તમારે કેવા થવું જોઈએ એ વિચારો
“પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ?”—૨ પીત. ૩:૧૧.
૧, ૨. ઈશ્વરની કૃપા મેળવવા આપણે ‘કેવા થવું જોઈએ’?
બીજાઓ આપણા વિશે શું વિચારે છે, એ જાણવામાં આપણને રસ હોય એમાં નવાઈ નથી. જોકે, યહોવાના ભક્તો તરીકે આપણા માટે મહત્ત્વનું છે કે તે આપણા વિશે શું વિચારે છે. યહોવા આખા વિશ્વના માલિક છે અને તે “જીવનનો ઝરો” છે.—ગીત. ૩૬:૯.
૨ યહોવાની નજરે “કેવા થવું જોઈએ” એ પર ભાર મૂકતા, પીતરે વિનંતી કરી કે જીવનમાં ‘પવિત્ર આચરણ તથા ભક્તિભાવ’ બતાવીએ. (૨ પીતર ૩:૧૧ વાંચો.) ઈશ્વરની કૃપા મેળવવા આપણું “આચરણ” પવિત્ર હોવું જોઈએ. એટલે કે આપણા વિચારો, કાર્યો અને ભક્તિ શુદ્ધ હોવા જોઈએ. વધુમાં, આપણે ઈશ્વર માટે આદરભાવ અને અતૂટ પ્રેમ સાથે ‘ભક્તિભાવ’ બતાવવાની જરૂર છે. આ બતાવે છે કે ઈશ્વરની કૃપા મેળવવામાં ફક્ત વર્તનનો જ નહિ, આપણે અંદરથી કેવા છે એનો પણ સમાવેશ થાય છે. યહોવા “અંતઃકરણને પારખે છે.” તેથી, તે જાણે છે કે આપણું વર્તન પવિત્ર છે કે કેમ અને દિલથી ફક્ત તેમની જ ભક્તિ કરીએ છીએ કે નહિ.—૧ કાળ. ૨૯:૧૭.
૩. ઈશ્વર સાથેના આપણા સંબંધ વિશે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૩ શેતાન ઇચ્છતો નથી કે આપણે ઈશ્વરની કૃપા મેળવવા પ્રયત્ન કરીએ. હકીકતમાં, યહોવા સાથેનો સંબંધ તોડી નાખીએ, એ માટે તે પૂરી કોશિશ કરે છે. આપણને ખોટે માર્ગે લઈ જવા અને યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દઈએ, એ માટે શેતાન જૂઠ અને કપટ વાપરતા જરાય અચકાતો નથી. (યોહા. ૮:૪૪; ૨ કોરીં. ૧૧:૧૩-૧૫) તેથી, પોતાને આ સવાલો પૂછીએ તો સારું થશે: ‘શેતાન કઈ રીતે લોકોને છેતરે છે? યહોવા સાથેના મારા સંબંધનું રક્ષણ કરવા હું શું કરી શકું?’
શેતાન કઈ રીતે લોકોને છેતરે છે?
૪. શેતાન શાને નિશાન બનાવીને ઈશ્વર સાથેના આપણા સંબંધને તોડી નાખવાની કોશિશ કરે છે? અને કેમ?
૪ શિષ્ય યાકૂબે લખ્યું: “દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઇચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે. દુષ્ટ ઇચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.” (યાકૂ. ૧:૧૪, ૧૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ઈશ્વર સાથેનો આપણો સંબંધ તોડવાની કોશિશ કરવા, શેતાન આપણા હૃદયને નિશાન બનાવે છે, જ્યાંથી ઇચ્છાઓની શરૂઆત થાય છે.
૫, ૬. (ક) શેતાન આપણને તેનું નિશાન બનાવવા શું વાપરે છે? (ખ) શેતાન કયા ફાંદાઓથી આપણા દિલની ઇચ્છાઓને ભ્રષ્ટ કરવાની કોશિશ કરે છે અને એ વાપરવામાં તે કેટલો અનુભવી છે?
