મહેનતથી સેવા કરો
ઝડપથી, જલદીથી, અને તાકાતથી! આ સિદ્ધાંત પ્રાચીન ગ્રીસ અને રોમમાં, રમતવીરોએ ધ્યાનમાં રાખવાનો હતો. સદીઓ સુધી ઑલિમ્પિયા, દેલ્ફી અને નીમીયા તેમ જ કોરીંથના ઈસ્થમસમાં, હજારો લોકો જોઈ શકે એમ દેવના “આશીર્વાદથી” રમતો યોજવામાં આવતી હતી. આ હરીફાઈમાં ભાગ લેવા ઘણા વર્ષો સુધી સખત મહેનત કરવી પડતી. જીતવાથી, વિજેતાઓનું અને તેઓના શહેરનું માન વધી જતું.
આ સમયે ઈસુ પછી લખાયેલા શાસ્ત્રવચનોના લેખકે, રમતોને ખ્રિસ્તીઓની દોડ સાથે સરખાવી. એ દોડ આજે આપણા સમયમાં પણ ચાલુ છે. તેથી, પ્રેષિત પિતર અને પાઊલ જ્યારે શીખવતા હતા ત્યારે તેઓએ એ રમતોના સુંદર ઉદાહરણોનો ઉપયોગ કર્યો. પહેલી સદીના ખ્રિસ્તીઓએ યહુદી ગોઠવણોનો સામનો કરવાનો હતો. આજે આપણે આ જગત સાથે ‘હરીફાઈમાં’ ઊતરવાનું છે, જે અંતની અણીએ આવી પહોંચ્યું છે. (૨ તીમોથી ૨:૫; ૩:૧-૫) અમુકને પોતાની “વિશ્વાસની દોડનો” અંત નથી દેખાતો અને તેઓ દોડીને થાકી પણ જાય છે. (૧ તીમોથી ૬:૧૨, પ્રેમસંદેશ) પરંતુ, રમતવીરોની દોડને બાઇબલમાં બતાવેલી દોડ સાથે સરખાવીને આપણે મહત્ત્વનો પાઠ શીખી શકીએ છીએ.
સૌથી સારા તાલીમ આપનાર
રમતવીરોની સફળતા, મોટે ભાગે તાલીમ આપનાર પર હોય છે. પ્રાચીન રમતો માટે આર્કયોલોજીયા ગ્રીકા કહે છે: “રમતવીરોને ૧૦ મહિના સુધી કસરત કરવાની ફરજ પાડવામાં આવતી.” એ જ રીતે, ખ્રિસ્તીઓએ પણ સખત તાલીમ લેવાની જરૂર છે. પાઊલે, ખ્રિસ્તી વડીલ તીમોથીને સલાહ આપી: “ભક્તિમય જીવન જીવવાની કસરત કર.” (૧ તીમોથી ૪:૭, પ્રેમસંદેશ) પરંતુ, ખ્રિસ્તી “રમતવીરને” તાલીમ આપનાર કોણ છે? યહોવાહ પરમેશ્વર પોતે આપે છે! પ્રેષિત પીતરે લખ્યું: “સર્વ કૃપાનો દેવ . . . તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.”—૧ પિતર ૫:૧૦.
‘તમને પૂર્ણ કરશે’ એ શબ્દો ગ્રીક ક્રિયાપદમાંથી આવે છે. એનો અર્થ નવા કરારનો ધાર્મિક શબ્દ કોષમાં (અંગ્રેજી) પ્રમાણે, “કોઈ પણ વસ્તુ [અથવા વ્યક્તિ]ને એના હેતુ માટે યોગ્ય કરવું, તૈયાર કરવું અને અનુકૂળ બનાવવું” થાય છે. એવી જ રીતે, લીડલ અને સ્કોટ્સના ગ્રીક-અંગ્રેજી શબ્દકોષમાં (અંગ્રેજી) આ ક્રિયાપદની વ્યાખ્યા “તૈયાર કરવું, તાલીમ આપવું અથવા બરાબર તૈયાર કરવું” થાય છે. પરંતુ, ખ્રિસ્તી દોડ માટે યહોવાહ આપણને કઈ રીતે તૈયાર કરે, તાલીમ આપે અથવા બરાબર કરે છે? એને સમજવા ચાલો આપણે તાલીમ આપનાર કઈ રીતોનો ઉપયોગ કરે છે એનો વિચાર કરીએ.
