યહોવાહનો શબ્દ જીવંત છે
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૨
ઉત્પત્તિનું પુસ્તક, ૨,૩૬૯ વર્ષનો ઇતિહાસ આપે છે. એ આદમના જન્મથી છેક યુસફના મરણ સુધી જણાવે છે. છેલ્લા અંકમાં ઉત્પત્તિ એકથી અગિયારમા અધ્યાયની નવમી કલમ સુધી ચર્ચા થઈ હતી.a એમાં આપણે વિશ્વની શરૂઆતથી છેક નિમ્રોદના દિવસ સુધીની વિગતો જોઈ. હવે આ લેખ ઉત્પત્તિ અગિયારથી પચાસમા અધ્યાયના મુખ્ય વિચારોની ચર્ચા કરશે. એમાં આપણે ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને યુસફ વિષે શીખીશું.
ઈબ્રાહીમ યહોવાહના મિત્ર બને છે
ઈબ્રામનો જન્મ જળપ્રલયના ૩૫૦ વર્ષ પછી થયો. તે નુહના દીકરા શેમના વંશમાંથી આવતા હતા. ઈબ્રામ ઉર દેશના કાસ્દીઓના શહેરમાં રહેતા હતા. યહોવાહ તેમને પોતાનું ઘર છોડી નવા દેશમાં જવાનું કહે છે. ઈબ્રામને નવા દેશમાં યહોવાહ વચન આપે છે કે તેમનાં બાળકો આ દેશના માલિક થશે. યહોવાહ ઈબ્રામનું નામ બદલીને ઈબ્રાહીમ રાખે છે. ઈબ્રાહીમ ઈશ્વરભક્ત છે, એટલે તે “દેવનો મિત્ર” તરીકે પણ ઓળખાય છે.—યાકૂબ ૨:૨૩.
સદોમ અને આજુબાજુનાં શહેરોનાં પાપનો ઘડો ભરાઈ ગયો હતો, એટલે યહોવાહે તેઓનો નાશ કર્યો. પરંતુ, એમાંથી તે લોટ અને તેમની બે દીકરીઓને બચાવે છે. યહોવાહના વચન પ્રમાણે જ, ઈબ્રાહીમ અને સારાહને દીકરો ઈસ્હાક થાય છે. વર્ષો પછી, યહોવાહ ઈબ્રાહીમની પરીક્ષા કરે છે. તે તેમના વહાલા દીકરાનું બલિદાન કરવા કહે છે. તરત જ, ઈબ્રાહીમ એમ કરવા જાય છે, પણ એક દૂત તેમને રોકે છે. યહોવાહને પૂરેપૂરી ખાતરી થઈ કે ઈબ્રાહીમની શ્રદ્ધામાં કોઈ ખોટ નથી. એટલે તે ઈબ્રાહીમને આશીર્વાદ આપે છે કે તેમના વંશ દ્વારા સર્વ લોકોને આશિષ મળશે. વર્ષો બાદ, ઈબ્રાહીમની પત્ની સારાહ ગુજરી જાય છે, જેનો તે ખૂબ શોક કરે છે.
સવાલ-જવાબ:
૧૨:૧-૩—ઈબ્રાહીમ સાથે ઈશ્વરનો કરાર ક્યારે શરૂ થયો અને ક્યારે પૂરો થશે? યહોવાહે ઈબ્રામને કહ્યું: ‘હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.’ આ કરાર નીસાન ૧૪, ઈસવી સન પૂર્વે ૧૯૪૩માં શરૂ થયો. આ દિવસે ઈબ્રામ કનાન દેશ જવા ફ્રાત નદી પાર કરતા હતા. આ દિવસથી ૪૩૦ વર્ષ પછી, ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાંથી મુક્ત થયા. (નિર્ગમન ૧૨:૨, ૬, ૭, ૪૦, ૪૧) જ્યારે શેતાનનો નાશ થશે અને સર્વ લોકો યહોવાહના ભક્તો બનશે, ત્યારે આ કરાર પૂરો થશે. પરંતુ, આ કરારના લાભો “સનાતન” યુગો માટે છે.—ઉત્પત્તિ ૧૭:૭; ૧ કોરીંથી ૧૫:૨૩-૨૬.
