યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ
“હું તારા સર્વ કામોનું મનન કરીશ.”—ગીત. ૭૭:૧૨.
ગીતો: ૨૨ (185), ૧૩ (113)
૧, ૨. (ક) તમને શા માટે ખાતરી છે કે યહોવા પોતાના લોકોને પ્રેમ કરે છે? (ખ) ઈશ્વરે મનુષ્યોમાં કઈ લાગણી મૂકી છે?
યહોવા પોતાના લોકોને પ્રેમ કરે છે એવી ખાતરી તમને શા માટે છે? તમે એનો જવાબ આપો એ પહેલાં આ ત્રણ ભાઈ-બહેનોના અનુભવો પર વિચાર કરો. બહેન ટૅલીનને બીજાં ભાઈ-બહેનો તરફથી કેટલાંક વર્ષો સુધી પ્રેમાળ ઉત્તેજન મળ્યું હતું. એ ભાઈ-બહેનોએ ટૅલીનને જણાવ્યું કે તે જે કરી શકે છે એમાં ખુશ રહે. ટૅલીન કહે છે: ‘જો યહોવા મને પ્રેમ કરતા ન હોત, તો તેમણે મને વારંવાર સલાહ આપી ન હોત.’ હવે બહેન બ્રીગીટનો વિચાર કરો. પતિના મૃત્યુ પછી બહેને એકલા હાથે બે બાળકોનો ઉછેર કર્યો. તે કહે છે: ‘પડકારોથી ભરેલી શેતાનની દુનિયામાં બાળકો મોટાં કરવાં બહુ અઘરું છે. ખાસ કરીને, એકલી માતા કે પિતા માટે. પરંતુ, મને પૂરી ખાતરી છે કે યહોવા મને પ્રેમ કરે છે. કેમ કે, તેમણે મારા આંસુભર્યાં અને દુઃખદ સંજોગોમાં સદા માર્ગદર્શન આપ્યું છે. હું સહી ન શકું એવી કોઈ તકલીફ મારા પર આવવા દીધી નથી.’ (૧ કોરીં. ૧૦:૧૩) હવે બહેન સેન્ડ્રાનો વિચાર કરો. તે એવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે, જેનો કોઈ ઇલાજ નથી. એકવાર સંમેલનમાં એક બહેને ઘણી લાગણી અને વ્યક્તિગત રસ લઈને સેન્ડ્રા સાથે વાત કરી. સેન્ડ્રાના પતિ કહે છે: ‘અમે એ બહેનને ઓળખતાં પણ ન હતાં. છતાં, તેમણે અમારાં માટે ઊંડી ચિંતા બતાવી હતી. એને લીધે અમારું દિલ ખુશીથી ઊભરાઈ ગયું. ભલે ભાઈ-બહેનો આપણને પ્રેમ બતાવવા નાની-અમથી બાબતો કરે, તોપણ એનાથી હું યહોવાનો ઊંડો પ્રેમ જોઈ શકું છું.’
૨ યહોવાએ મનુષ્યોમાં બીજાઓને પ્રેમ બતાવવાની અને બીજાઓ પાસેથી પ્રેમ મેળવવાની લાગણી મૂકી છે. પરંતુ, જો પ્રેમ ન મળે તો વ્યક્તિ નિરાશ થઈ શકે. બીમારી, પૈસાની તંગી કે સેવાકાર્યમાં સારાં પરિણામો ન મળવાને લીધે વ્યક્તિ એવું અનુભવી શકે. ત્યારે તેને લાગે કે યહોવા તેને પ્રેમ નથી કરતા. એવા સંજોગોમાં હંમેશાં યાદ રાખીએ કે તે આપણને કીમતી ગણે છે. અરે, તે તો આપણો જમણો હાથ પકડી રાખે છે અને આપણને મદદ કરે છે. જો આપણે તેમને વફાદાર રહીશું, તો તે આપણને ક્યારેય નહિ ભૂલે!—યશા. ૪૧:૧૩; ૪૯:૧૫.
