“ખ્રિસ્તી ધર્મનો” ચહેરો બદલાઈ રહ્યો છે - શું પરમેશ્વર ખુશ છે?
કલ્પના કરો કે, તમે એક ચિત્રકારને તમારું ચિત્ર દોરવાનું કહો છો. તે ચિત્ર પૂરું કરે છે ત્યારે, તમારી ખુશીનો પાર રહેતો નથી. એ ચિત્ર બરાબર તમારા જેવું જ દેખાય છે. તમે વિચાર કરશો કે, તમારાં બાળકો, પૌત્રો અને તેમના છોકરાઓ પણ આ ચિત્રને જોઈને રાજી થશે.
છતાં, અમુક પેઢીઓ પછી તમારા કુટુંબમાંથી એકને એવું લાગે કે, તમારા માથાના વાળ ઓછા છે. તેથી તે વાળ ઉમેરે. બીજા કોઈકને નાકનો આકાર ન ગમતો હોવાથી તે નાકને સુધારે. એ પછીની પેઢીઓ પણ બીજા “સુધારા વધારા” કરે છે. છેવટે એ ચિત્ર તમારા જેવું જરાય દેખાતુ નથી. જો તમે જાણતા હોત કે આવું થશે, તો તમને કેવું લાગત? એમાં કોઈ શંકા નથી કે, તમે ગુસ્સે થયા જ હોત.
દુઃખની વાત છે કે, આ ચિત્રની વાર્તા ખાસ કરીને કહેવાતા ખ્રિસ્તી ધર્મ સાથે મળતી આવે છે. ઇતિહાસ બતાવે છે કે, ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોના મરણ પછી બાઇબલમાં ભાખ્યા પ્રમાણે ઝડપથી “ખ્રિસ્તી ધર્મમાં” ફેરફાર થવા લાગ્યા.—માત્થી ૧૩:૨૪-૩૦, ૩૭-૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૦.a
જોકે, બાઇબલ સિદ્ધાંતો દરેક લોકોએ લાગુ પાડવા જોઈએ. પરંતુ, બાઇબલ શિક્ષણને આધુનિક વિચારો પ્રમાણે બદલવું ન જોઈએ. તોપણ, એ બદલાયું છે. દાખલા તરીકે, ઘણાં મહત્ત્વના શિક્ષણોમાં મોટા ફેરફાર થયા છે એનો વિચાર કરો.
ચર્ચ અને રાજકારણ એક થયું
ઈસુએ શીખવ્યું હતું કે તેમનું રાજ્ય સ્વર્ગમાં છે, અને તેમના સમયે આ રાજ્ય આખી પૃથ્વી પરની સર્વ સરકારોનો નાશ કરશે. (દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦) તે માણસના રાજ્યાસન દ્વારા રાજ કરશે નહિ. ઈસુએ સ્પષ્ટ કહ્યું કે, “મારૂં રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) ઈસુના શિષ્યો પણ નિયમોને આધીન હતા, પરંતુ તેઓ રાજકારણમાં ભાગ લેતા ન હતા.
છતાં, ચોથી સદીમાં રૂમી સમ્રાટ કોન્સ્ટન્ટાઈનના સમયમાં ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ ખ્રિસ્તનું રાજ્ય પૃથ્વી પર આવે એની રાહ જોતા થાકી ગયા. તેથી, તેઓ ધીરે ધીરે રાજકારણમાં જોડાવા લાગ્યા. યુરોપનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તક કહે છે: “કોન્સ્ટન્ટાઈન અગાઉ ખ્રિસ્તી ધર્મ રાજકીય [સત્તા] સાથે સંકળાયેલું ન હતું. પરંતુ, કોન્સ્ટન્ટાઈન પછી ખ્રિસ્તી ધર્મગુરુઓએ રાજકારણ સાથે દોસ્તી કરી.” આ રીતે ખ્રિસ્તી ધર્મ રૂમી સામ્રાજ્યમાં “વિશ્વવ્યાપી” અથવા “કૅથલિક” બન્યો.
