જૂઠો ધર્મ પોતાના વિનાશ તરફ સવારી કરે છે !
આ જગતના ધર્મોનો અંત નજીક છે કે કેમ એ શોધવા માટે, ચાલો આપણે બાઇબલની એક સૌથી નાટકીય ભવિષ્યવાણી તપાસીએ. એ બાઇબલના છેલ્લા પુસ્તક, પ્રકટીકરણમાં વર્ણવવામાં આવેલી રહસ્યમય સાંકેતિક સ્ત્રી વિષે છે.
શું તમે એવી સ્ત્રીની કલ્પના કરી શકો છો જેણે એક રાણી તરીકે રાષ્ટ્રો પર શાસન કરીને સમગ્ર ઇતિહાસમાં અબજો લોકોના જીવનને અસર કરી હોય—એક ધનાઢ્ય સ્ત્રી જે જાંબૂડા અને કિરમજી રંગનાં ભપકાદાર વસ્ત્રો પરિધાન કરેલી, સોના, મૂલ્યવાન પાષાણ, અને મોતીઓથી અતિશયપણે સુશોભિત છે? તેના કપાળ પર એક લાંબું નામ, એક મર્મ લખેલો છે: “મહાન બાબેલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.” તે પોતાના અડિયલ, અવિવેકી જીવનથી અચૂકપણે ચિહ્નિત થઈ છે, અને તેણે જગતના શાસકો સાથે “વ્યભિચાર” કર્યો છે. તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યાં છે. તે સાત માથા અને દસ શિંગળાવાળા, કિરમજી રંગના એક ભયંકર શ્વાપદ પર સવારી કરી રહી છે.—પ્રકટીકરણ ૧૭:૧-૬; ૧૮:૫.
તમે એ સ્ત્રીની કલ્પના કરી શકતા હો તો, તમને પ્રબોધકીય નાટકમાંના મુખ્ય પાત્રનો ખ્યાલ છે જે ઈસુના પ્રેષિત યોહાનને દૂત દ્વારા આપવામાં આવેલા સંદર્શનમાં તેણે જોયું. તે પ્રકટીકરણના અધ્યાય ૧૭ અને ૧૮માં એને આબેહૂબ રીતે વર્ણવે છે. તમારા બાઇબલમાં એ અધ્યાયો વાંચો. તમે એ રહસ્યમય સ્ત્રીની ઓળખના ઘટસ્ફોટથી માંડીને તેના ઘાતક અંત સુધીની ઘટનાની હરોળ અનુસરી શકશો.
વેશ્યાને ઓળખવી
તેની ઓળખ સમજવાની ચાવી એ વેશ્યા-રાણી સાંકેતિકપણે જેના પર બેસે છે એ બે બાબતોમાંથી મળી આવે છે. પ્રકટીકરણ ૧૭:૧૮ ખાતે, તેને “મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે” તરીકે વર્ણવવામાં આવી છે. પ્રકટીકરણ ૧૭:૧, ૧૫ ખાતે બતાવવામાં આવ્યું છે તેમ, એ તેને “ઘણાં પાણી” પર બેસવા દે છે, જેનો અર્થ “પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ” થાય છે. એ જ અધ્યાયની કલમ ૩ અનુસાર, તે સાત માથાવાળા જંગલી શ્વાપદ—બાઇબલમાં શ્વાપદને જગતની રાજકીય સત્તાઓ, કે સંગઠનોના સંકેત તરીકે સામાન્યપણે વાપરવામાં આવ્યું છે—પર પણ બેસેલી જોવા મળે છે.
એ દર્શાવે છે કે વેશ્યા, મહાન બાબેલોન, એક પ્રતિષ્ઠિત સામ્રાજ્યનું મૂર્ત સ્વરૂપ છે, અર્થાત્ એક એવી રાજસત્તા જે બીજી સત્તાઓ તથા એના રહેવાસીઓ પર અંકુશ ચલાવે. એ ફક્ત જગતના જૂઠા ધર્મોનું સામ્રાજ્ય જ હોય શકે.