૩. યહોવાને આપણા પર અપાર પ્રેમ છે, એવો ભરોસો મજબૂત કરવા શું મદદ કરી શકે?
૩ આપણે જે ભાઈ-બહેનોના દાખલા જોયા, તેઓને પૂરો ભરોસો છે કે કપરા સંજોગોમાં પણ યહોવાએ તેઓને સાથ આપ્યો છે. આપણે પણ એવી ખાતરી રાખી શકીએ. (ગીત. ૧૧૮:૬, ૭) આપણે આ લેખમાં યહોવાએ આપેલી ચાર ભેટની ચર્ચા કરીશું, જે આપણને તેમના પ્રેમની સાબિતી આપે છે. એ છે: (૧) સૃષ્ટિ, (૨) બાઇબલ, (૩) પ્રાર્થના અને (૪) ઈસુનું બલિદાન. યહોવાએ આપણને આપેલી સારી ભેટો પર મનન કરવાથી, આપણે તેમના અપાર પ્રેમ માટે વધુ આભારી બની શકીશું.—ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨ વાંચો.
યહોવાએ બનાવેલી અદ્ભુત સૃષ્ટિ
૪. યહોવાએ રચેલી સૃષ્ટિ પર મનન કરવાથી આપણે શું જોઈ શકીશું?
૪ યહોવાએ બનાવેલી સૃષ્ટિને જોઈને, શું આપણને તેમના અપાર પ્રેમની ખાતરી થતી નથી? (રોમ. ૧:૨૦) દાખલા તરીકે, તેમણે પૃથ્વીને એ રીતે બનાવી છે, જેનાથી આપણે જીવનનો પૂરો આનંદ માણી શકીએ. એ માટે તેમણે બધું જ પૂરું પાડ્યું છે. ખોરાકનો વિચાર કરો. જીવન ટકાવી રાખવા એ જરૂરી છે. એમાં પણ યહોવાએ કેટલી બધી વિવિધતા આપી છે, જેથી આપણે જીવનનો આનંદ માણી શકીએ! (સભા. ૯:૭) કૅથરીન નામનાં બહેનને સૃષ્ટિની રચના નિહાળવી ખૂબ ગમે છે. ખાસ કરીને, કેનેડાની વસંતઋતુના સમયે. તે કહે છે: ‘આખી સૃષ્ટિમાં જીવનનો રંગ આવતા જોવાનો અનુભવ ખરેખર અદ્ભુત છે. જેમ કે, ફૂલ-ઝાડનું એના સમયે જમીનમાંથી ઊગી નીકળવું; પક્ષીઓનું દૂર દેશના પ્રવાસેથી પાછા ફરવું. અરે, મારા રસોડાની બારીની બહાર ચબૂતરા પર, રસ્તો ભૂલ્યા વગર, એક નાનકડા પક્ષી હમિંગબર્ડનું આવીને બેસવું. એ બધું જ કેટલું કમાલનું છે! આ રીતે આપણાં દિલને ખુશીથી ભરી દેવા પાછળ ચોક્કસ યહોવાનો પ્રેમ જ છે.’ આપણા પિતા યહોવા પોતે રચેલી સૃષ્ટિને ખૂબ ચાહે છે અને તે ઇચ્છે છે કે આપણે પણ એનો આનંદ માણીએ.—પ્રે.કૃ. ૧૪:૧૬, ૧૭.
૫. યહોવાએ આપણને જે રીતે બનાવ્યા છે એમાં તેમનો પ્રેમ કઈ રીતે દેખાઈ આવે છે?
૫ યહોવાએ આપણામાં એવી ક્ષમતા મૂકી છે, જેનાથી આપણે સંતોષ આપનારું કામ કરી શકીએ અને એનો આનંદ માણી શકીએ. (સભા. ૨:૨૪) યહોવાએ મનુષ્યોને પૃથ્વીને ભરપૂર કરવા અને એની દેખરેખ રાખવાની સોંપણી આપી હતી. તેમજ, માછલીઓ, પક્ષીઓ અને બીજાં જીવોની સંભાળ રાખવાનું કામ સોંપ્યું હતું. (ઉત. ૧:૨૬-૨૮) ઉપરાંત, તેમણે આપણામાં સુંદર ગુણો મૂક્યા, જેથી આપણે તેમને અનુસરી શકીએ.—એફે. ૫:૧.
