નોંધ
૬. ચેપી રોગો
૧. મહાન બાબેલોનની ઓળખ
આપણે કઈ રીતે કહી શકીએ કે “મહાન બાબેલોન” એવા ધર્મોને બતાવે છે, જેઓ ખરા ઈશ્વર વિશે શીખવતા નથી? (પ્રકટીકરણ ૧૭:૫) આનો વિચાર કરો:
તે દુનિયાભરમાં રાજ કરે છે. મહાન બાબેલોન વિશે કહેવાય છે કે તે ‘ટોળાઓ અને દેશો’ પર બેઠેલી છે. તે “પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે.”—પ્રકટીકરણ ૧૭:૧૫, ૧૮.
તે રાજકીય કે વેપારી સંગઠન નથી. તેનો નાશ થશે ત્યારે “પૃથ્વીના રાજાઓ” અને ‘વેપારીઓ’ બચી જશે.—પ્રકટીકરણ ૧૮:૯, ૧૫.
તે ઈશ્વરને ગમે નહિ એવાં કામો કરે છે. તેણે પૈસા અને બીજા ફાયદા મેળવવા માટે સરકારો સાથે હાથ મિલાવ્યો છે, એટલે બાઇબલમાં તેને વેશ્યા કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૭:૧, ૨) તે બધા દેશના લોકોને ગેરમાર્ગે દોરે છે. તેના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.—પ્રકટીકરણ ૧૮:૨૩, ૨૪.
૨. મસીહ ક્યારે આવશે?
બાઇબલમાં ભાખ્યું હતું કે ૬૯ અઠવાડિયાંના અંતે મસીહ આવશે.—દાનિયેલ ૯:૨૫ વાંચો.
અઠવાડિયાંની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે ૪૫૫માં. એ સમયે રાજ્યપાલ નહેમ્યા યરૂશાલેમ આવ્યા હતા, જેથી તે એ શહેરને ‘ફરી બાંધી શકે અને એની સ્થાપના કરી’ શકે.—દાનિયેલ ૯:૨૫; નહેમ્યા ૨:૧, ૫-૮.
અઠવાડિયાં કેટલાં લાંબાં હતાં? બાઇબલની અમુક ભવિષ્યવાણીઓમાં એક દિવસને એક વર્ષ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. (ગણના ૧૪:૩૪; હઝકિયેલ ૪:૬) એ રીતે એક અઠવાડિયા બરાબર સાત વર્ષ થાય. આ ભવિષ્યવાણીમાં ૬૯ અઠવાડિયાં ૪૮૩ વર્ષોને (૬૯ અઠવાડિયાં x ૭ દિવસ) બતાવે છે.
અઠવાડિયાં ક્યારે પૂરાં થયાં? જો ઈ.સ. પૂર્વે ૪૫૫થી ગણવાનું શરૂ કરીએ, તો ઈ.સ. ૨૯માં ૪૮૩ વર્ષ પૂરાં થાય છે.a આ એ જ વર્ષ હતું જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું અને મસીહ બન્યા.—લૂક ૩:૧, ૨, ૨૧, ૨૨.
૩. લોહી અને સારવાર
યહોવાના ભક્તો લોહી લેતા નથી કે રક્તદાન કરતા નથી. પણ સારવારમાં પોતાના જ લોહીનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે યહોવાનો ભક્ત શું કરશે? અમુક સારવારમાં ઑપરેશન પહેલાં દર્દીનું લોહી જમા કરાવવામાં આવે છે, જેથી ઑપરેશન દરમિયાન જરૂર પડ્યે દર્દીને એ લોહી ચઢાવી શકાય. પણ યહોવાના ભક્તો આવી સારવાર નથી લેતા.—પુનર્નિયમ ૧૫:૨૩.