રાજ્યની કાર્યનીતિ અને રાજકારણ બાબતે ધાર્મિક આગેવાનોની અસર ઇતિહાસનો એક પ્રચલિત ભાગ છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા જણાવે છે: “વેસ્ટ રોમન એમ્પાયર [૫મી સદી]ની પડતી પછી, યુરોપમાંની બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં પોપ પાસે વધારે સત્તા હતી. . . . પોપે રાજકીય ઉપરાંત આત્મિક સત્તા ચલાવી. પોપ લીયો ૩એ ૮૦૦ની સાલમાં ફ્રેન્કિશ શાસક શાર્લમેઈન [મહાન ચાર્લ્સ]ને રોમનોના શહેનશાહ તરીકે અભિષિક્ત કર્યો. . . . લીયો ૩જાએ શહેનશાહની સત્તાને કાયદાકીય બનાવવાનો પોપનો અધિકાર સ્થાપિત કર્યો.”
કેથલિક ચર્ચ અને એના “કુંવરો”એ શાસકો પર વાપરી એ સત્તા કાર્ડિનલ થોમસ વોલ્સી (૧૪૭૫?-૧૫૩૦)એ વધુ સાબિત કરી. તેનું “ઇંગ્લેન્ડમાં ઘણા વર્ષો સુધી સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. રાજા હેન્રી ૮ના શાસન હેઠળ, તે “થોડા જ વખતમાં બધી સરકારી બાબતમાં વગ ધરાવતી વ્યક્તિ બની ગઈ. . . . તે શાહી વૈભવમાં જીવ્યો અને તેણે પોતાની સત્તામાં ખૂબ મઝા માણી.” એન્સાયક્લોપેડિયાનો અહેવાલ કહેવાનું ચાલુ રાખે છે: “કાર્ડિનલ વોલ્સીએ એક રાજનીતિજ્ઞ અને વહીવટકર્તા તરીકેનું પોતાનું મહાન કૌશલ્ય મુખ્યત્વે હેન્રી ૮ના ઇંગ્લેન્ડના પરદેશી વ્યવહારો માટે વાપર્યું.”
રાજ્યની દુન્યવી બાબતો પર કેથલિક સત્તાનું બીજું આગવું ઉદાહરણ ફ્રાંસનો કાર્ડિનલ રિશલ્યુ (૧૫૮૫-૧૬૪૨) છે, જે “૧૮થી વધારે વર્ષ . . . ફ્રાંસનો ખરો શાસક હતો.” અગાઉ ટાંકવામાં આવેલો ઉદ્ભવ જણાવે છે: “તે ખુબ જ મહત્ત્વાકાંક્ષી હતો અને થોડા જ વખતમાં ઊંચા હોદ્દા માટે અધીરો બન્યો.” તેને ૧૬૨૨માં કાર્ડિનલ બનાવવામાં આવ્યો “અને તે થોડા જ વખતમાં ફ્રાંસની સરકારમાં મોભાવાળી વ્યક્તિ બની.” દેખીતી રીતે જ, તે પગલું ભરનાર માણસ હતો, કેમ કે “તેણે લા રોશેલના ઘેરા માટે વ્યક્તિગતપણે શાહી લશ્કરને દોરવણી આપી હતી.” લેખ ઉમેરે છે: “રિશલ્યુનો સૌથી વધારે રસ પરદેશી વ્યવહારોમાં હતો.”
વેટિકનની રાજકીય સત્તાઓ સાથેની સતત સંડોવણી વેટિકનના સમાચારપત્ર લોસારવાટોર રોમાનોમાંની સતત જાહેરાતમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જેમાં વિદેશી મુત્સદ્દીઓ પોતાની વિશ્વસનીયતા સર્વોપરી પોપની આગળ રજૂ કરતા દેખાય છે. દેખીતી રીતે વેટિકન પાસે વફાદાર કેથલિકોનું નેટવર્ક છે જેઓ પોપને જગતવ્યાપી રાજકીય તથા મુત્સદ્દી બનાવોથી માહિતગાર રાખી શકે છે.