બાઇબલ—એક કીમતી ભેટ
૬. બાઇબલ માટે આપણને કેમ ઊંડી કદર હોવી જોઈએ?
૬ આપણા માટે ઊંડો પ્રેમ હોવાને કારણે યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે. એમાંથી આપણે, યહોવા વિશે જે જાણવું જરૂરી છે, એ જાણી શકીએ છીએ. તેમજ, મનુષ્યો માટે તેમને કેવું લાગે છે એ શીખવા મળે છે. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓ વારંવાર યહોવાની આજ્ઞા તોડતા ત્યારે યહોવાને કેવું લાગતું. ગીતશાસ્ત્ર ૭૮:૩૮ જણાવે છે: ‘તે ખૂબ દયાળુ હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું અને તેઓનો નાશ કર્યો નહિ. હા, વારંવાર તેમણે પોતાનો ગુસ્સો શમાવ્યો અને પોતાનો ક્રોધ ભડકવા દીધો નહિ.’ એ કલમ પર મનન કરવાથી, આપણે જોઈ શકીએ કે યહોવાને આપણા પર કેટલો પ્રેમ છે અને તે આપણી કેટલી કાળજી રાખે છે! આપણે બધાં પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી ઘણી સંભાળ રાખે છે.—૧ પીતર ૫:૬, ૭ વાંચો.
૭. આપણે શા માટે બાઇબલને કીમતી ગણવું જોઈએ?
૭ આપણે બાઇબલને ખૂબ કીમતી ગણવું જોઈએ. શા માટે? કારણ કે, એના દ્વારા યહોવા આપણી સાથે વાત કરે છે. જે માબાપ અને બાળક એકબીજા સાથે દિલ ખોલીને વાતચીત કરે છે, તેઓમાં પ્રેમ અને ભરોસો વધે છે. યહોવા પણ આપણા પ્રેમાળ પિતા છે. ભલે આપણે તેમને જોયા નથી કે તેમનો અવાજ સાંભળ્યો નથી, પણ બાઇબલ દ્વારા તે જાણે આપણી સાથે રૂબરૂ વાત કરે છે. આપણે તેમને સાંભળતા રહેવું જોઈએ! (યશા. ૩૦:૨૦, ૨૧) યહોવા આપણને માર્ગદર્શન અને રક્ષણ આપવા ઇચ્છે છે. તે ચાહે છે કે આપણે તેમને ઓળખીએ અને તેમના પર ભરોસો રાખીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; નીતિવચનો ૧:૩૩ વાંચો.
૮, ૯. યહોવા શું ઇચ્છે છે? બાઇબલમાંથી એક દાખલો આપો.
૮ યહોવા આપણને પ્રેમ કરે છે એ હકીકત આપણે જાણીએ એવું તે ઇચ્છે છે. તેમજ, તે આપણી ખામીઓ નહિ પણ આપણામાં જે સારું છે એ જુએ છે. (૨ કાળ. ૧૬:૯) એ સમજવા ચાલો, યહુદાહના રાજા યહોશાફાટનો દાખલો જોઈએ. યહોવાએ તેમનામાં જે સારું હતું એના પર ધ્યાન આપ્યું. એક સમયે, તેણે ઈસ્રાએલના દુષ્ટ રાજા આહાબને સાથ આપવાનો ખોટો નિર્ણય લીધો. આહાબે રામોથ-ગિલઆદમાં અરામના (સીરિયાના) લોકો સામે લડાઈ કરી. એ લડાઈમાં યહોશાફાટે આહાબને સાથ આપ્યો. આહાબના ૪૦૦ જૂઠા પ્રબોધકોએ કહ્યું કે તે એ લડાઈ જીતી જશે. જ્યારે કે, યહોવાના પ્રબોધક મીખાયાએ ભાખ્યું હતું કે જો તે એ લડાઈ કરશે તો હારી જશે. અને એવું જ બન્યું! એ લડાઈમાં આહાબ માર્યો ગયો અને યહોશાફાટનો જીવ માંડ-માંડ બચ્યો. ખરું કે, એ લડાઈ પછી યહોવાએ રાજા યહોશાફાટને તેની ભૂલ માટે યેહૂ દ્વારા ઠપકો આપ્યો. છતાં, યહોવાએ પ્રબોધક યેહૂ દ્વારા આ પણ જણાવ્યું: “તોપણ તારામાં કંઈક સારી વાતો માલૂમ પડી છે.”—૨ કાળ. ૧૮:૪, ૫, ૧૮-૨૨, ૩૩, ૩૪; ૧૯:૧-૩.
