યહોવા “રહસ્યો ખોલનાર” છે
“હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”—દાની. ૨:૪૭, કોમન લેંગ્વેજ.
તમે કેવો જવાબ આપશો?
યહોવાએ ભવિષ્ય વિષે કઈ વિગતો આપણને જણાવી છે?
જંગલી જાનવરનાં પહેલા છ માથાં શાને રજૂ કરે છે?
જંગલી જાનવર અને નબૂખાદનેસ્સારે જોયેલી મૂર્તિ વચ્ચે શો સંબંધ છે?
૧, ૨. યહોવાએ આપણા માટે કયું રહસ્ય ખુલ્લું કર્યું છે અને શા માટે?
ઈશ્વરનું રાજ્ય માનવ શાસનનો અંત લાવશે, એ સમયે પૃથ્વી પર કઈ સરકારો રાજ કરતી હશે? આપણે એનો જવાબ જાણીએ છીએ, કેમ કે “રહસ્યો ખોલનાર” યહોવા ઈશ્વરે એ જણાવ્યું છે. પ્રબોધક દાનીયેલ અને પ્રેરિત યોહાનનાં લખાણો દ્વારા તેમણે એ સરકારોને પારખવાનું આપણા માટે શક્ય બનાવ્યું છે.
૨ યહોવાએ તેઓને ઘણાં દર્શનો આપ્યાં હતાં, જેમાં એક પછી એક આવનાર જાનવરો વિષે જણાવ્યું હતું. સપનામાં દેખાયેલી એક મોટી મૂર્તિનો અર્થ પણ તેમણે દાનીયેલને જણાવ્યો હતો. યહોવાએ આપણા લાભ માટે એ બધા બનાવો લખાવી લઈને બાઇબલમાં સાચવી રાખ્યા છે. (રોમ. ૧૫:૪) એનાથી યહોવા આપણી આશા દૃઢ કરવા માગે છે કે તેમનું રાજ્ય જલદી જ બધી માનવ સરકારોનો નાશ કરશે.—દાની. ૨:૪૪.
૩. ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવવા આપણે સૌથી પહેલા શું સમજવાની જરૂર છે અને શા માટે?
૩ દાનીયેલ અને યોહાનની ભવિષ્યવાણીઓ સાથે જોતા જાણવા મળે છે કે આઠ રાજાઓ કે માનવ સરકારો કોણ છે અને એ કયા ક્રમમાં દેખાશે. પરંતુ, એ ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવવા, આપણે બાઇબલમાં નોંધેલી સૌથી પહેલી ભવિષ્યવાણીનો અર્થ સમજવો પડશે. શા માટે? કારણ કે એ ભવિષ્યવાણી ફરતે બાઇબલનો આખો વિષય રચાયેલો છે. એ જાણે એવી દોરી છે, જેમાં બીજી ભવિષ્યવાણીઓ મણકાની જેમ પરોવાયેલી છે.
સર્પનું સંતાન અને જંગલી જાનવર
૪. સ્ત્રીનું સંતાન કોણ છે? એ સંતાન શું કરશે?
૪ એદન બાગમાં બળવો થયો એ પછી તરત જ યહોવાએ વચન આપ્યું કે “સ્ત્રી” એક “સંતાન”ને જન્મ આપશે.a (ઉત્પત્તિ ૩:૧૫ વાંચો.) એ સંતાન છેવટે સર્પનું એટલે કે શેતાનનું માથું છૂંદશે. સમય જતાં, યહોવાએ રહસ્ય ખુલ્લું કર્યું કે એ સંતાન ઈબ્રાહીમથી આવશે, ઈસ્રાએલ પ્રજામાંથી હશે, યહુદાના કુળમાંથી આવશે અને રાજા દાઊદનું વંશજ હશે. (ઉત. ૨૨:૧૫-૧૮; ૪૯:૧૦; ગીત. ૮૯:૩, ૪; લુક ૧:૩૦-૩૩) એ સંતાનનો મુખ્ય ભાગ ખ્રિસ્ત ઈસુ છે. (ગલા. ૩:૧૬) એ સંતાનનો બીજો ભાગ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા ખ્રિસ્તી મંડળના સભ્યો છે. (ગલા. ૩:૨૬-૨૯) ઈસુ અને અભિષિક્તો મળીને ઈશ્વરનું રાજ્ય બને છે. ઈશ્વર એ રાજ્યથી શેતાનનો નાશ કરી નાખશે.—લુક ૧૨:૩૨; રોમ. ૧૬:૨૦.
