યહોવાહને પસંદ પડે એવા અર્પણો
“તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું, અર્પણ કરો.”—રૂમી ૧૨:૧.
“જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.” (હેબ્રી ૧૦:૧) આ કલમમાં પ્રેષિત પાઊલે સ્પષ્ટ બતાવ્યું કે મનુષ્યોના ઉદ્ધારની વાત આવે છે ત્યારે, મુસાના નિયમમાંનાં બલિદાનોનો કાયમી લાભ ન હતો.—કોલોસી ૨:૧૬, ૧૭.
૨ શું એનો અર્થ એમ થાય કે, પંચગ્રંથમાં (મુસાનાં પાંચ પુસ્તકોમાં) મળતી અર્પણો અને બલિદાનની માહિતીથી આપણને કોઈ જ લાભ મળતો નથી? થોડા સમય પહેલાં જ, આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓના મંડળોની દેવશાહી સેવા શાળામાં, છેલ્લા એકાદ વર્ષમાં બાઇબલમાં પ્રથમ પાંચ પુસ્તકો વંચાયાં હતાં. કેટલાકને એ વાંચવામાં અને સમજવામાં ઘણી મહેનત કરવી પડી. શું તેઓની મહેનત પાણીમાં ગઈ? ના, કેમ કે રૂમી ૧૫:૪ કહે છે કે, “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” તેથી, આપણે અર્પણો અને બલિદાનો વિષેના જ્ઞાનમાંથી કઈ “શિખામણ” અને ‘દિલાસો’ મેળવી શકીએ?
શિખામણ અને દિલાસા માટે
૩ આજે આપણે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાનો આપવાની જરૂર નથી. તેમ છતાં, અર્પણોથી ઈસ્રાએલીઓએ જે પાપની માફી અને પરમેશ્વરની કૃપા મેળવી, એની આપણને પણ ખૂબ જ જરૂર છે. આપણે એવાં બલિદાનો ચઢાવતા ન હોવાથી, કેવી રીતે એ લાભોનો આનંદ માણી શકીએ? પ્રાણીનાં બલિદાનની મર્યાદા બતાવ્યા પછી, પાઊલે કહ્યું: “ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘હે ઈશ્વર, પશુઓનું રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. તેથી જ વેદી પર બલિદાન થવા માટે તમે મને આ શરીર આપ્યું છે. પાપોની માફીના અર્થે અપાતું પશુઓનું બલિદાન તમને પ્રસન્ન કરી શકે તેમ નહોતું, તેથી મેં કહ્યું, હે ઈશ્વર, શાસ્ત્રલેખ પ્રમાણે તમારી ઇચ્છા પૂર્ણ કરવા અને મારું જીવન અર્પી દેવા હું આવ્યો છું.’”—હેબ્રી ૧૦:૫-૭, IBSI.
૪ ગીતશાસ્ત્ર ૪૦:૬-૮માંથી પાઊલે જણાવ્યું કે, ઈસુ “યજ્ઞ તથા ખાદ્યાર્પણ” અને ‘દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ’ કાયમ કરવા આવ્યા ન હતા. કારણ કે, પાઊલે લખ્યું ત્યારે એ અર્પણો પરમેશ્વરને સ્વીકાર્ય ન હતાં. પરંતુ એના બદલે ઈસુ, પરમેશ્વર યહોવાહે બનાવેલા શરીરમાં આવ્યા, જે બધી જ રીતે આદમના શરીર જેવું હતું. (ઉત્પત્તિ ૨:૭; લુક ૧:૩૫; ૧ કોરીંથી ૧૫:૨૨, ૪૫) પરમેશ્વરના સંપૂર્ણ દીકરા તરીકે, ઈસુ ઉત્પત્તિ ૩:૧૫માં ઉલ્લેખ કરેલા સ્ત્રીના સંતાન થવાના હતા. ઈસુની પોતાની ‘એડી છૂંદાવાની’ હતી છતાં, તે ‘શેતાનનું માથું છૂંદવા’ પગલાં લેશે. આમ, ઈસુ મનુષ્યોના ઉદ્ધાર માટે યહોવાહે પૂરું પાડેલું સાધન બન્યા, જેમની હાબેલના સમયથી વિશ્વાસુ માણસો રાહ જોઈ રહ્યા હતા.
