મુસીબતના સમયે સાથ આપે એ જ સાચો મિત્ર!
જિઆની અને મૉરિઝિયો આશરે ૫૦ વર્ષથી દોસ્તો છે. પણ, એક એવો સમય હતો જ્યારે તેઓની દોસ્તી ખતરામાં આવી ગઈ હતી. મૉરિઝિયો જણાવે છે: ‘મુશ્કેલ સંજોગોમાં મારાથી અમુક ગંભીર ભૂલો થઈ હતી, જેના લીધે અમારી મિત્રતામાં તિરાડ પડી ગઈ.’ જિઆની કહે છે: ‘સત્ય શીખ્યો ત્યારે શરૂઆતમાં મૉરિઝિયોએ મારો બાઇબલ અભ્યાસ લીધો હતો. તે મારો માર્ગદર્શક હતો. તેની ભૂલો વિશે સાંભળ્યું ત્યારે મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો. હું જાણતો હતો કે, હવે અમારા રસ્તાઓ અલગ થઈ ગયા છે. એ વિચારથી હું સાવ તૂટી ગયો હતો. એકદમ એકલો પડી ગયો હતો.’
સારા દોસ્તો અમૂલ્ય હોય છે. વર્ષોવર્ષ ટકે એવી ગાઢ દોસ્તી આપોઆપ બંધાઈ જતી નથી. જો દોસ્તી તૂટવાને આરે હોય, તો એને બચાવવા શું કરી શકાય? બાઇબલના અમુક પાત્રો પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. તેઓની દોસ્તી ખતરામાં આવી ત્યારે, તેઓએ પોતાને સાચા દોસ્ત સાબિત કર્યા.
દોસ્ત ભૂલ કરી બેસે ત્યારે
દાઊદ એક ઘેટાંપાળક અને રાજા હતા. તેમના ચોક્કસ સારા દોસ્તો હશે. કદાચ તમારા મનમાં તેમના પાકા દોસ્ત યોનાથાન આવે. (૧ શમૂ. ૧૮:૧) દાઊદના બીજા દોસ્તો પણ હતા, જેમ કે પ્રબોધક નાથાન. તેઓની દોસ્તી ક્યારે શરૂ થઈ એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. જેમ આપણે કોઈ દોસ્તને દિલની વાત જણાવીએ છીએ, તેમ દાઊદે પણ પોતાના દિલની વાત નાથાનને જણાવી હતી. દાઊદની ઇચ્છા હતી કે તે યહોવા માટે મંદિર બાંધે. રાજા દાઊદે નાથાનની સલાહ લીધી હશે, કારણ કે તે દાઊદના સારા દોસ્ત હતા અને તેમના પર યહોવાની શક્તિ હતી.—૨ શમૂ. ૭:૨, ૩.
સમય જતાં, એવું કંઈક બન્યું જેનાથી તેઓની દોસ્તી ખતરામાં આવી પડી. રાજા દાઊદે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો અને પછી તેના પતિ ઊરિયાને મારી નંખાવ્યો. (૨ શમૂ. ૧૧:૨-૨૧) દાઊદ વફાદાર અને ન્યાયી રાજા હતા. પણ હવે તેમનાથી આ ગંભીર પાપ થઈ ગયું હતું. એ ન્યાયી રાજાને શું થઈ ગયું હતું? શું તે પોતાના ગંભીર પાપને જોઈ શકતા ન હતા? કે પછી, તેમને લાગતું હતું કે, તે એ બધું યહોવાથી છુપાવી શકે છે?
હવે નાથાન શું કરશે? શું તે રાહ જોશે કે બીજું કોઈક આવીને રાજા આગળ એ મુદ્દો ઉઠાવે? બીજા અમુક લોકો જાણતા હતા કે, ઊરિયાને મારી નંખાવવામાં દાઊદનો હાથ હતો. જો નાથાન એ મામલામાં પડે, તો વર્ષો જૂની દોસ્તીમાં કડવાશ આવી શકે. કદાચ જીવ પણ ગુમાવવો પડે. યાદ કરો, દાઊદે પોતાનું પાપ છુપાવવા નિર્દોષ ઊરિયાને મોતને ઘાટ ઉતાર્યો હતો.
