મારો અનુભવ
હસતે મોઢે મેં દુઃખ સહન કર્યું
ઑડ્ર હાઈડના જણાવ્યા પ્રમાણે
મેં ૬૩ વર્ષોથી મારા જીવનની હરેક પળ પરમેશ્વરની સેવા કરી છે. એમાંનાં છેલ્લાં ૫૯ વર્ષોથી હું બેથેલમાં છું. મારા જીવનમાં કારમો ઘા લાગ્યો જ્યારે કેન્સરે મારા પતિને ઝૂંટવી લીધા. પછી મન મનાવીને મેં બીજા લગ્ન કર્યા. એ સુખ પણ લાંબું ન ટક્યું. ઍલ્ઝાઈમરની બીમારીએ મારા પતિનું જીવન છીનવી લીધું. મારા દુઃખના આંસુ સૂકાતા નથી. ચાલો હું તમને જણાવું કે આવી હાલતમાં પણ કઈ રીતે હું ખુશ રહી શકી.
મારો જન્મ કૉલરાડોના એક નાનકડા ગામડામાં થયો, જે અમેરિકામાં આવેલું છે. મારા પપ્પાનું નામ ઑરેલ મૉક અને મમ્મીનું નામ નીના. અમે છ ભાઈ બહેનો, એમાં મારો નંબર પાંચમો. મારા મોટા ભાઈઓ રસેલ અને વૅન. મોટી બહેનો ક્લેરા અને આરડીસ હતી. તેઓનો જન્મ ૧૯૧૩-૨૦ની વચ્ચે થયો હતો. મારો જન્મ ૧૯૨૧માં થયો. મારો નાનકો ભાઈ કર્ટીસ ૧૯૨૫માં જન્મ્યો.
મારી મમ્મી ૧૯૧૩માં બાઇબલ વિદ્યાર્થી, એટલે કે યહોવાહની સાક્ષી બની. સમય જતાં, અમે સર્વ પણ યહોવાહના સાક્ષીઓ બન્યા.
બચપનની મીઠી યાદો
મારા પપ્પા બહુ હોશિયાર હતા. એ દિવસોમાં મોટે ભાગે લોકોને ત્યાં લાઇટ ન હતી. અમે વાડીમાં રહેતા તોપણ, અમારા ઘરમાં લાઇટ હતી. અમે અમારા ખેતરમાં જ ઉગાડેલી સ્ટ્રૉબૅરી, બટાકા, ઘઉં અને મકાઈ ખાતા. અમે ઘરનું જ દૂધ, મલાઈ અને માખણ ખાતા. અમે ખેતી માટે ઘોડા વાપરતા.
મારા પપ્પા અમને બધાને મહેનતું બનાવવા માંગતા હતા. હું સ્કૂલે ગઈ એ પહેલાના દિવસો મને હજુ યાદ છે, જ્યારે ધગધગતા તાપમાં હું અમારા ખેતરમાં કામ કરતી. હું પરસેવે રેબઝેબ થઈ જતી. ઉપરથી પાછી મધમાખીઓ આવીને ડંખ મારી જતી. મને લાગી આવતું કે મારી જેમ બીજા બાળકોને તો કામ કરવું નથી પડતું. પણ હવે હું મારા બચપનનો વિચાર કરું છું ત્યારે, મારા માબાપનો ઘણો આભાર માનું છું.
અમે બધાય પોતપોતાનું કામ કરતા. આરડીસ મારા કરતાં વધારે સારી રીતે ગાય દોહી શકતી. હું તબેલો સાફ કરતી અને ખાતર નાખવાનું કામ કરતી. એનો અર્થ એમ ન હતો કે અમે કામ, કામ ને કામ જ કરતા હતા. અમે મજા પણ કરતા હતા. હું અને આરડીસ અમારા ગામની અમેરિકન સોફ્ટબૉલની ટીમમાં રમતા.