૫ ઈસુના આ મહત્ત્વના બલિદાન વિષે પાઊલ કહે છે: “આપણે તેનામાં દેવના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે [પરમેશ્વરે] આપણે વાસ્તે પાપરૂપ કર્યો.” (૨ કોરીંથી ૫:૨૧) “પાપરૂપ કર્યો,” એનું ભાષાંતર “પાપ માટેનું અર્પણ કર્યું” પણ થઈ શકે. પ્રેષિત યોહાન કહે છે: “તે આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે; અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત્ત છે.” (૧ યોહાન ૨:૨) આમ, ઈસ્રાએલીઓ બલિદાનથી અમુક સમય માટે જ લાભ મેળવતા, જ્યારે કે ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ બલિદાનથી પરમેશ્વર પાસે જઈ, કાયમી લાભ મેળવી શકે છે. (યોહાન ૧૪:૬; ૧ પીતર ૩:૧૮) આપણે પરમેશ્વરે પૂરા પાડેલા ખંડણી બલિદાનમાં વિશ્વાસ રાખીને, તેમને આધીન રહીએ તો, આપણે પણ પાપોની માફી મેળવી તેમની કૃપા અને આશીર્વાદ મેળવી શકીએ છીએ. (યોહાન ૩:૧૭, ૧૮) શું એ જાણીને આપણને દિલાસો મળતો નથી? તો પછી, આપણે ખંડણી બલિદાનમાં કઈ રીતે વિશ્વાસ બતાવી શકીએ?
૬ પરમેશ્વર પાસે જવાના ઉત્તમ માર્ગ વિષે સમજાવ્યા પછી, પ્રેષિત પાઊલ હેબ્રી ૧૦:૨૨-૨૫માં ત્રણ રીતો જણાવે છે. એનાથી આપણે પરમેશ્વર યહોવાહે કરેલી પ્રેમાળ ગોઠવણમાં વિશ્વાસ મૂકીને કદર બતાવી શકીએ. પાઊલે આપેલી આ સલાહ ખાસ કરીને “પરમ પવિત્રસ્થાનમાં” જનારા, એટલે કે સ્વર્ગમાં જનારા અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે હતી. છતાં, ઈસુના ખંડણી બલિદાનથી લાભ મેળવવા ઇચ્છનાર દરેક જણે પાઊલના આ પ્રેરિત શબ્દોને ધ્યાન આપવું જોઈએ.—હેબ્રી ૧૦:૨૦.
શુદ્ધ અને નિર્મળ અર્પણો ચઢાવો
૭ પાઊલ ખ્રિસ્તીઓને વિનંતી કરે છે કે, “દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારૂ આપણાં હૃદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધ જઈએ.” (હેબ્રી ૧૦:૨૨) અહીં પાઊલ નિયમશાસ્ત્ર હેઠળ બલિદાન ચઢાવતી વખતે જે કરવામાં આવતું હતું, એ જણાવે છે. એ યોગ્ય છે કારણ કે પરમેશ્વર એને સ્વીકારે માટે બલિદાન યોગ્ય હેતુથી ચઢાવેલું અને શુદ્ધ, તથા નિર્મળ હોવું જોઈએ. અર્પણમાં પશુઓનું કે ઘેટાંબકરાંનું બલિદાન ચઢાવવામાં આવતું હતું, જે “એબરહિત” અથવા ખોડ વિનાના શુદ્ધ પ્રાણીઓ હતા. અને પક્ષીઓના બલિદાનમાં હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ કરવાનું હતું. આમ જો એ નિયમ પ્રમાણે બલિદાન હોય તો, “પ્રાયશ્ચિત્ત કરવા તે તેને સારૂ માન્ય” હતું. (લેવીય ૧:૨-૪, ૧૦, ૧૪; ૨૨:૧૯-૨૫) અન્નનું અર્પણ ખમીર વિનાનું આપવાનું હતું કેમ કે ખમીર ભ્રષ્ટતા બતાવે છે. વળી તેમાં મધ, એટલે કે ફળની ચાસણી પણ નાખવાની ન હતી, કેમ કે એનાથી આથો ચડતો હતો. પ્રાણીનું કે અન્નનું અર્પણ વેદી પર કરવામાં આવતું ત્યારે, એમાં મીઠું નાખવામાં આવતું હતું, કેમ કે મીઠું સાચવણીનું કાર્ય કરે છે.—લેવીય ૨:૧૧-૧૩.
