‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
“જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”—માથ. ૨૮:૨૦.
૧. (ક) ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત ટૂંકમાં જણાવો. (ખ) એની સમજણમાં ઈસુ શું જણાવે છે?
રાજ્ય વિશે ઈસુએ કેટલાક દૃષ્ટાંતો આપ્યાં હતાં. એમાંનું એક જણાવે છે કે, એક ખેડૂતે ઘઉંના સારા દાણા વાવ્યા હતા. અને રાતના વૈરીએ આવીને એ જ ખેતરમાં કડવા દાણા પણ વાવ્યા. ઘઉં કરતાં કડવા દાણા ઝડપથી વધવા લાગ્યા. પરંતુ, ખેડૂતે ચાકરોને કહ્યું કે, ‘કાપણી સુધી બંનેને સાથે વધવા દો.’ કાપણીની મોસમમાં, કડવા દાણાનો નાશ કરવામાં આવ્યો અને ઘઉંને ભેગા કરવામાં આવ્યા. એ દૃષ્ટાંતની સમજણ પણ ઈસુએ આપી. (માથ્થી ૧૩:૨૪-૩૦, ૩૭-૪૩ વાંચો.) એ દૃષ્ટાંત શું શીખવે છે? (“ઘઉં અને કડવા દાણા”નું ચાર્ટ જુઓ.)
૨. (ક) ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત કયા બનાવો વિશે જણાવે છે? (ખ) આ લેખમાં આપણે દૃષ્ટાંતના કયા ભાગની ચર્ચા કરીશું?
૨ દૃષ્ટાંતમાંના બનાવો બતાવે છે કે ઈસુ કઈ રીતે અને ક્યારે મનુષ્યોમાંથી અભિષિક્ત ખ્રિસ્તીઓને ભેગા કરશે, જે તેમની સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે. તેઓને એક સમૂહ તરીકે ઘઉં જેવો વર્ગ કહેવામાં આવ્યા છે. સાલ ૩૩માં પેન્તેકોસ્તના દિવસે ઈસુએ બી વાવવાનું શરૂ કર્યું. ઘઉં જેવા વર્ગને ભેગા કરવાનું કામ ક્યારે પૂરું થશે? દુનિયાના અંતના વખતે પૃથ્વી પર જીવતા અભિષિક્તોને આખરી મુદ્રા મળશે અને પછી તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે, ત્યારે એ કામ પૂરું થશે. (માથ. ૨૪:૩૧; પ્રકટી. ૭:૧-૪) પહાડ પર ચઢીને જોવાથી વ્યક્તિને આખું દૃશ્ય જોવા મદદ મળે છે. એ જ રીતે, આ દૃષ્ટાંત આપણને આશરે ૨,૦૦૦ વર્ષના સમયગાળામાં બનેલા બનાવોની સારી સમજણ મેળવવા મદદ કરે છે. દૃષ્ટાંતના એ બનાવો કયા છે? બીનું વાવેતર, વૃદ્ધિ અને કાપણી. આ લેખમાં ખાસ કરીને કાપણીના સમયની ચર્ચા કરીશું.a
ઈસુની દેખરેખ નીચે
૩. (ક) પહેલી સદી પછી શું બન્યું? (ખ) માથ્થી ૧૩:૨૮ પ્રમાણે કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ કોણે પૂછ્યો? (નોંધ પણ જુઓ.)
૩ બીજી સદીની શરૂઆતમાં “કડવા દાણા” જેવા નકલી ખ્રિસ્તીઓ પણ દેખાવા લાગ્યા. (માથ. ૧૩:૨૬) ચોથી સદી સુધી, તેઓ અભિષિક્ત ખ્રિસ્તીઓ કરતાં ખૂબ વધી ગયા. યાદ કરો કે, દૃષ્ટાંતમાં કડવા દાણાને ઉખેડી કાઢવા ચાકરોએ માલિકને પૂછ્યું હતું.b (માથ. ૧૩:૨૮) પણ માલિકે શું કહ્યું?
