જગતનો અંત નજીક છે તેમ, યહોવાહને આધીન રહો
“લોકો તેને [શીલોહને] આધીન રહેશે.”—ઉત્પત્તિ ૪૯:૧૦.
પ્રાચીન સમયમાં યહોવાહની આજ્ઞા પાળવામાં તેમના સેવકોને પણ આધીન રહેવાનું હતું. એમાં સ્વર્ગદૂતો, કુટુંબ વડાઓ, ન્યાયાધીશ, યાજકો, પ્રબોધકો અને રાજાઓનો સમાવેશ થતો હતો. ઈસ્રાએલના રાજાઓના રાજ્યાસનને, યહોવાહનું રાજ્યાસન પણ કહેવામાં આવતું હતું. (૧ કાળવૃત્તાંત ૨૯:૨૩) પરંતુ દુઃખની વાત છે કે ઈસ્રાએલના રાજાઓએ યહોવાહની આજ્ઞા પાળી નહિ. એમ કરીને તેઓ પોતાના પર અને પોતાની પ્રજા પર આફતો લાવ્યા. પરંતુ યહોવાહે તેમના વફાદાર સેવકોને છોડી દીધા નહિ. તેમણે તેઓને એક પ્રમાણિક રાજા આપવાની આશા આપી, કે જેના રાજમાં બધા સારા લોકો રાજીખુશીથી આજ્ઞા પાળશે. (યશાયાહ ૯:૬, ૭) કુટુંબવડા યાકૂબ મરણ પથારીએ હતા ત્યારે, આ ભાવિના રાજા વિષે કહ્યું: “શીલોહ નહિ આવે ત્યાં સુધી યહુદાહમાંથી રાજદંડ ખસશે નહિ, ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.”—ઉત્પત્તિ ૪૯:૧૦.
૨ “શીલોહ” હિબ્રુ શબ્દ છે, જેનો અર્થ “હક્ક ધરાવનાર” અથવા “માલિક” થાય છે. હા, શીલોહને આપવામાં આવેલો રાજદંડ બતાવે છે કે તે રાજ કરવા માટે પૂરા હક્કદાર છે. એ બતાવે છે કે તેમનું રાજ ફક્ત યાકૂબના વંશજો માટે જ નહિ, પણ સર્વ “લોકો” માટે છે. યહોવાહે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું એના સુમેળમાં એ કહે છે: “તારાં સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે; અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.” (ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮) ઈસવીસન ૨૯માં યહોવાહે ઈસુ નાઝારીને પવિત્ર આત્માથી અભિષિક્ત કરીને આ ‘સંતાનની’ ઓળખ આપી.—લુક ૩:૨૧-૨૩, ૩૪; ગલાતી ૩:૧૬.
ઈસુ પહેલાં કોના પર રાજ કરશે?
૩ ઈસુએ સ્વર્ગમાં ગયા પછી તરત જ પૃથ્વી પર રાજ કરવાનું શરૂ કર્યું ન હતું. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧) તેમ છતાં, તેમણે “રાજ્ય” મેળવ્યું હતું જેના વારસદારો તેમને આધીન હતા. પ્રેષિત પાઊલે એ રાજ્યની ઓળખ આપતા લખ્યું: ‘તેણે [પરમેશ્વરે] અંધકારના અધિકારમાંથી આપણને [અભિષિક્ત ખ્રિસ્તીઓને] છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા.’ (કોલોસી ૧:૧૩) ઈસવીસન ૩૩માં પેન્તેકોસ્તના દિવસે ઈસુના વિશ્વાસુ અનુયાયીઓ પર પવિત્ર આત્મા રેડવામાં આવ્યો ત્યારે, આ ‘છોડાવાનું’ કાર્ય શરૂ થયું.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪; ૧ પીતર ૨:૯.
