‘એમ દોડો કે તમને ઈનામ મળે’
‘એમ દોડો કે તમને ઈનામ મળે.’—૧ કોરીં. ૯:૨૪.
૧, ૨. (ક) હિબ્રૂ ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા પાઊલે કોના દાખલાનો ઉપયોગ કર્યો? (ખ) આપણને કેવું ઉત્તેજન મળે છે?
હિબ્રૂ ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા પ્રેરિત પાઊલે તેઓને લખેલા પત્રમાં દોડવીરનો જોરદાર દાખલો આપ્યો. તેમણે મંડળના ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે જીવનની દોડમાં તેઓ એકલા નથી. તેઓની ‘આસપાસ શાહેદોની મોટી ભીડ’ છે, જેઓએ સફળતાથી આ દોડ પૂરી કરી છે. એ પ્રાચીન ભક્તોની મહેનત અને શ્રદ્ધાનો વિચાર કરવાથી, હિબ્રૂ ખ્રિસ્તીઓને દોડમાં ટકી રહેવા જરૂર પ્રેરણા મળી હશે. તેઓના દાખલાથી ખ્રિસ્તીઓને આગળ વધવા ઉત્તેજન મળ્યું હશે.
૨ આગલા લેખમાં આપણે ‘શાહેદોની મોટી ભીડʼમાંથી અમુકના દાખલાનો વિચાર કર્યો. એમાંથી જોઈ શકીએ છીએ કે અડગ શ્રદ્ધા રાખવાથી તેઓ ઈશ્વરને વફાદાર રહી શક્યા અને દોડ પૂરી કરી શક્યા. તેઓ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એ લેખમાં જોયું તેમ, પાઊલે એ મંડળના ભાઈ-બહેનોને જે ઉત્તેજન આપ્યું એ આપણને પણ લાગુ પડે છે. તેમણે કહ્યું, “દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.”—હેબ્રી ૧૨:૧.
૩. ગ્રીક દોડવીરોનો દાખલાનો ઉપયોગ કરીને પાઊલ શું કહેવા માગતા હતા?
૩ પ્રથમ સદીના બિનયહુદી લોકોને દોડની રમત જોવાની બહુ ગમતી. એક પુસ્તક કહે છે કે ‘ગ્રીક દોડવીરો નગ્ન કસરત કરતા અને હરીફાઈમાં ભાગ લેતા.’a (બેકગ્રાઉન્ડ્સ ઑફ અર્લિ ક્રિશ્ચિયાનિટી) નગ્ન દોડવાનું કારણ એ હતું કે તેઓને કંઈ નડે નહિ, તેમ જ કપડાંના વજનને લીધે ધીમા ન પડી જવાય. આ જાણીને તમને થશે કે ‘એ કેટલું બેશરમ કહેવાય!’ પરંતુ આ દોડવીરોનો એક જ ધ્યેય હતો કે ગમે તેમ કરીને શરતમાં જીતવું. આ દાખલાનો ઉપયોગ કરીને પાઊલ કહેવા માગતા હતા કે જીવનની દોડમાં નડતર બનતી સર્વ બાબતોને છોડી દઈએ. એ જમાનાના ખ્રિસ્તીઓ માટે એ બહુ અગત્યની સલાહ હતી. એ આપણા માટે પણ એટલું જ અગત્યનું છે. તો સવાલ થાય કે જીવનમાં કેવી બોજારૂપ બાબતો છે જે આપણને ઈનામ જીતતા અટકાવી શકે?
‘દરેક જાતનો બોજો નાખી દઈએ’
૪. નુહના દિવસોમાં લોકો શામાં ડૂબેલાં હતાં?
૪ પાઊલે સલાહ આપી: ‘દરેક જાતનો બોજો નાખી દઈએ.’ એમાં શું આવી જાય છે? એવી કોઈ પણ બાબત જે જીવનની દોડમાંથી આપણું ધ્યાન ફંટાવી દે. પાઊલની જેમ ઈસુએ પણ નુહ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું: “જેમ નુહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.” (લુક ૧૭:૨૬) આ કલમમાં ઈસુએ વિનાશ પર નહિ, પણ એ સમયના લોકોના રોજિંદા કામો પર વધારે ભાર મૂક્યો. (માત્થી ૨૪:૩૭-૩૯ વાંચો.) નુહના દિવસોમાં મોટા ભાગના લોકોને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવું ન હતું. તેઓ શામાં ડૂબેલાં હતાં? તેઓ ખાવું-પીવું અને લગ્ન કરવા જેવા સામાન્ય કામોમાં ડૂબેલાં હતાં. ઈસુએ કહ્યું હતું તેમ તેઓ જે સમયમાં જીવી રહ્યા હતા એની ગંભીરતા ‘સમજ્યા નહિ.’