૫ શેતાન આપણા હૃદયને નિશાન બનાવવા શું વાપરે છે? બાઇબલ જણાવે છે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહા. ૫:૧૯) શેતાનનાં હથિયારોમાં “જગતમાંનાં વાનાં” એટલે જગતની બાબતોનો સમાવેશ થાય છે. (૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો.) હજારો વર્ષોથી શેતાને આપણી આજુબાજુનું વાતાવરણ બહુ સમજી-વિચારીને ઊભું કર્યું છે. આપણે આ દુનિયામાં રહેતા હોવાથી, તેની છૂપી ચાલાકીઓથી સાવધ રહેવાની જરૂર છે.—યોહા. ૧૭:૧૫.
૬ શેતાન એવી રીતો વાપરે છે જે આપણા દિલની ઇચ્છાઓને ભ્રષ્ટ કરે. પ્રેરિત યોહાન એવા ત્રણ ફાંદાની ઓળખ આપે છે જેનો શેતાન ઉપયોગ કરે છે: (૧) “દૈહિક વાસના” કે ઇચ્છા, (૨) “આંખોની લાલસા” તથા (૩) “જીવનનો અહંકાર.” એ ત્રણેવ દ્વારા શેતાને અરણ્યમાં ઈસુને લલચાવવાની કોશિશ કરી હતી. શેતાન વર્ષોથી એવી ચાલાકીઓ વાપરવામાં હોશિયાર થઈ ગયો છે. એટલે, તે એનો આજે સારી રીતે ઉપયોગ કરે છે અને જાણે છે કે કોના માટે કેવી ચાલાકી વાપરવી. એનાથી આપણું રક્ષણ કરવા કેવાં પગલાં ભરવા જોઈએ? એનો વિચાર કરતા પહેલાં, ચાલો જોઈએ કે શેતાન અમુક ચાલાકીઓ વાપરવામાં કેમ હવા સાથે સફળ થયો, પણ ઈશ્વરના દીકરા સાથે સફળ ન થયો.
‘દૈહિક ઇચ્છા’
૭. હવાને લલચાવવા શેતાને કઈ રીતે ‘દૈહિક ઇચ્છા’ વાપરી?
૭ જીવન ટકાવી રાખવા દરેક મનુષ્ય માટે ખોરાક જરૂરી છે. સર્જનહારે પૃથ્વીને એ રીતે બનાવી છે કે પુષ્કળ ખોરાક ઉગાવે. શેતાન કદાચ ખોરાક માટેની આપણી ઇચ્છાનો ઉપયોગ કરીને, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. ચાલો જોઈએ કે તેણે હવા સાથે એવું કઈ રીતે કર્યું. (ઉત્પત્તિ ૩:૧-૬ વાંચો.) શેતાને હવાને જણાવ્યું કે તે ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષ’ પરનું ફળ ખાય, તોપણ મરશે નહિ. તે એમ કહેવા માંગતો હતો કે જે દિવસે હવા એ વૃક્ષનું ફળ ખાશે એ દિવસથી ઈશ્વર જેવી બની જશે. (ઉત. ૨:૯) આમ, શેતાને તેને ફોસલાવી કે જીવવા માટે તેણે ઈશ્વરને આધીન રહેવાની કોઈ જરૂર નથી. કેવું હડહડતું જૂઠાણું! હવાના મનમાં એ વિચારો ગયા પછી તેની પાસે બે પસંદગી હતી: તે એને તરત મનમાંથી કાઢી નાખે અથવા એના પર વિચારતી રહે અને ફળ વિશેની તેની ઇચ્છા વધવા દે. બાગમાંનાં બીજાં વૃક્ષોનાં ફળ તે ખાય શકતી હતી. તેમ છતાં, શેતાને બાગની વચ્ચેના જે વૃક્ષની વાત કરી હતી, એના પર વિચારતા રહેવાનું તેણે પસંદ કર્યું. આખરે, હવાએ “ફળ તોડીને ખાધું.” આમ, શેતાને હવામાં એવી બાબત માટે ઇચ્છા જગાડી જેની સર્જનહારે મના કરી હતી.
૮. શેતાને ‘દૈહિક ઇચ્છા’ વાપરીને કઈ રીતે ઈસુને લલચાવવાની કોશિશ કરી અને તે કેમ સફળ થયો નહિ?