પણ યહોવાના ભક્તો કદાચ બીજી અમુક સારવાર સ્વીકારે. જેમ કે, લોહીનો ટેસ્ટ કરાવવો, હિમોડાયાલિસિસ કરાવવું, હિમોડાઇલ્યુશન કરવું અથવા સેલ-સેલ્વેજ મશીન કે હૃદય-ફેફસાંને બદલે કામ કરતું ‘બાયપાસ મશીન’ વાપરવું. યહોવાના દરેક ભક્તે પોતે નક્કી કરવું જોઈએ કે આવા સંજોગોમાં તે કેવો નિર્ણય લેશે: ઑપરેશન વખતે તેના પોતાના લોહીનો કઈ રીતે ઉપયોગ થશે? તેના લોહીનો કઈ રીતે ટેસ્ટ કરવામાં આવશે? જો કોઈ સારવારમાં થોડું લોહી શરીરની બહાર કાઢીને એનો સંગ્રહ કર્યા વગર શરીરમાં પાછું આપવામાં આવે, તો તે એ લેશે કે નહિ? અલગ અલગ ડૉક્ટર જે રીતે આ પ્રક્રિયા હાથ ધરે એમાં થોડો-ઘણો ફરક હોય શકે છે. એટલે લોહીનો કોઈ ટેસ્ટ કે ઑપરેશન કરાવતા પહેલાં અથવા સારવારની કોઈ રીત પસંદ કરતા પહેલાં યહોવાના ભક્તે પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કે તેના લોહીનો કઈ રીતે ઉપયોગ થશે. આ સવાલો પર વિચાર કરો:
જો મારું થોડું લોહી શરીરની બહાર નળી દ્વારા વાળી લેવામાં આવે અને કદાચ થોડી વાર માટે એ વહેતું બંધ થાય તો શું? શું મારું અંતઃકરણ સ્વીકારશે કે એ લોહી હજુ મારો જ ભાગ છે? કે પછી મારે એને “જમીન પર રેડી” દેવું જોઈએ, એટલે કે મારાથી હવે એ ન લેવાય?—પુનર્નિયમ ૧૨:૨૩, ૨૪.
જો સારવાર દરમિયાન મારું થોડું લોહી કાઢીને એમાં દવા ઉમેરી મને પાછું આપવામાં આવે (અથવા એમાંથી મલમ કે જેલ બનાવી શરીર પર લગાડવામાં આવે), તો શું? શું બાઇબલ સિદ્ધાંતોથી કેળવાયેલું મારું અંતઃકરણ ડંખશે? અથવા શું હું એવી સારવાર લેવાનું પસંદ કરીશ?
૪. લગ્નસાથીથી અલગ થવું
બાઇબલમાં જણાવ્યું છે કે પતિ-પત્નીએ એકબીજાથી અલગ થવું નહિ. એમાં એ સાફ જણાવ્યું છે કે જો તેઓ અલગ થાય, તો તેઓએ ફરીથી પરણવું નહિ. (૧ કોરીંથીઓ ૭:૧૦, ૧૧) પણ કેટલાક સંજોગોમાં અમુક પતિ-પત્નીએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
જાણીજોઈને કુટુંબની સંભાળ ન રાખે: પતિ કુટુંબની સંભાળ રાખવાની ના પાડે, જેના લીધે કુટુંબને જીવન-જરૂરી વસ્તુઓના પણ ફાંફાં પડવા લાગે.—૧ તિમોથી ૫:૮.
સખત મારપીટ કરે: પતિ કે પત્ની પોતાના લગ્નસાથીને એટલી હદે મારે, જેથી તેના શરીરને ઈજા પહોંચે અથવા તેનું જીવન જોખમમાં આવી પડે.—ગલાતીઓ ૫:૧૯-૨૧.
યહોવાની ભક્તિ કરતા અટકાવે: પતિ કે પત્ની એટલી હદે લગ્નસાથીનો વિરોધ કરે કે તે યહોવાની ભક્તિ કરી ન શકે અથવા તેમના નિયમો પાળી ન શકે.—પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯.
૫. તહેવારો અને ઉજવણીઓ
યહોવાના ભક્તો એવાં તહેવારો અને ઉજવણીઓમાં ભાગ નથી લેતા, જે યહોવાને નથી ગમતાં. જ્યારે બીજા લોકો તહેવારો ઊજવતા હોય ત્યારે શું? યહોવાના ભક્તે બાઇબલ સિદ્ધાંતથી કેળવાયેલા અંતઃકરણને આધારે નિર્ણય લેવો જોઈએ કે એવા સંજોગોમાં તે શું કરશે. ચાલો અમુક સંજોગોનો વિચાર કરીએ.