પણ, નાથાન તો ઈશ્વરનો સંદેશો જણાવનાર હતા. તે જાણતા હતા કે, જો ચૂપ રહેશે તો દાઊદ સાથેની દોસ્તીમાં તિરાડ પડશે અને પોતાનું અંતઃકરણ પણ ડંખશે. તેમના દોસ્ત ખોટા માર્ગે ગયા હતા અને તેમણે યહોવાને દુઃખ પહોંચાડ્યું હતું. તે યહોવાના માર્ગે પાછા વળે માટે તેમને મદદની જરૂર હતી. દાઊદને એક સાચા મિત્રની જરૂર હતી અને નાથાન એવા જ એક મિત્ર હતા. તેમણે દાઊદને એક દૃષ્ટાંત કહ્યું, જેથી દાઊદ પોતાની ભૂલની ગંભીરતા જોઈ શકે અને યોગ્ય પગલાં ભરી શકે. નાથાનને ખબર હતી કે, દાઊદ પહેલાં ઘેટાંપાળક હતા. તેથી, ઘેટીનું દૃષ્ટાંત આપીને તેમણે ઈશ્વરનો સંદેશો એ રીતે રજૂ કર્યો કે દાઊદના દિલને સ્પર્શી જાય.—૨ શમૂ. ૧૨:૧-૧૪.
જો તમારો કોઈ મિત્ર મોટી ભૂલ કે ગંભીર પાપ કરી બેસે, તો તમે શું કરશો? કદાચ તમારા મનમાં વિચાર આવે કે, જો તમે એ પાપ તરફ તેનું ધ્યાન દોરશો, તો તમારી દોસ્તી ખતરામાં આવી જશે. તમે જાણો છો કે, વડીલો તેને મદદ કરી શકે છે. પણ, તમારું દિલ કહે છે કે, વડીલો આગળ તેનું પાપ ખુલ્લું કરવું તો દોસ્ત સાથે બેવફાઈ કહેવાશે. તમે શું કરશો?
આપણે જિઆની વિશે અગાઉ જોઈ ગયા. તે કહે છે: ‘હું જોઈ શકતો હતો કે, મૉરિઝિયો અને મારી દોસ્તી હવે પહેલાં જેવી રહી નથી. તે હવે દિલ ખોલીને મારી સાથે વાત કરતો નથી. મેં સામે ચાલીને તેની સાથે વાત કરવાનો નિર્ણય કર્યો, પણ એ ખૂબ જ અઘરું હતું. હું વિચારતો: “હું એને એવું તો શું કહું જે તે જાણતો ન હોય? ખબર નહિ, તે કેવું વલણ બતાવશે!” પણ, અમે ભેગા મળીને બાઇબલમાંથી જે શીખ્યા હતા, એ યાદ કરવાથી મને હિંમત મળી. જરૂર હતી ત્યારે, મૉરિઝિયોએ પણ મને મદદ કરી હતી. હું મારા દોસ્તને ગુમાવવા માંગતો ન હતો, પણ તેની ચિંતા હોવાને લીધે તેને મદદ કરવા ચાહતો હતો.’
મૉરિઝિયો કહે છે: ‘જિઆનીએ મને દિલથી મદદ કરી અને તેણે જે કર્યું એ એકદમ યોગ્ય હતું. હું જાણતો હતો કે, હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો હતો, એમાં જિઆની કે યહોવાનો કોઈ વાંક ન હતો. મેં શિસ્તનો સ્વીકાર કર્યો અને સમય જતાં યહોવા સાથેનો નાતો ફરી પાકો બનાવ્યો.’
દોસ્ત મુશ્કેલીમાં ફસાય ત્યારે
દાઊદના બીજા સાથીદારો પણ હતા, જેઓ મુશ્કેલીઓમાં તેમને વળગી રહ્યા. એવા જ એક સાથી હૂશાય હતા. બાઇબલમાં તેમને ‘દાઊદના મિત્ર’ કહેવામાં આવ્યા છે. (૨ શમૂ. ૧૬:૧૬; ૧ કાળ. ૨૭:૩૩) કદાચ તે રાજ દરબારના અધિકારી હતા અને રાજાના ખાનગી આદેશો અમલમાં મૂકતા હતા.