૫. દોડ પૂરી કરવા આપણને શું મદદ કરશે?
૫ નુહ અને તેમના કુટુંબની જેમ, આપણી પાસે પણ દરરોજ ઘણાં કામ હોય છે. નોકરી-ધંધા માટે તેમ જ પોતાની અને કુટુંબની સંભાળ રાખવા માટે ઘણો સમય અને મહેનત માગી લે છે. ખાસ કરીને મંદીના સમયમાં એ જવાબદારીઓ ઉપાડવી વધારે અઘરી હોય છે. એટલે આપણે સહેલાઈથી જીવનની ચિંતામાં ડૂબી જઈ શકીએ છીએ. પણ યહોવાહના ભક્તો તરીકે આપણી પાસે અનેક મહત્ત્વની જવાબદારી છે. જેમ કે, પ્રચારમાં જવું, સભાની તૈયારી કરવી અને એમાં હાજરી આપવી. ઉપરાંત, પોતાનો વિશ્વાસ મક્કમ રાખવા બાઇબલનો અભ્યાસ કરવો અને કુટુંબ સાથે ભેગાં મળીને ભક્તિ કરવી. નુહ પાસે ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ હતું, છતાં ‘તેમણે એ પ્રમાણે જ કર્યું.’ (ઉત. ૬:૨૨) જીવનની દોડ પૂરી કરવા બને એટલો બોજો હલકો કરીએ તેમ જ બિનજરૂરી બોજો ન ઉપાડીએ.
૬, ૭. ઈસુના કયા શબ્દો હંમેશાં યાદ રાખવા જોઈએ?
૬ પાઊલે કહ્યું કે આપણે ‘દરેક જાતનો બોજો’ નાખી દઈએ. ખરું કે આપણે જીવનની બધી જવાબદારીઓ સાવ છોડી દઈ શકતા નથી. પણ વિચાર કરો કે ઈસુએ શું કહ્યું: “અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે.” (માથ. ૬:૩૧, ૩૨) ઈસુના શબ્દો બતાવે છે કે જો ખ્યાલ નહિ રાખીએ, તો ખોરાક અને કપડાં જેવી સામાન્ય ચીજો આપણા માટે બોજ બની શકે. અરે, એની પાછળ પડવાથી આપણે જીવનની દોડમાં ઠોકર પણ ખાઈ શકીએ.
૭ ઈસુના આ શબ્દોનો વિચાર કરો: “તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે.” એ શબ્દો બતાવે છે કે આપણા પિતા યહોવાહ જરૂર આપણી સંભાળ રાખશે. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે જે કંઈ પણ ચાહતા હોઈએ “એ બધાની” ભૂખ યહોવાહ સંતોષશે. એટલે ઈસુએ કહ્યું કે જે “સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે” એના માટે આપણે ચિંતા કરવી ન જોઈએ. કેમ? ઈસુએ કહ્યું: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.”—લુક ૨૧:૩૪, ૩૫.
૮. ‘દરેક જાતનો બોજો’ હમણાં જ નાખી દેવો કેમ જરૂરી છે?
૮ જીવનની દોડની અંતિમ રેખા જાણે આંખો સામે જ છે. જો આપણે બિનજરૂરી બોજો ઉપાડવા માંડીએ અને દોડમાં સાવ ધીમા પડી જઈએ, તો એ બહુ અફસોસની વાત કહેવાશે. તેથી પાઊલની આ સલાહ ધ્યાનમાં લેવી જોઈએ: “સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.” (૧ તીમો. ૬:૬) આ શબ્દો દિલમાં ઉતારીશું, તો દોડ પૂરી કરવાની વધારે શક્યતા છે.
“વળગી રહેનાર પાપ”
૯, ૧૦. (ક) “વળગી રહેનાર પાપ” શાને બતાવે છે? (ખ) આપણે કઈ રીતે વિશ્વાસ ગુમાવી શકીએ?
