શું ભેદભાવનો અંત આવશે?
જોન આદમ્સ, યુનાઈટેડ સ્ટેટ્સના બીજા પ્રમુખ હતા. તે ઐતિહાસિક ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ પર સહી કરનારાઓમાંના એક હતા. એમાંના અમુક શબ્દો આ રીતે હતા: “અમે માનીએ છીએ કે સર્વને એક સમાન ઉત્પન્ન કરવામાં આવ્યા છે, એ પુરાવા પરથી દેખાઈ આવે છે.” તેમ છતાં, જોન આદમ્સને ખાતરી ન હતી કે સર્વ લોકો ખરેખર એક સમાન છે. તેથી, તેમણે લખ્યું: “સર્વશક્તિમાન પરમેશ્વરે તેમના નિયમમાં મનુષ્યોને મન અને શરીરમાં એક સરખા બનાવ્યા નથી. તેથી તેઓ કોઈ પણ રીતે કદી એક સમાન થઈ શકશે નહિ.” એની સરખામણીમાં બ્રિટિશ ઇતિહાસકાર એચ. જી. વેલ્સે વિચાર્યું કે સર્વ મનુષ્યને એક સમાન કરવા માટે ત્રણ બાબત કરવાની જરૂર છે: આખી દુનિયામાં ફક્ત એક જ શુદ્ધ ધર્મ હોય, સર્વ માટે એક સરખું શિક્ષણ હોય અને લશ્કરો ન હોય.
વેલ્સની કલ્પના પ્રમાણે હજુ સુધી કોઈ પણ સમાજમાં લોકો એક સમાન થયા નથી. વળી, ઊંચનીચના ભેદભાવો તો વધતા જ જાય છે. શું આ ઊંચનીચના ભેદભાવથી આપણને કોઈ લાભ થયા છે? ના. સમાજમાં ભેદભાવે લોકોમાં ભાગલા જ પાડ્યા છે. એટલું જ નહિ, પરંતુ એનાથી ઈર્ષા, ધિક્કાર, દુઃખ અને ખૂન-ખરાબીમાં વધારો થયો છે. એક સમયે આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં ફક્ત ગોરા લોકોનું જ રાજ ચાલતું હતું. તેથી, તેઓ બીજા લોકો પર ખૂબ જુલમ કરવા લાગ્યા. આમ, છેવટે તેઓ વૉન દીમેન્સ લેન્ડ (હાલનું તાસ્મેનિયા)ના આદિવાસીઓનો સંહાર કરવા લાગ્યા. એવી જ રીતે યુરોપમાં યહુદીઓને પણ નીચા વર્ગના ગણવામાં આવતા હતા અને છેવટે નાઝીઓએ તેઓની મોટી કત્લેઆમ કરી. અમીર વર્ગ સામે મધ્યમ અને ગરીબ વર્ગના અસંતોષને કારણે ફ્રાન્સમાં ૧૮મી સદીમાં ક્રાંતિ થઈ અને ૨૦મી સદીમાં રશિયામાં બોલ્શેવિક સામ્યવાદે બળવો પોકાર્યો.
એક બુદ્ધિમાન માણસે આમ લખ્યું: “કોઇ માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) આજે અમુક લોકો કે વર્ગ ભલેને રાજ કરતા હોય છતાં, આ શબ્દો કેટલા સાચા છે. એક વર્ગના લોકો પોતાને બીજા વર્ગના લોકો કરતાં ઊંચા ગણતા હોય ત્યારે, અતિશય દુઃખ અને જુલમ અનુભવાય છે.
પરમેશ્વરની આગળ સર્વ સમાન છે
શું અમુક વર્ગના લોકો બીજાઓ કરતાં ખરેખર ચઢિયાતા છે? જોકે, પરમેશ્વરની નજરમાં તો એવું નથી. બાઇબલ આમ કહે છે: “[પરમેશ્વરે] સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્ન કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) એ ઉપરાંત, પરમેશ્વર ‘સરદારોની શરમ નથી રાખતા અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેના હાથનાં કૃત્યો છે.’ (અયૂબ ૩૪:૧૯) તેથી, પરમેશ્વરની નજરમાં આપણે સર્વ એકસરખા અને એક કુટુંબના છીએ.