અંધારી રાતે હું અમારા પાળેલા કૂતરા સાથે બહાર બેસતી. આકાશમાં ટમટમતા તારાઓ ખૂબ સુંદર લાગતા. હજારો તારાઓ જોઈને હું ગીતશાસ્ત્ર ૧૪૭:૪ યાદ કરતી: “તે [યહોવાહ] તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.” હું બપોરે અવારનવાર છાપરા નીચે બેસતી. હું લીલાછમ ઘઉંનાં ખેતરોમાંથી હવાની લહેરો પસાર થતી જોતી. સૂર્યના તાપમાં એ ખેતરો કેવા ચાંદીની જેમ ચળકતા!
માની મમતા
મારી મમ્મી બહુ પ્રેમાળ હતી. મમ્મી હંમેશાં પપ્પાને માન આપતી. અમે પણ એ જ શીખ્યા. પપ્પા પણ ૧૯૩૯માં યહોવાહના સાક્ષી બન્યા. પપ્પાને અમે બહુ જ વહાલા હતા, પણ તેમણે અમને ખોટા લાડ લડાવ્યા નહિ. ઘણી વાર શિયાળામાં પપ્પા સાથે બરફમાં ઘોડાગાડી લઈ ફરવા જતા.
મમ્મીએ અમને યહોવાહની ભક્તિ કરતા શીખવ્યું. બાઇબલમાંથી અમે શીખ્યા કે પરમેશ્વરનું નામ યહોવાહ છે અને તે જીવન આપનાર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; ૮૩:૧૮) અમે એ પણ શીખ્યા કે તેમણે આપણને માર્ગદર્શન આપ્યું છે. એ આપણા સારા માટે જ છે. (યશાયાહ ૪૮:૧૭) મમ્મી અવારનવાર પ્રચાર વિષે જણાવતી, જેની આજ્ઞા ઈસુએ આપી હતી: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.
જ્યારે હું સાતેક વર્ષની હતી, ત્યારે સ્કૂલેથી ઘરે આવીને મમ્મીને શોધતી. એક વાર હું તેને શોધતી શોધતી ઘાસ રાખવાના છાપરા નીચે પહોંચી ગઈ. એટલામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. મેં તેને પૂછ્યું કે પરમેશ્વર ફરીથી પૂર લાવશે કે કેમ. તેણે મને સમજાવ્યું કે પરમેશ્વરે કહ્યું છે કે તે ફરી કદી જળપ્રલયથી પૃથ્વીનો નાશ કરશે નહિ. અવારનવાર સખત વાવાઝોડું આવતું ત્યારે, હું ઘણી વાર સંતાઈ જતી.
પ્રચાર માટે ગ્રૂપ અમારા ઘરમાં ભેગું મળતું. એ સર્વને સ્વર્ગમાં જવાની આશા હતી. મારી મમ્મી પરમેશ્વરને ખૂબ ચાહતી હતી. મમ્મીને પ્રચારમાં જવાનું સહેલું લાગતું ન હતું છતાં, તે પ્રચાર કરતી. છેવટે નવેમ્બર ૨૪, ૧૯૬૯માં ૮૪ વર્ષની ઉંમરે તે ગુજરી ગઈ. તેમની છેલ્લી ઘડીઓ હતી ત્યારે, મેં તેને ધીમેથી કહ્યું: ‘મમ્મી, તમે ગભરાતા નહિ, તમે સ્વર્ગમાં એકલા નહિ હોવ.’ તેણે મને ધીમેથી કહ્યું, ‘બેટા, તેં મને કેટલો સાથ આપ્યો છે.’
અમે પ્રચાર કાર્ય શરૂ કર્યું
મારો મોટો ભાઈ રસેલ ૧૯૩૯માં પાયોનિયર બન્યો. તેણે ઑક્લાહોમા અને નેબ્રૅસ્કામાં ૧૯૪૪ સુધી પાયોનિયરીંગ કર્યું. પછી તેને ન્યૂ યૉર્ક, બેથેલ બોલાવવામાં આવ્યો. સપ્ટેમ્બર ૨૦, ૧૯૪૧માં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. હું કૉલરાડો, કૅન્ઝસ અને નેબ્રૅસ્કામાં પ્રચાર કરતી. એ દિવસો બહુ આનંદના હતા. હું બીજાઓને યહોવાહ વિષે શીખવતી તો ખરી જ, પણ સાથે સાથે યહોવાહ પર નભતા શીખી.
