“જાગતા રહો”—ન્યાયકરણનો સમય આવ્યો છે!
આ અભ્યાસ લેખની માહિતી જાગતા રહો! બ્રોશરમાંથી લીધી છે. એ જગતભરમાં ૨૦૦૪/૦૫ના મહાસંમેલનોમાં બહાર પડ્યું હતું.
“જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.”—માત્થી ૨૪:૪૨.
૧, ૨. ઈસુએ પોતાના આવવાને કોની સાથે સરખાવ્યું?
જો તમને ખબર પડે કે તમારા ફળિયામાં રાતના ચોર ફરે છે, તો તમે શું કરશો? કુટુંબ અને માલ-મિલકતનું રક્ષણ કરવા તમે ચોક્કસ સાવધ રહેશો. કેમ? કારણ કે ચોર ચિઠ્ઠી મોકલીને તમને જણાવતો નથી કે તે ક્યારે આવશે. એને બદલે, તે છાની-છૂપી રીતે આવે છે, જેથી કોઈને ખબર ન પડે.
૨ ઈસુએ અનેક વાર ચોરનું ઉદાહરણ વાપર્યું હતું. (લુક ૧૦:૩૦; યોહાન ૧૦:૧૦) આ દુનિયાના અંતની નિશાનીઓ વિષે અને દુનિયા પર ન્યાયચુકાદો ફટકારતા પહેલાં, ઈસુએ આ ચેતવણી આપી: “જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.” (માત્થી ૨૪:૪૨, ૪૩) ઈસુ અહીંયા કહે છે કે જેમ એક ચોર ઓચિંતો આવી જાય છે, તેમ તે અચાનક આવી ચઢશે.
૩, ૪. (ક) ઈસુના આવવા વિષેની ચેતવણી સાંભળીને શું કરવું જોઈએ? (ખ) કયા પ્રશ્નો ઊભા થાય છે?
૩ ઈસુએ કેવું સરસ ઉદાહરણ વાપર્યું! કેમ કે કોઈ જાણતું ન હતું કે તે ભાવિમાં ક્યારે આવવાના છે. એ ભવિષ્યવાણી આપતા પહેલાં, ઈસુએ કહ્યું: “તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.” (માત્થી ૨૪:૩૬) એટલે જ ઈસુએ તેમના શિષ્યોને અરજ કરી: “તમે પણ તૈયાર રહો.” (માત્થી ૨૪:૪૪) ઈસુની ચેતવણી સાંભળે છે તેઓ કાયમ તૈયાર રહેશે, પછી ભલેને ઈસુ ગમે ત્યારે યહોવાહનો ન્યાયચુકાદો આપવા આવે.
૪ હવે અમુક મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે: શું ઈસુ ફક્ત દુનિયાના લોકોને જ ચેતવણી આપે છે? કે પછી સાચા ખ્રિસ્તીઓએ પણ ‘જાગતા રહેવું’ જોઈએ? ‘જાગતા રહેવું’ કેમ મહત્ત્વનું છે અને એ માટે આપણે શું કરવું જોઈએ?
ચેતવણી કોના માટે છે?
૫. આપણને કેમ ખબર છે કે ‘જાગતા રહેવાની’ ચેતવણી સાચા ખ્રિસ્તીઓ માટે છે?
૫ દુનિયાના લોકો માટે પ્રભુનો દિવસ જાણે ચોર આવે, એવો જ આવશે. કારણ કે તેઓએ કાન બંધ કરી દીધા છે જેથી તેઓ આવતી આફત અને એની ચેતવણી સાંભળી ન શકે. (૨ પીતર ૩:૩-૭) પણ સાચા ખ્રિસ્તીઓ વિષે શું? ઈશ્વર ભક્ત પાઊલે સાથી ખ્રિસ્તીઓને કહ્યું: “તમે પોતે સારીપેઠે જાણો છો, કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.” (૧ થેસ્સાલોનીકી ૫:૨) આપણા મનમાં કોઈ શંકા નથી કે “પ્રભુનો દિવસ આવે છે.” પણ શું એનો અર્થ એમ થાય કે આપણે જાગતા રહેવાની બહુ જરૂર નથી? ના. નોંધ કરો કે ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું: “જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.” (માત્થી ૨૪:૪૪) ઈસુએ તેમના શિષ્યોને રાજ્યનું કામ પ્રથમ રાખવાનું કહ્યું, ત્યારે તેમણે ચેતવણી આપતા કહ્યું: “તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો [એટલે ઈસુ] આવશે.” (લુક ૧૨:૩૧, ૪૦) શું આ કલમો સાફ બતાવતી નથી કે ઈસુએ તેમના શિષ્યોને ‘જાગતા રહેવાની’ ચેતવણી આપી હતી?
