મુશ્કેલીઓથી ભરેલી દુનિયામાં ઈશ્વર સાથે ચાલતા રહો
“હનોખ દેવની સંઘાતે ચાલ્યો; અને તે અલોપ થયો; કેમ કે દેવે તેને લઈ લીધો.”—ઉત્પત્તિ ૫:૨૪.
૧. આજે કઈ બાબતો આપણા દિવસોને વધુ જોખમકારક બનાવે છે?
મુશ્કેલીઓનો સમય આવ્યો છે! દુનિયામાં હિંસા અને ઊથલ-પાથલ વર્ષોથી ચાલી રહ્યા છે. ખાસ કરીને ૧૯૧૪માં સ્વર્ગમાં ઈસુનું રાજ્ય શરૂ થયું ત્યારથી દુઃખોનો પાર નથી. એ સમયથી માણસજાત “છેલ્લા” દિવસોમાં જીવી રહી છે. દુનિયામાં દુકાળ, બીમારી, ધરતીકંપો અને યુદ્ધોનો કોઈ પાર નથી. માનવીઓએ પહેલાં ક્યારેય આટલી બધી તકલીફો અનુભવી નથી. (૨ તીમોથી ૩:૧; પ્રકટીકરણ ૬:૧-૮) યહોવાહના લોકો પણ આ મુશ્કેલીઓમાંથી બાકાત નથી. આ જમાનાનાને લીધે તેઓને પણ નાના મોટા દુઃખ-તકલીફો સહન કરવા પડ્યા છે. પૈસાની તંગી, રાજકીય ઊથલ-પાથલ, ગુનો અને બીમારીઓને લીધે જીવન વધારે અઘરું બની ગયું છે.
૨. યહોવાહના ભક્તોએ કેવી તકલીફોનો સામનો કર્યો છે?
૨ વધુમાં, “જેઓ દેવની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે” તેઓ સામે લડવાને શેતાન નીકળી પડ્યો છે. તેથી, યહોવાહના ઘણા ભક્તોએ એક પછી એક સતાવણી સહન કરવી પડી છે. (પ્રકટીકરણ ૧૨:૧૭) જોકે, આપણે પોતે આકરી સતાવણી સહન ન કરી હોય શકે, તોપણ સર્વ સાચા ખ્રિસ્તીઓએ શેતાન અને દુનિયા તરફથી આવતા તેના વલણનો સામનો કરવો પડે છે. (એફેસી ૨:૨; ૬:૧૨) આપણે નોકરી-ધંધા પર, સ્કૂલે કે બીજી કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે એવા લોકો સાથે હળવું-મળવું પડે છે, જેઓને ખરો ધર્મ પાળવાની કંઈ પડી નથી. આપણે તેઓના રંગે ન રંગાઈએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
દુનિયા સાથે નહિ, પણ ઈશ્વર સાથે ચાલો
૩, ૪. ખ્રિસ્તીઓ કઈ રીતે દુનિયાના લોકોથી અલગ છે?
૩ પ્રથમ સદીમાં, ખ્રિસ્તીઓએ દુનિયાના વલણ સામે ખૂબ લડવું પડ્યું. એના લીધે તેઓ દુનિયાના લોકોથી સાવ અલગ હતા. પ્રેરિત પાઊલે આ ફરક વિષે લખ્યું: “તમે ઉદ્ધાર નહિ પામેલા અવિશ્વાસીઓની જેમ ન વર્તો. કેમ કે અવિશ્વાસીઓ અંધ થઈ ગયા છે અને ગૂંચવાઈ ગયા છે. તેઓનાં હૃદયો કઠણ થઈ ગયાં છે અને અંધકારમય થઈ ગયા છે. તેઓ ઈશ્વરના જીવનથી ઘણાં દૂર છે, કેમ કે તેઓએ પોતાનાં મનોને ઈશ્વરની વિરુદ્ધ બંધ કર્યા છે અને તેઓ ઈશ્વરના માર્ગો સમજી શકતા નથી. સારા-નરસાની જરાય પરવા કર્યા વિના તેઓ અશુદ્ધ માર્ગોમાં ચાલે છે. તેઓ પોતાના ખરાબ વિચારો અને અવિચારી લાલસાની પાછળ અટક્યા વગર દોડે છે.”—એફેસી ૪:૧૭-૧૯, IBSI.
