યહોવાહનું કહેવું સાંભળો!
“પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”—સંદર્શન ૩:૨૨, પ્રેમસંદેશ.
યહોવાહ પરમેશ્વરના સર્વ ભક્તોએ ઈસુના સંદેશાઓ પર ધ્યાન આપવું જ જોઈએ. ઈસુએ એ સંદેશા સાત મંડળીઓને કહ્યા, જેઓનાં નામ પ્રકટીકરણમાં છે. યહોવાહના પવિત્ર આત્માની પ્રેરણાથી, ઈસુએ એ સંદેશા આપ્યા હતા. એ દરેકમાં આ સલાહ છે: “પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”—સંદર્શન ૨:૭, ૧૧, ૧૭, ૨૯; ૩:૬, ૧૩, ૨૨, પ્રેમસંદેશ.
૨ આપણે ગયા લેખમાં જોઈ ગયા કે એફેસસ, સ્મર્ના, અને પેર્ગામમના વડીલોને, ઈસુએ કયો સંદેશો આપ્યો. બીજાં ચાર મંડળોને પવિત્ર આત્માની દોરવણીથી ઈસુએ કયા સંદેશા આપ્યા? આપણે એમાંથી શું શીખી શકીએ?
થુઆતૈરાની મંડળીને સંદેશ
૩ “દેવનો પુત્ર” થુઆતૈરા મંડળના વખાણ કરે છે અને સાથે સાથે ઠપકો પણ આપે છે. (પ્રકટીકરણ ૨:૧૮-૨૯ વાંચો.) પશ્ચિમ એશિયા માયનોરની ગેદીઝ (અગાઉની હરમસ) નદી બીજી નદીને મળી જાય છે, ત્યાં થુઆતૈરા (હવે આખીસર) આવેલું હતું. એ શહેર એની જાતજાતની કારીગરી માટે જાણીતું હતું. ત્યાંનો જાંબલી કલર ખૂબ જ વખણાતો હતો, જે ખાસ પ્રકારના છોડના મૂળિયામાંથી બનતો હતો. પાઊલે ગ્રીસના ફિલીપી શહેરમાં પ્રચાર કર્યો ત્યારે, લુદીઆ નામની એક સ્ત્રી ખ્રિસ્તી બની. તે “થુઆતૈરા શહેરની જાંબુઆં વસ્ત્ર વેચનારી” હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૨-૧૫.
૪ ઈસુ થુઆતૈરા મંડળના ભાઈ-બહેનોના વખાણ કરે છે. તેઓ ભલું કરનારા, પ્રેમાળ, વિશ્વાસુ, ધીરજવાન, અને પ્રચારમાં મહેનતું હતા. ખરું જોતાં, ‘તેઓનાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક હતા.’
૫ જો કે તેઓમાં ગમે એટલા સારા સંસ્કાર હતા, છતાં તેઓએ સુધારો કરવાની જરૂર હતી. શા માટે? થુઆતૈરા મંડળમાં ખોટી ભક્તિ, જૂઠું શિક્ષણ અને ખરાબ ચાલ-ચલગત ચલાવી લેવાતી હતી. તેઓમાં ‘ઇઝેબેલ જેવી સ્ત્રીઓ’ હતી. ઈઝેબેલ ઈસ્રાએલના દસ કુળોની દુષ્ટ રાણી હતી. અમુક સ્કૉલરો સૂચવે છે કે થુઆતૈરાની એ સ્ત્રીઓ “પ્રબોધિકા” બનીને, ભાઈ-બહેનોને ફસાવતી હતી. તે તેઓને જૂઠા દેવ-દેવીઓની ભક્તિ કરવા અને પ્રસાદ ખાઈને, તહેવાર ઉજવવા લલચાવતી હતી. ચાલો આપણે ધ્યાન રાખીએ, કે આજે મંડળમાં કોઈ એવી ‘પ્રબોધિકા’ થઈ ન બેસે, જે કોઈને અવળે રસ્તે ચડાવતી હોય!