૯ ‘દરેક જાતનો બોજો’ હલકો કરવાની સાથે પાઊલે કહ્યું કે “વળગી રહેનાર પાપ”ને છોડી દો. મૂળ ગ્રીક ભાષામાં “વળગી રહેનાર” માટેનો ગ્રીક શબ્દ બાઇબલમાં ફક્ત આ જ કલમમાં જોવા મળે છે. એના વિષે બાઇબલ પ્રોફેસર આલ્બર્ટ બાર્ન્સ કહે છે કે દોડવીર ધ્યાન રાખતો કે તે એવા કપડાં ન પહેરે જે પગમાં વીંટળાઈ જાય ને દોડમાં ધીમા પડી જવાય. એવી જ રીતે, દરેક ખ્રિસ્તીએ એવા કોઈ પણ કાર્યો કે બાબતમાં વીંટાઈ ન જવું જોઈએ જેથી વિશ્વાસ નબળો પડી જાય?
૧૦ હકીકત એ છે કે વ્યક્તિ રાતોરાત પોતાનો વિશ્વાસ ગુમાવી દેતો નથી, પણ સમય જતાં એમ થાય છે. ઘણી વાર વ્યક્તિને એનો ખ્યાલ પણ રહેતો નથી. હેબ્રીઓના પત્રની શરૂઆતના અધ્યાયોમાં પાઊલે સત્યથી “દૂર ખેંચાઈ” જવા વિષે ચેતવ્યા. તેમણે કહ્યું, “કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું” ન થઈ જવું જોઈએ. (હેબ્રી ૨:૧; ૩:૧૨) જો દોડવીરના કપડાં પગમાં વીંટળાઈ જાય, તો જરૂર તે પડશે. જ્યારે દોડવીર જાણીજોઈને એવા કપડાં પહેરે ત્યારે પડવાની શક્યતા વધારે હોય છે. પણ તમને થશે કે તે કેમ ચેતવણી નથી સાંભળતો? કદાચ તે બેપરવા છે, કે વધારે પડતો આત્મવિશ્વાસ છે અથવા તેનું ધ્યાન ફંટાઈ ગયું છે. પાઊલની સલાહમાંથી આપણે શું શીખી શકીએ?
૧૧. આપણે શાના લીધે વિશ્વાસ ગુમાવી શકીએ?
૧૧ આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે જો ખોટી પસંદગી કરીશું તો વિશ્વાસ ગુમાવી દઈશું. “વળગી રહેનાર પાપ” વિષે એક બીજા પ્રોફેસરે કહ્યું, ‘આપણા સંજોગો, સોબત અને ખોટી ઇચ્છાઓ આપણને ગંભીર રીતે અસર કરી શકે છે.’ એ બાબતોથી આપણો વિશ્વાસ નબળો પડી જઈ શકે. અરે, આપણે વિશ્વાસ ગુમાવી શકીએ.—માથ. ૧૩:૩-૯.
૧૨. આપણે વિશ્વાસ ગુમાવી ન બેસીએ એ માટે કેવી ચેતવણી યાદ રાખવાની જરૂર છે?
૧૨ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર વર્ષોથી આપણને ચેતવે છે કે શું જોવું જોઈએ અને શું સાંભળવું જોઈએ. નહિતર એ બાબતો આપણા વિચારો અને ઇચ્છાઓને અસર કરશે. તેઓએ આપણને પૈસા અને માલ-મિલકતની પાછળ ન દોડવા વિષે પણ ચેતવ્યા છે. જો ખ્યાલ નહિ રાખીએ તો આ દુનિયાના મનોરંજનની માયાજાળમાં ફસાઈ જઈ શકીએ. તેમ જ નવી-નવી ઇલેક્ટ્રોનિક ચીજો મેળવવા પાછળ આપણે પડી જઈ શકીએ. આપણે કદી એમ ન વિચારવું જોઈએ કે તેઓની સલાહ બહુ કડક છે. અથવા ‘મને કંઈ થવાનું નથી, એ સલાહ તો બીજાઓ માટે છે.’ શેતાન ઘણી ચાલાકીથી આપણી આગળ ફાંદા અને લાલચો મૂકે છે. કેટલા દુઃખની વાત છે કે અમુકે વિશ્વાસ ગુમાવ્યો છે. આપણે ઈનામ ગુમાવી ના દઈએ એ માટે શું ખ્યાલ રાખવો જોઈએ? આપણે બેપરવા ના બનીએ. વધારે પડતો આત્મવિશ્વાસ ના બતાવીએ. ધ્યાન ફંટાવા ના દઈએ.—૧ યોહા. ૨:૧૫-૧૭.
