અભ્યાસ લેખ ૪
એકબીજાને દિલથી પ્રેમ કરીએ
“ભાઈઓની જેમ એકબીજા પર પ્રેમ રાખો.”—રોમ. ૧૨:૧૦.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
ઝલકa
૧. આજે ઘણા કુટુંબોની હાલત કેવી છે?
બાઇબલમાં અગાઉથી જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દિવસોમાં લોકો “પ્રેમભાવ વગરના” થઈ જશે. (૨ તિમો. ૩:૧, ૩) આજે ચારેય બાજુ એવું જ જોવા મળે છે. દાખલા તરીકે, લાખો કુટુંબો તૂટી રહ્યાં છે. પતિ-પત્ની એકબીજાને નફરત કરે છે, કેમ કે તેઓએ છૂટાછેડા લઈ લીધા છે. તેઓનાં બાળકોને એવું લાગે છે કે કોઈ તેઓને પ્રેમ કરતું નથી. બીજી બાજુ, અમુક કુટુંબો સાથે તો રહે છે, પણ તેઓમાં પ્રેમ જોવા મળતો નથી. કુટુંબને મદદ કરનાર એક સલાહકાર કહે છે, ‘મમ્મી, પપ્પા અને બાળકો એકબીજા સાથે સમય વિતાવતા નથી. તેઓનો મોટા ભાગનો સમય કૉમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઇલ કે વીડિયો ગેમમાં જતો રહે છે. એટલે ભલે તેઓ એક છત નીચે ભેગા રહેતા હોય, પણ તેઓનાં દિલ એકબીજાથી દૂર છે.’
૨-૩. (ક) રોમનો ૧૨:૧૦ પ્રમાણે આપણે કોને દિલથી પ્રેમ કરવો જોઈએ? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૨ આજે દુનિયાના લોકો એકબીજાને પ્રેમ કરતા નથી. આપણે તેઓના રંગે ન રંગાઈએ. (રોમ. ૧૨:૨) એના બદલે આપણે આપણા કુટુંબને અને મંડળનાં ભાઈ-બહેનોને પ્રેમ કરવો જોઈએ. આપણે જેવો પ્રેમ કુટુંબને કરીએ છીએ, એવો જ પ્રેમ ભાઈ-બહેનોને પણ કરવો જોઈએ. (રોમનો ૧૨:૧૦ વાંચો.) એમ કરીશું તો જ મંડળમાં એકતા જળવાશે અને આપણે ખુશી ખુશી યહોવાની સેવા કરી શકીશું.—મીખા. ૨:૧૨.
૩ ચાલો આપણે બાઇબલના અમુક ઉદાહરણો પર ધ્યાન આપીએ. એમાંથી શીખીશું કે ભાઈ-બહેનોને કઈ રીતે દિલથી પ્રેમ બતાવી શકીએ.
યહોવા “ખૂબ મમતા બતાવે છે”
૪. યાકૂબ ૫:૧૧માંથી યહોવાના પ્રેમ વિશે શું જાણી શકીએ?
૪ બાઇબલમાંથી આપણે યહોવાના સુંદર ગુણો વિશે જાણી શકીએ છીએ. એમાં લખ્યું છે કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) એ જાણવાથી આપણને યહોવાની નજીક જવાનું મન થાય છે. બાઇબલ એમ પણ કહે છે કે યહોવા “ખૂબ મમતા બતાવે છે.” (યાકૂબ ૫:૧૧ વાંચો.) એનાથી ખબર પડે છે કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે!
૫. (ક) યહોવા આપણા પર કઈ રીતે દયા બતાવે છે? (ખ) તેમનું અનુકરણ કરવા આપણે શું કરવું જોઈએ?
