અભ્યાસ લેખ ૮
કસોટીઓમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ?
“મારા ભાઈઓ, તમારા પર જુદી જુદી કસોટીઓ આવી પડે ત્યારે આનંદ કરો.”—યાકૂ. ૧:૨.
ગીત ૨૮ એક નવું ગીત
ઝલકa
૧-૨. આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે માથ્થી ૫:૧૧ પ્રમાણે શું કરવું જોઈએ?
ઈસુએ વચન આપ્યું હતું કે જેઓ તેમના શિષ્યો બનશે તેઓ સુખી થશે. ઈસુએ એમ પણ કહ્યું હતું કે તેઓએ કસોટીઓનો સામનો કરવો પડશે. (માથ. ૧૦:૨૨, ૨૩; લૂક ૬:૨૦-૨૩) ઈસુના શિષ્યો હોવાને લીધે આજે આપણે ઘણી ખુશીનો અનુભવ કરીએ છીએ. પણ તેમણે કહ્યું હતું તેમ અમુક વાર કસોટીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, કુટુંબના સભ્યો આપણો વિરોધ કરે, સરકાર આપણી સતાવણી કરે, નોકરી પર સાથે કામ કરતા કે સ્કૂલમાં સાથે ભણતા લોકો આપણને ખોટું કરવા દબાણ કરે. એવી કસોટીઓ આવશે ત્યારે શું કરીશું એનો વિચાર કરીને જ આપણે ચિંતામાં ડૂબી જઈએ કે ગભરાય જઈએ.
૨ કસોટી આવે તો કોઈને પણ એનાથી ખુશી થતી નથી, ખરું ને? પણ બાઇબલ જણાવે છે કે એવા સંજોગોમાં ખુશ થવું જોઈએ. દાખલા તરીકે, યાકૂબે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં આપણે વધારે ચિંતા કરવાની જરૂર નથી. પણ એના બદલે આપણે ખુશ થવું જોઈએ. (યાકૂ. ૧:૨, ૧૨) ઈસુએ પણ એજ કહ્યું હતું કે જ્યારે પણ સતાવવામાં આવે ત્યારે ખુશ રહેવું જોઈએ. (માથ્થી ૫:૧૧ વાંચો.) મુશ્કેલીઓ છતાં પણ આપણે કઈ રીતે ખુશ રહી શકીએ? યાકૂબે પહેલી સદીના ખ્રિસ્તીઓને પત્રોમાં જે લખ્યું એમાં એનો જવાબ મળે છે. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ કે તેઓએ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ કઈ કસોટીઓ સહેવી પડી?
૩. યાકૂબ ઈસુના શિષ્ય બન્યા એના થોડા સમય પછી શું બન્યું?
૩ ઈસુના ભાઈ યાકૂબ શિષ્ય બન્યા, એના થોડા જ સમય પછી યરૂશાલેમના ખ્રિસ્તીઓની સતાવણી થઈ. (પ્રે.કા. ૧:૧૪; ૫:૧૭, ૧૮) સ્તેફનને મારી નાખવામાં આવ્યા. એટલે ઘણા ખ્રિસ્તીઓ યરૂશાલેમ છોડીને જતા રહ્યા. તેઓ “યહૂદિયા અને સમરૂનના પ્રદેશોમાં ચારે બાજુ વિખેરાઈ ગયા.” બીજાઓ સૈપ્રસ અને અંત્યોખ સુધી ગયા. (પ્રે.કા. ૭:૫૮–૮:૧; ૧૧:૧૯) એવા સમયે ખ્રિસ્તીઓએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડી. પણ તેઓ જ્યાં ગયા ત્યાં તેઓ ખુશખબર ફેલાવતા ગયા. એ રીતે આખા રોમન સામ્રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ મંડળો શરૂ થયા. (૧ પિત. ૧:૧) એ પછી પણ તેઓએ મોટી મોટી મુશ્કેલીઓ સહેવી પડી.
૪. પહેલી સદીના ખ્રિસ્તીઓએ બીજી કઈ કસોટીઓ સહેવી પડી?
