લગ્નજીવન મજબૂત બનાવવા યહોવાનું રક્ષણ લો
“જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.”—ગીત. ૧૨૭:૧ખ.
૧, ૨. (ક) શા માટે ૨૪,૦૦૦ ઈસ્રાએલીઓ વચનના દેશમાં જવાની અદ્ભુત તક ગુમાવી બેઠા? (ખ) તેઓનો અહેવાલ આપણા માટે કેમ મહત્ત્વનો છે?
ઈસ્રાએલીઓ વચનના દેશની ખૂબ નજીક હતા. તેઓ એ દેશનો વારસો મેળવવાની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. હવે, એ વારસો મેળવવાની ઘડી આવી પહોંચી હતી. પરંતુ, અફસોસ કે એ સમયે હજારો ઈસ્રાએલી પુરુષો ‘મોઆબની દીકરીઓની સાથે વ્યભિચાર કરવા લાગ્યા.’ પરિણામે ૨૪,૦૦૦ ઈસ્રાએલીઓએ જીવ ગુમાવ્યો. તેઓ જે અદ્ભુત આશીર્વાદોની ઝંખના રાખતા હતા એ બધા તેઓએ વ્યભિચારને લીધે ગુમાવી દીધા!—ગણ. ૨૫:૧-૫, ૯.
૨ એ દુઃખદ બનાવ ‘બોધ મળે માટે લખવામાં આવ્યો છે.’ ખાસ તો, આ જગતના અંતમાં જીવી રહેલાં દરેકને માટે. (૧ કોરીં. ૧૦:૬-૧૧) આપણે “છેલ્લા સમય”ના અંતિમ ભાગમાં આવી ગયા છીએ અને નવી દુનિયા હવે ખૂબ નજીક છે. (૨ તીમો. ૩:૧; ૨ પીત. ૩:૧૩) પરંતુ, કેટલા દુઃખની વાત કે યહોવાના અમુક ભક્તોએ પણ નૈતિક ધોરણો ત્યજીને વ્યભિચાર કર્યો છે. તેઓ પોતાનાં ખરાબ કામોનો દુઃખદ અંજામ ભોગવી રહ્યા છે. જો તેઓ પસ્તાવો નહિ કરે, તો પૃથ્વી પર હંમેશ માટે જીવવાની તક પણ ગુમાવી દેશે.
૩. પતિ-પત્નીને શા માટે યહોવાના માર્ગદર્શન અને રક્ષણની જરૂર છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૩ આજે આખું જગત અનૈતિક અને અશ્લીલ કામોમાં ડૂબેલું રહે છે. તેથી, દરેક પતિ-પત્નીને પોતાનાં લગ્નજીવનને ટકાવી રાખવા યહોવાના માર્ગદર્શન અને રક્ષણની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૧ વાંચો.) યુગલ કઈ રીતે પોતાના લગ્નજીવનને સુરક્ષિત રાખી શકે? એમ કરવા તેઓએ પોતાના દિલનું રક્ષણ કરવું, યહોવાની નજીક જવું, નવું વ્યક્તિત્વ પહેરવું, દિલ ખોલીને વાતચીત કરવી અને લગ્નની ફરજ પૂરી કરવી જરૂરી છે. ચાલો, આ લેખમાં એ મુદ્દાઓની ચર્ચા કરીએ.
તમારા દિલનું રક્ષણ કરો
૪. અમુક ઈશ્વરભક્તો અનૈતિક કામ કરવા તરફ શાને લીધે લલચાયા છે?
