અભિવાદન કેટલું મહત્ત્વનું છે!
“કેમ છો! મજામાં?”
તમે ઘણી વાર આવું અભિવાદન કર્યું હશે. તમે કદાચ અભિવાદનની સાથે સાથે હાથ મિલાવ્યા હશે કે ભેટ્યા હશો. અભિવાદન કરવાની રીત કે શબ્દો અલગ અલગ હોય શકે, પણ અભિવાદન તો બધી જગ્યાએ કરવામાં આવે જ છે. હકીકતમાં, જો અભિવાદન કરવામાં ન આવે કે પછી સ્વીકારવામાં ન આવે, તો એ અસંસ્કારી ગણાય.
પરંતુ, સામે ચાલીને બીજાનું અભિવાદન કરવું બધાને ગમતું નથી. અમુક લોકો શરમાળ હોવાથી કે પછી પોતાને લાયક સમજતા ન હોવાથી અભિવાદન કરતા અચકાય છે. બીજા અમુકને અલગ જાતિ, સંસ્કૃતિ કે સમાજના લોકોનું અભિવાદન કરવું અઘરું લાગે છે. ભલે આપણે બહુ વાતો ન કરી શકતા હોઈએ, પણ ટૂંકમાં અભિવાદન કરવાથી સારી અસર પડે છે.
પોતાને પૂછો: ‘અભિવાદન કરવાથી શું ફાયદો થઈ શકે? અભિવાદન કરવા વિશે બાઇબલ શું કહે છે?’
‘દરેક પ્રકારના માણસોનું’ અભિવાદન કરો
જ્યારે પ્રેરિત પીતરે બિનયહુદી કર્નેલ્યસનું મંડળમાં સ્વાગત કર્યું, ત્યારે આમ કહ્યું: “ઈશ્વર પક્ષપાત કરતા નથી.” (પ્રે.કા. ૧૦:૩૪) પછી, પીતરે લખ્યું કે ઈશ્વર ‘ચાહે છે કે બધાને પસ્તાવો કરવાની તક મળે.’ (૨ પીત. ૩:૯) એ શબ્દો સત્ય શીખનારાઓને લાગુ પડે છે, પણ પીતરે પ્રથમ સદીના ઈશ્વરભક્તોને સલાહ આપી: “દરેક પ્રકારના માણસોને માન આપો, સર્વ ભાઈઓને પ્રેમ બતાવો.” (૧ પીત. ૨:૧૭) સારું રહેશે કે, આપણે બધાનું અભિવાદન કરીએ, પછી ભલેને તેઓ બીજી જાતિ, સંસ્કૃતિ કે સમાજના કેમ ન હોય! એમ કરીને આપણે તેઓને આદર અને પ્રેમ બતાવીએ છીએ.
પ્રેરિત પાઊલે મંડળનાં ભાઈ-બહેનોને અરજ કરી હતી: “એકબીજાનો આવકાર કરો, જેમ ખ્રિસ્તે પણ તમારો આવકાર કર્યો.” (રોમ. ૧૫:૭) પોતાને ‘હિંમત આપનાર’ ભાઈ-બહેનોને પાઊલે ખાસ યાદ કર્યા હતા. આજે, ઈશ્વરના લોકો પર શેતાન વધારે ગુસ્સે ભરાયો છે. એટલે જરૂરી છે કે, આપણે ભાઈ-બહેનોની હિંમત વધારવા મહેનત કરીએ.—કોલો. ૪:૧૧ ફૂટનોટ; પ્રકટી. ૧૨:૧૨, ૧૭.
બાઇબલના દાખલાઓ બતાવે છે કે અભિવાદન કરવામાં ફક્ત આવકાર જ નહિ, બીજી બાબતો પણ સમાયેલી છે.
