આવતી કાલે શું થશે એ ઈશ્વરે જણાવ્યું છે!
યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વર ‘નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરશે.’ (યશાયાહ ૬૫:૧૭; ૬૬:૨૨) એના લગભગ સાતસો વર્ષ પછી ઈશ્વરભક્ત પીતરે કહ્યું હતું કે “તેના [ઈશ્વરના] વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) આ શબ્દોમાંથી જોવા મળે છે કે યશાયાહની ભવિષ્યવાણી ઈશ્વરભક્ત પીતરના સમયમાં પૂરી થઈ ન હતી.
પછી ઈસવીસન ૯૬માં ઈશ્વરભક્ત યોહાને કહ્યું હતું કે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે “નવી પૃથ્વી” હશે. (પ્રકટીકરણ ૨૧:૧-૪) પણ આ નવી પૃથ્વી શું છે? યશાયાહે એના વિષે પણ ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણી જાણવા જેવી છે, કેમ કે ઈશ્વરના રાજ્ય દ્વારા એ નવી પૃથ્વી જલદી જ આવશે.
નવી પૃથ્વી માટેના આશીર્વાદો
બધાં જ લોકો હળી-મળીને ભક્તિ કરશે. બાઇબલ જણાવે છે કે ‘લોકો પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.’—યશાયાહ ૨:૨-૪.
પ્રાણીઓ અને માણસો હળી-મળીને રહેશે. બાઇબલ જણાવે છે કે નવી પૃથ્વીમાં ‘વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની પેઠે ઘાસ ખાશે. આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ નુકશાન કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.’—યશાયાહ ૧૧:૬-૯.
પુષ્કળ ખોરાક. બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વર યહોવાહ સર્વ પ્રજાઓ માટે અદ્ભૂત મિજબાની, સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજનની તથા ઉત્તમ પીણાંની મિજબાની તૈયાર કરશે.’—યશાયા ૨૫:૬, IBSI.
મરણ હશે જ નહિ. બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વર યહોવાહે સદાને માટે મરણને દૂર કર્યું છે; અને તે સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકો પરનો આરોપ દૂર કરશે, કેમ કે યહોવાહનું વચન એવું છે.’—યશાયાહ ૨૫:૮.
મૂએલાં પાછા ઊઠશે. બાઇબલ જણાવે છે કે ‘મરેલાં જીવશે; મુડદાં ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.’—યશાયાહ ૨૬:૧૯.
ઈસુ ઇન્સાફ કરશે. બાઇબલ જણાવે છે કે “તે [ઈસુ] યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે.”—યશાયાહ ૧૧:૩, ૪.
આંધળા દેખશે, બહેરા સાંભળશે. બાઇબલ જણાવે છે કે “આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે.”—યશાયાહ ૩૫:૫.
રણ હર્યું-ભર્યું થશે. બાઇબલ જણાવે છે કે “અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે.”—યશાયાહ ૩૫:૧, ૨.
નવી પૃથ્વી. બાઇબલ જણાવે છે કે “જુઓ, હું. . .નવી પૃથ્વી [નેકદિલ લોકોથી ભરેલી પૃથ્વી] ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ. પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ. . .વળી તેઓ [જેઓને નવી પૃથ્વી પર રહેવાનો આશીર્વાદ છે] ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમ કે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા સારૂ પ્રજા ઉત્પન્ન કરશે નહિ; કેમ કે તેઓની પ્રજા સુદ્ધાં તેઓ યહોવાહના આશીર્વાદિતોનાં સંતાન છે. તેઓ હાંક મારે ત્યાર પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.” “જે નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સંમુખ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, એવું યહોવાહ કહે છે.”—યશાયાહ ૬૫:૧૭-૨૫; ૬૬:૨૨.
સુંદર ભાવિ વિષેની ભવિષ્યવાણી
આ ભવિષ્યવાણીઓ વાંચીને આપણને પૂરો ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર પૃથ્વી પર આવા ફેરફારો કરશે. જેઓ ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખશે તેઓને નવી પૃથ્વી પર રહેવાનો આશીર્વાદ મળશે. પણ કેવી રીતે ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખી શકીએ? આ પ્રશ્નનો જવાબ તમને બાઇબલમાં મળશે. બાઇબલમાંથી એ પણ શીખવા મળશે કે ઈશ્વરના રાજ્ય દ્વારા બીજા કેવા ફેરફારો થશે.a તમને બાઇબલ વિષે વધારે જાણવું હોય તો યહોવાહના સાક્ષીઓ રાજી-ખુશીથી મદદ કરવા તૈયાર છે. (w08 10/1)
[Footnotes]
a વધારે જાણવું હોય કે ભાવિમાં ઈશ્વરનું રાજ્ય કેવા ફેરફારો કરશે તો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક પવિત્ર બાઇબલ શું શીખવે છે પાન ૭૬-૮૫ જુઓ.
[Picture on page 8]
ઈશ્વર આખી પૃથ્વીને હરી-ભરી કરશે
[Picture on page 9]
મૂએલાં પાછા ઊઠશે