પતિઓ, ઈસુને પગલે ચાલો
“પતિ ખ્રિસ્તને આધીન છે.”—૧ કરિંથી ૧૧:૩, IBSI.
૧, ૨. (ક) સારા પતિ કોને કહેવાય? (ખ) લગ્નની શરૂઆત કરનાર ઈશ્વરને કેમ ઓળખવા જોઈએ?
સારા પતિ શાનાથી ઓળખાશે? તેની આવડતથી? બુદ્ધિથી? પૈસા કમાઈ શકે એનાથી? કે પછી પોતાની પત્ની ને બાલ-બચ્ચાંને જે રીતે સંભાળે છે એનાથી? આજે કુટુંબની સંભાળ રાખે, એવા પતિ તો દીવો લઈને શોધવા પડે. મોટા ભાગના પતિઓ મન ફાવે એમ જીવે છે. એનું કારણ શું? તેઓ લગ્નની શરૂઆત કરનાર ઈશ્વરને ઓળખવા કે તેમની સલાહ માનવા તૈયાર નથી. લગ્નની શરૂઆત વિષે બાઇબલ કહે છે કે ‘ઈશ્વર યહોવાહે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો.’—ઉત્પત્તિ ૨:૨૧-૨૪.
૨ એના વિષે ઈસુએ પણ તેમના વિરોધી ધર્મગુરુઓને કહ્યું: ‘શું તમે એમ નથી વાંચ્યું, કે જેણે તેઓને ઉત્પન્ન કર્યાં તેણે તેઓને શરૂઆતથી નરનારી ઉત્પન્ન કર્યાં, ને કહ્યું, કે તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્ને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ (માત્થી ૧૯:૪-૬) ઈસુએ બતાવ્યું તેમ સુખી લગ્ન જીવનનો એક જ રસ્તો છે. યહોવાહે લગ્નની ગોઠવણ કરી છે. એના વિષે તેમણે બાઇબલમાં જે સલાહ આપી છે, એ આપણા દિલમાં ઉતારવી જોઈએ.
પતિએ કોના પગલે ચાલવું?
૩, ૪. (ક) સારા પતિ બનવા શું કરવું જોઈએ એની ઈસુને ક્યાંથી ખબર? (ખ) બાઇબલ કોને ઈસુની વહુ કે પત્ની તરીકે ઓળખાવે છે? પતિએ પોતાની પત્ની સાથે કેવી રીતે વર્તવું જોઈએ?
૩ સારા પતિ બનવા શું કરવું જોઈએ? ઈસુએ પોતાના શિષ્યોને જે રીતે શીખવ્યું અને તેમની સાથે જે રીતે વર્ત્યા, એમ જ કરવું જોઈએ. પણ ઈસુને એના વિષે ક્યાંથી ખબર? બાઇબલ ઈસુને “સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત” અને ‘ઈશ્વરની સૃષ્ટિનું મૂળ’ કહે છે. એટલે કે ઈશ્વરે આ વિશ્વ રચ્યું, એનાથી પણ પહેલાં ઈસુને બનાવ્યા હતા. (કોલોસી ૧:૧૫; દર્શન [પ્રકટીકરણ] ૩:૧૪, સંપૂર્ણ) ઈસુ ‘કુશળ કારીગર તરીકે ઈશ્વર સાથે જ હતા.’ (નીતિવચનો ૮:૨૨-૩૦) એટલે યહોવાહે ઈસુને કહ્યું હતું: “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.” (ઉત્પત્તિ ૧:૨૬) એ બતાવે છે કે યહોવાહે પ્રથમ સ્ત્રી-પુરુષને બનાવ્યા અને તેઓના લગ્ન કર્યા ત્યારે ઈસુ ત્યાં હતા.