૮ બલિદાન ચઢાવનાર વિષે શું? નિયમશાસ્ત્ર બતાવે છે કે જે કોઈ યહોવાહ પાસે આવે, તે શુદ્ધ અને નિર્મળ હોવા જોઈએ. કોઈ વ્યક્તિ અમુક કારણોસર અશુદ્ધ થાય તો શું? તેણે પ્રથમ પાપ કે દોષ માટેનું બલિદાન ચઢાવીને યહોવાહની નજરમાં શુદ્ધ થવાનું હતું. જેથી, તેનું દહન કરેલું અર્પણ કે શાંતિ માટેનું અર્પણ યહોવાહ પરમેશ્વરને સ્વીકાર્ય થાય. (લેવીય ૫:૧-૬, ૧૫, ૧૭) તેથી, શું આપણે હંમેશા યહોવાહની નજરમાં શુદ્ધ રહેવાના મહત્ત્વની કદર કરીએ છીએ? યહોવાહ આપણી ભક્તિ સ્વીકારે એમ ચાહતા હોઈએ તો, આપણે બને એટલી જલદી પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ. પરમેશ્વરે પૂરી પાડેલી મદદનો આપણે તરત જ લાભ લેવો જોઈએ, જે “મંડળીના વડીલો” અને “આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત,” ઈસુ ખ્રિસ્ત છે.—યાકૂબ ૫:૧૪; ૧ યોહાન ૨:૧, ૨.
૯ આમ, યહોવાહ પરમેશ્વરને ચઢાવતાં બલિદાનોમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતા ચલાવી લેવામાં આવતી ન હતી. એ યહોવાહ પરમેશ્વર અને ઈસ્રાએલની આસપાસના રાષ્ટ્રોનાં જૂઠા દેવોને ચઢાવાતાં બલિદાનો વચ્ચે મોટો તફાવત હતો. નિયમશાસ્ત્રના બલિદાનો વિષેના આ મુખ્ય તફાવત પર એક લખાણ આમ કહે છે, “આપણે નોંધ લઈએ કે એમાં જાદુમંત્ર કે શકુન જોવા સાથે કોઈ સંબંધ નથી; ધાર્મિક ગાંડપણ, શરીરની રિબામણી, કે વ્યભિચારની સખત મનાઈ છે; કોઈ મનુષ્યનું બલિદાન ચઢાવવામાં આવતું નથી કે મૂએલાંને કોઈ બલિદાન ચઢાવાતાં નથી.” આ એક હકીકત તરફ ધ્યાન દોરે છે કે યહોવાહ પરમેશ્વર પવિત્ર છે, અને તે કોઈ પણ પ્રકારનાં પાપ કે અશુદ્ધતાને ચલાવી લેતા નથી. (હબાક્કૂક ૧:૧૩) તેમની ભક્તિ શારીરિક, નૈતિક અને ધાર્મિક શુદ્ધતા તથા નિર્મળતાથી થવી જોઈએ.—લેવીય ૧૯:૨; ૧ પીતર ૧:૧૪-૧૬.
૧૦ એ બાબત ધ્યાનમાં રાખીને, આપણે જીવનના દરેક પાસાની તપાસ કરવી જોઈએ, જેથી આપણી ભક્તિ યહોવાહ પરમેશ્વરને સ્વીકાર્ય થાય. આપણે એમ ધારી લેવું ન જોઈએ કે, આપણે ખ્રિસ્તી સભાઓ અને સેવાકાર્યમાં ભાગ લઈએ છીએ, એટલે ગમે તે કરીએ એ ચાલશે. ખ્રિસ્તી કાર્યોમાં ભાગ લેવાથી આપણને પરમેશ્વરના નિયમો તોડવાનું લાયસન્સ મળી જતું નથી. (રૂમી ૨:૨૧, ૨૨) તેથી આપણે યહોવાહની નજરમાં જે અશુદ્ધ અને ખરાબ હોય, એ જ કરતા હોઈએ તો, કઈ રીતે તેમના આશીર્વાદ અને કૃપા મેળવી શકીએ? પાઊલના આ શબ્દો યાદ રાખો: “ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું, કે દેવની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.”—રૂમી ૧૨:૧, ૨.
