણાં જીવનથી કઈ રીતે બતાવી શકીએ કે આપણો વિશ્વાસ દૃઢ છે?
[પાન ૨૩ પર ચિત્ર]
તમારા વિશ્વાસની પરીક્ષા કરવાની મુખ્ય રીત કઈ છે?
[પાન ૨૪ પર ચિત્ર]
ખરુંખોટું પારખવા આપણી સમજશક્તિ કેળવીને આપણે મજબૂત વિશ્વાસનો પુરાવો આપીએ છીએ
[પાન ૨૫ ર ચિત્રો]
આપણે ‘સંદેશો સાંભળીને ભૂલી ન જઈએ, પણ અમલમાં મૂકીને’ પોતાની પરીક્ષા કરતા રહીએ