શું તમે ‘ખરુંખોટું પારખી’ શકો છો?
“પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.”—એફેસી ૫:૧૦.
“હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) યિર્મેયાહે સ્વીકારેલી આ બાબત આજે આપણા માટે વધારે મહત્ત્વની છે. શા માટે? એનું કારણ એ છે કે બાઇબલમાં બતાવ્યા પ્રમાણે, આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) દરરોજ આપણે એવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, જેમાં આપણે નાના-મોટા નિર્ણય લેવાના હોય છે. આ નિર્ણયોની આપણા પર શારીરિક, લાગણીમય અને આત્મિક રીતે ઊંડી અસર પડી શકે છે.
૨ આપણે જીવનમાં દરરોજ જે નાની-મોટી પસંદગીઓ કરીએ છીએ એ આપણા માટે એકદમ સામાન્ય હોય શકે. દાખલા તરીકે, આજે આપણે શું પહેરીશું, શું ખાઈશું, કોને મળીશું વગેરે બાબતોની પસંદગી કરીએ છીએ. આપણે આ બધી બાબતોમાં વધુ વિચાર્યા વગર આપમેળે જ પસંદગી કરતા હોઈએ છીએ. પરંતુ શું આ બધી બાબતો ખરેખર સામાન્ય છે? સાચા ખ્રિસ્તીઓ માટે તો પોતાનો પહેરવેશ, દેખાવ, ખાવાપીવામાં, બોલવામાં અને વર્તણૂકમાં યોગ્ય પસંદગી કરવી ખરેખર મહત્ત્વની બાબત છે. કેમ કે એનાથી આપણે બતાવીએ છીએ કે આપણે સર્વોપરી યહોવાહ પરમેશ્વરના સેવકો છીએ. આપણને પ્રેષિત પાઊલના શબ્દો યાદ કરાવવામાં આવે છે: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.”—૧ કોરીંથી ૧૦:૩૧; કોલોસી ૪:૬; ૧ તીમોથી ૨:૯, ૧૦.
૩ વળી, બીજી એવી પસંદગીઓ પણ છે કે જે એનાથી વધારે મહત્ત્વની છે. દાખલા તરીકે, લગ્ન કરવાનો કે કુંવારા રહેવાનો નિર્ણય લેવો, જે વ્યક્તિના જીવન પર ખરેખર ઊંડી અસર કરે છે. જીવનસાથી બની શકે એવી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી એ કંઈ રમતની વાત નથી.a (નીતિવચનો ૧૮:૨૨) વધુમાં, મિત્રો, શિક્ષણ, નોકરી કે મનોરંજનની આપણી પસંદગીથી આપણા પર ખૂબ અસર થાય છે. વળી, એને કારણે આપણી આત્મિકતા, એટલે કે આપણા હંમેશના સુખ પર ઊંડી અસર પડે છે.—રૂમી ૧૩:૧૩, ૧૪; એફેસી ૫:૩, ૪.
૪ આ બધી પસંદગીઓ કરતી વખતે કઈ બાબત સાચી છે અને કઈ ખોટી અથવા કઈ બાબત સાચી લાગે છે અને કઈ બાબત ખરેખર સાચી છે, એ બંને વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા આપણી પાસે હોવી ખૂબ જ મહત્ત્વનું છે. બાઇબલ ચેતવણી આપે છે, “એક એવો માર્ગ છે, કે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.” (નીતિવચનો ૧૪:૧૨) તેથી, આપણે પોતાને પૂછી શકીએ: ‘આપણે કઈ રીતે ખરુંખોટું પારખવાની ક્ષમતા કેળવી શકીએ? નિર્ણયો લેતી વખતે આપણે જરૂરી માર્ગદર્શન ક્યાંથી મેળવી શકીએ? ભૂતકાળમાં અને હમણાં લોકોએ આ બાબતમાં શું કર્યું છે અને એના કયાં પરિણામો આવ્યાં છે?’