૬. શા માટે આપણે ‘જાગતા રહેવાની’ જરૂર છે?
૬ આપણે શા માટે ‘જાગતા રહેવાની’ અને ‘તૈયાર રહેવાની’ જરૂર છે? ઈસુએ સમજાવતા કહ્યું: “તે વખતે ખેતરમાં બે માણસ હશે; એક લેવાશે ને બીજો પડતો મૂકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે; એક લેવાશે ને બીજી પડતી મૂકાશે.” (માત્થી ૨૪:૪૦, ૪૧) જેઓ તૈયાર હશે, તેઓને લઈ ‘લેવામાં’ આવશે. એટલે કે આ દુનિયાના અંત વખતે તેઓ વિનાશમાંથી બચી જશે. પણ દુષ્ટોને અને જેઓ સ્વાર્થી જીવન જીવી રહ્યા છે, તેઓને ‘પડતા મૂકવામાં’ આવશે. એટલે કે તેઓનો નાશ થશે. અરે, યહોવાહના ભક્તોમાંથી જેઓ જાગતા નહિ રહે, તેઓ પણ જાન ગુમાવશે.
૭. દુનિયાના અંત વિષે જાણતા ન હોવાથી આપણને શું કરવાની તક મળી છે?
૭ આપણે જાણતા નથી કે દુનિયાનો અંત ક્યારે આવશે. એ સારું છે કેમ કે એનાથી આપણને ખરા દિલથી યહોવાહની ભક્તિ કરવાની તક મળે છે. કઈ રીતે? એવું લાગી શકે કે દુનિયાના અંતને હજી બહુ વાર છે. અફસોસની વાત છે કે અમુક ખ્રિસ્તીઓ એવું વિચારીને ભક્તિમાં ધીમા પડી ગયા છે. આપણે યહોવાહને સમર્પણ કર્યું ત્યારે કોઈ શરત વગર રાજીખુશીથી તેમની ભક્તિ કરવાનું વચન આપ્યું હતું. યહોવાહને ઓળખે છે, તેઓને ખબર છે કે છેલ્લી ઘડીએ ધગસથી યહોવાહની ભક્તિ કરવાનો કંઈ ફાયદો નહિ થાય. યહોવાહ જાણે છે કે આપણા દિલમાં શું છે.—૧ શમૂએલ ૧૬:૭.
૮. યહોવાહ માટેનો પ્રેમ કઈ રીતે આપણને જાગતા રહેવા પ્રેરે છે?
૮ આપણે યહોવાહને પૂરા દિલથી ચાહીએ છીએ. એટલે તેમની ઇચ્છા મુજબ કરવામાં આનંદ માણીએ છીએ. (ગીતશાસ્ત્ર ૪૦:૮; માત્થી ૨૬:૩૯) આપણે સદા યહોવાહની ભક્તિ કરવા ચાહીએ છીએ. ભલે આપણે આશા રાખી હોય એનાથી વધારે રાહ જોવી પડે, પણ એનાથી એ આશા મામૂલી બની જતી નથી. સૌથી મહત્ત્વનું એ છે કે આપણે જાગતા રહીએ. દુનિયાનો અંત આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ, કેમ કે યહોવાહના હેતુમાં એ એક મહાન દિવસ હશે. આપણી તમન્ના છે કે યહોવાહને ખુશ કરીએ. એ માટે આપણે બાઇબલની સલાહ પાળીએ અને જીવનમાં તેમની ભક્તિ પ્રથમ રાખીએ. (માત્થી ૬:૩૩; ૧ યોહાન ૫:૩) આપણે જાગતા રહીએ છીએ ત્યારે એની રોજબરોજના આપણા નિર્ણયો પર અને આપણા જીવન માર્ગ પર કેવી અસર પડશે? ચાલો એની ચર્ચા કરીએ.
જીવનની નાવ તમને ક્યાં લઈ જાય છે?
૯. દુનિયાના લોકોને શા માટે આપણા દિવસો વિષે જાણવાની જરૂર છે?