૫, ૬. (ક) દાનીયેલ અને યોહાને કેટલી મહાસત્તાઓ વિષે ઓળખ આપી? (ખ) પ્રકટીકરણમાં જણાવેલાં જંગલી જાનવરનાં માથાં શાને બતાવે છે?
૫ એદન બાગમાં અપાયેલી પહેલી ભવિષ્યવાણીમાં એમ પણ જણાવ્યું હતું કે શેતાનને “સંતાન” થશે. તેનું સંતાન સ્ત્રીના સંતાન માટે વેરભાવ કે નફરત બતાવશે. શેતાનનું સંતાન કોણ છે? શેતાનની જેમ ઈશ્વરને નફરત કરનારા અને તેમના લોકોનો વિરોધ કરનારા બધા લોકો. ઇતિહાસ બતાવે છે કે શેતાને ધર્મો અને લશ્કરો ઉપરાંત, ઘણી સરકારો કે સત્તાઓને પણ એ સંતાનનો ભાગ બનાવ્યા છે. (લુક ૪:૫, ૬) જોકે, એમાંથી અમુક જ સત્તાઓએ ઈશ્વરના લોકો પર સીધેસીધી અસર કરી છે, પછી ભલે એ ઈસ્રાએલની પ્રજા હોય કે અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ હોય. આ જાણવું મહત્ત્વનું છે. એનાથી સમજાય છે કે દાનીયેલ અને યોહાનને થયેલાં દર્શનોમાં શા માટે ફક્ત આઠ જ મહા-સત્તાઓનું વર્ણન થયું છે.
૬ સજીવન થયેલા ઈસુએ ઈસવીસન ૯૬ની આસપાસ નવાઈ પમાડતાં ઘણાં દર્શનો પ્રેરિત યોહાનને આપ્યાં હતાં. (પ્રકટી. ૧:૧) એમાંનાં એક દર્શનમાં યોહાને અજગરને જોયો, જે શેતાનને રજૂ કરતો હતો. એ અજગર વિશાળ સમુદ્રને કિનારે ઊભો હતો. (પ્રકટીકરણ ૧૨:૧૭ખ–૧૩:૧, ૨ વાંચો.) યોહાને એ પણ જોયું કે એક અજાયબ શ્વાપદ, એટલે કે જંગલી જાનવર એ સમુદ્રમાંથી નીકળે છે અને શેતાન પાસેથી મોટો અધિકાર મેળવે છે. પછી એક સ્વર્ગદૂત યોહાનને એક કિરમજી કે ઘેરા લાલ રંગના જાનવર વિષે જણાવે છે, જે પ્રકટીકરણ ૧૩:૧માં જણાવેલા જાનવરની મૂર્તિને રજૂ કરે છે. એ જાનવરનાં સાત માથાં, ‘સાત રાજાઓ’ કે સરકારો છે. (પ્રકટી. ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૯, ૧૦) યોહાને લખ્યું એ સમયે, એમાંના પાંચ રાજાઓનું પતન થઈ ચૂક્યું હતું, એક સત્તા પર હતો અને બીજો એક “હજુ સુધી આવ્યો” ન હતો. એ સરકારો કે જગત સત્તાઓ કોણ છે? ચાલો આપણે પ્રકટીકરણમાં જણાવેલાં જાનવરનાં દરેક માથાં વિષે વિચાર કરીએ. આપણે એ પણ જોઈશું કે દાનીયેલનાં લખાણો કઈ રીતે આમાંની ઘણી સત્તાઓ વિષે વિગતવાર સમજણ પૂરી પાડે છે. અમુક સત્તાઓ હજી અસ્તિત્વમાં પણ ન હતી, એની સદીઓ પહેલાં એ વિષે જણાવવામાં આવ્યું હતું.