જગતની “ફિલસુફીનો ખાલી આડંબર”
૫ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ, ગ્રીસ અને રોમનાં નૈતિક ધોરણો તેમ જ મૂલ્યોનું પ્રભુત્વ ધરાવતા જગતમાં જીવતા હતા. અમુકના કહેવા પ્રમાણે, એક બાજુ રોમના લોકો ઈર્ષા આવે એવું એશઆરામી જીવન જીવતા હતા. બીજી બાજુ, એ સમયના બુદ્ધિશાળી લોકો પ્લેટો અને એરિસ્ટોટલ જેવા ફિલસૂફોના વિચારોથી ઉત્તેજિત થયેલા હતા. એટલું જ નહિ, પરંતુ એપીક્યુરી અને સ્ટોઈક જેવા નવા ફિલસૂફોના વિચારોની પણ તેઓ પર અસર પડી હતી. પાઊલ પોતાની બીજી મિશનરિ મુસાફરીમાં એથેન્સ આવ્યા ત્યારે, તેમને એપીક્યુરી અને સ્ટોઈક ફિલસૂફીમાં માનનારાઓ મળ્યા. તેઓ પાઊલને “લવરીખોર” માનતા હતા અને પોતાને પાઊલ કરતાં, કંઈક મહાન ગણતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૮.
૬ તેથી, શરૂઆતના ખ્રિસ્તીઓ તેમની આસપાસના લોકોના આડંબરભર્યા માર્ગો અને જીવન-ઢબથી અસર પામ્યા હોય એમાં કંઈ નવાઈની બાબત નથી. (૨ તીમોથી ૪:૧૦) એ જગતમાં ભળી જનારા લોકો ઘણા લાભોનો આનંદ માણતા હોય એમ લાગતું હતું અને તેઓએ કરેલી પસંદગીઓ પણ યોગ્ય લાગતી હતી. તેઓને એવું લાગતું હતું કે આ જગત પાસે એવી મૂલ્યવાન બાબતો છે કે જે સાચા ખ્રિસ્તી જીવનમાં ન હતી. તેમ છતાં, પ્રેષિત પાઊલે ચેતવણી આપી: “સાવધાન રહો, રખેને ફિલસુફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.” (કોલોસી ૨:૮) શા માટે પાઊલે એવું કહ્યું?
૭ પાઊલ, એ જગતથી આકર્ષિત થયેલા ભાઈઓના વિચારોનું જોખમ જોઈ શકતા હતા, તેથી તેમણે એ ચેતવણી આપી. તેમણે “ફિલસુફીનો ખાલી આડંબર” શબ્દોનો ઉપયોગ કર્યો, જેની પાછળ ખાસ અર્થ રહેલો છે. “ફિલસુફી” શબ્દનો શાબ્દિક અર્થ થાય છે, “જ્ઞાનને પ્રેમ કરવો અને જ્ઞાન મેળવવું.” એ એક રીતે લાભદાયી છે. બાઇબલ ખાસ કરીને નીતિવચનોના પુસ્તકમાં સાચું જ્ઞાન અને ડહાપણની શોધ કરવાનું ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૧:૧-૭; ૩:૧૩-૧૮) જોકે, પાઊલ ‘ફિલસુફીને’ “ખાલી આડંબર” સાથે મૂકે છે. બીજા શબ્દોમાં, પાઊલ જગતના ડહાપણને ખાલી અને આડંબર કહે છે. હવા ભરેલા ફૂગ્ગાની જેમ, એ ભરેલું લાગતું હતું પરંતુ વાસ્તવમાં એમાં કંઈ જ ન હતું. ખરેખર, જગતની એવી ‘ફિલસુફીના ખાલી આડંબર’ પર આધાર રાખીને વ્યક્તિ ખરા-ખોટાંનો નિર્ણય કરે એ જોખમકારક, હા, વિનાશક હતું.
તેઓ “ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે”
૮ આજે પણ પરિસ્થિતિ એવી જ છે. સમાજના લગભગ દરેક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં નિષ્ણાતો છે. લગ્ન અને કુટુંબના સલાહકારો, કટાર લેખકો, કહેવાતા વૈદો, જ્યોતિષીઓ, ભવિષ્ય ભાખનારાઓ અને એવા બીજા ઘણા છે, જેઓ ફી લઈને સલાહ આપવા તૈયાર જ હોય છે. પરંતુ તેઓ કેવી સલાહ આપે છે? તેઓ કહેવાતી નવી નૈતિકતા પ્રમાણે જીવવા બાઇબલનાં નૈતિક ધોરણોને બાજુએ મૂકી દે છે. દાખલા તરીકે, સરકારે “સજાતિય લગ્નો” રજીસ્ટર કરવાની ના પાડી ત્યારે, એ વિષે ટીકા આપતા કૅનેડાના પ્રખ્યાત વર્તમાનપત્ર, ધ ગ્લોબ ઍન્ડ મેઇલના સંપાદકે જણાવ્યું: “પ્રેમાળ અને વચન આપેલા યુગલની સાથે રહેવાની ઇચ્છાનો, તેઓ સજાતિય હોવાના કારણે નકાર કરવો એ આ ૨૦૦૦ના વર્ષમાં હાંસીપાત્ર છે.” આજે ખોટું સહન કરી લેવાનો જમાનો છે અને ખરા-ખોટાંનું કોઈ ધોરણ નથી, દરેક પોતાને મન ફાવે તેમ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૦:૩, ૪.