૯ દુનિયાના લોકો જાણે છે કે આફતો અને દુઃખ-તકલીફો તો હવે રોજની વાત છે. જીવનની નાવ તેઓને ક્યાં લઈ જાય છે એ તેઓને ખબર ન હોવાથી વધુ ચિંતા કરતા હોય છે. શું તેઓ જાણે છે કે દુનિયામાં ખરેખર શું ચાલી રહ્યું છે? શું તેઓને ખબર છે કે આપણે ‘જગતના અંતના’ વખતોમાં જીવી રહ્યા છીએ? (માત્થી ૨૪:૩) શું તેઓને ખબર છે કે દુનિયાના “છેલ્લા સમયમાં” લોકો સ્વાર્થી, હિંસક અને ઈશ્વરનો ડર ન રાખનારા હશે. (૨ તીમોથી ૩:૧-૫) આ લોકોને એ જાણવાની ખૂબ જરૂર છે કે આપણે કેવા દિવસોમાં જીવી રહ્યા છીએ. વળી, તેઓને વિચાર કરવાની જરૂર છે કે જીવનની નાવ તેઓને ક્યાં લઈ જાય છે.
૧૦. જાગતા રહેવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૦ આપણા વિષે શું? દરરોજ આપણે એવા નિર્ણયો લેવા પડે છે જે આપણી નોકરી, તંદુરસ્તી, કુટુંબ અને ભક્તિને અસર કરે છે. આપણને ખબર છે કે બાઇબલ શું કહે છે, અને બને તેમ એની સલાહ પાળીએ છીએ. તેથી, આપણે વિચાર કરવાની જરૂર છે: ‘શું જીવનની ચિંતાઓ મને યહોવાહની ભક્તિથી દૂર લઈ જાય છે? શું દુનિયાના વિચારો મને અસર કરી રહ્યા છે અને એ મુજબ હું નિર્ણયો લઉં છું?’ (લુક ૨૧:૩૪-૩૬; કોલોસી ૨:૮) આપણે બતાવતા રહેવું જોઈએ કે આપણે પોતાના વિચારો પર નહિ, પણ યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીએ છીએ. (નીતિવચનો ૩:૫) જો એમ કરીશું તો, આપણે યહોવાહની નવી દુનિયામાં ‘ખરેખરા જીવનની’ આશા રાખીશું. એમાં આપણે સદા માટે સુખેથી જીવી શકીશું.—૧ તીમોથી ૬:૧૨, ૧૯.
૧૧-૧૩. નુહ અને લોતના દિવસોમાં જે થયું એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ બાઇબલમાં ઘણાં ઉદાહરણો છે, જે આપણને જાગતા રહેવા મદદ કરે છે. વિચાર કરો કે નુહના દિવસોમાં શું બન્યું હતું. દુનિયા પર વિનાશ લાવતા પહેલાં, ઈશ્વરે લોકોને ઘણી ચેતવણી આપી. પણ નુહ અને તેમના કુટુંબ સિવાય, કોઈએ ધ્યાન આપ્યું નહિ. (૨ પીતર ૨:૫) તેઓ વિષે ઈસુએ કહ્યું: “જેમ નુહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, ને પરણતા પરણાવતા હતા; અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.” (માત્થી ૨૪:૩૭-૩૯) એમાંથી આપણે શું શીખી શકીએ? ઈશ્વર કહે છે કે તેમની ભક્તિ આપણા જીવનમાં પ્રથમ હોવી જોઈએ. પણ જો ધ્યાન ન રાખીએ તો, રોજબરોજની ચિંતાઓ કે પ્રવૃત્તિઓ આપણને યહોવાહની ભક્તિથી દૂર લઈ જઈ શકે. આપણે પોતાના જીવન વિષે ખૂબ વિચાર કરવાની જરૂર છે.—રૂમી ૧૪:૧૭.