૯ વર્ષો પહેલાં, રાજા યહોશાફાટે પોતાના મુખ્ય અમલદારો, લેવીઓ અને યાજકોને યહોવાના નિયમો તેમની પ્રજાને શીખવવા યહુદાહનાં બધાં શહેરમાં મોકલ્યા હતા. તેઓ એ કામમાં એટલા બધા સફળ થયા કે બીજાં રાષ્ટ્રના લોકો પણ યહોવા વિશે જાણી શક્યા. (૨ કાળ. ૧૭:૩-૧૦) ખરું કે, યહોશાફાટે પછીથી ખોટો નિર્ણય લીધો હતો. તોપણ, અગાઉ તેણે કરેલાં સારાં કામોને યહોવા ભૂલ્યાં નહિ. એ દાખલો, આપણને ખાસ દિલાસો આપે છે. કારણે કે આપણાથી પણ અમુક વાર ભૂલો થઈ જાય છે. જોકે, આપણે યહોવાની સેવા કરવા બનતું બધું જ કરીશું તો, તે આપણને પ્રેમ કરતા રહેશે. તે આપણાં સારાં કામ કદી ભૂલશે નહિ.
પ્રાર્થનાનો અજોડ લહાવો
૧૦, ૧૧. (ક) શા માટે કહી શકીએ કે પ્રાર્થના યહોવા તરફથી એક ખાસ ભેટ છે? (ખ) યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ કઈ રીતોએ આપી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૦ બાળકોને પોતાના પિતા સાથે વાત કરવી હોય ત્યારે, એક પ્રેમાળ પિતા સમય કાઢીને તેઓનું ધ્યાનથી સાંભળે છે. બાળકોની ખૂબ ચિંતા હોવાને લીધે, પિતા પોતાનાં બાળકોની લાગણીઓ જાણવા ચાહે છે. આપણા પ્રેમાળ પિતા યહોવા પણ એવું જ કરે છે. આપણે પ્રાર્થના કરીએ ત્યારે તે આપણું ધ્યાનથી સાંભળે છે. આપણા પિતા યહોવા સાથે વાત કરવી એ તો એક કીમતી લહાવો છે!
૧૧ આપણે યહોવાને કોઈ પણ સમયે પ્રાર્થના કરી શકીએ છીએ. તે આપણા મિત્ર છે. તે આપણી પ્રાર્થના સાંભળવા હંમેશાં તૈયાર હોય છે. આપણે બહેન ટૅલીન વિશે આગળ જોઈ ગયા. તે જણાવે છે: ‘તમે યહોવાને તમારા દિલની દરેક અને કોઈ પણ વાત કહી શકો છો.’ જ્યારે આપણે પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવીએ છીએ, ત્યારે તે આપણને જવાબ આપે છે. તે બાઇબલમાંથી, મૅગેઝિનના કોઈ લેખમાંથી કે ભાઈ-બહેનોના ઉત્તેજન દ્વારા આપણી પ્રાર્થનાઓના જવાબ આપે છે. દિલથી કરેલી આપણી વિનંતીઓ યહોવા સાંભળે છે. ભલે બીજું કોઈ આપણને સમજે કે ન સમજે પણ યહોવા આપણને જરૂર સમજે છે! આપણી પ્રાર્થનાઓના જવાબ આપીને, યહોવા સાબિત કરે છે કે તેમને આપણા પર અપાર પ્રેમ છે.