૬ ઈસુ ખ્રિસ્ત, ઇઝેબેલ જેવી સ્ત્રીને માંદગીને બિછાને નાખશે. ‘તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો, તે તેઓને મોટી વિપત્તિમાં નાખશે.’ વડીલોએ આજે મંડળમાં એવું જૂઠું શિક્ષણ કે દુષ્ટ વલણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ. વળી, “શેતાનના ‘ઊંડા મર્મો’” ખરેખર શેતાની છે કે કેમ, એ જોવા આપણે કોઈ જાતના અખતરા કરવાની જરૂર નથી. એને બદલે, આપણે ઈસુની ચેતવણી સાંભળીને, ‘આપણી પાસે જે છે, તેને વળગી રહીએ.’ આમ, પાપ આપણા પર રાજ કરશે નહિ. અભિષિક્ત થયેલા ખ્રિસ્તીઓ કોઈ પણ જાતની લાલસા અને ખોટા ઇરાદાઓ જરાય ચલાવી લેતા નથી. એટલે જ, તેઓ સજીવન થઈને સ્વર્ગમાં જશે. પછી, ખ્રિસ્તની સાથે તેઓ પણ “વિદેશીઓ પર અધિકાર” પામશે અને સર્વ રાજ્યોનો ભાંગીને ભૂક્કો કરી નાખશે. આજે મંડળોને નિશાની તરીકે તારા આપવામાં આવ્યા છે. પરંતુ, અભિષિક્ત જનોને સ્વર્ગમાં “પ્રભાતનો પ્રકાશિત તારો” એટલે કે ઈસુ ખ્રિસ્ત આપવામાં આવશે.—પ્રકટીકરણ ૨૨:૧૬.
૭ થુઆતૈરા મંડળને ચેતવણી અપાઈ હતી કે ધર્મ-વિરોધી સ્ત્રીઓને જરાય ચલાવી લેવી નહિ. ખ્રિસ્તે પવિત્ર આત્માની દોરવણીથી આપેલો સંદેશો, મંડળમાં યહોવાહનો ડર રાખનારી બહેનોને ખૂબ મદદ કરે છે. એ બહેનો કોઈ પણ ભાઈ પાસે પોતાનો કક્કો ખરો કરાવતી નથી. તેમ જ, કોઈને ફસાવીને યહોવાહનો માર્ગ છોડાવી દેતી નથી, કે લલચાવીને વ્યભિચાર કરાવતી નથી. (૧ તીમોથી ૨:૧૨) એના બદલે યહોવાહનો ડર રાખનારી સ્ત્રી, તેમનું નામ રોશન થાય એવા કામો કરે છે. (ગીતશાસ્ત્ર ૬૮:૧૧; ૧ પીતર ૩:૧-૬) ચાલો આપણે મંડળમાં અનમોલ ખજાનો, એટલે કે યહોવાહને મહિમા આપતા સિદ્ધાંતો અને સંસ્કાર પાળતા રહીએ. આમ, ઈસુ આપણો નાશ નહિ કરે, પણ પુષ્કળ આશીર્વાદો આપશે.
સાર્દિસની મંડળીને સંદેશ
૮ સાર્દિસનું મંડળ યહોવાહની સેવામાં મરેલા બરાબર હતું, એટલે જલદી જ કંઈ કરવાની જરૂર હતી. (પ્રકટીકરણ ૩:૧-૬ વાંચો.) થુઆતૈરાથી લગભગ પચાસ કિલોમીટર દક્ષિણે આવેલું સાર્દિસ આબાદ શહેર હતું. એનો વેપાર-ધંધો ધમધોકાર ચાલતો હતો, અને ત્યાંની જમીન પણ એકદમ સારી હતી. ત્યાં ઊનનાં કપડાં અને કાર્પેટ કે ગાલીચાને કારણે પુષ્કળ કમાણી હતી. એક જમાનામાં એ ધનવાન શહેરની વસ્તી લગભગ ૫૦,૦૦૦ હતી. ઇતિહાસકાર જોસેફસ પ્રમાણે, આજથી લગભગ ૨,૧૦૦ વર્ષ પહેલાં, સાર્દિસમાં ઘણા યહુદીઓ વસતા હતા. એ શહેરના ખંડિયેરમાં યહુદી સભાસ્થાન અને એફેસસની દેવી આર્તેમિસનું મંદિર મળી આવે છે.