યાદ રાખો કે વ્યક્તિ મરણ પામે છે ત્યારે ઊંચનીચનો કોઈ ભેદભાવ રહેતો નથી. પરંતુ, પ્રાચીન મિસરના લોકો એવું માનતા ન હતા. રાજા ફારૂન મરણ પામ્યો ત્યારે તેની કબરમાં અનેક પ્રકારની મૂલ્યવાન વસ્તુઓ દાટવામાં આવી હતી. જેથી, મરણ પછી પણ તે એ જ રીતે એનો આનંદ માણી શકે. શું તે આનંદ માણી શક્યો? ના. મોટા ભાગની વસ્તુઓ તો કબરમાંથી ચોરાઈ ગઈ અને જે બચી ગઈ એ આજે મ્યુઝિયમમાં જોવા મળે છે.
ખરેખર, ફારૂન મરી ગયા પછી એ મૂલ્યવાન વસ્તુઓનો આનંદ માણી શક્યો ન હતો. મરણ પછી ઊંચનીચ અથવા ધનવાન કે ગરીબ જેવું કંઈ રહેતું નથી. એના વિષે બાઇબલ આમ કહે છે: “બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને વાસ્તે પોતાનું ધન મૂકીને જાય છે. પણ માણસ માનવંત હોવા છતાં ટકી રહેતો નથી; તે નાશવંત પશુના જેવો છે.” (ગીતશાસ્ત્ર ૪૯:૧૦, ૧૨) ભલે આપણે રાજા હોઈએ કે ગુલામ, આ પ્રેરિત વચનો સર્વને લાગુ પડે છે: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઇ બદલો મળવાનો નથી; . . . જે કંઇ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમકે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઇ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.”—સભાશિક્ષક ૯:૫, ૧૦.
આપણે સર્વ યહોવાહની નજરમાં એકસરખા જન્મ્યા છીએ અને આપણ સર્વનું એકસરખું જ મરણ થાય છે. તો પછી, આપણા ટૂંકા જીવનમાં આપણે એક વર્ગના લોકોને બીજા વર્ગ કરતાં વધારે મહત્ત્વ આપીએ, એ કેટલી મૂર્ખતા કહેવાય!
લોકોમાં સમાનતા—કેવી રીતે આવશે?
તેમ છતાં, શું એવી કોઈ આશા છે કે એક દિવસે સર્વ લોક એક સમાન હશે? હા, ચોક્કસ એવી આશા છે. લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે એવા સમાજનો પાયો નાખ્યો હતો. ઈસુએ સર્વ માટે પોતાનું ખંડણી તરીકે બલિદાન આપ્યું, જેથી “જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”—યોહાન ૩:૧૬.
તેમના કોઈ પણ શિષ્ય પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણે એ માટે ઈસુએ તેઓને કહ્યું: “તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એકજ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમકે એક જે આકાશમાં છે, તે તમારો બાપ છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમકે એક, જે ખ્રિસ્ત, તે તમારો સ્વામી છે. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય. અને જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” (માત્થી ૨૩:૮-૧૨) પરમેશ્વરની નજરમાં, ઈસુના સર્વ શિષ્યો સાચા ધર્મમાં એક સમાન છે.
શું શરૂઆતના ખ્રિસ્તીઓ પોતાને એક સમાન ગણતા હતા? હા, જેઓ ઈસુના શિક્ષણનો ખરો અર્થ સમજ્યા તેઓ એકબીજાને એક સમાન ગણતા હતા. તેથી, તેઓ એકબીજાને “ભાઈ” કહીને બોલાવતા હતા. (ફિલેમોન ૧, ૭, ૨૦) કોઈ પોતાને બીજાના કરતાં ચઢિયાતા ગણતા ન હતા. દાખલા તરીકે, પીતરે નમ્રતાથી પોતાને વિષે બીજા પત્રમાં શું લખ્યું એનો વિચાર કરો. તેમણે કહ્યું, “અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ લખિતંગ ઇસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સીમોન પીતર.” (૨ પીતર ૧:૧) પીતરે, ઈસુ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું અને એક પ્રેષિત તરીકે તેમની પાસે ઘણી મહત્ત્વની જવાબદારીઓ હતી. તેમ છતાં, તેમણે પોતાને એક સેવક ગણ્યા. વળી, તે એ પણ જાણતા હતા કે તેમનામાં અને બીજા ખ્રિસ્તીઓમાં કંઈ ફરક નથી.