૧૨. બાઇબલમાં આપેલી પ્રાર્થનાઓ પર શા માટે અભ્યાસ કરવો જોઈએ? એક દાખલો આપો.
૧૨ બાઇબલમાં આપેલી પ્રાર્થનાઓમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આપણે કુટુંબ તરીકેની ભક્તિમાં કોઈક વાર એ પ્રાર્થનાઓ પર અભ્યાસ કરી શકીએ. એમ કરવાથી આપણને ફાયદો થશે. ઈશ્વરભક્તોએ દિલથી કરેલી એ પ્રાર્થનાઓ પર મનન કરવાથી આપણી પ્રાર્થનાઓ વધુ સારી બનશે. જેમ કે, યૂના મોટી માછલીના પેટમાં હતા ત્યારે, તેમણે કરેલી નમ્ર વિનંતીનો અભ્યાસ કરી શકીએ. (યૂના ૧:૧૭–૨:૧૦) મંદિરના સમર્પણ વખતે સુલેમાને દિલથી પ્રાર્થના કરી હતી. એના પર વિચાર કરી શકીએ. (૧ રાજા. ૮:૨૨-૫૩) ઈસુએ શીખવેલી પ્રાર્થના વિશે પણ મનન કરી શકાય. (માથ. ૬:૯-૧૩) સૌથી મહત્ત્વનું એ છે કે પ્રાર્થનામાં નિયમિત રીતે ‘આપણી અરજો ઈશ્વરને જણાવીએ.’ એમ કરવાથી, ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, એ આપણાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ આમ, યહોવાના અપાર પ્રેમ માટે આપણી કદર વધતી જશે.—ફિલિ. ૪:૬, ૭.
ઈસુના બલિદાનની ગોઠવણ
૧૩. ઈસુના બલિદાનને લીધે શું શક્ય બન્યું છે?
૧૩ ‘આપણને જીવન મળે’ એ માટે યહોવાએ ઈસુના બલિદાનની ભેટ આપી છે. (૧ યોહા. ૪:૯) એમાં યહોવાનો અપાર પ્રેમ જોવા મળે છે, જેના વિશે પ્રેરિત પાઊલે લખ્યું: ‘અધર્મીઓ માટે ખ્રિસ્ત યોગ્ય સમયે મરણ પામ્યા. હવે, ન્યાયી માણસ માટે ભાગ્યે જ કોઈ મરે; સારા માણસ માટે તો કોઈ એક કદાચ મરવાને હિંમત પણ બતાવે. પરંતુ, આપણે તો પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’ (રોમ. ૫:૬-૮) ઈસુના બલિદાનની ગોઠવણ એ યહોવાના પ્રેમની સૌથી મોટી સાબિતી છે. એના લીધે, મનુષ્યો માટે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવો શક્ય બન્યું છે.
૧૪, ૧૫. (ક) અભિષિક્તો માટે ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું છે? (ખ) પૃથ્વી પર જીવવાની આશા રાખતા લોકો માટે ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું છે?
૧૪ ઈસુના બલિદાનને લીધે અમુક ઈશ્વરભક્તો એક ખાસ રીતે યહોવાનો પ્રેમ અનુભવે છે. (યોહા. ૧:૧૨, ૧૩; ૩:૫-૭) યહોવાએ એ ઈશ્વરભક્તોને પોતાની પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા છે. એના લીધે, એ અભિષિક્તો હવે ઈશ્વરનાં બાળકો છે. (રોમ. ૮:૧૫, ૧૬) તેઓમાંના અમુક હાલમાં પૃથ્વી પર છે. તો પછી, શા માટે પાઊલે કહ્યું કે તેઓને ‘સ્વર્ગીય સ્થાનોમાં ઈસુની સાથે બેસાડ્યા છે’? (એફે. ૨:૬) કેમ કે યહોવાએ તેઓને સ્વર્ગમાં હંમેશ માટેના જીવનની આશા આપી છે.—એફે. ૧:૧૩, ૧૪; કોલો. ૧:૫.