પ્રાચીન ગ્રીસની ઑલિમ્પિક રમતો (અંગ્રેજી) પુસ્તક કહે છે: “યુવાન ખેલાડીને તાલીમ આપનાર વ્યક્તિ, બે મુખ્ય રીતોનો ઉપયોગ કરે છે. પહેલું, તે વિદ્યાર્થીને જીત મેળવવા બની શકે એટલી કસરત કરવા ઉત્તેજન આપે છે. બીજું, તેની રીતમાં સુધારો કરવા કહે છે.”
એ જ રીતે, યહોવાહ પણ આપણને તેમની સેવામાં બનતું બધું જ કરવા શક્તિ અને ઉત્તેજન આપે છે. તેમ જ, તે ઇચ્છે છે કે આપણે તેમની સેવા કરવામાં સુધારો કરીએ. પરમેશ્વર આપણને બાઇબલ, તેમની સંસ્થા અને ખ્રિસ્તી ભાઈબહેનો દ્વારા હિંમત આપે છે. અમુક વખતે તે આપણને શિસ્તથી તાલીમ આપે છે. (હેબ્રી ૧૨:૬) કોઈક વખતે તે આપણા પર થતી કસોટીઓ અને પરીક્ષણો ચાલવા દે છે જેથી આપણે ધીરજ કેળવી શકીએ. (યાકૂબ ૧:૨-૪) એ ઉપરાંત, તે જોઈતી શ પણ પૂરી પાડે છે, જેમ યશાયાહ પ્રબોધકે કહ્યું: “યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની પેઠે પાંખો પ્રસારશે; તેઓ દોડશે, ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”—યશાયાહ ૪૦:૩૧.
વધુમાં, આપણે પરમેશ્વરને પસંદ પડે એવી સેવા કરવાનું પડતું ન મૂકીએ, એ માટે ભરપૂર તેમનો પવિત્ર આત્મા આપણને આપે છે. (લુક ૧૧:૧૩) ઘણા કિસ્સાઓમાં, પરમેશ્વરના સેવકોએ વિશ્વાસની સખત કસોટીઓ સહન કરી છે. તેઓ પણ આપણી જેમ સામાન્ય વ્યક્તિઓ છે. પરંતુ, પરમેશ્વર પર ખરા દિલથી ભરોસો રાખવાથી તેઓને સહન કરવાની શક્તિ મળી છે. ખરેખર, ‘સર્વશ્રેષ્ઠ સામર્થ્ય તેઓને પોતાથી નહિ પણ ઈશ્વર પાસેથી મળેલું છે.’—૨ કોરીંથી ૪:૭, પ્રેમસંદેશ.
તાલીમ આપનાર દયાળુ છે
એક વિદ્વાન અનુસાર, પ્રાચીન સમયમાં તાલીમ આપનારનું કામ, “રમતવીરને રમત માટે કેવા પ્રકારની અને કેટલી કસરતની જરૂર પડશે એ નક્કી કરવાનું” હતું. પરમેશ્વર આપણને તાલીમ આપે છે ત્યારે, તે આપણાં સંજોગો, શક્તિ, બંધારણ અને મર્યાદાઓ ધ્યાનમાં રાખે છે. ઘણી વખતે તાલીમ દરમિયાન આપણે અયૂબની જેમ યહોવાહને વિનંતી કરીએ છીએ: “કૃપા કરી યાદ રાખ, કે તે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે; અને શું તું મને પાછો ધૂળ ભેગો કરશે?” (અયૂબ ૧૦:૯) દયાથી તાલીમ આપનાર આપણને કેવો જવાબ આપે છે? દાઊદે યહોવાહ વિષે લખ્યું: “કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪.
