શું યહોવાહ તમારી કદર કરે છે?
તમને એ વિષે શું લાગે છે? ઘણા કહેશે: ‘મને લાગે છે કે દાઊદ, મુસા અને ગિદઓન જેવા મહાન ભક્તોની જ યહોવાહ કદર કરતા હશે. મારામાં અને એ મહાન ભક્તોમાં તો જમીન આસમાનનો ફેર છે. તેથી, મને નથી લાગતું કે યહોવાહને મારી કંઈ પડી હોય.’
બાઇબલના જમાનામાં અનેક લોકો હતા જેઓએ મોટાં મોટાં કામો કર્યાં હતાં. ‘વિશ્વાસથી તેઓ લડાઈઓ જીત્યાં, રાજ્યો ઉથલાવ્યાં, સિંહોનાં બિલમાં ઈજા પામ્યા વગર રહ્યા અને અગ્નિની ભઠ્ઠીમાંથી બચી ગયા, કેટલાક તરવારથી બચ્યા.’ (હેબ્રી ૧૧:૩૩, ૩૪, IBSI) પરંતુ બીજા ઘણા યહોવાહના ભક્તો હતા જેઓએ એવા કોઈ મોટાં કામો કર્યા ન હતા. તેમ છતાં, બાઇબલ બતાવે છે કે યહોવાહે તેઓની ભક્તિની ખૂબ કદર કરી હતી. તો ચાલો આપણે બાઇબલમાંથી એક ઘેટાંપાળકનો, એક પ્રબોધકનો અને એક વિધવાનો દાખલો જોઈએ.
એક ઘેટાંપાળક યહોવાહને અર્પણ ચઢાવે છે
આદમ અને તેની પત્ની હવાના બીજા દીકરા હાબેલ વિષે શું તમને કંઈ યાદ છે? કદાચ તમને યાદ હશે કે એક સાચા ઇન્સાન તરીકે તેમને મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ યહોવાહ હાબેલને કોઈ બીજા કારણથી ચાહતા હતા.
એક દિવસ હાબેલ પોતાનાં પાળેલાં પશુઓમાંથી સૌથી સારાં અને તગડાં એવા પશુઓને પસંદ કરીને, યહોવાહને તેઓનું બલિદાન ચઢાવે છે. હાબેલે યહોવાહ માટે જે ભોગ આપ્યો એ કદાચ આપણને મામૂલી લાગી શકે. પરંતુ યહોવાહને માટે એ ખૂબ જ કીમતી ભેટ હતી. એ ઉપરાંત, લગભગ ચાર હજાર વર્ષ પછી પણ યહોવાહ એને ભૂલી ગયા ન હતા. તેમણે પાઊલ દ્વારા હાબેલની એ સાદી ભેટ વિષેની વાત હેબ્રીઓના પત્રમાં લખાવી હતી.—હેબ્રી ૬:૧૦; ૧૧:૪.
ભોગ આપવા વિષે હાબેલને કેવી રીતે ખબર પડી હશે? એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. પરંતુ તેમણે સમજી વિચારીને પગલાં લીધા હશે. તેમણે જેવો તેવો ભોગ આપ્યો ન હતો. બાઇબલ જણાવે છે કે તેમણે “પુષ્ટ” જાનવરોનો ભોગ આપ્યો હતો. (ઉત્પત્તિ ૪:૪) યહોવાહે એદન બગીચામાં જે વચન આપ્યું હતું એનો અર્થ સમજવાની પણ હાબેલે કોશિશ કરી હશે. યહોવાહે વચન આપ્યું હતું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫; પ્રકટીકરણ ૧૨:૯) ખરું કે હાબેલને ‘સ્ત્રી’ વિષે અથવા તેના ‘સંતાન’ વિષે ખબર નહિ હોય. પરંતુ તેમને એ જરૂર ખબર હતી કે ‘એડી છૂંદવાનો’ અર્થ, કોઈનું લોહી વહેવડાવવું થતો હતો. તેથી, તેમને ખબર પડી કે બલિદાન આપવામાં કોઈ પશુઓની જરૂર પડશે. આમ, તેમણે જે બલિદાન આપ્યું એ બરાબર હતું.
હાબેલની જેમ યહોવાહના સેવકો પણ આજે અર્પણ કરે છે. તેઓ કોઈ પશુઓનું નહિ પણ, ‘દેવને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરે છે.’ (હેબ્રી ૧૩:૧૫) આપણે જ્યારે લોકો સાથે યહોવાહ વિષે વાત કરીએ છીએ ત્યારે આપણા હોઠોનું અર્પણ કરીએ છીએ.