૪ પવિત્ર આત્માથી અભિષિક્ત થએલા શિષ્યો હવે ‘ખ્રિસ્તના એલચીઓ’ હતા. તેથી તેઓએ તેમને આધીન રહીને બીજા લોકોને ભેગા કરવાનું શરૂ કર્યું, જેઓ તેઓની સાથે સ્વર્ગના રાજ્યના નાગરિકો બનવાના હતા. (૨ કોરીંથી ૫:૨૦; એફેસી ૨:૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) એ ઉપરાંત, તેઓએ પોતાના રાજા ઈસુ ખ્રિસ્તની કૃપા પામવા ‘એક જ મનના તથા એક જ મતના થવાનું’ હતું. (૧ કોરીંથી ૧:૧૦) પછી તેઓ એક વર્ગ તરીકે, “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર” અથવા “વિશ્વાસુ તથા શાણો કારભારી” બન્યા.—માત્થી ૨૪:૪૫; લુક ૧૨:૪૨.
પરમેશ્વરના “શાણા” વર્ગને આધીન રહેવાના આશીર્વાદો
૫ યહોવાહે હંમેશાં પોતાના લોકોને શિક્ષકો આપ્યા છે. દાખલા તરીકે, યહુદીઓ બાબેલોનમાંથી પાછા આવ્યા ત્યારે, એઝરા અને બીજા લાયક માણસોએ શીખવવાનું કામ કર્યું. તેઓએ લોકોને યહોવાહના નિયમો ખાલી વાંચી સંભળાવ્યા જ નહિ, પણ “તેમને વાંચેલું સમજાવ્યું.”—નહેમ્યાહ ૮:૮.
૬ પહેલી સદીમાં (વર્ષ ૪૯માં) સુન્નતનો વાદવિવાદ ઊભો થયો ત્યારે, એ સમયના નિયામક જૂથે પ્રાર્થના કરીને એના પર મનન કર્યું અને શાસ્ત્રને આધારે નિર્ણય લીધો. પછી તેઓએ મંડળોને પત્રો લખીને પોતાનો આ નિર્ણય જણાવ્યો ત્યારે, મંડળના લોકોએ તેઓનું કહ્યું માન્યું અને પરમેશ્વરના આશીર્વાદોનો આનંદ માણ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬-૧૫, ૨૨-૨૯; ૧૬:૪, ૫) એવી જ રીતે, આજે પણ વિશ્વાસુ અને શાણા ચાકરે નિયામક જૂથ દ્વારા મહત્ત્વના વિષયો પર સ્પષ્ટ સમજણ આપી છે. દાખલા તરીકે, ખ્રિસ્તીઓ શા માટે યુદ્ધમાં કે રાજકારણમાં ભાગ લેતા નથી, લોહીની આપ-લે કરતા નથી અને ડ્રગ્સ કે તમાકુ લેતા નથી. (યશાયાહ ૨:૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૫; ૨ કોરીંથી ૭:૧) વિશ્વાસુ ચાકર દ્વારા યહોવાહ પોતાના લોકોને બાઇબલમાંથી સલાહ-સૂચનો આપે છે. આપણે એ સૂચનો પ્રમાણે ચાલીએ છીએ ત્યારે, યહોવાહ આપણને આશીર્વાદ આપે છે.
૭ યહોવાહના લોકો ચાકર વર્ગને આધીન રહીને એ પણ બતાવે છે કે તેઓ ‘ચાકરના’ ધણી, ઈસુનું કહ્યું માને છે. યાકૂબે મરતી વખતે ભાખ્યું હતું તેમ, ઈસુ આજે સ્વર્ગમાંથી શાસન કરી રહ્યા છે. તેથી, તેમને આધીન રહેવું ખૂબ જ જરૂરી છે.
શીલોહ પૃથ્વીના રાજા બને છે
૮ યાકૂબે ભાખ્યું હતું કે શીલોહ ‘લોકોને આધીન રહેવાનો’ આદેશ આપશે. એ બતાવે છે કે ઈસુ ફક્ત અભિષિક્તોની નાની ટોળી પર જ રાજ નહિ કરે. તો પછી, બીજા કોના પર રાજ કરશે? એનો જવાબ પ્રકટીકરણ ૧૧:૧૫માં મળી આવે છે જે કહે છે: ‘જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે; તે સદાસર્વકાળ રાજ કરશે.’ બાઇબલ જણાવે છે કે “વિદેશીઓના સમયો” અથવા “સાત કાળ” પૂરા થયા ત્યારે ઈસુને એ સત્તા મળી. એ સમયો ૧૯૧૪માં પૂરા થતા હતા.a (દાનીયેલ ૪:૧૬, ૧૭; લુક ૨૧:૨૪) તેથી, ૧૯૧૪થી ખ્રિસ્તે સ્વર્ગમાં મસીહી રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું. એને તેમના ‘આવવાનો સમય’ પણ કહેવામાં આવે છે. તેમ જ, એ જ વર્ષે “શત્રુઓ ઉપર રાજ” કરવાનો તેમનો સમય પણ શરૂ થયો હતો.—માત્થી ૨૪:૩; ગીતશાસ્ત્ર ૧૧૦:૨.
