‘વિદેશી લોકોમાં સારા આચરણ રાખો’
“તમે સર્વેને માન આપો. બંધુમંડળ પર પ્રીતિ રાખો.” —૧ પીતર ૨:૧૭.
થોડાં વર્ષો પહેલાં અમેરિકાના એમરીલો, ટેક્ષસમાં એક છાપાના પત્રકારે ઘણા જુદા જુદા ચર્ચોની મુલાકાત લીધી હતી. એમાં એક જૂથના લોકોથી તે ખૂબ જ પ્રભાવિત થયો હતો. તેણે રિપોર્ટ આપ્યો: “હું છેલ્લા ત્રણ વર્ષથી એમરીલો ટાઉન હોલમાં યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનમાં જઉં છું. મેં એ લોકોને ક્યારેય સિગારેટ કે બીયર પીતા જોયા નથી. તેઓમાં કોઈ ખરાબ ભાષા બોલતું નથી. તેઓ સ્વચ્છતાને ખૂબ જ મહત્ત્વ આપે છે. તેઓ એકદમ સ્વચ્છ અને શોભે એવા કપડાં પહેરે છે. તેઓ સ્વભાવે ખૂબ સારા લોકો છે. આવા લોકો મેં ક્યાંય જોયા નથી.” યહોવાહના સાક્ષીઓ તરીકે આ રીતે આપણી ઘણી વાર પ્રશંસા કરવામાં આવી છે. શા માટે બીજાઓ આપણી આવી પ્રશંસા કરે છે?
૨ આપણી સારી વર્તણૂક જોઈને તેઓ પ્રશંસા કરે છે. આજે દુનિયામાં નૈતિક ધોરણો નીચા જઈ રહ્યા છે ત્યારે, યહોવાહના સાક્ષીઓ નૈતિક ધોરણોને જાળવી રાખે છે. કેમ કે આપણે આ ધોરણોને પરમેશ્વરની ભક્તિનો એક ભાગ ગણીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ કરીશું એની યહોવાહ પર અને આપણા ખ્રિસ્તી ભાઈબહેનો પર અસર પડે છે. અને લોકો પણ જોઈ શકે છે કે આપણી વાણી અને વર્તન એક જ છે અને આપણે પોતે સત્ય પાળીએ છીએ. (યોહાન ૧૫:૮; તીતસ ૨:૭, ૮) તો પછી, આપણે કઈ રીતે આપણી આ સારી શાખને જાળવી રાખી શકીએ અને યહોવાહને મહિમા આપી શકીએ? એનાથી આપણને કઈ રીતે લાભ થશે? ચાલો આપણે એ હવે જોઈએ.
કુટુંબમાં
૩ કુટુંબમાં આપણે એકબીજા સાથે કેવી રીતે વર્તીએ છીએ એનો વિચાર કરો. ગેરહારટ બીસેર અને અરવીન કે. શોઇક નામના લેખકોએ ધર્મની સ્વતંત્રતા અને ધર્મનો વિરોધ નામના તેમના જર્મન પુસ્તકમાં લખ્યું: “[યહોવાહના સાક્ષીઓ] પોતાના કુટુંબનું ખરાબ અસરોથી રક્ષણ કરે છે.” એ કેટલું સાચું છે, કેમ કે આજે કુટુંબો ઘણા જોખમોથી ઘેરાયેલા છે. ખરેખર, કુટુંબોમાં સારી દેખભાળની ખૂબ જરૂર છે. આજે બાળકો ‘માબાપનું સન્માન રાખતા નથી.’ કુટુંબમાં પણ ‘પ્રેમ’ અને ‘સંયમ’ જેવું કંઈ જોવા મળતું નથી. (૨ તીમોથી ૩:૨, ૩) પતિ-પત્નીમાં ઝઘડા થતા હોય છે, માબાપો બાળકો પર અત્યાચાર કરતા હોય છે. બાળકો માબાપની સામે થાય છે, ડ્રગ્સની લતે ચઢી જાય છે, અનૈતિક બાબતોમાં ફસાઈ જાય છે અને ઘણી વાર તો, ઘરેથી ભાગી જાય છે. ખરેખર, આજે આખા જગતમાં આવી ખરાબ અસરો જોવા મળે છે. (એફેસી ૨:૧, ૨) તો પછી, આપણે આપણા કુટુંબને આવી ખરાબ અસરોથી કઈ રીતે બચાવી શકીએ? કુટુંબો માટે યહોવાહ જે સલાહ અને માર્ગદર્શન આપે છે એને ધ્યાન આપીને આપણે કુટુંબનું રક્ષણ કરી શકીએ.
