યહોવાના ગાઢ મિત્રોને અનુસરો
“જેઓ [પરમેશ્વરનો] ભય રાખે છે તેઓને તે પોતાના મિત્રો બનાવે છે.”—ગીત. ૨૫:૧૪, IBSI.
૧-૩. (ક) આપણે શા માટે ખાતરીથી કહી શકીએ કે આપણે યહોવાના મિત્ર બની શકીએ છીએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
બાઇબલમાં ત્રણ વાર ઈબ્રાહીમને ઈશ્વરના મિત્ર તરીકે સંબોધવામાં આવ્યા છે. (૨ કાળ. ૨૦:૭; યશા. ૪૧:૮; યાકૂ. ૨:૨૩) બાઇબલ ફક્ત તેમને જ ઈશ્વરના મિત્ર તરીકે સંબોધે છે. તો શું એનો મતલબ એમ થાય કે ફક્ત ઈબ્રાહીમ જ એવા મનુષ્ય હતા, જે ઈશ્વર યહોવાના મિત્ર બની શક્યા હતા? ના. બાઇબલ જણાવે છે કે યહોવાના મિત્ર બનવાનો લહાવો આપણા દરેક પાસે છે.
૨ બાઇબલ જણાવે છે કે “જેઓ [પરમેશ્વરનો] ભય રાખે છે તેઓને તે પોતાનાં મિત્રો બનાવે છે.” (ગીત. ૨૫:૧૪, IBSI) બાઇબલ એવાં ઘણાં સ્ત્રી-પુરુષોના અહેવાલોથી ભરપૂર છે, જેઓએ યહોવાનો ડર રાખ્યો, શ્રદ્ધા બતાવી અને યહોવાના ગાઢ મિત્રો બની શક્યાં. પાઊલે જણાવેલી ‘સાક્ષીઓની મોટી વાદળારૂપ ભીડʼનો તેઓ ભાગ છે. એ બધા ઈશ્વરભક્તો એકબીજાથી ઘણા અલગ હતા, તેમ છતાં યહોવાના મિત્રો બન્યા હતા.—હિબ્રૂ ૧૨:૧.
૩ ચાલો, આપણે બાઇબલમાંથી યહોવાના ત્રણ મિત્રો વિશે ચર્ચા કરીએ: (૧) મોઆબ દેશની યુવાન રૂથ, જે એક વફાદાર વિધવા હતી, (૨) યહુદાહના રાજા હિઝ્કીયા, જે વિશ્વાસુ હતા અને (૩) ઈસુની માતા મરિયમ, જે ખૂબ નમ્ર હતાં. તેઓ દરેક, જે રીતે યહોવાના મિત્ર બન્યા એમાંથી આપણે શું શીખી શકીએ?
તેમણે પ્રેમ અને વફાદારી બતાવ્યાં
૪, ૫. રૂથે કયો નિર્ણય લેવાનો હતો અને એ કેમ અઘરો હતો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૪ આ દૃશ્યની કલ્પના કરો: નાઓમી અને તેમની બે વહુઓ રૂથ તેમજ ઓર્પાહ મોઆબ દેશથી ઈસ્રાએલની લાંબી મુસાફરીએ નીકળ્યાં છે. રસ્તામાં ઓર્પાહ પોતાના વતન મોઆબ પાછા ફરવાનું નક્કી કરે છે. પણ, તેની સાસુ નાઓમી તો પોતાના વતન ઈસ્રાએલ જવા મક્કમ છે. હવે, રૂથ શો નિર્ણય લેશે? તેણે પોતાના જીવનનો એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવાનો છે. શું તે મોઆબમાં પોતાના કુટુંબ પાસે જશે કે પછી પોતાની સાસુ નાઓમીને સાથ આપશે, જે ઈસ્રાએલના બેથલેહેમ શહેર જઈ રહ્યાં છે?—રૂથ ૧:૧-૮, ૧૪.