૧૫:૧૩—ઈબ્રામના વંશ પર દુઃખનાં ૪૦૦ વર્ષ ક્યારે પૂરાં થયાં? આ દુઃખી યુગ ઈ. સ. પૂર્વે ૧૯૧૩માં શરૂ થયો, જ્યારે આશરે ૫ વર્ષના ઈસ્હાક માટે મોટી મિજબાની રાખવામાં આવી હતી. એમાં ૧૯ વર્ષનો તેનો સાવકો ભાઈ ઈશ્માએલ તેને “ચીડવતો હતો.” (ઉત્પત્તિ ૨૧:૮-૧૪, IBSI; ગલાતી ૪:૨૯) ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાંથી ઈ. સ. પૂર્વે ૧૫૧૩માં મુક્ત થયા ત્યારે, આ દુઃખી યુગનો અંત આવ્યો.
૧૬:૨—સારાયે ઈબ્રામને બીજી પત્ની આપી, એ શું ખોટું કહેવાય? ના, કારણ કે સારાય એ દિવસનો રિવાજ પાળતી હતી. એ રિવાજમાં જો પત્નીને બાળક ન થાય, તો તે પતિને બીજી પત્ની આપતી. તેથી, પુરુષો એકથી વધુ પત્ની રાખી શકતા. આ રિવાજ કાઈનથી શરૂ થયો અને ઘણા ઈશ્વરભક્ત પણ પાળતા હતા. (ઉત્પત્તિ ૪:૧૭-૧૯; ૧૬:૧-૩; ૨૯:૨૧-૨૮) પરંતુ, યહોવાહે નુહ અને તેમના ત્રણ દીકરાને ‘પૃથ્વીને ભરપૂર કરવાનો’ આશીર્વાદ આપ્યો ત્યારે, તેઓની એક એક જ પત્ની હતી. (ઉત્પત્તિ ૭:૭; ૯:૧; ૨ પીતર ૨:૫) તેથી, યહોવાહની ઇચ્છા એ છે કે એક પતિને એક જ પત્ની હોય. (ઉત્પત્તિ ૨:૨૧, ૨૨) ઈસુએ પણ સાફ સાફ કહ્યું કે એક પતિને એક જ પત્ની હોવી જોઈએ.—માત્થી ૧૯:૪-૮; ૧ તીમોથી ૩:૨, ૧૨.
૧૯:૮—લોટ સદોમના પુરુષોને તેમની દીકરીઓ આપવા માગતા હતા. તો શું તે ક્રૂર હતા? ના. એ દિવસોમાં લોકો આવેલા મહેમાનોની ખૂબ કાળજી રાખતા. અરે, તેઓ મહેમાનો માટે પોતાનો જાન આપવા પણ તૈયાર હતા. લોટ પણ એવું વિચારતા હતા. એટલે લોટ ઘર બહાર ભેગા થયેલા પુરુષો સાથે એકલા વાત કરવા જાય છે. લોટ પોતાના બે મહેમાનો, એટલે સ્વર્ગદૂતોને બચાવવા માટે પોતાની દીકરીઓ કુરબાન કરવા તૈયાર થયા. લોટે વિચાર્યું હોય શકે કે યહોવાહે પોતાની કાકી સારાહનું રક્ષણ કર્યું હતું. તેમ જ તે ચોક્કસ તેમની દીકરીઓનું પણ રક્ષણ કરશે. (ઉત્પત્તિ ૧૨:૧૭-૨૦) છેવટે તો, લોટ અને તેમની દીકરીઓને કંઈ ન થયું, કેમ કે યહોવાહે તેઓને રક્ષણ આપ્યું.