૯ ઈસુએ સ્વર્ગમાં સત્તા મેળવ્યા પછી, સૌ પ્રથમ યહોવાહના દુશ્મનોને, એટલે કે, શેતાન અને તેના દૂતોને ‘પૃથ્વી પર નાખી દીધા.’ ત્યારથી શેતાન અને તેના દૂતો માણસજાત પર પાર વગરની સખત મુશ્કેલીઓ લાવ્યા છે. એ ઉપરાંત, તેણે એવું વાતાવરણ ઊભું કર્યું છે કે યહોવાહને આધીન રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨; ૨ તીમોથી ૩:૧-૫) હકીકતમાં, ‘દેવની આજ્ઞા પાળતા અને ઈસુની સાક્ષીને વળગી રહેતા’ યહોવાહના અભિષિક્તો અને ‘બીજા ઘેટાંથી’ ઓળખાતા તેમના સાથીદારોનો વિશ્વાસ તોડવા આજે શેતાન સખત પ્રયત્ન કરી રહ્યો છે.—પ્રકટીકરણ ૧૨:૧૭; યોહાન ૧૦:૧૬.
૧૦ શેતાન ભલે ગમે એટલા ધમપછાડા કરે, છેવટે તો તે હારવાનો જ છે કેમ કે, આ ‘પ્રભુનો દહાડો છે’. ઈસુ ‘જીતવા સારુ નીકળ્યા’ હોવાથી, કોઈ પણ તેમને રોકી શકશે નહીં. (પ્રકટીકરણ ૧:૧૦; ૬:૨) દાખલા તરીકે, ઈસુ ખાતરી કરશે કે તેમની સાથે આખરી પસંદ કરાયેલા ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સ્વર્ગમાં રાજ કરે. એ ઉપરાંત, “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભાનું” પણ તે રક્ષણ કરશે. (પ્રકટીકરણ ૭:૧-૪, ૯, ૧૪-૧૬; દાનીયેલ ૭:૧૩, ૧૪) તેઓની મોટી સંખ્યાએ પુરાવો આપ્યો છે કે શીલોહ ખરેખર ‘જગતના રાજ્ય’ પર રાજ કરે છે.—પ્રકટીકરણ ૧૧:૧૫.
‘સુવાર્તા માનવાનો’ સમય આજે જ છે
૧૧ જેઓ અનંતજીવન મેળવવા ચાહે છે તેઓએ આધીન રહેતા શીખવું જ જોઈએ. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે “જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી” તેઓ પરમેશ્વરના દિવસે બચશે નહિ. (૨ થેસ્સાલોનીકી ૧:૮) આજે જગતના લોકો બાઇબલના ધોરણો પ્રમાણે ચાલતા ન હોવાથી, આપણા માટે પણ યહોવાહને આધીન રહેવું અઘરું બને છે.
૧૨ પરમેશ્વર વિરુદ્ધ લોકોના આવા ખરાબ વલણને બાઇબલ “જગતનો આત્મા” કહે છે. (૧ કોરીંથી ૨:૧૨) લોકો પર એની કેવી અસર થાય છે એ જણાવતા, પ્રેષિત પાઊલ પ્રથમ સદીના એફેસી મંડળના ખ્રિસ્તીઓને કહે છે: “તમે ગાડરીઆ પ્રવાહની માફક દોરવાઈને બીજા બધાની જેમ વર્તતા હતા. તમે પાપથી ભરપૂર હતા અને અંતરિક્ષની સત્તાના અધિપતિ શેતાનની આધીનતામાં હતા. અત્યારે પણ શેતાન ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કરનારના હૃદયમાં કામ કરી રહ્યો છે. આપણે બધા પણ તેઓના જેવા જ હતા. આપણામાં રહેલી ભૂંડાઈ આપણાં જીવન દ્વારા પ્રગટ થતી હતી. આપણી વાસનાઓ અને ખરાબ વિચારોને આધીન થઈ આપણે ખોટાં કામ કરતા હતા. જન્મથી જ આપણો સ્વભાવ ભૂંડો હતો અને મૂળથી જ આપણે પાપી હતા. એમ બીજાઓની માફક ઈશ્વરના કોપ નીચે હતા.”—એફેસી ૨:૨, ૩, IBSI.