૪ કોઈ ઈશ્વરભક્ત કઈ રીતે વ્યભિચાર તરફ ખેંચાઈ શકે? મોટા ભાગે કોઈ પણ લાલચ આંખો દ્વારા મનમાં પ્રવેશે છે. ઈસુએ કહ્યું હતું, “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માથ. ૫:૨૭, ૨૮; ૨ પીત. ૨:૧૪) જે ઈશ્વરભક્તો અનૈતિકતામાં ફસાયા છે, તેઓએ ઈશ્વરનાં ધોરણોની અવગણના કરી છે. તેઓમાંના મોટા ભાગના લોકો પોર્નોગ્રાફી અથવા ઇન્ટરનેટ પર બીજી અનૈતિક માહિતી જુએ છે. બીજા અમુક, જાતીય ઇચ્છા ઉશ્કેરનાર સાહિત્ય વાંચે છે. કેટલાક લોકો એવી ફિલ્મો, નાટકો અથવા ટીવી પ્રોગ્રામ જુએ છે જે અશ્લીલ છે. અરે, અમુક તો નાઈટ ક્લબમાં કે એવી જગ્યાએ જાય છે, જ્યાં અશ્લીલ નાચ-ગાન અથવા અંગ પ્રદર્શન થાય છે. એટલું જ નહિ, કેટલાક એવા સ્થળોએ જાય છે, જ્યાં જાતીય ઇચ્છા ઉશ્કેરનાર મસાજ કરી આપવામાં આવે છે.
૫. આપણે શા માટે પોતાના દિલ વિશે સાવધ રહેવું જોઈએ?
૫ લગ્નસાથી સિવાયની વ્યક્તિ પોતાની તરફ આકર્ષાય એવું અમુક લોકો ઇચ્છે છે. એવી ખોટી ઇચ્છાને લીધે પણ અમુક ઈશ્વરભક્તો અનૈતિકતામાં ફસાયા છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં લોકો આસાનીથી સંયમ ગુમાવી દે છે અને દરેક જાતની અનૈતિકતામાં આનંદ માણે છે. ઉપરાંત, આપણે અપૂર્ણ હોવાથી આપણું દિલ કપટી છે અને ખોટું કરવા તરફ ઢળેલું છે. તેથી જો સાવધ નહિ રહીએ, તો બહુ આસાનીથી લગ્નસાથી સિવાયની વ્યક્તિ માટે આકર્ષણ જાગી શકે છે. (યિર્મેયા ૧૭:૯, ૧૦ વાંચો.) ઈસુની વાત યાદ રાખીએ, ‘ખરાબ વિચારો, ખૂન, વ્યભિચાર અને લંપટપણું હૃદયમાંથી નીકળે છે.’—માથ. ૧૫:૧૯.
૬, ૭. (ક) વ્યક્તિના દિલમાં ખોટી ઇચ્છાઓ જાગે તો શું બની શકે? (ખ) આપણે યહોવા વિરુદ્ધ પાપ કરવાથી કઈ રીતે બચી શકીએ?
૬ જે વ્યક્તિઓ એકબીજા તરફ આકર્ષાઈ છે, તેઓનાં દિલમાં ખોટી ઇચ્છાઓ ઘર કરી જાય છે. તેઓ એકબીજા જોડે એવી વાતો કરવા લાગે છે, જે ફક્ત લગ્નસાથી જોડે કરવી જોઈએ. તેઓ સાથે સમય પસાર કરવાનાં બહાનાં શોધે છે. તેઓ વધુને વધુ સમય સાથે વિતાવવા યુક્તિઓ રચે છે, પણ એવું બતાવે છે કે અજાણતાં મળ્યાં છે. એકબીજા પ્રત્યેની લાગણીઓ ગાઢ બને છે તેમ તેઓ માટે ખરો નિર્ણય લેવો અઘરો બને છે. તેઓ જાણે છે કે તેઓ ખોટું કરી રહ્યાં છે. છતાં, સંબંધો આગળ વધે છે તેમ એનો અંત લાવવો તેઓ માટે વધુ મુશ્કેલ બને છે.—નીતિ. ૭:૨૧, ૨૨.