૫ રૂથનું પીયર મોઆબ દેશમાં છે. તે ચાહે તો પોતાના લોકો પાસે પાછી જઈ શકે છે. તેઓ ખુશી ખુશી તેની સંભાળ રાખશે. ઉપરાંત, તે મોઆબનાં લોકો, ત્યાંની ભાષા અને સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે. જ્યારે કે, નાઓમી રૂથને એવું કોઈ વચન આપી શકતી નથી કે તેને એ બધું બેથલેહેમમાં પણ મળશે. અરે, નાઓમીને એ પણ ચિંતા છે કે પોતે રૂથ માટે બીજો પતિ કે ઠામઠેકાણું શોધી આપી શકશે કે કેમ. તેથી, તે રૂથને મોઆબ પાછી જવા કહે છે. હવે, રૂથ શો નિર્ણય લેશે? ઓર્પાહ “પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાઓની પાસે પાછી ગઈ” છે. (રૂથ ૧:૯-૧૫) શું રૂથ પણ એમ કરશે? ના, તે નક્કી કરે છે કે તે પોતાના લોકો અને તેઓના જૂઠા દેવો પાસે પાછી નહિ જાય!
૬. (ક) રૂથે કયો સમજદારીભર્યો નિર્ણય લીધો? (ખ) બોઆઝે શા માટે એમ કહ્યું કે રૂથ તો યહોવાની પાંખો તળે આશ્રય લેવા આવી છે?
૬ રૂથને કદાચ પોતાના પતિ અથવા સાસુ નાઓમી પાસેથી યહોવા વિશે શીખવા મળ્યું હતું. તે સમજી શકી કે યહોવા કંઈ મોઆબના દેવો જેવા નથી. તે યહોવાને પ્રેમ કરતી હતી. તે જાણતી હતી કે ફક્ત યહોવા જ તેના પ્રેમ અને ભક્તિના હકદાર છે. તેથી, રૂથે એક સમજદારીભર્યો નિર્ણય લીધો. તેણે નાઓમીને કહ્યું: “તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે.” (રૂથ ૧:૧૬) ખરું કે, નાઓમી માટેનો રૂથનો પ્રેમ આપણા દિલને સ્પર્શી જાય છે! જોકે, એનાથી પણ વધુ નોંધપાત્ર તો યહોવા માટેનો તેનો પ્રેમ છે. એવો પ્રેમ જોઈને બોઆઝ પણ પ્રભાવિત થયા હતા. તેમણે રૂથના વખાણ કરતા કહ્યું હતું: “ઈશ્વર યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે.” (રૂથ ૨:૧૨ વાંચો.) બોઆઝના એ શબ્દો કદાચ આપણા મનમાં પંખીના એવા બચ્ચાનું ચિત્ર ઊભું કરે, જે પોતાની માની પાંખો તળે આશરો લે છે. (ગીત. ૩૬:૭; ૯૧:૧-૪) એવી જ રીતે, રૂથે યહોવાને પોતાનો આશરો બનાવ્યો. એટલે યહોવાએ તેને પ્રેમભર્યું રક્ષણ પૂરું પાડ્યું, તેની શ્રદ્ધાનું ઇનામ આપ્યું. રૂથને પોતાના નિર્ણયનો જરાય ખેદ ન થયો.
૭. જેઓ યહોવાને જીવન સમર્પણ કરતા અચકાય છે, તેઓને શું મદદ કરી શકે?
૭ આજે, એવા ઘણા લોકો છે જેઓ યહોવા વિશે શીખે તો છે, પણ તેમનામાં આશરો લેતા નથી. યહોવાને પોતાનું જીવન સમર્પણ કરીને તેમના સેવક બનવાથી તેઓ અચકાય છે. જો તમે પણ એ નિર્ણય લેવામાં ઢચુપચું હો, તો વિચારો કે એની પાછળનું કારણ શું છે. એમ પણ દરેક જણ કોઈને કોઈ ઈશ્વરની ભક્તિ તો કરે જ છે. (યહો. ૨૪:૧૫) તો સમજદારી શામાં કહેવાશે? એમાં જ કે, તમે સાચા ઈશ્વરની ભક્તિ કરો. યહોવાને પોતાનું જીવન સોંપીને તમે બતાવો છો કે, તેમનાં આશ્રય અને રક્ષણમાં તમને પૂરો ભરોસો છે. અને યહોવા તમને તેમની ભક્તિમાં લાગુ રહેવા ચોક્કસ મદદ કરશે, પછી ભલેને તમારી સામે ગમે તેવી મુશ્કેલી કેમ ન હોય! યહોવાએ રૂથને એવાં જ આશ્રય અને રક્ષણ આપ્યાં હતાં.