પૂરા દિલથી અર્પણો ચડાવો
૧૧ હેબ્રીઓને પત્રમાં પાઊલ સાચી ભક્તિનાં મહત્ત્વના પાસા વિષે બતાવે છે: “આપણે આપણી આશાની કબૂલાત દૃઢ પકડી રાખીએ, કેમકે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે.” (હેબ્રી ૧૦:૨૩) “કબૂલાત” અહીં જાહેર કરવાના અર્થમાં છે, જેને પાઊલ “સ્તુતિરૂપ યજ્ઞ” પણ કહે છે. (હેબ્રી ૧૩:૧૫) એ આપણને યાદ કરાવે છે કે હાબેલ, નુહ અને ઈબ્રાહીમ જેવા યહોવાહના ભક્તોએ કેવા પ્રકારના બલિદાનો આપ્યાં હતાં.
૧૨ ઈસ્રાએલીઓએ યહોવાહને દહન કરેલું અર્પણ સ્વેચ્છાએ ચઢાવવાનું હતું. એવા બલિદાનથી, તે સ્વેચ્છાએ કબૂલે છે કે, યહોવાહનો ભરપૂર આશીર્વાદ અને પ્રેમાળ-કૃપા તેમના લોકો પર છે. યાદ કરો કે દહન કરેલાં અર્પણનું ખાસ પાસું એ હતું કે સમગ્ર બલિદાન વેદી પર ભસ્મ કરવામાં આવતું હતું, જે પૂરેપૂરી ભક્તિ અને સમર્પણનું યોગ્ય ચિહ્ન છે. તેથી, આપણે યહોવાહને સ્વેચ્છાએ અને પૂરા દિલથી “સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ” કરીએ ત્યારે, આપણે ખંડણી બલિદાનમાં વિશ્વાસ અને પરમેશ્વરે કરેલી એ ગોઠવણની કદર કરીએ છીએ.
૧૩ ભલે ખ્રિસ્તીઓ આજે પ્રાણી અને અન્નફળનાં બલિદાનો ચઢાવતા નથી. છતાં, તેઓને રાજ્ય સંદેશો જણાવવાની અને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનાવવાની જવાબદારી મળી છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) શું તમે પરમેશ્વરના રાજ્યનો સંદેશો જાહેર કરવાની દરેક તકનો લાભ લો છો? જેથી, વધારેને વધારે લોકો પરમેશ્વરે રાખેલા અદ્ભુત ભાવિ વિષે જાણી શકે? શું તમે સ્વેચ્છાએ તમારો સમય અને શક્તિ વાપરીને, વધારે જાણવાનું ઇચ્છનારાઓને શીખવો છો? તેમ જ, તેઓને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરો છો? સેવાકાર્યમાં આપણો ઉત્સાહ, દહન કરેલાં અર્પણની સુગંધ જેવો છે, જેનાથી પરમેશ્વર ખુશ થાય છે.—૧ કોરીંથી ૧૫:૫૮.
પરમેશ્વર અને તેમના લોકો સાથે મિત્રતા
૧૪ છેવટે, પાઊલ આપણું ધ્યાન પરમેશ્વરના લોકોની મિત્રતાનો આનંદ માણવા તરફ દોરે છે. “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હેબ્રી ૧૦:૨૪, ૨૫) “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા,” “એકઠા મળવા” અને “એકબીજાને ઉત્તેજન આપીએ,” એ સર્વ આપણને ઈસ્રાએલમાં શાંતિના અર્પણોની યાદ અપાવે છે.
૧૫ ‘શાંત્યર્પણ’ એટલે કે શાંતિ માટેનાં અર્પણો. અહીં “શાંતિ” માટેનો હેબ્રી શબ્દ બહુવચનમાં છે. એ બતાવે છે કે એવાં બલિદાનો કરવાથી પરમેશ્વર અને તેમના લોકો સાથે શાંતિ આવે છે. શાંતિના અર્પણો વિષે એક પંડિતે કહ્યું કે, “એ ખરેખર કરારના પરમેશ્વર સાથે આનંદી સંગતનો સમય હતો. ભલે તે હંમેશા તેઓના યજમાન હતા, પણ આ પ્રસંગે તેમણે મહેમાન બનવાની કૃપા કરી.” એ આપણને ઈસુનું વચન યાદ કરાવે છે: “જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થએલા હોય ત્યાં તેઓની વચમાં હું છું.” (માત્થી ૧૮:૨૦) દરેક ખ્રિસ્તી સભાઓમાં આપણને ઉત્તેજન આપનાર સંગત અને શિક્ષણ મળે છે. તેમ જ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્યે છે, એ વિચારથી પણ ઘણું ઉત્તેજન મળે છે. એનાથી આપણી સભાઓ ખરેખર આનંદી અને વિશ્વાસ દૃઢ કરનારી બને છે.