કોઈ તમને તહેવારની શુભેચ્છા પાઠવે છે. તમે કદાચ કહી શકો, “તમારો આભાર.” જો વ્યક્તિ વધારે જાણવા માંગે, તો તેને સમજાવી શકો કે તમે કેમ તહેવાર નથી ઊજવતા.
તમારા પતિ યહોવાના સાક્ષી નથી અને તમને કોઈ તહેવારના દિવસે સગાં-વહાલાંના ઘરે જમવા લઈ જવા ચાહે છે. જો તમારું અંતઃકરણ તમને પતિ સાથે જવાની પરવાનગી આપતું હોય, તો પતિને પહેલેથી સમજાવી શકો કે તમે તહેવારની કોઈ પણ વિધિમાં ભાગ નહિ લો.b
નોકરી-ધંધા પર તમને તહેવારના સમયે બોનસ આપવામાં આવે છે. શું તમારે એવી ભેટ કે બોનસ લેવાની ના પાડવી જોઈએ? એવું જરૂરી નથી. જો તમે એ બોનસ લેશો, તો શું તમારા માલિક એવું વિચારશે કે તમે એ તહેવાર ઊજવો છો, કે પછી માલિક બોનસ આપીને તમારી મહેનતની કદર કરે છે?
તહેવારના સમયે કોઈ તમને ભેટ આપે છે. ભેટ આપનાર વ્યક્તિ કદાચ તમને કહે: “મને ખબર છે કે તમે આ તહેવાર નથી ઊજવતા. તોપણ મારે તમને આ ભેટ આપવી છે.” એવા સંજોગોમાં આનો વિચાર કરો: શું તે વ્યક્તિ દયાળુ છે? અથવા શું તે તમારી કસોટી કરવા માંગે છે, કે પછી તહેવારમાં સામેલ કરવા માંગે છે? એનો વિચાર કર્યા પછી તમે પોતે નક્કી કરી શકો કે તમે એ ભેટ લેશો કે નહિ. ભલે કોઈ પણ નિર્ણય લઈએ, મહત્ત્વનું એ છે કે આપણું અંતઃકરણ શુદ્ધ રહે અને આપણે યહોવાને વફાદાર રહીએ.—પ્રેરિતોનાં કાર્યો ૨૩:૧.
૬. ચેપી રોગો
જો આપણને કોઈ ચેપી રોગ થયો હોય અથવા એવું લાગતું હોય કે કશાનો ચેપ લાગ્યો છે, તો એ ચેપ બીજાઓને ન લાગે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. કેમ કે આપણે લોકોને પ્રેમ કરીએ છીએ. બાઇબલમાં આજ્ઞા આપી છે: “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”—રોમનો ૧૩:૮-૧૦.
જે વ્યક્તિને ચેપી રોગ થયો હોય, તે એ આજ્ઞા કઈ રીતે પાળશે? તે બીજાઓને ભેટશે નહિ, હાથ મિલાવશે નહિ કે કોઈને ચુંબન કરશે નહિ. જો કોઈ પોતાના કુટુંબના રક્ષણ માટે તેને પોતાના ઘરે ન બોલાવે, તો તે ખોટું લગાડશે નહિ. જો તેનું બાપ્તિસ્મા થવાનું હોય, તો તેણે વડીલોના જૂથના સેવકને પોતાની બીમારી વિશે જણાવવું જોઈએ. એનાથી ભાઈઓ એવી ગોઠવણ કરી શકશે, જેથી બાપ્તિસ્મા લેનાર બીજાં ભાઈ-બહેનો સુરક્ષિત રહે. એ ઉપરાંત, જો વ્યક્તિને કોઈ કારણને લીધે એવું લાગતું હોય કે તેને ચેપી રોગ હોય શકે છે, તો ડેટિંગ કરતા પહેલાં તેણે લોહીની તપાસ કરાવવી જોઈએ. આમ કરીને તે બતાવશે કે ‘તે ફક્ત પોતાનો જ નહિ, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરે છે.’—ફિલિપીઓ ૨:૪.