૪ આ શબ્દો કેટલું સ્પષ્ટ બતાવે છે કે પાઊલના દિવસોની જેમ, આપણે પણ એવી દુનિયામાં જીવીએ છીએ, જેને સારા સંસ્કાર કે ખરા ધર્મની કંઈ જ પડી નથી! પ્રથમ સદીની જેમ, ખ્રિસ્તીઓ ‘બીજા વિદેશીઓની’ જેમ ચાલતા નથી. આપણે ઈશ્વર સાથે ચાલીએ છીએ એ માટે આપણે કેટલા ખુશ છીએ! પણ અમુક લોકો વિચારશે, કે આપણે અપૂર્ણ છીએ. ‘માણસ માત્ર ભૂલને પાત્ર.’ તે વળી ઈશ્વર સાથે કઈ રીતે ચાલી શકે? બાઇબલ બતાવે છે કે એ શક્ય છે. એટલું જ નહિ, યહોવાહ પોતે એમ ચાહે છે. લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલાં (ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં) પ્રબોધક મીખાહે આમ લખ્યું: “ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”—મીખાહ ૬:૮.
શા માટે અને કઈ રીતે ઈશ્વર સાથે ચાલવું?
૫. અપૂર્ણ માણસ કઈ રીતે ઈશ્વર સાથે ચાલી શકે?
૫ મહાન ઈશ્વર સાથે આપણે કઈ રીતે ચાલી શકીએ? એનો અર્થ એ નથી કે કોઈ માણસ સાથે ચાલીએ તેમ ઈશ્વર સાથે ચાલીએ. બાઇબલ મુજબ ‘ચાલવાનો’ અર્થ થાય છે, ‘કોઈ ખાસ માર્ગ પ્રમાણે વર્તવું.’a આ યાદ રાખીએ તો, યહોવાહ સાથે ચાલવાનો અર્થ થાય, ‘તેમના કહ્યા પ્રમાણે જ જીવવું અને તેમને ખુશ કરવા.’ આ રીતે જીવવાથી ભલે આપણે આજુ-બાજુના લોકોથી અલગ પડીએ, તોપણ ખરા ખ્રિસ્તીઓ તરીકે આપણે એવી જ રીતે જીવવું જોઈએ. શા માટે? એના ઘણાં કારણો છે.
૬, ૭. ઈશ્વર સાથે ચાલવું કેમ સૌથી સારો માર્ગ છે?
૬ પ્રથમ કારણ એ છે કે યહોવાહ આપણા જીવનદાતા છે. તે જીવવા માટે દરેક ચીજ પૂરી પાડે છે. (પ્રકટીકરણ ૪:૧૧) તેથી, ફક્ત યહોવાહને જ માર્ગદર્શન આપવાનો પૂરો હક્ક છે. વધુમાં, ઈશ્વર સાથે ચાલવા સિવાય બીજો કોઈ સારો માર્ગ નથી. જેઓ ઈશ્વર સાથે ચાલે છે, તેઓ માટે તેમણે પાપોની માફીની ગોઠવણ કરી છે. આથી, આપણે કાયમ માટે જીવવાની આશા રાખી શકીએ. આપણા પ્યારા પિતા આપણને સારી સલાહ આપે છે. એ સલાહથી આપણે હમણાં સફળ થઈ શકીએ. પછી ભલેને આપણે અપૂર્ણ માનવીઓ હોઈએ અને શેતાનની દુનિયામાં જીવી રહ્યા હોઈએ. (યોહાન ૩:૧૬; ૨ તીમોથી ૩:૧૫, ૧૬; ૧ યોહાન ૧:૮; ૨:૨૫; ૫:૧૯) ઈશ્વર સાથે ચાલવાનું બીજું એક કારણ એ છે કે એમ કરવાથી મંડળમાં શાંતિ અને સંપ વધે છે.—કોલોસી ૩:૧૫, ૧૬.