૪. (ક) ઈસુએ શિષ્યોને કહેલા શબ્દો શું બતાવે છે? (ખ) ઘઉં જેવા અભિષિક્તોને પારખવા ક્યારે શક્ય બન્યું?
૪ ઘઉં અને કડવા દાણા વિશે જણાવતા ઈસુએ કહ્યું: “કાપણી સુધી બંનેને સાથે વધવા દો.” એ શબ્દો પરથી જોઈ શકાય છે કે, પહેલી સદીથી આજ સુધી પૃથ્વી પર હંમેશાં અમુક અભિષિક્તો રહ્યા છે. આપણને એ તારણ પર આવવા, ઈસુએ શિષ્યોને પછીથી કહેલા શબ્દો મદદ કરે છે. તેમણે કહ્યું હતું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) આમ, કહી શકાય કે અભિષિક્ત ખ્રિસ્તીઓને અંતના સમય સુધી ઈસુનું રક્ષણ હંમેશાં મળતું રહેશે. છતાં, એ વખતે કડવા દાણા એટલે કે નકલી ખ્રિસ્તીઓ સંખ્યામાં અભિષિક્તોથી વધી ગયા હતા, એટલે એ લાંબા સમયગાળામાં ઘઉં જેવા વર્ગમાં કોનો સમાવેશ થતો હતો, એ આપણે ખાતરીથી કહી શકતા નથી. જોકે, કાપણીની મોસમ શરૂ થઈ એના આશરે ૩૦ વર્ષ પહેલાં, એ પારખવું શક્ય બન્યું કે “ઘઉં” જેવા અભિષિક્તો કોણ છે. એ કઈ રીતે શક્ય બન્યું?
એક સંદેશવાહક ‘માર્ગ તૈયાર કરે છે’
૫. પહેલી સદીમાં માલાખીની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૫ ઈસુએ ઘઉં અને કડવા દાણાનું ઉદાહરણ આપ્યું એની સદીઓ પહેલાં યહોવાએ માલાખી પ્રબોધક દ્વારા એક ભવિષ્યવાણી કરી હતી. એમાં જણાવેલા બનાવો, ઈસુના દૃષ્ટાંતમાં બનતી બાબતોને દર્શાવે છે. (માલાખી ૩:૧-૪ વાંચો.) યોહાન બાપ્તિસ્મક એ દૂત કે સંદેશવાહક હતા, જેમણે ‘માર્ગ તૈયાર કર્યો.’ (માથ. ૧૧:૧૦, ૧૧, IBSI) ૨૯ની સાલમાં તે આવ્યા ત્યારે ઈસ્રાએલના ન્યાયનો સમય નજીક હતો. માલાખીની ભવિષ્યવાણીમાં જણાવેલ બીજા સંદેશવાહક ઈસુ હતા. તેમણે બે વાર યરૂશાલેમના મંદિરને શુદ્ધ કર્યું. પહેલી વાર, પોતાના સેવાકાર્યની શરૂઆતમાં અને બીજી વાર, એના પૂરા થતા પહેલાં. (માથ. ૨૧:૧૨, ૧૩; યોહા. ૨:૧૪-૧૭) તેથી, મંદિરને શુદ્ધ કરવાનું કામ અમુક સમયગાળામાં થયું હતું.
૬. (ક) માલાખીની ભવિષ્યવાણી મોટા પાયે કઈ રીતે પૂરી થઈ? (ખ) ઈસુએ કયા સમયગાળામાં મંદિરની ચકાસણી કરી? (નોંધ પણ જુઓ.)