૧૯:૩૦-૩૮—લોટ દારૂના નશામાં તેમની દીકરીઓ સાથે સૂઈ ગયા, એ યહોવાહની નજરે કેવું હતું? યહોવાહની નજરે નજીકના સગાની આબરૂ લેવી પાપ છે. તેમ જ દારૂડિયા લોકો પણ પાપી છે. (લેવીય ૧૮:૬, ૭, ૨૯; ૧ કોરીંથી ૬:૯, ૧૦) પરંતુ, લોટ ભલા માણસ હતા અને સદોમના ‘દુષ્ટ કૃત્યોને’ તે પાપ ગણતા હતા. (૨ પીતર ૨:૬-૮) તેમ જ લોટની દીકરીઓને પણ એવું જ લાગતું હતું. એટલે તેઓ સદોમના કોઈ પણ માણસ સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. પરંતુ, તેઓ જાણતી હતી કે કોઈ બાળક વગર તેઓનો વંશ ત્યાં જ અટકી જશે. વળી, તેઓને ખબર હતી કે તેઓના પિતા તેઓ સાથે જાતીય સંબંધ બાંધવા તૈયાર નહિ થાય. એટલે તેઓએ તેમને શરાબ પીવડાવ્યો. બંને દીકરીઓને એક એક બાળક થયું. એક બાળકનું નામ મોઆબ હતું, જેનામાંથી મોઆબીઓ આવ્યા. બીજા બાળકનું નામ બેન-આમ્મી હતું, જેનામાંથી આમ્મોનીઓ આવ્યા. આમ, આ બંને ઈબ્રાહીમના સગાં હતા.
આપણે શું શીખી શકીએ?
૧૩:૮, ૯. બીજા સાથે શાંતિ જાળવી રાખવામાં ઈબ્રાહીમે સરસ ઉદાહરણ બેસાડ્યું. એ જ રીતે આપણે કોઈ પણ રીતે સ્વાર્થી ન બનીને, શાંતિ જાળવીએ.
૧૫:૫, ૬. ઈબ્રાહીમ અને સારાહ ઘરડા થયા છતાં પણ, તેઓને દીકરો થયો ન હતો. એટલે ઈબ્રાહીમ યહોવાહને પ્રાર્થના કરે છે. યહોવાહે ઈબ્રાહીમને ખાતરી આપી અને ઈબ્રાહીમે “યહોવાહ પર વિશ્વાસ કર્યો.” જો આપણે પણ દિલ ખોલીને આપણી ચિંતાઓ યહોવાહને જણાવીએ, તો તે જરૂર દિલાસો આપશે. વળી, તેમનું કહ્યું સાંભળીને આપણું જ ભલું થશે.
૧૫:૧૬. શા માટે યહોવાહે ચાર પેઢી સુધી અમોરીઓને (એટલે કનાનીઓને) સજા કરી નહિ? યહોવાહ ખૂબ ધીરજવાન છે. તે લોકોને છેક છેલ્લી ઘડી સુધી સુધરવાની તક આપે છે. આપણે પણ યહોવાહની જેમ ખૂબ ધીરજ બતાવીએ.
૧૮:૨૩-૩૩. યહોવાહ દુષ્ટ લોકો સાથે સારા લોકોનો નાશ કરતા નથી.
૧૯:૧૬. સદોમનો નાશ થતો હતો ત્યારે, લોટ “વિલંબ કરતો હતો.” એટલે દૂતો તેમનો હાથ પકડીને તેમને શહેર બહાર લઈ ગયા. આપણે પણ એવું વિચારવું ન જોઈએ કે આ જગતનો અંત જલદી નહિ આવે.
૧૯:૨૬. આપણે બધાએ સત્ય માટે ઘણું જતું કર્યું છે. પરંતુ, એના પર રડ્યા ન કરીએ.