‘તે યહોવાને વળગી રહ્યા’
૮. હિઝ્કીયા કેવા કુટુંબમાંથી આવતા હતા?
૮ હિઝ્કીયાનો વિચાર કરો. તે એવા કુટુંબમાંથી આવતા હતા, જે રૂથના કુટુંબ કરતાં એકદમ અલગ હતું. હિઝ્કીયા તો યહોવાને સમર્પિત ઈસ્રાએલ રાષ્ટ્રનો ભાગ હતા. જોકે, બધા જ ઈસ્રાએલીઓ કંઈ વફાદાર ન હતા. હિઝ્કીયાનો પિતા આહાઝ એક દુષ્ટ રાજા હતો. તેણે ઈશ્વરના મંદિરનો અનાદર કર્યો અને બીજા ઈસ્રાએલીઓને પણ તેણે જૂઠા દેવોની ભક્તિ તરફ દોર્યા હતા. અરે, હિઝ્કીયા નાના હતા ત્યારે તેમના કેટલાક ભાઈઓને રાજા આહાઝે જૂઠા દેવોની આગળ બલિ તરીકે જીવતા હોમી દીધા. આમ, હિઝ્કીયા બાળપણમાં ભયાનક સંજોગોમાંથી પસાર થયા હતા.—૨ રાજા. ૧૬:૨-૪, ૧૦-૧૭; ૨ કાળ. ૨૮:૧-૩.
૯, ૧૦. (ક) કયાં કારણોને લીધે હિઝ્કીયાને યહોવા પર ગુસ્સો આવી શક્યો હોત? (ખ) આપણે શા માટે યહોવા પર ગુસ્સે ન થવું જોઈએ? (ગ) આપણે કેવી વ્યક્તિ બનીશું એ વાત શું આપણા કુટુંબના દાખલા પરથી નક્કી થાય છે? સમજાવો.
૯ આહાઝના ખરાબ દાખલાને લીધે તેના દીકરા હિઝ્કીયા પર ખરાબ અસર થઈ શકી હોત. તે પણ કદાચ દુષ્ટ, ક્રોધી અને યહોવાના વિરોધી બન્યા હોત. આજે, કેટલાક લોકોએ હિઝ્કીયાની સરખામણીમાં બહુ ઓછું સહ્યું છે. છતાં, તેઓને એમ લાગે છે કે ‘યહોવા વિરુદ્ધ ચિડાઈ’ જવાનું અથવા તેમના સંગઠન માટે મનમાં ઝેર રાખવાનું તેઓ પાસે યોગ્ય કારણ છે. (નીતિ. ૧૯:૩) અમુક લોકો એવા પણ છે જેઓને લાગે છે કે પોતાના કુટુંબના ખરાબ દાખલાને લીધે તેઓનું જીવન ખરાબ બન્યું છે. અથવા તેઓનાં માબાપે જે ભૂલો કરી હતી, એના લીધે તેઓ પણ એ જ ભૂલો કરવા તરફ દોરાયા છે. (હઝકી. ૧૮:૨, ૩) શું તેઓનું એમ માનવું યોગ્ય છે?
૧૦ હિઝ્કીયાનું જીવન બતાવે છે કે એમ માનવું ખોટું છે! યહોવા પ્રત્યે ગુસ્સો ભરી રાખવાનું આપણી પાસે કોઈ કારણ નથી. લોકો સાથે બનતી ખરાબ બાબતોનું કારણ યહોવા નથી. (અયૂ. ૩૪:૧૦) એ વાત સાચી કે બાળકો માટે સારું અથવા ખરાબ ઉદાહરણ બેસાડવું માબાપના હાથમાં છે. (નીતિ. ૨૨:૬; કોલો. ૩:૨૧) પરંતુ, એમ ન કહી શકાય કે આપણા કુટુંબને લીધે આપણે સારા કે ખરાબ બની ગયા છીએ. કેમ કે પસંદગી કરવાની ક્ષમતા ઈશ્વર યહોવાએ દરેક વ્યક્તિને આપી છે, જેનાથી તે સારું કરવું કે ખરાબ કરવું જાતે પસંદ કરી શકે છે. (પુન. ૩૦:૧૯) ઈશ્વરની એ ભેટનો હિઝ્કીયાએ કેવો ઉપયોગ કર્યો હતો?