શું તમારે તમારા અર્પણોમાં અથવા ભક્તિમાં સુધારો કરવો છે? તમે જે લોકોને પ્રચાર કરવા જાવ છો તેઓને બરાબર સમજવાની કોશિશ કરો. તેઓને કઈ કઈ વાતની ચિંતા હોય છે? તેઓને કેવા વિષયો ગમે છે? બાઇબલમાંથી તેઓને શું સાંભળવું ગમશે? જ્યારે પણ તમે પ્રચારમાં જાવ ત્યારે, તમે દરેક લોકો સાથે જે વાત કરી હોય એનો વિચાર કરો. પછી એમાં કયા ફેરફારો થઈ શકે એનો પણ વિચાર કરો. જ્યારે તમે યહોવાહ વિષે વાત કરો ત્યારે દિલ ખોલીને વાત કરો, જેથી યહોવાહને મહિમા મળે.
એક પ્રબોધક જેનું કોઈ સાંભળતું નથી
ચાલો હવે આપણે પ્રબોધક હનોખનો વિચાર કરીએ. એ જમાનામાં તે એકલા જ યહોવાહના સેવક હતા, તેમના સિવાય બીજું કોઈ ન હતું. તમારા કુટુંબમાં, સ્કૂલમાં કે કામે શું તમે એકલા જ યહોવાહના સેવક છો? જો તમે એકલા જ યહોવાહના વિશ્વાસુ સેવક હોવ તો એ સહેલું નથી. કુટુંબમાં, સ્કૂલમાં કે પછી કામે લોકો તમને યહોવાહના નીતિ-નિયમો તોડાવવાની કોશિશ કરશે. તેઓ કહેશે કે “અરે, તું તારે મજા કર ને, કોઈને ગંધ પણ નહિ આવે અને અમે પણ અમારી બોબડી બંધ રાખીશું.” તેઓ ટોક ટોક કરશે કે, જોને ઈશ્વરને તો તમારી કંઈ પડી નથી. તો પછી બાઇબલનાં ધોરણોને વળગી રહેવામાં શું માલ છે. તમે તેઓનું ન સાંભળો ત્યાં સુધી, તેઓ તમારું માથું ખાઈ જશે, જેથી તમારી શ્રદ્ધા નબળી થઈ જાય.
આવું દબાણ સહેવું સહેલું નથી, છતાં એ સહન થઈ શકે છે. દાખલા તરીકે, હનોખનો વિચાર કરો, જે આદમથી લઈને સાતમી પેઢીનો હતો. (યહુદા ૧૪) હનોખના વખતમાં બધા લોકોના ધોરણો સાવ કથળી ગયા હતા. તેઓની વાણી અને વર્તન એકદમ હલકા હતા. (યહુદા ૧૫) આજકાલના લોકો પણ એવા જ છે.
પરંતુ હનોખે આ બધું કેવી રીતે સહન કર્યું? ચાલો એ જોઈએ. એ ખરું છે કે હનોખ એકલા જ યહોવાહના માર્ગે ચાલતા હતા. પરંતુ તે સાવ એકલા ન હતા, તેમની સાથે યહોવાહ હતા.—ઉત્પત્તિ ૫:૨૨.
ભલે ગમે એ થાય, હનોખને તો બસ યહોવાહના માર્ગે જ ચાલવું હતું. તે નેક દિલના તો હતા જ, પરંતુ યહોવાહની મરજી હતી કે તે સત્યનો પ્રચાર પણ કરે. (યહુદા ૧૪, ૧૫) બધા લોકોને જાણવાની જરૂર હતી કે તેઓના પાપ આગળ યહોવાહે આંખ આડા કાન નથી કર્યા. આ રીતે હનોખ યહોવાહના માર્ગે ૩૦૦ વર્ષ સુધી ચાલ્યા હતા. તેમની સરખામણીમાં આપણે તો સાવ થોડો વખત જ ચાલ્યા છીએ. હનોખ તેમના આખરી શ્વાસ સુધી યહોવાહને માર્ગે ચાલ્યા હતા.—ઉત્પત્તિ ૫:૨૩, ૨૪.