૧૫ અભિષિક્ત ન હોય એવા લોકો પણ ઈસુના બલિદાનની ગોઠવણ પર શ્રદ્ધા બતાવીને ઈશ્વરના મિત્રો બની શકે છે. તેઓ પાસે ઈશ્વરનાં દત્તક બાળકો બનવાની અને બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની તક છે. ઈસુના બલિદાનની ગોઠવણ પરથી બધા મનુષ્યો માટે યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે. (યોહા. ૩:૧૬) જો આપણે યહોવાની સેવા વફાદારીથી કરીશું, તો નવી દુનિયામાં તે આપણને સૌથી સારું જીવન આપશે. એ જાણવું કેટલું રોમાંચક છે! યહોવાએ ઈસુના બલિદાન દ્વારા પોતાના અપાર પ્રેમની સૌથી મોટી સાબિતી આપી છે. તેથી, ચાલો આપણે એની કદર કરીએ.
યહોવાને તમારો પ્રેમ વ્યક્ત કરો
૧૬. યહોવાના પ્રેમ પર મનન કરવાથી આપણને શાની પ્રેરણા મળશે?
૧૬ યહોવા આપણને અલગ અલગ રીતોએ પ્રેમ બતાવે છે. એ આશીર્વાદોની ગણતરી કરવી અશક્ય છે! એટલે જ રાજા દાઊદે આ ગીત ગાયું: “હે ઈશ્વર, તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય.” (ગીત. ૧૩૯:૧૭, ૧૮) પ્રેમ બતાવવાની યહોવાની અનેક રીતો પર મનન કરવાથી, આપણે તેમને વધુ પ્રેમ કરવા પ્રેરાઈશું. તેમજ, તેમની સેવામાં સૌથી સારું કરવા આપણને ઉત્તેજન મળશે.
૧૭, ૧૮. યહોવા માટે આપણો પ્રેમ બતાવવાની અમુક રીતો કઈ છે?
૧૭ આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એ બતાવવાની ઘણી રીતો છે. જેમ કે, રાજ્યની ખુશખબર બીજાઓને ઉત્સાહથી જણાવીને આપણે યહોવાને પ્રેમ બતાવી શકીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આપણી શ્રદ્ધાની કસોટી થાય એવા સંજોગોમાં પણ યહોવાને વફાદાર રહીને, આપણે પોતાના પ્રેમની સાબિતી આપી શકીએ. (ગીતશાસ્ત્ર ૮૪:૧૧; યાકૂબ ૧:૨-૫ વાંચો.) ભલે આપણા પર ગમે તેટલી આકરી કસોટી આવે, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા ચોક્કસ મદદ કરશે. કારણ કે તેમની નજરમાં આપણે ઘણા કીમતી છીએ.—ગીત. ૫૬:૮.
૧૮ યહોવા માટેનો પ્રેમ તેમણે બનાવેલી અદ્ભુત સૃષ્ટિ પર મનન કરવા આપણને પ્રેરે છે. બાઇબલનો સારો અભ્યાસ કરીને આપણે યહોવા અને બાઇબલ માટે પોતાનો પ્રેમ બતાવીએ છીએ. આપણે નિયમિત રીતે યહોવાને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. તેમજ, તેમની સાથે આપણો સંબંધ મજબૂત થાય એવું ચાહીએ છીએ. આપણે ઈસુના અમૂલ્ય બલિદાનની ગોઠવણ પર મનન કરીએ છીએ ત્યારે, યહોવા માટેનો આપણો પ્રેમ વધુને વધુ ગાઢ બને છે. (૧ યોહા. ૨:૧, ૨) યહોવાના અપાર પ્રેમની કદર બતાવવાની આ તો બસ અમુક રીતો છે!