સાચા ખ્રિસ્તીઓ સેવામાં આનંદ માણે છે
“લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
ઓગણીસમી સદીના અંતે, જ્યાં જુઓ ત્યાં સ્વાર્થી વલણ દેખાઈ આવ્યું. એ કારણે લોકો વધારેને વધારે સ્વાર્થી અને લોભી થયા, જેઓને બીજાની કંઈ જ પડી ન હોય. એનો અર્થ એવો નથી કે, હવે ૨૦૦૦ની સાલમાં સ્વાર્થનો અંત આવી ગયો છે. તમે વારંવાર સાંભળ્યું હશે કે, “એ બધું તો બરાબર, પણ મને એમાંથી શું મળશે?” આવા સ્વાર્થી વલણથી આનંદ મળતો નથી. ઈસુએ એનાથી તદ્દન જુદો જ સિદ્ધાંત જણાવ્યો: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
૨ શું એ સાચું છે કે લેવા કરતાં આપવામાં વધારે આનંદ મળે છે? હા, યહોવાહ પરમેશ્વરનો વિચાર કરો, જે “જીવનનો ઝરો” છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) આપણે સુખી જીવન જીવીએ, એ માટે તે આપણને જરૂરી બધી જ વસ્તુઓ પૂરી પાડે છે. ખરેખર, તે “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર છે. (યાકૂબ ૧:૧૭) યહોવાહ ‘સ્તુત્ય દેવ છે,’ અને તે હંમેશા આપતા રહે છે. (૧ તીમોથી ૧:૧૧) તે આપણને એટલા ચાહે છે કે, તેમણે આપણી માટે પોતાનો એકનો એક દીકરો આપ્યો. (યોહાન ૩:૧૬) એક કુટુંબનો વિચાર કરો. તમે માબાપ હોવ તો, તમે જાણતા જ હશો કે બાળકને મોટું કરવા કેટલું બધું જતું કરવું પડે છે. અમુક સમય સુધી તો, તમારા બાળકને એની ખબર પણ હોતી નથી. કદાચ તે એ બધાની દરકાર પણ નહિ કરે! તોપણ, બાળક મોટું થઈને સુખી રહે ત્યારે, તમને ખૂબ ખુશી થાય છે. કેમ કે તમે તમારા બાળકને નિઃસ્વાર્થ પ્રેમ કરો છો.
૩ એવી જ રીતે, સાચી ભક્તિ પણ પ્રેમને કારણે થતી સેવા પર આધારિત છે. આપણે યહોવાહ પરમેશ્વરને અને આપણા ભાઈ-બહેનોને ચાહીએ છીએ. તેથી, તેઓની સેવામાં આપણને આનંદ મળે છે. (માત્થી ૨૨:૩૭-૩૯) સ્વાર્થને કારણે યહોવાહની ભક્તિ કરનારને બહુ આનંદ મળતો નથી. પરંતુ કોઈ સ્વાર્થ વિના સેવા કરનારને ખરેખર લેવા કરતાં આપવામાં વધારે આનંદ મળે છે. એ સત્ય આપણને બાઇબલમાંના અમુક શબ્દો સમજવાથી જોવા મળે છે, જે આપણી ભક્તિને લગતા છે. આપણે આ અને એના પછીના લેખમાં એમાંના ત્રણ શબ્દોની ચર્ચા કરીશું.
ઈસુએ કરેલી સેવા
૪ ભક્તિને લગતો મહત્ત્વનો એક મૂળ ગ્રીક શબ્દ લીટુરિયા છે, જેનું ભાષાંતર બાઇબલમાં “સેવા” કરવામાં આવ્યું છે. કહેવાતા ખ્રિસ્તીઓએ લીટુરિયામાંથી “લીટરજી” શબ્દ શોધી કાઢ્યો છે.a તેમ છતાં, કહેવાતા ખ્રિસ્તીઓની વિધિઓથી ભરપૂર સેવા લોકોને કંઈ લાભ કરતી નથી.