૫ યાકૂબ ૫:૧૧ પ્રમાણે યહોવા મમતાની સાથે સાથે દયા પણ બતાવે છે. (નિર્ગ. ૩૪:૬) તે આપણી ભૂલો માફ કરીને આપણા પર દયા બતાવે છે. (ગીત. ૫૧:૧) પણ બાઇબલ પ્રમાણે દયા બતાવવામાં ભૂલો માફ કરવા ઉપરાંત બીજું ઘણું હોય છે. બીજાઓને મુશ્કેલીઓમાં જોઈને આપણને દયા આવે છે અને આપણું દિલ બેસી જાય છે. એના લીધે આપણે તેઓને મદદ કરવા પ્રેરાઈએ છીએ. મા પોતાના બાળકને મુશ્કેલીમાં જુએ ત્યારે તેનું દિલ મમતાથી ઉભરાઈ આવે છે. પણ યહોવા કહે છે કે તેમની દયા અને મમતા તો માની મમતા કરતાં પણ વધારે છે. (યશા. ૪૯:૧૫) આપણને મુશ્કેલીઓમાં જોઈને યહોવાને ખૂબ દયા આવે છે અને તે આપણી મદદ કરે છે. (ગીત. ૩૭:૩૯; ૧ કોરીં. ૧૦:૧૩) આપણે પણ તેમની જેમ દયાળુ બનવું જોઈએ. ભાઈ-બહેનો કોઈ ભૂલ કરે ત્યારે આપણે તેમને માફ કરવા જોઈએ. તેઓ માટે મનમાં ખાર ભરી ન રાખવો જોઈએ. (એફે. ૪:૩૨) દયા બતાવવાની બીજી એક રીત છે કે મુશ્કેલીઓમાં ભાઈ-બહેનોની મદદ કરીએ. ભાઈ-બહેનો પર દયા બતાવીએ છીએ ત્યારે આપણે યહોવાનું અનુકરણ કરીએ છીએ. (એફે. ૫:૧) દિલથી પ્રેમ બતાવવામાં તેમણે ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
યોનાથાન અને દાઊદ વચ્ચે પાકી દોસ્તી થઈ
૬. યોનાથાન અને દાઊદ વચ્ચે કેવી દોસ્તી હતી?
૬ માણસ માત્ર ભૂલને પાત્ર. શું એવા માણસો એકબીજાને દિલથી પ્રેમ કરી શકે? બાઇબલમાં એવા ઘણા લોકો વિશે જણાવ્યું છે. ચાલો યોનાથાન અને દાઊદનો દાખલો જોઈએ. યહોવાએ શાઊલ પછી દાઊદને રાજા તરીકે પસંદ કર્યા હતા. શાઊલને દાઊદની ઈર્ષા થવા લાગી અને તેમને મોતને ઘાટ ઉતારવા માંગતા હતા. પણ યોનાથાને પોતાના પિતાને સાથ આપ્યો નહિ. તે તો દાઊદના પાકા દોસ્ત બની ગયા. બાઇબલમાં લખ્યું છે, ‘યોનાથાન દાઊદને પોતાના જીવથી વધારે પ્રેમ કરતા હતા.’ (૧ શમુ. ૧૮:૧) યોનાથાન અને દાઊદે એકબીજાને વચન આપ્યું કે તેઓ હંમેશાં દોસ્તી નિભાવશે અને એકબીજાની મદદ કરશે.—૧ શમુ. ૨૦:૪૨.
૭. કઈ વાત યોનાથાન અને દાઊદની દોસ્તીને આડે આવી શકતી હતી?
૭ યોનાથાન અને દાઊદ વચ્ચે પાકી દોસ્તી હતી. પણ એવી ઘણી બાબતો હતી જે તેઓની દોસ્તીને આડે આવી શકતી હતી. જેમ કે, તેઓની ઉંમરમાં ઘણો ફરક હતો. દાઊદ કરતાં યોનાથાન આશરે ૩૦ વર્ષ મોટા હતા. યોનાથાને કદાચ વિચાર્યું હોત, ‘દાઊદ તો મારાથી ઘણો નાનો છે અને નવો નિશાળિયો છે. એ મારો દોસ્ત કઈ રીતે બની શકે?’ પણ યોનાથાને એમ વિચાર્યું નહિ. તેમણે તો દાઊદને દિલથી માન આપ્યું.
૮. યોનાથાન કેમ દાઊદના પાકા દોસ્ત હતા? સમજાવો.
૮ યોનાથાન શાઊલના દીકરા હતા. શાઊલ પછી રાજા બનવાનો હક યોનાથાનનો હતો. પણ યહોવાએ દાઊદને પસંદ કર્યા ત્યારે યોનાથાને દાઊદની ઈર્ષા ન કરી. (૧ શમુ. ૨૦:૩૧) યોનાથાન નમ્ર હતા અને યહોવાના વફાદાર ભક્ત હતા. તેમણે યહોવાના નિર્ણયને ટેકો આપ્યો. તે પોતાના દોસ્ત દાઊદને પણ વફાદાર હતા. એ વાતને લઈને શાઊલને યોનાથાન પર ખૂબ ગુસ્સો આવ્યો.—૧ શમુ. ૨૦:૩૨-૩૪.