૪ પતિ-પત્ની જાણે છે કે, બાઇબલ પ્રમાણે તેઓએ એકબીજાની લાગણીઓને સમજવાની, જાતીય જરૂરિયાતો પૂરી કરવાની અને યહોવાહની ભક્તિમાં એકબીજાને ઉત્તેજન આપવાની જરૂર છે. (૧ કોરીંથી ૭:૩-૫; એફેસી ૫:૨૧-૨૩; ૧ પીતર ૩:૭) માબાપો માટે પોતાનાં બાળકોને પરમેશ્વરના શિક્ષણમાં ઉછેરવા એક મોટી જવાબદારી છે. (નીતિવચનો ૨૨:૬; ૨ કોરીંથી ૧૨:૧૪; એફેસી ૬:૪) બાળકો ખ્રિસ્તી કુટુંબમાં મોટા થાય છે તેમ, તેઓ પણ પોતાની જવાબદારી નિભાવતા શીખે છે. (નીતિવચનો ૧:૮, ૯; ૨૩:૨૨; એફેસી ૬:૧; ૧ તીમોથી ૫:૩, ૪, ૮) કુટુંબની જવાબદારી નિભાવવી સહેલી નથી. એ માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. તેમ જ, પ્રેમ અને જતું કરવાનું શીખવાની જરૂર છે. પરંતુ જ્યારે કુટુંબમાં બધા યહોવાહની આજ્ઞા પાળવા મહેનત કરે છે ત્યારે, તેઓ એકબીજાને અને મંડળને પણ મદદરૂપ થાય છે. સૌથી મહત્ત્વનું તો, એમ કરીને તેઓ યહોવાહ પરમેશ્વરને માન આપે છે જે સૌથી પહેલાં કુટુંબને બનાવનાર છે.—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; એફેસી ૩:૧૫.
આખી દુનિયાના ભાઈબહેનો સાથે
૫ ખ્રિસ્તીઓ તરીકે મંડળના ભાઈબહેનો અને ‘પૃથ્વી પરના આપણા સર્વ ભાઈઓ’ પ્રત્યે પણ આપણી ઘણી ફરજો રહેલી છે. (૧ પીતર ૫:૯) પરમેશ્વરની ભક્તિ કરવા માટે મંડળ સાથે જોડાયેલા રહેવું ખૂબ મહત્ત્વનું છે. આપણે મંડળમાં ભાઈબહેનોને મળીએ છીએ ત્યારે, તેમની પાસેથી ઘણું ઉત્તેજન મળે છે. તેમ જ આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી સમયસરનું માર્ગદર્શન પણ મળે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) આપણે મુશ્કેલીમાં આપણા ભાઈઓ પાસે જઈ શકીએ છીએ જેઓ, બાઇબલમાંથી સારી સલાહ આપે છે. (નીતિવચનો ૧૭:૧૭; સભાશિક્ષક ૪:૯; યાકૂબ ૫:૧૩-૧૮) આપણા ભાઈબહેનો મુશ્કેલીઓમાં પણ આપણને છોડી દેતા નથી. આપણે યહોવાહની સંસ્થામાં છીએ એ કેવો આશીર્વાદ છે!
૬ આપણે મંડળમાં પોતાના સ્વાર્થ માટે જ જતા નથી. આપણે ભાઈબહેનોને પણ મદદ કરીએ છીએ. ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) પ્રેષિત પાઊલે પણ ઉદારતાથી આપવા પર ભાર મૂકતા કહ્યું: “જે આશા આપણે [જાહેરમાં] પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ. આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ. કેટલાક કરે છે તેમ આપણે એકત્રિત થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, જેમ આપણે પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ, તેમ એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.”—હેબ્રી ૧૦:૨૩-૨૫, પ્રેમસંદેશ.