૯ બીજા લોકો, સમાજમાં માનીતા અને પૈસે-ટકે સુખી લોકોને ધ્યાનમાં રાખીને પોતાના નિર્ણયો કરે છે. ખરું કે તેઓને સમાજમાં માન આપવામાં આવે છે, પરંતુ તેઓ પ્રમાણિકતા અને ભરોસાના ફક્ત ગુણગાન જ ગાતા હોય છે. સત્તા અને પૈસાના લોભી લોકોને નીતિ-નિયમો બાજુ પર મૂકી દેવામાં કંઈ વાંધો નથી. કેટલાક તો નામ કમાવા અને લોકપ્રિય બનવા, નીતિ-નિયમો ફગાવી દઈને વિચિત્ર અને ચોંકાવનારી રીતે વર્તે છે. પરિણામે, કંઈક લાભ મેળવવા મન ફાવે એવું વર્તન કરતા સમાજે “બધું ચાલે” એવું સૂત્ર અપનાવી લીધું છે. આથી, ખરુંખોટું પારખવાની બાબત આવે છે ત્યારે લોકો ગૂંચવાઈ જાય, એમાં શું કંઈ નવાઈ છે?—લુક ૬:૩૯.
૧૦ આજે આપણે ખોટાં માર્ગદર્શનના આધારે લેવાતા નિર્ણયોનાં ખરાબ પરિણામો ચારેબાજુ જોઈ શકીએ છીએ. જેમ કે, લગ્નો અને કુટુંબોમાં ભંગાણ, ડ્રગ્સ અને દારૂના બંધાણી, હિંસક યુવાનો, અનૈતિકતા, જાતિયતાથી ફેલાતા રોગો વગેરે જોવા મળે છે. ખરાખોટાંની વાત આવે છે ત્યારે, બધાં જ ધોરણોને બાજુ પર મૂકી દઈને અથવા સલાહનો નકાર કરીને બીજા કેવા પરિણામની આશા રાખી શકાય? (રૂમી ૧:૨૮-૩૨) એ પ્રબોધક યશાયાહે જાહેર કર્યું એના જેવું જ છે: “જેઓ ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે; જેઓ અજવાળાને ઠેકાણે અંધકાર, ને અંધકારને ઠેકાણે અજવાળું ઠરાવે છે; જેઓ મીઠાને ઠેકાણે કડવું, અને કડવાને ઠેકાણે મીઠું ઠરાવે છે તેઓને અફસોસ! જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!”—યશાયાહ ૫:૨૦, ૨૧.
૧૧ પ્રાચીન સમયમાં “પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન” બનેલા યહુદીઓને, પરમેશ્વરે જવાબદાર ઠેરવ્યા હતા. એ ધ્યાનમાં રાખીને આપણે ખરુંખોટું નક્કી કરતી વખતે, આપણા પોતાના પર આધાર ન રાખીએ એ ખૂબ મહત્ત્વનું છે. ઘણા લોકો એવું માને છે કે “તમારું હૃદય કહે છે એ પ્રમાણે કરો” અથવા “તમને જે સારું લાગે તે કરો.” શું એવું વિચારવું યોગ્ય છે? બાઇબલ સ્પષ્ટ રીતે બતાવે છે કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યિર્મેયાહ ૧૭:૯) શું તમે નિર્ણય કરતી વખતે કપટી અને અતિશય ભૂંડી વ્યક્તિના માર્ગદર્શન પર ભરોસો મૂકશો? બિલકુલ નહિ! હકીકતમાં તમે એ વ્યક્તિ જે કહે એનાથી વિરુદ્ધની જ બાબત કરશો. એ કારણે બાઇબલ આપણને યાદ કરાવે છે: “જે માણસ પોતાના હૃદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.”—નીતિવચનો ૩:૫-૭; ૨૮:૨૬.
