આશામાં આનંદ કરો
‘ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી. તેમણે લાંબા સમય પહેલાંથી અનંતજીવનની આશા આપી હતી.’—તીત. ૧:૨.
તમે શું જવાબ આપશો?
કેમ કહી શકાય કે જ્યારે કોઈ અભિષિક્ત ખ્રિસ્તી મરણ સુધી વિશ્વાસુ રહે છે, ત્યારે સ્વર્ગમાં ઘણો આનંદ થાય છે?
કઈ રીતે બીજા ઘેટાંના સભ્યોની આશા અભિષિક્તો સાથે જોડાયેલી છે?
આપણી આશા સાચી પડે એ માટે કેવા “પવિત્ર આચરણ” અને ‘ભક્તિભાવ’ બતાવવા જોઈએ?
૧. યહોવાએ આપેલી આશા આપણને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરે છે?
પ્રેરિત પાઊલે કહ્યું કે ‘યહોવાહ ઈશ્વર આપણને આશા આપે છે.’ તે આપણને પવિત્ર શક્તિથી આનંદ અને શાંતિ આપે છે, જેથી ‘આપણી આશામાં વધારો થાય.’ (રોમ. ૧૫:૧૩) આપણી આશા મક્કમ હશે તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. તેમ જ, જીવનમાં ખુશી અને શાંતિ જળવાઈ રહેશે. અભિષિક્તો અને બીજા ઘેટાંના સભ્યોના જીવનમાં આવતી મુશ્કેલીઓ જાણે તોફાન જેવી હોય છે. પરંતુ ‘આશા લંગર જેવી છે, જે તેઓને સ્થિર’ રાખે છે. (હિબ્રૂ ૬:૧૮, ૧૯) આશાને વળગી રહેવાથી આપણે “દૂર ખેંચાઈ” નહિ જઈએ. આશા આપણને વિશ્વાસમાં દૃઢ રહેવા મદદ કરશે.—હિબ્રૂ ૨:૧; ૬:૧૧ વાંચો.
૨. આજે ઈસુના અનુયાયીઓ પાસે કઈ બે આશા છે? શા માટે અભિષિક્તોની આશામાં બીજા ઘેટાંના સભ્યોને રસ છે?
૨ આજે આ અંતના સમયમાં ઈસુના અનુયાયીઓ પાસે બે પ્રકારની આશા છે. પૃથ્વી પર બાકી રહેલાં “નાની ટોળી”ના ભાઈ-બહેનોને સ્વર્ગમાં અમર જીવનની આશા છે. તેઓ ખ્રિસ્તના રાજ્યમાં રાજા અને યાજક તરીકે સેવા આપશે. (લુક ૧૨:૩૨; પ્રકટી. ૫:૯, ૧૦) જ્યારે કે “બીજાં ઘેટાં”ની સંખ્યા ઘણી મોટી છે. મસીહ રાજમાં સુંદર ધરતી પર હંમેશ માટે જીવવાની તેઓને આશા છે. (પ્રકટી. ૭:૯, ૧૦; યોહા. ૧૦:૧૬) બીજા ઘેટાંના સભ્યોએ આ બાબત કદી ભૂલવી ન જોઈએ. આવનાર વિનાશમાંથી બચવા તેઓએ હાલમાં ધરતી પર રહેતા ઈસુના પસંદ કરાયેલા ‘ભાઈઓને’ સાથ આપવો જોઈએ. (માથ. ૨૫:૩૪-૪૦) અભિષિક્તો અને બીજા ઘેટાંના સભ્યોને ચોક્કસ પોતપોતાનું ઈનામ મળશે. (હિબ્રૂ ૧૧:૩૯, ૪૦ વાંચો.) તેથી, ચાલો ઈશ્વરે અભિષિક્તોને આપેલી આશા વિષે પહેલા જોઈએ.
અભિષિક્ત ખ્રિસ્તીઓની ‘જીવંત આશા’
૩, ૪. કઈ રીતે યહોવા અભિષિક્તોને ‘નવો જન્મ’ અને ‘જીવંત આશા’ આપે છે?