૪ બાઇબલ ઈસુને ‘ઈશ્વરનું હલવાન’ કહે છે. ઈસુને પતિ સાથે પણ સરખાવે છે. એક વખતે સ્વર્ગદૂતે એક ઈશ્વરભક્તને કહ્યું: ‘ચાલ, હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવું.’ (યોહાન ૧:૨૯; સંદર્શન [પ્રકટીકરણ] ૨૧:૯, પ્રેમસંદેશ) ઈસુની આ કન્યા કે પત્ની કોણ છે? ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તો. તેઓને યહોવાહે ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા. (પ્રકટીકરણ ૧૪:૧, ૩) તેઓમાં ઈસુના શિષ્યો પણ હતા. ઈસુ તેઓ સાથે જે રીતે વર્ત્યા, એ રીતે દરેક પતિએ પણ પોતાની પત્ની સાથે વર્તવું જોઈએ.
૫. ઈસુએ ખાસ કોના માટે દાખલો બેસાડ્યો?
૫ ઈસુએ બધા જ શિષ્યો માટે દાખલો બેસાડ્યો. એટલે બાઇબલ કહે છે કે ‘ખ્રિસ્તે તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમને નમૂનો આપ્યો છે.’ (૧ પીતર ૨:૨૧) પણ ખાસ કરીને પતિઓએ ઈસુને પગલે ચાલવું જોઈએ. બાઇબલ શીખવે છે કે “પત્ની પોતાના પતિને આધીન છે, પતિ ખ્રિસ્તને આધીન છે અને ખ્રિસ્ત ઈશ્વરને આધીન છે.” (૧ કરિંથી ૧૧:૩, IBSI) ઈસુ પોતાના શિષ્યો સાથે જે રીતે વર્ત્યા એમ પતિએ પોતાની પત્ની સાથે વર્તવું. દરેક પતિ એમ કરે તો કુટુંબમાં પ્રેમ વધશે.
લગ્ન-જીવનની તકલીફોનો ઇલાજ
૬. પતિએ પોતાની પત્ની સાથે કેવી રીતે વર્તવું જોઈએ?
૬ આજે દુનિયા તકલીફોથી ભરેલી છે. પતિએ એની સામે ટક્કર લેવા ઈસુની જેમ પ્રેમ ને ધીરજ બતાવવી જોઈએ. બાઇબલ પ્રમાણે જીવવું જોઈએ. (૨ તીમોથી ૩:૧-૫) ઈસુએ બેસાડેલા દાખલા વિષે બાઇબલ કહે છે: ‘પતિઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તમારી પત્ની સાથે સમજીને રહો, તેને માન આપો.’ (૧ પીતર ૩:૭) લગ્ન-જીવનમાં કભી ખુશી તો કભી ગમ હોય જ. પતિએ પણ ઈસુની જેમ જ સમજી-વિચારીને વર્તવું જોઈએ. ઈસુ જેવું કોઈને દુઃખ પડ્યું નથી. તે જાણતા હતા કે એ માટે શેતાન, તેના સાથીઓ ને દુષ્ટ જગત જવાબદાર છે. (યોહાન ૧૪:૩૦; એફેસી ૬:૧૨) ઈસુ પર તકલીફો આવતી ત્યારે તે નવાઈ ન પામતા. પતિ-પત્નીએ પણ નવાઈ ન પામવી. બાઇબલ ચેતવે છે કે ‘જેઓ લગ્ન કરે છે તેઓને મુશ્કેલીઓ વેઠવી પડશે.’—૧ કોરીંથી ૭:૨૮, પ્રેમસંદેશ.
૭, ૮. (ક) પતિએ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ? (ખ) પત્નીઓ કેમ માનને યોગ્ય છે?