ગ્રેટ એજીસ ઑફ મૅન જ્ઞાનકોષ જણાવે છે કે, ચર્ચ અને રાજકારણ એક થયું હોવાથી, “ખ્રિસ્તી સતાવણીનાં ૮૦ વર્ષ પછી, ઈ.સ. ૩૮૫માં ચર્ચે જાતે જ સત્તા ચલાવવાનું શરૂ કર્યું. વળી, પાદરીઓ તો મોટે ભાગે રાજાધિરાજની જેમ સત્તા ચલાવતા હતા.” પછી એવો યુગ શરૂ થયો કે, જેમાં પાદરીઓ પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ નમ્ર બનવાને બદલે નામ કમાવવા, સત્તા મેળવવા અને લોકોને ખ્રિસ્તી બનાવવા બળજબરી કરવા લાગ્યા. (માત્થી ૨૩:૯, ૧૦; ૨૮:૧૯, ૨૦) ઇતિહાસકાર એચ. જી. વેલ્સે લખ્યું કે, ચોથી સદીના ખ્રિસ્તીઓના “અને ઈસુ નાઝારીના શિક્ષણ વચ્ચે આભ જમીનનો ફરક છે.” એ “મોટા ફરકોથી” પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તના મૂળ શિક્ષણને પણ અસર પહોંચે છે.
પરમેશ્વરને નવું રૂપ આપ્યું
ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોએ શીખવ્યું હતું કે, ફક્ત “એક જ દેવ એટલે બાપ છે.” પરમેશ્વરનું નામ યહોવાહ છે અને મૂળ હેબ્રી બાઇબલમાં એ લગભગ ૭૦૦૦ વખત મળી આવે છે. (૧ કોરીંથી ૮:૬; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) ઈસુને પરમેશ્વરે ઉત્પન્ન કર્યા હતા. કોલોસી ૧:૧૫ કહે છે: તે “સર્વ સૃષ્ટિનો પ્રથમજનિત છે.” અને આ શાસ્ત્રવચન સાથે કૅથલિક ડુએ વર્શન પણ સહમત થાય છે. ઈસુને ઉત્પન્ન કરવામાં આવ્યા હોવાથી તેમણે કહ્યું: “મારા કરતાં બાપ મોટો છે.”—યોહાન ૧૪:૨૮.
પરંતુ, ત્રીજી સદી દરમિયાન અમુક આગળ પડતા પાદરીઓએ ગ્રીક ફિલસૂફીનો ઉપયોગ કરીને ત્રૈક્યના શિક્ષણથી પરમેશ્વરને નવું રૂપ આપ્યું. પછીની સદીઓમાં આ બિનશાસ્ત્રીય શિક્ષણથી તેઓ ઈસુને, પરમેશ્વર યહોવાહ અને તેમના પવિત્ર આત્મા કે શક્તિને એક વ્યક્તિ ગણીને ભજવા લાગ્યા.
ખ્રિસ્તી ધર્મે બીજા ધર્મમાંથી ત્રૈક્યની માન્યતા અપનાવી એ વિષે કૅથલિકોનો નવો જ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે: “ચોથી સદીના અંત સુધી ‘ખ્રિસ્તીઓ ત્રૈક્યમાં જરાય માનતા ન હતા કે ત્રણ દેવ મળીને એક દેવ થાય. જોકે, ચોથી સદી પછી તેઓ ત્રૈક્યમાં માનવા લાગ્યા. પ્રેષિતોના મનમાં તો એવો વિચાર પણ આવ્યો ન હતો.”
એ જ રીતે અમેરિકાનો જ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે: “ચોથી સદીમાં જેઓ ત્રૈક્ય વિષે શીખવતા હતા તેઓએ જરાય વિચાર્યું ન હતું કે, સાચા ખ્રિસ્તીઓ પરમેશ્વર વિષે શું માને છે. સાચા ખ્રિસ્તીઓનું શિક્ષણ તેઓના શિક્ષણથી તદ્દન જુદું હતું.” ઑક્ષફર્ડ બાઇબલ સાહિત્ય (અંગ્રેજી) કહે છે કે, પહેલાના ખ્રિસ્તીઓ ત્રૈક્યમાં જરાય માનતા ન હતા અને એ “પાછળથી ઉમેરવામાં આવ્યું છે.” જોકે, ખ્રિસ્તી ધર્મએ બીજા ધર્મમાંથી ફક્ત ત્રૈક્યની માન્યતા જ અપનાવી ન હતી.