વૅને ૧૯૩૯માં થોડો સમય નોકરી કરી. પછી તે કૉલેજમાં ગયો. પછીથી, તેને પણ બેથેલ બોલાવવામાં આવ્યો. તેણે ૧૧ વર્ષ સુધી બેથેલના ખેતરમાં સેવા આપી. ત્યાંના અને બ્રુકલિન બેથેલના ભાઈ-બહેનો માટે ત્યાં અનાજ ઉગાડવામાં આવતું. વૅને પોતાની આવડતનો ખેતરમાં સારો ઉપયોગ કર્યો. યહોવાહની સેવા કરતા કરતા, તે ૧૯૮૮માં મરણ પામ્યો.
મારી બહેન આરડીસે જેમ્સ કર્ન સાથે લગ્ન કર્યા. તેઓને પાંચ બાળકો થયાં. મેં તેને પણ ૧૯૯૭માં મરણમાં ખોઈ દીધી. મારી બહેન ક્લેરા યહોવાહની સેવા કરે છે. મારા વેકેશનમાં હું તેના ઘરે જાઉં છું. મારો સૌથી નાનો ભાઈ, કર્ટીસ ૪૦ના દાયકામાં બ્રુકલિન બેથેલમાં આવ્યો. તે ટ્રક ચલાવતો. તેણે લગ્ન કર્યા નહિ. તે પણ ૧૯૭૧માં મને છોડીને મોતની ઊંઘમાં સૂઈ ગયો.
બેથેલમાં જવાનું મારું સપનું
મારા ભાઈઓની જેમ મને પણ બેથેલમાં જવાનું મન થતું. તેઓની સારી છાપને લીધે મને પણ બેથેલમાં બોલાવી. યહોવાહના લોકોનો ઇતિહાસ મારી મમ્મી પાસેથી મેં સાંભળ્યો હતો. છેલ્લા દિવસોની ભવિષ્યવાણીઓ મારી નજર સામે સાચી પડતી હતી. એટલે મને બેથેલમાં જવાનું બહુ મન હતું. મેં યહોવાહને પ્રાર્થના કરી કે જો મને બેથેલમાં બોલાવવામાં આવે, તો હું બેથેલ છોડીશ નહિ.
જૂન ૨૦, ૧૯૪૫માં હું બેથેલમાં આવી. મને હાઉસકીપીંગનું કામ સોંપવામાં આવ્યું. મારે રોજ ૧૩ રૂમોની સંભાળ રાખવાની હતી. વળી દાદરા, બારીઓ વગેરે પણ સાફ કરવાના હતા. હું બહુ થાકી જતી. પણ હું વિચારતી, કે ‘ભલે હું થાકી જાઉં, પણ હું યહોવાહની સેવા કરું
નેથન નોર સાથે લગ્ન
એ સમયે બેથેલમાં કોઈ લગ્ન કરે તો, તેઓએ બેથેલ છોડી જવું પડતું. પણ ૧૯૫૦ પછી જેઓ ઘણાં વર્ષોથી બેથેલમાં હોય, તેઓને લગ્ન કરીને બેથેલમાં રહેવાની રજા આપવામાં આવતી. એ સમયે નેથન એચ. નોર આખા જગતમાં પ્રચાર કામનું ધ્યાન રાખતા હતા. તેમને મારી સાથે લગ્ન કરવા હતા. અમે બંને કાયમ બેથેલમાં જ રહેવા માંગતા હતા.
નેથને મને કહ્યું કે ‘તું સમજી-વિચારીને મને કહેજે.’ એ દિવસોમાં તે આખી દુનિયાની જુદી જુદી બ્રાંચોની મુલાકાત લેતા. અમુક સમયે તે ઘણાં અઠવાડિયાં સુધી પાછા આવતા નહિ. તેમણે સમજાવ્યું કે તેમની જવાબદારીને લીધે અમારે લાંબો સમય જુદા પણ રહેવું પડે.