૭ બાઇબલ પહેલેથી જણાવે છે કે પતિ પોતાની પત્ની પર “ધણીપણું” કરશે. (ઉત્પત્તિ ૩:૧૬) પણ જે પતિને ઈશ્વરની કૃપા પામવી હોય, તે પોતાની પત્ની પર જુલમ કરશે નહિ. એને બદલે પ્રેમથી વર્તશે. પોતાના જીવની જેમ સાચવશે. તેના વિચારો ને લાગણીઓને માન આપશે. મોટે ભાગે પતિઓ એમ કરતા નથી. એટલે બાઇબલ કહે છે: ‘પતિઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તમારી પત્ની સાથે સમજીને રહો, તેને માન આપો.’—૧ પીતર ૩:૭.
૮ પતિએ કેમ પોતાની પત્નીને માન આપવું જોઈએ? બાઇબલ એનું કારણ જણાવે છે: ‘તમે તમારી પત્ની સાથે જીવનની કૃપાના વારસ છો એમ ગણીને, તેને માન આપો; જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.’ (૧ પીતર ૩:૭) યહોવાહની નજરે પુરુષ કંઈ સ્ત્રી કરતાં ચડિયાતો નથી. તેઓ બંને સરખા છે. યહોવાહ પોતાના બધા ભક્તોને અમર જીવન આપશે, ભલે એ સ્ત્રી હોય કે પુરુષ. અમુકને તો સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવા પણ પસંદ કર્યા છે. એમાં સ્ત્રીઓ પણ છે. જોકે સ્વર્ગમાં “પુરુષ કે સ્ત્રી” જેવું કંઈ નથી. (ગલાતી ૩:૨૮) યહોવાહની દિલથી ભક્તિ કરનાર દરેક તેમને પ્યારા છે. પછી ભલે તે નાના કે મોટા, સ્ત્રી કે પુરુષ, પતિ કે પત્ની હોય.—૧ કોરીંથી ૪:૨.
૯. (ક) પતિએ કેમ પોતાની પત્નીને માન આપવું જ જોઈએ? (ખ) ઈસુ સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્ત્યા?
૯ જો કોઈ પતિ પોતાની પત્નીને માન ન આપે અને ખરાબ વર્તાવ કરે તો યહોવાહને કેવું લાગે છે? ઈશ્વરભક્ત પીતરે જણાવ્યું કે ‘તેઓની પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે.’ એનો વિચાર કરો! વર્ષો પહેલાં યહોવાહના અમુક ભક્તોએ તેમના કહેવા પ્રમાણે કર્યું નહિ ત્યારે, એવું જ બન્યું. (યિર્મેયાહનો વિલાપ ૩:૪૩, ૪૪) ઈસુના શિષ્યોમાં સ્ત્રીઓ પણ હતી. તેઓ પણ ઈસુ સાથે પ્રચારમાં જતી. ઈસુ તેઓ સાથે પ્રેમ ને માનથી વર્તતા. ઈસુ સજીવન થયા પછી સૌથી પહેલા બહેનોને દેખાયા. ભાઈઓને એ વિષે જણાવવાનું કામ ઈસુએ બહેનોને સોંપ્યું. (માત્થી ૨૮:૧, ૮-૧૦; લુક ૮:૧-૩) તમે લગ્ન કર્યા હોય કે લગ્નની તૈયારી કરતા હોવ, બધા જ ભાઈઓએ ઈસુની જેમ સ્ત્રીઓ સાથે વર્તવું જોઈએ.
પતિ માટે દાખલો
૧૦, ૧૧. (ક) પતિએ શું કામ ઈસુના દાખલામાંથી શીખવું જોઈએ? (ખ) પતિ પોતાની પત્નીને કઈ રીતે પ્રેમ બતાવી શકે?
૧૦ આપણે જોઈ ગયા કે અમુક ભાઈ-બહેનો ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. બાઇબલ તેઓને ઈસુની ‘પત્ની’ તરીકે ઓળખાવે છે. એ કહે છે કે “જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” (એફેસી ૫:૨૩) પતિ પોતાના દિલમાં ડોકિયું કરે કે ‘ઈસુની જેમ હું મારી પત્ની સાથે વર્તું છું?’ જો એમ હોય, તો તે પત્નીને યહોવાહના માર્ગે ચાલવા મદદ કરશે. તેને જીવની જેમ સાચવશે. એ રીતે તે ઈસુને પગલે ચાલી શકશે.