૫ પ્રેષિત પાઊલે ઈસ્રાએલના યાજકો માટે લીટુરિયાને લગતો ગ્રીક શબ્દ વાપર્યો. તેમણે કહ્યું: “દરેક યાજક નિત્ય સેવા [લીટુરિયાનું એક રૂપ] કરતાં તથા એ ને એજ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે.” (હેબ્રી ૧૦:૧૧) લેવીય યાજકોએ ઈસ્રાએલમાં મૂલ્યવાન સેવા બજાવી હતી. તેઓએ લોકોને પરમેશ્વરના નિયમો શીખવ્યા, અને તેઓનાં પાપોની માફી માટે અર્પણો ચડાવ્યા. (૨ કાળવૃત્તાંત ૧૫:૩; માલાખી ૨:૭) યાજકો અને લોકો પરમેશ્વર યહોવાહના નિયમો પ્રમાણે જીવતા ત્યારે, પ્રજા સુખ-શાંતિમાં રહેતી.—પુનર્નિયમ ૧૬:૧૫.
૬ નિયમ હેઠળ સેવા કરવાનો ઈસ્રાએલી યાજકોને મોટો લહાવો હતો. પરંતુ, ઈસ્રાએલીઓ બેવફા બન્યા, એટલે તેઓને ત્યજી દેવામાં આવ્યા, અને તેઓની સેવા નકામી બની. (માત્થી ૨૧:૪૩) યહોવાહ પરમેશ્વરે યાજક તરીકે સેવા આપવા, મહાન પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્તની ભવ્ય ગોઠવણ કરી. આપણે તેમના વિષે વાંચીએ છીએ: “એ તો સદાકાળ રહે છે, માટે એનું યાજકપદ અવિકારી છે. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમકે એ તેઓને સારૂ મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે.”—હેબ્રી ૭:૨૪, ૨૫.
૭ ઈસુ હજુ પણ યાજક તરીકે સેવા આપી રહ્યા છે. તેથી તે જ લોકોનું જીવન બચાવી શકે છે. તે માણસોએ બનાવેલા મંદિરમાં નહિ, પણ સાંકેતિક મંદિરમાં, એટલે કે ૨૯ સી.ઈ.થી શરૂ થયેલી યહોવાહની મહાન ગોઠવણમાં અજોડ સેવા બજાવી રહ્યા છે. હવે ઈસુ મંદિરના પરમ પવિત્ર સ્થાન, સ્વર્ગમાં સેવા કરે છે. એ “પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે, તેનો તે સેવક [લીટુરગસ] છે.” (હેબ્રી ૮:૨; ૯:૧૧, ૧૨) આટલી ઉચ્ચ પદવીએ હોવા છતાં ઈસુ “સેવક” છે. તે પોતાની સત્તાનો ઉપયોગ લોકોની સેવામાં કરે છે, લોકો પાસેથી સેવા મેળવવા નહિ. તેથી, તેમને આનંદ થાય છે. આ તેમની ‘આગળ મૂકેલા આનંદનો’ એક ભાગ છે, જેણે તેમને પૃથ્વી પરના દુઃખ સહન કરવા હિંમત આપી.—હેબ્રી ૧૨:૨.