૩ પ્રેરિત પીતરે અભિષિક્ત ખ્રિસ્તીઓને બે પત્રો લખ્યા હતા. એમાં તેમણે અભિષિક્તોને “પસંદ કરવામાં આવેલા” કહ્યા. (૧ પીત. ૧:૧) પીતરનો પત્ર નાની ટોળીને આપવામાં આવેલી સુંદર આશા વિષે વધારે સમજવા આપણને મદદ કરે છે. પહેલા પત્રમાં તેમણે લખ્યું: ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો; તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને જીવંત આશાને માટે, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે, અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. એમાં તમે બહુ આનંદ કરો છો.’—૧ પીત. ૧:૩-૬.
૪ યહોવાએ અમુક જ લોકોને ‘નવો જન્મ’ આપીને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે. યહોવા પોતાની પવિત્ર શક્તિથી એ લોકોને દીકરાઓ તરીકે દત્તક લે છે. તેમ જ, ભાવિમાં તેઓને સ્વર્ગમાં ઈસુ સાથે રાજા અને યાજક તરીકે અભિષિક્ત કરે છે. (પ્રકટી. ૨૦:૬) ‘નવા જન્મʼને લીધે તેઓ માટે આશા ‘જીવંત’ બને છે. આ આશા શું છે? પીતર જણાવે છે કે અભિષિક્તોને સ્વર્ગમાં એવું જીવન મળવાનું છે કે જેનો કદી નાશ થશે નહિ. આ સુંદર આશાને લીધે અભિષિક્તોને આનંદ મળે છે. તેઓ અંત સુધી વિશ્વાસુ રહેશે તો જ તેઓની આશા પૂરી થશે.
૫, ૬. શા માટે અભિષિક્ત ખ્રિસ્તીઓએ વિશ્વાસુ રહેવાની જરૂર છે?
૫ પીતરે બીજા પત્રમાં અભિષિક્તોને કહ્યું કે ‘તમને મળેલું આમંત્રણ તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી પાક્કી બનાવવા માટે વિશેષ પ્રયત્ન કરો.’ (૨ પીત. ૧:૧૦) તેઓએ હંમેશા વિશ્વાસ, ભક્તિભાવ, બંધુપ્રીતિ અને પ્રેમ જેવા ગુણો બતાવતા રહેવું જોઈએ. પીતરે કહ્યું: ‘જો એ બધા ગુણો તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો એ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.’—૨ પીતર ૧:૫-૮ વાંચો.
૬ એશિયા માઈનોરમાં આવેલાં ફિલાદેલ્ફીઆ મંડળના અભિષિક્ત વડીલોને ઈસુ ખ્રિસ્તે કહ્યું: ‘તમે મારા ધૈર્યનું વચન પાળ્યું છે, એટલા માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું; તમારું જે છે તેને વળગી રહો, કે કોઈ તમારો મુગટ લઈ ન લે.’ (પ્રકટી. ૩:૧૦, ૧૧) જેઓ મરણ સુધી વિશ્વાસુ રહેશે તેઓને ‘મહિમાનો મુગટ’ મળશે, એવું વચન આપવામાં આવ્યું છે. એટલે, જો અભિષિક્ત ખ્રિસ્તીઓ પોતાનો વિશ્વાસ ગુમાવી દે, તો તેઓ એ મુગટ પણ ગુમાવી દેશે.—૧ પીત. ૫:૪; પ્રકટી. ૨:૧૦.
રાજ્યમાં પ્રવેશ
૭. યહુદાએ પોતાના પત્રમાં કઈ સુંદર આશા વિષે લખ્યું?
૭ ઈસુના સાવકા ભાઈ યહુદાએ આશરે ૬૫ની સાલમાં અભિષિક્ત ખ્રિસ્તીઓને પત્ર લખ્યો. એમાં તેમણે તેઓને ‘બોલાવવામાં આવેલાઓ’ તરીકે ઓળખાવ્યા. (યહુ. ૧; વધુ માહિતી: હિબ્રૂ ૩:૧) પહેલા તો તે સર્વ અભિષિક્તોને મળેલી તારણની આશા વિષે લખવા માંગતા હતા. (યહુ. ૩) પરંતુ, એને બદલે તેમણે વધુ અગત્યની બાબત વિષે લખ્યું. જોકે, પોતાના ટૂંકા પત્રના અંતમાં યહુદાએ અભિષિક્તોને મળેલી આશા વિષે આમ લખ્યું: ‘હવે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને ઘણા આનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે, એટલે આપણા તારનાર જે એકલા ઈશ્વર છે, તેમને ગૌરવ, મહત્ત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં, તથા સર્વકાળ હોજો.’—યહુદા ૨૪, ૨૫.