૧૧ બાઇબલ કહે છે: “જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કરીને પોતાનો જીવ આપી દીધો; તેમ પતિઓએ પણ પત્ની પર એવો જ પ્રેમ કરવો.” (એફેસી ૫:૨૫, પ્રેમસંદેશ) એફેસીનો ચોથો અધ્યાય ‘મંડળને’ ‘ખ્રિસ્તના શરીર’ સાથે સરખાવે છે. ઈસુ “તે શરીરનું એટલે મંડળીનું શિર છે.” શરીરનાં જુદાં જુદાં અંગો સંપીને કામ કરે છે તેમ, મંડળના ભાઈ-બહેનોમાં પણ સંપ અને પ્રેમ છે.—એફેસી ૪:૧૧; કોલોસી ૧:૧૮; ૧ કોરીંથી ૧૨:૧૨, ૧૩, ૨૭.
૧૨. ઈસુને ‘મંડળ’ પર કેવો પ્રેમ હતો?
૧૨ ઈસુએ ‘મંડળને’ જીવની જેમ સાચવ્યું. સંભાળ રાખી. અપાર પ્રેમ બતાવ્યો. તેમના શિષ્યો સાથે હતા ત્યારે, તેઓને થાકેલા જોઈને કહ્યું: ‘તમે એકાંતમાં આવો, ને થોડો આરામ લો.’ (માર્ક ૬:૩૧) ઈસુને મારી નાખવામાં આવ્યા, એના અમુક કલાકો પહેલાં તેમણે શું કર્યું? એના વિષે યોહાને કહ્યું, “ઈસુએ . . . પોતાના લોક [મંડળ], જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.” (યોહાન ૧૩:૧) તેમણે પતિઓ માટે સુંદર દાખલો બેસાડ્યો.
૧૩. પાઊલે પતિઓને શું કરવાનું કહ્યું?
૧૩ ઈશ્વરભક્ત પાઊલે પતિઓને મીઠાશથી કહ્યું: “એજ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે; કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ [ધિક્કાર] કદી કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું કરે છે તેમ. તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૨૮, ૨૯, ૩૩.
૧૪. પતિ પોતાના શરીર પર શું નહિ કરે? પતિને પોતાની પત્ની પર કેટલો પ્રેમ હોવો જોઈએ?
૧૪ શું કોઈ સમજુ વ્યક્તિ પોતાના શરીરને કાપકૂપ કરશે? અથવા પગમાં ઠેસ લાગે તો શું તે એને વધારે છૂંદશે? ના, જરાય નહિ! શું કોઈ પતિ દોસ્તો આગળ પોતાની બૂરી આદતોની બડાઈ હાંકશે? નહિ ને! તો તે કઈ રીતે પોતાની પત્નીને મારપીટ કરી શકે? કઈ રીતે ઝેર જેવાં કડવાં વેણ કહી શકે? એને બદલે, પતિ તેના પર એટલો પ્રેમ રાખશે કે તેને ઊની આંચ પણ આવવા નહિ દે.—૧ કોરીંથી ૧૦:૨૪; ૧૩:૫.
૧૫. (ક) પ્રાર્થના કરવાને બદલે શિષ્યો ઊંઘી ગયા, છતાં ઈસુએ શું કર્યું? (ખ) ઈસુના એ દાખલામાંથી શું શીખી શકીએ?