૯ ખ્રિસ્તે સાર્દિસ મંડળના દૂતને જણાવ્યું: “તારાં કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મૂએલો છે.” શું આપણે એવા છીએ? આપણે ઉપર ઉપરથી તો બહુ ઉત્સાહી દેખાતા હોઈએ, પણ શું આપણે યહોવાહને નામની જ સેવા આપીએ છીએ? શું આપણે “મરવાની અણી પર” છીએ? એમ હોય તો, ‘આપણને જે મળ્યું, અને જે સાંભળ્યું, તેને સંભારીએ,’ એટલે કે આપણે કેટલા ઉત્સાહથી સત્ય સ્વીકાર્યું હતું એ યાદ કરીએ. પછી, પૂરા દિલથી યહોવાહની પવિત્ર સેવામાં પાછા મંડી પડીએ. મિટિંગોમાં પણ મન મૂકીને ભાગ લઈએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) ખ્રિસ્તે સાર્દિસના મંડળને ચેતવણી આપી: “જો તું જાગૃત નહિ રહેશે તો હું ચોરની પેઠે આવીશ, ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલૂમ પડશે નહિ.” શું આજે પણ એ લાગુ પડે છે? ચોક્કસ, આપણે બધાએ પણ જલદી જ હિસાબ ચૂકવવો પડશે.
૧૦ જો કે સાર્દિસમાં એવા સંજોગો હોવા છતાં અમુક એવા હતા, ‘જેઓએ પોતાનાં વસ્ત્રો મલિન કર્યાં ન હતા. તેઓ ખ્રિસ્તની સાથે ફરશે; કેમકે તેઓ લાયક હતા.’ તેઓ સાચા ખ્રિસ્તી તરીકે જીવતા હતા. તેઓ પર જગતની નૈતિક કે ધાર્મિક ગંદકીનો છાંટોય ન હતો. (યાકૂબ ૧:૨૭) તેથી, ઈસુ ‘જીવનના પુસ્તકમાંથી તેઓનું નામ ભૂંસી નાખશે નહિ, પણ તે પિતાની આગળ તથા તેના દૂતોની આગળ તેઓનું નામ કબૂલ કરશે.’ એ જ રીતે, અભિષિક્ત ભાઈ-બહેનો ખ્રિસ્ત ઈસુ સાથે ચાલવાને લાયક છે. તેથી, એક ગ્રુપ તરીકે તેઓ જાણે વરરાજાને માટે શણગારેલી સુંદર, પવિત્ર અને શુદ્ધ કન્યા છે. એટલે કે તેઓ યહોવાહના પવિત્ર લોકોને શોભે એવા કાર્યો કરે છે. (પ્રકટીકરણ ૧૯:૮) અભિષિક્ત ભાઈ-બહેનો માટે સ્વર્ગમાં જે આશીર્વાદો રાહ જોઈ રહ્યા છે, એનાથી તેઓને જગત જીતવા ઘણું જ ઉત્તેજન મળે છે. આ પૃથ્વી પર સદા માટે જીવનની આશા રાખનારા માટે પણ પુષ્કળ આશીર્વાદો રહેલા છે. તેઓનાં નામ પણ જીવનના પુસ્તકમાં લખેલાં છે.