૧૧. શાને લીધે હિઝ્કીયા યહુદાહના શ્રેષ્ઠ રાજાઓમાંના એક બન્યા?
૧૧ આહાઝ રાજા યહુદાહ દેશનો ખરાબમાં ખરાબ રાજા હતો, તોપણ તેના દીકરા હિઝ્કીયા સારામાં સારા રાજા બન્યા. (૨ રાજાઓ ૧૮:૫, ૬ વાંચો.) તેમણે પોતાના પિતાને રસ્તે જવાનું પસંદ કર્યું નહિ. તેમણે તો યશાયા, મીખાહ અને હોશીઆ જેવા પ્રબોધકોએ જણાવેલી બાબતો પર ધ્યાન આપ્યું. તેમ જ, તેઓ પાસેથી મળેલાં સલાહ-સૂચનો લાગુ પાડવામાં જરાય ઢીલ કરી નહિ. તે પોતાના પિતાએ કરેલી ગંભીર ભૂલોને સુધારવા પ્રેરાયા. તેમણે મંદિરને શુદ્ધ કર્યું, માફી માટે લોકો વતી યહોવાને પ્રાર્થના કરી અને આખા દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન મિટાવી દીધું. (૨ કાળ. ૨૯:૧-૧૧, ૧૮-૨૪; ૩૧:૧) પછીથી, જ્યારે આશ્શૂરના રાજા સાન્હેરીબે યરુશાલેમ પર હુમલો કરવાની ધમકી આપી ત્યારે, હિઝ્કીયાએ જોરદાર શ્રદ્ધા અને હિંમત બતાવી. તેમણે રક્ષણ મેળવવા યહોવા તરફ મીટ માંડી અને પોતાની પ્રજાની હિંમત બાંધી. (૨ કાળ. ૩૨:૭, ૮) ખરું કે, હિઝ્કીયાના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તે અભિમાનથી ફૂલાઈ ગયા. પરંતુ, યહોવાએ તેમને સુધાર્યા ત્યારે, હિઝ્કીયાએ પોતાને નમ્ર બનાવ્યા. (૨ કાળ. ૩૨:૨૪-૨૬) સાચે જ, અનુસરવા માટે એ કેટલું જોરદાર ઉદાહરણ! કુટુંબના ખરાબ દાખલાને લીધે હિઝ્કીયાએ પોતાનું જીવન તબાહ થવા દીધું નહિ. તેમણે સાબિત કરી આપ્યું કે તે યહોવાના મિત્ર છે.
૧૨. હિઝ્કીયાની જેમ, ઘણા લોકોએ કઈ રીતે સાબિત કર્યું છે કે તેઓ યહોવાના મિત્ર છે?
૧૨ આજના જગતમાં પ્રેમ નહિ, પણ ક્રૂરતા જ જોવા મળે છે. તેથી, ઘણાં કુટુંબમાં બાળકોને માબાપ પાસેથી પ્રેમ નહિ પણ ક્રૂરતા મળે છે. (૨ તીમો. ૩:૧-૫) આપણાં ઘણાં ભાઈ-બહેનો એવાં જ કુટુંબોમાંથી આવે છે. છતાં, તેઓએ યહોવા સાથે મિત્રતા બાંધવાનું પસંદ કર્યું છે. હિઝ્કીયાની જેમ તેઓએ સાબિત કર્યું છે કે, કુટુંબના દાખલા પરથી નક્કી થતું નથી કે ભાવિમાં વ્યક્તિ કેવી બનશે. યહોવાએ આપણને પસંદગી કરવાની ક્ષમતા આપી છે. આપણે પણ હિઝ્કીયાની જેમ યહોવાની સેવા કરવાનું અને તેમને આદર આપવાનું પસંદ કરી શકીએ છીએ.