૧૫ ઈસુને મારી નાખવામાં આવ્યા એની આગલી રાત્રે તે પોતાના શિષ્યો સાથે ગેથસેમાનેના બાગમાં હતા. ઈસુએ તેઓને વારંવાર ઉત્તેજન આપ્યું કે પ્રાર્થના કરો. તોય તેઓ ત્રણ વાર ઊંઘી ગયા. અચાનક સિપાઈઓએ તેઓને ઘેરી લીધા. ઈસુએ તેઓને પૂછ્યું: “કોને શોધો છો?” ‘ઈસુને,’ સિપાઈઓએ કહ્યું. ઈસુએ કહ્યું: “હું તે છું.” તે જાણતા હતા કે થોડા સમયમાં તેમને મારી નાખવામાં આવશે. તોય તેમણે કહ્યું કે “હું તે છું; માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો.” ઈસુએ પોતાના શિષ્યો માટે કડવાશ ન રાખી, પણ જીવની જેમ સાચવ્યા. તેઓ તો ઈસુના ‘મંડળનો’ ભાગ હતા. પતિએ પણ આ રીતે પોતાની પત્નીને જીવની જેમ સાચવવી જોઈએ.—યોહાન ૧૮:૧-૯; માર્ક ૧૪:૩૪-૩૭, ૪૧.
ઈસુ પ્રેમથી સલાહ આપતા અચકાયા નહિ
૧૬. ઈસુએ મારથાને સુધારો કરવા કઈ રીતે સલાહ આપી?
૧૬ ‘મારથા, તેની બહેન અને તેઓના ભાઈ લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.’ (યોહાન ૧૧:૫) એક દિવસ ઈસુ તેઓના ઘરે ગયા. મારથા રસોઈ કરવામાં મશગૂલ થઈ ગઈ. તેની પાસે ઈસુની વાત સાંભળવાનો સમય ન હતો. ઈસુએ પ્રેમથી મારથાને કહ્યું, “મારથા, મારથા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે; પણ એક વાતની [વસ્તુની] જરૂર છે.” (લુક ૧૦:૪૧, ૪૨) મારથાને સલાહ ગળે ઉતારવી અઘરી ન લાગી, કેમ કે તે જાણતી હતી કે ઈસુ તેનું ભલું ચાહતાʼતા. પત્નીએ સુધારો કરવાની જરૂર હોય તો પતિ શું કરશે? ઈસુની જેમ તેમણે પ્રેમથી સલાહ આપતા અચકાવું ન જોઈએ.
૧૭, ૧૮. (ક) પીતરે ઈસુને ઠપકો આપતા શું કહ્યું? પીતરે કેમ સુધારો કરવાની જરૂર હતી? (ખ) પતિની કઈ જવાબદારી છે?
૧૭ બીજી એક વાર ઈસુએ શિષ્યોને જણાવ્યું કે “હું યરૂશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દહાડે પાછો ઊઠું, એ જરૂરનું છે.” પીતર ‘એક બાજુએ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો, ને કહ્યું, કે અરે પ્રભુ, એવું તને કદી થશે નહિ.’ અહીં પીતર ઉશ્કેરાઈ ગયો હોવાથી, તેને સુધારવાની જરૂર હતી. ઈસુએ તેને કહ્યું: ‘અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું મન લગાડે છે.’—માત્થી ૧૬:૨૧-૨૩.
૧૮ ઈસુએ જણાવ્યું કે પોતે યહોવાહનું કામ કરવા આવ્યા છે. આખરે તે માણસોના હાથે રિબાઈ રિબાઈને મરણ પામશે. (ગીતશાસ્ત્ર ૧૬:૧૦; યશાયાહ ૫૩:૧૨) પણ પીતર યહોવાહની નહિ, માણસની નજરે જોતા હોવાથી ઈસુને ઠપકો આપવા લાગ્યા. કોઈકે તેમને સુધારવાની જરૂર હતી. પીતરની જેમ આપણને પણ કોઈક સુધારે, એવી જરૂર પડે છે. કુટુંબમાં એ પતિની જવાબદારી છે કે પોતાની પત્ની અને બાળકોને જરૂર પડે એમ સુધારે. કોઈ વાર કડક સલાહ પણ આપવી પડે તો પ્રેમથી આપવી. ઈસુએ પીતરને યહોવાહના વિચારો સમજવા મદદ કરી તેમ, પતિ પણ પોતાની પત્નીને મદદ કરે. જેમ કે પત્નીનો પહેરવેશ ને શણગાર બરાબર ન હોય તો, પતિએ પ્રેમથી તેને સમજાવવી.—૧ પીતર ૩:૩-૫.