૭ ઈશ્વર સાથે ચાલવાનું સૌથી મહત્ત્વનું કારણ આ છે: આપણે બતાવીએ છીએ કે આપણે કોના પક્ષમાં છીએ. એદન બાગમાં મોટો પ્રશ્ન ઊભો થયો હતો કે વિશ્વના રાજા બનવા કોણ લાયક છે. (ઉત્પત્તિ ૩:૧-૬) આપણે આપણા જીવન માર્ગથી બતાવીએ છીએ કે આપણે યહોવાહના પક્ષમાં છીએ અને હિંમતથી પોકારીએ છીએ કે તે જ વિશ્વના રાજા બનવા લાયક છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આમ, આપણે આપણી પ્રાર્થનાના સુમેળમાં વર્તીએ છીએ કે યહોવાહનું નામ રોશન થાય અને તેમની ઇચ્છા પૂરી થાય. (માત્થી ૬:૯, ૧૦) આપણે ઈશ્વર સાથે ચાલવાનું પસંદ કરીએ, તો આપણે ખરેખર બુદ્ધિમાન છીએ! આપણને પૂરી ખાતરી હશે કે જે માર્ગે જઈએ છીએ એ જ ખરો માર્ગ છે. કેમ કે યહોવાહ “એકલા જ્ઞાની” છે. તે કદી ભૂલ કરતા નથી.—રૂમી ૧૬:૨૭.
૮. હનોખ અને નુહનો જમાનો કઈ રીતે આપણા જમાના જેવો જ હતો?
૮ આજના જમાનામાં ખૂબ ઊથલ-પાથલ થઈ રહી છે. મોટા ભાગના લોકોને યહોવાહની ભક્તિમાં કોઈ રસ નથી. તો આપણે કઈ રીતે સાચા ખ્રિસ્તીઓ તરીકે જીવન જીવી શકીએ? આનો જવાબ વર્ષો પહેલાંના વિશ્વાસુ ભક્તોના અનુભવમાંથી જોવા મળે છે. કપરા સંજોગોમાં પણ તેઓ યહોવાહને વળગી રહ્યા. ચાલો, આપણે હનોખ અને નુહનો વિચાર કરીએ. તેઓનો જમાનો, આપણા જેવો જ હતો. ચારે બાજુ દુષ્ટતા ફેલાયેલી હતી. નુહના દિવસોમાં, આખી ધરતી હિંસા અને અનૈતિકતાથી ભરાઈ ગઈ હતી. તેમ છતાં, હનોખ અને નુહ પર એ દુનિયાનો છાંટોય પડ્યો ન હતો. તેઓ યહોવાહ સાથે ચાલતા રહ્યા. તેઓ કઈ રીતે એમ કરી શક્યા? આનો જવાબ મેળવવા માટે આપણે આ લેખમાં હનોખનો વિચાર કરીશું. પછીના લેખમાં આપણે નુહનો વિચાર કરીશું.
મુશ્કેલીઓના સમયમાં હનોખ ઈશ્વર સાથે ચાલ્યા
૯. હનોખ વિષે આપણે શું જાણીએ છીએ?