૭. વેપાર-ધંધો અને કાનૂની તકરારો
પૈસા અને વેપાર-ધંધાને લગતા કરારો લેખિતમાં રાખવાથી ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. ભલે એ કરાર મંડળના કોઈ ભાઈ કે બહેન સાથે હોય, તોપણ એમ કરવું જરૂરી છે. (યર્મિયા ૩૨:૯-૧૨) તેમ છતાં, અમુક વાર પૈસા કે બીજી બાબતોને લઈને મંડળનાં ભાઈ-બહેનો વચ્ચે તકરાર થઈ શકે છે. એવું બને ત્યારે જેઓ વચ્ચે તકરાર થઈ છે, તેઓએ એકબીજાને મળીને શાંતિથી એનો ઉકેલ લાવવો જોઈએ. એમ કરવામાં તેઓએ મોડું કરવું ન જોઈએ.
પણ અમુક વાર કોઈ ગંભીર બાબતને લીધે તકરાર ઊભી થાય. જેમ કે, કોઈનું નામ બદનામ કરવામાં આવે અથવા છેતરપિંડી કરવામાં આવે. એવા કિસ્સામાં શું કરવું? (માથ્થી ૧૮:૧૫-૧૭ વાંચો.) ઈસુએ ત્રણ પગલાં ભરવા જણાવ્યું હતું:
૧. જેઓ વચ્ચે તકરાર થઈ હોય, તેઓ એકબીજાને મળીને એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે.—કલમ ૧૫ જુઓ.
૨. જો ઉકેલ ન આવે, તો મંડળના એક-બે અનુભવી ભાઈ કે બહેનને પોતાની સાથે લઈ જાય અને ઉકેલ લાવવાની કોશિશ કરે.—કલમ ૧૬ જુઓ.
૩. જો હજી પણ ઉકેલ ન આવે, તો જ મંડળના વડીલો પાસે મદદ માંગે.—કલમ ૧૭ જુઓ.
મોટા ભાગના કિસ્સાઓમાં આપણે ભાઈ-બહેનોને અદાલતમાં નહિ લઈ જઈએ, કેમ કે એનાથી યહોવાનું અને મંડળનું નામ બદનામ થઈ શકે છે. (૧ કોરીંથીઓ ૬:૧-૮) પણ આવા અમુક કિસ્સાઓમાં ઉકેલ લાવવા કદાચ અદાલતમાં જવું પડે: છૂટાછેડા માટે, બાળક માતા કે પિતા સાથે રહેશે એ નક્કી કરવા, છૂટાછેડા પછી ભરણ-પોષણ માટે, વીમા કંપની પાસેથી વળતર મેળવવા, દેવાળું ફૂંકાયું હોય અને આપણા પૈસા ડૂબ્યા હોય ત્યારે અથવા વસિયતનામું કાયદેસર ઠરાવવાનું હોય. આવા કિસ્સાઓમાં જો કોઈ ભાઈ કે બહેન અદાલતમાં જાય, તો તે બાઇબલનો નિયમ તોડતા નથી. પણ તેમણે એ કેસ શાંતિથી લડવો જોઈએ.
બળાત્કાર, બાળકનું જાતીય શોષણ, હિંસક હુમલો, મોટી ચોરી અથવા ખૂન જેવા મોટા ગુનાઓમાં પોલીસને ફરિયાદ કરવી બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ નથી.
a ઈ.સ. પૂર્વે ૪૫૫થી ઈ.સ. પૂર્વે ૧ સુધી ગણો તો ૪૫૪ વર્ષ થાય. પછી ઈ.સ. પૂર્વે ૧થી ઈ.સ. ૧નું એક વર્ષ (વચ્ચે શૂન્ય વર્ષ નથી) ગણો. ઈ.સ. ૧થી ઈ.સ. ૨૯ સુધી ગણો તો ૨૮ વર્ષ થાય. હવે જો આપણે ૪૫૪, ૧ અને ૨૮નો સરવાળો કરીએ, તો કુલ ૪૮૩ વર્ષ થાય છે.
b આ સિદ્ધાંત પતિ અને પત્ની બંનેને લાગુ પડે છે.