મેં મારા લગ્નનાં ઘણાં સપના જોયાં હતાં. ઉનાળામાં મારા લગ્ન થાય, હનીમૂન માટે હવાઈના પેસિફિક ટાપુઓ પર જઈએ! પણ અમે શિયાળામાં જાન્યુઆરી ૩૧, ૧૯૫૩માં લગ્ન કર્યા. ન્યૂ જર્સીમાં શનિ-રવિનું જ અમારું હનીમૂન હતું. સોમવારથી પાછા કામ પર લાગી ગયા. પણ અઠવાડિયા પછી, અમે સાતેક દિવસ હનીમૂન પર ગયા.
મહેનતુ સાથી
નેથન ૧૯૨૩માં બેથેલમાં આવ્યા ત્યારે ૧૮ વર્ષના હતા. તેમને અનુભવી ભાઈઓ પાસેથી ઘણું શીખવા મળ્યું. જોસેફ એફ. રધરફૉર્ડ એ સમયે પ્રચાર કામ સંભાળતા હતા. રોબર્ટ જે. માર્ટિન પ્રિન્ટરીનું ધ્યાન રાખતા હતા. સપ્ટેમ્બર ૧૯૩૨માં તે મરણ પામ્યા ત્યારે, નેથન પ્રિન્ટરીની સંભાળ રાખવા લાગ્યા. ભાઈ રધરફૉર્ડ ૧૯૩૩માં યુરોપના જુદા જુદા બેથેલની મુલાકાતે ગયા, ત્યારે નેથનને પણ સાથે લઈ ગયા. ભાઈ રધરફૉર્ડ જાન્યુઆરી, ૧૯૪૨માં મરણ પામ્યા. પછી નેથનને યહોવાહના સાક્ષીઓની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી.
નેથન હંમેશાં આગળનું વિચારતા. કેટલાકને એ ન ગમતું, કેમ કે તેઓ માનતા કે દુનિયાનો અંત બહુ જ નજીક છે. એક ભાઈએ પ્રિન્ટીંગનું શેડ્યુલ જોઈને નેથનને કહ્યું કે, “આ બધું શું છે? અંત આવશે એવો તમને ભરોસો નથી?” નેથને કહ્યું: “હા, મને ખબર છે. પણ આપણે ધારીએ છીએ એ પ્રમાણે અંત ન આવે તો, આપણે તૈયાર રહેવું જોઈએ.”
નેથનને મિશનરિઓ માટે એક સ્કૂલ શરૂ કરવી હતી. ફેબ્રુઆરી ૧, ૧૯૪૩ કિંગ્ડમ ફાર્મમાં મિશનરિ સ્કૂલ શરૂ થઈ. આ સ્કૂલનો કૉર્સ પાંચેક મહિનાનો હતો. એમાં સખત બાઇબલ અભ્યાસ કરવો પડતો. એટલે નેથને રમત-ગમતની પણ ગોઠવણ કરી. શરૂઆતમાં તે પણ બધા સાથે સોફ્ટબોલ રમતા. પછીથી તેમણે રમવાનું બંધ કર્યું, કેમ કે તેમને જો વાગી જાય તો સંમેલનોમાં જવાની તકલીફ થઈ શકે. રમવાને બદલે તેમણે અમ્પાયર બનવાનું નક્કી કર્યું. પરદેશી વિદ્યાર્થીઓને રમવાની મજા આવે, એટલે રમતમાં જાણીજોઈને ફેરફારો કરતા.
નેથન સાથે મુસાફરી
પછી હું પણ નેથન સાથે બીજી બ્રાંચોમાં જવા લાગી. ત્યાંના ભાઈ-બહેનો અને મિશનરિઓ પાસેથી અનુભવો જાણવાની મઝા આવતી. હું તેઓની ભક્તિ જોઈને મોંમાં આંગળા નાખી જતી. તેઓ કેટલી તકલીફોમાં જીવે છે, એ પણ મેં જોયું. એમાંના અમુક ભાઈ-બહેનો આજે પણ મને પત્રો લખે છે.