૧૨ હવે લોતના દિવસોનો વિચાર કરો. તે તેમના કુટુંબ સાથે સદોમમાં રહેતા હતા. સદોમ શહેર ખૂબ અમીર હતું, પણ એના લોકો ખૂબ પાપી હતા. એટલે યહોવાહે સ્વર્ગદૂતોને એ શહેરનો નાશ કરવા મોકલ્યા. સ્વર્ગદૂતોએ લોત અને તેમના કુટુંબને નાસી જવા કહ્યું. તેઓને એમ પણ કહ્યું કે પાછળ ફરીને સદોમ તરફ જોશો નહિ. દૂતોની અરજથી લોત ને તેમનું કુટુંબ શહેરથી નાસી ગયા. પણ લોતની પત્નીને સદોમમાં તેનું ઘર છોડવાનું મન જ થતું ન હતું. દૂતોની આજ્ઞા પાળવાને બદલે તેણે પાછળ ફરીને જોયું. તરત જ તેણે જાન ગુમાવ્યો. (ઉત્પત્તિ ૧૯:૧૫-૨૬) એટલે ઈસુએ ભાવિ વિષે ચેતવણી આપતા કહ્યું: “લુતની વહુને સંભારો.” શું આપણે આ ચેતવણી સાંભળીને પગલાં લઈએ છીએ?—લુક ૧૭:૩૨.
૧૩ નુહ ને તેમનો પરિવાર, તથા લોત ને તેમની દીકરીઓ વિનાશમાંથી બચી શક્યા કેમ કે તેઓએ યહોવાહની ચેતવણી સાંભળી. (૨ પીતર ૨:૯) આપણે આ દાખલાઓમાંથી શીખવું જોઈએ. સાથે સાથે આપણે આ ચેતવણીમાંથી દિલાસો મેળવી શકીએ, કેમ કે એ બતાવે છે કે ઈશ્વરભક્તોને તારણ મળે છે. એ આપણને પૂરી ખાતરી આપે છે કે ઈશ્વરનું આ વચન ચોક્કસ સાચું પડશે: “નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે.”—૨ પીતર ૩:૧૩.
“ન્યાયકરણનો સમય આવ્યો છે”
૧૪, ૧૫. (ક) ન્યાય કરવાના ‘સમયમાં’ શું થશે? (ખ) “દેવથી બીહો ને તેને મહિમા આપો” એટલે શું?
૧૪ જાગતા રહીએ તેમ, આપણે કઈ બાબતોની અપેક્ષા રાખી શકીએ? પ્રકટીકરણનું પુસ્તક ક્રમવાર બતાવે છે કે યહોવાહનો હેતુ પૂરો થાય તેમ કઈ કઈ બાબતો થશે. તૈયાર રહેવા માટે આપણે એ પુસ્તકમાં આપેલી ચેતવણી પ્રમાણે પગલાં લેવાં જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક સ્પષ્ટ રીતે બતાવે છે કે ‘પ્રભુના દહાડામાં’ શું શું થશે. એ દિવસો, ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજ કરવા લાગ્યા ત્યારથી શરૂ થયા. (પ્રકટીકરણ ૧:૧૦) પ્રકટીકરણ જણાવે છે કે એક સ્વર્ગદૂતને ‘સનાતન સુવાર્તા’ જાહેર કરવાની જવાબદારી મળી છે. તે પોકારે છે: “દેવથી બીહો ને તેને મહિમા આપો; કેમ કે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે.” (પ્રકટીકરણ ૧૪:૬, ૭) ન્યાય કરવાનો “સમય” ફક્ત થોડા વખત માટે જ છે. ભવિષ્યવાણી મુજબ, યહોવાહ એ સમયમાં દુષ્ટ દુનિયાનો ન્યાય કરશે અને તેને સજા પણ ફટકારશે. આપણે એ સમયમાં જ જીવી રહ્યા છીએ.
૧૫ ન્યાયકરણનો સમય પૂરો થાય એ પહેલાં, આપણને આ અરજ કરવામાં આવી છે: “દેવથી બીહો ને તેને મહિમા આપો.” એમાં શાનો સમાવેશ થાય છે? ઈશ્વરનો ડર રાખવામાં આપણે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ. (નીતિવચનો ૮:૧૩) જો આપણે ઈશ્વરને માન ને મહિમા આપતા હોય, તો આપણે પૂરા દિલથી તેમનું કહેવું માનીશું. આપણે એવા કોઈ કામમાં એટલા ડૂબી જઈશું નહિ, કે નિયમિત તેમનું વચન બાઇબલ વાંચવાનો સમય જ ન મળે. આપણે એમ નહિ વિચારીએ કે મિટિંગમાં જવું મહત્ત્વનું નથી. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) આપણે યહોવાહના રાજ્ય વિષેની ખુશખબરી પૂરા દિલથી ફેલાવીશું. આપણે પૂરા દિલથી હંમેશા યહોવાહ પર શ્રદ્ધા રાખીશું. (ગીતશાસ્ત્ર ૬૨:૮) જ્યારે આપણે સ્વીકારીએ કે ખુદ યહોવાહ જ વિશ્વના રાજા છે, ત્યારે આપણે રાજી-ખુશીથી તેમના કહ્યા પ્રમાણે જીવીએ છીએ. શું તમે ખરેખર ઈશ્વરનો ડર રાખો છો અને સર્વ બાબતોમાં તેમને માન આપો છો?