૭ ધીરે ધીરે તેઓ યહોવાનાં ધોરણો પૂરી રીતે ત્યજી દે છે. તેઓની ખોટી ઇચ્છાઓ અને વાતો આગળ વધે છે. જે લાગણીઓનો હકદાર ફક્ત લગ્નસાથી છે, એવી લાગણીઓ તેઓ બીજી વ્યક્તિને બતાવે છે. હવે, તેઓ હાથમાં હાથ નાખવા, ચુંબન કરવા, આલિંગન કરવા અને શારીરિક સ્પર્શ વધારવા તરફ આગળ વધે છે. તેઓ પોતાની ઇચ્છાઓથી “ખેંચાઈને” ખોટાં કામ તરફ ‘લલચાય’ છે. છેવટે, પોતાની તીવ્ર ઇચ્છાઓને વશ થઈને તેઓ વ્યભિચાર કરે છે. (યાકૂ. ૧:૧૪, ૧૫) તે બંને વ્યક્તિઓને જો લગ્નની ગોઠવણ માટે માન હોત, તો યહોવા વિરુદ્ધ ગંભીર પાપ કરવાથી બચી શકી હોત. ચાલો જોઈએ કે લગ્નની ગોઠવણ માટે માન કઈ રીતે કેળવી શકાય.
યહોવાની નજીક જવામાં લાગુ રહો
૮. યહોવા સાથેની મિત્રતા કઈ રીતે આપણને અનૈતિક કામોથી રક્ષણ આપે છે?
૮ ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો. યહોવા સાથેની મિત્રતા આપણને અનૈતિક કામોથી રક્ષણ આપશે. કઈ રીતે? તેમના અદ્ભુત ગુણો જાણવાથી આપણે ‘તેમનાં પ્રિય બાળકો તરીકે તેમનું અનુકરણ કરનારાં થઈએ છીએ અને પ્રેમમાં ચાલીએ છીએ.’ પરિણામે, આપણને “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા”નો નકાર કરવાની હિંમત મળે છે. (એફે. ૫:૧-૪) ઈશ્વર બધા “લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.” એ વાત જાણનાર યુગલ એકબીજાને વફાદાર રહેવા સખત મહેનત કરે છે.—હિબ્રૂ ૧૩:૪.
૯. (ક) માલિકની પત્નીએ લાલચ આપી ત્યારે યુસફને વફાદારી બતાવવા ક્યાંથી હિંમત મળી? (ખ) યુસફના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૯ અમુક ઈશ્વરભક્તો બીજી એક રીતે યહોવાનાં ઉચ્ચ ધોરણોની અવગણના કરે છે. તેઓ નોકરીના સમય પછી પણ સાથી કામદારો જોડે કલાકો વિતાવવાના લીધે ખોટાં કામોમાં સપડાય છે. અરે, કેટલીક વાર તો નોકરીના સમય દરમિયાન પણ લાલચો આવે છે. યુસફ નામના યુવાન સાથે એવું જ બન્યું. નોકરીના સ્થળે તેમને ખ્યાલ આવ્યો કે તેમના માલિકની પત્નીને તે ખૂબ ગમવા લાગ્યા છે. તે સ્ત્રી વારંવાર યુસફને જાતીય સંબંધ બાંધવા ઉશ્કેરતી. છેવટે, એ સ્ત્રીએ ‘યુસફનું વસ્ત્ર પકડ્યું અને કહ્યું, મારી સાથે સૂઈ જા.’ પરંતુ, યુસફ તેની વાતમાં આવી ન ગયા અને ત્યાંથી નાસી ગયા. યુસફને એવી વફાદારી બતાવવા ક્યાંથી હિંમત મળી? તેમના માટે યહોવા સાથેની મિત્રતા સૌથી મહત્ત્વની હતી. તે કોઈ પણ કિંમતે એ મિત્રતાને તોડવા માંગતા ન હતા. ખરું કે, યુસફને નોકરી ગુમાવવી પડી અને જેલમાં જવું પડ્યું. પરંતુ, તે વફાદાર રહ્યા માટે યહોવાએ તેમને આશીર્વાદો આપ્યા. (ઉત. ૩૯:૧-૧૨; ૪૧:૩૮-૪૩) ભલે આપણે કામ પર હોઈએ કે બીજી જગ્યાએ, આપણે એવા સંજોગો ટાળવા જોઈએ જ્યાં લાલચ આવી શકે.
નવું વ્યક્તિત્વ પહેરી લો
૧૦. નવું વ્યક્તિત્વ પહેરી લેવાથી કઈ રીતે લગ્નજીવનને રક્ષણ મળે છે?
