પૂરા દિલથી યહોવાહને વળગી રહીએ
‘હું તારે સત્ય માર્ગે ચાલીશ; તારા નામનું ભય રાખવાને મારા હૃદયને શીખવ.’—ગીત. ૮૬:૧૧.
૧, ૨. (ક) યહોવાહને વળગી રહેવા ગીતશાસ્ત્ર ૮૬:૨, ૧૧ કઈ રીતે મદદ કરે છે? (ખ) આપણે હમણાંથી શું કરવું જોઈએ?
ઘણા ભાઈ-બહેનો વર્ષોથી યહોવાહને ભજે છે. અમુકને કેદ થઈ, અમુકે સતાવણી સહી. મોટા ભાગના એ કસોટીમાં જીત્યા. અફસોસની વાત છે કે પછીથી અમુક માલ-મિલકતની જાળમાં ફસાયા. કેમ એવું બન્યું? તેઓ પૂરા દિલથી યહોવાહને વળગી ન રહ્યા. ચાલો આપણે દાઊદ જેવા બનીએ, જેમણે પ્રાર્થના કરી કે “મારા જીવનું રક્ષણ કર, કેમકે હું તારો ભક્ત છું; હે મારા દેવ, તારા પર ભરોસો રાખનાર તારા સેવકને બચાવ.” તેમણે એમ પણ કહ્યું કે ‘હે યહોવાહ, મને તારો માર્ગ શીખવ; હું તારે સત્ય માર્ગે ચાલીશ; તારા નામનું ભય રાખવાને મારા હૃદયને શીખવ.’—ગીત. ૮૬:૨, ૧૧.
૨ ભલેને વર્ષોથી યહોવાહના ભક્ત હોઈએ, તોપણ અમુક સંજોગો આપણી શ્રદ્ધા નબળી પાડી શકે. બધાના દિલમાં સ્વાર્થ છુપાયેલો છે. જો ધ્યાન ન રાખીએ, તો આપણે શેતાનના કોઈ ફાંદામાં ફસાઈ જઈશું. એટલે બાઇબલ કહે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ.” (નીતિ. ૪:૨૩) જો આપણે હમણાં પૂરા દિલથી યહોવાહની ભક્તિ નહિ કરીએ તો, તેમને બેવફા બનીશું. ચાલો ફરીથી યહુદાહના પ્રબોધકના દાખલામાંથી શીખીએ.
‘હું તને બદલો આપીશ’
૩. પ્રબોધકનો સંદેશો સાંભળીને યરોબઆમે શું કર્યું?
૩ યહુદાહના પ્રબોધકે મૂર્તિપૂજા કરતા યરોબઆમને સંદેશો જણાવ્યો. એ સાંભળીને રાજા ક્રોધથી ભભૂકી ઊઠ્યો. તેણે પ્રબોધકને પકડવાનો હુકમ કર્યો. એ જ સમયે રાજાનો હાથ સૂકાઈ ગયો. વેદી ફાટી ગઈ ને રાખ વેરાઈ ગઈ. રાજાએ પ્રબોધકને કાલાવાલા કરવા પડ્યા કે “તારા દેવ યહોવાહની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર, કે મારો હાથ ફરીથી સાજો થાય.” પ્રબોધકે યહોવાહને પ્રાર્થના કરી અને રાજાનો હાથ સાજો થયો.—૧ રાજા. ૧૩:૧-૬.
૪. (ક) પ્રબોધકની કઈ રીતે કસોટી થઈ? (ખ) પ્રબોધકે શું કર્યું?
૪ યરોબઆમે પ્રબોધકને કહ્યું: “મારે ઘેર જમવા પધારો. તમે જે કર્યું છે તેનો બદલો હું આપીશ.” (૧ રાજા ૧૩:૭, કોમન લેંગ્વેજ) રાજા તેને મોટી મોટી ભેટો આપી શકતો હતો. જો પ્રબોધક ધનદોલતનો ભૂખ્યો હોત તો ફાંદામાં પડી જાત. શું પ્રબોધકે એમ વિચાર્યું કે રાજાએ પસ્તાવો કર્યો, એટલે તેની સાથે જમવામાં કંઈ ખોટું નથી? (ગીત. ૧૧૯:૧૧૩) તેને યહોવાહે કહ્યું હતું: ‘તારે રોટલી ખાવી નહિ ને પાણી પીવું નહિ.’ એટલે પ્રબોધકે રાજાને કહ્યું: “તું મને તારૂં અડધું ઘર આપે, તોપણ હું તારી સાથે નહિ આવું, ને આ જગાએ રોટલી પણ નહિ ખાઉં, તેમ પાણી પણ નહિ પીઉં.” પછી તરત જ પ્રબોધક બીજે રસ્તે થઈને બેથેલમાંથી નીકળી ગયો. (૧ રાજા. ૧૩:૮-૧૦) પ્રબોધકના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ?—રૂમી ૧૫:૪.
