યહોવાહ દેવ આપણા હૃદયને પારખે છે
“જેઓ તેનાથી બીએ છે . . . તેમના પર યહોવાહ રાજી રહે છે,” ગીતકર્તાએ લખ્યું. વધુમાં, સર્જનહાર ન્યાયી સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનો યત્ન કરનારા પોતાના દરેક માનવ સેવકોને જોઈને આનંદ અનુભવે છે. દેવ પોતાના વફાદાર લોકોને આશીર્વાદ આપે છે, ઉત્તેજન આપે છે અને હતાશાના સમયમાં દિલાસો પૂરો પાડે છે. દેવ જાણે છે કે પોતાના ભક્તો અપૂર્ણ છે એથી, તે તેઓ પાસેથી યોગ્ય પ્રમાણમાં જ અપેક્ષા રાખે છે.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧.
આપણે સહેલાયથી માનીએ છીએ કે યહોવાહ પોતાના સેવકોને ખૂબ જ ચાહે છે. તેમ છતાં, કેટલીક વ્યક્તિઓ પોતાની ભૂલોને કારણે વધારે પડતા ચિંતિત છે કે યહોવાહ તેઓને કદી પણ પ્રેમ કરી શકે નહિ. “હું એટલો બધો અપૂર્ણ છું કે યહોવાહ મને પ્રેમ કરી શકે નહિ” તેઓ નિષ્કર્ષ પર આવી શકે. અલબત્ત, વખતો વખત આપણા સર્વના મનમાં નકારાત્મક લાગણીઓ આવે છે. પરંતુ કેટલાક લોકો હંમેશા એવું અનુભવે છે કે તેઓ પોતે નકામા છે.
નકામાપણાની લાગણીઓ
બાઇબલ સમયોમાં પણ ઘણા વફાદાર લોકો નિરાશ થઈ ગયા હતા. અયૂબ જીવવા માંગતા ન હતા કારણ કે તેમને એવું લાગ્યું કે દેવે તેમને તરછોડી દીધા છે. શમૂએલની માતા હાન્ના એક વખત નિઃસંતાન હોવાને કારણે ખૂબ જ દુઃખી હતી અને પુષ્કળ રડતી હતી. દાઊદ દુઃખના ભાર નીચે “ઘણો વાંકો વળી ગયો” હતો અને એપાફ્રોદિતસ ઉદાસ હતો કારણ કે તેની માંદગીના સમાચારે તેના ભાઈઓને દુઃખી કર્યા હતા.—ગીતશાસ્ત્ર ૩૮:૬; ૧ શમૂએલ ૧:૭, ૧૦; અયૂબ ૨૯:૨, ૪, ૫; ફિલિપી ૨:૨૫, ૨૬.
આજના ખ્રિસ્તીઓ વિષે શું? તેઓ પણ કદાચ માંદગી, વધતી જતી ઉંમર અથવા અન્ય વ્યક્તિગત સંજોગોને કારણે દેવની સેવામાં પોતે જેટલું કરવા માંગે છે એટલું કરી શકતા નથી. આ કારણોને લીધે તેઓને એવું લાગી શકે કે તેઓ યહોવાહ અને તેમના સાથી વિશ્વાસીઓને ખુશ કરી શકતા નથી. અથવા કેટલાક ભૂતકાળની ભૂલોને યાદ કર્યા કરીને પોતાને સતત દોષિત ઠરાવી શકે અને તેઓને લાગી શકે કે યહોવાહે તેઓને માફ કર્યા નથી. પ્રેમની ખામી હોય એવા કુટુંબમાંથી આવેલા લોકો પોતે પ્રેમ કરવાને લાયક નથી એમ માની શકે. આ કઈ રીતે શક્ય છે?
કેટલાક એવા કુટુંબમાં ઊછર્યા હોય છે જ્યાં પ્રેમનું નહિ પરંતુ સ્વાર્થ, મહેણા અને ભયનું વાતાવરણ જોવા મળે છે. તેઓને પ્રેમાળ પિતા કેવા હોય છે એની ખબર જ હોતી નથી. એવા પિતા જે તેમના વખાણ કરવાની અને ઉત્તેજન આપવાની તક શોધ્યા કરે છે. તેમની નાની-મોટી ભૂલોને અવગણે છે તથા તેમની ઉષ્માને કારણે આખું કુટુંબ સલામતી અનુભવે છે. તેઓએ પ્રેમાળ પિતાનો અનુભવ નહિ કર્યો હોવાથી, તેઓ માટે પ્રેમાળ આકાશી પિતાનો અર્થ સમજવો ખૂબ જ અઘરું લાગી શકે.