૯ શાસ્ત્ર કહે છે કે સૌથી પહેલા, હનોખ ઈશ્વર સાથે ચાલ્યા: ‘મથૂશેલાહનો જન્મ થયા પછી પણ હનોખ દેવની સંઘાતે ચાલ્યા.’ (ઉત્પત્તિ ૫:૨૨) બાઇબલ પછી જણાવે છે કે હનોખ કેટલાં વર્ષ જીવ્યા. ભલે આપણી સરખામણીમાં તે ઘણાં વર્ષો જીવ્યા હોય, પરંતુ, તેમના જમાના મુજબ, તે થોડો જ સમય જીવ્યા હતા. એના વિષે બાઇબલ કહે છે: “હનોખ દેવની સંઘાતે ચાલ્યો; અને તે અલોપ થયો; કેમ કે દેવે તેને લઈ લીધો.” (ઉત્પત્તિ ૫:૨૪) આપણે એવું ધારી શકીએ કે યહોવાહે હનોખને અલોપ કરી દીધા, એટલે કે મરણની ઊંઘમાં સુવાડી દીધા. જેથી, દુશ્મનો હનોખને પકડી ન શકે. (હેબ્રી ૧૧:૫, ૧૩) આ થોડી કલમો સિવાય, બાઇબલ હનોખ વિષે બહુ કંઈ કહેતું નથી. તેમ છતાં, આપણી પાસે જે માહિતી છે, એનાથી ધારી શકીએ કે હનોખનો જમાનો પણ બહુ જ ખરાબ હતો.
૧૦, ૧૧. (ક) આદમ અને હવાએ પાપ કર્યું પછી, દુષ્ટતા કઈ રીતે ફેલાઈ? (ખ) હનોખે કેવી ભવિષ્યવાણી કરી અને એ સાંભળીને લોકોએ શું કર્યું?
૧૦ આદમે પાપ કર્યું પછી દુષ્ટતા કેટલી ઝડપથી ફેલાઈ ગઈ એનો વિચાર કરો. બાઇબલ કહે છે કે આદમનો પ્રથમ દીકરો કાઈન, પોતાના ભાઈ હાબેલને મારી નાખીને ખૂની બન્યો. (ઉત્પત્તિ ૪:૮-૧૦) હાબેલના ખૂન પછી, આદમ અને હવાને બીજો દીકરો થયો. તેનું નામ તેઓએ શેથ પાડ્યું. તેના વિષે બાઇબલ કહે છે: “શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડ્યું: ત્યારે લોક યહોવાહને નામે પ્રાર્થના કરવા લાગ્યા.” (ઉત્પત્તિ ૪:૨૫, ૨૬) દુઃખની વાત છે કે લોકોએ જે રીતે “યહોવાહને નામે પ્રાર્થના” કરવી જોઈતી હતી એ રીતે પ્રાર્થના કરતા ન હતા.b એમ લાગે છે કે લોકોએ ઈશ્વરનું નામ માણસોને કે મૂર્તિઓને આપી દીધું હતું. પછી હકીકતમાં ઈશ્વરને બદલે તેઓને પ્રાર્થના કરતા હતા. અનોશના જન્મના ઘણાં વર્ષો પછી, કાઈનના વંશમાંથી આવતા લામેખે તેની બે પત્નીઓ માટે એક કવિતા લખી. એમાં તેણે કહ્યું કે ‘એક માણસે મને ઘાયલ કર્યો, પણ મેં તેને મારી નાખ્યો.’ લામેખે ચેતવણી આપતા કહ્યું: “જો કાઈનને મારવાનો બદલો સાતગણો લેવાય, તો જરૂર લામેખનો સિત્તોતેરગણો લેવાશે.”—ઉત્પત્તિ ૪:૧૦, ૧૯, ૨૩, ૨૪.
