બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો
ભાગ ૧: યહોવાના ભક્તો માટે શિક્ષણ
તમે યહોવાના સાક્ષીઓ સાથે અભ્યાસ કર્યો અને બાઇબલનું સાચું શિક્ષણ મેળવ્યું. તમે જે શીખ્યા એનાથી ઈશ્વર સાથે સારો સંબંધ કેળવી શક્યા છો. તેમ જ, તમને ઈશ્વરના રાજ્યમાં સુંદર બાગ જેવી પૃથ્વી પર જીવવાની અને આશીર્વાદો મેળવવાની આશા મળી છે. બાઇબલમાં તમારી શ્રદ્ધા મક્કમ થઈ છે અને ખ્રિસ્તી મંડળ સાથે સંગત રાખીને તમે ઘણા આશીર્વાદોનો અનુભવ પણ કર્યો છે. તમે જોઈ શક્યા છો કે યહોવા આજે પોતાના લોકોની કઈ રીતે સંભાળ રાખે છે.—ઝખા. ૮:૨૩.
હવે તમે બાપ્તિસ્મા લેવાની તૈયારી કરી રહ્યા છો. એ માટે તમારે મંડળના વડીલો સાથે બાઇબલના મૂળ શિક્ષણ વિશે ચર્ચા કરવી જોઈએ. આ ભાગમાં આપેલી માહિતી ચર્ચા માટે મદદ કરશે. (હિબ્રૂ. ૬:૧-૩) અમારી પ્રાર્થના છે કે તમે યહોવાને ઓળખવા જે મહેનત કરો છો, એના પર તે આશીર્વાદ આપતા રહે અને તમને એ ઇનામ આપે, જેનું તેમણે વચન આપ્યું છે.—યોહા. ૧૭:૩.
૧. તમે કેમ બાપ્તિસ્મા લેવા માંગો છો?
૨. યહોવા કોણ છે?
• “ઉપર સ્વર્ગમાં અને નીચે પૃથ્વી પર યહોવા જ સાચા ઈશ્વર છે. તેમના સિવાય બીજું કોઈ નથી.”—પુન. ૪:૩૯.
• “તમારું નામ યહોવા છે અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.”—ગીત. ૮૩:૧૮.
૩. ઈશ્વરનું નામ કેમ વાપરવું જોઈએ? એ તમારા માટે કેમ મહત્ત્વનું છે?
• “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’”—માથ. ૬:૯.
• “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.”—રોમ. ૧૦:૧૩.
૪. બાઇબલમાં યહોવા માટે કયા શબ્દો વપરાયા છે?
• “આખી પૃથ્વીના સર્જનહાર યહોવા, યુગોના યુગો સુધી ઈશ્વર છે.”—યશા. ૪૦:૨૮.
• “હે સ્વર્ગમાંના અમારા પિતા.”—માથ. ૬:૯.
• “ઈશ્વર પ્રેમ છે.”—૧ યોહા. ૪:૮.
૫. તમે યહોવાને શું આપી શકો?
• “તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી અને પૂરા બળથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.”—માર્ક ૧૨:૩૦.
• “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.”—લૂક ૪:૮.
૬. તમે કેમ યહોવાને વફાદાર રહેવા માંગો છો?
• “મારા દીકરા, બુદ્ધિમાન થા અને મારા દિલને ખુશ કર, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.”—નીતિ. ૨૭:૧૧.
૭. તમે કોને પ્રાર્થના કરો છો? તમે કોના નામમાં કરો છો?
• “હું [ઈસુ] તમને સાચે જ કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો, તો તે તમને મારા નામમાં એ આપશે.”—યોહા. ૧૬:૨૩.
૮. તમે કઈ કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકો?
• “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ‘હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. આજ માટે જરૂરી રોટલી અમને આપો. જેમ અમે અમારી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કર્યા છે, તેમ તમે પણ અમારાં પાપ માફ કરો. અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને શેતાનથી અમને બચાવો.’”—માથ. ૬:૯-૧૩.
• “આપણને ભરોસો છે કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.”—૧ યોહા. ૫:૧૪.
૯. યહોવા કોની પ્રાર્થના નથી સાંભળતા?
• “તમે યહોવાને મદદ માટે પોકાર કરશો, પણ તે જવાબ આપશે નહિ. . . . કેમ કે તમે દુષ્ટ કામો કર્યાં છે.”—મીખા. ૩:૪.
• “યહોવાની નજર નેક લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે. પણ યહોવા ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”—૧ પિત. ૩:૧૨.
૧૦. ઈસુ ખ્રિસ્ત કોણ છે?
• “સિમોન પિતરે જવાબ આપ્યો: ‘તમે ખ્રિસ્ત છો, જીવતા ઈશ્વરના દીકરા.’”—માથ. ૧૬:૧૬.
૧૧. ઈસુ શા માટે પૃથ્વી પર આવ્યા?
• “માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે. તે ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”—માથ. ૨૦:૨૮.
• “ઈસુએ કહ્યું: ‘ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવાની છે, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”—લૂક ૪:૪૩.
૧૨. તમે કઈ રીતે બતાવી શકો કે તમે ઈસુના બલિદાનની કદર કરો છો?
• “ખ્રિસ્ત બધા માટે મરી ગયા, એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે, પણ જે તેઓ માટે મરી ગયા અને જીવતા થયા તેમના માટે જીવે.”—૨ કોરીં. ૫:૧૫.
૧૩. ઈસુને કયો અધિકાર આપવામાં આવ્યો છે?
• “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.”—માથ. ૨૮:૧૮.
• “ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.”—ફિલિ. ૨:૯.
૧૪. શું તમે માનો છો કે યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ, એ “વિશ્વાસુ અને સમજુ ચાકર” છે, જેને ઈસુએ નીમ્યો છે?