ઇજિપ્ત અને આશ્શૂર—પહેલા બે માથાં
૭. પહેલું માથું શાને રજૂ કરે છે? શા માટે?
૭ જાનવરનું પહેલું માથું મિસર કે ઇજિપ્તને રજૂ કરે છે. શા માટે? ઈશ્વરના લોકો સામે વેરભાવ બતાવનાર પહેલી જગત સત્તા ઇજિપ્ત હતી. ઈબ્રાહીમનાં વંશજો, ઈસ્રાએલીઓની સંખ્યા ઇજિપ્તમાં ઘણી વધી હતી અને એમાંથી વચન આપ્યા પ્રમાણે સ્ત્રીનું સંતાન આવવાનું હતું. પછી, ઇજિપ્તે ઈસ્રાએલીઓ પર જુલમ ગુજાર્યો. એ સંતાન આવે એ પહેલાં જ શેતાને ઈશ્વરના લોકોને મિટાવી દેવાનો પ્રયત્ન કર્યો. કઈ રીતે? તેણે ફારૂનને ઈસ્રાએલીઓના બધા નાના છોકરાઓને મારી નાખવા ઉશ્કેર્યો. પરંતુ, યહોવાએ એમ થવા ન દીધું અને ઇજિપ્તની ગુલામીમાંથી પોતાના લોકોને છોડાવ્યા. (નિર્ગ. ૧:૧૫-૨૦; ૧૪:૧૩) પછી, તેમણે ઈસ્રાએલીઓને વતન તરીકે વચનનો દેશ આપ્યો.
૮. બીજા માથાની ઓળખ શું છે? તેણે શું કરવાનો પ્રયાસ કર્યો?
૮ જાનવરનું બીજું માથું આશ્શૂરને રજૂ કરે છે. આ શક્તિશાળી સત્તાએ પણ ઈશ્વરના લોકોનું નામનિશાન મિટાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ખરું કે, દસ-કુળના રાજ્યએ જ્યારે મૂર્તિપૂજા કરી અને યહોવાનું માન્યું નહિ, ત્યારે તેઓને સજા કરવા યહોવાએ આશ્શૂરનો ઉપયોગ કર્યો હતો. પણ પછી આશ્શૂરે પોતે યરૂશાલેમ પર હુમલો કર્યો. કદાચ શેતાનનો હેતુ એ શાહી-વંશને મિટાવી દેવાનો હતો, જેમાંથી ઈસુ આવવાના હતા. પરંતુ એ હુમલો યહોવાના હેતુ મુજબ ન હતો. એટલે, તેમણે ચમત્કાર કરીને હુમલો કરનારાઓનો નાશ કર્યો અને પોતાના વફાદાર લોકોને બચાવ્યા.—૨ રાજા. ૧૯:૩૨-૩૫; યશા. ૧૦:૫, ૬, ૧૨-૧૫.
બાબેલોન—ત્રીજું માથું
૯, ૧૦. (ક) યહોવાએ બાબેલોનીઓને શું કરવા દીધું? (ખ) ભવિષ્યવાણી પૂરી થાય એ માટે શું થવું જરૂરી હતું?
૯ યોહાને જોયેલાં જાનવરનું ત્રીજું માથું જે સત્તાને રજૂ કરતું હતું, એનું પાટનગર બાબેલોન હતું. યહોવાએ બાબેલોનીઓના હાથે યરૂશાલેમનો નાશ થવા દીધો અને પોતાના લોકોને ગુલામ બનાવીને લઈ જવા દીધા. જોકે એમ થવા દેતા પહેલાં, યહોવાએ બંડખોર ઈસ્રાએલીઓને ચેતવણી આપી હતી કે તેઓ પર આવી આફત આવી પડશે. (૨ રાજા. ૨૦:૧૬-૧૮) તેમણે પહેલેથી જણાવ્યું હતું કે યરૂશાલેમમાં “યહોવાના રાજ્યાસને” બેસતા રાજાઓનો તે અંત લાવશે. (૧ કાળ. ૨૯:૨૩) યહોવાએ એ વચન પણ આપ્યું કે રાજા દાઊદનો વારસ, જે “હકદાર” છે તે આવશે અને રાજગાદી પાછી મેળવશે.—હઝકી. ૨૧:૨૫-૨૭.