હનોખની જેમ આપણે પણ સત્યનો પ્રચાર કરવાનો છે. (માત્થી ૨૪:૧૪) તેથી આપણે લોકોને ઘરે ઘરે જઈને સત્ય વિષે સમજાવીએ છીએ. એ ઉપરાંત, આપણે કામે, સ્કૂલે અથવા સગાવહાલાઓને પણ સત્ય વિષે વાત કરીએ છીએ. પરંતુ શું અમુક વખતે સત્ય વિષે વાત કરતા તમે અચકાવ છો? તો તમારે ગભરાવાની કંઈ જરૂર નથી. પહેલી સદીના ખ્રિસ્તીઓનો વિચાર કરો અને યહોવાહને પ્રાર્થના કરો કે તમને સત્ય વિષે બોલવાની હિંમત મળે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯) તમે એક વાત કદી નહિ ભૂલતા, જ્યાં સુધી તમે યહોવાહના માર્ગે ચાલતા રહેશો ત્યાં સુધી યહોવાહ પોતે તમને ત્યજી દેશે નહિ.
એક વિધવા ખાવાનું તૈયાર કરે છે
જરા વિચારો કે જેનું નામ પણ આપણે જાણતા નથી એવી એક વિધવાને બે આશીર્વાદો મળ્યા હતા. તેણે સાદું જમવાનું તૈયાર કર્યું હતું! આ લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાંની વાત છે. આ વિધવા ઈસ્રાએલની યહુદી સ્ત્રી ન હતી. પરંતુ તે સારફાથ નામના ગામમાં રહેતી હતી. એ વખતે સખત દુકાળ પડ્યો હતો. એ બીચારી વિધવાને ખોરાકની અછત થવા લાગી. તેના અને તેના દીકરાના પેટ પૂરતો, છેલ્લો રોટલો રાંધવા માટે, તેની પાસે હવે ફક્ત મુઠ્ઠીભર લોટ અને થોડું તેલ જ બાકી હતા.
આ હાલતમાં એ વિધવાને ઘરે કોઈ મહેમાન આવ્યા. તે પ્રબોધક એલીયાહ હતા. તેમણે એ વિધવા પાસેથી ખાવા માટે રોટલો માંગ્યો. પરંતુ એ વિધવા પાસે તો ફક્ત મા-દીકરાનાં પેટ પૂરતો જ રોટલો હતો, અને આ પ્રબોધકને માટે કંઈ વધે એવું લાગતું ન હતું. પરંતુ પ્રબોધક એલીયાહ, યહોવાહના સમ ખાઈને તેને ખાતરી આપે છે કે, જો તે તેનો રોટલો આપે તો એ મા-દીકરો કદી ભૂખ્યા નહિ રહે. યહોવાહને આ મામૂલી વિધવાની પરવા હતી એ માનવા માટે ખરેખર શ્રદ્ધાની જરૂર હતી. એ વિધવાએ એલીયાહનું કહ્યું માન્યું અને યહોવાહે તેને આશીર્વાદ આપ્યો. “યહોવાહ પોતાનું જે વચન એલીયાહ હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહિ, ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.” દુકાળ ખતમ થયો ત્યાં સુધી આ વિધવા સ્ત્રીને ત્યાં ખાવાના સાંસા પડ્યા નહિ!—૧ રાજાઓ ૧૭:૮-૧૬.
અરે, આ વિધવાને બીજા આશીર્વાદો પણ મળ્યા હતા. ખોરાકના ચમત્કાર પછી તેનો એકનોએક દીકરો બીમાર થઈને ગુજરી ગયો. એલીયાહને ખૂબ દયા આવી અને તેમણે કરગરીને યહોવાહને કહ્યું કે આ જનેતાના એકનાએક દીકરાને તેનું જીવન પાછું આપે. (૧ રાજાઓ ૧૭:૧૭-૨૪) આ તો બહુ મોટો ચમત્કાર કહેવાય. બાઇબલમાં એ પહેલાં આ રીતે બીજા કોઈને સજીવન કર્યાની નોંધ લખવામાં આવી નથી! શું યહોવાહ આ વિધવાને પાછી દયા બતાવશે? હા, જરૂર. એલીયાહ દ્વારા યહોવાહે એ વિધવાના દીકરાને સજીવન કર્યો. વર્ષો પછી ઈસુએ પણ આ વિધવાનો દાખલો આપતા કહ્યું: ‘હું તમને સાચું કહું છું, કે એલીયાહના સમયમાં ઈસ્રાએલમાં ઘણી વિધવાઓ હતી; અને એલીયાહને તેઓમાંની કોઈને ત્યાં નહિ, પણ સિદોનના સારફાથમાં એક વિધવા હતી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો.’—લુક ૪:૨૫, ૨૬.