કેટલાક લોકો એમ કહી શકે કે આપણે સર્વ એક સમાન નથી, કારણ કે પરમેશ્વરે ઈસ્રાએલીઓને ખ્રિસ્તીઓ પહેલાં પોતાના ખાસ રાષ્ટ્ર તરીકે પસંદ કર્યા હતા. (નિર્ગમન ૧૯:૫, ૬) તેઓ એમ પણ કહી શકે કે એ રીતે યહોવાહ અમુક ખાસ લોકોને બીજાઓ કરતાં ચઢિયાતા બનાવી રહ્યા હતા. પરંતુ, બાબત એમ નથી. એ ખરું છે કે ઈસ્રાએલીઓ, ઈબ્રાહીમના વંશજ હતા. તેથી, યહોવાહે પોતાનું જ્ઞાન પ્રગટ કરવા તેઓનો એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો અને તેઓએ પરમેશ્વર સાથે ખાસ સંબંધનો આનંદ પણ માણ્યો હતો. (રૂમી ૩:૧, ૨) પરંતુ, એનો એવો અર્થ થતો નથી કે તેઓ બીજા લોકો કરતાં ચઢિયાતા હતા. તેમનો હેતુ તો એવો હતો કે ‘સર્વ લોકો આશીર્વાદ પામે.’—ઉત્પત્તિ ૨૨:૧૮; ગલાતી ૩:૮.
પરંતુ, મોટા ભાગના ઈસ્રાએલીઓએ પોતાના પૂર્વજ ઈબ્રાહીમ જેવો વિશ્વાસ કેળવ્યો ન હતો. તેથી, તેઓએ ઈસુનો, મસીહ તરીકે સ્વીકાર કરવાનો નકાર કર્યો. એ કારણથી, પરમેશ્વરે પણ તેઓનો નકાર કર્યો. (માત્થી ૨૧:૪૩) તેમ છતાં, તેઓમાંના જેઓ નમ્ર હતા, તેઓ યહોવાહના આશીર્વાદોથી વંચિત રહ્યા નહિ. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં પ્રથમ ખ્રિસ્તી મંડળ બન્યું હતું. પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા ખ્રિસ્તી સંગઠનને ‘દેવનું ઈસ્રાએલ’ કહેવામાં આવ્યું અને હવે પહેલાંની જેમ તેઓ દ્વારા આશીર્વાદો આવવાના હતા.—ગલાતી ૬:૧૬.
એ મંડળના અમુક સભ્યોએ એ શીખવાની જરૂર હતી કે સર્વ લોકો એક સમાન છે. દાખલા તરીકે, ગરીબો કરતાં ધનવાનો સાથે જેઓ વધારે સારો વ્યવહાર રાખતા હતા એવા ખ્રિસ્તીઓને શિષ્ય યાકૂબે ઠપકો આપ્યો. (યાકૂબ ૨:૧-૪) કેમ કે એ યોગ્ય ન હતું. પ્રેષિત પાઊલે બતાવ્યું કે યહુદી ખ્રિસ્તીઓ કરતાં વિદેશી ખ્રિસ્તીઓ કંઈ ઊતરતા ન હતા અને ખ્રિસ્તી સ્ત્રીઓ પણ પુરુષો કરતાં ઊતરતી ન હતી. તેમણે લખ્યું: “તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. કેમકે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. માટે હવે યહુદી કે હેલેની કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી; કેમકે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.”—ગલાતી ૩:૨૬-૨૮.