ખાતરી, ઉત્તેજન અને પ્રેમ
યહોવાએ મરિયમને ઈસુની માતા તરીકે પસંદ કરી હતી. તેથી, મરિયમ સાથે વાત કરવા યહોવાએ દૂતને મોકલ્યા. દૂતે પોતાની વાતની શરૂઆત આ રીતે કરી: “હે ઈશ્વરની કૃપા પામેલી, સલામ! યહોવા તારી સાથે છે.” પણ, મરિયમ ઘણી મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી કે, દૂત શા માટે તેની સાથે વાત કરી રહ્યા છે. એટલે દૂતે તેને કહ્યું: “મરિયમ, બીશ નહિ, કેમ કે તારા પર ઈશ્વરની કૃપા થઈ છે.” તેમણે સમજાવ્યું કે, મરિયમના પેટે મસીહનો જન્મ થાય એવો ઈશ્વરનો હેતુ છે. એટલે, મરિયમે ચિંતા કરવાને બદલે તરત જવાબ આપ્યો: ‘જુઓ, હું યહોવાની દાસી છું! તમારા જણાવ્યા પ્રમાણે મને થાઓ.’—લુક ૧:૨૬-૩૮.
એ દૂતને યહોવાના સંદેશવાહક બનવાનો લહાવો મળ્યો હતો. તેમ છતાં, તેમણે પોતાને ચઢિયાતા ગણ્યા નહિ. તેમણે અપૂર્ણ માનવી સાથે વાત કરવાની હતી, તોપણ તેમણે વાતચીતની શરૂઆત અભિવાદનથી કરી હતી. એમાંથી આપણને શું શીખવા મળે છે? આપણે પણ બીજાઓનું અભિવાદન કરવા અને ઉત્તેજન આપવા તૈયાર રહેવું જોઈએ. થોડા શબ્દોમાં પણ આપણે બીજાઓને મદદ કરી શકીએ છીએ અને ભરોસો અપાવી શકીએ છીએ કે, તેઓ પણ યહોવાના લોકોમાંના એક છે.
એશિયા માઈનોર અને યુરોપનાં મંડળોનાં ઘણા લોકોને પાઊલ ઓળખતા હતા. પોતે લખેલા પત્રોમાં તેમણે શુભેચ્છાઓ પણ પાઠવી છે. એ આપણને રોમનોના ૧૬મા અધ્યાયમાં જોવા મળે છે. પાઊલે ઘણા ઈશ્વરભક્તોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ફેબીને “આપણી બહેન” તરીકે સંબોધી હતી. તેમણે ભાઈ-બહેનોને અરજ કરી હતી કે ‘પ્રભુના નામમાં તેનો આવકાર કરે અને તેને જે કંઈ મદદ જોઈએ એ પૂરી પાડે.’ પાઊલે પ્રિસ્કા અને આકુલાને સલામ મોકલી અને કહ્યું કે, “હું જ નહિ, બીજાં રાષ્ટ્રોનાં બધાં મંડળો પણ તેઓનો આભાર માને છે.” તેમણે એવા લોકોને પણ સલામ મોકલી હતી, જેઓ વિશે આપણે ખાસ કંઈ જાણતા નથી. જેમ કે, “મારા વહાલા અપૈનિતસ,” તેમજ ‘પ્રભુના કામમાં મહેનત કરનારી સ્ત્રીઓ, ત્રુફૈના અને ત્રુફોસા.’ હા, પાઊલ ભાઈ-બહેનોને ખુશીથી શુભેચ્છા મોકલતા હતા.—રોમ. ૧૬:૧-૧૬.
પાઊલે તેઓને યાદ કર્યા છે, એ જાણીને ભાઈ-બહેનોને કેટલી ખુશી થઈ હશે! પાઊલ માટે અને એકબીજા માટે તેઓનો પ્રેમ વધુ ગાઢ બન્યો હશે. એ પ્રેમાળ શુભેચ્છાઓ સાંભળીને બીજા ઈશ્વરભક્તોને પણ ઉત્તેજન મળ્યું હશે અને શ્રદ્ધામાં અડગ રહેવા મદદ મળી હશે. હા, શુભેચ્છામાં પ્રેમાળ અને પ્રશંસાભર્યા શબ્દો ઉમેરવાથી ઈશ્વરભક્તો વચ્ચે મિત્રતા વધુ ગાઢ બને છે. એનાથી તેઓ વચ્ચે સંપ જળવાઈ રહે છે.