૪ પહેલી સદીના ખ્રિસ્તીઓએ જાત જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આશરે ૫૦ની સાલમાં રોમન સમ્રાટ ક્લોદિયસે બધા યહૂદીઓનો રોમમાંથી નીકળી જવાનો ફરમાન જાહેર કર્યો. જે યહૂદીઓ ખ્રિસ્તી બન્યા હતા તેઓએ પોતાના ઘરબાર છોડીને બીજે રહેવા જવું પડ્યું. (પ્રે.કા. ૧૮:૧-૩) આશરે ૬૧ની સાલમાં પ્રેરિત પાઉલે પત્ર લખીને જણાવ્યું કે એ ભાઈ-બહેનો સાથે શું થયું હતું. તેઓની જાહેરમાં મજાક ઉડાવવામાં આવી, કેદમાં નાખવામાં આવ્યા અને તેઓની વસ્તુઓ લૂંટી લેવામાં આવી. (હિબ્રૂ. ૧૦:૩૨-૩૪) અમુક ભાઈ-બહેનોએ તો, બીજા લોકોની જેમ ગરીબી અને બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો.—રોમ. ૧૫:૨૬; ફિલિ. ૨:૨૫-૨૭.
૫. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૫ સાલ ૬૨ પહેલાં યાકૂબે પોતાના નામથી એક પત્ર લખ્યો હતો. તે જાણતા હતા કે એ સમયે ભાઈ-બહેનો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઈશ્વરની પ્રેરણાથી તેમણે પોતાના પત્રમાં અમુક એવી સલાહો આપી જેથી ભાઈ-બહેનો મુશ્કેલીમાં પણ પોતાનો આનંદ જાળવી રાખી શકે. આ લેખમાં આપણે એ પત્રમાંથી અમુક સલાહો પર ચર્ચા કરીશું. આપણે ત્રણ સવાલોના જવાબ મેળવીશું: યાકૂબ કઈ ખુશીની વાત કરી રહ્યા હતા? કેવા સંજોગોમાં આપણી એ ખુશી છીનવાઈ જઈ શકે? મુશ્કેલીઓ છતાં ખુશ રહેવા, સમજશક્તિ, શ્રદ્ધા અને હિંમત કઈ રીતે મદદ આપી શકે?
ઈશ્વરભક્તોને કઈ વાતથી આનંદ મળે છે?
૬. લૂક ૬:૨૨, ૨૩ પ્રમાણે આપણે કઈ રીતે મુશ્કેલીઓમાં પણ આનંદ જાળવી રાખી શકીએ?
૬ લોકો માને છે કે સારી તબિયત હશે, સુખ-શાંતિ હશે, પૈસા હશે તો સાચી ખુશી મળી શકશે. પણ યાકૂબ કઈ ખુશીની વાત કરતા હતા? યાકૂબ કહેવા માંગતા હતા કે સાચા આનંદને સંજોગો સાથે કંઈ લેવા દેવા નથી. આનંદ તો પવિત્ર શક્તિનો ગુણ છે. (ગલા. ૫:૨૨) એવો આનંદ તો યહોવાને ખુશ કરવાથી અને ઈસુને પગલે ચાલવાથી મળે છે. એ જ ખરો આનંદ છે. (લૂક ૬:૨૨, ૨૩ વાંચો; કોલો. ૧:૧૦, ૧૧) આનંદ તો ફાનસની જ્યોત જેવો છે. ફાનસની જ્યોત ક્યારેય હોલવાતી નથી. પછી ભલે ને બહાર તોફાન કે પૂર જોશથી વરસાદ આવતો હોય. એવી જ રીતે મુશ્કેલીઓ આવે ત્યારે આપણી શ્રદ્ધા ઓછી થતી નથી. આપણે બીમાર પડીએ, પૈસાની તંગી હોય, લોકો આપણી મજાક ઉડાવે કે કુટુંબમાંથી વિરોધ થાય ત્યારે આપણો આનંદ છીનવાઈ જતો નથી. મુશ્કેલીઓ આવે ત્યારે, આપણો આનંદ ઓછો થતો નથી પણ એમાં વધારો થાય છે. શ્રદ્ધાને લીધે આપણે સહીએ છીએ ત્યારે એનાથી સાબિત થાય છે કે આપણે ઈસુના સાચા શિષ્યો છીએ. (માથ. ૧૦:૨૨; ૨૪:૯; યોહા. ૧૫:૨૦) એટલે યાકૂબે લખ્યું: “મારા ભાઈઓ, તમારા પર જુદી જુદી કસોટીઓ આવી પડે ત્યારે આનંદ કરો.”—યાકૂ. ૧:૨.