૧૦ બીજી એક ભવિષ્યવાણી જણાવતી હતી કે વચન આપ્યા પ્રમાણે, મસીહ કે અભિષિક્ત આવશે; એ સમયે યહુદીઓ હજી પણ યરૂશાલેમના મંદિરમાં ભક્તિ કરતા હશે. (દાની. ૯:૨૪-૨૭) ઈસ્રાએલીઓને બાબેલોનમાં ગુલામ બનાવીને લઈ જવાયા એ પહેલાં પણ એક ભવિષ્યવાણી લખાઈ હતી. એ જણાવતી હતી કે મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. (મીખા. ૫:૨) આ ભવિષ્યવાણીઓ પૂરી થાય એ માટે જરૂરી હતું કે યહુદીઓ ગુલામીમાંથી આઝાદ થાય, પોતાનાં વતન પાછા ફરે અને મંદિરને ફરીથી બાંધે. પરંતુ, બાબેલોનીઓ ક્યારેય ગુલામોને છોડતા ન હતા. તો પછી, એ કેવી રીતે શક્ય બન્યું? એનો જવાબ યહોવાએ પોતાના પ્રબોધકોને જણાવ્યો હતો.—આમો. ૩:૭.
૧૧. કઈ કઈ રીતે બાબેલોન સામ્રાજ્યની ઓળખ આપવામાં આવી? (ફૂટનોટ જુઓ.)
૧૧ બાબેલોનમાં લઈ જવાયેલા ગુલામોમાં પ્રબોધક દાનીયેલ પણ હતા. (દાની. ૧:૧-૬) યહોવાએ દાનીયેલ દ્વારા બાબેલોન પછી આવનાર જગત સત્તાઓ વિષે જણાવ્યું. યહોવાએ જુદી જુદી નિશાનીઓ દ્વારા એ રહસ્ય ખુલ્લું કર્યું. દાખલા તરીકે, તેમણે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને સપનામાં એક મોટી મૂર્તિ બતાવી, જે જુદી જુદી ધાતુની બનેલી હતી. (દાનીયેલ ૨:૧, ૧૯, ૩૧-૩૮ વાંચો.) દાનીયેલ દ્વારા યહોવાએ જણાવ્યું કે મૂર્તિનું સોનાનું માથું બાબેલોન સામ્રાજ્ય છે.b ચાંદીની છાતી અને હાથ, બાબેલોન પછીની જગત સત્તાને રજૂ કરતા હતા. એ જગત સત્તા કઈ હશે અને ઈશ્વરના લોકો સાથે કઈ રીતે વર્તશે?
માદાય-ઈરાન—ચોથું માથું
૧૨, ૧૩. (ક) બાબેલોનની હાર વિષે યહોવાએ શું જણાવ્યું? (ખ) કઈ રીતે કહી શકાય કે માદાય-ઈરાન જંગલી જાનવરનું ચોથું માથું છે?
૧૨ દાનીયેલના સમયથી સોએક વર્ષ પહેલાં, યહોવાએ પ્રબોધક યશાયા દ્વારા વિગતવાર જણાવ્યું હતું કે કઈ જગત સત્તા બાબેલોનને જીતી લેશે. યહોવાએ ફક્ત એ જ કહ્યું ન હતું કે બાબેલોન શહેરને કઈ રીતે જીતી લેવામાં આવશે, તેમણે તો જીતનારનું નામ પણ જણાવ્યું હતું. એ આગેવાનનું નામ કોરેશ હતું, જે ઈરાનનો હતો. (યશા. ૪૪:૨૮–૪૫:૨) યહોવાએ દાનીયેલને માદાય-ઈરાનની જગત સત્તા વિષે બીજાં બે દર્શનો પણ આપ્યાં હતાં. એમાંનાં એકમાં, એ સત્તાને રીંછ જેવી બતાવવામાં આવી હતી, જેની એક બાજુનો પંજો ઊંચો હતો. તેને કહેવામાં આવ્યું કે ‘ઘણું માંસ ખા.’ (દાની. ૭:૫) બીજા એક દર્શનમાં દાનીયેલે આ બેવડી જગત સત્તાને રજૂ કરતો બે શિંગડાંવાળો એક મેંઢો જોયો.—દાની. ૮:૩, ૨૦.