૯. શાના પરથી કહી શકાય કે યોનાથાને દાઊદની ઈર્ષા કરી નહિ?
૯ યોનાથાનને દાઊદ માટે ખૂબ લાગણી હતી. તેમણે ક્યારેય દાઊદની ઈર્ષા કરી નહિ. એવું શાના પરથી કહી શકાય? યોનાથાન એક વીર યોદ્ધા અને કુશળ તીરંદાજ હતા. એવું કહેવામાં આવે છે કે શાઊલ અને યોનાથાન “ગરુડ કરતાં વેગવાન” અને “સિંહો કરતાં બળવાન હતા.” (૨ શમુ. ૧:૨૨, ૨૩) પણ એ વિશે યોનાથાને કોઈ દિવસ બડાઈ મારી નહિ. તે તો દાઊદનાં મોટાં મોટાં કામો વિશે ખુશ થતા હતા. તેમને દાઊદની એ વાત ખૂબ ગમતી કે તે હિંમતવાન હતા અને યહોવામાં ભરોસો રાખતા હતા. જોવા જઈએ તો દાઊદે ગોલ્યાથને માર્યા પછી જ તેઓની દોસ્તી પાકી થઈ. ખરેખર, યોનાથાનને દાઊદ માટે ખૂબ લાગણી હતી. આપણે પણ ભાઈ-બહેનો માટે કઈ રીતે લાગણી બતાવી શકીએ?
કઈ રીતે આજે આપણે એકબીજાને દિલથી પ્રેમ કરી શકીએ?
૧૦. “એકબીજાને પૂરા દિલથી ચાહો,” એનો શું અર્થ થાય?
૧૦ બાઇબલમાં સલાહ આપી છે કે “એકબીજાને પૂરા દિલથી ચાહો.” (૧ પીત. ૧:૨૨) પ્રેમ બતાવવામાં યહોવાએ સુંદર દાખલો બેસાડ્યો છે. (રોમ. ૮:૩૮, ૩૯) તે આપણને ખૂબ પ્રેમ કરે છે. જો આપણે તેમને વફાદાર રહીશું, તો આપણા માટે તેમનો પ્રેમ ક્યારેય ઓછો નહિ થાય. “પૂરા દિલથી” શબ્દો માટેના ગ્રીક શબ્દનો અર્થ થાય કે કંઈક મેળવવા “પૂરું જોર લગાવવું” અને “પૂરી તાકાત લગાવવી.” એમ કરવામાં કદાચ આપણને થોડી મુશ્કેલી પડે. એવી જ રીતે, ભાઈ-બહેનોને પ્રેમ બતાવવામાં આપણે પૂરું જોર લગાવવું પડે. એમ કરવામાં અમુક મુશ્કેલીઓ પણ આવે. જ્યારે કોઈ આપણને દુઃખ પહોંચાડે, ત્યારે આ સલાહ પાળવી જોઈએ: “પ્રેમથી એકબીજાનું સહન કરો; શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો, જે પવિત્ર શક્તિ દ્વારા મળે છે.” (એફે. ૪:૧-૩) આપણે “શાંતિના બંધનમાં એકતા જાળવી રાખવાનો” પ્રયત્ન કરીશું, તો ભાઈ-બહેનોની ભૂલો પર ધ્યાન નહિ આપીએ. પણ આપણે તેઓને યહોવાની નજરે જોવાનો પ્રયત્ન કરીશું.—૧ શમુ. ૧૬:૭; ગીત. ૧૩૦:૩.
૧૧. અમુક વાર ભાઈ-બહેનોને પ્રેમ બતાવો કેમ અઘરું થઈ જાય છે?
૧૧ અમુક વાર ભાઈ-બહેનોની ભૂલો સાફ સાફ દેખાય આવે છે. એવા સમયે તેઓને પ્રેમ બતાવવો અઘરું થઈ જાય છે. કદાચ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ સાથે એવું જ કંઈક બન્યું હતું. ચાલો, યુવદિયા અને સુન્તુખેનો દાખલો જોઈએ. તેઓએ “ખુશખબર માટે પાઊલ સાથે ખભેખભા મિલાવીને” કામ કર્યું હતું. પાઊલ સાથે કામ કરવામાં તેઓને કોઈ વાંધો આવ્યો નહિ. પણ કોઈક કારણો ને લીધે તેઓનું એકબીજા સાથે બનતું ન હતું. એટલે પાઊલે તેઓને ઉત્તેજન આપ્યું કે “તેઓ પ્રભુમાં એક મનની થાય.”—ફિલિ. ૪:૨, ૩.