• “વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે, જેને તેના માલિકે ઘરના સેવકોની જવાબદારી સોંપી છે, જેથી તે તેઓને યોગ્ય સમયે ખોરાક આપે?”—માથ. ૨૪:૪૫.
૧૫. પવિત્ર શક્તિ શું છે?
• “દૂતે કહ્યું: ‘પવિત્ર શક્તિ તારા પર આવશે અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એના લીધે જે બાળકનો જન્મ થશે તે ઈશ્વરનો દીકરો અને પવિત્ર કહેવાશે.’”—લૂક ૧:૩૫.
• “તમે પાપી હોવા છતાં તમારાં બાળકોને સારી ભેટ આપો છો. તો પછી સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે એમાં કોઈ જ શંકા નથી.”—લૂક ૧૧:૧૩.
૧૬. યહોવાએ પોતાની પવિત્ર શક્તિથી કેવાં કેવાં કામો કર્યાં છે?
• “ઈશ્વરે પોતાની શક્તિથી મને ઘડ્યો છે, સર્વશક્તિમાનના શ્વાસે મને જીવન આપ્યું છે.”—અયૂ. ૩૩:૪.
• “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે. તમે . . . પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.”—પ્રે.કા. ૧:૮.
• “શાસ્ત્રની એક પણ ભવિષ્યવાણી કોઈ માણસના વિચારોને આધારે નથી. કેમ કે કોઈ પણ ભવિષ્યવાણી ક્યારેય માણસની ઇચ્છા પ્રમાણે કરવામાં આવી ન હતી, પણ માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.”—૨ પિત. ૧:૨૦, ૨૧.
૧૭. ઈશ્વરનું રાજ્ય શું છે?
• “સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે. એ રાજ્યનો કદી નાશ થશે નહિ કે એને બીજા લોકોના હાથમાં સોંપવામાં આવશે નહિ. એ રાજ્ય આ બધાં રાજ્યોને ભાંગીને તેઓનો અંત લાવશે અને એ હંમેશાં ટકશે.”—દાનિ. ૨:૪૪.
૧૮. ઈશ્વરના રાજ્યમાં તમને કેવા કેવા આશીર્વાદો મળશે?
• “ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ! ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”—પ્રકટી. ૨૧:૪.
૧૯. તમે કેમ માનો છો કે ઈશ્વરનું રાજ્ય જલદી જ પૃથ્વી પર આશીર્વાદો લાવશે?
• “શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: ‘અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?’ ઈસુએ જવાબમાં કહ્યું કે ‘. . . એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. એક પછી એક ઘણી જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે. રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.’”—માથ. ૨૪:૩, ૪, ૭, ૧૪.
• “છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા, ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા હશે.”—૨ તિમો. ૩:૧-૫.
૨૦. તમે કઈ રીતે બતાવી શકો કે ઈશ્વરનું રાજ્ય તમારા માટે મહત્ત્વનું છે?
• “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો.”—માથ. ૬:૩૩.
• “ઈસુએ શિષ્યોને કહ્યું: ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.’”—માથ. ૧૬:૨૪.
૨૧. શેતાન અને દુષ્ટ દૂતો કોણ છે?
• “તમે તમારા બાપ શેતાનના છો . . . તે શરૂઆતથી જ ખૂની હતો.”—યોહા. ૮:૪૪.
• “એ મોટો અજગર, જૂનો સાપ, જે નિંદા કરનાર અને શેતાન તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે, તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.”—પ્રકટી. ૧૨:૯.
૨૨. શેતાને યહોવા અને તેમના ભક્તો પર કયો આરોપ મૂક્યો છે?
• “સ્ત્રીએ કહ્યું: ‘અમે બાગનાં બધાં ઝાડનાં ફળ ખાઈ શકીએ છીએ, પણ બાગની વચ્ચે આવેલા ઝાડના ફળ વિશે ઈશ્વરે કહ્યું છે: “તમારે એ ખાવું નહિ, એને અડકવું પણ નહિ. જો તમે એ ખાશો, તો મરી જશો.”’ સાપે સ્ત્રીને કહ્યું: ‘તમે નહિ જ મરો. ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે એ ખાશો, એ દિવસે તમારી આંખો ખૂલી જશે અને તમે ઈશ્વરની જેમ ભલું-ભૂંડું જાણનારા બની જશો.’”—ઉત. ૩:૨-૫.
• “શેતાને યહોવાને કહ્યું: ‘ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે.’”—અયૂ. ૨:૪.
૨૩. તમે કઈ રીતે સાબિત કરી શકો કે શેતાનના આરોપો ખોટા છે?
• ‘પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કર.’—૧ કાળ. ૨૮:૯.
• “છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!”—અયૂ. ૨૭:૫.
૨૪. લોકો કેમ મરણ પામે છે?
• “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.”—રોમ. ૫:૧૨.
૨૫. ગુજરી ગયેલાઓ કઈ હાલતમાં છે?
• “જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે, પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.”—સભા. ૯:૫.
૨૬. ગુજરી ગયેલા લોકો માટે આપણને કઈ આશા છે?
• “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—પ્રે.કા. ૨૪:૧૫.
૨૭. કેટલા લોકો સ્વર્ગમાં જઈને ઈસુ સાથે રાજ કરશે?
• “જુઓ! મેં સિયોન પર્વત પર ઘેટું ઊભેલું જોયું. તેની સાથે ૧,૪૪,૦૦૦ લોકો હતા. તેઓનાં કપાળ પર ઘેટાનું નામ અને તેના પિતાનું નામ લખેલું હતું.”—પ્રકટી. ૧૪:૧.