મને એ સમયના ઘણા અનુભવો યાદ છે. પોલૅન્ડમાં એક વાર મેં જોયું કે બે બહેનો ગુસપુસ વાતો કરતી હતી. મેં તેઓને પૂછ્યું: “કેમ તમે આમ વાત કરો છો?” તેઓએ સમજાવ્યું કે પોલૅન્ડમાં સરકારે પ્રચાર કાર્ય બંધ કરાવી દીધું હતું ત્યારથી, તેઓને ધીમેથી વાત કરવાની ટેવ પડી છે. એ સમયે સાક્ષીઓના ઘરમાં થતી વાતો ચોરી-છૂપીથી ટેપ કરવામાં આવતી.
પૉલેન્ડની એક બહેન ઑદ્ધાએ પણ બીજા ઘણા ભાઈ-બહેનોની જેમ, સતાવણીમાં યહોવાહની સેવા કરી હતી. તેના વાંકડિયા વાળની લટો હંમેશાં તેના કપાળને ઢાંકેલું રાખતી. એક દિવસ તેણે પોતાની લટો હટાવી. મને એ જોઈને ઝટકો લાગી ગયો. તેના કપાળ પર કારમા ઘાનું નિશાન હતું! હું માની જ ન શકી કે ભાઈબહેનોએ કેવી સતાવણી સહન કરી છે!
મને હવાઈ બહુ જ ગમે છે. હવાઈમાં ૧૯૫૭માં થયેલું સંમેલન મને યાદ છે. એમાં આપણા ભાઈ-બહેનો તો આવ્યા જ હતા, પણ તેઓથી વધારે બીજા લોકો હતા. ઘણા અમને મળવા આવ્યા અને અમને ફૂલોના હાર પહેરાવ્યા. ત્યાંના મેયરે પણ અમારું સરસ રીતે સ્વાગત કર્યું.
મને ૧૯૫૫માં ન્યૂમબર્ગ, જર્મનીનું સંમેલન પણ યાદ છે. ત્યાં પ્લેટફૉર્મને ૧૪૪ મોટા થાંભલાઓથી શણગારવામાં આવ્યું હતું. એ સંમેલન જ્યાં ભરાયું હતું, એ મેદાનમાં હિટલરની પરેડ થતી. હિટલરે જર્મનીમાંથી યહોવાહના સાક્ષીઓને મિટાવી દેવાનું વચન લીધું હતું. પણ એ જ સ્ટેડિયમ યહોવાહના ૧,૦૭,૦૦૦ લોકોથી ખીચોખીચ ભરેલું હતું! છેલ્લે બેઠેલા લોકો એટલા દૂર હતા કે હું તેઓને જોઈ પણ શકતી ન હતી. હું મારા આંસુઓ રોકી ન શકી.
હિટલરના રાજમાં ભાઈ-બહેનોએ યહોવાહને છોડ્યા નહિ. એનાથી અમને બધાને ખૂબ હિંમત મળી. નેથને છેલ્લી ટૉક આપી અને હાથ હલાવીને બધાને ‘આવજો’ કહ્યું. તરત જ બધાએ રૂમાલ હવામાં લહેરાવીને ‘આવજો’ કહ્યું. જાણે કે સુંદર રંગ-બેરંગી ફૂલોથી મેદાન છવાઈ ગયું હોય એમ લાગતું હતું.
ડિસેમ્બર, ૧૯૭૪માં અમે પોર્ટુગલ ગયા, એ પણ મને યાદ છે. પચાસ પચાસ વર્ષો પછી, સરકારે પ્રચાર કરવાની રજા આપી. લિસ્બેનમાં એ પછીની આ પહેલી સભા હતી. એ સમયે ત્યાં ફક્ત ૧૪,૦૦૦ પ્રકાશકો હતા. પણ એ બે સભાઓમાં ૪૬,૦૦૦ કરતાં વધારે લોકો આવ્યા હતા. ભાઈઓએ કહ્યું કે “હવે આપણે ગભરાવાની જરૂર નથી. આપણે છૂટથી પ્રચાર કરી શકીએ છીએ!” ત્યારે મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા.