૮. આપણે કેમ કહી શકીએ કે જ્યારે કોઈ અભિષિક્ત મરણ સુધી વિશ્વાસુ રહે છે, ત્યારે સ્વર્ગમાં ઘણો આનંદ થાય છે?
૮ દરેક વિશ્વાસુ અભિષિક્ત ઇચ્છે છે કે ઈશ્વર તેમને ‘ઠોકર ખાતાં’ અને નાશમાં જતા બચાવે. તેઓને આશા છે કે ઈસુ ખ્રિસ્ત તેઓને મરણમાંથી સજીવન કરશે અને સ્વર્ગમાં અમરજીવન આપશે. એના લીધે તેઓ ઈશ્વરની આગળ જઈ શકશે. જ્યારે એક વિશ્વાસુ અભિષિક્ત ધરતી પર પોતાનું જીવન પૂરું કરે છે, ત્યારે સ્વર્ગમાં દૂતોના જેવા ‘શરીરમાં ઉઠાડવામાં’ આવે છે. તેઓને ‘અવિનાશમાં અને ગૌરવમાં’ ઉઠાડવામાં આવે છે. (૧ કોરીં. ૧૫:૪૨-૪૪) જ્યારે કોઈ ‘પાપી પસ્તાવો કરે છે, ત્યારે આકાશમાં આનંદ’ થાય છે. જરા વિચારો, જ્યારે ખ્રિસ્તના કોઈ ભાઈ મરણ સુધી વિશ્વાસુ રહે છે, ત્યારે સ્વર્ગમાં કેટલો આનંદ થતો હશે. (લુક ૧૫:૭) જ્યારે અભિષિક્ત જન ઘણા ‘આનંદʼથી પોતાનું ઇનામ મેળવે છે, ત્યારે યહોવા અને વિશ્વાસુ સ્વર્ગદૂતો પણ તેમની સાથે આનંદ કરે છે.—૧ યોહાન ૩:૨ વાંચો.
૯. અભિષિક્ત ખ્રિસ્તીઓ ઈશ્વરના રાજ્યમાં જવા માટે કઈ રીતે “પૂરેપૂરા હકદાર” છે? હજી પણ ધરતી પર છે એવા અભિષિક્તોને આ આશા કઈ રીતે અસર કરે છે?
૯ યહુદાની જેમ પીતરે પણ અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યું કે જો તેઓ વિશ્વાસુ રહેશે તો તેઓને ઇનામ મળશે. તેમણે કહ્યું: “તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.” (૨ પીત. ૧:૧૦, ૧૧) પીતરે જણાવ્યું કે અભિષિક્ત ખ્રિસ્તીઓ ઈશ્વરના રાજ્યમાં જવા માટે “પૂરેપૂરા હકદાર” છે. તેમનો કહેવાનો મતલબ હતો કે તેઓ ઘણા મહિમાથી રાજ્યમાં પ્રવેશ કરશે. તે કદાચ એ પણ કહેવા માંગતા હતા કે સ્વર્ગમાં તેઓને અઢળક આશીર્વાદો મળશે. સ્વર્ગમાં ગયા પછી અભિષિક્ત ખ્રિસ્તીઓ પોતાના ધરતી પરના વિશ્વાસુ જીવન પર વિચાર કરશે, ત્યારે તેઓ ઘણા આનંદ અને આભારનો અનુભવ કરશે. હજી પણ ધરતી પર છે એવા અભિષિક્તોને આ આશા વિશ્વાસુ રહેવા હિંમત આપે છે.—૧ પીત. ૧:૧૩.
બીજા ઘેટાં માટે ‘આશા’
૧૦, ૧૧. (ક) બીજા ઘેટાંના સભ્યો પાસે કઈ આશા છે? (ખ) કઈ રીતે બીજા ઘેટાંના સભ્યોની આશા ઈસુ ખ્રિસ્ત અને “ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવા” સાથે જોડાયેલી છે?