યાકૂબ અને તેમના ૧૨ દીકરા
ઈબ્રાહીમે ઈસ્હાકનું લગ્ન, રિબકાહ સાથે નક્કી કર્યું. રિબકાહને જોડિયાં બાળકો એસાવ અને યાકૂબ થયાં. બે ભાઈઓમાં એસાવ મોટો હોવાથી, તેને એના ખાસ લાભ મળવાના હતા. પરંતુ, તેને એની કંઈ પડી ન હતી. એટલે એ લાભો કે હક્કો તે યાકૂબને વેચી દે છે. આમ, યાકૂબને તેમના પિતા તરફથી મોટા દીકરાના આશીર્વાદો મળે છે. પછી યાકૂબ પાદ્દાન-અરામમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે લેઆહ અને રાહેલ સાથે લગ્ન કર્યા. તેમણે ૨૦ વર્ષ સુધી તેમના સસરાના ઘેટાં-બકરાંની સંભાળ રાખી. થોડા સમય બાદ, તે પોતાના કુટુંબ સાથે બીજી જગ્યાએ રહેવા ગયા. લેઆહ, રાહેલ અને બે દાસીઓથી યાકૂબને ૧૨ દીકરા અને એક દીકરી થયા. યાકૂબ આશીર્વાદ મેળવવા માટે આખી રાત એક દૂત સાથે લડે છે. આ ઘટના પછી યાકૂબ ઈસ્રાએલ તરીકે ઓળખાયા.
સવાલ-જવાબ:
૨૮:૧૨, ૧૩—યાકૂબે સપનામાં જે ‘સીડી’ જોઈ એનો શું અર્થ થાય? આ “સીડી” બતાવે છે કે યહોવાહ અને માણસો વચ્ચે વાતચીત ચાલે છે. આ સીડી પર ચઢતા-ઊતરતા દૂતો ઈશ્વર-ભક્તોને યહોવાહનું માર્ગદર્શન આપે છે.—યોહાન ૧:૫૧.
૩૦:૧૪, ૧૫—શા માટે રાહેલ અમુક કંદમૂળ પસંદ કરે છે? જૂના જમાનામાં લોકો એક જાતના કંદમૂળને દવામાં વાપરતા. એ ડ્રગ્સની જેમ દુઃખ અને ટેન્શન ઓછું કરતા. વળી, આ કંદમૂળ જાતીય સંબંધ બાંધવાની ઇચ્છા વધારતા અને ગર્ભ રહેવાની શક્યતા પણ વધારતા. (ગીતોનું ગીત ૭:૧૩) બાઇબલ સમજાવતું નથી કે શા માટે રાહેલે અમુક વેંગણાં પસંદ કર્યા હતા. પરંતુ, વાંઝણી હોવાથી સમાજમાં તેને નીચું જોવું પડતું હશે. તેથી, કદાચ તેણે વિચાર્યું હોય શકે કે એ ખાવાથી તેને ગર્ભવતી થવાની તક વધશે. તેમ છતાં, એમ ન બન્યું. પરંતુ, છેવટે યહોવાહે તેનું “ગર્ભસ્થાન ઉઘાડ્યું.”—ઉત્પત્તિ ૩૦:૨૨-૨૪.
આપણે શું શીખી શકીએ?
૨૫:૨૩. માના પેટમાં બાળક હોય ત્યારથી યહોવાહ એને જાણે છે. તેથી, યહોવાહ જન્મ પહેલાંથી પણ પોતાના સેવકોને પસંદ કરી શકે છે. પરંતુ, આનો અર્થ એ નથી કે આપણું નસીબ નક્કી થયેલું છે.—હોશીઆ ૧૨:૩; રૂમીઓને પત્ર ૯:૧૦-૧૨.
