યહોવાહ હંમેશાં પ્રાર્થનાનો જવાબ આપે છે
“જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.”—ગીત. ૮૩:૧૮.
૧, ૨. ઘણાને કેવો અનુભવ થયો છે? કયા સવાલોની ચર્ચા કરીશું?
અમુક વર્ષો પહેલાંની આ વાત છે. એક એરિયામાં બહુ ખરાબ બનાવ બન્યો. ત્યાંની એક કૅથલિક સ્ત્રી એકદમ ગભરાઈ ગઈ. તે દિલાસો મેળવવા પાદરી પાસે ગઈ. પણ તેમને તો વાત કરવાનીયે ફુરસદ ન હતી. તે સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી. ‘હું તને ઓળખતી નથી. પણ જાણું છું કે તું છે. તને ઓળખવા મને મદદ કર.’ પછી યહોવાહના સાક્ષીઓ તેને મળ્યા ને ઉત્તેજન આપ્યું. બાઇબલમાંથી તેને શીખવ્યું કે ભગવાનનું નામ યહોવાહ છે. એ જાણીને તે ખુશીથી બોલી ઊઠી, ‘આજ સુધી જેને જાણવા માગતી હતી, તેને હવે ઓળખી શકી.’
૨ ઘણા આવી રીતે નવાઈ પામ્યા છે. ઈશ્વરના નામ વિષે ગીતશાસ્ત્ર ૮૩:૧૮ કહે છે: ‘તું જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર મહાન ઈશ્વર છે.’ આજે ઘણા લોકો એ જાણતા નથી. કેવા બનાવોથી લોકો જાણશે કે યહોવાહ જ ખરા ઈશ્વર છે? ગીતશાસ્ત્ર ૮૩મો અધ્યાય એના વિષે શું કહે છે? એ કેમ લખવામાં આવ્યો? આ લેખમાં આપણે એની ચર્ચા કરીશું.a
યહોવાહના ભક્તોના દુશ્મનો
૩, ૪. ગીતશાસ્ત્ર ૮૩ કોણે લખ્યું? એમાં કયા બનાવોની વાત થાય છે?
૩ ગીતશાસ્ત્ર ૮૩મા અધ્યાયની ઉપરનું લખાણ કહે છે: “ગાયન, આસાફનું ગીત.” દાઊદ રાજાના સમયમાં લેવી કુળના આસાફ, મુખ્ય સંગીતકાર હતા. ગીતશાસ્ત્ર ૮૩ રચનાર તેમના કુટુંબના હોય શકે. આ ગીતના કવિ યહોવાહને કંઈ કરવાની અરજ કરે છે, જેથી લોકો જાણે કે યહોવાહ જ એકલા ખરા ઈશ્વર છે. સુલેમાનના મરણ પછી આ ભજન લખાયું હોય શકે. એનો શું પુરાવો? દાઊદ અને સુલેમાનના જમાનામાં, ઈસ્રાએલ રાજ્ય સાથે તૂરનું રાજ્ય સારા સંબંધો રાખતું. ગીતશાસ્ત્ર ૮૩ લખાયું ત્યારે, તૂરનો રાજા ઈસ્રાએલના દુશ્મનો સાથે જોડાઈ ગયો હતો.
૪ કવિએ ઈસ્રાએલની આજુબાજુના દસ દુશ્મન દેશોનાં નામ આપ્યાં: “તંબુમાં રહેનાર અદોમીઓ, ઈશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ, ગબાલ તથા આમ્નોન તથા અમાલેક, તૂરની વસ્તી સુદ્ધાં પલિસ્તીઓ કરાર કરે છે; આશ્શૂર પણ તેઓની સાથે સામેલ થએલો છે.” (ગીત. ૮૩:૬-૮) એ ભજનમાં કયા બનાવોની વાત થાય છે? અમુકનું માનવું છે કે એ યહોશાફાટના સમયની વાત હતી. એ વખતે આમ્નોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો ઈસ્રાએલ સાથે લડ્યા કરતા. (૨ કાળ. ૨૦:૧-૨૬) બીજાનું માનવું છે કે અહીં ઈસ્રાએલ પર ચડી આવેલા બધા જ દુશ્મનોની વાત થતી હતી.
૫. ગીતશાસ્ત્ર ૮૩માંથી આપણને કયો લાભ મળે છે?
