“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”
તે યુવાન, બુદ્ધિશાળી અને “સુંદર તથા રૂપાળો હતો.” તેના માલિકની પત્ની વિલાસી હતી. તે આ યુવાનથી આકર્ષાઈ હોવાથી દરરોજ તેને લલચાવવાનો પ્રયત્ન કરતી હતી. “અને આસરે તે સમયે એમ થયું, કે યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો; અને ઘરનું કોઇ માણસ ઘરમાં ન હતું. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું, ને કહ્યું, મારી સાથે સૂ.” પરંતુ યાકૂબનો પુત્ર યુસફ પોતાનું વસ્ત્ર મૂકી દઈને પોટીફારની પત્ની પાસેથી નાસી ગયો.—ઉત્પત્તિ ૩૯:૧-૧૨.
અલબત્ત, બધા લોકો આવી લોભામણી પરિસ્થિતિમાંથી ભાગી જતા નથી. ઉદાહરણ તરીકે, પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાને ગલીઓમાં ફરતા જોયેલા યુવાનનો વિચાર કરો જેના વિષે તેમણે કહ્યું, જિદ્દી સ્ત્રીથી લલચાઈને “જેમ બળદ કસાઈવાડે જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે.”—નીતિવચન ૭:૨૧, ૨૨.
ખ્રિસ્તીઓને ‘વ્યભિચારથી નાસી’ જવાની ચેતવણી આપવામાં આવી છે. (૧ કોરીંથી ૬:૧૮) પ્રેષિત પાઊલે યુવાન શિષ્ય તીમોથીને લખ્યું: “જુવાનીના વિષયોથી નાસી જા.” (૨ તીમોથી ૨:૨૨) તેથી વ્યભિચાર, અનૈતિકતા કે એના જેવી બીજી લલચામણી પરિસ્થિતિ આવે તો, જેમ યુસફ પોટીફારની પત્ની પાસેથી નાસી ગયો તેમ આપણે નાસી જવું જોઈએ. આવો નિર્ણય લેવા કઈ બાબત આપણને મદદ કરશે? આ માટે નીતિવચનના સાતમા અધ્યાયમાં સુલેમાન આપણને અમૂલ્ય સલાહ આપે છે. તે આપણને એવું શિક્ષણ આપે છે જેનાથી અનૈતિક લોકોના ષડ્યંત્રથી આપણું રક્ષણ થાય છે. એ ઉપરાંત, ચરિત્રહીન સ્ત્રીથી ભરમાઈ જતા એક યુવાનનું વર્ણન કરીને અનૈતિક લોકોનું ષડ્યંત્ર ખુલ્લું પાડે છે.
‘મારી આજ્ઞાઓને તારી આંગળીઓ પર બાંધ’
સુલેમાન રાજા પિતાની જેમ સલાહ આપતા શરૂ કરે છે: “મારા દીકરા, મારાં વચનો પાળ, અને મારી આજ્ઞાઓ તારી પાસે સંઘરી રાખ. મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે; મારા શિક્ષણનું તારી આંખની કીકીની પેઠે જતન કર.” (આ લેખમાં શાસ્ત્રવચનોનાં અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—નીતિવચન ૭:૧, ૨.
માબાપોને, ખાસ કરીને પિતાઓને પરમેશ્વર તરફથી જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ પોતાનાં બાળકોને દેવના ધોરણો શીખવે. મુસાએ પિતાઓને આ સલાહ આપી: “અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) અને પ્રેષિત પાઊલે લખ્યું: “વળી, પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) આમ, માબાપો જે કીમતી સલાહ આપે છે એમાં સૂચનો, આજ્ઞાઓ અને બાઇબલના નિયમો પણ સામેલ હોય છે.
માબાપના શિક્ષણમાં બીજા પણ અમુક સૂચનોનો સમાવેશ થઈ શકે છે. આ સૂચનાઓ કુટુંબના સભ્યોની ભલાઈ માટે હોય છે. હા, જરૂરિયાત મુજબ જુદા જુદા કુટુંબોમાં જુદી જુદી સૂચનાઓ હોય શકે. તોપણ, એ માબાપોએ નક્કી કરવાનું છે કે તેમના કુટુંબ માટે કયા સૂચનો સૌથી સારા છે. માબાપોએ આપેલી સૂચનાઓથી તેઓનો સાચો પ્રેમ અને કાળજી પ્રદર્શિત થાય છે. યુવાનોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ સૂચનાઓ અને માબાપ તરફથી મળતા શાસ્ત્રીય શિક્ષણનું પાલન કરે. આવી સલાહ “આંખની કીકી” સમાન છે જેને ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. આમ કરીશું તો આપણે યહોવાહના ધોરણોથી ફંટાઈ જઈશું નહિ અને એના વિનાશક પરિણામોથી બચીને ‘જીવતા રહીશું.’