૨૫:૩૨, ૩૩; ૩૨:૨૪-૨૯. યાકૂબ યહોવાહની ભક્તિને પોતાના જીવથી પણ વહાલી ગણતા હતા. એટલે તે એસાવનો હક્ક મેળવવા ઇચ્છતા હતા. વળી, એ જ માટે તે દૂત સાથે પણ આખી રાત લડ્યા. શું આપણે પણ યહોવાહ, તેમનું સંગઠન અને બાઇબલને જીવથી વહાલા ગણીએ છીએ? વળી, શું આપણે ઈસુના બલિદાનની કદર કરીએ છીએ, જેમના દ્વારા અમર જીવનની આશા મળી છે? ચાલો આપણે યાકૂબની જેમ જ જીવીએ.
૩૪:૧, ૩૦. દીનાહે યહોવાહની ભક્તિ ન કરનારા સાથે દોસ્તી બાંધી. એટલે યાકૂબના કુટુંબ પર તકલીફો આવી પડી. તેથી, ધ્યાનમાં રાખીએ કે આપણા મિત્રો, ફક્ત યહોવાહના જ ભક્તો હોય.
યહોવાહ યુસફને આશીર્વાદ આપે છે
યુસફના ભાઈઓએ ઈર્ષાના લીધે તેમને મિસરમાં દાસ તરીકે વેચી દીધા. યહોવાહના સિદ્ધાંતોને વળગી રહેવાથી, યુસફને જેલમાં પૂરી દેવામાં આવે છે. ફારૂનના સપનાનો અર્થ ફક્ત યુસફ જ સમજાવી શક્યા. તે કહે છે કે દેશમાં સાત વર્ષ જમીન પુષ્કળ પાક આપશે, અને સાત વર્ષ દુકાળ પડશે. ફારૂને યુસફને જેલમાંથી કાઢીને ખોરાકનો મંત્રી બનાવ્યો. દુકાળના લીધે યુસફના ભાઈઓ મિસરમાં ખોરાક લેવા માટે આવ્યા. યુસફે તેમના કુટુંબ સાથે તેમની ઓળખાણ કાઢી અને તેઓ બધા ગોશેનમાં રહેવા ગયા. યાકૂબ મરણ પથારીએ હતા ત્યારે પોતાના દીકરાઓને આશીર્વાદ દીધા. વળી, તેમણે જણાવ્યું કે યહોવાહ તેઓ પર ખૂબ આશીર્વાદ વરસાવશે. પછી, યાકૂબ ગુજરી ગયા અને કનાનમાં તેમની દફનવિધિ થઈ. યુસફ પણ ૧૧૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા. યુસફના સગાંઓએ તેમના શબમાં દવા ભરીને સાચવી રાખ્યું. વર્ષો પછી લાંબી મુસાફરી કરીને વચનના દેશમાં તેઓ પહોંચ્યા ત્યારે, યુસફની દફનવિધિ થઈ.—નિર્ગમન ૧૩:૧૯.
સવાલ-જવાબ:
૪૩:૩૨—શા માટે હેબ્રી લોકો સાથે જમવાને મિસરીઓ પાપ ગણતા હતા? મિસરીઓ અને હેબ્રીઓ વચ્ચે ભેદભાવ હતો. વળી, તેઓ હેબ્રીઓને નીચી જાતિના ગણીને, બહુ જ નફરત કરતા. (ઉત્પત્તિ ૪૬:૩૪) એમ પણ હોય શકે કે મિસરીઓ પાસે ખેતી કરવાની બહુ ઓછી જમીન હતી, અને એ પણ હેબ્રીઓ લઈ લેવા માગતા હતા.
૪૪:૫—શું યુસફે ખરેખર પ્યાલો લઈને શુકન જોયા હતા? ના, તે તો ઈશ્વર ભક્ત હતા. જેમ બિન્યામીને પ્યાલાની ચોરી કરી ન હતી, તેમ યુસફ પ્યાલો લઈને શુકન જોતા ન હતા. તે ફક્ત પોતાના ભાઈઓની પરીક્ષા જ કરતા હતા.