૭ આપણે સભાઓમાં જવાબો આપીએ છીએ કે બીજી રીતે ભાગ લઈએ છીએ ત્યારે, આપણી ‘આશા પ્રગટ કરીએ છીએ.’ એનાથી ખરેખર આપણા ભાઈબહેનોને ઉત્તેજન મળે છે. આપણે સભા પહેલાં અને પછી પણ તેઓ સાથે વાત કરીને ઉત્તેજન આપીએ છીએ. એ સમયે આપણે જેઓ વિશ્વાસમાં નબળા છે તેઓને દૃઢ કરીએ છીએ, ઉદાસ અને બીમારોને દિલાસો આપીએ છીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) સાચા ખ્રિસ્તીઓ આવી મદદ કરવામાં દિલદાર છે. તેથી, જેઓ પહેલી વાર આપણી સભાઓમાં આવે છે તેઓ આપણા પ્રેમનો અનુભવ કરીને પ્રભાવિત થઈ જાય છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૧; યોહાન ૧૫:૧૨; ૧ કોરીંથી ૧૪:૨૫.
૮ જોકે આપણે ફક્ત આપણા મંડળમાં જ નહિ, પણ દુનિયાના બધા ભાઈબહેનો પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ. દાખલા તરીકે, બધા જ રાજ્ય ગૃહોમાં ‘રાજ્યગૃહ ફંડ માટે પ્રદાનપેટી’ હોય છે. કદાચ આપણો પોતાનો સુંદર રાજ્યગૃહ હોય શકે. પરંતુ, આપણે જાણીએ છીએ કે બીજા દેશોના આપણા હજારો ભાઈબહેનો પાસે, ભેગા મળવા યોગ્ય જગ્યા કે પોતાનો રાજ્યગૃહ નથી. આપણે જ્યારે રાજ્યગૃહ ફંડ માટે દાન કરીએ છીએ ત્યારે, એવા ભાઈબહેનો પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ, જેઓને આપણે ઓળખતા પણ નથી.
૯ શા માટે યહોવાહના સાક્ષીઓ એકબીજાને પ્રેમ કરે છે? કેમ કે ઈસુએ આપણને એમ કરવાની આજ્ઞા આપી છે. (યોહાન ૧૫:૧૭) આપણો પ્રેમ પુરાવો આપે છે કે પરમેશ્વરનો પવિત્ર આત્મા આપણને બધાને માર્ગદર્શન આપે છે. કેમ કે પ્રેમ “પવિત્ર આત્માનું ફળ” છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આજે જગતમાં “ઘણાખરાનો પ્રેમ થંડો થઈ” ગયો છે. પરંતુ આપણે બાઇબલનો અભ્યાસ કરીએ, સભાઓમાં જઈએ, અને યહોવાહને નિયમિત પ્રાર્થના કરીએ છીએ તેમ, આપણામાં પ્રેમ વધે છે.—માત્થી ૨૪:૧૨.
જગતના લોકો સાથે
૧૦ પાઊલે તેમના પત્રમાં આપણી ‘આશા જાહેરમાં પ્રગટ કરવા’ વિષે લખ્યું હતું. એ આપણી બીજી જવાબદારી યાદ કરાવે છે. જાહેરમાં આશા પ્રગટ કરવી એટલે કે, બીજાઓને આપણે શુભસંદેશો જણાવીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; રૂમીઓને પત્ર ૧૦:૯, ૧૦, ૧૩-૧૫) આ પ્રચાર કાર્ય દ્વારા આપણે બીજાઓને ઘણું આપીએ છીએ. જેમ કે, એ માટે તૈયારી કરવા આપણે પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ વાપરીએ છીએ. પાઊલે લખ્યું: “સુધરેલા ગ્રીકો અને પછાત બર્બરો, જ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓનો પણ હું દેવાદાર છું. તેથી તમ રોમમાં વસનારાઓને પણ હું શુભસંદેશ પ્રગટ કરવા આતુર છું.” (રૂમીઓને પત્ર ૧:૧૪, ૧૫, પ્રેમસંદેશ) ચાલો આપણે પણ પાઊલની જેમ બધા લોકોને પૂરા દિલથી શુભસંદેશ પ્રગટ કરીએ.
