-
જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
પાઠ ૪૧
જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
જ્યારે જાતીય સંબંધ અથવા સેક્સની વાત આવે, ત્યારે ઘણા લોકો વાત કરતા અચકાય છે. પણ બાઇબલમાં એ વિશે સાફ સાફ જણાવ્યું છે અને એ પણ પૂરા આદર સાથે. સેક્સ વિશે બાઇબલની સલાહ પાળવાથી આપણું ભલું થાય છે, કેમ કે એ સલાહ યહોવા ઈશ્વરે આપી છે. તેમણે આપણને બનાવ્યા છે, એટલે તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. શું તેમના કરતાં વધારે સારી સલાહ બીજું કોઈ આપી શકે? તેમણે જણાવ્યું છે કે તેમને ખુશ કરવા અને કાયમ માટે સુખચેનથી રહેવા શું કરવું જોઈએ.
૧. જાતીય સંબંધ વિશે યહોવાના વિચારો શું છે?
જાતીય સંબંધ યહોવા તરફથી એક ભેટ છે. તે ચાહે છે કે પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે લગ્ન કર્યા પછી જ જાતીય સુખનો આનંદ માણે. આ ભેટ દ્વારા પતિ-પત્ની બાળકો પેદા કરે છે. એટલું જ નહિ, તેઓ એકબીજા માટે પ્રેમ બતાવે છે અને લાગણીઓ વ્યક્ત કરે છે. એટલે બાઇબલમાં લખ્યું છે, “તારી યુવાનીની પત્ની સાથે તું ખુશ રહે.” (નીતિવચનો ૫:૧૮, ૧૯) યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને વફાદાર રહે, એટલે તેઓ વ્યભિચાર નહિ કરે, લગ્નસાથી સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધ નહિ બાંધે.—હિબ્રૂઓ ૧૩:૪ વાંચો.
૨. વ્યભિચાર એટલે શું?
બાઇબલમાં લખ્યું છે, ‘વ્યભિચારી લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦) બાઇબલ લેખકોએ વ્યભિચાર કે અયોગ્ય જાતીય સંબંધ માટે ગ્રીક ભાષામાં પોર્નિયા શબ્દ વાપર્યો હતો. એમાં આવાં કામોનો સમાવેશ થાય છે: (૧) એવાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતીય સંબંધa જેઓનાં લગ્ન થયાં નથી, (૨) સજાતીય સંબંધ, એટલે કે પુરુષ-પુરુષ અથવા સ્ત્રી-સ્ત્રી વચ્ચે જાતીય સંબંધ અને (૩) પ્રાણીઓ સાથે જાતીય સંબંધ. જ્યારે આપણે આવા અયોગ્ય સંબંધ કે ‘વ્યભિચારથી દૂર રહીએ’ છીએ, ત્યારે યહોવા ખુશ થાય છે અને આપણું ભલું થાય છે.—૧ થેસ્સાલોનિકીઓ ૪:૩.
વધારે જાણો
તમે કઈ રીતે વ્યભિચારથી દૂર રહી શકો? ચારિત્ર શુદ્ધ રાખવાથી કેવા ફાયદા થાય છે? ચાલો જોઈએ.
૩. વ્યભિચારથી નાસી જાઓ
યૂસફ ઈશ્વરનો ડર રાખતા હતા. જ્યારે એક સ્ત્રીએ તેમને જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું, ત્યારે તેમણે ના પાડી અને ત્યાંથી નાસી ગયા. ઉત્પત્તિ ૩૯:૧-૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યૂસફ કેમ ત્યાંથી તરત નાસી ગયા?—કલમ ૯ જુઓ.
શું તમને લાગે છે કે યૂસફે જે કર્યું એ યોગ્ય હતું? શા માટે?
આજે યુવાનો કઈ રીતે યૂસફના પગલે ચાલી શકે અને વ્યભિચારથી નાસી શકે? વીડિયો જુઓ.
યહોવા ચાહે છે કે આપણે વ્યભિચારથી દૂર રહીએ. ૧ કોરીંથીઓ ૬:૧૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
એવા કયા સંજોગો છે, જેમાં એક વ્યક્તિ વ્યભિચારના ફાંદામાં પડી શકે છે?