૭-૮. કસોટીઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે શું થાય છે?
૭ આપણે મોટી મોટી મુશ્કેલીઓ સહી શકીએ છીએ એની પાછળ બીજું પણ એક કારણ છે. યાકૂબે એ વિષે જણાવ્યું: “શ્રદ્ધાની કસોટીમાંથી પાર ઊતર્યા પછી, તમારામાં ધીરજ પેદા થાય છે.” (યાકૂ. ૧:૩) એક ધાતુને આગમાં તપાવ્યા પછી ઠંડી પાડવામાં આવે ત્યારે, એ વધુ મજબૂત થાય છે. આપણા પર આવતી કસોટીઓ પણ એ આગ જેવી છે. કસોટીઓમાંથી પસાર થયા પછી આપણી શ્રદ્ધા વધુ મજબૂત થાય છે. યાકૂબે પણ જણાવ્યું: “ધીરજને એનું કામ પૂરું કરવા દો, જેથી તમે સર્વ બાબતોમાં પૂર્ણ અને કલંક વગરના બનો અને તમારામાં કોઈ ખામી ન રહે.” (યાકૂ. ૧:૪) કસોટીઓમાં પસાર થવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. એ વાત આપણે સમજી જઈશું તો કસોટીઓને ખુશીથી સહી શકીશું.
૮ યાકૂબે પત્રમાં એવા સંજોગો વિષે જણાવ્યું જેમાં આપણી ખુશી છીનવાઈ જઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી મુશ્કેલીઓ હોઈ શકે અને એનો સામનો કરવા આપણે શું કરી શકીએ.
આનંદ જાળવી રાખવા શું કરી શકાય?
૯. આપણને સમજશક્તિની કેમ જરૂર પડે છે?
૯ મુશ્કેલી: આપણને ખબર ન હોય કે શું કરવું. આપણે કસોટીઓમાં હોઈએ ત્યારે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. આપણને સમજાતું નથી કે એવું શું કરીએ જેનાથી યહોવા ખુશ થાય, ભાઈ-બહેનોનું ભલું થાય અને આપણી વફાદારી જળવાઈ રહે. (યર્મિ. ૧૦:૨૩) એવા સમયે ખરો નિર્ણય લેવા અને વિરોધીઓને જવાબ આપવા સમજશક્તિની જરૂર પડે છે. આપણે શું કરવું એ ન સમજાય ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ અને આપણો આનંદ છીનવાઈ જાય છે.
૧૦. યાકૂબ ૧:૫ પ્રમાણે સમજશક્તિ મેળવવા શું કરવું જોઈએ?
૧૦ શું કરી શકાય: યહોવા પાસે સમજશક્તિ માંગીએ. આનંદથી કસોટીનો સામનો કરવા માંગતા હોઈએ તો પ્રાર્થનામાં યહોવા પાસે સમજશક્તિ માંગીએ. એમ કરીશું તો યોગ્ય નિર્ણય લેવા મદદ મળશે. (યાકૂબ ૧:૫ વાંચો.) જો આપણને પ્રાર્થનામાં તરત જવાબ ન મળે તો શું કરવું જોઈએ? યાકૂબે કહ્યું છે તેમ આપણે માંગતા રહેવું જોઈએ. આપણે યહોવા પાસે વારંવાર માંગીશું તો તે આપણા પર ખિજાતા નથી કે વઢતા નથી. પિતા યહોવા “ઉદારતાથી” આપણને સમજશક્તિ આપે છે, જેથી કસોટીઓનો સામનો કરી શકીએ. (ગીત. ૨૫:૧૨, ૧૩) યહોવા સારી રીતે જાણે છે કે આપણે કઈ કસોટીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણને દુઃખી જોઈને યહોવા પણ દુઃખી થાય છે અને આપણને મદદ કરવા તૈયાર રહે છે. એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે! પણ યહોવા આપણને સમજશક્તિ કઈ રીતે આપે છે?
૧૧. સમજશક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ?