૧૩ આનંદની વાત છે કે એફેસી મંડળના ખ્રિસ્તીઓ ‘જગતના આત્માના’ દાસ રહ્યા ન હતા. એને બદલે, તેઓ યહોવાહને આધીન રહીને તેમના બાળકો બન્યા હતા અને તેઓએ પવિત્ર આત્માના ફળો કેળવ્યા હતા. (ગલાતી ૫:૨૨, ૨૩) યહોવાહનો પવિત્ર આત્મા વિશ્વમાં સૌથી શક્તિશાળી છે. એ આજે લાખો લોકોને યહોવાહને આધીન બનવા મદદ કરી રહ્યો છે જેથી, તેઓ પણ ‘તેમની આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડી’ શકે.—હેબ્રી ૬:૧૧; ઝખાર્યાહ ૪:૬.
૧૪ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે શીલોહ તથા તેમના પિતા શક્તિશાળી છે. તેઓ આપણી સાથે હોવાથી, માનવી કે શેતાન તરફથી આપણે સહી ન શકીએ એવા કોઈ પરીક્ષણો આવવા દેશે નહિ. (૧ કોરીંથી ૧૦:૧૩) આપણે વિશ્વાસમાં દૃઢ રહી શકીએ એ માટે ઈસુએ અગાઉથી જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં આપણા પર કેવી મુશ્કેલીઓ આવી પડશે. તેમણે પ્રેષિત યોહાનને સંદર્શન દ્વારા સાત પત્રો આપીને એ જણાવ્યું હતું. (પ્રકટીકરણ ૧:૧૦, ૧૧) એ પત્રોમાં જે સલાહ આપવામાં આવી હતી એ ફક્ત પહેલી સદીના ખ્રિસ્તીઓ જ માટે ન હતી, પણ ‘પ્રભુના દહાડા’ માટે હતી, જે ૧૯૧૪થી શરૂ થયો છે. તેથી, એ ખાસ કરીને આપણને લાગુ પડે છે. તો પછી, આપણે એ પત્રોના સંદેશાને ધ્યાન આપીએ એ કેટલું મહત્ત્વનું છે!b
વિશ્વાસમાં દૃઢ રહો!
૧૫ ઈસુનો પ્રથમ પત્ર એફેસસના મંડળ માટે હતો. મંડળની ધીરજની પ્રશંસા કર્યા પછી ઈસુએ જણાવ્યું: “તારી વિરૂદ્ધ મારે આટલું છે, કે તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.” (પ્રકટીકરણ ૨:૧-૪) આજે પણ ઘણા એવા ખ્રિસ્તીઓ છે જેઓ પહેલાં ઉત્સાહી હતા, પરંતુ હવે યહોવાહની સેવામાં ઠંડા પડી ગયા છે. એનાથી યહોવાહ સાથેનો આપણો સંબંધ નબળો થઈ શકે અને જો આપણે એવું અનુભવતા હોય તો, સુધારો કરવાની જરૂર છે. તો પછી, યહોવાહની સેવામાં પહેલાં જેવો ઉત્સાહ અને પ્રેમ કઈ રીતે બતાવી શકાય? બાઇબલનો નિયમિત અભ્યાસ, સભાઓમાં જવાથી, પ્રાર્થના અને મનન કરવાથી આપણે યહોવાહ માટેનો પ્રેમ ફરીથી વધારી શકીએ. (૧ યોહાન ૫:૩) ખરું કે એ મહેનત માંગી લે છે, પરંતુ એમ કરવાથી આપણને જ લાભ થાય છે. (૨ પીતર ૧:૫-૮) તેથી, આપણે પૂરા દિલથી પોતાની તપાસ કરવી જોઈએ અને આપણો પ્રેમ ઠંડો થઈ ગયો તો, તરત જ સુધારો કરવો જોઈએ. એમ કરીને આપણે ઈસુની સલાહ લાગુ પાડીશું, જે કહે છે: “તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર.”—પ્રકટીકરણ ૨:૫.