૧૧ શું જગતના લોકો પ્રત્યે આપણી બીજી કોઈ જવાબદારી રહેલી છે? હા, જરૂર રહેલી છે. આપણે જાણીએ છીએ તેમ, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) ઈસુએ તેમના શિષ્યો વિષે કહ્યું હતું કે “હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” ઈસુના શિષ્યો તરીકે, આપણે પણ જગતનો ભાગ નથી. પરંતુ આપણે જગતમાં રહીએ છીએ, જીવવા માટે કામ કરીએ છીએ અને એમાંથી અમુક લાભો પણ મેળવીએ છીએ. (યોહાન ૧૭:૧૧, ૧૫, ૧૬) આપણે એ પણ યાદ રાખીએ કે આ જગતના લોકો પ્રત્યે પણ આપણી ઘણી ફરજો રહેલી છે. પ્રેષિત પીતરે એ ફરજો વિષે એશિયા માઈનોરને લખેલા પત્રમાં જણાવ્યું હતું. એ પત્ર તેમણે યરૂશાલેમનો વિનાશ થયો એના થોડા સમય પહેલાં લખ્યો હતો. એ પત્રનો એક ફકરો આપણને આ જગત સાથે યોગ્ય સંબંધ રાખવા મદદ કરે છે.
૧૨ એ પત્રની શરૂઆતમાં પીતરે લખ્યું: “આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ; એવી વિનંતી હું કરું છું.” (૧ પીતર ૨:૧૧, પ્રેમસંદેશ) જગતમાં સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વરની નજરમાં ‘પરદેશી અને પ્રવાસી’ જેવા છે કેમ કે, તેઓને અનંતજીવનની ખરી આશા છે. એટલે કે અભિષિક્તોને સ્વર્ગમાં જવાની અને ‘બીજાં ઘેટાંને’ આ જ પૃથ્વી પર હંમેશ માટે સુખશાંતિમાં રહેવાની આશા છે. (યોહાન ૧૦:૧૬; ફિલિપી ૩:૨૦, ૨૧; હેબ્રી ૧૧:૧૩; પ્રકટીકરણ ૭:૯, ૧૪-૧૭) તો પછી, આ દુનિયાની “શારીરિક દુર્વાસનાઓ” શું છે? એ ધનવાન થવાને, નામ કમાવાને કે ભૂંડી ઇચ્છાઓ સંતોષવાને બતાવે છે. બાઇબલ “અદેખાઈ” અને ‘દ્રવ્યલોભને’ પણ શારીરિક દુર્વાસના કહે છે.—કોલોસી ૩:૫; ૧ તીમોથી ૬:૪, ૯; ૧ યોહાન ૨:૧૫, ૧૬.
૧૩ સાચે જ, આ ખરાબ ઇચ્છાઓ આપણા “આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ” કરે છે. આવી ભૂંડી ઇચ્છાઓ પરમેશ્વર સાથેના આપણા સંબંધને બગાડે છે અને આપણી ખ્રિસ્તી આશા (આપણો “આત્મા” કે જીવન) જોખમમાં મૂકે છે. દાખલા તરીકે, જો આપણે અનૈતિક બાબતોની ઇચ્છા રાખીશું તો, આપણે કઈ રીતે ‘પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ’ કરી શકીશું? આપણે ધનવાન થવાની જાળમાં ફસાઈશું તો, કઈ રીતે ‘પહેલાં તેમના રાજ્યને’ જીવનમાં પ્રથમ મૂકી શકીશું? (રૂમીઓને પત્ર ૧૨:૧, ૨; માત્થી ૬:૩૩; ૧ તીમોથી ૬:૧૭-૧૯) મુસાએ આ બાબતમાં સારો દાખલો બેસાડ્યો છે. તેમની જેમ, આપણે પણ જગતની મોહમાયા છોડી દઈને, યહોવાહની સેવાને જીવનમાં પ્રથમ રાખવી જોઈએ. (માત્થી ૬:૧૯, ૨૦; હેબ્રી ૧૧:૨૪-૨૬) જગત સાથે યોગ્ય સંબંધ રાખવા આ ખૂબ જ મહત્ત્વનું છે.
‘સારા આચરણ રાખો’
૧૪ પછી પીતર આપણને મહત્ત્વની સલાહ આપે છે: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૧૨) ખ્રિસ્તીઓ તરીકે આપણે સારો નમૂનો બેસાડવા માગીએ છીએ. એ માટે આપણે સ્કૂલમાં ધ્યાન દઈને અભ્યાસ કરીએ છીએ. નોકરી પર માલિક આપણા પર દબાણ લાવે તોપણ, આપણે તેમને વફાદાર રહીને પૂરી મહેનતથી કામ કરીએ છીએ. ઘરમાં ફક્ત પતિ કે પત્ની યહોવાહના સાક્ષી હોય તોપણ, તે ખ્રિસ્તી સિદ્ધાંતોને પાળવા ખૂબ પ્રયત્નો કરે છે. જોકે આમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. પરંતુ, આપણે જાણીએ છીએ કે આપણા સારાં આચરણોથી યહોવાહ ખુશ થાય છે અને જગતના લોકો પર એની સારી અસર પડે છે.—૧ પીતર ૨:૧૮-૨૦; ૩:૧.