૮ શેતાને એ જ ચાલાકી વાપરીને અરણ્યમાં ઈસુને લલચાવવાની કોશિશ કરી. ઈસુએ ૪૦ રાત અને ૪૦ દિવસ ઉપવાસ કર્યા. પછી, શેતાને ખોરાક દ્વારા ઈસુને લલચાવવાનો પ્રયત્ન કર્યો. શેતાને કહ્યું: ‘જો તું ઈશ્વરનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર, કે તે રોટલી થાય.’ (લુક ૪:૧-૩) ઈસુ પાસે બે પસંદગી હતી: પોતાની ભૂખ સંતોષવા ચમત્કારિક શક્તિ વાપરે અથવા ન વાપરવાનું પસંદ કરે. ઈસુ જાણતા હતા કે પોતાના સ્વાર્થ માટે એ શક્તિ ન વાપરવી જોઈએ. ભૂખ્યા હોવા છતાં, ઈસુ માટે ભૂખ સંતોષવી મહત્ત્વની ન હતી. પણ યહોવા સાથેનો સંબંધ જાળવી રાખવો વધારે મહત્ત્વનો હતો. તેથી, ઈસુએ કહ્યું: “એમ લખેલું છે, કે માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માથ્થી ૪:૪.
“આંખોની લાલસા”
૯. “આંખોની લાલસા” શબ્દો શું બતાવે છે અને હવાના કિસ્સામાં શેતાને કઈ રીતે એવી ઇચ્છા જગાડી?
૯ યોહાને જણાવેલા શેતાનના ફાંદાઓમાં “આંખોની લાલસા” પણ હતી. આ શબ્દો બતાવે છે કે કોઈ બાબતને ફક્ત જોયા કરીને વ્યક્તિને એ મેળવવાની ઇચ્છા થઈ શકે. હવાના કિસ્સામાં શેતાને એવી ઇચ્છા જગાડવા કહ્યું: ‘તારી આંખો ઊઘડી જશે.’ ઈશ્વરે મના કરેલું ફળ હવાએ જેટલું જોયા કર્યું, એટલું તેને એ ખાવાનું વધારે મન થયું. હવાએ જોયું કે એ વૃક્ષ “જોવામાં સુંદર” છે.
૧૦. ઈસુને લલચાવવા શેતાને કઈ રીતે “આંખોની લાલસા” વાપરી અને ઈસુએ કેવો જવાબ આપ્યો?
૧૦ ઈસુના કિસ્સામાં શું બન્યું? શેતાને “એક પળમાં જગતનાં સઘળાં રાજ્ય તેને [ઈસુને] દેખાડ્યાં. શેતાને તેને કહ્યું, કે આ બધાંનો અધિકાર તથા મહિમા હું તને આપીશ.” (લુક ૪:૫, ૬) ઈસુએ સર્વ રાજ્ય એક પળમાં તેમની નરી આંખે નહિ, પણ દર્શનમાં જોયાં હશે. શેતાનને લાગ્યું હશે કે આ સઘળાં રાજ્યનો મહિમા જોઈને ઈસુ લલચાશે. શેતાને બેશરમ બનીને કહ્યું: “જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે.” (લુક ૪:૭) ઈસુ કોઈ પણ હિસાબે શેતાન ચાહે એવી વ્યક્તિ બનવા માંગતા ન હતા. તેમણે તરત જ જવાબ આપતા કહ્યું: “એમ લખેલું છે, કે તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું, ને એકલા તેની જ સેવા કરવી.”—લુક ૪:૮.
“જીવનનો અહંકાર”
૧૧. શેતાને કેવી રીતે હવાને છેતરી?
૧૧ જગતની બાબતોમાં યોહાને ‘જીવનના અહંકાર’ વિશે પણ જણાવ્યું. આદમ અને હવા પૃથ્વી પર એકલા હોવાથી, “જીવનનો અહંકાર” બીજા લોકો આગળ બતાવી શકતા ન હતા. તોપણ, તેઓ અભિમાની બન્યા. હવાને લલચાવવા શેતાને તેના મનમાં ઠસાવ્યું કે ઈશ્વર તેનાથી કંઈ સારું છુપાવી રહ્યા છે. શેતાને કહ્યું કે હવા “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું” ફળ ખાશે, એ દિવસથી તે ‘ઈશ્વરની જેમ ભલુંભૂંડું જાણનારી થશે.’ (ઉત. ૨:૧૭; ૩:૫) આમ, શેતાન કહેવા માંગતો હતો કે યહોવાથી આઝાદ થઈને હવા જીવી શકે છે. દેખીતું છે કે ઘમંડને કારણે હવાએ એ જૂઠાણું સ્વીકારી લીધું. ઈશ્વરે મના કરેલું ફળ તેણે તોડીને ખાધું અને માનવા લાગી કે ખરેખર પોતે મરશે નહિ. તેની કેવી મોટી ભૂલ!