૧૬ ઈસુએ પેર્ગામ અને થુઆતૈરાના ખ્રિસ્તીઓનો વિશ્વાસ, ધીરજ અને ઉત્સાહના વખાણ કર્યા હતા. (પ્રકટીકરણ ૨:૧૨, ૧૩, ૧૮, ૧૯) પરંતુ એ મંડળોમાં બલઆમ અને ઈઝેબેલ જેવી વ્યક્તિઓ પણ હતી, જેઓ ખ્રિસ્તીઓને વ્યભિચાર અને જૂઠા દેવોની સેવામાં સંડોવીને ભ્રષ્ટ કરતા હતા. (ગણના ૩૧:૧૬; ૧ રાજાઓ ૧૬:૩૦, ૩૧; પ્રકટીકરણ ૨:૧૪, ૧૬, ૨૦-૨૩) પરંતુ ‘પ્રભુના દહાડા’ કે આપણા સમય વિષે શું? શું આજે પણ એવી ખરાબ અસરો જોવા મળે છે? હા, આજે યહોવાહના મંડળમાંથી જેઓને કાઢી મૂકવામાં આવે છે, તેઓમાંના મોટા ભાગના લોકોએ વ્યભિચાર કર્યો હોય છે. તેથી, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે મંડળની અંદર અને બહારના આવા ભ્રષ્ટ લોકો સાથે કોઈ સંબંધ ન રાખીએ. (૧ કોરીંથી ૫:૯-૧૧; ૧૫:૩૩) જેઓ શીલોહને આધીન રહેવા ચાહે છે તેઓ કોઈ પણ અનૈતિક ફિલ્મો કે કાર્યક્રમો, પુસ્તકો અને ઇંટરનેટ પર પોર્નોગ્રાફી કે ગંદા ચિત્રો જોવાનું ટાળશે.—આમોસ ૫:૧૫; માત્થી ૫:૨૮, ૨૯.
૧૭ ઈસુએ સાર્દિસ મંડળના બહુ થોડા ખ્રિસ્તીઓની પ્રશંસા કરી. એ મંડળમાં મોટા ભાગના ‘જીવતા’ લાગતા હતા પરંતુ, તેઓ વિશ્વાસમાં ઠંડા થઈ ગયા હોવાથી ઈસુએ તેઓને ‘મૂએલા’ કહ્યાં. તોપણ આ ઢોંગીઓ ઈસુના પગલે ચાલવાનો દાવો કરતા હતા! (પ્રકટીકરણ ૩:૧-૩) લાઓદીકીઆ મંડળની હાલત પણ એવી જ હતી. તેઓ પોતાની સંપત્તિ વિષે બડાઈ મારતા કે “હું ધનવાન છું.” પરંતુ, ખ્રિસ્તની નજરમાં તેઓ ‘કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળા તથા નગ્ન હતા.’—પ્રકટીકરણ ૩:૧૪-૧૭.
૧૮ આજે પણ અમુક વફાદાર ખ્રિસ્તીઓ ઠંડા પડી ગયા છે. તેઓએ બાઇબલ અભ્યાસ, પ્રાર્થના, સભાઓ અને પ્રચાર કાર્યમાં જવાનું પડતું મૂક્યું છે. તેઓ જગતના વલણથી અસર પામ્યા છે. (૨ પીતર ૩:૩, ૪, ૧૧, ૧૨) એ કેટલું મહત્ત્વનું છે કે આવી વ્યક્તિઓ ઈસુ પાસેથી “અગ્નિથી શુદ્ધ” થએલું સોનું, એટલે કે સત્ય વેચાતું લે! (પ્રકટીકરણ ૩:૧૮) એ સત્યમાં ઉત્તમ કામો કરવાનો અને ઉદાર થવાનો પણ સમાવેશ થાય છે. આપણે આજે એવું સત્ય મેળવીશું તો, યહોવાહની કૃપા પામીશું અને હંમેશ માટેના જીવન માટે લાયક બનીશું.—૧ તીમોથી ૬:૧૭-૧૯.