આ જગતના રાજકીય મામલામાં ધાર્મિક આગેવાનો—ખ્રિસ્તીરાષ્ટ્રની અંદર અને બહાર એમ બન્ને—ની શક્તિશાળી અસરનું વર્ણન કરવા માટે ઘણા બધાં ઉદાહરણો આપી શકાય. હકીકત છે કે સાંકેતિક વેશ્યા “ઘણા પાણી” (જે “પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો”ને રજૂ કરે છે) પર અને જંગલી શ્વાપદ (જે સર્વ રાજકીય જગત સત્તાઓને રજૂ કરે છે) પર બેસે છે જે એ પણ સૂચવે છે કે લોકો, રાષ્ટ્રો, અને સત્તાઓ પરની તેની અસર ફક્ત રાજકીય સાર્વભૌમત્વ હોવા કરતાં ભિન્ન, ઉત્કૃષ્ટ છે. ચાલો આપણે જોઈએ કે એ અસર કયા પ્રકારની છે.
તેના કપાળ પરના લાંબા નામનો એક ભાગ “મહાન બાબેલોન” હતો. તે પ્રાચીન બાબેલોનનો સંદર્ભ છે, જેની સ્થાપના કંઈક ૪,૦૦૦ વર્ષ પૂર્વે નિમ્રોદે કરી હતી, જે સાચા દેવ “યહોવાહની આગળ” [“યહોવાહની વિરુદ્ધ,” NW] હતો. (ઉત્પત્તિ ૧૦:૮-૧૦) તે વેશ્યા બાબેલોનનું નામ ધરાવે છે એ દર્શાવે છે કે તે એકસરખાં પાસાં ધરાવતી, પ્રાચીન બાબેલોનની વિસ્તૃત પ્રતિમા છે. કયાં પાસાં? પ્રાચીન બાબેલોન રહસ્યમય ધર્મ, ભ્રષ્ટ રિવાજો, મૂર્તિપૂજા, જાદુ, ફલજ્યોતિષશાસ્ત્ર, અને વહેમોથી ફેલાયેલું હતું—જે સર્વને યહોવાહના શબ્દએ દોષિત ઠરાવ્યાં છે.
ધ ન્યૂ ઈન્ટરનેશનલ ડિક્ષનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ થીયોલોજી કહે છે કે ૧૮મી સદી બી.સી.ઈ.માં માર્ડૂકને “બાબેલોન શહેરનો દેવ બનાવવામાં આવ્યો, અને તેથી સૂમેરિયન-આક્કાદનો મુખી બન્યો જેમાં કંઈક ૧૩૦૦ દેવદેવીઓનાં મંદિરો હતાં. એણે સર્વ ધાર્મિક રિવાજોને એક પદ્ધતિમાં મૂક્યાં. . . . ઉત્પત્તિ ૧૧:૧-૯માં બાબેલોનમાંના વિરાટ મંદિરનું બાંધકામ આકાશને પચાવી પાડવાના માનવ ગર્વના વક્તવ્યથી ચિહ્નિત હતું.”
એમ, પ્રાચીન બાબેલોન જૂઠા ધર્મનું કેન્દ્રબિંદુ હતું, જેણે સમય જતાં આખા જગતને ચેપગ્રસ્ત બનાવ્યું. બાબેલોનના ધાર્મિક આચરણો, સિદ્ધાંતો, રિવાજો, અને સંજ્ઞાઓ પૃથ્વીના બધા ભાગોમાં ફેલાયાં છે તથા જગતના ઘણા હજારો ધર્મોના ખિચડામાં પ્રતિબિંબિત થાય છે. રાજકીય દેશો અને રાજસત્તાઓની ચડતી-પડતી થઈ, પરંતુ બાબેલોનનો ધર્મ એ સર્વમાંથી બચવા પામ્યો છે.
શા માટે વિનાશ એટલો નજીક છે?