૬ માલાખીની એ ભવિષ્યવાણી મોટા પાયે કઈ રીતે પૂરી થઈ? ૧૯૧૪ પહેલાંના અમુક દાયકાઓમાં, સી. ટી. રસેલ અને સાથી ભાઈઓએ મળીને યોહાન બાપ્તિસ્મક જેવું કામ કર્યું. બાઇબલ ખરેખર શું શીખવે છે, એ જાણવા તેઓએ એનો ઊંડો અભ્યાસ કર્યો. દાખલા તરીકે, તેઓએ ખ્રિસ્તના બલિદાનનો ખરો અર્થ શીખવ્યો. તેઓએ નરક વિશેનું જૂઠાણું ખુલ્લું પાડ્યું. તેમ જ, જાહેર કર્યું કે વિદેશીઓના સમયો ક્યારે પૂરા થવાના છે. પરંતુ, એ સમયે ખ્રિસ્તને અનુસરવાનો દાવો કરનારા ઘણા ધાર્મિક સમૂહો હતા. તેથી સવાલ થાય કે, તેઓમાંથી કોણ ઘઉં હતા? એનો જવાબ આપતા, ઈસુએ વર્ષ ૧૯૧૪માં મંદિરની એટલે કે, ઈશ્વરની ભક્તિમાં તેઓ કેવું કરી રહ્યા છે, એની ચકાસણી કરી. એ ચકાસણી અને શુદ્ધ કરવાનું કામ ૧૯૧૪થી ૧૯૧૯ની શરૂઆત સુધી ચાલ્યું.c
અભિષિક્તોને ચકાસવાનાં અને શુદ્ધ કરવાનાં વર્ષો
૭. ઈસુએ ૧૯૧૪માં ચકાસણી કરવાનું શરૂ કર્યું ત્યારે, તેમને શું જોવા મળ્યું?
૭ ઈસુએ ચકાસણી કરવાનું શરૂ કર્યું ત્યારે, તેમને શું જોવા મળ્યું? બાઇબલ વિદ્યાર્થીઓનો એક નાનો સમૂહ ઉત્સાહથી રાજ્યનો પ્રચાર કરવા પોતાની ધનસંપત્તિ અને શક્તિને વાપરી રહ્યો હતો. તેઓ આમ ૩૦થી વધુ વર્ષોથી કરી રહ્યા હતા.d ઈસુ અને સ્વર્ગદૂતો એ જોઈને ઘણા ખુશ થયા હશે કે ઘઉં જેવો વર્ગ ભક્તિમાં અડગ રહ્યો છે. તેમ જ, કડવા દાણાને લીધે એ વર્ગની વૃદ્ધિ રૂંધાઈ નથી. છતાં, “લેવીના પુત્રોને” એટલે કે અભિષિક્તોને શુદ્ધ કરવાની જરૂર હતી. (માલા. ૩:૨, ૩; ૧ પીત. ૪:૧૭) શા માટે?
૮. વર્ષ ૧૯૧૪ પછી શું બન્યું?
૮ સ્વર્ગમાં જવાનું થયું ન હોવાથી, વર્ષ ૧૯૧૪ના અંત સુધીમાં અમુક બાઇબલ વિદ્યાર્થીઓ ભક્તિમાં ઠંડા પડી ગયા. ૧૯૧૫ અને ૧૯૧૬નાં વર્ષોમાં સંગઠનની બહારના લોકોના વિરોધને લીધે પ્રચારકાર્ય ધીમું પડી ગયું. ઑક્ટોબર, ૧૯૧૬માં ભાઈ રસેલના મૃત્યુ પછી સ્થિતિ વધારે બગડી. સંગઠનમાંથી જ કેટલાક લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીના સાતમાંથી ચાર સંચાલકોએ ભાઈ રધરફર્ડ આગેવાની લે, એ નિર્ણયનો વિરોધ કર્યો. તેઓએ ફૂટ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ ઑગસ્ટ, ૧૯૧૭માં પોતે જ બેથેલ છોડી જતા રહ્યા. આમ, સંગઠન એક રીતે શુદ્ધ કરવામાં આવ્યું. વધુમાં, અમુક બાઇબલ વિદ્યાર્થીઓએ માણસોના ડરને લીધે યહોવાની ભક્તિ પડતી મૂકી. જોકે, બાઇબલ વિદ્યાર્થીઓએ એક સમૂહ તરીકે જીવનમાં ઘણા ફેરફાર કર્યા. આમ કરીને તેઓ યહોવાની નજરે શુદ્ધ બનવા માગતા હતા. તેથી, ઈસુએ તેઓને ઘઉં જેવા સાચા ભક્તો ગણ્યા. પરંતુ, મંડળમાંના નકલી ખ્રિસ્તીઓને અને પોતાને ખ્રિસ્તી કહેવડાવતા ચર્ચના લોકોને ઈસુએ નકાર્યા. (માલા. ૩:૫; ૨ તીમો. ૨:૧૯) પછી, શું બન્યું? એ સમજવા ચાલો ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતની ફરી ચર્ચા કરીએ.