આજ્ઞાપાલન માટે પ્રશંસા કરવામાં આવી
૧૯ સ્મર્ના અને ફિલાદેલ્ફીઆ મંડળોએ યહોવાહની સેવામાં સરસ ઉદાહરણ બેસાડ્યું હતું. એ આપણને ઈસુના પત્રોમાં જોવા મળે છે. તેમણે સ્મર્ના મંડળને કહ્યું: “હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું તોપણ તું ધનવાન છે.” (પ્રકટીકરણ ૨:૯) જ્યારે બીજી બાજુ, લાઓદીકીઆ મંડળના ખ્રિસ્તીઓ ધનવાન હોવાની બડાઈ મારતા હતા, પણ ઈસુની નજરે તેઓ સાવ દરિદ્ર હતા! ખરેખર તો શેતાનને એ જરાય ગમતું નથી કે કોઈ પણ ખ્રિસ્તના પગલે ચાલીને તેમને આધીન રહે. તેથી, ઈસુએ ચેતવણી આપી: “તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીતો ના; જુઓ, તમારૂં પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.” (પ્રકટીકરણ ૨:૧૦) એવી જ રીતે, ઈસુએ ફિલાદેલ્ફીઆ મંડળની આ રીતે પ્રશંસા કરી: “તેં મારી વાત પાળી છે, અને મારૂં નામ નાકબૂલ કર્યું નથી. હું વહેલો આવું છું; તારૂં જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મુગટ લઈ લે નહિ.”—પ્રકટીકરણ ૩:૮, ૧૧.
૨૦ ‘પ્રભુનો દિવસ’ ૧૯૧૪થી શરૂ થઈ ગયો છે. એ વર્ષથી અભિષિક્તો અને બીજાં ઘેટાંથી ઓળખાતા તેમના સાથીદારો, ઉત્સાહથી ઈસુને આધીન રહીને પ્રચાર કરી રહ્યા છે. આજે પણ કેટલાક ખ્રિસ્તીઓએ, પ્રથમ સદીના તેમના ભાઈઓની જેમ ઈસુને આધીન રહેવા ઘણું સહન કરવું પડ્યું છે. જેમ કે તેઓને જેલમાં અને જુલમી છાવણીઓમાં પણ નાખવામાં આવ્યા હતા. આજે આખું જગત પૈસા પાછળ પડ્યું છે, પરંતુ સાચા ખ્રિસ્તીઓ ઈસુની આજ્ઞા પાળીને એમ કરતા નથી. (માત્થી ૬:૨૨, ૨૩) હા, આજે સાચા ખ્રિસ્તીઓ દરેક સંજોગોમાં યહોવાહની આજ્ઞા પાળીને તેમના દિલને આનંદ પમાડે છે.—નીતિવચનો ૨૭:૧૧.
૨૧ મહાન વિપત્તિ નજીક આવી રહી છે ત્યારે, ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરે’ ખ્રિસ્તને આધીન રહેવાનો નિર્ણય કર્યો છે. એમાં યહોવાહના સેવકોને સમયસર સત્ય જણાવવાનો સમાવેશ થાય છે. તો પછી, ચાલો આપણે યહોવાહની સંસ્થાની અને એના દ્વારા આપણને જે શિક્ષણ અને માર્ગદર્શન મળે છે એની કદર કરતા રહીએ. એમ કરીને આપણે શીલોહને આધીન રહીશું અને તે આપણને અનંતજીવનનો આશીર્વાદ આપશે.—માત્થી ૨૪:૪૫-૪૭; ૨૫:૪૦; યોહાન ૫:૨૨-૨૪.
[ફુટનોટ્સ]
a “સાત કાળ” વિષે વધુ જાણવા માટે, યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલ જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તકનું દસમું પ્રકરણ જુઓ.
b સાત પત્રો વિષેની વધારે માહિતી માટે, પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૩૩થી શરૂઆતથી જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
શું તમને યાદ છે?
• મરતી વખતે યાકૂબે જે ભાખ્યું હતું એમાં ઈસુની ભૂમિકા શું હતી?
• આપણે કઈ રીતે જાણી શકીએ કે ઈસુ જ શીલોહ છે, અને આપણે કેવું વલણ ટાળવું જોઈએ?