૧૬. કેમ કહી શકાય કે પ્રકટીકરણ ૧૪:૮માં જણાવ્યા મુજબ, મહાન બાબેલોનને જે ન્યાય ચુકાદો મળ્યો, એ સાચો પડ્યો છે?
૧૬ પ્રકટીકરણનો ૧૪મો અધ્યાય જણાવે છે કે ન્યાયકરણના સમયમાં બીજું શું શું થશે. પહેલા, મહાન બાબેલોન, એટલે કે સર્વ જૂઠા ધર્મો વિષે એ કહે છે: “બીજો એક દૂત આવીને બોલ્યો, કે પડ્યું રે, મોટું બાબેલોન શહેર પડ્યું.” (પ્રકટીકરણ ૧૪:૮) હા, ઈશ્વરની નજરે મહાન બાબેલોન તો પડી ગયું છે. મહાન બાબેલોનના ધર્મો, દુનિયાના લોકો પર હજારો વર્ષોથી રાજ કરી રહ્યા હતા. પણ ૧૯૧૯માં સ્વર્ગમાં જવા પસંદ થયેલા અભિષિક્ત ખ્રિસ્તીઓ એની જૂઠી માન્યતાઓ અને રિવાજોથી આઝાદ થયા. (પ્રકટીકરણ ૧૭:૧, ૧૫) હવે તેઓ યહોવાહની સાચી ભક્તિ કરી શક્યા અને તેમના રાજ વિષે બધે જાહેર કરી શક્યા. એ સમયથી રાજ્ય વિષેની ખુશખબરી જગતભર ફેલાઈ રહી છે.—માત્થી ૨૪:૧૪.
૧૭. મહાન બાબેલોનમાંથી નીકળી જવા માટે શું કરવાની જરૂર છે?
૧૭ મહાન બાબેલોનના ન્યાયચુકાદામાં બીજી બાબતો પણ આવી જાય છે. ઈશ્વર નજીકમાં જ તેનો સંપૂર્ણ વિનાશ કરશે. (પ્રકટીકરણ ૧૮:૨૧) એ કારણે, બાઇબલ સર્વ લોકોને ચેતવણી આપતા કહે છે: “તમે તેનાં [મહાન બાબેલોનનાં] પાપના ભાગીદાર ન થાઓ, . . . માટે તેમાંથી નીકળી જાઓ.” (પ્રકટીકરણ ૧૮:૪, ૫) આજે આપણે કઈ રીતે મહાન બાબેલોનમાંથી નીકળી જઈ શકીએ? આપણે સર્વ જૂઠા ધર્મોથી દૂર રહીએ એટલું પૂરતું નથી. જૂઠા ધર્મોની અસર જાણીતા તહેવારો અને રીત-રિવાજોમાં જોવા મળે છે. જૂઠા ધર્મોની અસરને લીધે દુનિયાના લોકો સેક્સ વિષે કંઈ પણ ચલાવી લે છે. વળી, આજકાલના મોજશોખ કે મનોરંજનમાં જંતર-મંતર અને બીજા અનેક ખરાબ કામો છડેચોક બતાવાય છે. જાગતા રહેવા માટે એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે આપણા વર્તન અને દિલની ઇચ્છાઓથી બતાવીએ કે આપણે મહાન બાબેલોનથી સાવ અલગ છીએ.
૧૮. પ્રકટીકરણ ૧૪:૯, ૧૦ મુજબ ખ્રિસ્તીઓએ કઈ બાબતોથી સાવધાન રહેવું જોઈએ?
