ઈશ્વરની પાસે આવો
‘તમે, બાળકો આગળ પ્રગટ કર્યું છે’
શું તમારે ઈશ્વર વિશે સત્ય જાણવું છે? જેમ કે, તે કોણ છે? તેમને શું ગમે છે અને શું નથી ગમતું? તેમની ઇચ્છા શી છે? બાઇબલમાં ઈશ્વર યહોવા વિશે સત્ય છે. પણ બાઇબલ વાંચનાર બધા જ કંઈ એને પૂરી રીતે સમજી શકતા નથી. અમુક લોકો જ ઈશ્વર વિશે સત્ય જાણી શકે છે. ઈસુએ માથ્થી ૧૧:૨૫માં (વાંચો) જણાવ્યું છે કે તેઓ કોણ છે.
એ કલમની શરૂઆત “તે વેળા ઈસુએ કહ્યું”થી થાય છે. આ બતાવે છે કે ઈસુ એ સમયના કોઈ બનાવ વિશે કહી રહ્યા હતા. ઈસુએ ગાલીલનાં ત્રણ શહેરોમાં ઘણાં મોટાં કામો કર્યાં હતાં. તોપણ, લોકો તેમનું શિક્ષણ સ્વીકારવા તૈયાર ન હતા. એટલે તે એ લોકોને ઠપકો આપી રહ્યા હતા. (માથ્થી ૧૧:૨૦-૨૪) તમને કદાચ થશે કે ‘કઈ રીતે કોઈ વ્યક્તિ ઈસુના ચમત્કારો જોયા પછી પણ તેમનું શિક્ષણ ન સ્વીકારે?’ એની પાછળનું કારણ હતું કે લોકોનાં મન જડ થઈ ગયાં હતાં.—માથ્થી ૧૩:૧૦-૧૫.
ઈસુ જાણતા હતા કે બાઇબલમાં આપેલું ઈશ્વરનું સત્ય સમજવા બે બાબતોની જરૂર છે. એ છે, ઈશ્વરની મદદ અને યોગ્ય વલણ. ઈસુ કહે છે: ‘ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા વિદ્વાનોથી તમે એ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.’ આ બતાવે છે કે સત્ય વિશે જાણવું એક લહાવો છે અને અમુક લોકો જ એ સત્ય સમજી શકે છે. યહોવા ‘આકાશ તથા પૃથ્વીના પ્રભુ’ છે. તેથી કોને સત્ય જાહેર કરવું એનો હક્ક તેમની પાસે છે. જોકે, યહોવા કોઈનો પક્ષ લેતા નથી. તે બધાને મોકો આપે છે. શાના આધારે તે અમુકને બાઇબલનું સત્ય જણાવે છે અને અમુકને નહિ?
યહોવાને ઘમંડી નહિ પણ નમ્ર લોકો ગમે છે. (યાકૂબ ૪:૬) તે ‘જ્ઞાનીઓ તથા વિદ્વાનોથી’ પોતાનું સત્ય છુપાવે છે. કેમ કે દુનિયાની નજરે જેઓ જ્ઞાનીઓ અને વિદ્વાનો બને છે તેઓ ઘમંડી હોય છે. તેમ જ, તેઓને લાગે છે કે પોતાને કોઈની મદદની જરૂર નથી. (૧ કોરીંથી ૧:૧૯-૨૧) પરંતુ, ઈશ્વર પોતાનું સત્ય “બાળકો”ને જણાવે છે. એટલે કે એવા લોકોને જણાવે છે, જેઓ બાળકો જેવા નમ્ર છે અને ખરા દિલથી જાણવા માંગે છે. (માથ્થી ૧૮:૧-૪; ૧ કોરીંથી ૧:૨૬-૨૮) ઈશ્વરના દીકરા ઈસુ એવા બંને પ્રકારના લોકોને જાણતા હતા. ઘણા ધર્મગુરુઓ ઘણું જ ભણેલા અને ઘમંડી હતા. તેથી, તેઓ ઈસુનો સંદેશો સમજી શક્યા નહિ. જ્યારે કે, નમ્ર માછીમારો એ સંદેશો સમજી ગયા. (માથ્થી ૪:૧૮-૨૨; ૨૩:૧-૫; પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) એ જ સમયે અમુક અમીર અને ભણેલા ગણેલા લોકોએ ખરી નમ્રતા બતાવી ઈસુના શિષ્યો બન્યા.—લુક ૧૯:૧, ૨, ૮; પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧-૩.
ચાલો ફરીથી આપણે શરૂઆતમાં પૂછેલા આ સવાલનો વિચાર કરીએ: શું તમારે ઈશ્વર વિશે સત્ય જાણવું છે? જો એમ હોય, તો તમને એ જાણવું ગમશે કે ઈશ્વરે પોતાનું સત્ય એવા લોકોને નથી આપ્યું જેઓ પોતાને દુનિયામાં જ્ઞાનીઓ કહેવડાવે છે. પરંતુ, એવા લોકોને આપ્યું છે જેઓને દુનિયાના જ્ઞાનીઓ નકામા ગણતા હોય. જો તમે બાઇબલનો નમ્ર દિલે અભ્યાસ કરશો, તો યહોવા તમને પણ અમૂલ્ય ભેટ આપશે. એ છે તેમના વિશેની સાચી સમજણ. એ સમજવાથી તમારા જીવનમાં હમણાં ખુશીઓ આવશે. તેમ જ, “ખરેખરું જીવન” એટલે કે ઈશ્વરે વચન આપેલી ન્યાયી નવી દુનિયામાં હંમેશ માટે જીવવાનો જલદી જ મોકો મળશે.a—૧ તીમોથી ૬:૧૨, ૧૯; ૨ પીતર ૩:૧૩. (w13-E 01/01)
આ બાઇબલ વાંચન કરી શકો:
a ઈશ્વર અને તેમના હેતુ વિશે જાણવા યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી મદદ કરશે. તેઓ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનો ઉપયોગ કરીને તમને બાઇબલમાંથી મફત શીખવશે.