કોઈ બીમારીને લીધે તમે પરમેશ્વરની વધારે સેવા કરી શકતા ન હોવ. તમને લાગી શકે કે મારી કોઈ કીંમત નથી અથવા કોઈ ખરાબ ટેવ છોડવા તમે સખત મહેનત કરી રહ્યા હોવ. શાળામાં, નોકરીના સ્થળે અથવા આજુબાજુના કોઈ દબાણનો સામનો ન કરી શકવાની શક્તી તમારામાં ન હોય. ગમે એ સંજોગો હોય પણ એક વાત યાદ રાખો કે, બીજી કોઈ વ્યક્તિ કરતાં યહોવાહ સારી રીતે તમને અને તમારી મુશ્કેલીઓને સમજે છે! યહોવાહ દયાથી તાલીમ આપે છે. તેથી જો તમે પરમેશ્વરના ખાસ મિત્ર બનો અને તે તમને જરૂર મદદ કરશે.—યાકૂબ ૪:૮.
પ્રાચીન સમયમાં તાલીમ આપનાર “સમજી શકતો કે વિદ્યાર્થીનો થાક અથવા નબળાઈ કસરતથી નહિ પરંતુ માનસિક કારણો, ખરાબ સ્વભાવ, ડીપ્રેશન કે બીજી કોઈ બાબતને લીધે છે. . . . [તાલીમ આપનાર]ના અધિકારીઓને રમતવીરોના અંગત જીવનમાં પણ દખલગીરી કરવાની છૂટ હતી.”
શું તમે આ જગતની લાલચ અને દબાણોથી થાકીને નબળા ગયા છો? તાલીમ આપનાર તરીકે, યહોવાહ ખરેખર તમારી કાળજી લે છે. (૧ પિતર ૫:૭) તેમની સેવા કરતી વખતે તમે થાકીને નબળા થઈ જાવ તો યહોવાહ તરત જ સમજી જાય છે. જો કે યહોવાહ આપણી વ્યક્તિગત ઇચ્છા અને પસંદગી જાણે છે. તેમ છતાં, આપણા સારા માટે, જરૂર હોય ત્યારે તે પૂરતી મદદ અને સલાહ આપે છે. (યશાયાહ ૩૦:૨૧) કઈ રીતે? બાઇબલ અને એને લગતું સાહિત્ય, મંડળના પરિપક્વ વડીલો અને આપણાં પ્રેમાળ ભાઈબહેનો દ્વારા યહોવાહ મદદ કરે છે.
‘કડક શિસ્તનું પાલન કરવું’
સફળતા મેળવવા, ફક્ત સારા તાલીમ આપનારના કરતાં કંઈક વધારે જરૂરી હતું. રમતવીરોની સફળતા તેમના પર તેમ જ તેઓના વચન પર આધાર રાખે છે. જેમ કે, તેમનો રોજિંદો કાર્યક્રમ ઘણો જ કડક હતો અને તેઓએ ખાવા-પીવામાં કાબુ રાખવાનો હતો અને બીજી અનેક બાબતોથી દૂર રહેવાનું હતું. પહેલી સદીના કવિ હોરેસે પણ ભાર આપ્યો કે તેઓએ “જીત મેળવવા સ્ત્રી અને દારૂથી” પણ દૂર રહેવાનું હતું. તેમ જ, બાઇબલ વિદ્વાન એફ. સી. કુકે જણાવ્યું, રમતમાં ભાગ લેનારાઓએ “૧૦ મહિના સુધી . . . કડક શિષ્તનું પાલન કરવાનું હતું [અને] ખાવા-પીવામાં પણ સખત કાળજી રાખવાની હતી.”
ઇસ્થમીયન રમતો કોરીંથ શહેરની ઘણી નજીક રમાતી હતી. તેથી, પાઊલે એ શહેરના લોકોને રમતોનું ઉદાહરણ આપીને લખ્યું: “હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડી કડક શિસ્તનું પાલન કરે છે.” (૧ કોરીંથી ૯:૨૫, IBSI) સાચા ખ્રિસ્તીઓ ધનદોલતનો મોહ, અનૈતિકતાની લાલચ અને આ જગતની અશુદ્ધ જીવન-ઢબ ટાળે છે. (એફેસી ૫:૩-૫; ૧ યોહાન ૨:૧૫-૧૭) તેમ જ, યહોવાહને પસંદ ન હોય એવા વર્તનને કાઢી નાખીને પછી ખ્રિસ્તના ગુણોને કેળવવા જોઈએ.—કોલોસી ૩:૯, ૧૦, ૧૨.