કાપણીની મોસમ શરૂ થયા પછી શું બને છે?
૯, ૧૦. (ક) હવે આપણે શાની ચર્ચા કરીશું? (ખ) કાપણીની મોસમમાં પ્રથમ શું બન્યું?
૯ ઈસુએ કહ્યું, ‘કાપણી જગતના અંતનો’ સમય છે. (માથ. ૧૩:૩૯) કાપણીની મોસમ વર્ષ ૧૯૧૪માં શરૂ થઈ. ઈસુના જણાવ્યા પ્રમાણે કાપણીની મોસમમાં પાંચ બનાવો બનશે. ચાલો, હવે એની ચર્ચા કરીએ.
૧૦ પ્રથમ, કડવા દાણા એકઠા કરાશે. ઈસુએ જણાવ્યું હતું, “કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ, કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો,” વર્ષ ૧૯૧૪ પછી, સ્વર્ગદૂતોએ કડવા દાણા એકઠા કરવાનું શરૂ કર્યું. કઈ રીતે? તેઓએ નકલી ખ્રિસ્તીઓને અભિષિક્તોથી એટલે કે ‘રાજ્યના દીકરાઓથી’ જુદા પાડ્યા.—માથ. ૧૩:૩૦, ૩૮, ૪૧.
૧૧. કયા કાર્યને લીધે સાચા ખ્રિસ્તીઓ નકલી ખ્રિસ્તીઓથી જુદા દેખાઈ આવ્યા?
૧૧ એકઠા કરવાનું કામ વધવા લાગ્યું તેમ, ઘઉં અને કડવા દાણા વચ્ચેનો ભેદ સ્પષ્ટ થતો ગયો. (પ્રકટી. ૧૮:૧, ૪) વર્ષ ૧૯૧૯ સુધીમાં, સાફ દેખાઈ આવ્યું કે મહાન બાબેલોન પડ્યું છે, એટલે કે સાચા ખ્રિસ્તીઓ એના બંધનમાંથી આઝાદ થયા છે. ખાસ શાના લીધે સાચા ખ્રિસ્તીઓ નકલી ખ્રિસ્તીઓથી જુદા દેખાઈ આવ્યા? પ્રચારકાર્યને લીધે. બાઇબલ વિદ્યાર્થીઓમાં આગેવાની લેતા ભાઈઓ ભાર મૂકવા લાગ્યા કે, મંડળમાં દરેકે રાજ્યનો પ્રચાર કરવો જરૂરી છે. દાખલા તરીકે, વર્ષ ૧૯૧૯માં ટુ હુમ ધ વર્ક ઇઝ ઍન્ટ્રસ્ટેડ નામની પુસ્તિકા બહાર પાડવામાં આવી. એમાં, દરેક અભિષિક્ત ખ્રિસ્તીને ઘર ઘરનો પ્રચાર કરવા અરજ કરવામાં આવી હતી. પુસ્તિકામાં લખ્યું હતું: ‘ભલે એ કામ અશક્ય લાગતું હોય, પ્રભુ તેમના લોકોને એ કામ કરવા હિંમત આપશે. એમાં ભાગ લેવાનો તમારી પાસે લહાવો છે.’ પરિણામ શું આવ્યું? વર્ષ ૧૯૨૨નું ધ વૉચ ટાવર જણાવે છે કે, એ સમયથી બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રચારકાર્યમાં વધારો કર્યો. થોડા જ સમયમાં, ઘર ઘરનું પ્રચારકાર્ય એ વફાદાર ખ્રિસ્તીઓની ઓળખ બની ગયું. આજે પણ, એ કામ આપણી ઓળખ છે.
૧૨. ઘઉં જેવા વર્ગને ક્યારથી એકઠા કરવામાં આવ્યા છે?