૧૨. આપણે કઈ રીતે ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરી શકીએ?
૧૨ આપણે કઈ રીતે ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરી શકીએ? આપણે તેઓને સારી રીતે ઓળખવાની કોશિશ કરીએ. ભાઈ-બહેનોને નજીકથી ઓળખીશું તો તેઓને સારી રીતે સમજી શકીશું અને આપણા દિલમાં તેઓ માટે પ્રેમ ખીલી ઊઠશે. આપણે તેઓના સારા દોસ્ત બની શકીએ, પછી ભલે તેઓ કોઈ પણ ઉંમર કે સમાજના હોય. યોનાથાન અને દાઊદ વચ્ચે લગભગ ૩૦ વર્ષનો ફરક હતો. તોપણ તેઓ એકબીજાના પાકા દોસ્ત હતા. શું મંડળમાં તમારાથી નાની કે મોટી ઉંમરની કોઈ વ્યક્તિ છે, જેની સાથે તમે દોસ્તી કરી શકો? એવું કરીને બતાવી આપો છો કે તમે “સર્વ ભાઈઓને પ્રેમ બતાવો” છો.—૧ પીત. ૨:૧૭.
૧૩. મંડળમાં બધા સાથે પાકી દોસ્તી થવી કેમ શક્ય નથી?
૧૩ શું ભાઈ-બહેનોને દિલથી પ્રેમ બતાવવાનો એવો અર્થ થાય કે મંડળમાં બધા સાથે પાકી દોસ્તી થઈ જશે? ના, એવું શક્ય નથી! મોટાભાગે આપણી દોસ્તી એવા લોકો સાથે થાય છે, જેઓનો સ્વભાવ અને પસંદ-નાપસંદ આપણા જેવાં હોય છે. ઈસુએ પણ પોતાના બધા પ્રેરિતોને “મિત્રો” કહ્યા. પણ યોહાન તેમને ખૂબ વહાલા હતા. (યોહા. ૧૩:૨૩; ૧૫:૧૫; ૨૦:૨) છતાં, ઈસુએ બધા શિષ્યોને એકસરખા ગણ્યા. તેમણે કોઈ એક શિષ્યને વધારે મહત્ત્વ ન આપ્યું. એક વાર યોહાન અને તેમના ભાઈ યાકૂબ ઈસુ પાસે ઈશ્વરના રાજ્યમાં ખાસ પદવી માંગવા માટે આવ્યા. એ સમયે ઈસુએ તેને કહ્યું: “મારે જમણે કે ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી.” (માર્ક ૧૦:૩૫-૪૦) આપણે પણ બધાં ભાઈ-બહેનો સાથે એક જેવો વ્યવહાર કરવો જોઈએ. આપણે પોતાના ખાસ દોસ્તોને બીજાઓ કરતાં વધારે મહત્ત્વના ગણવા ન જોઈએ કે કોઈ ભેદભાવ કરવો ન જોઈએ. (યાકૂ. ૨:૩, ૪) નહિતર, મંડળમાં ભાગલા પડી જશે અને મંડળની શાંતિ ખોરવાઈ જશે.—યહૂ. ૧૭-૧૯.
૧૪. ફિલિપીઓ ૨:૩માંથી આપણે શું શીખી શકીએ?
૧૪ આપણે ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરીશું તો તેઓની ઈર્ષા નહિ કરીએ. આપણે તેઓથી ચઢિયાતા છે એવું સાબિત કરવાની કોશિશ નહિ કરીએ. યાદ કરો, યોનાથાને દાઊદની ઈર્ષા કરી નહિ. તેમણે દાઊદની જગ્યાએ પોતે રાજા બનવાની કોશિશ કરી નહિ. યોનાથાનની જેમ આપણે પણ બીજાઓની આવડતો જોઈને ઈર્ષા ન કરીએ. આપણે ‘નમ્રતાથી બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણીએ.’ (ફિલિપીઓ ૨:૩ વાંચો.) મંડળનાં એકેએક ભાઈ અને બહેન મહત્ત્વનાં છે. તેઓ જે પણ કરે છે, એનાથી મંડળને ફાયદો થાય છે. જો નમ્ર રહીશું તો ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપી શકીશું અને તેઓના વિશ્વાસથી શીખી શકીશું.—૧ કોરીં. ૧૨:૨૧-૨૫.