૧૧ ટૂંકમાં આપેલી આ માહિતી બતાવે છે કે એદન બાગમાં શેતાને શરૂ કરેલી દુષ્ટતા જલદીથી આદમના કુટુંબમાં ફેલાઈ ગઈ. યહોવાહના પ્રબોધક હનોખ એવી દુનિયામાં રહેતા હતા. તેમનાં વચનો આપણને પણ અસર કરે છે. યહુદા હનોખની આ ભવિષ્યવાણી ટાંકતા કહે છે: “જુઓ, સઘળાંનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં, અને અધર્મી પાપીઓએ તેની વિરૂદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારોહજાર સંતોસહિત આવ્યો.” (યહુદા ૧૪, ૧૫) આ શબ્દો આર્માગેદ્દોન વખતે પૂરા થશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) તેમ છતાં, આપણે કહી શકીએ કે હનોખના દિવસમાં ઘણા “અધર્મી પાપીઓ” હનોખના સંદેશાથી ગુસ્સે થયા. યહોવાહ કેટલા પ્રેમાળ હતા કે તેમણે હનોખને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા!
હનોખ શા માટે ઈશ્વર સાથે ચાલી શક્યા?
૧૨. આદમના બીજા વંશજો અને હનોખ વચ્ચે શું ફરક હતો?
૧૨ એદન બાગમાં, આદમ અને હવાએ શેતાનનું માન્યું અને યહોવાહની સામે થયા. (ઉત્પત્તિ ૩:૧-૬) તેમના દીકરા હાબેલે જુદો જ માર્ગ પસંદ કર્યો આથી યહોવાહની કૃપા તેમના પર હતી. (ઉત્પત્તિ ૪:૩, ૪) પરંતુ, અફસોસ કે આદમના મોટા ભાગના સંતાનો હાબેલ જેવા ન હતા. જોકે, ઘણાં વર્ષો પછી જન્મેલો હનોખ હાબેલ જેવો હતો. આદમના બીજા વંશજો અને હનોખ વચ્ચે શું ફરક હતો? ઈશ્વરભક્ત પાઊલે એ પ્રશ્નનો જવાબ આપતા લખ્યું: “વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો, કે તે મરણ ન જુએ; તે જડ્યો નહિ, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો; કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો.” (હેબ્રી ૧૧:૫) ખ્રિસ્ત પહેલાંના ભક્તોની ‘મોટી વાદળારૂપ ભીડમાં’ હનોખનો પણ સમાવેશ થતો હતો. એ ભક્તોએ ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ બતાવીને આપણા માટે કેવો સુંદર દાખલો બેસાડ્યો! (હેબ્રી ૧૨:૧) ઈશ્વર પર વિશ્વાસ મૂકવાથી હનોખ ત્રણસોથી વધારે વર્ષો ખરા માર્ગ પર ચાલતા રહી શક્યા. અરે, તે આપણી ત્રણ જિંદગી જેટલા આયુષ્યથી પણ વધારે સમય વિશ્વાસુ રહ્યા!
૧૩. હનોખનો વિશ્વાસ કેવો હતો?
૧૩ પાઊલે હનોખ અને બીજા ભક્તોના વિશ્વાસ વિષે કહ્યું: “હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) ખરેખર, આપણો વિશ્વાસ પૂરી ખાતરી આપે છે કે યહોવાહે જે વચનો આપ્યાં છે, આશાઓ આપી છે, એ સર્વ સાચું પડશે. એ ખાતરી એટલી મજબૂત છે કે એ આપણા આખા જીવન માર્ગને અસર કરે છે. હનોખને એવી જ ખાતરી હતી, એટલે તે ઈશ્વર સાથે ચાલી શક્યા. ભલેને આજુબાજુના લોકો ઈશ્વર સાથે ચાલતા ન હતા.
૧૪. હનોખનો વિશ્વાસ કયા જ્ઞાન પર બંધાયેલો હતો?