જ્યારે રાજા દાઊદના દીકરા આબ્શાલોમે રાજગાદી છીનવી લીધી, ત્યારે ઘણા ઇઝરાયેલીઓએ આબ્શોલોમને સાથ આપ્યો. પણ, હૂશાયે એમ ન કર્યું. દાઊદ જીવ બચાવવા આમતેમ નાસી રહ્યા હતા ત્યારે, હૂશાય દાઊદને મળવા ગયા. દાઊદ ઘણા જ દુઃખી હતા, કારણ કે તેમના દીકરા અને બીજા અમુક સાથીઓએ તેમને દગો દીધો હતો. પણ, હૂશાય વફાદાર રહ્યા. આબ્શાલોમના ષડ્યંત્રને નિષ્ફળ બનાવવા તે પોતાના જીવનું જોખમ ખેડવા પણ તૈયાર હતા. તે એ કામ ફરજ પડ્યાથી નહિ, પણ એક વફાદાર દોસ્ત હોવાને નાતે કરી રહ્યા હતા.—૨ શમૂ. ૧૫:૧૩-૧૭, ૩૨-૩૭; ૧૬:૧૫–૧૭:૧૬.
આજે મંડળનાં ભાઈ-બહેનો કોઈ પણ કિંમતે એકબીજાને વફાદાર રહે છે. પોતાની જવાબદારી નિભાવવા નહિ, પણ સાચા પ્રેમથી પ્રેરાઈને એમ કરે છે. એ જોવું ખરેખર હૃદયસ્પર્શી છે! તેઓનાં કાર્યોથી જાણે તેઓ કહે છે, ‘ભાઈ, તું સાચે જ મારો દોસ્ત છે. ફરજ પડ્યાને લીધે નહિ, પણ તું ખરેખર મારા માટે મહત્ત્વનો છે એટલે.’
ભાઈ ફેડરિકોનો અનુભવ એવો જ રહ્યો. તેમના વહાલા દોસ્ત એન્ટોનિયોની મદદથી તે જીવનના મુશ્કેલ સમયમાં ટકી રહી શક્યા. તે કહે છે: ‘એન્ટોનિયો અમારા મંડળમાં આવ્યો એના થોડા જ સમયમાં અમે સારા દોસ્તો બની ગયા. અમે બંને સહાયક સેવકો હતા અને સાથે કામ કરવાની ખૂબ મજા માણતા. થોડા સમય પછી તેને વડીલ તરીકે નીમવામાં આવ્યો. તે મારો દોસ્ત હતો અને મારા માટે એક આદર્શ હતો.’ પછી, ફેડરિકોએ એક ખોટું પગલું ભર્યું. તેમણે તરત જ વડીલો પાસે મદદ માંગી. જોકે, હવે તે પાયોનિયર અને સહાયક સેવક તરીકેનો લહાવો ગુમાવી બેઠા હતા. એ સમયે એન્ટોનિયોએ કેવું વલણ બતાવ્યું?
ફેડરિકો યાદ કરતા કહે છે: ‘એન્ટોનિયો મારું દુઃખ સમજતો હતો. લાગણીમય રીતે ભાંગી ન પડું અને યહોવા સાથે ગાઢ નાતો બનાવી શકું માટે તેણે બનતી મદદ કરી. તેણે મારી ખૂબ કાળજી લીધી અને મને કદી તરછોડી દીધો નહિ. હું હાર માની ન લઉં અને શ્રદ્ધામાં અડગ રહું માટે તેણે મને ઉત્તેજન આપ્યું.’ એન્ટોનિયો કહે છે: ‘હું ફેડરિકો સાથે ઘણો સમય વિતાવતો. હું ચાહતો કે તે દિલ ખોલીને મારી જોડે વાત કરે, તેનું દર્દ મને જણાવે.’ ખુશીની વાત છે કે, સમય જતાં ફેડરિકોએ પ્રગતિ કરી અને તેમને ફરી એક વખત પાયોનિયર અને સહાયક સેવક નીમવામાં આવ્યા. એન્ટોનિયો કહે છે: ‘ભલે આજે અમે અલગ અલગ મંડળોમાં છીએ, પણ અમે એકબીજાની ખૂબ જ નજીક છીએ.’
શું એ દગો કહેવાય?
ખરેખર જરૂર હોય ત્યારે જ દોસ્ત પીઠ ફેરવી દે, એનાથી મોટું દુઃખ બીજું શું હોય શકે! શું તમે ક્યારેય એવા દોસ્તને માફ કરી શકશો? શું તમે ક્યારેય એની સાથે પાકી દોસ્તી બાંધી શકશો?