૧૧ સાર્દિસ મંડળ જેવી હાલતમાં આવી પડવાનું આપણને કોઈને નહિ ગમે. પરંતુ, જો આપણે એવા સંજોગોમાં આવી પડીએ તો શું? કદાચ આપણે ખોટાં કામોમાં ફસાઈ જઈએ કે મિટિંગ અને પ્રચારમાં પણ માંડ માંડ જઈએ. એમ હોય તો, આપણે પોતાના જ ભલા માટે જલદીથી કંઈક કરવાની જરૂર છે. આપણે યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદની ભીખ માંગીએ. (ફિલિપી ૪:૬, ૭, ૧૩) આપણે દરરોજ બાઇબલ વાંચીએ. તેમ જ, ‘વિશ્વાસુ તથા શાણા કારભારીએ’ આપેલાં પુસ્તકો વાંચીને, મનન કરીએ. આ બધું આપણને બહુ જ મદદ કરશે. (લુક ૧૨:૪૨-૪૪) પછી, સાર્દિસના સાચા ખ્રિસ્તીઓની જેમ, ઈસુ આપણો પણ સ્વીકાર કરશે. તેમ જ, આપણે બીજા ભાઈ-બહેનો માટે પણ આશીર્વાદ બનીશું.
ફિલાદેલ્ફીઆની મંડળીને સંદેશ
૧૨ ઈસુએ ફિલાદેલ્ફીઆ મંડળના વખાણ કર્યા. (પ્રકટીકરણ ૩:૭-૧૩ વાંચો.) ફિલાદેલ્ફીઆ (આજનું આલ્સેહીર) પશ્ચિમ એશિયા માયનોરમાં આવેલું આબાદ શહેર હતું, અને વાઇન બનાવવા માટે જાણીતું હતું. હકીકતમાં, ત્યાં માનવામાં આવતો મુખ્ય દેવ ડાયોનીસસ હતો, જે દારૂનો દેવ ગણાતો. ફિલાદેલ્ફીઆમાં ઘણા યહુદીઓ ખ્રિસ્તી બન્યા હતા. એ ખ્રિસ્તીઓ પાછા યહુદી બની જાય અને મુસાનું નિયમશાસ્ત્ર પાળે, એવા પ્રયત્નો બાકીના યહુદીઓ કરતા. જો કે તેઓ સફળ થયા નહિ.
૧૩ ઈસુ ખ્રિસ્ત પાસે “દાઊદની કૂચી” અથવા ચાવી છે. યહોવાહના રાજ્યનો સર્વ કારોબાર તેમના હાથમાં સોંપવામાં આવ્યો છે. (યશાયાહ ૨૨:૨૨; લુક ૧:૩૨) ઈસુ એ ચાવી દ્વારા ફિલાદેલ્ફીઆ અને બીજે બધે રાજ્યને લગતા લહાવાઓ આપે છે. આજે, ૧૯૧૯થી ‘વિશ્વાસુ કારભારી’ સામે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવાનું ‘મહાન દ્વાર’ ખૂલ્યું છે. એ દ્વાર કોઈ પણ વિરોધીઓ બંધ કરી શકે એમ નથી. (૧ કોરીંથી ૧૬:૯; કોલોસી ૪:૨-૪) જો કે આ દ્વાર “શેતાની સભામાંના” લોકો માટે બંધ છે, કેમ કે તેઓ યહોવાહના પવિત્ર આત્માથી પસંદ થયેલા નથી.
૧૪ ઈસુએ ફિલાદેલ્ફીઆના ખ્રિસ્તીઓને આ વચન આપ્યું: “તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારૂ કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.” ઈસુની જેમ, આપણે પણ પ્રચાર કાર્યમાં ધીરજ બતાવવી જોઈએ. ઈસુ કદી હિંમત હારી ન ગયા, પણ પોતાના પિતાની ઇચ્છા મુજબ કરતા જ રહ્યા. તેથી, તેમને સ્વર્ગમાં અમર જીવન આપવામાં આવ્યું. આપણે પણ યહોવાહને ભજવાના આપણા નિર્ણયને વળગી રહીએ. તેમ જ, રાજ્યનો પ્રચાર કરવા બનતું બધું જ કરીએ, જેથી ‘કસોટીના સમયમાં’ હારી ન જઈએ, પણ આપણો બચાવ થાય. યહોવાહના રાજ્ય માટે બધું જ કરીને, ખ્રિસ્ત પાસેથી ‘જે આપણને મળ્યું છે તેને વળગી રહીએ.’ એમ કરીને, અભિષિક્ત જનોને સ્વર્ગનો અમૂલ્ય મુગટ મળશે અને પૃથ્વી પર રહેનારા તેઓના વફાદાર મિત્રોને હંમેશ માટેનું જીવન મળશે.