૧૬ શાંતિના અર્પણમાં બધી જ ચરબી, એટલે કે આંતરડાં અને કિડનીની આસપાસની ચરબી, કલેજા પરનું અંતરપડ અને કમરનો ભાગ તથા ઘેટાંનું અર્પણ હોય તો એની ચરબીવાળી પૂંછડીને પણ વેદી પર બાળી યહોવાહને અર્પવાની હતી. (લેવીય ૩:૩-૧૬) ચરબીને પ્રાણીનો સૌથી ઉત્તમ ભાગ ગણવામાં આવતો હતો. વેદી પર એનું અર્પણ કરવાનો અર્થ એવો થયો કે, યહોવાહને સૌથી ઉત્તમ આપવું. આજે આપણે આવા અર્પણો સભાઓમાં પૂરા દિલથી રાજ્યગીત ગાઈને, પૂરા ધ્યાનથી સાંભળીને અને તક મળે તેમ જવાબો આપીને કરીએ છીએ. આમ, સભાઓ આનંદી હોવાનું કારણ ફક્ત એમાં મળતું શિક્ષણ જ નથી, પણ યહોવાહની ભક્તિનાં અર્પણ છે. ગીતશાસ્ત્રના લેખક ઉત્તેજન આપે છે: “યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની આગળ નવું ગીત ગાઓ, વળી સંતોની સભામાં તેની સ્તુતિ કરો.”—ગીતશાસ્ત્ર ૧૪૯:૧.
યહોવાહ પાસેથી ભરપૂર આશીર્વાદો
૧૭ રાજા સુલેમાને ૧૦૨૬ બી.સી.ઈ.ના સાતમાં મહિનામાં યરૂશાલેમના મંદિરનું ઉદ્ઘાટન કર્યું. એ વખતે, તેમણે “યહોવાહને બલિદાન આપ્યાં . . . દહનીયાર્પણ, ખાદ્યાર્પણ, તથા શાંત્યર્પણોનો મેદ, ચઢાવ્યાં.” એ પ્રસંગે તેમણે અન્નના અર્પણ ઉપરાંત, કુલ ૨૨,૦૦૦ પ્રાણી તથા ૧,૨૦,૦૦૦ ઘેટાંનું બલિદાન કર્યું.—૧ રાજા ૮:૬૨-૬૫.
૧૮ જરા વિચારો કે આ ભવ્ય ઉજવણીમાં કેટલો ખર્ચ અને કામ કરવું પડ્યું હશે? છતાં, ઈસ્રાએલીઓને મળેલા આશીર્વાદો એની કિંમત કરતાં ઘણા મૂલ્યવાન હતા. એ ઉજવણીના અંતે, સુલેમાને “લોકોને વિદાય કર્યા, ને તેઓએ રાજાને આશીર્વાદ દીધો, ને જે સર્વ ભલાઈ યહોવાહે પોતાના સેવક દાઊદને તથા પોતાના ઈસ્રાએલ લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાના તંબુએ ગયા.” (૧ રાજા ૮:૬૬) સાચે જ, સુલેમાને કહ્યું તેમ, “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.”—નીતિવચન ૧૦:૨૨.
૧૯ આજે આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ કે જ્યાં ‘સારી વસ્તુઓની પ્રતિછાયાને’ બદલે એની “ખરી પ્રતિમાઓ” છે. (હેબ્રી ૧૦:૧) ઈસુ ખ્રિસ્ત, મહાન પ્રમુખ યાજક સ્વર્ગમાં પ્રવેશી ચૂક્યા છે. તેમણે તેમના ખંડણી બલિદાનમાં વિશ્વાસ રાખનારા લોકોના પ્રાયશ્ચિત માટે પોતાના લોહીનું મૂલ્ય રજૂ કર્યું છે. (હેબ્રી ૯:૧૦, ૧૧, ૨૪-૨૬) એ મહાન બલિદાન અને પરમેશ્વરને પૂરા હૃદયથી શુદ્ધ તથા નિર્મળ બલિદાનો આપવાને આધારે, આપણે પણ ‘મનમાં હરખાઈને આનંદ કરી’ શકીએ. તેમ જ, યહોવાહ પરમેશ્વરના ભરપૂર આશીર્વાદોની આશા રાખી શકીએ.—માલાખી ૩:૧૦.