‘સંતોષી રહીએ’
૫. પૈસો કઈ રીતે આપણી કસોટી કરી શકે છે?
૫ આપણે કોનામાં ભરોસો મૂકીએ છીએ? પૈસામાં કે યહોવાહમાં? જો પૈસા પર ભરોસો રાખીશું તો યહોવાહની ભક્તિ એક બાજુએ મૂકીને મનગમતી વસ્તુઓ પાછળ પડી જઈશું. જો યહોવાહમાં ભરોસો હોય તો એમ નહિ કરીએ. (ફિલિપી ૪:૧૧-૧૩ વાંચો.) ખોટી ચિંતા નહિ કરીએ. (માથ. ૬:૩૩; હેબ્રી ૧૩:૫) ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: “સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે; કેમકે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમો. ૬:૬-૮.
૬. આપણને કેવી ઑફર મળી શકે? આપણે શું કરવું જોઈએ?
૬ માનો કે તમને પ્રમોશનની ઑફર મળે. સારો પગાર ને ઘણા લાભો! અથવા ફોરેન જઈને પૈસા કમાવાનો મોકો મળે. કદાચ તમને લાગે કે આ તો યહોવાહનો આશીર્વાદ છે! એવી કોઈ ઑફર સ્વીકારતા પહેલાં શું કરવું જોઈએ? આપણે પોતાના દિલમાં ડોકિયું કરીએ કે એનાથી યહોવાહની ભક્તિ પર કેવી અસર પડશે?
૭. આપણને પૈસાનો પ્રેમ હોય તો કેમ સાવ કાઢી નાખવો જોઈએ?
૭ શેતાનની દુનિયામાં પૈસો પરમેશ્વર છે. (૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો.) શેતાન આપણને પણ પૈસાના પ્રેમી બનાવીને ફસાવવા ચાહે છે. અરે, તેણે ઈસુને પણ લાલચ આપી. ઈસુએ ઘસીને ના પાડી. (માથ. ૪:૮-૧૦) ઈસુએ આપણને ચેતવણી આપી કે “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમકે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) આપણે દિલમાં પૈસાનો જરા એટલે જરા પણ પ્રેમ ન રાખીએ. જો હોય તો તરત કાઢી નાખીએ. (પ્રકટી. ૩:૧૫-૧૭) યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરીશું તો, પૈસાને વચમાં આવવા નહિ દઈએ.
વૃદ્ધ પ્રબોધક “જૂઠું” બોલ્યો
૮. યહુદાહના પ્રબોધકની રસ્તામાં કઈ કસોટી થઈ?
૮ યહુદાહનો પ્રબોધક સીધો ઘરે ગયો હોત તો સારું થાત. પણ બાઇબલ કહે છે: ‘બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો. તેના દીકરાઓએ આવીને બેથેલમાં જે સર્વ બન્યું એ કહી સંભળાવ્યું.’ તરત જ વૃદ્ધ પ્રબોધક ગધેડા પર બેસીને યહુદાહના પ્રબોધકને મળવા ઉપડી ગયો. તે એક મોટા ઝાડ નીચે આરામ કરતો હતો. વૃદ્ધ પ્રબોધકે તેને કહ્યું: “મારી સાથે ઘેર ચાલ, ને રોટલી ખા.” પણ યહુદાહના પ્રબોધકે ના પાડી. વૃદ્ધ પ્રબોધકે કહ્યું: “હું પણ તારી માફક પ્રબોધક છું; અને યહોવાહના કહેવાથી એક દૂતે મને કહ્યું, કે એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ, કે તે રોટલી ખાય ને પાણી પીએ.” હકીકતમાં તો ‘તે જૂઠું કહેતો હતો.’—૧ રાજા. ૧૩:૧૧-૧૮.
૯. જૂઠું બોલનાર વિષે બાઇબલ શું કહે છે? જૂઠું બોલવાથી કોનું બૂરું થાય છે?