૮ ઈસુની સેવાનું બીજું એક પાસું પણ છે. પાઊલે લખ્યું: “હાલ જેમ તે વિશેષ સારાં વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારનો મધ્યસ્થ છે, તે પ્રમાણે તેને વધારે સારી સેવા કરવાનું મળ્યું.” (હેબ્રી ૮:૬) યહોવાહ અને ઈસ્રાએલી લોકો વચ્ચે થયેલા કરારના મધ્યસ્થ મુસા હતા. (નિર્ગમન ૧૯:૪, ૫) ઈસુ નવા કરારના મધ્યસ્થ થયા, જેમાં નવું રાષ્ટ્ર, એટલે કે ‘દેવનું ઈસ્રાએલ’ ઊભું થયું. એ જુદા જુદા દેશોમાંના અભિષિક્ત ખ્રિસ્તીઓનું બનેલું છે. (ગલાતી ૬:૧૬; હેબ્રી ૮:૮, ૧૩; પ્રકટીકરણ ૫:૯, ૧૦) ઈસુની એ કેવી ઉત્તમ સેવા હતી! વળી, ઈસુને ઓળખવા એ કેવી ખુશીની વાત છે, કારણ કે તે એવા સેવક છે, જેમના દ્વારા આપણે યહોવાહની ખરી ભક્તિ કરી શકીએ છીએ!—યોહાન ૧૪:૬.
ખ્રિસ્તીઓ પણ સેવા આપે છે
૯ ઈસુ ખ્રિસ્ત જેવી ઉત્તમ સેવા કોઈ પણ કરી શકતું નથી. જોકે અભિષિક્ત ખ્રિસ્તીઓ સ્વર્ગનું જીવન મેળવશે ત્યારે, તેઓ પણ ઈસુની સાથે રાજાઓ અને યાજકો તરીકે તેમની જેમ સેવા બજાવશે. (પ્રકટીકરણ ૨૦:૬; ૨૨:૧-૫) તેમ જ, પૃથ્વી પરના ખ્રિસ્તીઓ પણ સેવા આપે છે અને એનાથી તેઓને આનંદ થાય છે. દાખલા તરીકે, પેલેસ્તાઈનમાં ખોરાકની અછત હતી ત્યારે, યહુદાહના યહુદી ખ્રિસ્તીઓને મદદ કરવા પ્રેષિત પાઊલ યુરોપના ભાઈઓ પાસેથી ફાળો ઉઘરાવી લાવ્યા. એ પણ સેવા હતી. (રૂમી ૧૫:૨૭; ૨ કોરીંથી ૯:૧૨) આજે ખ્રિસ્તીઓ પણ પોતાના ભાઈઓને દુઃખમાં, કુદરતી આફતો કે બીજી મુશ્કેલીઓમાં ઝડપથી મદદ કરીને સેવા કરે છે.—નીતિવચન ૧૪:૨૧.
૧૦ પાઊલે બીજી એક સેવા વિષે લખ્યું: “હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.” (ફિલિપી ૨:૧૭) પાઊલે સખત મહેનત કરીને ફિલિપીના ભાઈઓની પ્રેમ અને આનંદથી સેવા કરી. એવી જ સેવા આજે ખાસ કરીને અભિષિક્ત ખ્રિસ્તીઓ આપે છે. તેઓ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ તરીકે વખતસરનો આત્મિક ખોરાક પણ પૂરો પાડે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) વળી, તેઓ ‘ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો કરવાને માટે પવિત્ર યાજક વર્ગ થયા છે,’ અને “અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું [તેઓને] આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો પ્રગટ” કરવાની કામગીરી મળી છે. (૧ પીતર ૨:૫, ૯) પાઊલની જેમ તેઓ પણ પોતાની જવાબદારી નિભાવવા સખત મહેનત કરીને આનંદ માણે છે. તેમ જ, તેઓના સાથી “બીજાં ઘેટાં” પણ યહોવાહ પરમેશ્વર અને તેમના હેતુઓ જણાવવા તેઓને પૂરો સાથ આપે છે.b (યોહાન ૧૦:૧૬; માત્થી ૨૪:૧૪) આ કેવી મહાન અને આનંદી સેવા છે!—ગીતશાસ્ત્ર ૧૦૭:૨૧, ૨૨.