આ સામયિકના અગાઉના અંકોમાં અવારનવાર સમજાવવામાં આવ્યું છે તેમ, ૧૯૧૪થી માંડીને બાઇબલની ભવિષ્યવાણી અને જગતને હચમચાવતી ઘટનાઓ અચૂકપણે દર્શાવે છે કે આપણે હમણાં “જગતના અંત”માં જીવી રહ્યા છીએ. (માત્થી ૨૪:૩) એનો અર્થ એ થાય કે જેના પર વેશ્યા સવારી કરે છે એ દસ શિંગડાવાળા “કિરમજી રંગના શ્વાપદ”નો અંત નજીક આવી રહ્યો છે તેમ, શ્વાપદમય જગત વ્યવસ્થાનો અંત જલદી જ નજીક આવી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૭:૩) એ શ્વાપદ દેખીતી રીતે જ પૃથ્વી પરના લગભગ બધા રાષ્ટ્રોના રાજકીય સમૂહ—યુનાઈટેડ નેશન્સ—ને રજૂ કરે છે. ભાખવામાં આવેલા અંતનો અર્થ માણસજાત પરના વિભાજક, અદૈવી રાજકીય શાસનનો નાશ થાય છે. પરંતુ શ્વાપદ પર સવારી કરી રહેલી વેશ્યા-રાણી વિષે શું?
દેવનો દૂત સમજાવે છે: “તેં જે દશ શિગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે. કેમકે તેઓ દેવની ઇચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને દેવનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય શ્વાપદને સોંપે એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે.”—પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭.
એમ ભવિષ્યવાણી બતાવે છે કે રાજકીય જંગલી શ્વાપદ નાશમાં જાય એના થોડા વખત પહેલાં તે પોતા પર સવારી કરનારનો ધિક્કાર કરવો શરૂ કરશે અને તેની વિરુદ્ધ થશે. શા માટે? શાસકો અને સરકારો સ્પષ્ટપણે અનુભવશે કે પોતાના દેશની સરહદોમાંના કાર્યરત સંગઠિત ધર્મથી પોતાની શક્તિ અને અધિકાર ધમકી હેઠળ છે. અચાનક, પ્રેરકબળથી આવેગમાં આવીને, તેઓ વ્યભિચારી, રક્તરંજિત જૂઠા ધર્મના જગત સામ્રાજ્ય પર પોતાના ન્યાયકરણ દ્વારા દેવની “ઇચ્છા,” તેમનો નિર્ણય, અમલમાં લાવશે.a—સરખાવો યિર્મેયાહ ૭:૮-૧૧, ૩૪.
a એ ભવિષ્યવાણીઓની વિગતવાર ચર્ચા માટે વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે!, પ્રકરણ ૩૩ જુઓ.
આ જગતના જૂઠા ધર્મો હજુ જોશીલા અને અસરકારક લાગતા હશે ત્યારે તેનો અંત આવશે. હા, ભવિષ્યવાણી બતાવે છે કે વેશ્યાનો નાશ થશે એના થોડા જ સમય અગાઉ તે પોતાના હૃદયમાં કહેતી હશે: “હું રાણી થઇને બેઠી છું. હું વિધવા નથી, અને હું રૂદન કરનારી નથી.” (પ્રકટીકરણ ૧૮:૭) તેમ છતાં, તેના અબજો પ્રજાજનના આશ્ચર્ય વચ્ચે તેનો નાશ થશે. એ માનવ ઇતિહાસમાં સૌથી અનપેક્ષિત અને મહાન દુર્ઘટનામાંની એક હશે.
પ્રાચીન બાબેલોનની શરૂઆતથી માંડીને જૂઠા ધર્મોએ પોતાના આગેવાનો અને ટેકેદારો; પોતાના સિદ્ધાંતો, રિવાજો, અને આચરણો; ઉપાસનાની પોતાની પ્રભાવશાળી ઇમારતો; અને પોતાની અકલ્પ્ય સંપત્તિથી માનવજાતિ પર પ્રચંડ અસર જમાવી છે. એ કંઈ ધ્યાનમાં આવ્યા વગર અદૃશ્ય નહિ થઈ જાય. તેથી, વેશ્યા પર ન્યાયકરણનો સંદેશો જાહેર કરવા મોકલવામાં આવેલો દૂત સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે: “એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રૂદન તથા દુકાળ, આવશે; અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે; કેમકે તેનો ન્યાય કરનાર પ્રભુ દેવ સમર્થ છે.” તેથી મહાન બાબેલોનનો અંત જાણે “એક જ દિવસમાં” વિજળીના કડાકાની જેમ આવશે અને જલદી જ પસાર થઈ જશે.—પ્રકટીકરણ ૧૮:૮; યશાયાહ ૪૭:૮, ૯, ૧૧.
