રવિવાર, ઑક્ટોબર ૪
“હું યહોવાને કાયમ મારી નજર સામે રાખું છું. તે મારા જમણે હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ.”—ગીત. ૧૬:૮.
યહોવા માટેનો ડર વધારવા જરૂરી છે કે દરેક નિર્ણય લેતા પહેલાં વિચારીએ કે યહોવા શાનાથી ખુશ થશે. બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે પોતાને પૂછો: ‘જો હું આ સંજોગમાં હોત, તો મેં શું કર્યું હોત?’ દાખલા તરીકે, યહોવા ઇઝરાયેલીઓને વચનનો દેશ આપવાના હતા. એ દેશની જાસૂસી કર્યા પછી જાસૂસો પાછા આવ્યા. હવે કલ્પના કરો કે જ્યારે એમાંના દસ જાસૂસો ખોટી માહિતી આપી રહ્યા છે ત્યારે, તમે ત્યાં જ છો. તેઓ કહી રહ્યા છે કે તેઓ કનાનીઓ પર જીત નહિ મેળવી શકે. હવે તમે શું કરશો? શું તમે તેઓની વાત સાચી માની લેશો અને માણસોનો ડર રાખશો? કે પછી યહોવાનો ડર રાખશો અને તેમને ગમે છે એ જ કરશો? દુઃખની વાત છે કે ઇઝરાયેલીઓની એ આખી પેઢીએ યહોશુઆ અને કાલેબની વાત માની નહિ, જેઓ સાચું કહી રહ્યા હતા. પરિણામે, તેઓએ વચનના દેશમાં જવાનો મોકો ગુમાવી દીધો.—ગણ. ૧૪:૧૦, ૨૨, ૨૩. w૨૪.૦૭ ૧૦ ¶૭
સોમવાર, ઑક્ટોબર ૫
“હૃદયને પારખનાર તો યહોવા છે.”—નીતિ. ૧૭:૩.
પ્રબોધક હોશિયાની પત્ની ગોમેર પોતાના પતિને છોડીને બીજા પુરુષો પાસે જતી રહી. શું તેના માટે પસ્તાવો કરવો અશક્ય હતું? યહોવા તો દિલ વાંચી શકે છે. તેમણે હોશિયાને કહ્યું: “ઇઝરાયેલીઓ બીજા દેવો તરફ ફરે છે, . . . છતાં યહોવા તેઓને પ્રેમ કરે છે. એવી જ રીતે, તું ફરીથી જઈને એ સ્ત્રીને પ્રેમ કર, જે વ્યભિચાર કરે છે અને જેને બીજો માણસ ચાહે છે.” (હોશિ. ૩:૧; નીતિ. ૧૬:૨) ધ્યાન આપો કે હોશિયાની પત્ની હજી એ ગંભીર પાપ કરી રહી હતી. છતાં યહોવાએ હોશિયાને કહ્યું કે તેને માફ કરે અને પત્ની તરીકે પાછી લઈ આવે. એવી જ રીતે, યહોવાએ કઠોર દિલના ઇઝરાયેલીઓને તરછોડી દીધા ન હતા. ભલે તેઓ દુષ્ટ કામો કરતા હતા, પણ યહોવા હજી તેઓને પ્રેમ કરતા હતા. તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા, જેથી તેઓને પસ્તાવો કરવા અને પોતાનામાં સુધારો કરવા મદદ કરી શકે. આ દાખલાથી શું શીખવા મળે છે? હૃદયના પારખનાર યહોવા એવી વ્યક્તિને પણ પસ્તાવો કરવા મદદ કરે છે, જે હજી પણ ગંભીર પાપ કરી રહી છે. w૨૪.૦૮ ૧૦ ¶૭
મંગળવાર, ઑક્ટોબર ૬
‘નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું પડછાયો છે.’—હિબ્રૂ. ૧૦:૧.
પહેલી સદીમાં જે યહૂદીઓ ખ્રિસ્તી બન્યા હતા, તેઓએ મોટા મોટા ફેરફારો કરવાના હતા અને એ જરાય સહેલું ન હતું. ઘણાં વર્ષો સુધી યરૂશાલેમ ખૂબ મહત્ત્વની જગ્યા હતી. યહોવા વતી રાજ કરતા ઇઝરાયેલી રાજાઓની રાજગાદી યરૂશાલેમમાં હતી. એ ઉપરાંત, યહોવાનું મંદિર ત્યાં હતું અને લોકો ત્યાં આવીને યહોવાની ભક્તિ કરતા હતા. બધા વફાદાર યહૂદીઓ મૂસાનું નિયમશાસ્ત્ર અને તેઓના ધાર્મિક આગેવાનોએ શીખવેલા નિયમો પાળતા હતા. તેઓએ ખોરાક, સુન્નત અને બીજી પ્રજાના લોકો સાથે કઈ રીતે વર્તવું એ વિશેના નિયમો પાળવાના હતા. પણ ઈસુના મરણ પછી મૂસાનું નિયમશાસ્ત્ર રદ થઈ ગયું. હવે તેઓએ મંદિરે બલિદાનો ચઢાવવાની જરૂર ન હતી. આમ, યહૂદીમાંથી ખ્રિસ્તી બનેલા લોકો માટે ભક્તિ કરવાની રીતમાં ફેરફાર કરવો સહેલું ન હતું. (હિબ્રૂ. ૧૦:૧, ૪, ૧૦) પ્રેરિત પિતર અને બીજા પરિપક્વ ખ્રિસ્તીઓ માટે પણ અમુક ફેરફારો કરવા અઘરું હતું. (પ્રે.કા. ૧૦:૯-૧૪; ગલા. ૨:૧૧-૧૪) એ સિવાય, ખ્રિસ્તીઓની નવી માન્યતાઓને લીધે યહૂદી ધર્મગુરુઓ તેઓની ખૂબ સતાવણી કરતા હતા. w૨૪.૦૯ ૯ ¶૪