૧૦ પ્રેરિત પાઊલે પસંદ કરાએલા ‘ઈશ્વરના દીકરાઓʼને પત્ર લખ્યો હતો. એમાં તેમણે “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” બનવાની અદ્ભુત આશા વિષે લખ્યું. એ પછી તેમણે બીજા ઘેટાંના અસંખ્ય સભ્યોને મળનારી સુંદર આશા વિષે જણાવ્યું. તેમણે લખ્યું: “ઈશ્વર પોતાના પુત્રોને[અભિષિક્તોને] પ્રગટ કરે તે માટે આખી સૃષ્ટિ[માણસજાત] આતુરતાથી રાહ જુએ છે. સૃષ્ટિ તેની પોતાની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી વિનાશીપણાનો ભોગ થઈ ગઈ. છતાં સૃષ્ટિ પોતે પણ એક દિવસે વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશામાં છે.”—રોમ. ૮:૧૪-૨૧, કોમન લેંગ્વેજ.
૧૧ યહોવાએ વચનના ‘સંતાન’ દ્વારા મનુષ્યોને શેતાનના પંજામાંથી છોડાવવાની ખાતરી આપી, ત્યારે મનુષ્યોને ‘આશા’ મળી. (પ્રકટી. ૧૨:૯; ઉત. ૩:૧૫) એ ‘સંતાનʼના મુખ્ય ભાગ ઈસુ ખ્રિસ્ત હતા. (ગલા. ૩:૧૬) ઈસુના મરણ અને પુનરુત્થાનથી મનુષ્યોને પાપ અને મરણમાંથી છૂટવાની આશા મળી. એ આશા “ઈશ્વરનાં છોકરાંના [અભિષિક્તોના] પ્રગટ થવા” સાથે જોડાયેલી છે. આ અભિષિક્તો, ‘સંતાનʼનો બીજો ભાગ છે. તેઓ જ્યારે રાજાઓ તરીકે ઈસુ સાથે શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરશે, ત્યારે તેઓ “પ્રગટ” થશે. (પ્રકટી. ૨:૨૬, ૨૭) એ વખતે મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા બીજા ઘેટાંના સભ્યોને તારણ મળશે.—પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪.
૧૨. અભિષિક્તોને લીધે મનુષ્યોને કેવો લાભ થવાનો છે?
૧૨ ઈસુના હજાર વર્ષના રાજથી મનુષ્યોને ઘણી રાહત મળશે. એ સમયમાં “ઈશ્વરનાં છોકરાં” ઈસુ સાથે યાજકો તરીકે સેવા આપશે. તેઓ મનુષ્યને ઈસુના બલિદાનમાંથી લાભ મેળવવા પણ મદદ કરશે. ઈશ્વરના રાજમાં ધરતી પરના લોકો ધીરે ધીરે “વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે.” એટલે તેઓને પાપ અને મરણની અસરમાંથી મુક્ત કરવામાં આવશે. જો તેઓ હજાર વર્ષ દરમિયાન અને એ પછી આખરી કસોટીમાં યહોવાને વિશ્વાસુ રહેશે, તો તેઓના નામ ‘જીવનના પુસ્તકʼમાં લખવામાં આવશે. તેઓને “ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” મળશે. (પ્રકટી. ૨૦:૭, ૮, ૧૧, ૧૨) સાચે જ, આ એક અદ્ભુત આશા છે!
આશા દૃઢ રાખીએ
૧૩. આશા રાખવી કેમ શક્ય બન્યું છે? ઈસુ પ્રગટ થશે ત્યારે શું બનશે?
૧૩ પીતરે બે પત્રોમાં જે લખ્યું, એનાથી અભિષિક્તો અને બીજા ઘેટાંના સભ્યોને આશા દૃઢ રાખવા મદદ મળે છે. પીતર સમજાવે છે કે વ્યક્તિના કામોને લીધે નહિ, પણ યહોવાની અપાર કૃપાને લીધે એ આશા રાખવી શક્ય બન્યું છે. તેમણે લખ્યું: “ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.” (૧ પીત. ૧:૧૩) ‘ઈસુ ખ્રિસ્ત પ્રગટ’ થશે ત્યારે તે વિશ્વાસુ ભક્તોને ઇનામ આપશે અને દુષ્ટોનો નાશ કરશે.—૨ થેસ્સાલોનીકી ૧:૬-૧૦ વાંચો.