૫ ભલે ગમે એ બનાવો હોય, પણ યહોવાહે આ ભજન પોતાના ભક્તો માટે લખાવી લીધું. ઈસ્રાએલના જમાનાની જેમ, આજે આપણે પણ યહોવાહના માર્ગદર્શન અને સચ્ચાઈથી ચાલીએ છીએ. દુશ્મનો આપણું નામનિશાન મિટાવવા માંગે છે. થોડા જ સમયમાં માગોગનો ગોગ યહોવાહના ભક્તો પર આખરી હુમલો કરશે. આ ભજનમાંથી આપણને મુશ્કેલીઓ સહેવા હિંમત અને ઉત્તેજન મળે છે.—હઝકીએલ ૩૮:૨, ૮, ૯, ૧૬ વાંચો.
કવિની ચિંતા
૬, ૭. (ક) ગીતશાસ્ત્ર ૮૩ની શરૂઆતમાં કવિએ શાની પ્રાર્થના કરી? (ખ) કવિને શાની વધારે ચિંતા હતી?
૬ કવિએ પ્રાર્થનામાં દિલ ઠાલવ્યું: ‘હે ઈશ્વર, તું છાનો ન રહે; તું ચૂપ તથા શાંત ન રહે. તારા શત્રુઓ હુલ્લડ કરે છે, અને તારા દુશ્મનોએ માથું ઊંચું કર્યું છે. તેઓ તારા લોક વિરૂદ્ધ કપટ ભરેલો મનસૂબો કરે છે, તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તારી વિરૂદ્ધ કરાર કરે છે.’—ગીત. ૮૩:૧-૩, ૫.
૭ ખરું કે કવિને પોતાની અને કુટુંબના રક્ષણની ચિંતા તો થઈ જ હશે. પણ તેમને યહોવાહના નામની વધારે ચિંતા હતી. તેમને દુઃખ થયું કે આજુબાજુના દુશ્મનો યહોવાહનું નામ બદનામ કરતા હતા. ખરું કે આ દુષ્ટ જગતમાં આપણને પણ કુટુંબની ચિંતા તો રહેવાની જ. તોપણ યહોવાહના નામની વધારે ચિંતા રાખીએ.—માત્થી ૬:૯, ૧૦ વાંચો.
૮. ઈસ્રાએલના દુશ્મનોનો હેતુ શું હતો?
૮ કવિએ જણાવ્યું કે ઈસ્રાએલના દુશ્મનો આમ કહે છે: ‘ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે તેઓનો નાશ કરીએ, કે ઈસ્રાએલનું નામ હવે પછી રહે જ નહિ.’ (ગીત. ૮૩:૪) તેઓને યહોવાહના ભક્તોથી સખત નફરત હતી. ઈસ્રાએલ પર ચઢાઈ કરવાનું બીજું કારણ પણ હતું. તેઓને ઈસ્રાએલ દેશ પચાવી પાડવો હતો. દુશ્મનો બડાઈ મારતા હતા: “દેવના નિવાસસ્થાનને આપણે પોતાને માટે” મેળવી લઈએ. (ગીત. ૮૩:૧૨) આજે પણ એવું જ બની રહ્યું છે.
“તારા પવિત્ર વાસમાં”
૯, ૧૦. (ક) ‘પવિત્ર વાસમાં’ શાનો સમાવેશ થયો? (ખ) સ્વર્ગમાં જનારા અને તેમના સાથીદારો આજે કયા આશીર્વાદો અનુભવે છે?
૯ ઈસ્રાએલના સમયમાં ‘દેવનું નિવાસસ્થાન’ શું હતું? યહોવાહે પોતાના ભક્તોને આપેલો વચનનો દેશ. ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી આઝાદ થયા ત્યારે, તેઓએ આ ગીત ગાયું: ‘જે લોકોને તેં છોડાવ્યા, તેઓને તેં દયા રાખીને ચલાવ્યા છે; અને તેં તારા પરાક્રમ વડે તેઓને તારા પવિત્ર વાસમાં દોર્યા છે.’ (નિર્ગ. ૧૫:૧૩) સમય જતાં એ ‘પવિત્ર વાસમાં’ યરૂશાલેમ, મંદિર અને યાજકોનો સમાવેશ થયો. ત્યાંથી દાઊદના વંશના રાજાઓ યહોવાહની રાજગાદી પર બેસતા. (૧ કાળ. ૨૯:૨૩) એટલે જ ઈસુએ યરૂશાલેમને “મોટા રાજાનું નગર” કહ્યું.—માથ. ૫:૩૫.