૧૩ યહોવાએ ભવિષ્યવાણી કરી હતી તેમ, તેમણે માદાય-ઈરાન સામ્રાજ્ય દ્વારા બાબેલોનનું પતન કર્યું અને ઈસ્રાએલીઓને વતનમાં પાછા વસાવ્યા. (૨ કાળ. ૩૬:૨૨, ૨૩) પરંતુ, આ જ સત્તાએ સમય જતા ઈશ્વરના લોકોને મિટાવી દેવાની કોશિશ કરી. બાઇબલમાં એસ્તેરના પુસ્તકમાં નોંધેલો અહેવાલ એ વિષે જણાવે છે. હામાન નામે ઈરાનના એક મોટા અધિકારીએ કાવતરું રચ્યું. તેણે વિશાળ ઈરાન સામ્રાજ્યમાં વસતા સર્વ યહુદીઓનો સંહાર કરવાની ગોઠવણ કરી. તેઓની આખી કોમની કત્લેઆમ કરવા માટે તેણે એક તારીખ પણ નક્કી કરી. પરંતુ યહોવાએ એમ થવા દીધું નહિ. તેમણે ફરીથી પોતાના લોકોનું શેતાનના સંતાનના વેરભાવથી રક્ષણ કર્યું. (એસ્તે. ૧:૧-૩; ૩:૮, ૯; ૮:૩, ૯-૧૪) આમ, માદાય-ઈરાન યોગ્ય રીતે જ પ્રકટીકરણમાં જણાવેલા જાનવરનું ચોથું માથું છે.
ગ્રીસ—પાંચમું માથું
૧૪, ૧૫. પ્રાચીન ગ્રીસ સામ્રાજ્ય વિષે યહોવાએ કઈ વિગતો જણાવી હતી?
૧૪ પ્રકટીકરણમાં જણાવેલ જંગલી જાનવરનું પાંચમું માથું ગ્રીસને રજૂ કરે છે. દાનીયેલે નબૂખાદનેસ્સારને સપનાનો અર્થ સમજાવ્યો હતો તેમ, મૂર્તિનું તાંબાનું પેટ અને જાંઘો આ જગત સત્તાને રજૂ કરતા હતા. યહોવાએ દાનીયેલને બીજાં બે દર્શનો પણ આપ્યાં હતાં. એમાં આ સામ્રાજ્ય કેવું હશે અને એના ખૂબ જ જાણીતા શાસક વિષે ધ્યાન ખેંચી લેતી વિગતો જણાવી હતી.
૧૫ એક દર્શનમાં દાનીયેલે ગ્રીસને દર્શાવતો ચાર પાંખોવાળો ચિત્તો જોયો. એ બતાવતું હતું કે આ સામ્રાજ્ય ઝડપથી એક પછી એક જીત મેળવતું જશે. (દાની. ૭:૬) બીજાં દર્શનમાં, દાનીયેલે જોયું કે એક મોટા શિંગડાંવાળો બકરો, બે શિંગડાંવાળા મેંઢાને એટલે કે માદાય-ઈરાનને આંખના પલકારામાં મારી નાંખે છે. યહોવાએ દાનીયેલને કહ્યું કે એ બકરો ગ્રીસ છે અને એનું મોટું શિંગડું, એના રાજાઓમાંના એકને બતાવે છે. દાનીયેલે આગળ લખ્યું કે એ મોટું શિંગડું તૂટી જશે અને એની જગ્યાએ ચાર નાનાં શિંગડાં ઊગશે. ખરું કે ગ્રીસ જગત સત્તા બન્યું એની સદીઓ પહેલાં આ ભવિષ્યવાણી લખવામાં આવી હતી, તોપણ એની એકેએક વિગત સાચી પડી. મોટું શિંગડું, મહાન સિકંદરને રજૂ કરતું હતું. પ્રાચીન ગ્રીસના આ ખૂબ જાણીતા રાજાએ માદાય-ઈરાન સામેની લડાઈમાં આગેવાની લીધી હતી. પરંતુ આ શિંગડું જલદી જ તૂટી ગયું, એટલે કે સિકંદર અચાનક મરણ પામ્યો. એ વખતે તે ફક્ત ૩૨ વર્ષનો હતો અને તેની તાકાત આકાશને આંબતી હતી. પછી તેનું સામ્રાજ્ય આખરે તેના ચાર સેનાપતિઓમાં વહેંચાઈ ગયું.—દાનીયેલ ૮:૨૦-૨૨ વાંચો.