રોમ જતી વખતે પાઊલ રસ્તામાં પુત્યોલી રોકાયા ત્યારે, ભાઈઓ તેમને મળવા છેક દક્ષિણે આવ્યા હતા. તેઓ દૂરથી મળવા આવ્યા છે, એ જોઈને ‘પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી.’ (પ્રે.કા. ૨૮:૧૩-૧૫) અમુક વાર, આપણે શુભેચ્છા તરીકે ફક્ત સ્મિત આપી શકીએ કે હાથ હલાવી શકીએ છીએ. જોકે, એટલું કરવાથી પણ વ્યક્તિના ચહેરા પર ખુશી છવાઈ જઈ શકે છે, ભલે પછી તે નિરાશ કે ઉદાસ કેમ ન હોય!
અભિવાદન કરીને શરૂઆત કરવી
પ્રથમ સદીમાં, અમુક ઈશ્વરભક્તોએ દુનિયાના લોકો સાથે મિત્રતા બાંધી અને તેઓ ઈશ્વરને બેવફા બન્યા. એટલે, શિષ્ય યાકૂબે તેઓને કડક સલાહ આપવાની હતી. (યાકૂ. ૪:૪) પરંતુ, યાકૂબે પોતાના પત્રની શરૂઆત કઈ રીતે કરી એની નોંધ લો:
“વિખેરાઈ ગયેલાં બાર કુળોને ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાસ યાકૂબની સલામ!” (યાકૂ. ૧:૧) એ પત્રમાં યાકૂબે મોકલેલી શુભેચ્છા પરથી ઈશ્વરભક્તો જોઈ શક્યા હશે કે, ઈશ્વરની કૃપા તેઓ પર છે. એમાં કોઈ શંકા નથી કે, એનાથી એ ઈશ્વરભક્તોને યાકૂબની સલાહ સ્વીકારવી સહેલી થઈ પડી હશે. હા, અભિવાદન કરીને વાતચીત શરૂ કરવાથી ગંભીર બાબતો વિશે વાત કરવાનો માર્ગ ખુલી જાય છે.
અભિવાદન ભલે ટૂંકું હોય, પણ એ ખરા દિલથી હોવું જોઈએ અને એમાં પ્રેમ છલકાતો હોવો જોઈએ. કદાચ આપણને લાગે કે એ તો લોકોના ધ્યાનમાં પણ નહિ આવે, તોપણ એવું કરતા અચકાવું ન જોઈએ. (માથ. ૨૨:૩૯) આયરલૅન્ડનાં બહેનનો આ અનુભવ છે: એક વાર તે ઘણી ઉતાવળમાં હતા. કેમ કે, સભા શરૂ થવાની તૈયારીમાં હતી. પ્રાર્થનાઘરમાં એક ભાઈએ બહેન તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું: ‘કેમ છો બહેન? તમને જોઈને ઘણી ખુશી થઈ.’ પછી, બહેન કંઈ પણ બોલ્યાં વગર પોતાની જગ્યાએ બેસી ગયાં.
થોડાં અઠવાડિયાં પછી બહેને પેલા ભાઈને જણાવ્યું કે તે ઘણા સમયથી ઘરના સંજોગોને લીધે નિરાશ રહે છે. તેમણે કહ્યું: ‘એ દિવસે પણ હું ઘણી ઉદાસ હતી, એટલે પ્રાર્થનાઘરમાં આવવાનું મારું જરાય મન ન હતું. એ સભા વિશે મને કંઈ યાદ નથી. પણ, તમે મારું અભિવાદન કર્યું એ મને ખાસ યાદ છે. તમારા અભિવાદનથી મને લાગ્યું કે મારો દિલથી આવકાર થયો છે, તમારો ઘણો આભાર.’
એ ભાઈ જાણતા ન હતા કે, તેમના ટૂંકા અભિવાદનની આટલી જોરદાર અસર પડશે. ભાઈ કહે છે કે, ‘જ્યારે બહેને મને જણાવ્યું કે એ શબ્દોથી તેમને કેટલું સારું લાગ્યું ત્યારે, મને ખુશી થઈ. મને પણ થયું કે મેં અભિવાદન કરવામાં પહેલ કરી એ ઘણું સારું કહેવાય.’
સુલેમાને લખ્યું હતું: “તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે.” (સભા. ૧૧:૧) ચાલો અભિવાદનને કીમતી ગણીએ. એમ કરીશું તો ભાઈ-બહેનોની સાથે સાથે આપણે પોતાને પણ દૃઢ કરી શકીશું. એટલે, આપણે અભિવાદનનું મહત્ત્વ કદી ઓછું ન આંકીએ.