નેથન સાથે મુસાફરીમાં ઘણી વાર પ્લેનમાં, હોટેલમાં અને જ્યાં લોકો મળે ત્યાં હું પ્રચાર કરતી. હું પ્રચાર કરવા હંમેશાં તૈયાર રહેતી. એક વાર એરપોર્ટ પર એક સ્ત્રીએ મારા કામ વિષે પૂછપરછ કરી. આ પરથી વાતચીત શરૂ થઈ, જે બીજા લોકો પણ સાંભળતા હતા. આ રીતે હું યહોવાહની સેવામાં ખુશ રહેતી હતી.
નેથનના છેલ્લા શબ્દો
નેથનને ૧૯૭૬માં કૅન્સર થયું. અમે તેમનું ઘણું ધ્યાન રાખ્યું. એ બીમાર હતા તોપણ, જુદી જુદી બ્રાંચમાંથી આવતા ભાઈઓને અમે અમારી રૂમમાં બોલાવતા. ડોન અને અર્લીન સ્ટીલ, લોઈડ અને મૅલ્બા બૅરી, ડગ્લસ અને મેરી ગેસ્ટ, માર્ટીન અને ગરટ્રુડ પોએટઝીંગર, પ્રાઈસ હ્યુસ જેવા બીજા ઘણા અમને મળવા આવતા. તેઓ અમને અનુભવો જણાવતા, જે મને હજુ પણ યાદ છે. ઘણા દેશોમાં પ્રચાર કરવાની મનાઈ હતી, તોપણ ભાઈ-બહેનો સત્યને વળગી રહ્યા. એનાથી મારી શ્રદ્ધા હજુ વધી.
નેથન બહુ સમજુ હતા. અમારો સંસાર બહુ સુખી હતો. એક વાર તેમણે મને કહ્યું: “ઑડ્રી, જો હું કોઈની સાથે તારી ઓળખાણ ન કરાવું તો, ખોટું ન લગાડતી. હું ઘણી વાર તેઓનાં નામ ભૂલી જાઉં છું.” નેથન મરણ પથારીએ હતા ત્યારે તેમણે મને કહ્યું: “આપણું લગ્ન-જીવન બહુ સુખી રહ્યું છે. બધાનું એવું બનતું નથી.”
નેથને મને સલાહ આપી: ‘મોતથી આપણે ગભરાવું ન જોઈએ. આપણી પાસે આશા તો છે જ. તારી આશા તેજ રાખજે. દુઃખમાં ડૂબેલી રહેતી નહિ. મનમાં કોઈ કડવાશ ન ભરતી. તને ઈશ્વરે આપેલા આશીર્વાદો ભૂલતી નહિ. યહોવાહની ભક્તિ કરતી રહેજે અને બીજાની સેવા કરજે.’ જૂન ૮, ૧૯૭૭માં નેથન આ દુનિયા છોડી ગયા.
ગ્લેન હાઈડ
નેથને મને કહ્યું હતું કે હું એકલી રહી શકું કે પછી હું ફરીથી લગ્ન કરી શકું. જ્યારે હું ૧૯૭૮માં વૉલકીલના બેથેલમાં ગઈ પછી, હું ગ્લેન હાઈડને મળી. તે બહુ સારા હતા. છેવટે, મેં તેમની સાથે લગ્ન કર્યા.
યહોવાહના સાક્ષી બન્યા પહેલાં, તે મિલિટરીમાં હતા. જ્યારે અમેરિકા અને જાપાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું, ત્યારે એક વહાણમાં એંજિન રૂમમાં કામ કરતા હતા. એંજિનના ઘોંઘાટને લીધે, તેમને જરા બહેરાશ આવી ગઈ હતી. યુદ્ધની કડવી યાદોને કારણે વર્ષો પછી પણ, તે રાતે ઝબકીને જાગી જતા. પછી તેમણે ફાયરમેનનું કામ કર્યું. સેક્રેટરી પાસેથી તે સત્ય શીખ્યા.
ગ્લેનને ૧૯૬૮માં બ્રુકલિનમાં ફાયરમેન તરીકે બોલાવવામાં આવ્યા. પછી ૧૯૭૫માં તેમને વૉચટાવર ફાર્મમાં ફાયરમેન તરીકે મોકલવામાં આવ્યા. એ સમયે ગ્લેનને ઍલ્ઝાઈમર થયો. અમારા લગ્નને ફક્ત દસ જ વર્ષ થયા, પછી તે મરણ પામ્યા.