૧૨. શેતાને કઈ રીતે ઈસુને લલચાવવાની કોશિશ કરી અને ઈસુએ કેવો જવાબ આપ્યો?
૧૨ હવા કરતાં ઈસુએ જુદું જ વલણ બતાવ્યું. તેમણે નમ્રતાનો એકદમ સરસ દાખલો બેસાડ્યો. શેતાને તેમને અલગ રીતે લલચાવવાની કોશિશ કરી. પણ ઈસુએ એવું કંઈ કરવાનો વિચાર સુધ્ધાં ન કર્યો, જેનાથી ઈશ્વરની કસોટી થાય. એવું વલણ તો અહંકાર ગણાયું હોત! એના બદલે, ઈસુએ સીધેસીધો જવાબ આપ્યો: “એમ કહેલું છે, કે તારે તારા ઈશ્વરનું પરીક્ષણ ન કરવું.”—લુક ૪:૯-૧૨ વાંચો.
આપણે કઈ રીતે યહોવા સાથેના સંબંધનું રક્ષણ કરી શકીએ?
૧૩, ૧૪. સમજાવો કે શેતાન આજે અમુક લાલચો કઈ રીતે વાપરે છે.
૧૩ હવા અને ઈસુ સાથે વાપર્યા હતા એવા જ ફાંદાઓ આજે શેતાન વાપરે છે. લોકો જાતીય રીતે ખોટાં કામો કરે અને ખાવા-પીવામાં રચ્યા-પચ્યા રહે, એ માટે શેતાન તેઓમાં ‘દૈહિક ઇચ્છાઓ’ જગાડવા આ દુનિયાને વાપરે છે. તે “આંખોની લાલસા” જગાડીને લોકોને પોર્નોગ્રાફી જોવા લલચાવી શકે છે. બહુ સાવધ ન હોય એવા લોકોને ખાસ કરીને ઇન્ટરનેટ દ્વારા ફસાવી શકે છે. જે લોકોમાં “જીવનનો અહંકાર” અને ઘમંડ હોય તેઓ માટે નામના, સત્તા અને ધનદોલત કેટલી મોટી લાલચ છે!
૧૪ ‘જગતની બાબતો’ માછીમારના ગલમાં નાખેલી લાલચ જેવી છે. ગલ જોઈને માછલી એના તરફ ખેંચાઈ જાય છે, પણ એમાં આંકડી હોય છે. શેતાન પણ એવી બાબતો વાપરે છે જે કરવી લોકોને સામાન્ય લાગે. પણ એ કરવા જતા તેઓ ઈશ્વરના નિયમો વિરુદ્ધ જતા રહે છે. જોકે, આવી છૂપી લાલચો આપણી ઇચ્છાઓ પર ખરાબ અસર કરે અને દિલને ભ્રષ્ટ કરે, એ રીતે રચવામાં આવી હોય છે. એ લાલચોથી શેતાન એવું મનાવવા ચાહે છે કે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા કરતાં, જીવનની જરૂરિયાતો પૂરી પાડવી અને જીવન સહેલું બનાવવું એ મહત્ત્વનું છે. શું આવી લાલચો આપણને ફસાવી શકે?
૧૫. શેતાનની લાલચોનો સામનો કરવા આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ?
૧૫ શેતાનની લાલચોમાં હવા ફસાઈ, પણ ઈસુ ન ફસાયા. દરેક વખતે તેમણે શાસ્ત્રમાંથી જવાબ આપતા કહ્યું: “એમ લખેલું છે” અથવા “એમ કહેલું છે.” આપણે બાઇબલનો ખંતથી અભ્યાસ કરતા હોઈશું તો, શાસ્ત્રવચનો સારી રીતે જાણતા હોઈશું. પછી, લાલચ આવે ત્યારે એવી કલમો યાદ કરી શકીશું જે આપણને મદદ કરે. (ગીત. ૧:૧, ૨) યહોવાને વળગી રહ્યા હોય એવા ભક્તોના દાખલા બાઇબલમાંથી યાદ કરીશું તો, આપણને તેઓના પગલે ચાલવા મદદ મળશે. (રોમ. ૧૫:૪) યહોવા માટે આદરભાવ હોવાથી, તે જે ચાહે છે એ ચાહીશું અને ધિક્કારે છે એ ધિક્કારીશું. એમ કરવાથી આપણું રક્ષણ થશે.—ગીત. ૯૭:૧૦.