૧૫ મોટાભાગના યહોવાહના સાક્ષીઓ સારી રીતે વર્તે છે. એ માટે વર્ષોથી તેઓની જાહેરમાં પ્રશંસા કરવામાં આવી છે. દાખલા તરીકે, ઈટાલીના ઇલ ટેમ્પો છાપાએ સારી ટીકા આપી: “આજે યહોવાહના સાક્ષીઓ જ્યાં પણ નોકરી કરે છે ત્યાં બીજા કામ કરનારાઓ તેઓને ઈમાનદાર તરીકે ઓળખે છે. એવું લાગી શકે કે તેઓ પોતાની માન્યતાઓને હદ ઉપરાંત વળગી રહે છે. તેમ છતાં, તેઓ સારા લોકો હોવાથી ખરેખર માનને પાત્ર છે.” બોઇનોસ ઍરિસ, આર્જેન્ટિનાના હેરોલ્ડ છાપાએ પ્રશંસા કરતા જણાવ્યું: “વર્ષોથી જોવા મળ્યું છે કે યહોવાહના સાક્ષીઓ ખૂબ જ મહેનતુ, પ્રમાણિક, સમજી-વિચારીને ખર્ચ કરનાર અને પરમેશ્વરનો ડર રાખીને ચાલનારા છે.” રશિયાના એક વિદ્વાન સરગી ઈવેન્કોએ પણ સારી ટીકા આપી: “આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ નિયમો પાળનારા અને સચ્ચાઈથી કર ભરનારા તરીકે જાણીતા છે.” ઝીંબાબ્વેમાં યહોવાહના સાક્ષીઓએ જે સ્ટેડિયમમાં મહાસંમેલન ભર્યું હતું એના મેનેજરે કહ્યું: “મેં અમુક સાક્ષીઓને કચરો ઉઠાવતા અને ટોઇલેટ સાફ કરતા જોયા છે. સ્ટેડિયમને આટલું સાફ ક્યારેય રાખવામાં આવ્યું નથી. તમારા બાળકો પણ વર્તનમાં ખૂબ સારા છે. દુનિયાના બધા લોકો તમારા જેવા હોત તો કેવું સારું!”
સરકારને આધીન રહેવું
૧૬ પીતર આપણને સરકારને પણ આધીન રહેવાનું કહે છે: “તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો: રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો; વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારૂં કરનારાઓનાં વખાણ કરવાને તેણે નીમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. કેમકે દેવની ઇચ્છા એવી છે કે સારૂં કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો.” (૧ પીતર ૨:૧૩-૧૫) સરકાર આપણને ઘણી સગવડો પૂરી પાડે છે અને આપણે ખરેખર એની કદર કરીએ છીએ. તેથી, પીતરની સલાહને ધ્યાનમાં રાખીને આપણે સરકારના નિયમો પાળીએ છીએ અને પ્રમાણિકતાથી કર ભરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે પરમેશ્વર જે સરકારો ચાલવા દે છે એનો હેતુ, નિયમો તોડનારને શિક્ષા કરવાનો છે. તોપણ, ખાસ કરીને આપણે ‘પરમેશ્વરની ખાતર’ આ સરકારને આધીન રહીએ છીએ અને તે એવું જ ઇચ્છે છે. તેથી, આપણે એ રીતે ચાલવું જોઈએ જેથી યહોવાહનું નામ બદનામ ન થાય.—રૂમીઓને પત્ર ૧૩:૧, ૪-૭; તીતસ ૩:૧; ૧ પીતર ૩:૧૭.