૧૦ બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે નવું વ્યક્તિત્વ પહેરી લઈએ, જે ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયીપણામાં અને સત્યની પવિત્રતામાં સરજાયેલું છે.’ (એફે. ૪:૨૪) એ સલાહ પાળવાથી યુગલ અનૈતિક કામોથી પોતાનું રક્ષણ કરે છે. આપણે નવું વ્યક્તિત્વ પહેરીએ છીએ ત્યારે જાણે આપણી શારીરિક ઇચ્છાઓને ‘મારી નાખીએ’ છીએ. એમ કરીને આપણે ‘વ્યભિચાર, અશુદ્ધતા, વાસના, ભૂંડી ઇચ્છા અને લોભʼથી દૂર રહીએ છીએ. (કોલોસી ૩:૫, ૬ વાંચો.) અહીં, શારીરિક ઇચ્છાને ‘મારી નાખવાનો’ અર્થ થાય કે અનૈતિક કામો સામે લડત આપવા આપણે બનતું બધું જ કરીશું. યોગ્ય નથી એવી જાતીય ઇચ્છાઓ ઉશ્કેરતી દરેક બાબતને ટાળીશું. (અયૂ. ૩૧:૧) આપણે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવીશું તો, ‘જે ભૂંડું છે એને ધિક્કારીશું અને જે સારું છે એને વળગી રહીશું.’—રોમ. ૧૨:૨, ૯.
૧૧. નવું વ્યક્તિત્વ પહેરી લેવાથી કઈ રીતે લગ્નબંધન મજબૂત બને છે?
૧૧ નવું વ્યક્તિત્વ પહેરી લેવાથી યહોવાના ગુણોને આપણે અનુસરીએ છીએ. (કોલો. ૩:૧૦) જ્યારે પતિ-પત્ની “દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા” બતાવે છે, ત્યારે તેઓનું લગ્નજીવન વધુ મજબૂત બને છે. યહોવા તેઓના પ્રયત્નોને આશીર્વાદ આપે છે. (કોલો. ૩:૧૨) જ્યારે ‘ખ્રિસ્તની શાંતિ તેઓના દિલમાં રાજ કરે’ છે ત્યારે તેઓ બમણી ખુશીનો અનુભવ કરે છે. (કોલો. ૩:૧૫) એકબીજા માટે “ગાઢ પ્રેમ” હોવાથી પતિ અને પત્ની એકબીજાને પોતાના કરતાં ‘અધિક ગણીને માન આપે છે.’—રોમ. ૧૨:૧૦.
૧૨. લગ્નજીવન સુખી બનાવવા કયા ગુણો મહત્ત્વના છે?
૧૨ એક યુગલને પૂછવામાં આવ્યું કે કયા ગુણો બતાવવાથી તેઓનું લગ્નજીવન સુખી બન્યું. ભાઈ સીડ જણાવે છે, ‘અમે હંમેશાં મુખ્ય ગુણ પ્રેમને જીવનમાં વિકસાવવા મહેનત કરીએ છીએ. અમને એ પણ ખ્યાલ આવ્યો કે કૃપાળુ બનવું પણ મહત્ત્વનું છે.’ એ વાતથી સહમત થતાં તેમની પત્ની સોન્યા કહે છે, ‘એકબીજા પ્રત્યે માયાળુ હોવું જરૂરી છે. ઉપરાંત, ભલે અમુક વાર નમ્રતાથી વર્તવું અઘરું લાગે પણ અમે હંમેશાં એ રીતે વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ.’
દિલ ખોલીને વાતચીત કરતા રહો
૧૩. લગ્નજીવન મજબૂત બનાવવા શાની જરૂર છે અને શા માટે?
૧૩ લગ્નજીવનને મજબૂત બનાવવાની સૌથી સારી રીતમાંની એક છે કે લગ્નસાથી જોડે પ્રેમાળ રીતે વાત કરીએ. દુઃખની વાત છે કે અમુક પતિ-પત્ની એકબીજા સાથે જરાય માનથી વાત કરતા નથી. અરે, જીવનસાથી કરતાં વધુ માન તો તેઓ અજાણ્યા લોકોને આપે છે. જો લગ્નજીવનમાં ‘કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો’ હશે તો સમય જતાં લગ્નબંધન નબળું પડશે. (એફે. ૪:૩૧, NW) પતિ-પત્નીનું વાંધાવચકા કાઢવાનું અને કડવા શબ્દો બોલવાનું વલણ લગ્નજીવનને ખતરામાં મૂકી શકે. તેથી, ખૂબ જરૂરી છે કે લગ્નજીવન મજબૂત બનાવવા તેઓ એકબીજા સાથે માયાળુ, કૃપાળુ અને પ્રેમાળ રીતે વાત કરે.—એફે. ૪:૩૨.