૯ કદાચ એક જમાનામાં વૃદ્ધ પ્રબોધક યહોવાહને વફાદાર હતો. પણ હવે તે જૂઠું બોલતો હતો. બાઇબલ જણાવતું નથી કે તેણે કેમ એવું કર્યું. યહોવાહને જૂઠથી નફરત છે. (નીતિવચનો ૩:૩૨ વાંચો.) જૂઠું બોલનાર વ્યક્તિ યહોવાહ સાથેનો નાતો તોડે છે. બીજાનું બૂરું કરે છે.
તે વૃદ્ધ પ્રબોધક સાથે ‘પાછો ગયો’
૧૦. યહુદાહના પ્રબોધકે શું કર્યું અને એના લીધે શું બન્યું?
૧૦ યહુદાહના પ્રબોધકે વૃદ્ધ પ્રબોધકની વાત સાંભળીને એમ ન વિચાર્યું કે, ‘યહોવાહે મને કેમ ન જણાવ્યું?’ બાઇબલ જણાવતું નથી તેણે એના વિષે યહોવાહને કંઈ પૂછ્યું હોય. એને બદલે, તે વૃદ્ધ પ્રબોધક સાથે ‘પાછો ગયો, રોટલી ખાધી ને પાણી પીધું.’ તેણે યહોવાહની આજ્ઞા તોડી. તે ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં સિંહે તેને મારી નાખ્યો.—૧ રાજા. ૧૩:૧૯-૨૫.a
૧૧. અહીયાહે કેવો દાખલો બેસાડ્યો?
૧૧ હવે અહીયાહ પ્રબોધકનો વિચાર કરો. યરોબઆમને રાજા બનાવવા યહોવાહે તેમને મોકલ્યા હતા. વર્ષો પછી યરોબઆમનો દીકરો સખત બીમાર પડ્યો. રાજાએ પોતાના દીકરા વિષે પૂછાવવા પોતાની પત્નીને અહીયાહ પાસે મોકલી. અહીયાહે ડર્યા વગર જણાવ્યું કે તે થોડા સમયમાં ગુજરી જશે. અહીયાહ ઘડપણમાં પણ યહોવાહને વળગી રહ્યા. (૧ રાજા. ૧૪:૧-૧૮) એનો તેમને શું બદલો મળ્યો? એક આશીર્વાદ એ હતો કે એઝરાએ બાઇબલનો અમુક ભાગ લખતી વખતે તેમના લખાણોની મદદ લીધી.—૨ કાળ. ૯:૨૯.
૧૨-૧૪. (ક) યહુદાહના પ્રબોધક પાસેથી આપણે શું શીખીએ છીએ? (ખ) વડીલની સલાહ લીધા પછી આપણે શું કરવું જોઈએ? દાખલા આપીને સમજાવો.
૧૨ યહુદાહના પ્રબોધકે કેમ યહોવાહની સલાહ ન લીધી? કદાચ વૃદ્ધ પ્રબોધકે જે કહ્યું એ એને ગમ્યું હોય. એ આપણને શું શીખવે છે? ભલે ગમે એવી લાલચો આવે તોપણ યહોવાહનું જ માનીએ. એમાં જ આપણું ભલું છે.
૧૩ એક દાખલો લઈએ. કોઈ ભાઈ કે બહેનને સરસ જૉબની ઑફર આવે. બસ એટલું જ કે પહેલાં કરતાં વધારે ટાઈમ એમાં જશે. ફેમીલી કે યહોવાહ માટે બહુ કંઈ કરી નહિ શકે. એ ઑફર સ્વીકારતા પહેલાં તે વડીલના વિચાર પૂછે છે. શરૂઆતમાં વડીલ કહે કે એનો નિર્ણય તેણે પોતે લેવાનો છે. પછી તેને બાઇબલની સલાહ યાદ કરાવે છે. એ ઑફર સ્વીકારવાનાં જોખમો જણાવે છે. હવે એ વ્યક્તિ શું વડીલના શરૂઆતના શબ્દો જ પકડી રાખશે? કે પછી બાઇબલની સલાહ દિલમાં ઉતારશે? વ્યક્તિએ એવો નિર્ણય લેવો જોઈએ, જેનાથી યહોવાહ સાથેનો તેનો નાતો પાકો રહે.
૧૪ બીજો એક દાખલો લઈએ. એક બહેનના પતિ સત્યમાં નથી. એ બહેન વડીલને પૂછે છે કે, ‘હું મારા પતિથી જુદી થઈ જાવ તો કેમ?’ વડીલ તેને જણાવે છે કે ‘એમ કરવું કે નહિ એ હું ન કહી શકું. એ નિર્ણય તમારે જ લેવો જોઈએ.’ પછી તે ભાઈ બાઇબલમાંથી સલાહ યાદ કરાવે છે. (૧ કોરીં. ૭:૧૦-૧૬) હવે એ બહેન શું કરશે? બાઇબલની સલાહ માનશે કે પછી તેણે પહેલેથી જ જુદા થવાનું નક્કી કર્યું છે? તે જે કોઈ નિર્ણય લે એમાં યહોવાહની મદદ માંગે અને બાઇબલની સલાહ લે.