૧૪, ૧૫. (ક) આશા દૃઢ રાખવા શું કરવાની જરૂર છે? (ખ) પીતરે આપણને શું સલાહ આપી?
૧૪ આપણી આશાને દૃઢ રાખવા હંમેશા યાદ રાખીએ કે ‘યહોવાનો મહાન દિવસ’ જલદી આવી રહ્યો છે. એની આપણા જીવન પર અસર પડશે. યહોવા આજના “આકાશો” એટલે માનવીય સરકારોનો નાશ કરશે. તે ‘પૃથ્વીʼનો એટલે કે દુષ્ટ મનુષ્યોનો અને એના “તત્ત્વો”નો નાશ કરશે. પીતરે લખ્યું: “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.”—૨ પીત. ૩:૧૦-૧૨.
૧૫ આજના “આકાશો” અને ‘પૃથ્વીʼનો નાશ કરવામાં આવશે. એની જગ્યાએ “નવાં આકાશ” એટલે કે ઈસુની સરકાર અને “નવી પૃથ્વી” એટલે કે વિશ્વાસુ ભક્તોની બનેલી પ્રજા હશે. (૨ પીત. ૩:૧૩) પીતરે સાફ જણાવ્યું છે કે વચન આપેલા ‘નવાં આકાશ અને નવી પૃથ્વીʼની ‘રાહ જોવા’ આપણે શું કરવાની જરૂર છે. તેમણે લખ્યું: “એ માટે, વહાલાઓ, એઓની વાટ જોઈને, તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.”—૨ પીત. ૩:૧૪.
આશા તમારા મનમાં દૃઢ છે એમ બતાવો
૧૬, ૧૭. (ક) આપણે કેવા “પવિત્ર આચરણ” અને ‘ભક્તિભાવ’ બતાવવા જોઈએ? (ખ) આપણી આશા કઈ રીતે સાચી પડશે?
૧૬ આપણા મનમાં આશા દૃઢ છે એની સાબિતી આપણે જીવવાની રીતથી આપી શકીએ. પીતર યાદ અપાવે છે કે યહોવાને પસંદ પડે એવી રીતે આપણે જીવવું જોઈએ. “પવિત્ર આચરણ” રાખવાનો અર્થ થાય કે ‘વિદેશી લોકોમાં આપણા આચરણ સારાં રાખીએ’ અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવીએ. (૨ પીત. ૩:૧૧; ૧ પીત. ૨:૧૨) દુનિયા ફરતે આપણા ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ. આપણે મંડળમાં પણ શાંતિ જાળવવા બનતું બધું જ કરીએ. (યોહા. ૧૩:૩૫) પીતરે ‘ભક્તિભાવ’ વિષે પણ જણાવ્યું હતું. ભક્તિભાવમાં આપણે એવી બાબતો કરીએ, જેથી યહોવા સાથે ગાઢ સંબંધ જળવાઈ રહે. જેમ કે, દિલથી કરેલી પ્રાર્થના, રોજ બાઇબલ વાંચન, ઊંડો અભ્યાસ, કુટુંબ તરીકેની ભક્તિ અને નિયમિત રીતે ‘રાજ્યની સુવાર્તા’ જાહેર કરીએ.—માથ. ૨૪:૧૪.
૧૭ આપણે બધા ઇચ્છીએ છીએ કે યહોવાને પસંદ પડે એવી વ્યક્તિ બનીએ, જેથી દુષ્ટ દુનિયાના નાશ વખતે બચી શકીએ. જો આપણે એવી વ્યક્તિ હોઈશું તો ‘લાંબા સમય પહેલાંથી ઈશ્વરે અનંતજીવનની આશા આપી હતી,’ એ સાચી પડશે.—તીત. ૧:૨. (w12-E 03/15)
[પાન ૨૪ પર ચિત્ર]
અભિષિક્ત ખ્રિસ્તીઓ નવી આશા મેળવે છે
[પાન ૨૬ પર ચિત્ર]
તમારા કુટુંબમાં આશા જીવંત રાખો