સુલેમાન આગળ જણાવે છે, “તેઓને [મારી આજ્ઞાઓને] તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.” (નીતિવચન ૭:૩) જેમ આંગળીઓ હમેશાં આપણી આંખો સમક્ષ હોય છે અને આપણા દરેક કામમાં ઘણી જ ઉપયોગી બને છે, એ જ રીતે માબાપ તરફથી મળેલું બાઇબલ શિક્ષણ કે બાઇબલમાંથી મળેલું જ્ઞાન આપણે સતત યાદ રાખવું જોઈએ અને આપણા દરેક કાર્યમાં એનું માર્ગદર્શન લેવું જોઈએ. આપણે એ બાઇબલ જ્ઞાનને આપણા હૃદયપટ પર લખીને આપણા વ્યક્તિત્વનો એક ભાગ બનાવવું જોઈએ.
જ્ઞાન અને બુદ્ધિને પણ મહત્ત્વ આપતા રાજા સુલેમાન સલાહ આપે છે: “જ્ઞાનને [ડહાપણને] કહે, કે તું મારી બહેન છે; અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ.” (નીતિવચન ૭:૪) અહીં પરમેશ્વરના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતાને ડહાપણ કહે છે. આપણે ડહાપણને બહેનની જેમ પ્રેમ કરવો જોઈએ. બુદ્ધિ એટલે શું? કોઈ બાબતોની અંદર જોવાની ક્ષમતાને અને એ બાબતનું એક પાસું બીજા પાસાં સાથે કઈ રીતે સંકળાયેલું છે એની સમજણને બુદ્ધિ કહે છે. બુદ્ધિ સગી બહેન જેટલી ગાઢ હોવી જોઈએ.
શા માટે આપણે શાસ્ત્રીય તાલીમને વળગી રહીને જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત કરવાં જોઈએ? એટલા માટે કે “તેઓ [આપણને] પરસ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે.” (નીતિવચન ૭:૫) હા, આમ કરીશું તો ખુશામત કરનાર પરસ્ત્રી કે અનૈતિક વ્યક્તિથી આપણું રક્ષણ થશે.a
યુવાન એક ‘કપટી સ્ત્રીʼને મળે છે
પછી ઈસ્રાએલના રાજા તેમણે જોયેલા દૃશ્યનું વર્ણન કરે છે: “કેમકે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી; અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનીઓ મારી નજરે પડ્યો. તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલ્યો ચાલ્યો તેને ઘેર ગયો; તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારૂં ફેલાતું હતું.”—નીતિવચન ૭:૬-૯.
સુલેમાને જે બારીમાંથી જોયું એ બારીમાં કલાત્મક જાળી હતી. સાંજ પડતાં જ ધીમે ધીમે રાત્રિનો અંધકાર ગલીઓમાં પ્રસરવા લાગે છે. એ સમયે સુલેમાન રાજા, નૈતિક રીતે સહેલાઈથી ફસાવી શકાય એવા એક યુવાનને જુએ છે. તેનામાં સમજશક્તિ કે વિવેકબુદ્ધિનો અભાવ છે. તે અક્કલહીન પણ છે. એવું લાગે છે કે, તે યુવાન એ વિસ્તારથી પરિચિત છે અને ત્યાં જવાથી પોતાને શું થઈ શકે એ પણ જાણતો હોય છે. તે પેલી યુવાન સ્ત્રીના “ઘેર” ગયો. આ સ્ત્રી કોણ છે? તે શું કરે છે?
રાજા આગળ જણાવે છે: “ત્યારે, વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ થએલી, તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે; તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી; વખતે તે ગલીઓમાં હોય, અને વખતે ચોકમાંએ હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે.”—નીતિવચન ૭:૧૦-૧૨.
આ સ્ત્રીનો પહેરવેશ જ તેના વિષે ઘણું કહી જાય છે. (ઉત્પત્તિ ૩૮:૧૪, ૧૫) તેણે વેશ્યાની જેમ કઢંગી રીતે કપડાં પહેર્યાં છે. વધુમાં, તે સ્ત્રી કપટી મનની છે. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી, બોલબોલ કરનારી અને જિદ્દી, ઘોંઘાટ કરનારી અને પોતાનું ધાર્યું જ કરનારી, નિર્લજ્જ અને ઉદ્ધત છે. તે ઘરમાં રહેવાને બદલે કોઈને ફસાવવા માટે ગલીઓમાં અને ચોકમાં છુપાઈ રહેવાનું પસંદ કરે છે. તે આવા જ કોઈ યુવાનની રાહ જોઈ રહી છે.