૧૦ જોકે ઈસ્રાએલીઓ યહોવાહને વળગી રહ્યા નહિ. એટલે ૩૩મી સાલમાં ‘દેવના ઈસ્રાએલની’ પસંદગી થઈ. (ગલા. ૬:૧૬) ઈસ્રાએલીઓને આપેલું વચન યહોવાહે તેઓને પણ આપ્યું: “હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” (૨ કોરીં. ૬:૧૬; લેવી. ૨૬:૧૨) ઈસ્રાએલીઓ તો યહોવાહના સાક્ષી સાબિત ન થયા, પણ ‘દેવનું ઈસ્રાએલ’ થશે. (યશા. ૪૩:૧૦) તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ પણ કરશે. (૧ પીત. ૨:૯) ૧૯૧૯માં પૃથ્વી પરના ‘દેવના ઈસ્રાએલને’ યહોવાહે કૃપા બતાવી. તેઓને જાણે કે ‘દેશ’ મળ્યો, જે યહોવાહના સત્યથી ભરપૂર હતો. એમાં તેઓ જોરશોરથી ભક્તિ કરવા લાગ્યા. (યશા. ૬૬:૮) ૧૯૩૦ પછી “બીજાં ઘેટાં” કહેવાતા લાખો લોકો તેઓ સાથે જોડાવા લાગ્યા. (યોહા. ૧૦:૧૬) તેઓમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. યહોવાહનું સત્ય ફેલાતું જાય છે. એ પુરાવો આપે છે કે યહોવાહ એકલા જ ઈશ્વર છે.—ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨ વાંચો.
૧૧. યહોવાહના દુશ્મનો શું ચાહે છે?
૧૧ યહોવાહનું નામ મોટું મનાતું જોઈને, શેતાન રાતો-પીળો થાય છે. તે યહોવાહના ભક્તોનો સખત વિરોધ કરે છે. પૂર્વ યુરોપમાં સોવિયેત યુનિયનના સામ્યવાદી રાજમાં સખત સતાવણી થઈ. પશ્ચિમ યુરોપમાં નાઝી રાજમાં પણ એમ જ થયું. ઘણા દેશોમાં એવું થયું છે, ને હજુ થશે. માગોગનો ગોગ યહોવાહના ભક્તો પર આખરી હુમલો કરે ત્યારે તો એવું થશે જ. પહેલાંની જેમ જ યહોવાહના દુશ્મનો કદાચ તેઓની માલ-મિલકત પણ પચાવી પાડે. શેતાન એ જ ચાહે છે કે યહોવાહના સાક્ષીઓનો નાશ કરી નાખે. પૃથ્વી પરથી યહોવાહનું નામ ભૂંસી નાખે. એના વિષે યહોવાહને કેવું લાગે છે?
યહોવાહ હંમેશાં જીતે છે
૧૨-૧૪. કવિએ મગિદ્દો શહેર પાસેની કઈ બે જીત યાદ કરી?
૧૨ ગીતશાસ્ત્ર ૮૩ના કવિને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી કે તે દુશ્મનો પર જીત મેળવશે. તે કવિએ ઈસ્રાએલની બે મોટી જીતની વાત કરી. એ જીત મગિદ્દો શહેર પાસેની મગિદ્દો ખીણમાં મળી હતી. એ ખીણમાંથી કીશોન નદી વાંકી-ચૂકી થઈને જતી. ઉનાળામાં એ સૂકાઈ જતી, પણ શિયાળામાં ધોધમાર વરસાદથી છલકાઈ જતી. કદાચ એટલે જ એ ખીણને ‘મગિદ્દોનાં પાણી’ પણ કહેવાય છે.—ન્યા. ૪:૧૩; ૫:૧૯.