પરમેશ્વરને સ્વીકાર્ય હોય એવી બાબતો શીખીએ
૧૨ ખરુંખોટું નક્કી કરવામાં આપણે પોતાના કે જગતના ડહાપણ પર ભરોસો રાખવો ન જોઈએ. તો પછી આપણે શું કરવું જોઈએ? પ્રેષિત પાઊલે આપેલી સ્પષ્ટ સલાહની નોંધ લો: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” (રૂમી ૧૨:૨) શા માટે આપણે યહોવાહ દેવની ઇચ્છાને પારખવાની જરૂર છે? એ માટે બાઇબલમાં સ્પષ્ટ અને મહત્ત્વનું કારણ આપતા યહોવાહ કહે છે: “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.” (યશાયાહ ૫૫:૯) આમ, લોકો શું કહે છે કે પોતાને શું લાગે છે એના પર આધાર રાખવાને બદલે, આપણને સલાહ મળે છે કે, “પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.”—એફેસી ૫:૧૦.
૧૩ ઈસુ ખ્રિસ્તે એના પર ભાર મૂકતા કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) મૂળ ગ્રીકમાંથી ભાષાંતર થયેલો ‘ઓળખ’ શબ્દ ઊંડો અર્થ ધરાવે છે. વાઈન્સ એક્સપોઝીટરી ડિક્ષનરી અનુસાર, એ “વ્યક્તિ અને તે જેને ઓળખે છે તેઓ વચ્ચેનો સંબંધ બતાવે છે. એમાં ઓળખનાર વ્યક્તિ માટે જાણકારી મહત્ત્વની છે, એમ જ સંબંધ પણ ઘણો જ મહત્ત્વનો છે.” વ્યક્તિ સાથે સંબંધ બાંધવાનો અર્થ ફક્ત એ જ નથી કે તે કોણ છે અને તેનું નામ શું છે. એમાં એ વ્યક્તિને ગમતી અને ન ગમતી બાબતો જાણવાનો, તેનાં નૈતિક ધોરણો જાણીને તેને માન આપવાનો સમાવેશ થાય છે.—૧ યોહાન ૨:૩; ૪:૮.
આપણી ઇંદ્રિયો કેળવીએ
૧૪ તો પછી, આપણે ખરૂંખોટું પારખવા ઇંદ્રિયોને કઈ રીતે કેળવી શકીએ? પાઊલે પ્રથમ સદીના હેબ્રી ખ્રિસ્તીઓને લખેલા શબ્દો એનો જવાબ આપે છે. તેમણે લખ્યું: “જે કોઇ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બીનઅનુભવી છે; કેમકે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉમ્મરના છે, એટલે જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે, તેઓને સારૂ ભારે ખોરાક છે.” પાઊલ અહીં “દૂધ” અને “ભારે ખોરાક” વચ્ચેનો તફાવત બતાવે છે. આગળની કલમમાં તે ‘દૂધનું’ વર્ણન “દેવનાં વચનનાં મૂળતત્ત્વ” તરીકે કરે છે. પરંતુ, “ભારે ખોરાક” ફક્ત “પુખ્ત” લોકો માટે છે, “જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે.”—હેબ્રી ૫:૧૨-૧૪.
૧૫ એનો અર્થ એમ થાય છે કે આપણે સૌ પ્રથમ, બાઇબલમાં બતાવેલા પરમેશ્વરનાં ધોરણોની ખરી સમજણ મેળવવા સખત મહેનત કરવી જ જોઈએ. આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની યાદી શોધવી જોઈએ નહિ. બાઇબલ કંઈ આ પ્રકારનું પુસ્તક નથી. એને બદલે પાઊલે સમજાવ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) બોધ, સુધારા અને શિક્ષણ મેળવવા માટે, આપણે આપણા મન અને વિચારવાની ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ. એ પ્રયત્ન માંગી લે છે, પરંતુ એનું સારું પરિણામ આવે છે, કેમ કે એ “સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર” કરે છે.—નીતિવચનો ૨:૩-૬.