૧૬. અંત્યોખસ ચોથાએ શું કર્યું?
૧૬ ઈરાનને જીતી લીધા પછી, ગ્રીસે ઈસ્રાએલ પર રાજ કર્યું. ત્યાં સુધીમાં યહુદીઓ વચન આપેલા દેશમાં ફરીથી વસી ગયા હતા અને તેઓએ યરૂશાલેમમાં ફરીથી મંદિર પણ બાંધી દીધું હતું. તેઓ હજી ઈશ્વરના પસંદ કરાયેલા લોકો હતા અને જે મંદિર ફરી બંધાયું હતું, એ હજી પણ સાચી ભક્તિનું સ્થાન હતું. પરંતુ, ઈ.સ. પૂર્વે બીજી સદીમાં જંગલી જાનવરના પાંચમા માથાં, ગ્રીસે ઈશ્વરના લોકો પર હુમલો કર્યો. કઈ રીતે? સિકંદરના ભાગલા પડેલા સામ્રાજ્યના એક વારસ, અંત્યોખસ ચોથાએ યરૂશાલેમના મંદિરમાં મૂર્તિપૂજા માટે એક વેદી બાંધી. તેણે જે કોઈ યહુદી ધર્મ પાળે તેને મોતની સજા ઠરાવી. શેતાનના સંતાને ધિક્કાર બતાવવા કરેલું કેવું નીચ કામ! જોકે, જલદી જ બીજી એક જગત સત્તાએ ગ્રીસનું સ્થાન લીધું. જંગલી જાનવરનું એ છઠ્ઠું માથું કોણ હતું?
રોમ—છઠ્ઠું માથું, “ભયંકર, મજબૂત”
૧૭. ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી કરવા છઠ્ઠા માથાએ કયો મહત્ત્વનો ભાગ ભજવ્યો?
૧૭ યોહાનને જંગલી જાનવરનું દર્શન થયું ત્યારે રોમ જગત સત્તા હતું. (પ્રકટી. ૧૭:૧૦) આ છઠ્ઠા માથાએ ઉત્પત્તિ ૩:૧૫માં નોંધેલી ભવિષ્યવાણીને પૂરી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. શેતાને રોમન અધિકારીઓ દ્વારા સંતાનની ‘એડી છૂંદીને’ એને ઘાયલ કર્યું. કઈ રીતે? તેઓએ ઈસુ પર બળવાખોર હોવાના જૂઠા આરોપો મૂકીને ગુનેગાર ઠરાવ્યા અને તેમને મારી નાખ્યા. (માથ. ૨૭:૨૬) પરંતુ એ ઘા જલદી જ રુઝાઈ ગયો, કેમ કે યહોવાએ ઈસુને ફરીથી જીવતા કર્યા.
૧૮. (ક) યહોવાએ કઈ નવી પ્રજાને પસંદ કરી અને શા માટે? (ખ) સર્પનું સંતાન કઈ રીતે સ્ત્રીના સંતાન પ્રત્યે વેરભાવ બતાવતું રહ્યું?