મરણ વિષે ખોટું શિક્ષણ
આજે લોકો માને છે કે, માણસની અંદર એવી કંઈક અમર વસ્તુ છે જે શરીર મરી ગયા પછી જીવંત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચર્ચનું આ શિક્ષણ પણ પાછળથી ઉમેરવામાં આવ્યું છે? ઈસુ બાઇબલ સત્યમાં માનતા હતા અને તેમણે કહ્યું કે, “મૂએલા કંઈ જાણતા નથી.” કારણ કે તેઓ ઊંઘી ગયા છે. (સભાશિક્ષક ૯:૫; યોહાન ૧૧:૧૧-૧૩) તેઓને મરણની ઊંઘમાંથી પાછા ઉઠાડવામાં આવશે ત્યારે તેઓ સજીવન થશે. (યોહાન ૫:૨૮, ૨૯) જો વ્યક્તિની અંદર એવી કંઈક અમર વસ્તુ હોય તો તેને સજીવન થવાની જરૂર જ ન પડે.
ઈસુએ લોકોને સજીવન કરીને બાઇબલ સત્ય સમજવા મદદ કરી હતી. દાખલા તરીકે, લાજરસ મૃત્યુ પામ્યા ત્યારે ચાર દિવસ સુધી કબરમાં રહ્યા હતા. પછી ઈસુએ લાજરસને સજીવન કર્યા અને તે કબરમાંથી જીવતા બહાર આવ્યા. લાજરસ મરણમાંથી ઊઠ્યા ત્યારે તેમના શરીરમાં સ્વર્ગમાંથી કોઈ અમર વસ્તુ પ્રવેશી ન હતી. એવી કોઈ અમર વસ્તુ પ્રવેશી હોત તો, ઈસુને તેમને સજીવન કરવાની કોઈ જરૂર ન પડત!—યોહાન ૧૧:૩૯, ૪૩, ૪૪.
તો પછી માણસની અંદર કંઈક અમર વસ્તુ છે એ માન્યતા ક્યાંથી આવી? ખ્રિસ્તી માન્યતાનો વેબસ્ટર શબ્દકોશ (અંગ્રેજી) કહે છે, “એ માન્યતા ગ્રીક ફિલસૂફીમાંથી આવી છે, બાઇબલમાં એ છે જ નહિ.” યહુદી જ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે: “તેઓ માને છે કે વ્યક્તિની અંદર એવી કંઈક અમર વસ્તુ છે જે શરીર મરી ગયા પછી જીવવાનું ચાલુ રાખે છે. તેઓની માન્યતાઓ વિશ્વાસ પર આધારિત નથી, પરંતુ ફિલસૂફી અથવા ધર્મગુરુઓના શિક્ષણ પર આધારિત છે. એ વિષે બાઇબલ ક્યાંય શીખવતું નથી.”
વારંવાર એક જૂઠાણું બીજા જૂઠાણાંને ઊભું કરે છે. વ્યક્તિની અંદર કંઈક અમર વસ્તુ રહેલી છે એ શિક્ષણ વિષે પણ એમ જ છે. એ જ રીતે બીજા ધર્મોમાંથી અનંતકાળની વેદના, નર્કાગ્નિ જેવી માન્યતાઓ આવી.b પરંતુ બાઇબલ સ્પષ્ટપણે જણાવે છે કે, “પાપનો મૂસારો મરણ છે.” નહિ કે અનંતકાળની વેદના. (રૂમી ૬:૨૩) તેથી, સજીવનનું વર્ણન કરતા કિંગ જેમ્સ વર્શન જણાવે છે: “સમુદ્રે પોતાના મૂએલા પાછા આપ્યા; અને મરણ તથા નર્કએ પણ પોતાના મૂએલા પાછા આપ્યા.” એવી જ રીતે કૅથલિક ડુએ વર્શન કહે છે કે “સમુદ્ર . . . અને મરણ તથા નર્કએ પોતાના મૂએલા પાછા આપ્યા.” હા, એનો અર્થ એ થાય કે, જેઓ કબરમાં છે તેઓ ઈસુના કહ્યા પ્રમાણે ‘ઊંઘે’ છે.—પ્રકટીકરણ ૨૦:૧૩.