ઈસુના જીવનના છેલ્લા દિવસોમાં જે બન્યું એનો વિચાર કરો. તેમણે વફાદાર પ્રેરિતો સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને આપસમાં તેઓનો ગાઢ સંબંધ હતો. ઈસુએ તો તેઓને મિત્રો કહ્યા હતા. (યોહા. ૧૫:૧૫) પરંતુ, તેમના મરણની આગલી રાતે એ મિત્રોએ શું કર્યું? તેઓએ ઈસુને ત્યજી દીધા, તેઓ પીઠ ફેરવીને નાસી ગયા. પીતરે તો બડાઈ હાંકી હતી કે, તે ક્યારેય ઈસુને તજશે નહિ. પરંતુ, એ જ રાતે તેમણે ઈસુને ઓળખવાનો પણ નકાર કરી દીધો.—માથ. ૨૬:૩૧-૩૩, ૫૬, ૬૯-૭૫.
ઈસુ જાણતા હતા કે, એ આખરી કસોટીમાં તે એકલા હશે. પ્રેરિતોથી નારાજ થવાનું તેમની પાસે વાજબી કારણ હતું. પરંતુ, સજીવન થયા પછી શિષ્યોને મળ્યા ત્યારે, તેમણે કેવું વલણ બતાવ્યું? શું તેમની વાતોમાં શિષ્યો માટે નિરાશા, કડવાશ કે અફસોસ હતો? શું તેમણે શિષ્યોની ખામીઓ પર ધ્યાન આપ્યું? ના, જરાય નહિ. અરે, મરણની આગલી રાતે શિષ્યોએ જે કર્યું હતું, ઈસુએ એનો ઉલ્લેખ સુધ્ધા ન કર્યો.
એના બદલે, ઈસુએ પીતર અને બીજા પ્રેરિતોની હિંમત વધારી. ભાવિમાં થનાર સૌથી મોટા શિક્ષણકાર્યની જવાબદારી ઈસુએ તેઓના હાથમાં સોંપી અને બતાવ્યું કે તે પ્રેરિતો પર ભરોસો રાખે છે. ઈસુ માટે હજીયે એ પ્રેરિતો તેમના દોસ્તો હતા. ઈસુનો પ્રેમ શિષ્યોના દિલમાં છપાઈ ગયો. તેઓએ પોતાના ગુરુ ઈસુને ફરી ક્યારેય નિરાશ ન કરવાની મનમાં ગાંઠ વાળી. હકીકતમાં, ઈસુએ સોંપેલી જવાબદારીને તેઓએ ખૂબ સારી રીતે નિભાવી.—પ્રે.કા. ૧:૮; કોલો. ૧:૨૩.
ચાલો, એલવિરા બહેનનો અનુભવ જોઈએ. પોતાની ખાસ સહેલી ગિલિઆના સાથે તેમનો અણબનાવ થયો હતો. એ બનાવ તેમને સારી રીતે યાદ છે. તે કહે છે: ‘તેણે મને જણાવ્યું કે હું તેની સાથે ખરાબ રીતે વર્તી હતી અને તેને દુઃખ પહોંચ્યું છે. એ સાંભળીને મારું દિલ તૂટી ગયું. તે મારાથી નારાજ હતી અને એમ કરવાનું તેની પાસે કારણ પણ હતું. પણ તેને મારી ચિંતા હતી. મારા વર્તનનું કેવું પરિણામ આવશે એ વિશે તેને ફિકર હતી. તેણે મારી ભૂલ તરફ નહિ, પણ હું પોતાને જે નુકસાન કરી રહી હતી એના પર ધ્યાન આપ્યું. હું યહોવાનો અહેસાન માનું છું કે તેમણે મને એવી સહેલી આપી છે, જેને પોતાની લાગણીઓ કરતાં મારી વધારે ચિંતા છે.’
દોસ્તી ખતરામાં હોય ત્યારે સાચો દોસ્ત શું કરશે? તે તમારી પાસે આવીને માયાળુ રીતે, પણ સીધેસીધી વાત કરશે. એ દોસ્ત નાથાન અને હૂશાય જેવો છે, જે મુશ્કેલ સંજોગોમાં પણ વફાદાર રહે છે. એ દોસ્ત ઈસુ જેવો છે, જે માફ કરવા તત્પર રહે છે. શું તમે એવા જ દોસ્ત છો?