પવિત્ર સેવા આપો
૧૧ આપણી ભક્તિને લાગે વળગે છે, એવો બીજો એક ગ્રીક શબ્દ લાટ્રીયા છે, જેનું ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલમાં “પવિત્ર સેવા” ભાષાંતર થયું છે. આ પવિત્ર સેવા ભક્તિના કાર્યોને લગતી છે. દાખલા તરીકે, ૮૪ વર્ષની વિધવા અને ઈશ્વરભક્ત આન્ના “મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ [લાટ્રીયાને લગતો ગ્રીક શબ્દ] કર્યા કરતી.” (લુક ૨:૩૬, ૩૭) આન્નાએ સતત યહોવાહની ભક્તિ કરી. તે આપણા બધા માટે સુંદર નમૂનો પૂરો પાડે છે. આન્ના મંદિરમાં ઉત્સાહથી યહોવાહની ભક્તિ અને નિયમિત પ્રાર્થના કરતી હતી. એ જ રીતે આપણી પવિત્ર સેવામાં પણ સભાઓમાં નિયમિત હાજરી અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે.—રૂમી ૧૨:૧૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૧૨ પ્રેષિત પાઊલે આપણી પવિત્ર સેવાના એક ખાસ પાસા વિષે લખ્યું: “જે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરૂં છું, તે મારો સાક્ષી છે કે હું નિરંતર તમારૂં સ્મરણ કરૂં છું.” (રૂમી ૧:૯) ખરેખર, સુસમાચારનો પ્રચાર ફક્ત લોકોની સેવા જ નથી, પરંતુ યહોવાહ પરમેશ્વરની ભક્તિ પણ છે. પ્રચારમાં લોકો સાંભળે કે ન સાંભળે પણ એ કાર્ય યહોવાહ પરમેશ્વરની પવિત્ર સેવા છે. આપણા પ્રેમાળ પરમેશ્વર યહોવાહના હેતુ અને સુંદર ગુણો વિષે બીજાઓને જણાવીને આપણને ખરેખર આનંદ થાય છે.—ગીતશાસ્ત્ર ૭૧:૨૩.
આપણી પવિત્ર સેવા
૧૩ અભિષિક્ત ખ્રિસ્તીઓને પાઊલે લખ્યું: “કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો ઉપકાર માનીએ, જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ.” (હેબ્રી ૧૨:૨૮) પરમેશ્વરના રાજ્યમાં વારસો મેળવવાની ખાતરી સાથે અભિષિક્તજનો અડગ વિશ્વાસથી યહોવાહની ભક્તિ કરે છે. યહોવાહના આત્મિક મંદિરના પવિત્રસ્થાન અને અંદરના આંગણામાં ફક્ત તેઓ જ પવિત્ર સેવા આપી શકે છે. તેઓ પરમપવિત્ર સ્થાનમાં, સ્વર્ગમાં ઈસુ સાથે સેવા કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓના સાથી, બીજાં ઘેટાં તેઓની ભવ્ય આશામાં ખૂબ આનંદ કરે છે.—હેબ્રી ૬:૧૯, ૨૦; ૧૦:૧૯-૨૨.
૧૪ બીજા ઘેટાં પવિત્ર સેવા ક્યાં કરે છે? પ્રેષિત યોહાને અગાઉથી જોયું હતું એમ, આ છેલ્લા દિવસોમાં એક મોટું ટોળું દેખાયું છે, અને “તેઓએ પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.” (પ્રકટીકરણ ૭:૧૪) હા, અભિષિક્ત ખ્રિસ્તીઓની જેમ, તેઓ ઈસુની સેવા, એટલે કે મનુષ્યો માટે તેમણે આપેલા સંપૂર્ણ જીવનના બલિદાનમાં વિશ્વાસ કરે છે. બીજાં ઘેટાં ઈસુની સેવામાંથી પણ લાભ મેળવે છે, અને “[યહોવાહના] કરારને વળગી રહે છે.” (યશાયાહ ૫૬:૬) તેઓ નવા કરારમાં ભાગ લેનારા નથી છતાં, તેઓ એના નિયમોને આધીન રહે છે અને એના દ્વારા થયેલી ગોઠવણોને પૂરો સહકાર આપે છે. તેઓ પરમેશ્વરના અભિષિક્તો સાથે સંગત ધરાવે છે, તેઓના જેવો જ આત્મિક ખોરાક ખાય છે. તેઓ યહોવાહની ભક્તિમાં અભિષિક્તો સાથે ખભેખભા મીલાવીને પ્રચાર કરે છે તથા યહોવાહને પસંદ પડે એવાં કાર્યો કરે છે.—હેબ્રી ૧૩:૧૫.