‘ઘણા મીઠા બોલોથી વશ’ કરનાર
આમ તે યુવાન એક ચરિત્રહીન કપટી સ્ત્રીને મળે છે. સુલેમાનનું ધ્યાન જરૂર ત્યાં ગયું હશે. તે આગળ જણાવે છે: “તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, કે શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી, યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે.”—નીતિવચન ૭:૧૩-૧૫.
આ સ્ત્રીની વાણી લોભામણી છે. તે નિર્લજ્જ મોઢે, આત્મવિશ્વાસથી વાત કરે છે. આ યુવાનને પટાવવા માટે તે કાળજીપૂર્વક શબ્દો ગોઠવીને વાત કરે છે. મેં શાંત્યાર્પણો તૈયાર કર્યા છે અને આજે મારી માનતાઓ પૂરી કરી છે એમ કહીને તે પોતાને ન્યાયી બતાવે છે. તેમ જ અણસારો આપે છે કે તે એક આત્મિક વ્યક્તિ છે. યરૂશાલેમના મંદિરમાં ચઢાવવામાં આવતાં શાંત્યાર્પણોમાં માંસ, લોટ, તેલ અને દારૂનો સમાવેશ થતો હતો. (લેવીય ૧૯:૫, ૬; ૨૨:૨૧; ગણના ૧૫:૮-૧૦) આ શાંત્યાર્પણો ચઢાવનારને પોતાના માટે અને પોતાના કુટુંબ માટે ભાગ મળતો હોવાથી તે બતાવી રહી હતી કે તેના ઘરમાં ભરપૂર ખાવાપીવાનું છે. આ બધાનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે તે યુવાનને ત્યાં ખૂબ જ મઝા આવશે. તે સ્ત્રી ખાસ કરીને આવા કોઈ યુવાનને શોધવા માટે જ તો ઘરમાંથી બહાર આવી હતી. કેવી લોભામણી ચાલ! એક બાઇબલ વિદ્વાનના કહેવા પ્રમાણે, “એ સાચું છે કે તે કોઈકને શોધવા માટે ઘર બહાર નીકળી હતી. પરંતુ શું તે ખરેખર આ જ યુવાનને શોધવા આવી હતી? આ યુવાન જેવી કોઈ મુર્ખ વ્યક્તિ જ તેની વાત સાચી માની શકે.”
તે ભરમાવનારી સ્ત્રી આકર્ષક કપડાં પહેરીને ખુશામતભર્યા શબ્દોથી, આલિંગનથી અને ચુંબન કરીને યુવાનને ફોસલાવે છે. તે કહે છે: “મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. મેં મારૂં બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે.” (નીતિવચન ૭:૧૬, ૧૭) તેણે ભરતકામના ગાલીચા તથા મિસરી સૂતરનાં વસ્ત્રથી પોતાનો પલંગ તૈયાર કરીને બોળ, અગર તથા તજથી એને સુગંધીદાર બનાવ્યો છે.
તે આગળ કહે છે, “ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.” આ આમંત્રણ એ એક સ્વાદિષ્ટ ભોજન કરતાં પણ કંઈક વિશેષ છે. આમાં તે ભરપૂર જાતીયતાનો આનંદ માણવાનું વચન આપે છે. પેલા યુવાન માટે તો એ સાહસ બતાવવાનું અને ઉત્તેજક આમંત્રણ છે! વધારે પ્રલોભન આપતા તે કહે છે કે, “ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે; તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.” (નીતિવચન ૭:૧૮-૨૦) તે તેને ખાતરી આપે છે કે તેઓ એકદમ સુરક્ષિત હશે કારણ કે તેનો પતિ ધંધાર્થે બહાર ગયો છે અને અમુક દિવસો સુધી તેના પાછા ફરવાની કોઈ શક્યતા નથી. યુવાનોને છેતરવામાં તે કેટલી પાવરધી છે! “તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.” (નીતિવચન ૭:૨૧) આવી લાલચથી બચવા માટે તો યુસફ જેવું નૈતિક બળ જોઈએ. (ઉત્પત્તિ ૩૯:૯, ૧૨) શું આ યુવાનમાં આવું નૈતિક બળ છે?
“જેમ બળદ કસાઈવાડે જાય છે”
“જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ બેડી ઘલાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે; આખરે તેનું કલેજું તીરથી વિંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.”—નીતિવચન ૭:૨૨, ૨૩.