૧૩. દુનિયાના લોકોના વિચારોની અસર ના થાય માટે શું કરવું જોઈએ?
૧૩ આપણે દુનિયાના લોકો સાથે રહેવું પડે છે. એટલે તેઓ દરરોજ દબાણ કરે છે કે તેઓના જેવા વાણી-વર્તન રાખીએ. (એફેસી ૨:૧, ૨ વાંચો.) પણ આપણે કેવા બનીએ એ આપણા જ હાથમાં છે. પાઊલે કહ્યું કે દુનિયાના લોકોના વિચારો જાણે ઝેરી હવા કે ‘વાયુ’ જેવા છે. જો ખ્યાલ નહિ રાખીએ તો એ ઝેરી હવા આપણે શ્વાસમાં લઈશું. એનાથી શ્વાસ રૂંધાઈ જશે અને આપણે જીવનની દોડ પૂરી નહિ કરી શકીએ. તો પછી દોડતા રહેવા આપણને ક્યાંથી મદદ મળી શકે? એ માટે આપણે ઈસુને અનુસરવું જોઈએ. તેમણે સૌથી સારી રીતે દોડ પૂરી કરી હતી. (હેબ્રી ૧૨:૨) આપણે પ્રેરિત પાઊલને પણ અનુસરી શકીએ. તેમણે પણ સફળતાથી દોડ પૂરી કરી હતી. તેમણે સાથી ખ્રિસ્તીઓને પોતાના દાખલાને અનુસરવા ઉત્તેજન આપ્યું હતું.—૧ કોરીં. ૧૧:૧; ફિલિ. ૩:૧૪.
ઈનામ મેળવવા શું કરીએ?
૧૪. દોડ પૂરી કરવા વિષે પાઊલને કેવું લાગ્યું?
૧૪ દોડ પૂરી કરવા વિષે પાઊલને કેવું લાગ્યું? જ્યારે એફેસસના વડીલો સાથે છેલ્લી વખત વાત કરી ત્યારે તેમણે કહ્યું: “હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.” (પ્રે.કૃ. ૨૦:૨૪) દોડ પૂરી કરવા પાઊલે બધું જ જતું કર્યું. અરે જીવ પણ આપવા તૈયાર હતા. જો દોડ પૂરી કરી ન હોત, તો સુવાર્તા માટેના તેમના કામો પર પાણી ફરી વળ્યું હોત. પાઊલે પોતા પર વધારે પડતો વિશ્વાસ રાખીને એમ માન્યું નહિ કે તે દોડ ચોક્કસ પૂરી કરશે. (ફિલિપી ૩:૧૨, ૧૩ વાંચો.) મરણના થોડા સમય પહેલાં જ પાઊલ કહી શક્યા: “હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.”—૨ તીમો. ૪:૭.
૧૫. પાઊલે સાથી ભાઈ-બહેનોને કેવી અરજ કરી?
૧૫ પાઊલ દિલથી ચાહતા હતા કે સાથી ભાઈ-બહેનો પણ દોડ પૂરી કરે. એટલે તેમણે ફિલિપીનાં ખ્રિસ્તીઓને તારણ માટે સખત મહેનત કરવા અરજ કરી. ‘જીવનનાં વચનʼને પકડી રાખવાનું ઉત્તેજન આપ્યું. પાઊલે કહ્યું: ‘જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું નકામું દોડ્યો નથી અને મેં નકામી મહેનત કરી નથી.’ (ફિલિ. ૨:૧૫, ૧૬) એવી જ રીતે કોરીંથના મંડળને ઉત્તેજન આપતા તેમણે કહ્યું: ‘એમ દોડો કે તમને ઈનામ મળે.’—૧ કોરીં. ૯:૨૪.
૧૬. આપણી નજર કેમ હંમેશાં ઈનામ પર રાખવી જોઈએ?