૧૫ આમ, મોટા ટોળાના લોકો “રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા.” “તેઓ દેવના રાજ્યાસનની આગળ છે, અને તેના મંદિરમાં રાતદહાડો તેની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપરૂપે રહેશે.” (પ્રકટીકરણ ૭:૯, ૧૫) ઈસ્રાએલમાં સાચો ધર્મ સ્વીકારનારા પરદેશીઓ સુલેમાનના મંદિર બહારના આંગણામાં ભક્તિ કરતા. એવી જ રીતે, યહોવાહના આત્મિક મંદિરના બહારના આંગણામાં મોટું ટોળું યહોવાહને ભજે છે. તેઓને એ સેવા આપવામાં આનંદ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૨૨:૧) છેલ્લી અભિષિક્ત વ્યક્તિ સ્વર્ગમાં વારસો મેળવશે પછી પણ મોટું ટોળું યહોવાહના લોકો તરીકે પવિત્ર સેવા કરવાનું ચાલુ રાખશે.—પ્રકટીકરણ ૨૧:૩.
અસ્વીકાર્ય સેવા
૧૬ પ્રાચીન ઈસ્રાએલમાં પવિત્ર સેવા યહોવાહના નિયમોની સુમેળમાં કરવાની હતી. (નિર્ગમન ૩૦:૯; લેવીય ૧૦:૧, ૨) એ જ રીતે, આજે આપણે યહોવાહને સ્વીકાર્ય પવિત્ર સેવા આપવા અમુક બાબતો કરવાની જરૂર છે. તેથી, પાઊલે કોલોસીના ભાઈઓને લખ્યું: “તમે સર્વે આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે . . . તમારે સારૂ પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો, અને દેવ વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.” (કોલોસી ૧:૯, ૧૦) પરમેશ્વરની ભક્તિ કઈ રીતે કરવી એ આપણે નક્કી કરવાનું નથી. એ માટે પવિત્ર શાસ્ત્રનું ખરું જ્ઞાન, સમજણ અને પરમેશ્વરનું ડહાપણ અતિ મહત્ત્વનું છે. એ નહિ હોય તો, આપણે ખોટા માર્ગે જઈ શકીએ છીએ.