પરંતુ, શું તમે ખરેખર માનો છો કે અનંતકાળની પીડા આપવામાં આવે છે? એ જાણીને શું લોકો પરમેશ્વરમાં માનશે? ભાગ્યે જ. સારા અને પ્રેમાળ લોકો આ માન્યતાને ધિક્કારે છે! બીજી બાજુ, બાઇબલ એવું શીખવે છે કે “દેવ પ્રેમ છે.” પ્રાણીઓ પર અત્યાચાર કરવો એ પણ પરમેશ્વર માટે ઘૃણાસ્પદ બાબત છે.—૧ યોહાન ૪:૮; નીતિવચન ૧૨:૧૦; યિર્મેયાહ ૭:૩૧; યૂના ૪:૧૧.
એ ‘ચિત્રમાં’ સુધારા વધારા ચાલું છે
આજે પણ લોકો પરમેશ્વર અને ખ્રિસ્તી ધર્મમાં મોટા ફેરફારો કરી રહ્યા છે. તાજેતરમાં એક પ્રોફેસરે કહ્યું કે પ્રોટેસ્ટંટ પંથમાં “બાઇબલ શિક્ષણ અને આધુનિક વિચારોમાં મતભેદો જોવા મળે છે. જેમકે ખ્રિસ્તના સિદ્ધાંતો પાળવા કે પછી આધુનિક સિદ્ધાંતો પાળવા.” પરંતુ મુદ્દાની વાત આ છે: “ધર્મના સિદ્ધાંતો કોણ નક્કી કરશે . . . બાઇબલ કે આધુનિક વિચારો?”
દુઃખની વાત છે કે, “આધુનિક વિચારો” આગળ પડતા છે. દાખલા તરીકે, ઘણાં ચર્ચો આજે આધુનિક વિચારોને અપનાવવાથી પ્રમાણિક ધોરણોને પડતા મૂકયાં છે. અગાઉના લેખમાં બતાવ્યા પ્રમાણે, ખાસ કરીને નૈતિક બાબતોમાં ચર્ચ સ્વતંત્ર વિચારો ધરાવે છે. છતાં, બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે વ્યભિચાર, લંપટતા અને સજાતીય સંબંધ એ પરમેશ્વરની નજરમાં ગંભીર પાપ છે. વળી, જેઓ આવા પાપ કરે છે તેઓને “દેવના રાજ્યનો વારસો મળશે નહિ.”—૧ કોરીંથી ૬:૯, ૧૦; માત્થી ૫:૨૭-૩૨; રૂમી ૧:૨૬, ૨૭.
વળી, પ્રેષિત પાઊલે ઉપરના શબ્દો લખ્યા ત્યારે, ગ્રીસ અને રોમન જગત દુષ્ટતાથી ભરપૂર હતું. પાઊલ કદાચ આમ કહી શક્યા હોત: ‘પરમેશ્વરે જાતીય પાપને કારણે સદોમ અને ગમોરાહનો ૨૦૦૦ વર્ષો પહેલા નાશ કર્યો હતો! પરંતુ, એ આજે કંઈ લાગુ પડતું નથી.’ પરંતુ, તેમણે એવી કોઈ દલીલ કરી નહિ; તે બાઇબલ સત્યને વળગી રહ્યાં.—ગલાતી ૫:૧૯-૨૩.
મૂળ ‘ચિત્રને’ જુઓ
ઈસુએ યહુદી ધર્મગુરૂઓ સાથે વાત કરતા કહ્યું કે, તેઓ “ફોકટ ભક્તિ કરે છે, કેમકે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શિખવે છે.” (માત્થી ૧૫:૯) તેઓ મુસા દ્વારા આપેલા પરમેશ્વર યહોવાહના નિયમોને બદલે પોતાના વિચારોને શીખવતા હતા. એવી જ રીતે આજે પણ ઈસુના શિક્ષણ વિષે ખ્રિસ્તી ધર્મના પાદરીઓ કરી રહ્યા છે. તેઓ મૂળ ચિત્રને “રિવાજોથી” બગાડી રહ્યા છે. પરંતુ, ઈસુએ પરમેશ્વરના વચનથી તેઓને ઉઘાડા પાડ્યા જેથી સત્ય શોધનારાઓને લાભ થાય. (માર્ક ૭:૭-૧૩) ઈસુએ સત્ય જણાવ્યું પછી ભલેને એ તેઓને ન ગમે. તેમણે એ જણાવવા હંમેશા પરમેશ્વરના વચનનો ઉપયોગ કર્યો હતો.—યોહાન ૧૭:૧૭.