૧૫ ખ્રિસ્તે કહ્યું: “જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ. . . . અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારૂં પોતાનું નવું નામ લખીશ.” અભિષિક્ત વડીલોએ પૂરા તન-મનથી યહોવાહની સાચી ઉપાસનાને ટેકો આપવાનો છે. યહોવાહના રાજ્યનો પ્રચાર કરીને અને તેમની જ ભક્તિને વળગી રહીને, તેઓએ ‘નવા યરૂશાલેમ’ માટે લાયક રહેવાનું છે. જો તેઓ એમ કરશે, તો તેઓ સ્વર્ગના ભવ્ય મંદિરના “સ્તંભ” બનશે. વળી, તેઓને સ્વર્ગના નાગરિકો તરીકે યહોવાહના શહેરનું નામ, અને ખ્રિસ્તનું નામ પણ મળશે. તેમ જ, તેઓનું દિલ એવું હોવું જોઈએ, કે ‘પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, એ સાંભળે.’
લાઓદીકીઆની મંડળીને સંદેશ
૧૬ બેફિકર લાઓદીકીઆ મંડળને, ખ્રિસ્ત કડક સલાહ આપે છે. (પ્રકટીકરણ ૩:૧૪-૨૨ વાંચો.) એફેસસથી લગભગ ૧૫૦ કિલોમીટર પૂર્વે આવેલું લાઓદીકીઆ વેપાર-ધંધામાં આગળ પડતું હતું અને બૅન્કનું સેન્ટર હતું. એ શહેર પાસે મોટા મોટા વેપાર માર્ગો જોડાતા હતા અને લુકસ નદીની ખીણની ધરતી જાણે સોનું ઉગાડતી હતી. વળી, ત્યાંના કાળા ઊનથી બનાવેલાં કપડાં પણ બહુ વખણાતા. તેમ જ, ત્યાં જાણીતી મેડિકલ સ્કૂલ હતી. એટલે કદાચ લાઓદીકીઆમાં ફ્રિજીયન પાવડર તરીકે જાણીતી આંખની દવા કે અંજન મળતા હશે. એસ્કેલેપીઅસ નામનો દવાનો દેવ, એ શહેરનો એક માનીતો દેવ હતો. લાઓદીકીઆમાં ઘણા યહુદીઓની વસતી હતી, જેઓમાંના અમુક બહુ જ ધનવાન હતા.
૧૭ ઈસુ ‘વિશ્વાસુ તથા ખરા સાક્ષી, જે દેવની સૃષ્ટિનું આદિકરણ’ કે શરૂઆત છે. તે લાઓદીકીઆ મંડળને પૂરી સત્તાથી સંદેશો આપે છે. (કોલોસી ૧:૧૩-૧૬) ત્યાંના ભાઈ-બહેનોને ઠપકો મળ્યો કે તેઓ યહોવાહની સેવામાં ‘ટાઢા નથી, તેમ ઊના પણ નથી.’ પરંતુ, તેઓ હૂંફાળા પાણી જેવા હોવાથી, ખ્રિસ્ત તેઓને થૂંકી નાખશે. હાયરાપલીસમાં ગરમ પાણીના અને કોલોસ્સેમાં ઠંડા પાણીના ફુવારા કે ઝરા હતા. છેક ત્યાંથી લાઓદીકીઆ સુધી પાણી લાવવા અમુક અંતર સુધી નહેરો હતી. પછી લાઓદીકીઆ પાસે જમીન નીચે માર્ગ કરવામાં આવ્યો હતો. પરંતુ, શહેર સુધી પાણી આવતા આવતા તો હૂંફાળું થઈ જતું હતું. તેથી, ત્યાંના ભાઈ-બહેનો માટે આ ઉદાહરણ સમજવું અઘરું ન હોવું જોઈએ.