૧૧ યહોવા આપણને બાઇબલ દ્વારા સમજશક્તિ આપે છે. (નીતિ. ૨:૬) સમજશક્તિ મેળવવા આપણે બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યનો અભ્યાસ કરવો પડશે. પણ ફક્ત જાણવું જ પૂરતું નથી, એ પ્રમાણે આપણે કરવું જોઈએ. યાકૂબે લખ્યું: ‘તમે સંદેશા પ્રમાણે ચાલનારા બનો, ફક્ત સાંભળનારા નહિ.’ (યાકૂ. ૧:૨૨) જો બાઇબલમાં આપેલી ઈશ્વરની સલાહ પાળીશું, તો આપણે એકબીજાને સમજીશું, તેઓ સાથે શાંતિ રાખીશું અને દયાળુ બનીશું. (યાકૂ. ૩:૧૭) જો આપણામાં એ ગુણ હશે તો ભલે ગમે એવી મુશ્કેલી આવે ખુશી ખુશી એનો સામનો કરી શકીશું.
૧૨. બાઇબલનો સારો અભ્યાસ કરવો કેમ જરૂરી છે?
૧૨ બાઇબલ અરીસા જેવું છે. એ બતાવે છે કે આપણામાં કઈ ખામી છે અને ક્યાં સુધારો કરવાની જરૂર છે. (યાકૂ. ૧:૨૩-૨૫) બની શકે કે આપણને ખૂબ ગુસ્સો આવતો હોય. પણ બાઇબલનો અભ્યાસ કરવાથી સમજાય છે કે આપણે ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. યહોવાની મદદથી આપણે મન શાંત રાખી શકીએ છીએ અને ગુસ્સાને કાબૂમાં રાખી શકીએ છીએ. એનાથી આપણને ફાયદો થાય છે. જ્યારે કોઈ આપણને ઉશ્કેરે ત્યારે આપણે મન શાંત રાખી શકીએ છીએ. અથવા અઘરા સંજોગોનો સામનો કરીએ ત્યારે પિત્તો ગુમાવતા નથી પણ શાંતિ જાળવીએ છીએ. મન શાંત રાખવાથી સમજી-વિચારીને નિર્ણયો લઈ શકીએ છીએ. (યાકૂ. ૩:૧૩) ખરેખર, બાઇબલનો સારો અભ્યાસ કરવો કેટલો જરૂરી છે.
૧૩. બાઇબલમાં આપેલા દાખલાઓમાંથી આપણે કેમ શીખવું જોઈએ?
૧૩ અમુક વાર આપણાથી કોઈ ભૂલ થઈ જાય પછી અહેસાસ થાય છે કે એ કામ નહોતું કરવું જોઈતું. એ વાત સાચી કે આપણે પોતાની ભૂલોમાંથી શીખી શકીએ છીએ. પણ શીખવા માટે આપણે ભૂલો કરવાની જરૂર નથી. આપણે બીજાઓની ભૂલોમાંથી પણ શીખી શકીએ છીએ. આપણે બીજાઓનાં સારાં કામો અને ભૂલો પર ધ્યાન આપીશું તો, એક બુદ્ધિમાન વ્યક્તિની જેમ કામ કરી શકીશું. એટલે જ યાકૂબે ઉત્તેજન આપ્યું કે આપણે ઇબ્રાહીમ, રાહાબ, અયૂબ અને એલિયા જેવા ઈશ્વરભક્તોના જીવનમાં ડોકિયું કરવું જોઈએ. (યાકૂ. ૨:૨૧-૨૬; ૫:૧૦, ૧૧, ૧૭, ૧૮) તેઓના જીવનમાં એવી ઘણી મુશ્કેલીઓ આવી જેનાથી તેઓની ખુશી છીનવાઈ જઈ શકતી હતી. પણ યહોવાની મદદથી તેઓ પોતાનો આનંદ જાળવી રાખી શક્યા. યહોવા આપણને પણ મદદ કરશે જેથી મુશ્કેલીઓ આવે ત્યારે આનંદ જાળવી રાખી શકીએ.
૧૪-૧૫. આપણા મનમાં શંકા થાય ત્યારે કેમ એને આંખ આડા કાન ન કરવા જોઈએ?