દાખલા તરીકે, ફ્રિટ્ઝે લખ્યું: “મારા બાળપણ અને યુવાનીમાં મારા પિતાના કઠોર વર્તનની મારા પર ખૂબ અસર રહી.a તેમણે કદી મારી પ્રસંશા કરી નહિ અને મેં કદી તેમની સમીપ હોવાનો અનુભવ કર્યો નહિ. હકીકતમાં, મોટા ભાગનો સમય, હું તેમનાથી બીતો હતો.” પરિણામે, ૫૦ વય વટાવી ગયા પછી પણ ફ્રિટ્ઝ આજે પણ એવું જ અનુભવે છે. બીજી બાજુ માર્ગારેટ જણાવે છે: “મારા માબાપ ઠંડા અને કઠોર હતા. મેં બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે, મારે માટે પ્રેમાળ પિતા તરીકેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.”
કોઈ પણ બાબત હોય, આવી લાગણીઓ અનુભવવી એનો અર્થ એ થાય કે આપણે દેવની સેવા, પ્રેમથી નહિ પણ દોષિતપણા અને ભયથી કરીએ છીએ. આપણે ગમે તેટલું કરીએ આપણને સંતોષ થતો નથી. આપણે યહોવાહ અને સાથી વિશ્વાસીઓને ખુશ કરવાની ઇચ્છા રાખીએ છીએ, પરંતુ આપણને એવું લાગી શકે કે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ એનાથી કદી તેઓને ખુશ કરી શકીશું નહિ. પરિણામે, આપણે નિરાશ થઈ શકીએ અને આપણા ધ્યેયો ચૂકી જવા બદલ પોતાને દોષિત ગણી શકીએ.
આ માટે શું કરી શકાય? કદાચ આપણે પોતે યાદ કરવાની જરૂર છે કે યહોવાહ આપણા હૃદયને પારખે છે. પ્રેષિત યોહાન પોતે દેવના વ્યક્તિત્વના આ પ્રેમાળ પાસાંને સમજ્યા હતા.
“આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે”
પ્રથમ સદી સી.ઈ.ના અંત ભાગમાં, યોહાને પોતાના સાથી વિશ્વાસીઓને લખ્યું: “એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ, અને જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું; કેમકે આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.” યોહાને શા માટે આ શબ્દો લખ્યા?—૧ યોહાન ૩:૧૯, ૨૦.
યોહાન સ્પષ્ટપણે જાણતા હતા કે યહોવાહના સેવકો હૃદયથી ખેદ અનુભવી શકે છે. કદાચ યોહાને પોતે પણ આવું જ અનુભવ્યું હતું. યોહાન જલદી ગુસ્સે થઈ જતા એક યુવાન હોવાથી, ઘણી વાર ઈસુએ તેમને બીજાઓ સાથે કઠોર રીતે ન વર્તવા ઠપકો પણ આપ્યો. હકીકતમાં, ઈસુએ યોહાન અને તેના ભાઈ યાકૂબની “અટક . . . બોઅનેરગેસ પાડી, એટલે ગર્જનાના દીકરા.”—માર્ક ૩:૧૭; લુક ૯:૪૯-૫૬.
પછીના ૬૦ કરતાં વધુ વર્ષો દરમિયાન યોહાન પરિપક્વ, સમજી વિચારીને બોલવાવાળા, પ્રેમાળ અને દયાળુ ખ્રિસ્તી બન્યા. એ સમય દરમિયાન, છેલ્લા બચેલા પ્રેષિત તરીકે, તેમણે પોતાનો પ્રથમ પ્રેરિત પત્ર લખ્યો. હવે તે જાણતા હતા કે યહોવાહ પોતાના દરેક સેવકોની નાની નાની ભૂલોને માટે સજા ફટકારતા નથી. એને બદલે, જેઓ તેમને પ્રેમ કરે છે અને સત્યતાથી ઉપાસના કરે છે, તે સર્વ લોકોને તે ઊંડો પ્રેમ, ઉષ્મા, વિશાળ હૃદય, ઉદારતા અને દિલાસો આપનાર પિતા છે. યોહાને લખ્યું: “દેવ પ્રેમ છે.”—૧ યોહાન ૪:૮.