૧૭ દુઃખની વાત છે કે સરકારમાં અમુક માણસો એવા હોય છે જે આપણી સતાવણી કરે છે અથવા બીજી કોઈ રીતે આપણો વિરોધ કરે છે. જેમ કે, તેઓ આપણા વિષે જૂઠી અફવાઓ ફેલાવીને આપણી શાખ બગાડે છે. તોપણ, આપણને પૂરી ખાતરી છે કે યહોવાહ તેમના સમયે તેઓના બધા જૂઠાણાંને ખુલ્લા પાડશે અને તેઓની “અજ્ઞાનતાની વાતોને” હંમેશ માટે મિટાવી દેશે. ખરેખર, આપણી સારી વર્તણૂક સત્યનો પ્રકાશ ફેલાવે છે. એટલે જ તો સરકારના ઘણા સારા અધિકારીઓ વારંવાર આપણી પ્રશંસા કરે છે.—રૂમીઓને પત્ર ૧૩:૩; તીતસ ૨:૭, ૮.
પરમેશ્વરના સેવકો
૧૮ પીતરે ચેતવણી આપી: “સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો.” (૧ પીતર ૨:૧૬; ગલાતી ૫:૧૩) આજે બાઇબલનું સાચું જ્ઞાન આપણને જૂઠા શિક્ષણના બંધનથી મુક્ત કરે છે. (યોહાન ૮:૩૨) એ ઉપરાંત, આપણે સ્વતંત્ર હોવાથી પોતાને ગમે એ કરી શકીએ છીએ. પરંતુ આપણે પોતાની સ્વતંત્રતાને ખોટી રીતે વાપરતા નથી. આપણે કપડાં, શણગાર, મનોરંજન, મિત્રો અને ખાવા-પીવાની પસંદગી કરતા હોય ત્યારે, યાદ રાખીએ છીએ કે પરમેશ્વરને એ પસંદ પડશે કે નહિ. આપણે પોતાને મનફાવે એમ કરતા નથી કે જગતની ફેશનોમાં પડતા નથી. એને બદલે આપણે યહોવાહની સેવા કરવાનું પસંદ કરીએ છીએ.—ગલાતી ૫:૨૪; ૨ તીમોથી ૨:૨૨; તીતસ ૨:૧૧, ૧૨.
૧૯ પીતર આગળ કહે છે: “તમે સર્વેને માન આપો. બંધુમંડળ પર પ્રીતિ રાખો. દેવનું ભય રાખો. રાજાનું સન્માન કરો.” (૧ પીતર ૨:૧૭) યહોવાહ સરકારોને રાજ કરવા દેતા હોવાથી, આપણે એના કોઈ પણ અધિકારીને યોગ્ય માન આપીએ છીએ. આપણે તેઓ માટે પ્રાર્થના પણ કરીએ છીએ, જેથી તેઓ આપણને શાંતિથી પરમેશ્વરની સેવા કરવા દે. (૧ તીમોથી ૨:૧-૪) એ જ સમયે, આપણે ‘બંધુમંડળ પર પણ પ્રીતિ રાખીએ છીએ.’ આપણે હંમેશાં આપણા ભાઈબહેનોનું સારું જ કરીએ છીએ અને ક્યારેય તેઓનું ખરાબ ઇચ્છતા નથી.
૨૦ દાખલા તરીકે, આફ્રિકાના એક દેશમાં બે જાતિઓ વચ્ચે હિંસા ફાટી નીકળી ત્યારે, યહોવાહના સાક્ષીઓએ સારો નમૂનો બેસાડ્યો. સ્વિટ્ઝર્લૅન્ડના રેફોર્મીટે પ્રેસ છાપાએ અહેવાલ આપ્યો: “આફ્રિકામાં માનવ હક્કો જાળવતી સંસ્થાએ ૧૯૯૫માં . . . સાબિત કર્યું કે [આ હિંસામાં] યહોવાહના સાક્ષીઓ સિવાય બધા જ ચર્ચ સંડોવાયા હતા.” આ દુઃખદ બનાવના સમાચાર આખી દુનિયામાં ફેલાયા ત્યારે, યુરોપના યહોવાહના સાક્ષીઓએ તરત જ એ દેશના પોતાના ભાઈબહેનોને અને ઈજા પામેલા બીજા લોકોને જરૂરી ખોરાક અને દવા મોકલીને મદદ કરી. (ગલાતી ૬:૧૦) તેઓએ નીતિવચનો ૩:૨૭ની સલાહ પ્રમાણે કર્યું: “હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ.”