૧૨ બીજું, ઘઉંને એકઠા કરાશે. ઈસુએ સ્વર્ગદૂતોને આજ્ઞા કરી, “ઘઉં મારી વખારમાં ભરો.” (માથ. ૧૩:૩૦) વર્ષ ૧૯૧૯થી અભિષિક્ત ખ્રિસ્તીઓને શુદ્ધ થયેલાં મંડળમાં ભેગા કરવામાં આવ્યા છે. દુનિયાના અંત પહેલાં, જે અભિષિક્તો જીવતા હશે તેઓનું છેલ્લીવાર એકઠા થવું ત્યારે બનશે, જ્યારે તેઓને સ્વર્ગનું ઈનામ મળશે.—દાની. ૭:૧૮, ૨૨, ૨૭.
૧૩. વેશ્યાના એટલે કે, કહેવાતા ખ્રિસ્તી ધર્મ અને બાકીના મહાન બાબેલોનના હાલના વર્તન વિશે પ્રકટીકરણ ૧૮:૭ શું જણાવે છે?
૧૩ ત્રીજું, રડવું અને દાંત પીસવું થશે. સ્વર્ગદૂતો કડવા દાણાને ભેગા કરી લે એ પછી શું બનશે? કડવા દાણાના કેવા હાલ થશે, એ વિશે જણાવતા ઈસુએ કહ્યું કે તેઓ માટે “ત્યાં રડવું ને દાંત પીસવું થશે.” (માથ. ૧૩:૪૨) શું એવું હાલમાં બની રહ્યું છે? ના. કહેવાતો ખ્રિસ્તી ધર્મ વેશ્યાનો ભાગ છે, જે આજે પણ જાણે કહી રહી છે, “હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી અને હું રૂદન કરનારી નથી.” (પ્રકટી. ૧૮:૭) એને લાગે છે કે બધી બાબતો પર પોતાનો કાબૂ છે અને રાણીની જેમ એ રાજકીય આગેવાનો પર સત્તા ચલાવે છે. તેથી, કહી શકાય કે કહેવાતો ખ્રિસ્તી ધર્મ આજે પણ બડાઈ હાંકી રહ્યો છે. એણે હજુ રડવાનું શરૂ કર્યું નથી. જોકે, બહુ જલદી જ એની સ્થિતિ બદલાશે.
૧૪. (ક) નકલી ખ્રિસ્તીઓ ક્યારે અને કેમ દાંત પીસશે? (ખ) માથ્થી ૧૩:૪૨ની આપણી સમજણમાં સુધારો કઈ રીતે ગીતશાસ્ત્ર ૧૧૨:૧૦ની સુમેળમાં છે? (નોંધ જુઓ.)
૧૪ મોટી વિપત્તિ વખતે જૂઠા ધર્મોનો નાશ થશે. એ સમયે, જૂઠા ધર્મોને જેઓ ટેકો આપતા હતા તેઓ રક્ષણ માટે અહીં તહીં દોડશે. પરંતુ, તેઓને સંતાવાની કોઈ જગ્યા મળશે નહિ. (લુક ૨૩:૩૦; પ્રકટી. ૬:૧૫-૧૭) ત્યારે તેઓને ભાન થશે કે, હવે વિનાશમાંથી બચવાનો કોઈ રસ્તો નથી. તેથી, તેઓ પોતાના હાલ પર રડશે અને ગુસ્સામાં ‘દાંત પીસશે.’ મોટી વિપત્તિ વિશેની ભવિષ્યવાણીમાં ઈસુએ જણાવ્યું હતું તેમ, એ સમયે તેઓ “શોક કરશે.”e—માથ. ૨૪:૩૦; પ્રકટી. ૧:૭.
૧૫. કડવા દાણાનું શું થશે અને ક્યારે?
૧૫ ચોથું, ભઠ્ઠીમાં નાખવામાં આવશે. ભેગા કરેલા કડવા દાણાનું છેવટે શું થશે? સ્વર્ગદૂતો કડવા દાણાને “બળતી ભઠ્ઠીમાં નાખી દેશે.” (માથ. ૧૩:૪૨) એ બતાવે છે કે, તેઓનો પૂરેપૂરો નાશ થશે. તેથી, જેઓ જૂઠા ધર્મો સાથે જોડાયેલા હતા, તેઓનો મોટી વિપત્તિના અંતિમ ભાગ આર્માગેદનમાં નાશ થશે.—માલા. ૪:૧.