આપણી સેવાથી યહોવાહ ખુશ થાય છે
દેવ આપણી સહજ નબળાઈ તથા ભૂલોને જાણે છે અને તે એ બધું ધ્યાનમાં રાખે છે. “તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે” દાઊદે લખ્યું. યહોવાહ જાણે છે કે આપણે જે વાતાવરણમાં ઉછર્યા છીએ એની આપણા પણ ઊંડી અસર થાય છે. હકીકતમાં, તે આપણને સારી પેઠે ઓળખે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪.
યહોવાહ જાણે છે કે આપણામાંના ઘણા પોતાનો સ્વભાવ બદલવા માંગે છે, પરંતુ આપણે આપણી અપૂર્ણતાને કારણે એમ કરી શકતા નથી. આપણી પરિસ્થિતિ પ્રેષિત પાઊલ સાથે સરખાવી શકીએ, જેમણે લખ્યું: “જે સારૂં હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરૂં છું.” આપણે સર્વ એક જ પ્રકારની લડાઈ લડી રહ્યા છીએ. કેટલાક કિસ્સાઓમાં એ આપણા આત્મ-દોષિત હૃદયમાં પરિણમી શકે.—રૂમી ૭:૧૯.
પરંતુ હંમેશા આ યાદ રાખો: આપણે પોતાના વિષે શું વિચારીએ છીએ એ કરતાં, યહોવાહ આપણા વિષે શું વિચારે છે એ સમજવું ખુબ જ મહત્ત્વનું છે. આપણને તેમની ઇચ્છા પ્રમાણે કરવાનો પ્રયત્ન કરતા જોઈને, તેમને કેવળ સંતોષ જ નહિ પરંતુ આનંદ પણ થાય છે. (નીતિવચન ૨૭:૧૧) આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ, કદાચ આપણી નજરમાં એ થોડું જ હોય શકે. પરંતુ યહોવાહ આપણું હૃદય જુએ છે, આપણે જે સારી ભાવનાથી અને આનંદથી તેમની સેવા કરીએ છીએ એ જોઈને તે ખુશ થાય છે. તે આપણે કેટલું કરી શકીએ છીએ એ જ નથી જોતા; તે જાણે છે કે આપણે શું કરવા માંગીએ છીએ; તે આપણી ઇચ્છાઓ અને અભિલાષાઓથી વાકેફ છે. યહોવાહ આપણા હૃદય વાંચી શકે છે.—યિર્મેયાહ ૧૨:૩; ૧૭:૧૦.
દાખલા તરીકે, કેટલાક યહોવાહના સાક્ષીઓ સ્વાભાવિક રીતે જ શરમાળ અને ઓછાબોલા હોય છે, જેઓ જાહેરમાં આવવા માંગતા નથી. આવા લોકોને ઘરઘરનું પ્રચારકાર્ય એક ડરામણો પડકાર લાગી શકે. છતાં, દેવની સેવા કરવાની અને પોતાના પડોશીને મદદ કરવાની ઇચ્છાથી પ્રેરણા પામીને, આ શરમાળ લોકો પણ પોતાના પડોશીઓ પાસે પહોંચી જઈને બાઇબલ વિષે વાત કરવાનું શીખ્યા છે. તેઓને લાગી શકે કે તેઓ થોડું જ કરી શકે છે અને આ બાબત તેઓનો આનંદ ખૂંચવી લઈ શકે. તેઓનું હૃદય કદાચ કહે કે તેઓ જે પ્રચારકાર્ય કરે છે એનો કોઈ ફાયદો નથી. પરંતુ યહોવાહ જુએ છે કે આવા લોકો તેમની સેવામાં કેટલી બધી મહેનત કરે છે ત્યારે તેમને ઘણો આનંદ થાય છે. વધુમાં, તેઓને ખબર નથી કે વાવવામાં આવેલા સત્યના બીજ ક્યારે અને ક્યાં ઊગશે, વધશે તથા ફળ આપશે.—સભાશિક્ષક ૧૧:૬; માર્ક ૧૨:૪૧-૪૪; ૨ કોરીંથી ૮:૧૨.