૧૬ તો પછી, પાઊલે બતાવ્યું તેમ, પુખ્ત લોકોની “ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે.” આ એક મહત્ત્વની બાબત છે. ‘તેઓની ઇંદ્રિયો કેળવાએલી છે’ એનો શાબ્દિક અર્થ, “(જિમ્નેસ્ટ ખેલાડીની જેમ) ઇંદ્રિયોને કેળવવી” થાય છે. (કિંગ્ડમ ઇન્ટરલીનિયર). એક અનુભવી જિમ્નેસ્ટ ખેલાડી ખાસ સાધનોના ઉપયોગથી એટલી ઝડપે અંગો વાળે છે, કે તે ગુરુત્વાકર્ષણ અને બીજા કુદરતી નિયમોની વિરુદ્ધમાં જતો લાગી શકે. તે સર્વ સમયે પોતાના શરીરને પૂરેપૂરું કાબૂમાં રાખે છે. તેની ઇંદ્રિયો અથવા પરખશક્તિ જાણે આપોઆપ જ કામ કરતી હોય એમ, તે પોતાના અંગો સફળતાથી વાળી શકે છે. આ બધું તે સખત કેળવણી અને સતત મહાવરાને કારણે કરી શકે છે.
૧૭ આત્મિક રીતે આપણે પણ પોતાને જિમ્નેસ્ટ ખેલાડીની જેમ કેળવવા જોઈએ. જેથી, આપણે યોગ્ય નિર્ણયો અને પસંદગી કરી શકીએ. આપણે પણ સર્વ સમયે આપણી ઇંદ્રિયો અને શરીરને પૂરા કાબૂમાં રાખવા જોઈએ. (માત્થી ૫:૨૯, ૩૦; કોલોસી ૩:૫-૧૦) દાખલા તરીકે, શું તમે તમારી આંખોને અનૈતિક બાબતો ન જોવા અને તમારા કાનને ખરાબ સંગીત કે વાણી ન સાંભળવા કેળવી છે? એ સાચું છે કે આજે જ્યાં જુઓ ત્યાં એવું જ જોવા મળે છે. તેમ છતાં, આપણા હૃદય અને મન એનાથી ભરવા કે નહિ, એ આપણે પસંદ કરવાનું છે. આપણે ગીતશાસ્ત્રના લેખકને અનુસરી શકીએ, જેમણે કહ્યું: “હું કંઈ અધમ વસ્તુ મારી દૃષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ. . . . જૂઠું બોલનાર મારી દૃષ્ટિ આગળ ટકશે નહિ.”—ગીતશાસ્ત્ર ૧૦૧:૩, ૭.
તમારી ઇંદ્રિયોને ઉપયોગ કરીને કેળવો
૧૮ યાદ રાખો કે આપણે ખરુંખોટું પારખવા માટે ઇંદ્રિયોનો ઉપયોગ કરીને એને ‘કેળવવાની’ છે. બીજા શબ્દોમાં, નિર્ણય લેવાનો હોય ત્યારે, આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને પારખતા શીખવું જોઈએ કે એમાં કયા બાઇબલ સિદ્ધાંતો સમાયેલા છે અને એને કઈ રીતે લાગુ પાડી શકીએ. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા પૂરાં પાડવામાં આવેલા બાઇબલ આધારિત પ્રકાશનોમાં સંશોધન કરવાની ટેવ પાડો. (માત્થી ૨૪:૪૫) એ ઉપરાંત, આપણે અનુભવી ખ્રિસ્તીઓની પણ મદદ માંગી શકીએ. તોપણ, આપણે પોતે બાઇબલનો અભ્યાસ કરીશું અને યહોવાહના માર્ગદર્શન તથા પવિત્ર આત્મા માટે તેમને પ્રાર્થના કરીશું તો વખત જતાં આપણને એના ભરપૂર આશીર્વાદો મળશે.—એફેસી ૩:૧૪-૧૯.
૧૯ આપણી ઇંદ્રિયોને ખરૂંખોટું પારખવા કેળવીએ તેમ, આપણો એ હેતુ હોવો જોઈએ કે “હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.” (એફેસી ૪:૧૪) એને બદલે, યહોવાહને સ્વીકાર્ય હોય એવા જ્ઞાન અને સમજણને આધારે આપણે નાના-મોટાં, ખરા નિર્ણયો લઈ શકીએ. એ આપણને લાભ કરશે અને આપણા ભાઈ-બહેનોને ઉત્તેજન આપશે. અને સૌથી મહત્ત્વનું તો, એનાથી યહોવાહના હૃદયને આનંદ થશે. (નીતિવચનો ૨૭:૧૧) ખરેખર, આ સંકટના વખતોમાં એ કેવો મોટો આશીર્વાદ અને રક્ષણ છે!