૧૪. આપણે શું કરવાનું ટાળવું જોઈએ?
૧૪ બાઇબલ જણાવે છે કે “ચૂપ રહેવાનો વખત” હોય છે. (સભા. ૩:૭) એનો મતલબ એમ નથી કે વ્યક્તિ તેના લગ્નસાથી જોડે બોલવાનું બંધ કરી દે. સુખી લગ્નજીવન માટે વાતચીત કરવી બહુ મહત્ત્વની છે. જર્મનીમાં રહેનાર એક પત્ની કહે છે: ‘તણાવભર્યા સંજોગોમાં રિસાઈને વાતચીત બંધ કરી દેવાથી સાથીને દુઃખ પહોંચે છે. ખરું કે, એવા સંજોગોમાં મનને શાંત રાખવું સહેલું નથી. પરંતુ પોતાને સારું લાગે માટે બીજા પર ગુસ્સો કાઢવો યોગ્ય ન કહેવાય. ગુસ્સામાં તમે એવું કંઈક કહી કે કરી નાખશો જેનાથી સાથીની લાગણી દુભાય. એમ કરવાથી તો વાત વધારે બગડશે.’ બરાડા પાડવાથી કે અબોલા લેવાથી પતિ-પત્ની પોતાની મુશ્કેલીઓનો હલ લાવી શકશે નહિ. સારું રહેશે કે, વાત બોલાચાલી સુધી પહોંચે એ પહેલાં જ તેઓ મતભેદનું સમાધાન લાવે. એમ કરવાથી લગ્નજીવન મજબૂત બની રહેશે.
૧૫. સારી વાતચીત કઈ રીતે લગ્નબંધનને મજબૂતી આપે છે?
૧૫ વ્યક્તિ જ્યારે પોતાનાં વિચારો અને લાગણીઓને લગ્નસાથીને જણાવવા સમય કાઢે છે ત્યારે લગ્નબંધન મજબૂત થાય છે. તમે શું કહો છો અને કેવી રીતે કહો છો એ બંને મહત્ત્વનું છે. તેથી, તણાવભર્યા સંજોગોમાં માયાળુ શબ્દો વાપરવા અને નમ્ર રીતે બોલવા બનતા પ્રયત્નો કરવા જોઈએ. એમ કરવાથી લગ્નસાથીને તમારી વાત સાંભળવી સહેલી બનશે. (કોલોસી ૪:૬ વાંચો.) સારી વાતચીત માટે યુગલ ઉત્તેજન આપનાર અને ભલા શબ્દો વાપરે છે. એમ કરીને તેઓ પોતાનાં લગ્નબંધનને મજબૂતી આપે છે.—એફે. ૪:૨૯.
લગ્નની ફરજ પૂરી કરો
૧૬, ૧૭. પતિ-પત્નીએ એકબીજાની લાગણીઓને અને શારીરિક જરૂરિયાતોને ધ્યાન આપવું કેમ મહત્ત્વનું છે?
૧૬ લગ્નબંધનના પાયાને વધુ દૃઢ બનાવવા યુગલ શું કરી શકે? તેઓ પોતાની જરૂરિયાતો કરતાં સાથીની જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપશે. (ફિલિ. ૨:૩, ૪) પતિ અને પત્ની, બંનેએ એકબીજાની લાગણીઓને અને શારીરિક જરૂરિયાતોને ધ્યાન આપવું જોઈએ.—૧ કોરીંથી ૭:૩, ૪ વાંચો.