આજકાલ જ્યાં જુઓ ત્યાં પૈસાની તાણ હોય છે. ઘણા લોકોને તો મોટી મોટી કંપનીઓમાંથી હવે નોકરી છૂટી ગઈ છે. તેથી એવું બની શકે કે યહોવાહના સેવકોમાં પણ બેકારીની બીક આવી જાય. એ બીકમાંને બીકમાં તે કદાચ દિવસને રાત તેના બોસ માટે મજૂરી કરે છે. પછી તેનાથી સભાઓમાં કે પ્રચારમાં જવાતું નથી. તેમ જ તેના કુટુંબનું ધ્યાન રાખવા માટે તેને કોઈ સમય નથી મળતો. તેમ છતાં, તેને મનમાં તો એમ જ છે કે, મારે તો બસ કામ, કામને કામ જ કરવું જોઈએ.
પૈસાની તાણ હોય એવી સ્થિતિમાં યહોવાહના સેવકને ચિંતા થાય એ તો સ્વાભાવિક છે. આજકાલ કામ મેળવવું પણ સહેલું નથી. મોટે ભાગે આપણે પૈસાની પાછળ દોડતા નથી પણ રોજની રોટી કમાવા કામ કરીએ છીએ. એલીયાહના જમાનામાં પણ એ વિધવાને રોજની રોટી જ જોઈતી હતી. તેમ છતાં, આપણે પાઊલની સલાહ યાદ રાખવી જોઈએ કે યહોવાહ શું કહે છે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” તેથી આપણે છાતી ફૂલાવીને કહી શકીએ કે “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ: માણસ મને શું કરનાર છે?” (હેબ્રી ૧૩:૫, ૬) પાઊલને યહોવાહના આ વચનમાં પૂરેપૂરો ભરોસો હતો. યહોવાહે હંમેશાં તેમનું ધ્યાન રાખ્યું. એ જ રીતે જો આપણે યહોવાહને વળગી રહીશું તો, તે આપણું પણ જરૂર ધ્યાન રાખશે.
હા, આપણને એમ લાગે કે મુસા, ગિદઓન અને દાઊદની સરખામણીમાં આપણે તો કંઈ જ નથી. પરંતુ ખરેખર આપણે પણ તેઓના જેવો જ વિશ્વાસ રાખી શકીએ છીએ. હાબેલ, હનોખ અને સારફાથની વિધવાએ સાવ સાદી રીતે વિશ્વાસ બતાવ્યો એ આપણે યાદ રાખવું જોઈએ. આપણે નાની મોટી રીતે યહોવાહમાં વિશ્વાસ બતાવીએ, એની યહોવાહ જરૂર નોંધ કરે છે. જ્યારે સ્કૂલમાં કોઈ ડ્રગ્સ લેવાની ના પાડે છે અથવા કામ પર ગંદા આચાર વિચારોથી દૂર રહે છે ત્યારે યહોવાહ તેઓથી ખૂબ રાજી થાય છે. એ જ રીતે, મોટી ઉંમરના યહોવાહના સેવકો બીમાર હોય કે થાક્યા પાક્યા હોય છતાં સભાઓમાં આવે છે ત્યારે, એ જોઈને યહોવાહ રાજી રાજી થઈ જાય છે.—નીતિવચનો ૨૭:૧૧.
શું તમે બીજા લોકોની કદર કરો છો?
આપણે જોઈ ગયા કે યહોવાહ આપણી કેટલી કદર કરે છે, તેમને ખરેખર આપણી પડી છે. આપણે યહોવાહના ગુણો કેળવવાની કોશિશ કરીએ તેમ, આપણે પણ બીજા લોકોની કદર કરવી જોઈએ. (એફેસી ૫:૧) મંડળના આપણા ભાઈ-બહેનોને સભાઓમાં આવવા માટે, પ્રચારમાં જવા માટે કે પછી રોજિંદા જીવનમાં, કઈ કઈ તકલીફો નડે છે એનો જરા વિચાર કરો.
એ વિચાર કર્યા પછી, તમારા મંડળમાં ભાઈઓ-બહેનોને જરૂર જણાવજો કે તમે તેઓને જોઈએ રાજી થાવ છો. જો તેઓને ખબર પડે કે તમે તેઓની કદર કરો છો તો, તેઓને લાગશે કે યહોવાહ જરૂર તેઓની કદર કરે છે.