પોતાના દિલ પર ભરોસો ન રાખીએ
૧૫. પ્રબોધકે કરેલી ભૂલમાંથી આપણે શું શીખી શકીએ?
૧૫ યહુદાહના પ્રબોધકે કરેલી ભૂલને લીધે તે યહોવાહને બેવફા બન્યો. તેણે જીવ ખોયો. એ શીખવે છે કે આપણે પોતા પર નહિ, પણ યહોવાહ પર અતૂટ ભરોસો રાખીએ. નીતિવચન ૩:૫કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”
૧૬, ૧૭. આપણું દિલ છેતરે નહિ, એ માટે શું કરવું જોઈએ?
૧૬ આપણા દરેકના દિલમાં સ્વાર્થ છુપાયેલો છે. બાઇબલ કહે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મે. ૧૭:૯) આપણું દિલ છેતરે નહિ, એ માટે શું કરવું જોઈએ? નમ્ર બનીએ. ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલો’ નવો સ્વભાવ કેળવીએ.—એફેસી ૪:૨૨-૨૪ વાંચો.
૧૭ નીતિવચન ૧૧:૨કહે છે: “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” એનાથી આપણે હરેક સંજોગોમાં યહોવાહ પર જ આધાર રાખીએ. (નીતિ. ૨૪:૧૦) માનો કે કોઈ વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા હોય. પણ હવે કોઈ કારણે નિરાશ થઈને વિચારે છે કે ‘મેં બહુ કર્યું, હવે ભલે બીજાઓ કરે.’ અથવા કોઈ કહે કે ‘હવે હું પણ ઘરબાર વસાવું, સેટલ થઈ જાઉં.’ પણ એવા સંજોગોમાં ઉતાવળો નિર્ણય ન લઈએ. એને બદલે મન મૂકીને યહોવાહની ભક્તિ કરવાનો ‘યત્ન કરીએ.’ ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહીએ’ તો યહોવાહ આપણા દિલનું રક્ષણ કરશે.—લુક ૧૩:૨૪; ૧ કોરીં. ૧૫:૫૮.
૧૮. નિર્ણય લેતી વખતે આપણે શું કરવું જોઈએ?
૧૮ અમુક વાર કોઈ નિર્ણય લેવા શું કરવું, એ જ ન સૂઝે. આપણને ગમે એવો નિર્ણય લેવાને બદલે, યહોવાહની મદદ માગીએ. યાકૂબ ૧:૫કહે છે, ‘તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વેને ઉદારતાથી આપે છે, તેની પાસેથી માગે.’ યહોવાહ આપણને ખરો નિર્ણય લેવા માર્ગદર્શન આપશે.—લુક ૧૧:૯, ૧૩ વાંચો.
યહોવાહને જ વળગી રહીએ
૧૯, ૨૦. આપણે મનમાં શું નક્કી કરવું જોઈએ?
૧૯ સુલેમાન યહોવાહને બેવફા બન્યો. લોકોએ એને લીધે ઘણું સહેવું પડ્યું. સુલેમાનની જેમ ઘણા બેવફા બન્યા, જ્યારે કે ખરા ભક્તો યહોવાહને વળગી રહ્યા.
૨૦ આપણે દરેકે રોજ નાના-મોટા નિર્ણયો લેવા પડે છે. આવા સમયે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. એટલે આપણે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરીશું તો જરૂર આશીર્વાદો પામીશું. યહોવાહ ‘વિશ્વાસુ સાથે વિશ્વાસુ રહે છે.’—૨ શમુએલ ૨૨:૨૬, કોમન લેંગ્વેજ. (w 08 8/15)
[Footnote]
a યહોવાહે વૃદ્ધ પ્રબોધકને સજા કરી કે નહિ એ બાઇબલ જણાવતું નથી.
આપણે શું શીખ્યા?
• આપણે દિલમાંથી પૈસાનો પ્રેમ કેમ કાઢી નાખવો જોઈએ?
• ખરા નિર્ણયો લેવા શામાંથી મદદ મળશે?
• યહોવાહને વળગી રહેવા નમ્રતા કઈ રીતે મદદ મળશે?