૧૮ આજે પણ લાઓદીકીઆ મંડળના જેવા ભાઈ-બહેનો છે. તેઓ નથી ધગધગતી આગ જેવા, કે નથી ઠંડા પાણી જેવા. સખત ઉનાળાના તાપમાં હૂંફાળું પાણી કોને ગમે? એટલે જ યહોવાહની સેવામાં એવા હોય, તેઓને ઈસુ થૂંકી નાખશે! એવા અભિષિક્તો પણ “ખ્રિસ્તના એલચી” તરીકે કબૂલ નહિ થાય. (૨ કોરીંથી ૫:૨૦) તેઓ પસ્તાવો ન કરે તો, રાજ્યનો પ્રચાર કરવાનો લહાવો ગુમાવી બેસશે. લાઓદીકીઆ મંડળના ભાઈ-બહેનો દુનિયાની ધન-દોલતના મોહમાં હતા. ‘તેઓ જાણતા ન હતા કે તેઓ કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળા તથા નગ્ન હતા.’ તેથી, યહોવાહની સેવામાં ધનવાન થવા માટે, તેઓએ ખ્રિસ્ત પાસેથી ‘અગ્નિથી શુદ્ધ કરેલું સોનું’ એટલે અગ્નિ-પરીક્ષા પાસ થયેલો વિશ્વાસ વેચાતો લેવાની જરૂર છે. તેમ જ, ન્યાયીપણાના “ઊજળાં વસ્ત્ર” વેચાતાં લે, અને યહોવાહની નજરે જોઈ શકે માટે “અંજન” વેચાતું લે. આજે લાઓદીકીઆ મંડળ જેવા ભાઈ-બહેનોએ પણ એમ જ કરવાની જરૂર છે. વડીલો તેઓને “વિશ્વાસમાં ધનવાન થવા” માટે મદદ કરવા હંમેશાં તૈયાર છે. (યાકૂબ ૨:૫; માત્થી ૫:૩) વળી, વડીલોએ એવા ભાઈ-બહેનોને યહોવાહની નજરે જોવા, “અંજન” વાપરવા પણ મદદ કરવાની છે. જેથી એ ભાઈ કે બહેન ઈસુનું શિક્ષણ અપનાવીને, તેમની સલાહ, તેમના નમૂના અને વલણ પ્રમાણે જીવન જીવે. આ એક જ ઇલાજ છે, જે આપણને ‘દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનના અહંકાર’ સામે લડવા મદદ કરી શકે.—૧ યોહાન ૨:૧૫-૧૭.
૧૯ ઈસુને જેઓ પર પ્રેમ છે, તેઓને તે ઠપકો આપે છે અને શિક્ષા કરે છે. વડીલો પણ પોતાના ભાઈ-બહેનોને એવી જ પ્રેમાળ રીતે મદદ કરતા રહે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮, ૨૯) લાઓદીકીઆ મંડળે સમજી-વિચારીને ફેરફારો કરવાના હતા. તેઓએ ‘ઉત્સાહી થઈને પસ્તાવો કરવાનો હતો. ચાલો આપણે દરેક પોતાના દિલને પૂછીએ, કે શું હું યહોવાહની સેવા ફક્ત નામ પૂરતી જ કરું છું? એમ હોય તો, ‘ઈસુ પાસેથી અંજન વેચાતું લઈએ.’ જેથી, યહોવાહના રાજ્યને લગતા કોઈ પણ કામમાં ઉત્સાહી બનવાનું મહત્ત્વ જોઈ શકીએ.—માત્થી ૬:૩૩.