૧૩ મગિદ્દો ખીણથી પંદરેક કિલોમીટર ઉત્તર-પૂર્વે મોરેહ પર્વત આવેલો હતો. ત્યાં મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વ દિશાના સર્વ લોકો ભેગા મળીને, ન્યાયાધીશ ગિદઓનની સામે લડવા આવ્યા. (ન્યા. ૭:૧, ૧૨) ગિદઓનનું લશ્કર ફક્ત ૩૦૦ માણસોનું હતું. તેઓ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે લડ્યા. રાત્રે ચોરી-છૂપીથી જઈને દુશ્મનોને ઘેરી લીધા. તેઓ સળગતી મશાલો ઘડામાં સંતાડીને લઈ ગયા. ગિદઓને ઇશારો કર્યો ત્યારે, તેઓએ ઘડા ફોડ્યા. સળગતી મશાલોથી ચારે બાજુ અજવાળું ફેલાઈ ગયું. સાથે સાથે રણશિંગડું વગાડીને તેઓ પોકારી ઊઠ્યા: “યહોવાહની તથા ગિદઓનની તરવારની જે!” દુશ્મનો મૂંઝાઈ ગયા. અંદરોઅંદર કાપાકાપી કરવા લાગ્યા. જેઓ બચ્યા તેઓ યરદન નદી તરફ ભાગ્યા. બીજા ઈસ્રાએલીઓ પણ નાસી રહેલા દુશ્મનો પાછળ પડ્યા. આ રીતે ૧,૨૦,૦૦૦ દુશ્મનોની કતલ થઈ.—ન્યા. ૭:૧૯-૨૫; ૮:૧૦.
૧૪ મોરેહ પર્વતથી છએક કિલોમીટર ઉત્તરે, તાબોર પર્વત આવેલો છે. ત્યાં પહેલાં પણ ન્યાયાધીશ બારાક ૧૦,૦૦૦નું લશ્કર લઈને લડવા ગયા હતા. તેઓ કનાની રાજા યાબીનની ફોજ સામે ગયા, જેનો સેનાપતિ સીસરા હતો. કનાની લશ્કર પાસે નવસો રથ હતા, જેના પૈડાંમાં છરા લગાવેલા હતા. તાબોર પર્વત પર ભેગા થયેલા ઈસ્રાએલના લશ્કર પાસે એવું કંઈ ન હતું. સીસરાને થયું કે પોતે પલભરમાં જીતી જશે. એટલે તે લશ્કર લઈને ખીણમાં દોડી ગયો. અચાનક વરસાદ તૂટી પડ્યો, જેનાથી કિશોન નદી ઊભરાઈ ગઈ. એના કીચડમાં રથો ફસાઈ ગયા. કદાચ આવી રીતે ‘યહોવાહે સીસરાને, તેના રથોને, અને તેના સૈન્યને’ મૂંઝવી નાખ્યા. દુશ્મનોનું આખું લશ્કર ઈસ્રાએલના હાથે માર્યું ગયું.—ન્યા. ૪:૧૩-૧૬; ૫:૧૯-૨૧.
૧૫. (ક) કવિ યહોવાહને પ્રાર્થનામાં શું કહે છે? (ખ) આખરી લડાઈનું નામ શું યાદ અપાવે છે?
૧૫ ઈસ્રાએલના દુશ્મનોના નાશ વિષે કવિએ પ્રાર્થના કરી: “જેમ મિદ્યાનને તેં કર્યું, અને જેમ કીશોનના નાળા પાસે સીસરા તથા યાબીનને તેં કર્યું, તેમ તેઓને કર. તેઓ એન-દોરની પાસે નાશ પામ્યા; તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા.” (ગીત. ૮૩:૯, ૧૦) યહોવાહ જલદી જ શેતાન અને આ દુષ્ટ જગત સામે લડાઈ કરશે. એ આખરી લડાઈને બાઇબલ હાર-માગેદોન કે આર્માગેદ્દોન કહે છે, જેનો અર્થ થાય મગિદ્દોનો પર્વત. એ મગિદ્દોનાં યુદ્ધોની યાદ અપાવે છે. એમાં યહોવાહની જીત થઈ હતી તેમ, આર્માગેદ્દોનમાં પણ થશે.—પ્રકટી. ૧૬:૧૩-૧૬.
યહોવાહની જીત માટે પ્રાર્થના
૧૬. યહોવાહના દુશ્મનોએ કઈ રીતે “ફજેતીથી” શરમાવું પડે છે?
૧૬ આપણો નાશ કરવાના દુશ્મનોના બધાય પ્રયત્નો, યહોવાહ “છેલ્લા સમયમાં” નકામા બનાવે છે. (૨ તીમો. ૩:૧) ગીતશાસ્ત્ર ૮૩:૧૬ કહે છે: “ફજેતીથી તેઓ પોતાનાં મોઢાં સંતાડે તેમ કર, કે તેઓ, હે યહોવાહ, તારૂં નામ શોધે.” અમુક દેશોમાં યહોવાહના ભક્તોએ ઘણો જુલમ સહ્યો. તોપણ, તેઓ અડગ રહ્યા. દુશ્મનો તેઓને રોકવામાં નિષ્ફળ ગયા છે. એ ભાઈ-બહેનોના દાખલાથી ઘણા નમ્ર લોકોએ ‘યહોવાહનું નામ શોધ્યું’ છે. એ દેશોમાં આજે હજારોના હજારો લોકો યહોવાહના ભક્તો બન્યા છે. યહોવાહની મોટી જીત, દુશ્મનોની મોટી હાર!—યિર્મેયાહ ૧:૧૯ વાંચો.