૧૪ ખરો વિશ્વાસ પૂરા જ્ઞાન પર નભે છે. તોપછી, હનોખ પાસે શાનું જ્ઞાન હતું? (રૂમી ૧૦:૧૪, ૧૭; ૧ તીમોથી ૨:૪) એદન વાડીમાં જે બન્યું, એની હનોખને ખબર હતી. તેમણે સાંભળ્યું હોય શકે કે એદન બાગમાં જીવન કેવું હતું. ભલે કોઈ માણસ એમાં જઈ ન શક્યો, પરંતુ, આપણે એવું માની શકીએ કે એ બાગ હનોખના દિવસમાં હજી હતો. (ઉત્પત્તિ ૩:૨૩, ૨૪) હનોખને ઈશ્વરની ઇચ્છાની ખબર હતી કે આદમના સંતાન આખી ધરતી પર ફેલાય અને ધરતીને સુંદર બગીચો બનાવી દે. (ઉત્પત્તિ ૧:૨૮) વધુમાં, હનોખે યહોવાહનાં વચન પર પૂરી શ્રદ્ધા રાખી હશે કે તેમનું સંતાન શેતાનનું માથું કચડી નાખશે અને તેના જૂઠાણાંને લીધે આવતા સર્વ દુઃખોને દૂર કરશે. (ઉત્પત્તિ ૩:૧૫) ખરેખર, હનોખે જે ભવિષ્યવાણી કરી એ શેતાનના સંતાનના નાશ વિષે જ છે, જે યહુદાના પુસ્તકમાં લખેલી છે. હનોખમાં ખૂબ વિશ્વાસ હતો. એટલે આપણે કહી શકીએ કે તેમણે એ ધ્યાનમાં રાખીને યહોવાહની સેવા કરી કે “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.” (હેબ્રી ૧૧:૬) હનોખ પાસે આપણા જેટલું જ્ઞાન ન હતું. તેમ છતાં, તેમની પાસે જે જ્ઞાન હતું એ તેમના વિશ્વાસનો પાયો બન્યો. આ મજબૂત વિશ્વાસથી તે મુશ્કેલી ભરેલા સમયમાં યહોવાહને વળગી રહી શક્યા.
હનોખને અનુસરો
૧૫, ૧૬. આપણે કઈ રીતે હનોખનો દાખલો અનુસરી શકીએ?
૧૫ હનોખની જેમ, આપણે મુશ્કેલી ભરેલા દિવસોમાં યહોવાહને ખુશ કરવા ચાહીએ છીએ. આથી, આપણે હનોખને અનુસરવું જોઈએ. યહોવાહ અને તેમના હેતુ વિષે જ્ઞાન લેતા રહેવું જોઈએ. એટલું જ નહિ, આપણે જીવનમાં ડગલે ને પગલે એ જ્ઞાન પ્રમાણે જ ચાલવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૧; ૨ પીતર ૧:૧૯) જો આપણે યહોવાહના કહ્યા પ્રમાણે જીવીશું તો આપણી વાણી અને વર્તનથી તેમને ખુશ કરીશું.
૧૬ આપણી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી કે હનોખના દિવસોમાં બીજા કેટલા ઈશ્વરભક્તો હતા. હનોખ એકલા હોય શકે અથવા તેમની સાથે બીજા થોડા જ ભક્તો હોય શકે. હનોખના સમયની જેમ, આજે દુનિયામાં ફક્ત થોડા જ લોકો યહોવાહને ભજે છે. પણ એનાથી આપણે હિંમત હારી જઈશું નહિ. ભલે આપણી સામે ગમે તેવી મુશ્કેલી આવે, યહોવાહ હંમેશાં આપણને સાથ આપશે. (રૂમી ૮:૩૧) હનોખે હિંમતથી લોકોને ચેતવણી આપી કે ઈશ્વર પાપી લોકોનો નાશ કરશે. આપણે પણ હિંમતથી ‘રાજ્યની આ સુવાર્તાનો’ પ્રચાર કરીએ છીએ. પછી ભલેને લોકો આપણી મશ્કરી, વિરોધ કે સતાવણી કરે. (માત્થી ૨૪:૧૪) હનોખ બીજા લોકો જેટલું લાંબું જીવ્યા ન હતા, તોપણ તેમની આશા એ સમયની દુનિયા પર ન હતી. તેમની નજર તો એક સુંદર ભવિષ્ય પર હતી. (હેબ્રી ૧૧:૧૦, ૩૫) આપણે પણ એવી જ આશા રાખીએ છીએ કે નજીકમાં યહોવાહનાં વચનો પૂરા થાય. તેથી, આપણે દુનિયાનો પૂરો લાભ લેતા નથી. (૧ કોરીંથી ૭:૩૧) એને બદલે, આપણે તન-મન અને ધનથી યહોવાહની સેવામાં લાગુ રહીએ છીએ.