[ફુટનોટ]
a ડૉ. થોમસ હોલ્મ્સ અને ડૉ. રિચાર્ડ રૈએ લોકોના જીવનના સૌથી વધારે દુઃખદ અનુભવોની યાદી બનાવી. એમાં ૪૦ કરતાં વધારે અનુભવોમાં પહેલા ત્રણ ક્રમે લગ્ન સાથીનું મરણ, છૂટાછેડા અને પતિ-પત્નીનું અલગ રહેવું છે. જ્યારે કે લગ્ન કરવું એ સાતમા ક્રમે આવે છે.
શું તમે સમજાવી શકો?
• ખરા નિર્ણયો લેવા શાની જરૂર છે?
• ખરાખોટાંનો નિર્ણય લેતી વખતે, પ્રખ્યાત વ્યક્તિઓ કે આપણી લાગણીઓ પર આધાર રાખવો શા માટે યોગ્ય નથી?
• શા માટે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જ નિર્ણયો લેવા જોઈએ અને એ આપણે કઈ રીતે કરી શકીએ?
• ‘ખરુંખોટું પારખવાની આપણી ઇંદ્રિયોને કેળવવાનો’ શું અર્થ થાય છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આજે કઈ રીતે જીવન મુશ્કેલ બની શકે અને શા માટે?
૨. કઈ પસંદગીઓ સામાન્ય ગણી લેવામાં આવે છે, પરંતુ સાચા ખ્રિસ્તીઓ એને કઈ રીતે જુએ છે?
૩. કેવી પસંદગીઓ ખૂબ સમજી-વિચારીને કરવાની હોય છે?
૪. (ક) કઈ ક્ષમતા સૌથી મહત્ત્વની છે? (ખ) કયા પ્રશ્નો વિચારવાની જરૂર છે?
૫. શરૂઆતના ખ્રિસ્તીઓ કેવા જગતમાં રહેતા હતા?
૬. (ક) શરૂઆતના કેટલાક ખ્રિસ્તીઓ શું કરવા લલચાયા? (ખ) પાઊલે કઈ ચેતવણી આપી?
૭. જગતના ડહાપણનું ખરેખર કેટલું મૂલ્ય છે?
૮. (ક) આજે લોકો સલાહ લેવા કોની પાસે જાય છે? (ખ) કેવી સલાહ આપવામાં આવે છે?
૯. સમાજના આદરણીય લોકો મોટા ભાગે શું કરતા હોય છે?
૧૦. ખરાખોટાં વિષે યશાયાહના શબ્દો કઈ રીતે સાચા પુરવાર થયા છે?
૧૧. ખરાખોટાંનો નિર્ણય કરતી વખતે પોતાના પર આધાર રાખવો શા માટે યોગ્ય નથી?
૧૨. શા માટે આપણે ‘દેવની ઇચ્છા’ પારખવાની જરૂર છે?
૧૩. ઈસુએ યોહાન ૧૭:૩માં જે કહ્યું એ પરમેશ્વરની ઇચ્છા પારખવા પર કઈ રીતે ભાર મૂકે છે?
૧૪. પાઊલ આત્મિક રીતે બાળક અને પુખ્ત લોકો વચ્ચેનો કયો મોટો તફાવત બતાવે છે?
૧૫. પરમેશ્વરનું ખરું જ્ઞાન મેળવવા સખત મહેનત કરવી શા માટે જરૂરી છે?
૧૬. ઇંદ્રિયો કે પરખશક્તિને કેળવવાનો શું અર્થ થાય છે?
૧૭. આપણે કયા અર્થમાં જિમ્નેસ્ટ ખેલાડી જેવા બનવું જોઈએ?
૧૮. આપણી ઇંદ્રિયોને ‘કેળવવા’ માટે શું કરવાની જરૂર છે?
૧૯. આપણી ઇંદ્રિયોને કેળવતા રહેવાથી આપણે કયા આશીર્વાદો મેળવીશું?
[પાન ૯ પર ચિત્ર]
ધનવાન અને લોકપ્રિય વ્યક્તિને પગલે ચાલવું નિરર્થક છે
[પાન ૧૦ પર ચિત્ર]
જિમ્નેસ્ટ ખેલાડીની જેમ, આપણે આપણી ઇંદ્રિયો અને શરીર પર પૂરો કાબૂ મેળવવો જોઈએ