૧૭ મુસાના સમયના ઈસ્રાએલીઓ વિષે વિચારો. “દેવે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધા, કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૨) ઈસ્રાએલીઓએ નજરે જોયું હતું કે યહોવાહે તેઓનો બચાવ કઈ રીતે કર્યો હતો. તોપણ પોતાનો સ્વાર્થ હોય ત્યારે, તેઓ જૂઠાં દેવીદેવતાઓને ભજવા દોડી જતા, અને બેવફા બનતા હતા. પરંતુ, યહોવાહની પવિત્ર સેવા વફાદારીથી કરીએ તો જ તેમને ખુશ કરી શકાય છે. (ગીતશાસ્ત્ર ૧૮:૨૫) ખરું કે, આજે યહોવાહને છોડીને આકાશના તારા કે સોનાના વાછરડાની ભક્તિ કરવાવાળા બહું ઓછા છે. છતાં, મૂર્તિપૂજાના અનેક રૂપ છે. ઈસુએ ‘દ્રવ્ય’ વિષે ચેતવણી આપી, અને પાઊલે કહ્યું કે દ્રવ્યલોભ મૂર્તિપૂજા છે. (માત્થી ૬:૨૪; કોલોસી ૩:૫) શેતાન પણ પોતાને એક દેવ તરીકે રજૂ કરે છે. (૨ કોરીંથી ૪:૪) આજે, જ્યાં જુઓ ત્યાં આવી મૂર્તિપૂજા જોવા મળે છે, અને એ એક જાળ જેવી છે. દાખલા તરીકે, વિચાર કરો કે એક વ્યક્તિ ઈસુને પગલે ચાલવાનો દાવો કરે છે. પરંતુ, તેનો ધ્યેય પૈસા કમાવાનો છે અથવા તે પોતાના પર કે પોતાની હોશિયારી પર જ પૂરો ભરોસો રાખે છે. ખરેખર તે કોની સેવા કરે છે? શું તે યશાયાહના સમયના યહુદીઓ જેવો જ નથી, જેઓ યહોવાહના નામે સમ તો ખાતા, પણ યહોવાહના મહાન કાર્યોનો મહિમા અશુદ્ધ મૂર્તિઓને આપતા હતા?—યશાયાહ ૪૮:૧, ૫.
૧૮ ઈસુએ પણ ચેતવણી આપી: “એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે, એમ તેને લાગશે.” (યોહાન ૧૬:૨) શાઊલ જે પ્રેષિત પાઊલ બન્યા, તેમણે ‘સ્તેફનનું ખૂન કરવાની સંમતિ આપી’ અને “પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ” આપી. તે તો એમ જ વિચારતા હતા કે પોતે પરમેશ્વરની સેવા કરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧; ૯:૧) આજે, કોમ કે જાતિભેદને કારણે હિંસા આચરનારાઓ પણ પરમેશ્વરની ભક્તિ કરવાનો દાવો કરે છે. ખરેખર, પરમેશ્વરની ભક્તિ કરવાનો દાવો કરનારા તો ઘણા છે, પણ તેઓની ભક્તિ રાષ્ટ્રવાદ, જાતિવાદ, ધનદોલત, પોતાને અથવા બીજા દેવદેવીઓને હોય છે.
૧૯ ઈસુએ કહ્યું: “પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.” (માત્થી ૪:૧૦) ઈસુએ આ શેતાનને કહ્યું હતું, પણ એ શબ્દો આપણા માટે પણ કેટલા મહત્ત્વના છે! વિશ્વના સર્વોપરી પ્રભુની પવિત્ર સેવા કરવાનો કેવો મહાન લહાવો આપણને મળ્યો છે! આપણી ભક્તિને લગતી સેવા વિષે શું કહી શકાય? મનુષ્યોના ભલા માટે કામ કરવાથી આપણને ઘણો જ આનંદ મળે છે. (ગીતશાસ્ર ૪૧:૧, ૨; ૫૯:૧૬) તેમ છતાં, આવી સેવા પૂરા દિલથી અને યોગ્ય રીતે કરીશું તો જ આપણને સાચો આનંદ મળશે. પરમેશ્વરની ભક્તિ કોણ સાચી રીતે કરે છે? કોની પવિત્ર સેવા યહોવાહ સ્વીકારે છે? આ પ્રશ્નોના જવાબ આપણી ભક્તિને લગતા બાઇબલના ત્રીજા શબ્દને તપાસવાથી મળશે. એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.
[ફુટનોટ્સ]
a કહેવાતા ખ્રિસ્તીઓની સેવાઓ મોટે ભાગે ધાર્મિક કે ખાસ વિધિઓ હોય છે. જેમ કે રોમન કૅથલિક ચર્ચમાં યુકરીસ્ટ કે પ્રભુભોજનની વિધિ થાય છે.
b અંત્યોખમાં પ્રબોધકો અને શિક્ષકો યહોવાહની “સેવા” (લીટુરિયાને લગતા ગ્રીક શબ્દનું ભાષાંતર) કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨, IBSI) મોટે ભાગે, આ સેવામાં પ્રચારકાર્ય પણ સમાયેલું હતું.