૪૯:૧૦—“રાજદંડ” અને ‘અધિકારીની છડીનો’ શું અર્થ થાય છે? જે વ્યક્તિ પાસે રાજદંડ અને છડી હોય, તેમની પાસે રાજ કરવાનો હક્ક હોય છે. યાકૂબે આ ઉદાહરણથી બતાવ્યું કે શીલોહ, એટલે ઈસુ આવે ત્યાર સુધી યહુદાની પ્રજા પાસે ખૂબ અધિકાર હશે. યહુદાના કુટુંબમાંથી શીલોહ આવ્યા. હવે યહોવાહે તેમને રાજદંડ અને છડી આપી છે.—ગીતશાસ્ત્ર ૨:૮, ૯; યશાયાહ ૫૫:૪; દાનીયેલ ૭:૧૩, ૧૪.
આપણે શું શીખી શકીએ?
૩૮:૨૬. યહુદાહે તેમની પુત્રવધૂ તામાર સાથે ભૂલથી સંબંધ બાંધ્યો. પરંતુ, તેમને ખબર પડી કે પોતે તે બાળકના પિતા છે, ત્યારે તેમણે તરત જ પોતાની ભૂલ સ્વીકારી. શું આપણે પણ જલદીથી આપણી ભૂલો સ્વીકારીએ છીએ?
૩૯:૯. યુસફે પોતાના ધણીની પત્ની સાથે વ્યભિચાર ન કર્યો. તે યહોવાહના નિયમો અને સિદ્ધાંતો સારી રીતે જાણતા હતા અને એને વળગી રહેવા માગતા હતા. શું આપણે પણ યહોવાહના સિદ્ધાંતો સારી રીતે જાણીએ છીએ? વળી, કોઈ પણ સંજોગોમાં શું આપણે એને વળગી રહીશું?
૪૧:૧૪-૧૬, ૩૯, ૪૦. યહોવાહ ધારે તો તેમના ભક્તોના સંજોગો બદલી શકે છે. તેથી, સતાવણી આવે ત્યારે ચાલો આપણે યહોવાહમાં પૂરો ભરોસો મૂકીએ.
યહોવાહના ભક્તોને અતૂટ વિશ્વાસ હતો
ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને યુસફ ખરેખર ઈશ્વર ભક્ત હતા. તેઓના જીવનથી આપણો વિશ્વાસ વધારે પાક્કો થયો છે. વળી, તેઓની પાસેથી આપણને ઘણું જ શીખવા મળ્યું છે.
તમે દેવશાહી શાળાનું બાઇબલ વાંચન કરો તેમ, આ લેખનો જરૂર ઉપયોગ કરજો. ઉત્પત્તિમાંથી તમે ઘણું શીખીને લાભ પામશો. પછી, તમે અનુભવશો કે ‘ઉત્પત્તિનું પુસ્તક જીવંત છે!’
[ફુટનોટ્સ]
a ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૨૦૦૪ના અંકમાં “યહોવાહનો શબ્દ જીવંત છે—ઉત્પત્તિના મુખ્ય વિચારો” પર પહેલો લેખ જુઓ.
[પાન ૨૬ પર ચિત્ર]
યહોવાહ યુસફને આશીર્વાદ આપે છે
[પાન ૨૬ પર ચિત્ર]
ઈબ્રાહીમ ઈશ્વરભક્ત હતા
[પાન ૨૬ પર ચિત્ર]
ઈશ્વર ભક્ત લોટ અને તેમની દીકરીઓ સદોમના વિનાશમાંથી બચી ગયા
[પાન ૨૯ પર ચિત્ર]
યાકૂબની જેમ શું તમે યહોવાહની ભક્તિ જીવની જેમ વહાલી ગણો છો?