અન્ય સાક્ષીઓ બીમારી અથવા વધતી જતી ઉંમરનો સામનો કરે છે. રાજ્યગૃહે સભાઓમાં નિયમિત રીતે હાજરી આપવા તેઓએ ઘણી તકલીફો અને દુઃખ સહન કરવા પડે છે. પ્રચારકાર્ય વિષેનો વાર્તાલાપ સાંભળીને તેઓને યાદ આવી શકે કે આ કામ માટે તેઓ કેટલો બધો સમય આપી રહ્યા હતા. હજુ પણ તેઓ પ્રચારકાર્યમાં વધુ સમય આપવા માગે છે પરંતુ અશક્તિને કારણે તેઓ પાછા પડે છે. આવા લોકોના મનમાં દોષિતપણાની લાગણી આવી શકે કારણ કે તેઓ સલાહને જેટલી અનુસરવા માંગે છે એટલી અનુસરી શકતા નથી. પરંતુ, યહોવાહની નજરમાં તેઓની વફાદારી અને ધીરજ મૂલ્યવાન છે. તેઓ વફાદાર રહે છે તેમ, યહોવાહ તેઓની વિશ્વાસુ સેવાને કદી ભૂલશે નહિ.—ગીતશાસ્ત્ર ૧૮:૨૫; ૩૭:૨૮.
‘આપણા અંતઃકરણને શાંત કરવું’
છેવટે યોહાન વયોવૃદ્ધ થાય છે તેમ, દેવના વિશાળ હૃદય વિષે ઘણું સમજે છે. યાદ રાખો કે તેમણે શું લખ્યું હતું: “આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.” વધુમાં, યોહાન આપણને “આપણા અંતઃકરણને શાંત” કરવા ઉત્તેજન આપે છે. આ શબ્દો દ્વારા યોહાન શું કહેવા માંગતા હતા?
યોહાન એમ કહેવા માંગતા હતા કે આપણે આપણા હૃદયને મનાવવાની અને એ માનવાની જરૂર છે કે યહોવાહ આપણને પ્રેમ કરે છે. આ રીતે આપણે આપણા હૃદયને શાંત કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આપણા હૃદયને શાંત કરવા માટે જીતી લેવાનું છે અને આપણા હૃદયને મનાવવાની જરૂર છે કે યહોવાહ આપણને પ્રેમ કરે છે. કઈ રીતે?
આ લેખમાં આગળ ઉલ્લેખ કરેલ ફ્રિટ્ઝ, ૨૫ વર્ષોથી યહોવાહના સાક્ષીઓના એક મંડળમાં વડીલ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અનુભવ્યું કે વ્યક્તિગત અભ્યાસ યહોવાહના પ્રેમની પોતાના હૃદયમાં પુનઃખાતરી આપે છે. “હું બાઇબલ અને આપણા પ્રકાશનોનો નિયમિત રીતે અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરું છું. એ બાબત મને ભૂતકાળ પર નહિ પરંતુ આગળ રહેલા અદ્ભુત ભવિષ્ય પર સ્પષ્ટ દૃષ્ટિ રાખવા મદદ કરે છે. ઘણી વખત, મારો ભૂતકાળ મને કચડી નાખતી લાગણીઓ આપે છે અને હું અનુભવું છું કે દેવ મને કદી પ્રેમ કરી શકે નહિ. પરંતુ, સામાન્ય રીતે, મને લાગે છે કે નિયમિત અભ્યાસ મારા હૃદયને દૃઢ કરે છે, મારો વિશ્વાસ વધારે છે અને આનંદી તથા સમતોલ રહેવા મદદ કરે છે.”