તમે કઈ રીતે વ્યભિચારથી દૂર નાસી શકો?
૪. તમે ખરાબ ઇચ્છાઓ સામે લડી શકો છો
આપણે ચાહીએ છીએ કે ખરાબ ઇચ્છાઓ સામે લડીએ અને વ્યભિચારથી દૂર રહીએ. પણ કયાં કારણોને લીધે આપણું મન કમજોર પડી શકે છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
વીડિયોમાં જોયું તેમ, ભાઈને ખ્યાલ આવ્યો કે તેમનાં વિચારો અને કામો તેમને બેવફા બનવા દોરી જઈ શકે છે. એ સમજાયું ત્યારે તેમણે શું કર્યું?
યહોવાના વફાદાર ભક્તો માટે પણ અમુક વાર પોતાના વિચારો શુદ્ધ રાખવા અઘરું બની શકે છે. ખરાબ વિચારો મનમાં ભમ્યા ન કરે એ માટે તમે શું કરી શકો? ફિલિપીઓ ૪:૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે કેવી વાતો પર વિચાર કરવો જોઈએ?
બાઇબલ વાંચવાથી અને યહોવાની સેવામાં વ્યસ્ત રહેવાથી આપણે કઈ રીતે ખરાબ ઇચ્છાઓ સામે લડી શકીશું અને પાપ કરવાથી દૂર રહી શકીશું?
૫. યહોવાના નિયમો આપણા ભલા માટે છે
યહોવા જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. તેમણે જણાવ્યું છે કે આપણે કઈ રીતે ચારિત્ર શુદ્ધ રાખી શકીએ અને એનાથી આપણને કેવા ફાયદા થાય છે. નીતિવચનો ૭:૭-૨૭ વાંચો અને વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
યુવાન કઈ રીતે લાલચમાં ફસાયો?—નીતિવચનો ૭:૮, ૯ જુઓ.
નીતિવચનો ૭:૨૩, ૨૬માં જણાવ્યું છે તેમ, વ્યભિચારનાં ખરાબ પરિણામો આવી શકે છે. જો આપણે ચારિત્ર શુદ્ધ રાખીશું, તો કઈ મુશ્કેલીઓ ટાળી શકીશું?
જો આપણે ચારિત્ર શુદ્ધ રાખીશું, તો ભાવિમાં કયા આશીર્વાદો મળશે?
અમુક લોકોને લાગે છે કે બાઇબલમાં સજાતીય સંબંધો વિશે જે જણાવ્યું છે એ ક્રૂર છે અને એ બતાવે છે કે ઈશ્વર લોકોને પ્રેમ કરતા નથી. પણ એ સાચું નથી. યહોવા તો પ્રેમના ઈશ્વર છે અને તે ચાહે છે કે દરેક વ્યક્તિને હંમેશ માટેનું જીવન મળે. પણ એવું જીવન મેળવવા તેણે યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળવા જોઈએ. ૧ કોરીંથીઓ ૬:૯-૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જો ઈશ્વરની નજરે જોઈએ, તો શું ફક્ત સજાતીય સંબંધોથી જ દૂર રહેવું જોઈએ?
ઈશ્વરને ખુશ કરવા આપણે બધાએ કોઈ ને કોઈ ફેરફાર કરવાની જરૂર છે અને એ માટે મહેનત કરવી પડે છે. શું મહેનત કરવાથી કોઈ ફાયદો થાય છે? ગીતશાસ્ત્ર ૧૯:૮, ૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
ચારિત્ર શુદ્ધ રાખવા યહોવાએ જે નિયમો અને સિદ્ધાંતો આપ્યા છે, શું એ વાજબી છે? તમને એવું કેમ લાગે છે?
અમુક લોકો કહે છે: “જો બે જણ એકબીજાને પ્રેમ કરતા હોય, તો જાતીય સંબંધ બાંધવામાં કંઈ ખોટું નથી.”
તમે શું જવાબ આપશો?
આપણે શીખી ગયા
જાતીય સંબંધ યહોવા તરફથી એક ભેટ છે. યહોવા ચાહે છે કે એક પુરુષ અને સ્ત્રી લગ્ન પછી જ એનો આનંદ માણે.
તમે શું કહેશો?
વ્યભિચારમાં કેવાં કામોનો સમાવેશ થાય છે?