ઈસુમાં અને કહેવાતા ખ્રિસ્તીઓમાં કેટલો ફરક! ખરેખર, બાઇબલ ભાખે છે: “માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેઓને ગમતું સંભળાવે તેવા વધુ અને વધુ શિક્ષકો ભેગા કરશે. સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે.” (૨ તીમોથી ૪:૩, ૪, પ્રેમસંદેશ.) આ લેખમાં વિશ્વાસ તૂટી જાય એવી કેટલીક “દંતકથાઓ” જેવી માન્યતાઓ આપણે તપાસી. પરંતુ, બાઇબલ આપણને અનંતજીવન તરફ દોરી જાય છે. એ જ સત્ય વિષે શીખવા યહોવાહના સાક્ષીઓ તમને ઉત્તેજન આપે છે.—યોહાન ૪:૨૪; ૮:૩૨; ૧૭:૩.
[ફુટનોટ્સ]
a ઈસુએ ઘઉં અને કડવા દાણાના તથા સાંકડા અને પહોળા માર્ગના દૃષ્ટાંતમાં બતાવ્યું કે ફક્ત થોડાક જ લોકો સાચા ખ્રિસ્તી ધર્મમાં જોવા મળશે. (માત્થી ૭:૧૩, ૧૪) આજે પણ એ સાચું છે. કડવા દાણા જેવા ખ્રિસ્તીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેઓ પોતાને સાચા ખ્રિસ્તીઓ ગણાવે છે પરંતુ ઈસુના શિક્ષણનો નકાર કરે છે. આ લેખ આવા ખ્રિસ્તીઓ વિષે વાત કરે છે.
b હેબ્રી શબ્દ શેઓલ અને ગ્રીક શબ્દ હાડેસનું ભાષાંતર “નર્ક” અથવા “ખાડો” કરવામાં આવ્યું છે. તેથી, કિંગ જેમ્સ વર્શનના ભાષાંતરકારે “નર્ક” માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે. જેમ કે શેઓલ ૩૧ વખત, “કબર” ૩૧ વખત અને “ખાડો” શબ્દ ત્રણ વખત વાપર્યો છે. એ બતાવે છે કે આ ત્રણે શબ્દનો અર્થ સરખો જ છે.
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
ખ્રિસ્તી નામનું મૂળ ઉદ્ભવ
ઈસુ ખ્રિસ્તના મરણના દસ વર્ષ પછી તેમના શિષ્યો “માર્ગ” તરીકે ઓળખાતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૨; ૧૯:૯, ૨૩; ૨૨:૪) શા માટે? કારણ કે, તેઓ માટે ઈસુ ખ્રિસ્ત એ “માર્ગ તથા સત્ય તથા જીવન” હતા. તેથી, તેઓ એના પગલે ચાલતા હતા. (યોહાન ૧૪:૬) લગભગ ૪૪ની સાલ પછી અંત્યોખમાં ઈસુના શિષ્યો “ખ્રિસ્તી કહેવાયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬) આ નામથી સરકારી અધિકારીઓ પણ તેઓને થોડા જ સમયમાં ઓળખવા લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૮) જોકે, નવું નામ ‘ખ્રિસ્તી’ અપનાવવાથી તેઓ મન ફાવે એમ વર્તતા ન હતા. પરંતુ, તેઓ ખ્રિસ્તના પગલે ચાલવા હવે સતત પ્રયત્ન કરવા લાગ્યા.—૧ પીતર ૨:૨૧.
[પાન ૭ પર ચિત્રો]
યહોવાહના સાક્ષીઓ તેઓના પ્રચારકાર્યમાં બાઇબલનો ઉપયોગ કરીને પરમેશ્વરનું જ્ઞાન શીખવે છે
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
ડાબેથી ત્રીજે: United Nations/Photo by Saw Lwin