૧૪ મુશ્કેલી: મનમાં શંકા થાય. ઘણી વાર એવું બને કે બાઇબલની અમુક વાતો કે અહેવાલો સમજમાં ન આવે. આપણે વિચાર્યું હોય એ રીતે કદાચ યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ ન આપે ત્યારે શંકા થાય. જો આવી શંકાઓ દૂર કરવા પ્રયત્ન નહિ કરીએ, તો આપણી શ્રદ્ધા નબળી થઈ જશે. યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી જશે. (યાકૂ. ૧:૭, ૮) અરે, ભાવિ માટેની આપણી આશા ઝાંખી પડી જશે.
૧૫ પ્રેરિત પાઉલે કહ્યું કે આપણી આશા વહાણના લંગર જેવી છે. (હિબ્રૂ. ૬:૧૯) એક લંગર વહાણને તોફાનમાં સ્થિર રાખે છે, જેથી ખડક સાથે અથડાઈને તૂટી ન જાય. પણ એ લંગર ત્યારે જ કામ આવશે જો એની સાંકળ મજબૂત હશે. જો એ સાંકળને કાટ લાગશે તો એ તૂટી શકે છે. એવી જ રીતે, શંકા પણ કાટ જેવી છે, જે આપણી શ્રદ્ધા નબળી પાડી શકે છે. જો વ્યક્તિ મનમાંથી એ શંકા દૂર નહિ કરે, તો કસોટીઓમાં તેની શ્રદ્ધા ડગમગી જશે. જો તેની શ્રદ્ધા ડગમગી જશે તો ભાવિની આશા પણ ઝાંખી થઈ જશે. યાકૂબે કહ્યું હતું કે, “જે શંકા કરે છે તે પવનથી ઊછળતાં અને અફળાતાં દરિયાનાં મોજાં જેવો છે.” (યાકૂ. ૧:૬) એવી વ્યક્તિ ક્યારેય આનંદ અનુભવી શકશે નહિ.
૧૬. આપણા મનમાંથી શંકા દૂર કરવા શું કરવું જોઈએ?
૧૬ શું કરી શકાય: મનમાંથી શંકા દૂર કરીએ અને પોતાની શ્રદ્ધા મજબૂત કરીએ. પહેલાના સમયમાં એલિયાએ યહોવાના લોકોને કહ્યું હતું: “તમે ક્યાં સુધી બે મત વચ્ચે ડગુમગુ રહેશો? જો યહોવા સાચા ઈશ્વર હોય તો તેમની ભક્તિ કરો, જો બઆલ હોય તો તેની ભક્તિ કરો.” (૧ રાજા. ૧૮:૨૧) આપણે ઢચુપચુ રહેવાનું નથી, પણ તરત પગલા ભરવાની જરૂર છે. આપણે સંશોધન કરીને પોતાને ખાતરી અપાવીએ કે યહોવા જ સાચા ઈશ્વર છે. તેમણે જ આપણને બાઇબલ આપ્યું છે અને યહોવાના સાક્ષીઓ સાચી ભક્તિ કરે છે. (૧ થેસ્સા. ૫:૨૧) જો આપણે એમ કરીશું તો આપણા મનમાંથી શંકા દૂર થશે અને આપણી શ્રદ્ધા મજબૂત થશે. મંડળના વડીલો પણ આપણને એમ કરવા મદદ કરી શકે છે. જો ખુશી ખુશી યહોવાની સેવા કરવા ચાહતા હોઈએ, તો આપણાં મનમાંથી શંકા દૂર કરવા તરત પગલાં ભરીએ.
૧૭. જો આપણે હિંમત હારી જઈશું તો શું થશે?
૧૭ મુશ્કેલી: આપણે નિરાશ થઈ જઈએ. બાઇબલ જણાવે છે: “જો તું મુસીબતના દિવસે હિંમત હારી જઈશ, તો તારું બળ થોડું જ ગણાશે.” (નીતિ. ૨૪:૧૦) આ કલમ પ્રમાણે કસોટીઓમાં જો આપણે હિંમત હારી જઈશું કે નિરાશ થઈ જઈશું તો આપણો આનંદ છીનવાઈ જશે.
૧૮. ધીરજથી સહન કરવાનો શો અર્થ થાય?