૧૬, ૧૭. (ક) ઈસુના દૃષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે છેલ્લે કયો બનાવ બનશે? (ખ) શા માટે કહી શકાય કે એ બનાવ ભાવિમાં બનશે?
૧૬ પાંચમું, સૂરજની જેમ પ્રકાશશે. ઈસુની ભવિષ્યવાણીના આખરી શબ્દો હતા: “ત્યારે ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશશે.” (માથ. ૧૩:૪૩) તેઓ સૂરજની જેમ ક્યારે અને ક્યાં પ્રકાશશે? ભવિષ્યવાણીનો એ ભાગ આવનાર સમયમાં પૂરો થશે. તેમ જ, એ બનાવ પૃથ્વી પર નહિ પણ સ્વર્ગમાં બનશે.f એ તારણ પર આવવાનાં બે કારણો છે. ચાલો, એની ચર્ચા કરીએ.
૧૭ પ્રથમ જોઈએ કે એ બાબત ક્યારે બનશે. ઈસુએ કહ્યું હતું કે, ‘ત્યારે ન્યાયીઓ પ્રકાશશે.’ અહીં જણાવેલો “ત્યારે” શબ્દ ઈસુએ જણાવેલા બીજા બનાવ સાથે સંકળાયેલો છે. એ બનાવ હતો, ‘કડવા દાણાને બળતી ભઠ્ઠીમાં નાખવું,’ જે મોટી વિપત્તિના અંતિમ ભાગમાં બનશે. એના આધારે કહી શકાય કે અભિષિક્તોનું સૂરજની જેમ પ્રકાશવું ભાવિમાં બનશે. બીજું, એ બનાવ ક્યાં બનશે? ઈસુએ કહ્યું હતું કે ન્યાયીઓ ‘રાજ્યમાં પ્રકાશશે.’ એનો શું અર્થ થાય? મોટી વિપત્તિનો પ્રથમ ભાગ પૂરો થાય ત્યારે જે અભિષિક્તો હજુ પૃથ્વી પર હશે, તેઓને આખરી મુદ્રા મળી ગઈ હશે. પછી, ઈસુએ મોટી વિપત્તિની ભવિષ્યવાણીમાં જણાવ્યું તેમ, તેઓને સ્વર્ગમાં ભેગા કરવામાં આવશે. (માથ. ૨૪:૩૧) ત્યાં, તેઓ “બાપના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશશે.” આર્માગેદનના યુદ્ધ પછી તરત જ તેઓ ‘હલવાનના લગ્નને દિવસે’ ઈસુની કન્યા બનવાનો આનંદ લેશે.—પ્રકટી. ૧૯:૬-૯.
આપણને કઈ રીતે લાભ થાય છે
૧૮, ૧૯. ઘઉં અને કડવા દાણાના ઈસુના દૃષ્ટાંતને સમજવાથી કઈ રીતે લાભ મળે છે?
૧૮ એ દૃષ્ટાંતને સારી રીતે સમજવાથી આપણને કઈ રીતે લાભ થાય છે? ચાલો, ત્રણ રીતો જોઈએ. પહેલી, યહોવાએ શા માટે અત્યાર સુધી દુષ્ટોનો નાશ નથી કર્યો, એ સમજવા મદદ મળે છે. યહોવા દુષ્ટોને સહન કરે છે, જેથી “દયાનાં પાત્રો” એટલે કે ઘઉં જેવા અભિષિક્તોને તે તૈયાર કરી શકે.g (રોમ. ૯:૨૨-૨૪) બીજી, એનાથી આપણી હિંમત વધે છે. અંત નજીક આવતો જાય છે તેમ, આપણી સામેના યુદ્ધમાં દુશ્મનોનો વિરોધ વધતો જશે. પરંતુ, આપણને તેઓ ‘હરાવી શકશે નહિ.’ (યિર્મેયા ૧:૧૯ વાંચો.) યહોવાએ ઘઉં જેવા વર્ગનું ઘણાં વર્ષોથી રક્ષણ કર્યું છે. એ જ રીતે, ઈસુ અને સ્વર્ગદૂતો સાથે મળીને પિતા યહોવા, “સર્વકાળ” આપણને સાથ આપશે.—માથ. ૨૮:૨૦.