તેમણે કહ્યું: ‘જો, હું યહોવાની દાસી છું!’
૧૩, ૧૪. મરિયમને મળેલી સોંપણી તેમને શા માટે ભારે લાગી હોય શકે? તેમ છતાં, તેમણે દૂતને કેવો જવાબ આપ્યો?
૧૩ હિઝ્કીયા પછી સદીઓ બાદ મરિયમ થઈ ગયાં. તે ખૂબ જ નમ્ર હતાં અને યહોવા સાથે તેમની ખાસ મિત્રતા હતી. યુવાન મરિયમને એક અનોખી સોંપણી મળી હતી. તેમની કૂખે ઈશ્વરનો દીકરો જનમવાનો હતો અને તેમણે તેનો ઉછેર કરવાનો હતો. ખરેખર, એ અદ્ભુત સન્માન આપીને યહોવાએ બતાવ્યું કે તેમને મરિયમ પર ખૂબ પ્રેમ અને ભરોસો હતો. પણ, એ સોંપણી વિશે સાંભળીને મરિયમે શું કર્યું?
૧૪ આપણે ઘણી વાર મરિયમને મળેલા લહાવા વિશે વાત કરીએ છીએ. પણ વિચારો કે, એ સોંપણીને લઈને કુંવારી મરિયમને કેવી ચિંતાઓ થઈ હશે. ગાબ્રીએલ દૂત આવીને તેમને કહે છે કે કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યા વિના તે ગર્ભવતી થશે. પણ, એ વિશે દૂતે મરિયમનાં કુટુંબીજનો અને પડોશીઓને કંઈ જણાવ્યું નથી. એટલે, તેઓ શું વિચારશે? તે યુસફને કઈ રીતે સમજાવશે કે તે બેવફા નથી? વધુમાં, તેમને ખભે ઈશ્વરના દીકરાના ઉછેરની ભારે જવાબદારી આવવાની છે! ખરું કે, આપણે મરિયમની મનોદશા પૂરી રીતે જાણતા નથી. પરંતુ, એટલું જરૂર જાણીએ છીએ કે દૂતની વાત સાંભળ્યા પછી તેમણે શું કર્યું. તેમણે કહ્યું: ‘જો, હું યહોવાની દાસી છું! તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.’—લુક ૧:૨૬-૩૮.
૧૫. મરિયમની શ્રદ્ધા શા માટે પ્રશંસાને પાત્ર છે?
૧૫ મરિયમની શ્રદ્ધા ખરેખર પ્રશંસાને પાત્ર છે! તે એક દાસીની જેમ કોઈ પણ સોંપણી સ્વીકારવા તૈયાર હતાં. તેમને યહોવામાં પૂરો ભરોસો હતો કે તે તેમની સંભાળ રાખશે અને રક્ષા કરશે. પણ, મરિયમે કઈ રીતે પોતાની શ્રદ્ધા એટલી મક્કમ બનાવી હશે? શ્રદ્ધાનો ગુણ કંઈ જન્મજાત હોતો નથી. પણ, એ ગુણ આપણે કેળવી શકીએ છીએ અને આપણા એ પ્રયત્નો પર યહોવાનો આશીર્વાદ માંગી શકીએ છીએ. (ગલા. ૫:૨૨; એફે. ૨:૮) પોતાની શ્રદ્ધા મક્કમ બનાવવા મરિયમે ખૂબ મહેનત કરી હતી. આપણે એમ કઈ રીતે કહી શકીએ? ચાલો, જોઈએ કે તે કઈ રીતે સાંભળતાં અને શાના વિશે બોલતાં હતાં.
૧૬. શું બતાવે છે કે મરિયમ એક સારાં સાંભળનારાં હતાં?