હું એમના વગર કઈ રીતે જીવી શકીશ? નેથને મને એક કાગળ લખ્યો હતો. એમાંથી મને દિલાસો મળ્યો. જે કોઈના પતિ કે પત્ની ગુજરી ગયા હોય, તેઓને હું એ કાગળમાંથી દિલાસો આપું છું.
મારા મિત્રો
બેથેલના મારા મિત્રો સાથે મારું જીવન બહુ જ ખુશ છે. એસ્તેર લૉપેઝ મારી પાક્કી બેનપણી છે. તે ૧૯૪૪માં ગિલયડમાંથી ગ્રેજ્યુએટ થઈ. તે ફેબ્રુઆરી ૧૯૫૦માં બ્રુકલિન આવી અને સ્પૅનિશમાં ભાષાંતર કરવા લાગી. નેથન બહારગામ જતા ત્યારે એસ્તેર મારી સાથે જ રહેતી. અત્યારે તે પણ વૉચટાવર ફાર્મમાં છે. તે હવે પંચાણું વર્ષની છે. તેની તબિયત બહુ સારી રહેતી નથી. બેથેલમાં ભાઈબહેનો તેનું ખૂબ ધ્યાન રાખે છે.
મારા સગા ભાઈ-બહેનોમાંથી રસેલ અને ક્લેરા જીવે છે. રસેલની ઉંમર ૯૦ જેટલી છે. તે બ્રુકલિન બેથેલમાં સેવા આપે છે. વર્ષ ૧૯૫૨માં લગ્ન પછી પણ બેથેલમાં રહેનારાઓમાં એ પહેલો હતો. મારી ભાભીનું નામ જીન લારસન છે. મારા ભાઈનો સાળો મૅક્સ ૧૯૩૯માં બેથેલમાં આવ્યો. તે ૧૯૪૨માં નેથન પછી પ્રિન્ટીંગનું કામ સંભાળવા લાગ્યો. હજુ પણ મેક્સ બેથેલમાં ઘણી જવાબદારીઓ સંભાળે છે. સાથે સાથે તેની પત્ની હેલનની પણ કાળજી રાખે છે, કેમ કે તે ઘણી બીમાર છે.
મેં ૬૩ વર્ષોથી મારા જીવનની હરેક પળ પરમેશ્વરની સેવા કરી છે. મારું જે છે એ બેથેલ જ છે. હું મારાં માબાપનો પાડ માનું છું કે અમને મહેનતનો પાઠ શીખવ્યો. સાથે સાથે તેઓએ અમને યહોવાહની ભક્તિ કરવાનું પણ શીખવ્યું. હવે હું એવા વખતની રાહ જોઉં છું જ્યારે આખી ધરતી સુખ-શાંતિથી ભરાઈ જશે!
[પાન ૨૪ પર ચિત્ર]
મારાં માબાપ જૂન ૧૯૧૨માં તેમના લગ્નના દિવસે
[પાન ૨૪ પર ચિત્ર]
ડાબેથી જમણે: ૧૯૨૭માં રસેલ, વૅન, ક્લેરા, આરડીસ, હું અને કર્ટીસ
[પાન ૨૫ પર ચિત્ર]
વર્ષ ૧૯૪૪માં પાયોનિયર સેવામાં, ફ્રાન્સીસ અને બાર્બરા મેકનોસની વચ્ચે હું
[પાન ૨૫ પર ચિત્ર]
વર્ષ ૧૯૫૧માં બેથેલમાં. ડાબેથી જમણે: હું, એસ્તર લોપાઝ અને મારી ભાભી જીન
[પાન ૨૬ પર ચિત્ર]
નેથન અને તેમનાં માબાપ સાથે
[પાન ૨૬ પર ચિત્ર]
નેથન સાથે ૧૯૫૫માં
[પાન ૨૭ પર ચિત્ર]
નેથન સાથે હવાઈમાં
[પાન ૨૯ પર ચિત્ર]
મારા બીજા પતિ ગ્લેન સાથે