૧૯ ત્રીજી, ઘઉં જેવા વર્ગને ઓળખવા દૃષ્ટાંત આપણને મદદ કરે છે. તેઓને ઓળખવું ખૂબ મહત્ત્વનું છે. કારણ, એના દ્વારા જ આપણે ઈસુની છેલ્લા દિવસો વિશેની ભવિષ્યવાણીમાં તેમણે ઉઠાવેલા સવાલનો જવાબ મેળવી શકીશું. તેમનો સવાલ હતો: “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?” (માથ. ૨૪:૪૫) આવતા બે લેખો એ સવાલનો સ્પષ્ટ જવાબ આપે છે.
a ફકરો ૨: દૃષ્ટાંતના બીજા ભાગોની સમજણ મેળવવા, ઉત્તેજન આપીએ છીએ કે ચોકીબુરજ, માર્ચ ૧, ૨૦૧૦નો લેખ ‘યહોવાના ભક્તો “સૂરજની પેઠે પ્રકાશશે”’ વાંચો.
b ફકરો ૩: ઈસુના પ્રેરિતો ગુજરી ગયા પછી, પૃથ્વી પર જીવતા અભિષિક્તોને દૃષ્ટાંતમાં ચાકર તરીકે નહિ, પણ ઘઉં તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેથી, દૃષ્ટાંતમાં જણાવેલા ચાકરો સ્વર્ગદૂતોને રજૂ કરે છે. દૃષ્ટાંતમાં પછીથી કાપણી કરનારાઓનો પણ ઉલ્લેખ થયો છે, જે સ્વર્ગદૂતોને રજૂ કરે છે.—માથ. ૧૩:૩૯.
c ફકરો ૬: સમજણમાં આ સુધારો છે. અગાઉ આપણે માનતા હતા કે ઈસુએ વર્ષ ૧૯૧૮માં ચકાસણી કરી.
d ફકરો ૭: વર્ષ ૧૯૧૦થી ૧૯૧૪ સુધી બાઇબલ વિદ્યાર્થીઓએ આશરે ૪૦ લાખ પુસ્તકો અને ૨૦ કરોડથી વધારે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.
e ફકરો ૧૪: માથ્થી ૧૩:૪૨ની સમજણમાં આ સુધારો છે. અગાઉ આપણાં સાહિત્યમાં જણાવ્યું હતું કે, નકલી ખ્રિસ્તીઓ વર્ષોથી ‘રડે અને દાંત પીસે’ છે. કારણ, ‘રાજ્યનાં દીકરાઓʼએ તેઓને ‘શેતાનનાં દીકરા’ તરીકે ખુલ્લા પાડ્યા છે. (માથ. ૧૩:૩૮) જોકે, બાઇબલ પ્રમાણે દાંત પીસવું, એ વિનાશને રજૂ કરે છે.—ગીત. ૧૧૨:૧૦.
f ફકરો ૧૬: દાનીયેલ ૧૨:૩ જણાવે છે “સૂજ્ઞો [અભિષિક્ત ખ્રિસ્તીઓ] અંતરિક્ષના પ્રકાશની માફક” પ્રકાશશે. ખરું કે, પૃથ્વી પર તેઓ પ્રચારકાર્ય કરીને પ્રકાશે છે. પરંતુ, માથ્થી ૧૩:૪૩ની કલમ એ સમયને રજૂ કરે છે જ્યારે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રકાશશે. અગાઉ આપણે માનતા હતા કે બંને કલમો પ્રચારકાર્યને જ રજૂ કરે છે.
g ફકરો ૧૮: ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકનું પાન ૨૮૮-૨૮૯ જુઓ.