૨૦ ઈસુ ખ્રિસ્ત કહે છે: “જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે માંહે આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.” ઈસુએ ઘણી વાર જમતા જમતા યહોવાહનું શિક્ષણ આપ્યું હતું. (લુક ૫:૨૯-૩૯; ૭:૩૬-૫૦; ૧૪:૧-૨૪) હવે તે લાઓદીકીઆ જેવા મંડળનો દરવાજો ઠોકે છે. શું તેઓ ઈસુની વાણી સાંભળીને બારણું ઉઘાડશે? શું તેઓ ઈસુને પ્રેમથી અંદર બોલાવીને તેમની પાસેથી શીખશે? જો એમ કરશે તો ખ્રિસ્ત તેઓની સાથે ભોજન કરશે અને યહોવાહનું શિક્ષણ આપશે.
૨૧ “બીજાં ઘેટાં” તરીકે, શું આપણે ઈસુને આવકાર આપીએ છીએ? એમ કરીશું તો, આપણે પણ ઈસુના શિક્ષણથી કાયમી લાભ મેળવીશું. (યોહાન ૧૦:૧૬; માત્થી ૨૫:૩૪-૪૦, ૪૬) ખ્રિસ્ત કહે છે કે ‘જે જીતે છે તે દરેકને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.’ ઈસુ અભિષિક્ત જનોને આ વચન આપે છે કે સ્વર્ગમાં પોતાના પિતાને જમણે હાથે બેસીને તેઓ રાજ કરશે. તેમ જ, જગતને જીતી લેનારા બીજાં ઘેટાં એ રાજમાં સુંદર ધરતી પર કાયમી જીવનની રાહ જુએ છે.
આપણે શું શીખ્યા?
૨૨ એશિયા માયનોરના સાતેય મંડળોને ઈસુએ આપેલા સંદેશામાંથી આપણે ઘણું શીખી ગયા. ઈસુએ મંડળોની સારી બાબતો જોઈને તેઓના દિલથી વખાણ કર્યા. તેમ જ, આજે યહોવાહની સેવામાં કોઈ ભાઈ કે બહેન અથવા મંડળ પ્રગતિ કરતા હોય ત્યારે, વડીલો તેઓના વખાણ કરે છે. આપણે જ્યાં સુધારો કરવાની જરૂર છે, ત્યાં વડીલો શાસ્ત્રમાંથી ‘સારવાર’ આપે છે. ઈસુએ સાતેય મંડળોને આપેલા સંદેશામાંથી આપણે ખરેખર લાભ પામીએ છીએ. ચાલો આપણે એ જ પ્રમાણે કરવામાં મોડું ન કરીએ. તેમ જ મદદ માટે યહોવાહને દિલથી પ્રાર્થના કરીએ.a
૨૩ આ છેલ્લા દિવસો કંઈ પગ પર પગ ચડાવીને બેસી રહેવાના, કે ધન-દોલત પાછળ દોડવાના નથી. એનાથી તો યહોવાહની સેવા બીજા નંબરે જતી રહેશે. તેથી, ચાલો બધા જ મંડળો એવી પ્રકાશ ફેલાવતી દીવીઓ બનીએ, જેને ઈસુ રાખી મૂકશે. ઈસુ પવિત્ર આત્માની પ્રેરણાથી જે બોલે, એ આપણે દરેક ખ્રિસ્તી ધ્યાનથી સાંભળીએ. પછી, આપણે એવી ઝળહળતી જ્યોતિઓ બનીશું, જે યહોવાહના નામને કાયમ માટે રોશન કરતી રહેશે.
[ફુટનોટ્સ]
a પ્રકટીકરણ ૨:૧-૩:૨૨ની ચર્ચા પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકમાં પણ થઈ છે, જે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
તમે શું કહેશો?