તમારો જવાબ શું છે?
• ઈસુએ કઈ મહાન સેવા કરી?
• ખ્રિસ્તીઓ કેવી સેવા આપે છે?
• ખ્રિસ્તી પવિત્ર સેવા શું છે, અને એ ક્યાં થઈ રહી છે?
• યહોવાહ પરમેશ્વરને ખુશ કરે એવી પવિત્ર સેવા કરવા શું જરૂરી છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આજે કયું ખોટું વલણ સામાન્ય છે, અને એ કઈ રીતે નુકસાન કરે છે?
૨. શું બતાવે છે કે આપવામાં વધારે આનંદ મળે છે?
૩. યહોવાહ અને આપણા ભાઈ-બહેનોની સેવામાં કેમ આનંદ મળે છે?
૪. કહેવાતા ખ્રિસ્તીઓ કેવી “સેવા” કરે છે?
૫, ૬. (ક) ઈસ્રાએલમાં કોણ સેવા આપતું હતું અને એના કયા લાભ હતા? (ખ) ઈસ્રાએલમાં થતી સેવાને બદલે, યહોવાહે કઈ મહાન સેવાની ગોઠવણ કરી અને શા માટે?
૭. ઈસુની સેવાથી આપણને કયા અજોડ લાભ થાય છે?
૮. નિયમ કરારની જગ્યાએ ઈસુએ કેવી સેવા બજાવી?
૯, ૧૦. ખ્રિસ્તીઓ કેવા પ્રકારની સેવા આપે છે?
૧૧. આપણા સર્વ માટે ઈશ્વરભક્ત આન્નાએ કેવો નમૂનો પૂરો પાડ્યો?
૧૨. આપણી પવિત્ર સેવાનું મુખ્ય પાસું કયું છે, અને કઈ રીતે એ સેવા પણ છે?
૧૩. યહોવાહના આત્મિક મંદિરના અંદરના આંગણામાં પવિત્ર સેવા કરનારા કઈ આશા રાખે છે, અને તેઓની સાથે કોણ આનંદ કરે છે?
૧૪. ઈસુએ કરેલી સેવાનો લાભ મોટું ટોળું કઈ રીતે મેળવે છે?
૧૫. બીજાં ઘેટાં ક્યાં પવિત્ર સેવા કરે છે, અને એની તેઓ પર શું અસર પડે છે?
૧૬. પવિત્ર સેવાને લગતી કઈ ચેતવણી મળે છે?
૧૭. (ક) મુસાના દિવસોમાં પવિત્ર સેવા કઈ રીતે ભ્રષ્ટ થઈ હતી? (ખ) આજે પવિત્ર સેવા કઈ રીતે ભ્રષ્ટ થઈ શકે?
૧૮. પ્રાચીન સમયમાં અને આજે કઈ ખોટી રીતે પવિત્ર સેવા થઈ રહી છે?
૧૯. (ક) આપણે પવિત્ર સેવા પ્રત્યે કેવું વલણ રાખીએ છીએ? (ખ) પવિત્ર સેવા કઈ રીતે કરવાથી ખુશી મળે છે?
[પાન ૧૦ પર ચિત્ર]
માબાપ આપીને ખુશ થાય છે
[પાન ૧૨, ૧૩ પર ચિત્રો]
ખ્રિસ્તીઓ બીજાઓને મદદ કરીને અને ખુશીના સમાચાર જાહેર કરીને સેવા આપે છે
[પાન ૧૪ પર ચિત્ર]
યહોવાહ આપણી પવિત્ર સેવાથી ખુશ થાય, એ માટે પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન અને સમજણ જરૂરી છે