વ્યભિચારથી દૂર રહેવા શાનાથી મદદ મળશે?
ચારિત્ર શુદ્ધ રાખવા યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળીશું તો, કયા ફાયદા થશે?
વધારે માહિતી
શું એક પુરુષ અને સ્ત્રી લગ્ન વગર સાથે રહી શકે? એ વિશે ઈશ્વરના વિચારો શું છે? આ લેખમાં વાંચો.
“લગ્ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?” (jw.org/gu પર આપેલો લેખ)
બાઇબલમાં જણાવ્યું છે કે સજાતીય સંબંધ બાંધવા ખોટું છે. પણ એનો અર્થ એ નથી કે સજાતીય સંબંધ બાંધનાર લોકોને નફરત કરવી જોઈએ. એ વિશે આ લેખમાં વાંચો.
જાતીય સંબંધ વિશે ઈશ્વરે જે નિયમો આપ્યા છે, એનાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે? આ લેખ વાંચો.
“તેઓ મારી સાથે આદરથી વર્ત્યા” લેખ વાંચો અને જાણો કે સજાતીય સંબંધ બાંધનાર એક વ્યક્તિને પોતાનું જીવન બદલવા અને ઈશ્વરને ખુશ કરવા શાનાથી મદદ મળી.
a પોર્નિયામાં જાતીય સંબંધ ઉપરાંત આવાં ગંદાં કામોનો પણ સમાવેશ થાય છે: મુખમૈથુન (ઓરલ સેક્સ), ગુદામૈથુન (એનલ સેક્સ) અને બીજી વ્યક્તિનાં જાતીય અંગો પંપાળવાં.
-
-
કુંવારા રહેવા અને લગ્ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
પાઠ ૪૨
કુંવારા રહેવા અને લગ્ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
અમુક સમાજમાં લોકો માને છે કે જો તમે લગ્ન નહિ કરો, તો ખુશ નહિ રહો. પણ જરૂરી નથી કે જેઓ પરણેલા છે, તેઓ બધા જ ખુશ હોય અને જેઓ કુંવારા છે, તેઓ બધા જ દુઃખી હોય. બાઇબલમાં જણાવ્યું છે, કુંવારા રહેવું કે લગ્ન કરવું, એ બંને ઈશ્વર તરફથી આશીર્વાદ છે.
૧. કુંવારા રહેવાના અમુક ફાયદા કયા છે?
બાઇબલમાં લખ્યું છે, “જે પરણે છે તે સારું કરે છે, પણ જે પરણતો નથી તે વધારે સારું કરે છે.” (૧ કોરીંથીઓ ૭:૩૨, ૩૩, ૩૮ વાંચો.) કુંવારાઓ કઈ રીતે “વધારે સારું” કરે છે? જેઓ લગ્ન કરે છે, તેઓએ પોતાના લગ્નસાથીનું પણ જોવું પડે છે. કુંવારાઓને એવી ચિંતા હોતી નથી, એટલે તેઓ પાસે અમુક રીતે વધારે આઝાદી હોય છે. દાખલા તરીકે, અમુક કુંવારાં ભાઈ-બહેનો યહોવાની સેવામાં વધારે કરવા નવી નવી રીતો અજમાવે છે. જેમ કે, તેઓ એવી જગ્યાઓએ જઈને પ્રચાર કરે છે, જ્યાં વધારે જરૂર છે. કુંવારા રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓ પાસે વધારે સમય હોય છે.
૨. કાયદેસર કે વિધિસર લગ્ન કરવાના અમુક ફાયદાઓ કયા છે?
જેમ કુંવારા રહેવાના ઘણા ફાયદા છે, તેમ લગ્ન કરવાના પણ ઘણા ફાયદા છે. બાઇબલમાં લખ્યું છે, “એક કરતાં બે ભલા.” (સભાશિક્ષક ૪:૯) એ વાત ખાસ કરીને એવાં પતિ-પત્ની માટે સાચી છે, જેઓ લગ્ન વિશે બાઇબલના સિદ્ધાંતો પાળે છે. જે યુગલો કાયદેસર કે વિધિસર લગ્ન કરે છે, તેઓ વચન આપે છે કે હંમેશાં એકબીજાને પ્રેમ કરશે અને માન આપશે તેમજ દિલથી એકબીજાની સંભાળ રાખશે. પરિણામે, તેઓ એવાં યુગલો કરતાં વધારે સલામતી અનુભવે છે, જેઓ લગ્ન કર્યા વગર સાથે રહે છે. એટલું જ નહિ, લગ્નબંધનમાં જોડાયેલાં યુગલોનાં બાળકો પણ સલામતી અનુભવે છે.