૧૭. આપણી પાસે શાનું જ્ઞાન છે જે હનોખ પાસે ન હતું? આપણે શું કરવું જોઈએ?
૧૭ હનોખને વિશ્વાસ હતો કે યહોવાહની ઇચ્છા મુજબ સંતાન જરૂર આવશે. એ સંતાન ઈસુ ખ્રિસ્ત છે જે લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર આવી ગયા. પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાનું બલિદાન આપીને આપણા માટે અને હનોખ જેવા અનેક ઈશ્વરભક્તો માટે સદા માટે જીવવાનો માર્ગ ખોલ્યો. એ સંતાન આજે ઈશ્વરના રાજ્યના રાજા છે. તેમણે શેતાનને સ્વર્ગમાંથી કાઢીને પૃથ્વી પર ફેંકી દીધો છે. એ કારણને લીધે આપણી ચારે બાજુ ઊથલ-પાથલ જોવા મળે છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) હનોખના સમય કરતાં આપણા સમયમાં ભરપૂર જ્ઞાન પ્રાપ્ય છે. તો ચાલો આપણે હનોખની જેમ ઈશ્વર પર પૂરી શ્રદ્ધા મૂકીએ. આપણે ઈશ્વરનાં વચનોમાં પૂરો ભરોસો રાખીએ ને તેમના કહ્યા મુજબ જીવીએ. હનોખની જેમ ચાલો આપણે મુશ્કેલી ભરેલી દુનિયામાં ઈશ્વર સાથે ચાલતા રહીએ.
[ફુટનોટ્સ]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ વોલ્યુમ ૧, પાન ૨૨૦, ફકરો ૬ જુઓ.
b અનોશના દિવસો પહેલાં, યહોવાહે આદમ સાથે વાત કરી હતી. હાબેલે યહોવાહને અર્પણ ચઢાવ્યું તેમને પસંદ હતું. કાઈન ક્રોધ ને ઈર્ષાથી ખૂની બન્યો એ પહેલાં ઈશ્વરે તેની સાથે વાત કરીને ચેતવ્યો હતો. તેથી, જ્યારે લોકો “યહોવાહને નામે પ્રાર્થના કરવા લાગ્યા” ત્યારે એની પાછળ બીજું કારણ હોય શકે. પરંતુ, તેઓ ખરી ભક્તિને લીધે એમ કરતા ન હતા.
તમે કેવો જવાબ આપશો?
• ઈશ્વર સાથે ચાલવાનો અર્થ શું થાય છે?
• ઈશ્વર સાથે ચાલવું કેમ સૌથી સારો માર્ગ છે?
• મુશ્કેલી ભરેલી દુનિયામાં હનોખ કઈ રીતે ઈશ્વર સાથે ચાલતા રહી શક્યા?
• આપણે કઈ રીતે હનોખને અનુસરી શકીએ?
[પાન ૧૫ પર ચિત્ર]
વિશ્વાસથી ‘હનોખ દેવની સંઘાતે ચાલતા’ રહ્યા
[પાન ૧૭ પર ચિત્ર]
આપણે પૂરી ખાતરી રાખીએ છીએ કે યહોવાહનાં વચનો સાચા પડશે
[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
છેક જમણી બાજુ સ્ત્રીઃ FAO photo/B. Imevbore; પડતું મકાનઃ San Hong R-C Picture Company