૧૮ ઈસ્રાએલના ધર્મગુરુઓએ રોમ સાથે મળીને ઈસુ વિરુદ્ધ કાવતરું કર્યું. ઈસ્રાએલ દેશના મોટા ભાગના લોકોએ પણ ઈસુનો મસીહ તરીકે નકાર કર્યો. એટલે, યહોવાએ પણ ઈસ્રાએલનો પોતાના લોકો તરીકે નકાર કર્યો. (માથ. ૨૩:૩૮; પ્રે.કૃ. ૨:૨૨, ૨૩) તેમણે હવે નવી પ્રજા પસંદ કરી, જે પ્રજા ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ કહેવાઈ. (ગલા. ૩:૨૬-૨૯; ૬:૧૬) એ પ્રજા એટલે અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલું મંડળ, જેમાં યહુદીઓ અને બીજી પ્રજાઓના લોકોનો સમાવેશ થતો હતો. (એફે. ૨:૧૧-૧૮) ઈસુના મરણ અને સજીવન થયા પછી, સર્પનું સંતાન સ્ત્રીના સંતાન પ્રત્યે વેરભાવ બતાવતું રહ્યું. રોમે અનેક વાર સંતાનનો બીજો ભાગ, એટલે કે ખ્રિસ્તી મંડળને મિટાવી દેવાની કોશિશ કરી.c
૧૯. (ક) દાનીયેલ કઈ રીતે છઠ્ઠી જગત સત્તાનું વર્ણન કરે છે? (ખ) બીજો લેખ શાની ચર્ચા કરશે?
૧૯ દાનીયેલે નબૂખાદનેસ્સારને આવેલા સપનાનો અર્થ જણાવ્યો એ પ્રમાણે, લોઢાના પગ રોમની સત્તાને રજૂ કરતા હતા. (દાની. ૨:૩૩) દાનીયેલે જોયેલું બીજું એક દર્શન રોમન સામ્રાજ્ય વિષે જણાવે છે. રોમમાંથી ઊભી થતી એ પછીની જગત સત્તા વિષે પણ એ દર્શનમાં વર્ણન થયું છે. (દાનીયેલ ૭:૭, ૮ વાંચો.) સદીઓ સુધી રોમ એના દુશ્મનો માટે “ભયંકર, મજબૂત અને અતિશય બળવાન” જાનવર જેવું હતું. પરંતુ ભવિષ્યવાણી પ્રમાણે, આ સામ્રાજ્યમાંથી “દસ શિંગડાં” ફૂટી નીકળવાનાં હતાં અને એમાંથી ખાસ કરીને એક નાનું શિંગડું આગળ પડતું બનવાનું હતું. આ દસ શિંગડાં શું છે અને નાના શિંગડાંની ઓળખ શું છે? નબૂખાદનેસ્સારે જોયેલી મોટી મૂર્તિના કયા ભાગનું વર્ણન નાના શિંગડાં સાથે બંધબેસે છે? પાન ૧૬ ઉપરનો લેખ એના જવાબ આપશે. (w12-E 06/15)
[ફુટનોટ્સ]
a આ સ્ત્રી યહોવાની પત્ની જેવા સંગઠનને રજૂ કરે છે, જે સ્વર્ગના દૂતોનું બનેલું છે.—યશા. ૫૪:૧; ગલા. ૪:૨૬; પ્રકટી. ૧૨:૧, ૨.
b દાનીયેલના પુસ્તકમાં જણાવેલી મૂર્તિનું માથું અને પ્રકટીકરણમાં વર્ણન કરેલા જંગલી જાનવરનું ત્રીજું માથું બાબેલોનને બતાવે છે. પાન ૧૪-૧૫ ઉપરનો ચાર્ટ જુઓ.
c ખરું કે રોમે યરૂશાલેમનો ઈ.સ. ૭૦માં નાશ કર્યો હતો, પણ રોમના એ હુમલાને ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થવા સાથે કોઈ સંબંધ ન હતો. કારણ, ત્યાં સુધીમાં ઈસ્રાએલના લોકો ઈશ્વરની પસંદ કરેલી પ્રજા રહ્યા ન હતા.