• પ્રકટીકરણમાં સાત મંડળોને લખાયેલા પત્રોમાં આજે આપણા માટે કઈ સલાહ રહેલી છે?
• સ્મર્ના અને ફિલાદેલ્ફીઆ મંડળોમાંથી આપણે શું શીખી શકીએ?
[Questions]
૧. (ક) પ્રાચીન સમયમાં યહોવાહની આજ્ઞા પાળવાનો શું અર્થ થતો હતો? (ખ) આધીન રહેવા વિષે યાકૂબે શું ભાખ્યું?
૨. શીલોહનો અર્થ શું થાય છે અને તે કોના પર રાજ કરશે?
૩. ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે, તે કોના પર રાજ કરવા લાગ્યા?
૪. ઈસુના શરૂઆતના શિષ્યો કઈ રીતે તેમને આધીન રહ્યા અને ઈસુએ તેઓને કઈ ઓળખ આપી?
૫. યહોવાહ કઈ રીતે પ્રાચીન સમયથી તેમના લોકોને શીખવતા આવ્યા છે?
૬, ૭. ચાકર વર્ગે નિયામક જૂથ દ્વારા કઈ રીતે સમયસર યહોવાહનું સત્ય સમજાવ્યું છે, અને શા માટે તેઓને આધીન રહેવું જોઈએ?
૮. ઈસુ ખ્રિસ્તને ક્યારે અને કઈ રીતે વધારે સત્તા આપવામાં આવી?
૯. ઈસુએ સત્તા મેળવ્યા પછી શું કર્યું, અને એની માણસજાત પર, ખાસ કરીને તેમના શિષ્યો પર કેવી અસર પડી છે?
૧૦. બાઇબલની કઈ ભવિષ્યવાણી બતાવે છે કે સાચા ખ્રિસ્તીઓ સામેની લડાઈમાં શેતાન જરૂર હારશે?
૧૧, ૧૨. (ક) આ જગતના અંતમાંથી ફક્ત કોણ બચશે? (ખ) જેઓ આ “જગતનો આત્મા” કેળવે છે તેઓનું વલણ કેવું છે?
૧૩. આપણે કઈ રીતે જગતના વલણથી દૂર રહી શકીએ અને એનું શું પરિણામ આવી શકે?
૧૪. છેલ્લા દિવસોમાં આપણા પર આવી પડનાર મુશ્કેલીઓ વિષે ઈસુએ કઈ રીતે અગાઉથી જણાવ્યું હતું?
૧૫. એફેસસ મંડળની જેમ યહોવાહની સેવામાં ઠંડા ન પડવા આપણે શું કરવાની જરૂર છે? (૨ પીતર ૧:૫-૮)
૧૬. પેર્ગામ અને થુઆતૈરા મંડળની કેવી હાલત હતી, અને ઈસુએ જે કહ્યું એ શા માટે આપણને પણ લાગુ પડે છે?
૧૭. સાર્દિસ અને લાઓદીકીઆનાં મંડળો કેવો દાવો કરતા હતા, પરંતુ ઈસુ તેઓ વિષે શું જાણતા હતા?
૧૮. યહોવાહની સેવામાં આપણે કઈ રીતે ઠંડા થવાનું ટાળી શકીએ?
૧૯. ઈસુએ સ્મર્ના અને ફિલાદેલ્ફીઆ મંડળની કેવી પ્રશંસા કરી, અને તેઓને કયું ઉત્તેજન આપ્યું?
૨૦. યહોવાહના લોકોએ કઈ રીતે દરેક સંજોગોમાં ઈસુની આજ્ઞા પાળી છે?
૨૧. (ક) વિશ્વાસુ ચાકરે કયો નિર્ણય લીધો છે? (ખ) આપણે કઈ રીતે શીલોહને આધીન રહી શકીએ?
[પાન ૧૮ પર ચિત્રો]
વિશ્વાસુ અને શાણા ચાકરનું કહ્યું માનીશું તો, યહોવાહ આપણને આશીર્વાદ આપશે
[પાન ૧૯ પર ચિત્ર]
શેતાનની ખરાબ અસરો યહોવાહને આધીન રહેવું અઘરું બનાવે છે
[પાન ૨૧ પર ચિત્રો]
યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાથી તેમને આધીન રહેવામાં આપણને મદદ મળશે