તમારો જવાબ શું છે?
• નિયમશાસ્ત્રનાં બલિદાનો અને અર્પણો પરથી, કેવું શિક્ષણ તથા દિલાસો મળે છે?
• યહોવાહ બલિદાન સ્વીકારે, એની પહેલી જરૂરિયાત કઈ છે અને એનો આપણા માટે શું અર્થ થાય?
• સ્વેચ્છાએ કરેલાં અર્પણોની જેમ, આજે આપણે શું આપી શકીએ?
• ખ્રિસ્તી સભાઓને કઈ રીતે શાંતિના અર્પણો સાથે સરખાવી શકાય?
[અભ્યાસ પ્રશ્નો]
૧. મુસાના નિયમમાંનાં બલિદાનો વિષે બાઇબલ શું કહે છે?
૨. અર્પણો અને બલિદાનો વિષેની બાઇબલમાંની માહિતી સમજવી શા માટે જરૂરી છે?
૩. આપણને શાની જરૂર છે?
૪. પાઊલ કઈ રીતે ગીતશાસ્ત્ર ૪૦:૬-૮ ઈસુ ખ્રિસ્તને લાગુ પાડે છે?
૫, ૬. કયા ઉત્તમ માર્ગથી આપણે પરમેશ્વર પાસે જઈ શકીએ?
૭. (ક) હેબ્રી ૧૦:૨૨ પ્રમાણે કેવાં બલિદાનો ચઢાવવામાં આવતાં હતાં? (ખ) પરમેશ્વર બલિદાનો સ્વીકારે એ માટે શું ધ્યાનમાં રાખવાનું હતું?
૮. (ક) બલિદાન ચઢાવનાર કેવા હતા? (ખ) યહોવાહ પરમેશ્વર આપણી ભક્તિ સ્વીકારે એ માટે શું કરવું જોઈએ?
૯. યહોવાહ પરમેશ્વર અને જૂઠા દેવોને ચડાવાતાં બલિદાનો વચ્ચે શું તફાવત હતો?
૧૦. રૂમી ૧૨:૧, ૨ પ્રમાણે આપણે પોતાની કેવી તપાસ કરવી જોઈએ?
૧૧. હેબ્રી ૧૦:૨૩માં શાના વિષે જણાવવામાં આવે છે?
૧૨, ૧૩. ઈસ્રાએલીઓ દહન કરેલાં અર્પણથી શું કબૂલ કરતા હતા, અને આપણે કેવી રીતે એવું જ વલણ રાખી શકીએ?
૧૪. હેબ્રી ૧૦:૨૪, ૨૫માંના શબ્દો કઈ રીતે શાંતિના અર્પણોની યાદ અપાવે છે?
૧૫. શાંતિનાં અર્પણ અને ખ્રિસ્તી સભાઓ વચ્ચે કઈ રીતે સરખાપણું છે?
૧૬. શાંતિના અર્પણો વિષે વિચારતા, શાનાથી સભાઓ આનંદી બને છે?
૧૭, ૧૮. (ક) યરૂશાલેમના મંદિરના ઉદ્ઘાટન વખતે સુલેમાને કેવાં ભવ્ય અર્પણો ચઢાવ્યાં? (ખ) મંદિરના ઉદ્દઘાટનના એ પ્રસંગમાંથી લોકોને કેવા આશીર્વાદ મળ્યા?
૧૯. યહોવાહ પાસેથી હમણાં અને ભાવિના આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૮ પર ચિત્ર]
યહોવાહે મનુષ્યોના ઉદ્ધાર માટે ઈસુનું ખંડણી બલિદાન આપ્યું
[પાન ૨૦ પર ચિત્ર]
યહોવાહ આપણી ભક્તિ સ્વીકારે એ માટે આપણે સર્વ અશુદ્ધતાથી દૂર રહેવું જોઈએ
[પાન ૨૧ પર ચિત્ર]
પ્રચાર કરીને આપણે યહોવાહની ભલાઈની કબૂલાત કરીએ છીએ