૧૮ શું કરી શકાય: ભરોસો રાખીએ કે ધીરજથી સહન કરવા યહોવા તાકાત આપશે. સતાવણી વખતે ધીરજથી સહન કરવા હિંમતની જરૂર પડે છે. (યાકૂ. ૫:૧૧) યાકૂબે ધીરજથી સહન કરવા વિષે વાત કરી ત્યારે, આપણા મનમાં એવો વ્યક્તિ આવે જે પોતાની જગ્યાએ અડીખમ ઊભો રહે છે. જેમ કે, એક સૈનિક દુશ્મનો હુમલો કરે ત્યારે યુદ્ધનું મેદાન છોડીને ભાગી નથી જતો. પણ પૂરી હિંમતથી લડાઈ લડે છે.
૧૯. આપણે પાઉલ પાસેથી શું શીખી શકીએ?
૧૯ પ્રેરિત પાઉલે હિંમત રાખવામાં અને ધીરજ ધરવામાં સારો દાખલો બેસાડ્યો છે. અમુક વાર તેમને લાગતું કે તે નબળા પડી ગયા છે. પણ તેમણે યહોવા પર ભરોસો રાખ્યો, એટલે યહોવાએ તેમને ધીરજથી સહેવા શક્તિ આપી. (૨ કોરીં. ૧૨:૮-૧૦; ફિલિ. ૪:૧૩) આપણે પણ નમ્રતાથી સ્વીકારવું જોઈએ કે આપણને યહોવાની મદદની જરૂર છે. એમ કરીશું તો તે આપણને હિંમત રાખવા અને ધીરજથી સહેવા મદદ કરશે.—યાકૂ. ૪:૧૦.
ઈશ્વરની નજીક રહો અને આનંદ જાળવી રાખો
૨૦-૨૧. આપણે કઈ વાતનો ભરોસો રાખી શકીએ?
૨૦ આપણને ખાતરી છે કે આપણા પર જે કસોટીઓ આવે છે એ યહોવા તરફથી નથી. યહોવા ક્યારે પણ કોઈને સજા આપવા તેના પર કસોટી લાવતા નથી. યાકૂબે કહ્યું હતું: “કસોટી થાય ત્યારે કોઈએ એમ ન કહેવું કે ‘ઈશ્વર મારી કસોટી કરે છે,’ કેમ કે, કશાથી ઈશ્વરની કસોટી કરી શકાતી નથી અને ઈશ્વર પણ કોઈની કસોટી કરતા નથી.” (યાકૂ. ૧:૧૩) જો એ વાત પર ભરોસો હશે, તો આપણે યહોવા ઈશ્વરની વધારે નજીક જઈશું.—યાકૂ. ૪:૮.
૨૧ યહોવા “કદી બદલાતા નથી.” (યાકૂ. ૧:૧૭) યહોવાએ પહેલી સદીના ખ્રિસ્તીઓને કસોટીઓમાં મદદ પૂરી પાડી હતી અને આજે આપણને પણ તે મદદ કરશે. સમજશક્તિ, શ્રદ્ધા અને હિંમત જેવા ગુણો વધારવા આપણે યહોવાને કાલાવાલા કરીએ. એ આપણી પ્રાર્થનાઓ જરૂર સાંભળશે. આપણે ભરોસો રાખી શકીએ કે કસોટીઓ આવે ત્યારે યહોવા આનંદ જાળવી રાખવા મદદ કરશે.
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
a યાકૂબના પુસ્તકમાં આપેલી સલાહ આપણને કસોટીઓનો સામનો કરવા મદદ કરે છે. આ લેખમાં આપણે અમુક સલાહ પર ધ્યાન આપીશું. એ સલાહ માનવાથી આપણને મુશ્કેલીઓ હોવા છતાં આનંદથી યહોવાની સેવા કરવા મદદ મળશે.
b ચિત્રની સમજ: એક ભાઈને પોલીસ પકડીને લઈ જઈ રહી છે. તેમની પત્ની અને દીકરી તેમને લઈ જતા જોઈ રહ્યાં છે. ભાઈ જેલમાં છે ત્યારે, બીજાં ભાઈ-બહેનો તેમની પત્ની અને દીકરી સાથે મળીને ભક્તિ કરી રહ્યાં છે. એ મુશ્કેલ સંજોગોમાં ધીરજ રાખવા મા અને દીકરી વારંવાર પ્રાર્થના કરી રહ્યાં છે. યહોવા તેઓને મનની શાંતિ અને હિંમત આપે છે એટલે તેઓની શ્રદ્ધા મજબૂત થાય છે અને મુશ્કેલ સંજોગોમાં તેઓ આનંદ જાળવી શકે છે.