૧૬, ૧૭. આપણી ‘બુદ્ધિપૂર્વકની સેવા’ આપણને કેવા વ્યક્તિ બનાવી શકે?
૧૬ પ્રેરિત પાઊલ ‘બુદ્ધિપૂર્વકની સેવા’ કરવાનું ઉત્તેજન આપે છે. એમ કરવાથી આપણે એવી વ્યક્તિ બનીશું જે દુનિયાના નહિ, પણ ઈશ્વરના વિચારોથી ઘડાય છે. (રોમ. ૧૨:૧, ૨) આપણે પોતાના મનમાં કેવા વિચારો ચાલવા દઈએ છીએ, એના પર પૂરેપૂરો કાબૂ રાખવો જોઈએ. એના પર ભાર મૂકતા પાઊલે જણાવ્યું: “અમે વિતંડાવાદોને [નકામી દલીલોને] તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.” (૨ કોરીં. ૧૦:૫) આપણા વિચારોની ઊંડી અસર આપણા પર પડે છે. તેથી, ઉત્તેજન આપતી “બાબતોનો વિચાર” કરવો જરૂરી છે.—ફિલિ. ૪:૮.
૧૭ જો આપણે અયોગ્ય વિચારો અને ઇચ્છાઓને દિલમાં ઘર કરવા દઈએ, તો પવિત્ર નહિ રહી શકીએ. આપણે યહોવાને “શુદ્ધ હૃદયથી” ચાહવા જોઈએ. (૧ તીમો. ૧:૫) પરંતુ, દિલ કપટી છે. કદાચ ખબર પણ ન પડે કે ‘જગતની બાબતો’ આપણા પર કેટલી બધી અસર કરી રહી છે. (યિર્મે. ૧૭:૯) તેથી, ‘આપણામાં વિશ્વાસ છે કે નહિ તેની પરીક્ષા’ શું પોતે કરવી ન જોઈએ? શું બાઇબલના શિક્ષણ પ્રમાણે ખરા દિલથી પોતાને ચકાસવા ન જોઈએ?—૨ કોરીં. ૧૩:૫.
૧૮, ૧૯. આપણે કેમ યહોવાને ગમે એવા બનવાનું નક્કી કરવું જોઈએ?
૧૮ ‘જગતની બાબતો’ સામે ટકી રહેવા મદદ મળે, એ માટે ઈશ્વરની પ્રેરણાથી યોહાને લખેલા આ શબ્દો ધ્યાનમાં રાખીએ: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહા. ૨:૧૭) શેતાનની દુનિયા કાયમી અને સારી લાગી શકે. છતાં પણ, એક દિવસ તો એનો અંત આવવાનો જ છે. શેતાનની દુનિયામાં એવું કંઈ જ નથી જે કાયમી છે. જો આપણે એ યાદ રાખીશું, તો તેની લાલચોમાં ન ફસાવા મદદ મળશે.
૧૯ ઈશ્વરને પસંદ હોય એવી વ્યક્તિ બનવા, પ્રેરિત પીતર ઉત્તેજન આપતા કહે છે: “ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.” (૨ પીત. ૩:૧૨) યહોવાનો એ દિવસ જલદી જ આવી પહોંચશે અને શેતાનની દુનિયાના દરેક ભાગનો નાશ કરશે. એ વખત સુધી, શેતાને જેમ હવા અને ઈસુને કર્યું, તેમ ‘જગતની બાબતોથી’ આપણને લલચાવતો રહેશે. હવાએ પોતાની ઇચ્છા સંતોષવા ચાહ્યું. એવા આપણે ન બનીએ, નહિ તો શેતાનને આપણો ઈશ્વર માન્યા બરાબર ગણાશે. આપણે ઈસુ જેવા બનવું જોઈએ. ભલે કોઈ પણ લાલચ હોય, દેખાવે સુંદર અને મન મોહી લેનારી હોય, તેમ છતાં આપણે ચોખ્ખી ના પાડવી જોઈએ. ચાલો આપણે દરેક નક્કી કરીએ કે યહોવાને ગમે એવા જ બનીએ.