૧૬ તેમણે ધ્યાનથી સાંભળ્યું. બાઇબલ જણાવે છે કે આપણે ‘સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમા’ હોવા જોઈએ. (યાકૂ. ૧:૧૯) મરિયમ એક સારાં સાંભળનારાં હતાં. બાઇબલમાં જોવા મળે છે કે તે દરેક વાતને કાન દઈને સાંભળતાં, ખાસ તો યહોવા વિશેના શિક્ષણને. એવી મહત્ત્વની વાતો પર મનન કરવા તે સમય કાઢતાં. દાખલા તરીકે, ઘેટાંપાળકોએ ઈસુના જન્મ પછી સ્વર્ગદૂતો પાસેથી જે વાત સાંભળી એ તેઓએ મરિયમને જણાવી હતી. મરિયમે એ વાત ધ્યાનથી સાંભળી હતી. પછીથી, ૧૨ વર્ષના ઈસુએ મરિયમને એવું કંઈક કહ્યું જે સાંભળીને મરિયમને ખૂબ નવાઈ લાગી, ત્યારે પણ મરિયમે ધ્યાનથી સાંભળ્યું હતું. બંને કિસ્સાઓમાં, મરિયમે ધ્યાનથી સાંભળ્યું, વાત યાદ રાખી અને એના પર મનન કર્યું.—લુક ૨:૧૬-૧૯, ૪૯, ૫૧ વાંચો.
૧૭. મરિયમના શબ્દો પરથી તેમના વિશે આપણે શું શીખી શકીએ?
૧૭ તેમણે શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કર્યો. બાઇબલમાં મરિયમે કહેલા શબ્દો ખાસ કંઈ જોવા મળતા નથી. તેમનું સૌથી મોટું કથન લુક ૧:૪૬-૫૫માં જોવા મળે છે. તેમના એ શબ્દો બતાવે છે કે તે શાસ્ત્રવચનો બહુ સારી રીતે જાણતાં હતાં. કેમ કે, તેમની એ પ્રાર્થનાના શબ્દો શમૂએલની માતા હાન્નાની પ્રાર્થના સાથે મળતા આવે છે. (૧ શમૂ. ૨:૧-૧૦) મરિયમે વીસેક વાર શાસ્ત્રવચનોમાંથી શબ્દો ટાંક્યા હતા. મરિયમને પોતાના ખાસ મિત્ર યહોવા પાસેથી અને શાસ્ત્રમાંથી સત્યવચનો શીખવાં મળ્યાં હતાં. સાફ દેખાય છે કે એ વચનો વિશે બોલવાનું તેમને ગમતું હતું.
૧૮. આપણે કઈ રીતોએ મરિયમને અનુસરી શકીએ?
૧૮ મરિયમની જેમ આપણને પણ યહોવા પાસેથી મળેલી સોંપણી કદાચ ભારે લાગી શકે. ત્યારે પણ આપણે મરિયમના ઉદાહરણને અનુસરીને દરેક સોંપણી નમ્રતાથી સ્વીકારીએ અને ભરોસો રાખીએ કે યહોવા મદદ કરશે. યહોવાનું સાંભળવામાં પણ મરિયમને અનુસરીએ. ઉપરાંત, યહોવા વિશે અને તેમના હેતુઓ વિશે શીખેલી વાતો પર મનન કરવામાં મરિયમ જેવા બનીએ. આમ, આપણે પણ બીજાઓને એ વાતો ખુશી ખુશી જણાવી શકીશું.—ગીત. ૭૭:૧૧, ૧૨; લુક ૮:૧૮; રોમ. ૧૦:૧૫.
૧૯. શ્રદ્ધા બતાવવામાં સારો દાખલો બેસાડનાર ઈશ્વરભક્તોને અનુસરીશું તો શાની ખાતરી રાખી શકીશું?
૧૯ એમાં કોઈ જ શંકા નથી કે રૂથ, હિઝ્કીયા અને મરિયમ પણ ઈબ્રાહીમની જેમ યહોવાના મિત્રો હતાં. ઉપરાંત, યહોવાની મિત્રતાનો આનંદ માણ્યો હોય એવા ‘સાક્ષીઓની મોટી વાદળારૂપ ભીડ’ પણ છે. ચાલો, એ ભક્તોની શ્રદ્ધાના અજોડ ઉદાહરણને અનુસરતા રહીએ. (હિબ્રૂ ૬:૧૧, ૧૨) એમ કરીશું તો, આપણે સદા માટે યહોવાના મિત્ર બનવાનું ઇનામ મેળવી શકીશું.