સાચે જ, બાઇબલ વાંચન અને મનન આપણી વાસ્તવિક પરિસ્થિતિને બદલી શકતું નથી. છતાં, એ આપણી પરિસ્થિતિને સમજવા મદદ કરી શકે. બાઇબલના વિચારોને આપણા હૃદયમાં ઉતારીશું તો, એ આપણને તેમના જેવું વિચારવા મદદ કરશે. વધુમાં, બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે સારી રીતે સમજીશું કે દેવનું હૃદય કેટલું વિશાળ છે. આમ, ધીમે ધીમે આપણે પોતે એ સ્વીકારીશું કે યહોવાહ આપણી અશક્તિને કારણે અથવા આપણે કેવા વાતાવરણમાં ઉછર્યા છીએ એ કારણે આપણને દોષિત ઠરાવતા નથી. તે જાણે છે કે આપણે જે લાગણીમય અને શારીરિક દુઃખોનો સામનો કરીએ છીએ એ માટે આપણે પોતે જવાબદાર નથી. અને જ્યારે તે આપણી સાથે વ્યવહાર કરે છે ત્યારે આ બધી બાબતોને પ્રેમાળપણે ધ્યાનમાં રાખે છે.
આગળ ઉલ્લેખવામાં આવેલ માર્ગારેટ વિષે શું? તેમણે યહોવાહને ઓળખ્યા ત્યારે, બાઇબલના અભ્યાસથી તેમને પુષ્કળ લાભ થયો. તે પણ ફ્રિટ્ઝની જેમ પ્રેમાળ પિતા વિષે સમજી શક્યા. પ્રાર્થનાએ માર્ગારેટને બાઇબલમાંથી જે શીખ્યા હતા એમાં દૃઢ થવા મદદ કરી. માર્ગારેટ કહે છે, “હું પહેલેથી જ યહોવાહને મારા નજીકના મિત્ર તરીકે જોતી હતી, કેમ કે પ્રેમાળ મિત્રોથી તો હું પરિચિત હતી પરંતુ પ્રેમાળ પિતા કેવા હોય છે એની મને ખબર ન હતી. ધીરે ધીરે, હું યહોવાહને બતાવવા લાગી કે હું કેવું અનુભવું છું, મને શાનાથી ડર લાગે છે, મારી ચિંતાઓ અને મુશ્કેલીઓ શું છે. હું વારંવાર તેમને પ્રાર્થના કરતી હતી અને તેમના વિષે શીખેલી દરેક નવી બાબતો યાદ રાખવા લાગી. સમય જતાં, યહોવાહ વિષે હું મારા હૃદયમાં એવું અનુભવવા લાગી કે હવે તેમને મારા પ્રેમાળ પિતા તરીકે માનવામાં કંઈ મુશ્કેલી નથી.”
સર્વ ચિંતાઓથી મુક્ત
આ દુષ્ટ જૂની દુનિયાના છેલ્લા દિવસો ચાલે છે ત્યાં સુધી, કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીઓથી પૂરેપૂરા મુક્ત થવાની આશા રાખી શકે નહિ. કેટલાક ખ્રિસ્તીઓને કદાચ વારંવાર ચિંતા થતી હોય અથવા તેઓને એવું લાગે કે યહોવાહ તેઓને ખરેખર પ્રેમ કરે છે કે નહિ. આ કારણે તેઓ દુઃખી થઈ શકે છે. પરંતુ આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ તેમની સેવામાં આપણી સારી પ્રેરણા અને સખત મહેનત સારી રીતે જાણે છે. તેમના નામ પ્રત્યે આપણે જે પ્રીતિ બતાવી છે એને તે કદી ભૂલશે નહિ.—હેબ્રી ૬:૧૦.
પરમેશ્વરના રાજ્ય હેઠળ નવી પૃથ્વી પર સર્વ વિશ્વાસુ માનવો શેતાનની દુનિયાના બોજથી છુટકારો પામવાની આશા રાખી શકે. એ કેવું રાહત આપનારું હશે! પછી આપણે યહોવાહના વિશાળ હૃદયના વધારે પુરાવાઓ જોઈશું. ત્યાં સુધી, ચાલો આપણે સર્વ ખાતરી રાખીએ કે “આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.”—૧ યોહાન ૩:૨૦.
[ફુટનોટ]
a નામો બદલવામાં આવ્યા છે.
[પાન ૩૦ પર બ્લર્બ]
યહોવાહ કઠોર નથી પરંતુ પ્રેમાળ, વિશાળ હૃદયના અને દિલાસો આપનાર પિતા છે
[પાન ૩૧ પર ચિત્ર]
દેવનો શબ્દ બાઇબલ આપણને દેવની દૃષ્ટિએ વિચારવા મદદ કરે છે