તે યુવાન પોતાને મળેલા આમંત્રણનો નકાર કરી શક્યો નહિ. સમજ્યા વિના તે ‘જેમ બળદ કસાઈ વાડે જાય છે’ તેમ તેની પાછળ જાય છે. જેમ બેડીઓ પહેરેલો કેદી સજાથી બચી શકતો નથી તેમ યુવાન પાપની સજા ભોગવે છે. “તેનું કલેજું તીરથી વિંધાય છે” ત્યાં સુધી તે ખતરો જોતો નથી. એટલે કે તેનું મૃત્યુ પણ થઈ શકે એવો ઘા મેળવે છે ત્યાં સુધી તે સાવધાન થતો નથી. જાતીયતાથી થતા પ્રાણઘાતક રોગોમાં સંડોવાઈને તે પોતા માટે મૃત્યુ લાવે છે.b એ ઘાથી તેનું આત્મિક મરણ પણ થઈ શકે કારણ કે એમાં તેનો “પોતાનો જીવ” પણ જઈ શકતો હતો. તેના સમગ્ર જીવન પર ખૂબ જ માઠી અસર પડે છે. તેમ જ પરમેશ્વર વિરુદ્ધ તે ગંભીર પાપ કરે છે. આમ તે કોઈ પક્ષી જાળમાં ધસી જાય છે તેમ મરણના પંજામાં ધસી જાય છે!
“તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ”
શાણા રાજા સુલેમાને જે જોયું એમાંથી બોધપાઠ લઈને તે આપણને વિનંતી કરે છે: “હવે, મારા દીકરાઓ, સાંભળો, અને મારા મુખનાં વચનો પર લક્ષ આપ. તારૂં હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે, તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ. કેમકે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે; તેનાથી માર્યા ગએલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. તેનું ઘર શેઓલનો માર્ગ છે, કે જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.”—નીતિવચન ૭:૨૪-૨૭.
સ્પષ્ટપણે, સુલેમાન મરણ તરફ દોરી જતી અનૈતિક વ્યક્તિના માર્ગોથી દૂર રહેવા અને ‘જીવતા રહેવાʼની સલાહ આપે છે. (નીતિવચન ૭:૨) આપણા સમય માટે કેટલી સમયસરની સલાહ! ખરેખર આપણે એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કે જ્યાં આપણને કોઈ ફસાવી શકે. શા માટે તમે ત્યાં જઈને તેઓને મોકો આપો છો કે તેઓ તમને ફસાવે? એમ કરીને, શા માટે તમે “અક્કલહીન” બનો છો અને “પરસ્ત્રી”ના રસ્તા તરફ જાઓ છો?
રાજાએ જોએલી “પરસ્ત્રી” યુવાનને ‘પ્રેમની મઝા ઉડાવવાʼનું આકર્ષક આમંત્રણ આપે છે. શું આજે પણ યુવાનો, ખાસ કરીને છોકરીઓનું આવી રીતે શોષણ નથી થતું? પરંતુ જરા વિચારો: જ્યારે કોઈ વ્યક્તિ તમને જાતીય સંબંધ બાંધવાનું પ્રલોભન આપે છે ત્યારે, શું એ સાચો પ્રેમ હોય છે કે ફક્ત સ્વાર્થી જાતીય લાલસા હોય છે? શા માટે સાચો પ્રેમ કરનાર યુવાને યુવતીના ખ્રિસ્તી તાલીમ પામેલા અંતઃકરણને ભ્રષ્ટ કરવા દબાણ કરવું જોઈએ? એ માટે સુલેમાન સલાહ આપે છે કે “તારૂં હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે.”
સામાન્ય રીતે ફોસલાવનારાઓની વાતચીત લોભામણી અને ગણતરીપૂર્વકની હોય છે. ડહાપણ [જ્ઞાન] અને બુદ્ધિ પ્રમાણે ચાલવાથી આપણે તેઓને ઓળખી શકીશું. આપણે એ ન ભૂલવું જોઈએ કે યહોવાહની આજ્ઞાઓ આપણું રક્ષણ કરશે. એ માટે ચાલો આપણે ‘દેવની આજ્ઞાઓ પાળીને’ સદાકાળ ‘જીવતા રહેવાʼનો પ્રયત્ન કરીએ.—૧ યોહાન ૨:૧૭.
[ફુટનોટ્સ]
a પરસ્ત્રીમાંનો “પર” શબ્દ જેઓ યહોવાહના નિયમોથી ભટકી ગયા છે તેઓને લાગુ પડે છે. આમ, અનૈતિક સ્ત્રી કે વેશ્યા એક “પરસ્ત્રી”ને દર્શાવે છે.
b જાતીયતાથી થતા કેટલાક રોગો યકૃતને નુકશાન કરે છે. ઉદાહરણ તરીકે, ચાંદીનો રોગ ઘણો વધી જાય ત્યારે બેક્ટેરિયા યકૃતને ઢાંકી દે છે. તેમ જ પરમિયો (અથવા ગોનોરિયા)ના બેક્ટેરિયા યકૃત પર સોજો લાવી શકે છે.
[પાન ૨૯ પર ચિત્રો]
માબાપનાં સૂચનોને તમે કઈ દૃષ્ટિએ જુઓ છો?
[પાન ૩૧ પર ચિત્ર]
દેવની આજ્ઞાઓ પાળવાનો અર્થ જીવન છે