વાચકો તરફથી પ્રશ્નો
ઉત્પત્તિ ૩૮:૧૫, ૧૬ પ્રમાણે શા માટે યહુદાહે એક સ્ત્રીને વેશ્યા સમજીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો?
યહુદાહે એક સ્ત્રીને વેશ્યા ગણીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ, એ સ્ત્રી વેશ્યા નહિ, પણ તેમની પુત્રવધૂ તામાર હતી. ચાલો આપણે ઉત્પત્તિના ૩૮મા અધ્યાયમાંથી આ બનાવ તપાસીએ.
યહુદાહને ત્રણ દીકરા હતા. સૌથી મોટો દીકરો એર, તામાર સાથે પરણ્યો. પરંતુ, તે “યહોવાહની દૃષ્ટિમાં ભૂંડો હતો,” એટલે તેને કોઈ બાળક થયા પહેલાં જ તે મરણ પામ્યો. (ઉત્પત્તિ ૩૮:૭) એ જમાનામાં બાળક થયા વગર જેનો પતિ મરણ પામતો, એ પત્ની પોતાના દિયર સાથે લગ્ન કરતી. જેથી, પોતાના ભાઈનો વારસ રહે. આ રિવાજને દિયરવટું કહેવાય છે. તામારના કિસ્સામાં, એરનો બીજો ભાઈ ઓનાન આ ફરજ નિભાવવા માગતો ન હતો. તેથી, યહોવાહે તેને મારી નાખ્યો. હવે, એરનો સૌથી નાનો ભાઈ શેલાહ હજી ઉંમરલાયક ન હતો. તેથી, શેલાહ મોટો થાય ત્યાં સુધી, યહુદાહે તામારને પિયર મોકલી. હવે વર્ષો પસાર થયાં અને શેલાહ મોટો થયો. તોપણ યહુદાહે શેલાહ અને તામારનું લગ્ન કર્યું નહિ. તેથી, તામાર ચિંતામાં ડૂબી ગઈ કે પોતાને વારસ મળશે કે કેમ. હવે જ્યારે યહુદાહની પત્ની ગુજરી ગઈ, ત્યારે તામારે એક પ્લાન બનાવ્યો. તામારને ખબર હતી કે તેના સસરા યહુદાહ, મંદિરે જવા માટે કયા રસ્તેથી જશે. તેથી, તે એ જ રસ્તા પર વેશ્યા જેવા કપડાં પહેરીને બેઠી.
યહુદાહને ખબર ન હતી કે આ સ્ત્રી પોતાની પુત્રવધૂ છે. તેમણે એને વેશ્યા ગણીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો. તામારે બદલામાં ચાલાકીથી યહુદાહ પાસેથી અમુક ચીજો માંગી લીધી. થોડા સમય બાદ, તામાર પોતાના પેટમાંનું બાળક યહુદાહનું જ છે એ સાબિત કરવા એ પુરાવા તરીકે વાપરે છે. યહુદાહ હવે સાચી વાત જાણીને કહે છે: ‘તું મારા કરતાં ન્યાયી છે; કારણ કે મેં તને મારા દીકરા શેલાહને ન દીધી.” પછી યહુદાહે પોતાની પુત્રવધૂ સાથે ફરી શરીર સંબંધ બાંધ્યો નહિ.—ઉત્પત્તિ ૩૮:૨૬.
યહુદાહે અમુક મોટી ભૂલો કરી હતી. એક તો વચન પ્રમાણે શેલાહ અને તામારના લગ્ન કરાવ્યા નહિ. બીજું કે, તેમણે યહોવાહનો નિયમ ભંગ કર્યો અને પોતાની પત્ની ન હતી, એવી સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો. (ઉત્પત્તિ ૨:૨૪) પરંતુ, યહુદાહે ખરેખર વેશ્યા સાથે પાપ કર્યું ન હતું. હકીકતમાં તેમણે શેલાહના બદલે દિયરવટાની ફરજ બજાવી હતી.
વળી તામાર પણ વેશ્યા ન હતી, કેમ કે તેના જોડિયા બાળકો પેરેસ અને ઝેરાહને પાપનું ફળ ગણવામાં ન આવ્યા. વર્ષો બાદ બોઆઝ અને રૂથે દિયરવટાના રિવાજ પ્રમાણે લગ્ન કર્યા ત્યારે, બેથલેહેમના વડીલોએ આશીર્વાદ આપતા કહ્યું: “આ જુવાન સ્ત્રીથી યહોવાહ તને જે ફરજંદ આપશે, તેથી તારૂં ઘર યહુદાહથી તામારને પેટે થએલા પેરેસના ઘર જેવું થાઓ.” (રૂથ ૪:૧૨) વળી, ઈસુ પેરેસના કુટુંબમાંથી આવ્યા હતા.—માત્થી ૧:૧-૩; લુક ૩:૨૩-૩૩.