૧૮ ‘ન્યાયકરણના સમય’ વિષે પ્રકટીકરણ ૧૪:૯, ૧૦ વધારે જણાવે છે. એક સ્વર્ગદૂત કહે છે: “શ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે, અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે, તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે.” પણ શા માટે? કેમ કે ‘શ્વાપદ તથા તેની મૂર્તિ’ સર્વ માનવ સરકારોને રજૂ કરે છે, જે હજી યહોવાહને વિશ્વના રાજા તરીકે સ્વીકારતા નથી. આપણે સાવધ રહેવાની જરૂર છે કે આપણા વાણી-વર્તનમાં એવી સરકારોની કોઈ છાપ જોવા ન મળે, જે બતાવે કે આપણે તેઓને રાજા ગણીએ છીએ. ખ્રિસ્તીઓ જાણે છે કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં સ્થાપન થયું છે. નજીકમાં એ રાજ્ય સર્વ માનવ સરકારોનો નાશ કરશે. પછી સદા માટે એ રાજ કરશે.—દાનીયેલ ૨:૪૪.
ભૂલો નહિ કે આપણે કયા દિવસોમાં જીવી રહ્યા છીએ!
૧૯, ૨૦. (ક) છેલ્લા દિવસોનો અંત આવે ત્યાં સુધી શેતાન શું કરતો રહેશે? (ખ) આપણે શું કરવાનો નિર્ણય લઈશું?
૧૯ છેલ્લા દિવસોની ઘડીઓ ગણાઈ રહે તેમ, આપણા પર સતાવણી અને લાલચો વધશે. વધુમાં આપણે આ દુષ્ટ દુનિયામાં જીવી રહ્યા હોવાથી અને અપૂર્ણ હોવાથી દુઃખ તકલીફો તો રહેશે જ. જેમ કે, બીમારી ને ઘડપણથી આપણે ઉદાસ બની જઈએ. કોઈ વહાલું ગુજરી જાય કે કોઈ આપણું મન-દુઃખ કરે ત્યારે આપણા પર ખૂબ અસર પડે છે. અમુક વાર પ્રચારમાં કોઈ આપણું સાંભળે નહિ ત્યારે હિંમત હારી જઈએ. આના જેવી બીજી અનેક તકલીફો આપણને નિરાશ કરી શકે છે. પણ કદી ભૂલો નહિ કે આવા વખતોમાં શેતાન ખોટો લાભ ઉઠાવવા માગે છે. તે ચાહે છે કે આપણે આ તકલીફો અનુભવીને પ્રચાર કરવાનું બંધ કરી દઈએ, અથવા યહોવાહના ધોરણો પ્રમાણે જીવવાનું છોડી દઈએ. (એફેસી ૬:૧૧-૧૩) આપણે ભૂલવું ન જોઈએ કે આપણે કયા દિવસોમાં જીવી રહ્યા છીએ!
૨૦ ઈસુને ખબર હતી કે યહોવાહની સેવા છોડી દેવા માટે આપણા પર અનેક દબાણો આવશે. એટલે તેમણે આ સલાહ આપી: “જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” (માત્થી ૨૪:૪૨) ચાલો આપણે હંમેશાં આપણા દિવસો વિષે સાવધ રહીએ. શેતાનના ફાંદાથી સાવચેત રહીએ. આમ, આપણે એમાં ફસાઈને યહોવાહની ભક્તિમાં ધીમા પડી જઈશું નહિ અથવા એને સાવ છોડી દઈશું નહિ. આપણે પૂરી ધગસથી યહોવાહના રાજ્ય વિષેની ખુશખબરી ફેલાવતા રહીએ. હા, ચાલો આપણે હંમેશાં સાવધ રહીએ અને ઈસુની ‘જાગતા રહેવાની’ સલાહ પાળીએ. એમ કરવાથી આપણે યહોવાહને મહિમા આપીશું અને સદા માટેના આશીર્વાદો મેળવવા લાયક બનીશું.
તમે કેવો જવાબ આપશો?
• આપણને કઈ રીતે ખબર છે કે ઈસુની ‘જાગતા રહેવાની’ ચેતવણી સાચા ખ્રિસ્તીઓ માટે છે?
• બાઇબલના કયાં ઉદાહરણો આપણને ‘જાગતા રહેવા’ મદદ કરી શકે?
• ન્યાયકરણનો સમય શું છે અને એ પૂરો થાય ત્યાં સુધી આપણને શું કરવા અરજ કરવામાં આવી છે?
[પાન ૨૩ પર ચિત્ર]
ઈસુએ તેમની હાજરીને એક ચોર આવે એની સાથે સરખાવી
[પાન ૨૪ પર ચિત્ર]
મહાન બાબેલોનનો વિનાશ નજીક છે
[પાન ૨૫ પર ચિત્ર]
ચાલો આપણે પૂરી ધગસ અને ઉત્સાહથી પ્રચાર કરતા રહીએ