૧૭. જલદી જ શું બનશે? આપણે કઈ પ્રાર્થના કરવી જોઈએ?
૧૭ ભલે દુશ્મનો વિરોધ કરે, તોપણ આપણે પ્રચાર કરતા રહીએ. (માથ. ૨૪:૧૪, ૨૧) દુશ્મનોને હજુ પણ મોકો છે કે તેઓ પસ્તાવો કરીને યહોવાહના ભક્તો બની શકે છે. જોકે યહોવાહ કાયમ રાહ નહિ જુએ. તેમનું નામ પવિત્ર મનાય એ સૌથી મહત્ત્વનું છે. (હઝકીએલ ૩૮:૨૩ વાંચો.) જલદી જ બધા દેશો ભેગા થઈને, યહોવાહના ભક્તોનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. આપણે પણ કવિની જેમ પ્રાર્થના કરીએ કે “તેઓ સદા ફજેત તથા ભયભીત થાઓ; હા, તેઓ લજવાઓ તથા નાશ પામો.”—ગીત. ૮૩:૧૭.
૧૮, ૧૯. (ક) યહોવાહનો વિરોધ કરનારાનું શું થશે? (ખ) આર્માગેદનના યુદ્ધ વિષે જાણીને તમારે હમણાં શું કરવું જોઈએ?
૧૮ યહોવાહનો વિરોધ કરનારાને શરમાવું પડશે. ‘જેઓ સુવાર્તા માનતા નથી’ તેઓ આર્માગેદ્દોનના યુદ્ધમાં “અનંતકાળનો નાશ” પામશે. (૨ થેસ્સા. ૧:૭-૯) તેઓનો નાશ અને ઈશ્વરભક્તોનો બચાવ પુરવાર કરશે કે યહોવાહ એકલા જ ઈશ્વર છે. એ જીત કદી ભૂલાશે નહિ! નવી દુનિયામાં “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.” (પ્રે.કૃ. ૨૪:૧૫) તેઓ પણ યહોવાહની જીત વિષે શીખશે. તેઓ જોઈ શકશે કે કેમ યહોવાહના કહ્યા પ્રમાણે જ જીવવું જોઈએ. નમ્ર લોકો રાજી-ખુશીથી સ્વીકારશે કે યહોવાહ એકલા જ ઈશ્વર છે.
૧૯ યહોવાહે આપણા માટે કેટલું સુંદર ભાવિ રાખ્યું છે! ગીતશાસ્ત્ર ૮૩ની આ પ્રાર્થના છેલ્લી વાર પૂરી થાય, એવી આપણે વિનંતી કરીએ: ‘તેઓ લજવાઓ તથા નાશ પામો; જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર મહાન ઈશ્વર છે.’—ગીત. ૮૩:૧૭, ૧૮. (w08 10/15)
[Footnotes]
a આ લેખનો પૂરો લાભ લેવા, તૈયારી કરતા પહેલાં ગીતશાસ્ત્ર ૮૩ વાંચો.
આપણે શું શીખ્યા?
• ગીતશાસ્ત્ર ૮૩ લખાયું ત્યારે ઈસ્રાએલ પર શું આવી પડ્યું હતું?
• ગીતશાસ્ત્ર ૮૩ના કવિને શાની વધારે ચિંતા હતી?
• આજે કોણ શેતાનનું નિશાન બન્યા છે?
• યહોવાહ કઈ રીતે ગીતશાસ્ત્ર ૮૩:૧૮ની પ્રાર્થનાનો છેલ્લી વાર જવાબ આપશે?
[Map on page 19]
મગિદ્દોની આસપાસ યુદ્ધો થયાં, એ ભાવિ વિષે શું જણાવે છે?
કીશોન નદી
હરોશેથ
કાર્મેલ પર્વત
યિઝએલની ખીણ
મગિદ્દો
તાઅનાખ
ગિલ્બોઆ પર્વત
હારોદના ઝરા
મોરેહ
એન-દોર
તાબોર પર્વત
ગાલીલનો સમુદ્ર
યરદન નદી