ધીરજનાં ફળ મીઠાં
૧૯, ૨૦. (ક) ઈસુના શિષ્યો શાને વિષે ઝઘડતા હતા? ઈસુએ એના વિષે શું કર્યું? (ખ) ઈસુની ધીરજનાં કેવાં ફળ મળ્યાં?
૧૯ કુટુંબમાં કોઈક ભૂલ કરે તો પતિએ એમ ન માનવું કે તે એક વાર મદદ કરશે એટલે બસ, શાંતિ. ઈસુએ પોતાના શિષ્યોનો સ્વભાવ સુધારવા વારંવાર મદદ કરી હતી. એક દાખલો લઈએ. ઈસુના શિષ્યો ઘણી વાર ઝઘડતા કે તેઓમાં સૌથી મહાન કોણ? (માર્ક ૯:૩૩-૩૭; ૧૦:૩૫-૪૫) ઈસુએ તેઓ સાથે છેલ્લું પાસ્ખાપર્વ ઊજવવાની ગોઠવણ કરી ત્યારે શું થયું એનો વિચાર કરો. રિવાજ પ્રમાણે કોઈ એકબીજાના પગ ધોવા તૈયાર ન થયું. તેઓના મને એ તો નોકરનું કામ હતું. તોય ઈસુએ તેઓના પગ ધોઈને કહ્યું: “મેં તમને નમૂનો આપ્યો છે.”—યોહાન ૧૩:૨-૧૫.
૨૦ એ જ રાત્રે શિષ્યો ફરી ઝઘડ્યા કે તેઓમાંથી કોણ મોટું? (લુક ૨૨:૨૪) વાણી-વર્તન ને સ્વભાવ બદલાતા ટાઈમ લાગે છે. સમય જતાં, તેઓનો સ્વભાવ બદલાયો. ઈસુની ધીરજનાં ફળ મીઠાં આવ્યાં. પતિઓ પણ ઈસુ જેવો જ સ્વભાવ કેળવશે તો, પત્ની બધામાં સાથ આપશે.
૨૧. પતિએ શું ન ભૂલવું જોઈએ? તેઓએ કોના પગલે ચાલવું જોઈએ?
૨૧ આજે પતિ-પત્ની પર ઘણાં જ દબાણો ને તકલીફો આવે છે. એટલે મોટે ભાગે લોકો લગ્નમાં લીધેલા સોગંદ નકામા ગણે છે. તોપણ પતિએ ભૂલવું ન જોઈએ કે ઈશ્વર યહોવાહે જ લગ્નની ગોઠવણ કરી છે. યહોવાહે ઈસુને આપણા માટે કુરબાની આપવા જ મોકલ્યા ન હતા. પતિઓ માટે દાખલો બેસાડવા પણ મોકલ્યા હતા.—માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૨૯; ૧ પીતર ૨:૨૧. (w 07 2/15)
આપણે શું શીખ્યા?
• યહોવાહે લગ્નની ગોઠવણ કરી એ કેમ ન ભૂલીએ?
• પતિએ કઈ કઈ રીતે પોતાની પત્ની માટે પ્રેમ કેળવવો જોઈએ?
• ઈસુ શિષ્યો સાથે જે રીતે વર્ત્યા, એમાંથી પતિએ શું શીખવું જોઈએ?
[Picture on page 10]
ઈસુ સ્ત્રીઓ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી પતિ શું શીખી શકે?
[Picture on page 12]
પતિએ પ્રેમથી સલાહ આપતા અચકાવું ન જોઈએ