આજે ભેદભાવ વિનાના લોકો
આજે યહોવાહના સાક્ષીઓ બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે. તેઓ જાણે છે કે યહોવાહની નજરમાં ઊંચનીચના વર્ગોનું કંઈ મૂલ્ય નથી. તેથી તેઓમાં રંગ, જાતિ કે પૈસાને લીધે કોઈ જાતનો ભેદભાવ નથી. તેમ જ તેઓમાં કોઈ પાદરી પણ નથી. જોકે, તેઓમાંના અમુક જણ ધનવાન છે છતાં, તેઓ ‘જીવનના અહંકાર’ પર ધ્યાન દોરતા નથી, કેમ કે તેઓ જાણે છે કે એ બધું ફક્ત થોડા સમય માટે જ છે. (૧ યોહાન ૨:૧૫-૧૭) એને બદલે તેઓ, વિશ્વના સર્વોપરી, યહોવાહ પરમેશ્વરની ઉપાસનામાં એક છે.
દરેક યહોવાહના સાક્ષીઓ, સર્વ લોકોને પરમેશ્વરના રાજ્યનો સંદેશો પ્રચાર કરવાની જવાબદારી લે છે. ઈસુની જેમ, તેઓ પણ દુઃખીયારા અને લાચાર લોકોની તેઓના ઘરે મુલાકાત લઈને પરમેશ્વર વિષે બાઇબલમાંથી શીખવે છે. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નમ્ર ભાવથી દરેક જાતિ અને વર્ગના ભાઈબહેનો સાથે એ કામમાં ભાગ લે છે. એ કામમાં, આત્મિક ગુણો હોવા એ વધારે મહત્ત્વનું છે, સમાજમાં પોતાનું કયું સ્થાન છે એ નહિ. પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, દરેક જણ સાચા ધર્મમાં ભાઈ-બહેનો છે.
સમાનતામાં વિવિધતા
જોકે, સમાનતાનો અર્થ સર્વમાં એકરૂપતા થતો નથી. આ ખ્રિસ્તી સંગઠનમાં દરેક જાતિ, ભાષા અને દેશના અમીર તથા ગરીબ વર્ગમાંથી આવતા લોકો હોય છે. તેઓ દરેકની પાસે જુદી જુદી આવડતો હોય છે. પરંતુ, એનાથી તેઓમાં કોઈ ચઢિયાતું કે ઊતરતું બની જતું નથી. એને બદલે, આ પ્રકારની વિવિધતા આનંદ આપે છે. તેઓ જાણે છે કે તેઓ પાસે જે કંઈ આવડત છે એ પરમેશ્વર પાસેથી છે. તેથી, પોતે બીજાના કરતાં ચઢિયાતા છે એવું વિચારવા માટે તેઓ પાસે કોઈ જ કારણ નથી.
માણસો પરમેશ્વરના માર્ગદર્શન પ્રમાણે નહિ, પરંતુ પોતાની મરજી પ્રમાણે રાજ કરે છે, તેથી ઊંચનીચના ભેદભાવો શરૂ થાય છે. યહોવાહ પરમેશ્વરનું રાજ્ય જલદી જ માણસજાતની સર્વ સરકારોનો તેમ જ સદીઓથી ઊંચનીચના ભેદભાવોને કારણે લોકો જે દુઃખ અને પીડા સહન કરે છે એનો અંત લાવશે. ત્યાર પછી, ખરા અર્થમાં “નમ્ર લોકો દેશનું વતન પામશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) પોતે બીજા કરતાં ચઢિયાતો છે એવી બડાઈ હાંકવા માટે પછી કોઈની પાસે કારણ નહિ હોય. પછી કદી ઊંચનીચના ભેદભાવો જોવા મળશે નહિ.
[પાન ૫ પર બ્લર્બ]
યહોવાહ પરમેશ્વર ‘ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેના હાથનાં કૃત્યો છે.’ —અયૂબ ૩૪:૧૯.
[પાન ૬ પર ચિત્ર]
યહોવાહના સાક્ષીઓ દરેકને આદર આપે છે
[પાન ૭ પર ચિત્રો]
સાચા ખ્રિસ્તીઓમાં આત્મિક ગુણો વધારે મહત્ત્વના છે