૧૫. તાન્યાબહેનના અનુભવથી શું શીખવા મળે છે?
૧૫ આપણા પર અણધારી આફત આવે ત્યારે યહોવા ભાઈ-બહેનો દ્વારા આપણી સંભાળ રાખે છે અને આપણને મદદ કરે છે. તાન્યાબહેન અને તેમનાં બાળકોને પણ ભાઈ-બહેનોનો એવો પ્રેમ જોવા મળ્યો. તેઓ ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય સંમેલન માટે અમેરિકા ગયા હતા, જેનો વિષય હતો: “પ્રેમ કાયમ ટકી રહે છે!” શનિવારના કાર્યક્રમ પછી હોટલ પાછા ફરતી વખતે એક અકસ્માત થયો. બહેને જણાવ્યું, “અમે કારમાં જઈ રહ્યાં હતાં. અચાનક સામેથી એક ગાડી આવી અને અમારી ગાડી સાથે અથડાઈ. કોઈને ખાસ કંઈ વાગ્યું નહિ પણ અમે બહુ ગભરાઈ ગયાં હતાં. અમે ગાડીમાંથી ઊતરીને સાઇડ પર ઊભાં રહ્યાં. અમે જોયું કે રસ્તાની પેલી તરફથી કોઈક હાથથી ઇશારો કરીને અમને બોલાવી રહ્યું હતું. તે આપણા એક ભાઈ હતા, જે સંમેલનમાંથી પાછા ફરી રહ્યા હતા. અમને જોઈને પાંચેક ભાઈ-બહેનો ઊભાં રહી ગયાં. તેઓ સંમેલન માટે સ્વીડનથી આવ્યાં હતાં. બહેનો આવીને અમને ભેટી પડી. એનાથી અમારા દિલને ઠંડક મળી. મેં તેઓને કહ્યું કે હવે અમને સારું છે તમે જઈ શકો છો. પણ એમ્બ્યુલન્સ આવી નહિ ત્યાં સુધી તેઓ ઊભાં રહ્યાં અને અમારી મદદ કરી. એ મુશ્કેલ સંજોગોમાં અમે જોઈ શક્યાં કે યહોવા અમને કેટલો પ્રેમ કરે છે. એ બનાવ પછી યહોવા અને ભાઈ-બહેનો માટે અમારો પ્રેમ વધુ ગાઢ બન્યો.” શું તમને એવો સમય યાદ છે જ્યારે ભાઈ-બહેનોએ પ્રેમથી તમને મદદ કરી હોય?
૧૬. ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરીશું તો કયા ફાયદા થશે?
૧૬ આપણે ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરીશું તો ઘણા ફાયદા થશે. મુશ્કેલ સમયમાં આપણે ભાઈ-બહેનોને દિલાસો આપી શકીશું. મંડળમાં સંપ વધશે. નમ્ર દિલના લોકો જોઈ શકશે કે આપણે ઈસુના શિષ્યો છીએ. એ વાત તેઓને યહોવા તરફ દોરી લાવશે. સૌથી મહત્ત્વનું તો યહોવા ઈશ્વરને મહિમા મળશે, જે “દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” (૨ કોરીં. ૧:૩) તો ચાલો આપણાં ભાઈ-બહેનોને પૂરા દિલથી પ્રેમ કરતા રહીએ.
ગીત ૩૫ યહોવાની ધીરજ
a ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો વચ્ચે પ્રેમ હશે, જે તેઓની ઓળખ બનશે. આપણે એ પ્રમાણે કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. આપણે કુટુંબ માટે જેવો પ્રેમ બતાવીએ છીએ, એવો જ પ્રેમ ભાઈ-બહેનો માટે પણ બતાવવો જોઈએ. આ લેખથી ભાઈ-બહેનોને વધુ પ્રેમ બતાવવા આપણને મદદ મળશે.
b ચિત્રની સમજ: એક યુવાન વડીલ અનુભવી વડીલ પાસેથી શીખી રહ્યા છે. મોટી ઉંમરના વડીલે એ યુવાન ભાઈ અને તેમના પત્નીને ઘરે જમવા બોલાવ્યા છે. યુવાન ભાઈ અને તેમના પત્ની તેઓ માટે કંઈક લાવ્યાં છે. આમ તેઓ એકબીજા માટે પ્રેમ બતાવી રહ્યા છે.