આ કઈ રીતે થઈ શકે? પાઊલ એનો જવાબ આપે છે: “પણ હું મારા દેહનું દમન કરૂં છું, તથા તેને વશ રાખું છું; રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાપિ હું પોતે નાપસંદ થાઉં.”—૧ કોરીંથી ૯:૨૭.
પાઊલે અહીં મહત્ત્વના મુદ્દા પર ભાર આપ્યો. તેમનો કહેવાનો અર્થ, પોતાના શરીરને દુઃખ આપવું ન હતો. પરંતુ, તેમણે કબૂલ્યું કે તે પોતાના દિલમાં રહેલી અનેક બાબતોનો સામનો કરી રહ્યા હતા. ઘણી વખતે, તે ન કરવાનું કરતા હતા અને તે જે ઇચ્છતા હતા એ કરતા ન હતા. પરંતુ, તે પોતાની નબળાઈઓ સામે લડ્યા. તેમણે ‘તેમના દેહનું દમન’ કર્યું અને હિંમતથી ખરાબ ઇચ્છાઓ અને વલણ સામે જીત મેળવી.—રૂમીઓને પત્ર ૭:૨૧-૨૫.
દરેક ખ્રિસ્તીઓએ એમ જ કરવાની જરૂર છે. કોરીંથમાં અમુક લોકો વ્યભિચાર, મૂર્તિપૂજા, સજાતીય સંબંધ અને ચોરી જેવી બીજી બાબતોમાં સંડોવાયા હતા. પરંતુ, તેઓએ જીવનમાં કેવા ફેરફારો કર્યા એ વિષે પાઊલે જણાવ્યું. તેઓને કઈ રીતે એમ કરી શક્યા? બાઇબલ, પવિત્ર આત્મા અને તેમના દૃઢ નિર્ણયથી તેઓને ફેરફારો કરવા મદદ મળી. પાઊલે કહ્યું, “પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આપણા ઈશ્વરના આત્મા દ્વારા તમને પાપમાંથી શુદ્ધ કરી, પવિત્ર કરવામાં આવ્યા છે, અને ઈશ્વર સાથેના સીધા સંબંધમાં તમને સ્વીકારવામાં આવ્યા છે.” (૧ કોરીંથી ૬:૯-૧૧, IBSI) પિતરે પણ આવી ખરાબ આદતો છોડી દેનાર વિષે એવું જ કહ્યું. સાચા ખ્રિસ્તીઓ તરીકે, દરેકે પોતાના જીવનમાં જરૂરી ફેરફારો કર્યા.—૧ પિતર ૪:૩, ૪.
સખત મહેનત
પાઊલે પરમેશ્વરની સેવામાં મહેનત કરવા માટે ઉદાહરણ આપ્યું: “હું કેવળ હવામાં મુક્કાબાજી કરતો નથી.” (૧ કોરીંથી ૯:૨૬, IBSI) હરીફાઈમાં ભાગ લેતી વ્યક્તિ, મુક્કાઓ મારતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખશે? રોમનો અને ગ્રીકોનું જીવન (અંગ્રેજી) પુસ્તક જવાબ આપે છે: “મુક્કા મારવા માટે ફક્ત તાકાતની જ જરૂર નથી હોતી. પરંતુ, એવી નજરની જરૂર છે જેથી વિરોધીની નબળાઈ શોધી શકાય. તેમ જ, જે કળાઓ તેઓ શીખ્યા છે એનાથી વિરોધીને ઝડપથી છેતરી શકાય છે.”