૨૧ હા, આપણે અધિકારીઓને માન આપીએ છીએ અને આપણા ભાઈબહેનો પ્રત્યે પણ પ્રેમ બતાવીએ છીએ. પરંતુ એનાથી પણ એક મહત્ત્વની જવાબદારી રહેલી છે. એ કઈ છે? પીતરે કહ્યું: “દેવનું ભય રાખો.” આપણે કોઈ પણ વ્યક્તિ કરતાં યહોવાહનો વધારે ભય રાખવો જોઈએ. આપણે કઈ રીતે એમ કરી શકીએ? અને સરકાર તથા પરમેશ્વર માટેની આપણી ફરજોમાં આપણે કઈ રીતે સમતોલ રહી શકીએ? આ પ્રશ્નોના જવાબની હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.
શું તમને યાદ છે?
• કુટુંબમાં ખ્રિસ્તીઓની કઈ જવાબદારી રહેલી છે?
• આપણી મંડળ પ્રત્યે કઈ જવાબદારી રહેલી છે?
• આ જગત પ્રત્યે આપણી કઈ જવાબદારી રહેલી છે?
• સારાં આચરણો જાળવી રાખવાથી કયા લાભો થાય છે?
[Questions]
૧, ૨. (ક) એક પત્રકારે યહોવાહના સાક્ષીઓની કેવી પ્રશંસા કરી? (ખ) શા માટે યહોવાહના સાક્ષીઓ સારાં ધોરણો જાળવી રાખવા સખત મહેનત કરે છે?
૩. આપણા કુટુંબોને શાનાથી રક્ષણ કરવાની જરૂર છે?
૪. કુટુંબમાં બધાની એકબીજા પ્રત્યે કઈ જવાબદારી છે?
૫. આપણા ખ્રિસ્તી ભાઈબહેનોની સંગતથી આપણને કેવા લાભો મળે છે?
૬. પાઊલે કઈ રીતે બતાવ્યું કે ખ્રિસ્તી ભાઈબહેનો પ્રત્યે પણ આપણી જવાબદારી રહેલી છે?
૭, ૮. આપણે મંડળમાં અને બીજા દેશોના ભાઈબહેનો પ્રત્યે કઈ રીતે પ્રેમ બતાવીએ છીએ?
૯. આપણે શા માટે એકબીજાને પ્રેમ કરીએ છીએ?
૧૦. જગતના લોકો પ્રત્યે આપણી કઈ જવાબદારી રહેલી છે?
૧૧. જગત સાથેના આપણા સંબંધ વિષે બાઇબલ શું કહે છે અને આપણે શું ન ભૂલવું જોઈએ?
૧૨. સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે માત્ર પ્રવાસીઓ છે, અને તેઓએ શાનાથી દૂર રહેવું જોઈએ?
૧૩. આપણે શા માટે ભૂંડી ઇચ્છાઓ સામે ‘હંમેશાં લડવું’ પડે છે?
૧૪. આપણે શા માટે સારાં આચરણો જાળવી રાખવા મહેનત કરીએ છીએ?
૧૫. યહોવાહના સાક્ષીઓના સારા વર્તનની કેવી પ્રશંસા કરવામાં આવી છે?
૧૬. શા માટે આપણે સરકારને આધીન રહેવું જોઈએ?
૧૭. સરકારના અમુક માણસો આપણી સતાવણી કરે તોપણ આપણે શું ખાતરી રાખી શકીએ?
૧૮. આપણે કઈ બાબતોમાં પોતાની સ્વતંત્રતાને ખોટી રીતે વાપરતા નથી?
૧૯-૨૧. (ક) આપણે સરકારી અધિકારીઓને કઈ રીતે જોઈએ છીએ? (ખ) કેટલાક ભાઈબહેનોએ કઈ રીતે ‘બંધુમંડળ પર પ્રીતિ’ બતાવી છે? (ગ) આપણી સૌથી મહત્ત્વની જવાબદારી કઈ છે?
[પાન ૯ પર ચિત્ર]
ખ્રિસ્તી કુટુંબો કઈ રીતે આનંદ મેળવી શકે?
[પાન ૧૦ પર ચિત્રો]
શા માટે યહોવાહના સાક્ષીઓ એકબીજાને પ્રેમ કરે છે?
[પાન ૧૦ પર ચિત્રો]
આપણા ભાઈબહેનોને ઓળખતા ન હોય તોપણ, આપણે કઈ રીતે તેઓને પ્રેમ બતાવી શકીએ?