દૂતના શક્તિશાળી શબ્દો એ પ્રશ્ન તરફ દોરી જાય છે કે, શું કોઈ ધર્મ બાકી રહેશે, અને એમ હોય તો કયો ધર્મ બાકી રહેશે અને શા માટે? ભવિષ્યવાણી શું બતાવે છે? એ હવે પછીના લેખમાં વિચારવામાં આવશે.
આફ્રિકામાં
ખ્રિસ્તીરાષ્ટ્રનો રક્તદોષ
પ્રકટીકરણ ૧૮:૨૪ ખાતે બાઇબલ કહે છે કે મહાન બાબેલોનમાં “પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે, તે સર્વેનું” લોહી મળ્યું છે. ધાર્મિક મતભેદોને કારણે અને એને દૂર કરવામાં ધાર્મિક આગેવાનોની નિષ્ફળતાને કારણે જે યુદ્ધો લડવામાં આવ્યાં એનો વિચાર કરો. એનું તાજેતરનું ઉદાહરણ રુવાન્ડાની કત્લેઆમમાં સ્પષ્ટ છે, જેમાં કંઈક ૫,૦૦,૦૦૦ લોકોને મારી નાખવામાં આવ્યા—જેમાંનો ત્રીજો ભાગ બાળકોનો હતો.
કેનેડિયન લેખક હ્યુ મક્યુલમ રુવાન્ડાથી અહેવાલ આપે છે: “કિગાલી [રુવાન્ડા]માંનો એક હુતુ પાદરી કહે છે કે નૈતિક આગેવાની પૂરી પાડવામાં ચર્ચની નિષ્ફળતા સમજાવી ન શકાય એવી છે. રુવાન્ડાના સમાજમાં બિશપનું સ્થાન પ્રચંડપણે મહત્ત્વનું હોવું જોઈતું હતું. કત્લેઆમને છૂટો દોર મળ્યો એના પહેલાં તેઓ ઝઝૂમી રહેલી આફત વિષે જાણતા હતા. ચર્ચના મંચ લગભગ સમગ્ર વસ્તી કત્લેઆમ અટકાવતો દૃઢ સંદેશો સાંભળે એવી તક પૂરી પાડી શક્યાં હોત. એને બદલે આગેવાનો ચૂપ રહ્યા.”
વર્ષ ૧૯૯૪માં સૌથી ખરાબ હત્યાકાંડ પછી, ચર્ચના એક આગેવાન જસ્ટિન હાકિઝિમાનાએ કિગાલીમાં પ્રેસબિટેરિયન ચર્ચમાં યોજાએલી એક નાની સભામાં કહ્યું: “ચર્ચે હાબીઆરિમાના [રુવાન્ડાના પ્રમુખ]ના રાજકારણ સાથે હાથ મિલાવ્યા. જે કંઈ બની રહ્યું હતું એને અમે દોષિત ઠરાવી ન શક્યા કેમ કે અમે ભ્રષ્ટ હતા. અમારા કોઈ પણ ચર્ચે, ખાસ કરીને કેથલિક ચર્ચે, હત્યાકાંડને દોષિત ઠરાવ્યો નથી.”
ચર્ચના એક પાદરી એરોન મુગેમેરાએ હત્યાકાંડ પછી રુવાન્ડામાં યોજાયેલ બીજી એક સભામાં કહ્યું: “ચર્ચ શરમિંદુ છે. . . . અમારે અહીંયા તો ૧૯૫૯થી ખૂનરેજી ચાલે છે. કોઈએ પણ એને દોષિત ઠરાવ્યું નથી. . . . અમે બોલતા ન હતા કેમ કે અમે ગભરાતા હતા, તથા સુખચેનમાં હતા.”
આ “વેશ્યા” આખા જગતને અસર કરે છે
ગોળો: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.