આપણા પોતાના અપૂર્ણ દેહ સાથે પણ લડાઈ થતી હોય છે. તેથી, શું આપણે પોતાની “નબળાઈઓને” શોધવા પ્રયત્ન કર્યો છે? બીજાઓ અને ખાસ કરીને શેતાન આપણને જુએ છે, એ રીતે શું આપણે પોતાને જોઈએ છીએ? એ માટે પોતાની તપાસ કરી જીવનમાં ફેરફારો કરવાની જરૂર છે. આપણે સહેલાઈથી પોતાને છેતરી શકીએ છીએ. (યાકૂબ ૧:૨૨) કંઈ ખોટું કર્યું હોય તો બહાના કાઢવા સાવ સહેલા છે. (૧ શમૂએલ ૧૫:૧૩-૧૫, ૨૦, ૨૧) પરંતુ, એ હવામાં “મુક્કાબાજી” કરવા બરાબર છે.
આ છેલ્લા દિવસોમાં, યહોવાહની સેવા કરી ભવિષ્યમાં સારું જીવન મેળવવા ચાહે છે, તેઓએ પરમેશ્વરના મંડળ અને ભ્રષ્ટ જગતમાં, ખરાં-ખોટા વચ્ચેની પસંદગી કરતા અચકાવું જોઈએ નહિ. તેઓએ ‘બે મનવાળું તેમ જ અસ્થિર’ થવાનું ટાળવું જોઈએ. (યાકૂબ ૧:૮) તેઓએ નકામી બાબતો પાછળ ન પડવું જોઈએ. ઈશ્વરના માર્ગમાં, વ્યક્તિ એક મનની થઈને ચાલશે તો, તે ખુશ રહેશે અને ‘એની પ્રગતિ સર્વેના જાણવામાં આવશે.’—૧ તીમોથી ૪:૧૫.
હા, આજે પણ ખ્રિસ્તી દોડ ચાલુ છે. આપણા મહાન તાલીમ આપનાર, યહોવાહ પ્રેમાળ રીતે જોઈતું માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે, જેથી આપણે ધીરજ રાખી શકીએ અને જીત મેળવી શકીએ. (યશાયાહ ૪૮:૧૭) પ્રાચીન સમયના રમતવીરોની જેમ, વિશ્વાસની લડાઈ લડવા એક મનના તેમ જ શિષ્ત અને સંયમ જેવા ગુણો કેળવવાની જરૂર છે. આ રીતે સખત મહેનત કરવાથી આપણા પર આશીર્વાદોનો વરસાદ વરસશે.—હેબ્રી ૧૧:૬.
[પાન ૩૧ પર બોક્સ]
‘તેલ માલિશ’
પ્રાચીન ગ્રીસમાં, રમતવીરોની તાલીમમાં માલિશ કરનાર પણ મહત્ત્વનો ભાગ ભજવતો હતો. તેનું કામ, જેઓ કસરત કરવા જતા, તેઓને તેલ માલિશ કરવાનું હતું. પ્રાચીન ગ્રીસની ઑલિમ્પિક રમતો (અંગ્રેજી) પુસ્તક નોંધે છે, “તાલીમ આપનાર એ પણ જાણતો કે કસરત કરતા પહેલાં માલિશ કરવામાં આવે તો એનાથી ઘણો લાભ થાય છે. તેમ જ, લાંબી કસરત કર્યા પછી પણ હલકા હાથની માલિશ રમતવીરને આરામ લેવા મદદ કરે છે.”
તેલ માલિશ શરીરને રાહત અને તાજગી આપે છે. એ જ રીતે, થાકી ગયેલા ખ્રિસ્તી “રમતવીરને” પણ પરમેશ્વરના શબ્દનો તેલની જેમ ઉપયોગ કરવાથી રાહત અને તાજગી મળે છે. તેથી, મંડળના વડીલોને અરજ કરવામાં આવી છે કે થાકી ગયેલી વ્યક્તિઓ માટે પ્રાર્થના કરે. તેમ જ, યહોવાહની સેવામાં ફરી તાજા-માજા થવા માટે, ‘પ્રભુના નામથી તેને તેલ ચોળે.’—યાકૂબ ૫:૧૩-૧૫; ગીતશાસ્ત્ર ૧૪૧:૫.
[પાન ૩૧ પર ચિત્ર]
બલિદાન ચડાવીને, રમતવીરો ૧૦ મહિના સુધી તાલીમ લેવાનું વચન લેતા હતા
[ક્રેડીટ લાઈન]
Musée du Louvre, Paris
[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Copyright British Museum