૧૭ જોકે, દુઃખની વાત છે કે અમુક લગ્નસાથીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં કે શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. અમુક પુરુષોને લાગે છે કે પોતે પત્ની સાથે કોમળતાથી વર્તે તો તે મર્દાનગી નથી બતાવતો. પરંતુ, બાઇબલ સલાહ આપે છે: ‘પતિઓ, પત્ની સાથે સમજણપૂર્વક રહો.’ (૧ પીત. ૩:૭) પતિએ સમજવું જોઈએ કે લગ્નની જવાબદારીમાં ફક્ત શારીરિક સંબંધ બાંધવાનો સમાવેશ થતો નથી. પતિ હરવખત પ્રેમ અને વહાલથી વર્તનાર હોવો જોઈએ. એમ કરવાથી પત્ની પણ જાતીય સંબંધને માણી શકશે. પતિ-પત્ની જો એકબીજા સાથે પ્રેમ અને વહાલથી કામ લેશે તો એકબીજાની લાગણીમય અને શારીરિક જરૂરિયાતો પૂરી કરી શકશે.
૧૮. પતિ અને પત્ની પોતાનો સંબંધ કઈ રીતે અતૂટ બનાવી શકે છે?
૧૮ ખરું કે લગ્નસાથી પ્રત્યે બેવફા બનવાનું કોઈ જ કારણ નથી. પરંતુ, વ્યક્તિને જ્યારે પ્રેમ ન મળે ત્યારે તે બીજા કોઈ પાસે પ્રેમ અને હુંફ મેળવવાનો પ્રયત્ન કરે છે. (નીતિ. ૫:૧૮; સભા. ૯:૯) એ કારણે જ પરિણીત યુગલોને બાઇબલ સલાહ આપે છે, “એકબીજાથી જુદાં ના પડો.” જોકે, કોઈ કારણસર બંનેની સહમતી હોય તો તેઓ અમુક સમય સુધી જાતીય ઇચ્છાઓ પર સંયમ રાખી શકે છે. જો સંયમ ન રાખે તો શું થઈ શકે? બાઇબલ જણાવે છે, ‘બની શકે કે તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે.’ (૧ કોરીં. ૭:૫) એવું થવા દેવું તો અફસોસજનક કહેવાશે! કારણ કે, શેતાન એનો ફાયદો ઉઠાવીને પતિ અથવા પત્નીને વ્યભિચાર તરફ ખેંચી શકે છે. જ્યારે કે, લગ્નની ફરજ પૂરી કરવાથી બંને લગ્નસાથી ‘ફક્ત પોતાનું જ નહિ, પણ બીજાનું પણ હિત જુએ છે.’ તેઓ એવું ફરજ પડવાને લીધે નહિ પણ પ્રેમને લીધે કરે છે. પ્રેમ અને કોમળતાથી એકબીજાને અંગત લાગણી બતાવવાથી તેઓનું લગ્નબંધન અતૂટ બને છે.—૧ કોરીં. ૧૦:૨૪.
લગ્નબંધનને મજબૂત બનાવતા રહો
૧૯. આપણે શું કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને શા માટે?
૧૯ આપણે નવી દુનિયાની ખૂબ નજીક આવી ગયા છીએ. તેથી, પ્રાચીન સમયના ૨૪,૦૦૦ ઈસ્રાએલીઓએ કરેલી ભૂલ આપણે ન કરીએ. તેઓની જેમ ખોટી ઇચ્છાઓને વશ થવું તો જોખમકારક કહેવાશે! તેઓ સાથે જે બન્યું એના ઉલ્લેખ પછી બાઇબલમાં આ સલાહ જોવા મળે છે: “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.” (૧ કોરીં. ૧૦:૧૨) વ્યક્તિએ પોતાના લગ્નજીવનને મજબૂત રાખવા, યહોવાને અને લગ્નસાથીને વફાદાર રહેવું જોઈએ. (માથ. ૧૯:૫, ૬) હવે તો આપણે બધાએ પહેલાં કરતાં વધુ પ્રયત્ન કરવા જોઈએ, જેથી ‘યહોવાની નજરે કલંક વિનાના અને નિર્દોષ થઈને શાંતિમાં રહીએ.’—૨ પીત. ૩:૧૩, ૧૪.