• ‘ઇઝેબેલ’ કોણ હતી, અને આજે યહોવાહનો ડર રાખનારી બહેનો શા માટે એવી નથી?
• સાર્દિસ મંડળની હાલત કેવી હતી, અને એનાથી આપણને કઈ ચેતવણી મળે છે?
• ફિલાદેલ્ફીઆ મંડળને ઈસુએ કયું વચન આપ્યું અને આજે એ કઈ રીતે લાગુ પડે છે?
• લાઓદીકીઆ મંડળને શા માટે ઠપકો આપવામાં આવ્યો, પણ ઉત્સાહી ખ્રિસ્તીઓ માટે કયું ભાવિ રાહ જુએ છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. પ્રકટીકરણમાં સાત મંડળોને અપાયેલા સંદેશામાં કઈ સલાહ વારંવાર જોવા મળે છે?
૩. થુઆતૈરા ક્યાં આવેલું હતું અને ત્યાંનું શું વખણાતું હતું?
૪. થુઆતૈરા મંડળના શા માટે વખાણ કરવામાં આવ્યા હતા?
૫-૭. (ક) ‘ઈઝેબેલ જેવી સ્ત્રી’ કોણ હતી, અને શું તેનું દુષ્ટ વલણ કાયમ ચાલવાનું હતું? (ખ) ખ્રિસ્તે થુઆતૈરા મંડળને આપેલો સંદેશો આજે બહેનોને કઈ રીતે મદદ કરે છે?
૮. (ક) સાર્દિસ ક્યાં આવેલું હતું અને એ કેવું હતું? (ખ) સાર્દિસ મંડળને શા માટે જલદી જ મદદની જરૂર હતી?
૯. આપણે યહોવાહની સેવા ફક્ત નામની જ કરતા હોઈએ તો શું કરવું જોઈએ?
૧૦. સાર્દિસ જેવા સંજોગો હોવા છતાં અમુક ખ્રિસ્તીઓ કેવા હોય શકે?
૧૧. સાર્દિસ મંડળ જેવી આપણી હાલત થાય તો શું કરવું જોઈએ?
૧૨. ફિલાદેલ્ફીઆના સંજોગોનું વર્ણન કરો.
૧૩. ઈસુ કઈ રીતે “દાઊદની કૂચી” વાપરે છે?
૧૪. (ક) ફિલાદેલ્ફીઆ મંડળને ઈસુએ કયું વચન આપ્યું? (ખ) કઈ રીતે આપણે ‘કસોટીના સમયમાં’ પણ ટકી રહી શકીએ?
૧૫. ‘દેવના મંદિરમાં સ્તંભ’ બનવા માટે શાની જરૂર છે?
૧૬. લાઓદીકીઆ કેવું હતું?
૧૭. લાઓદીકીઆ મંડળને શા માટે ઠપકો મળ્યો?
૧૮, ૧૯. લાઓદીકીઆ જેવા ભાઈ-બહેનોને આજે કઈ રીતે મદદ થઈ શકે?
૨૦, ૨૧. આજે ઈસુને કોણ આવકારે છે, અને તેઓને માટે ભાવિમાં કઈ આશા છે?
૨૨, ૨૩. (ક) આપણે બધા કઈ રીતે ઈસુએ સાત મંડળીને આપેલા સંદેશામાંથી લાભ પામી શકીએ? (ખ) આપણે કયો નિર્ણય કરવો જોઈએ?
[પાન ૧૬ પર ચિત્ર]
‘ઇઝેબેલ જેવી સ્ત્રીના’ દુષ્ટ કામોથી એકદમ દૂર રહેવું જોઈએ
[પાન ૧૮ પર ચિત્ર]
ઈસુએ શિષ્યો સામે રાજ્યને લગતા કામોનું ‘મહાન દ્વાર’ ખોલી નાખ્યું
[પાન ૨૦ પર ચિત્ર]
શું તમે ઈસુનો આવકાર કરીને તેમનું સાંભળો છો?