૧૬ મેરેથોનમાં દોડવીર દોડ શરૂ કરે ત્યારે તે અંતિમ રેખા જોઈ શકતો નથી. તેમ છતાં તેનું ધ્યાન ઈનામ તરફ જ હોય છે. જેમ અંતિમ રેખા નજીક આવે તેમ તે દોડ પૂરી કરવા વધારે પ્રયત્ન કરે છે. જીવનની દોડમાં પણ આવું જ બને છે. એ દોડ દરમિયાન આપણે પણ ઈનામ પર જ નજર રાખવી જોઈએ. એમ કરીશું તો દોડ જરૂર પૂરી કરી કરીશું.
૧૭. ઈનામ પર નજર રાખવા વિશ્વાસ કેમ જરૂરી છે?
૧૭ પાઊલે લખ્યું: “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) ઈબ્રાહીમ અને સારાહે એશઆરામી જીવન છોડીને “પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી” તરીકે રહેવાનું પસંદ કર્યું. તેઓએ શા માટે એવી પસંદગી કરી? કેમ કે તેઓ ઈશ્વરનાં ‘વચનોને વેગળેથી જોઈ’ શકતા હતા. મુસાએ “પાપનું ક્ષણિક સુખ” અને “મિસરમાંના દ્રવ્યભંડાર”નો નકાર કર્યો. શા માટે તે આટલી હિંમત અને શ્રદ્ધા બતાવી શક્યા? કેમ કે જે ‘ફળ મળવાનું હતું તે તરફ જ તેમણે લક્ષ રાખ્યું.’ (હેબ્રી ૧૧:૮-૧૩, ૨૪-૨૬) પાઊલે કહ્યું કે આ દરેક લોકો “વિશ્વાસથી” જીવ્યા. એ વિશ્વાસને લીધે જ તેઓ દુઃખ-તકલીફો સહન કરી શક્યા. તેમ જ એ જોઈ શક્યા કે ઈશ્વરે તેઓ માટે શું કર્યું છે અને ભાવિમાં શું કરશે.
૧૮. “વળગી રહેનાર પાપ”ને નાખી દેવા આપણે શું કરવું જોઈએ?
૧૮ હેબ્રીના ૧૧માં અધ્યાયમાં આપેલા વિશ્વાસુ ઈશ્વરભક્તોના દાખલા પર મનન કરવું જોઈએ. તેઓને અનુસરવા બનતું બધું જ કરવું જોઈએ. જો એમ કરીશું તો આપણો વિશ્વાસ મજબૂત થશે અને “વળગી રહેનાર પાપ”ને નાખી દઈ શકીશું. (હેબ્રી ૧૨:૧) વધુમાં “અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.” (હેબ્રી ૧૦:૨૪) એ માટે ચાલો આપણે યહોવાહના વિશ્વાસુ ભક્તો સાથે હળતા-મળતા રહીએ.
૧૯. ઈનામ પર નજર રાખવાનું તમને કેવું લાગે છે?
૧૯ જીવનની દોડની અંતિમ રેખા જાણે આંખો સામે જ છે. વિશ્વાસ રાખવાથી અને યહોવાહની મદદથી આપણે પણ “દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ”ને નાખી દઈ શકીએ છીએ. તો ચાલો આપણે દોડતા રહીએ અને પિતા યહોવાહ તરફથી અઢળક આશીર્વાદોનું ઈનામ મેળવીએ. (w11-E 09/15)
[ફુટનોટ]
a પ્રથમ સદીના યહુદીઓ માટે આ બહુ જ બેશરમ કહેવાતું. બીજા મક્કાબીઓના પુસ્તક મુજબ, જેસન નામનો ભ્રષ્ટ પ્રમુખ યાજક ચાહતો હતો કે યહુદીઓ બીજા લોકોની જેમ જીવે. એ માટે તેને યરૂશાલેમમાં ગ્રીક લોકોના જેવો અખાડો બનાવવો હતો. એ જાણીને યહુદીઓ બહુ ગુસ્સે થઈ ગયા.—૨ મક્કાબી. ૪:૭-૧૭.
તમને યાદ છે?
• ‘દરેક જાતનો બોજો નાખી’ દેવા શું કરવું જોઈએ?
• કયા કારણોથી આપણે વિશ્વાસ ગુમાવી શકીએ?
• આપણે શા માટે હંમેશાં ઈનામ પર નજર રાખવી જોઈએ?
[પાન ૨૬ પર ચિત્ર]
“વળગી રહેનાર પાપ” શું છે? એ આપણને કઈ રીતે બોજારૂપ બની શકે?