૩. લગ્ન વિશે યહોવાના વિચારો કેવા છે?
જ્યારે યહોવાએ પહેલાં પુરુષ અને સ્ત્રીને લગ્નબંધનમાં જોડ્યાં, ત્યારે તેમણે કહ્યું, “માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે.” (ઉત્પત્તિ ૨:૨૪) યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે અને જીવનભર એકબીજાની સાથે રહે. જ્યારે પતિ કે પત્નીમાંથી કોઈ એક વ્યભિચાર કરે, ફ્કત ત્યારે જ યહોવા છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે. એવા કિસ્સામાં છૂટાછેડા લેવા કે નહિ એ નક્કી કરવાનો અધિકાર યહોવા નિર્દોષ સાથીને આપે છે.a (માથ્થી ૧૯:૯) યહોવા પોતાના સેવકોને એકથી વધારે પતિ કે પત્ની રાખવાની પરવાનગી આપતા નથી.—૧ તિમોથી ૩:૨.
વધારે જાણો
ભલે તમે કુંવારા હો કે પરણેલા, તમે કઈ રીતે ખુશ રહી શકો અને યહોવાના દિલને કઈ રીતે ખુશ કરી શકો? ચાલો જોઈએ.
૪. કુંવારા હોવું એક આશીર્વાદ છે, એનો સારી રીતે ઉપયોગ કરો
ઈસુએ કુંવારા રહેવાને આશીર્વાદ ગણ્યો. (માથ્થી ૧૯:૧૧, ૧૨) માથ્થી ૪:૨૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ઈસુ કુંવારા હતા. પિતા યહોવાની સેવા કરવા અને બીજાઓને મદદ કરવા તેમણે એનો કઈ રીતે ઉપયોગ કર્યો?
કુંવારાં ભાઈ-બહેનો ઈસુના પગલે ચાલીને ખુશ રહી શકે છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
કુંવારાં ભાઈ-બહેનો પાસે યહોવાની સેવામાં વધારે કરવા કઈ તકો રહેલી છે?
જાણવા જેવું
બાઇબલમાં એ નથી જણાવ્યું કે લગ્ન કરવા વ્યક્તિ કેટલા વર્ષની હોવી જોઈએ. પણ એમાં જણાવ્યું છે કે ‘યુવાનીનો જોશ પસાર થઈ જાય’ ત્યાં સુધી લગ્ન માટે રાહ જુએ તો સારું. (૧ કોરીંથીઓ ૭:૩૬, ફૂટનોટ) એ યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં જાતીય ઇચ્છાઓ ઘણી પ્રબળ હોય છે, એટલે વ્યક્તિ કદાચ સારો નિર્ણય ન લઈ શકે.
૫. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો
જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયોમાંનો એક છે: જીવનસાથીની પસંદગી. માથ્થી ૧૯:૪-૬, ૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય કેમ ઉતાવળે ન લેવો જોઈએ?
બાઇબલમાં જણાવ્યું છે કે જીવનસાથીમાં કેવા ગુણો હોવા જોઈએ. તે યહોવાને પ્રેમ કરે એ સૌથી મહત્ત્વનું હોવું જોઈએ.b ૧ કોરીંથીઓ ૭:૩૯ અને ૨ કોરીંથીઓ ૬:૧૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આપણે કેમ ફક્ત યહોવાના સેવક સાથે જ લગ્ન કરવું જોઈએ?
યહોવાને પ્રેમ કરતી ન હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરીએ તો, યહોવાને કેવું લાગશે?
૬. યહોવા લગ્નને માન આપે છે, તમે પણ આપો
પહેલાંના સમયમાં અમુક ઇઝરાયેલી પુરુષો પોતાના સ્વાર્થ માટે પત્નીને છૂટાછેડા આપી દેતા હતા. માલાખી ૨:૧૩, ૧૪, ૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે લગ્નસાથીને છૂટાછેડા આપે, તો એવા છૂટાછેડાને યહોવા કેમ ધિક્કારે છે?
વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
જો તમારા પતિ કે પત્ની યહોવાના ભક્ત ન હોય, તો તમારા લગ્નજીવનને સુખી બનાવવા તમે શું કરી શકો?
૭. લગ્ન માટે યહોવાએ આપેલાં ધોરણો પાળો
લગ્ન માટે યહોવાએ આપેલાં ધોરણો પાળવા એક વ્યક્તિએ કદાચ ઘણી બધી મહેનત કરવી પડે.c પણ જો તે એમ કરશે, તો યહોવા ચોક્કસ તેને આશીર્વાદ આપશે. વીડિયો જુઓ.
હિબ્રૂઓ ૧૩:૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું તમને લાગે છે કે લગ્ન માટે યહોવાનાં ધોરણો પાળવાં શક્ય છે? તમને એવું કેમ લાગે છે?
યહોવા ચાહે છે કે તેમના સેવકો લગ્ન કરે કે છૂટાછેડા લે, પણ એ કાયદાની નજરે માન્ય હોવા જોઈએ. તિતસ ૩:૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જો તમે લગ્ન કર્યા હોય, તો શું તમે ખાતરીથી કહી શકો કે તમારા લગ્નને કાયદો માન્ય ગણે છે?
જો કોઈ પૂછે: “લગ્ન શું કામ કરવા? શું કોઈ પુરુષ અને સ્ત્રી લગ્ન વગર સાથે ન રહી શકે?”
તમે કેવો જવાબ આપશો?
આપણે શીખી ગયા
કુંવારા રહેવું કે લગ્ન કરવું, એ બંને યહોવા તરફથી આશીર્વાદ છે. જો કુંવારા અને પરણેલા લોકો યહોવાની ઇચ્છા પ્રમાણે જીવશે, તો તેઓના જીવનમાં ખુશીઓ અને સંતોષ હશે.
તમે શું કહેશો?
કુંવારાં ભાઈ-બહેનો પાસે યહોવાની સેવામાં વધારે કરવા કઈ તકો રહેલી છે?
બાઇબલ કેમ એવું જણાવે છે કે ફક્ત યહોવાના સેવક સાથે જ લગ્ન કરવું જોઈએ?
બાઇબલ પ્રમાણે છૂટાછેડા લેવાનું એકમાત્ર કારણ કયું છે?
વધારે માહિતી
ફક્ત “પ્રભુમાં લગ્ન” કરવાનો અર્થ શું થાય?
જીવનસાથી પસંદ કરવા વિશે અને લગ્ન કરવા વિશે તમે કઈ રીતે સારો નિર્ણય લઈ શકો? એ વિશે જાણવા આ બે નાના વીડિયો જુઓ.
એક ભાઈ માને છે કે યહોવાના આશીર્વાદોની સરખામણીમાં તેમણે જે જતું કર્યું છે, એની કોઈ વિસાત નથી. તેમને એવું કેમ લાગે છે? ચાલો જોઈએ.
એક વ્યક્તિએ પોતાના જીવનસાથીને છૂટાછેડા આપતા પહેલાં અથવા અલગ થતા પહેલાં શાનો વિચાર કરવો જોઈએ?
“‘ઈશ્વરે જેને જોડ્યું છે’ એને માન આપો” (ચોકીબુરજ, ડિસેમ્બર ૨૦૧૮)
b અમુક સમાજમાં માતા-પિતા પોતાના દીકરા કે દીકરી માટે જીવનસાથી પસંદ કરે છે. જો એમ હોય, તો પ્રેમાળ માતા-પિતા સૌથી પહેલા એ નહિ જુએ કે તેની પાસે કેટલા પૈસા છે કે સમાજમાં કેવો માનમોભો છે, પણ તેઓ એ જોશે કે તે યહોવાને પ્રેમ કરે છે કે નહિ.
c જો તમે લગ્ન વગર કોઈની સાથે પતિ-પત્નીની જેમ રહેતા હો, તો એ વ્યક્તિ સાથે લગ્ન કરવું કે અલગ થઈ જવું, એ તમારો પોતાનો નિર્ણય છે.
-