ઈશ્વરની પવિત્ર શક્તિ શું છે?
શાસ્ત્રમાંથી જવાબ
પવિત્ર શક્તિ ઈશ્વરના શક્તિશાળી બળને દર્શાવે છે, જે સતત કામ કરે છે. (મીખાહ ૩:૮; લૂક ૧:૩૫) ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા કોઈ પણ જગ્યાએ પોતાની શક્તિ મોકલી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦; ૧૩૯:૭.
ઘણાં બાઇબલ ભાષાંતરોમાં “પવિત્ર શક્તિ” માટે “પવિત્ર આત્મા” શબ્દ વપરાયો છે. એ માટેના મૂળ હિબ્રૂ શબ્દ રુઆખ અને ગ્રીક શબ્દ નેફમાનું ભાષાંતર ગુજરાતી બાઇબલમાં “શક્તિ” કરવામાં આવ્યું છે. મોટા ભાગે એ શબ્દો ઈશ્વરના બળ અથવા પવિત્ર શક્તિ માટે વપરાયા છે. (ઉત્પત્તિ ૧:૨) પણ અમુક વાર રુઆખ અને નેફમા આવી બાબતોને પણ બતાવે છે:
શ્વાસ.—હબાક્કૂક ૨:૧૯; પ્રકટીકરણ ૧૩:૧૫.
પવન.—ઉત્પત્તિ ૮:૧; યોહાન ૩:૮.
જીવન-શક્તિ.—અયૂબ ૩૪:૧૪, ૧૫.
વ્યક્તિનો સ્વભાવ કે વલણ.—ગણના ૧૪:૨૪.
સ્વર્ગમાં રહેનારા, જેમાં ઈશ્વર અને દૂતોનો સમાવેશ થાય છે.—૧ રાજાઓ ૨૨:૨૧; યોહાન ૪:૨૪.
એ બધું આપણે જોઈ નથી શકતા. પણ એની અસરને આપણે જોઈ શકીએ છીએ અને મહેસૂસ કરી શકીએ છીએ. ડબ્લ્યુ. ઈ. વાઇને પોતાના પુસ્તકમાં લખ્યું છે, “ઈશ્વરની શક્તિ હવા જેવી અદૃશ્ય છે, એનું કોઈ શરીર નથી અને એ બહુ શક્તિશાળી છે.”—એન એક્સ્પોઝીટરી ડિક્શનરી ઑફ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડ્સ.
બાઇબલમાં પવિત્ર શક્તિને ઈશ્વરના ‘હાથ’ અથવા ‘આંગળીઓ’ સાથે સરખાવી છે. (ગીતશાસ્ત્ર ૮:૩; ૧૯:૧; લૂક ૧૧:૨૦, ફૂટનોટ; માથ્થી ૧૨:૨૮ સરખાવો.) જેમ એક કારીગર પોતાનાં હાથ અને આંગળીઓ દ્વારા વસ્તુઓ બનાવે છે, તેમ ઈશ્વર પવિત્ર શક્તિ દ્વારા ઘણાં બધાં કામ કરે છે. જેમ કે, આ શક્તિ દ્વારા:
તેમણે વિશ્વ બનાવ્યું.—ગીતશાસ્ત્ર ૩૩:૬; યશાયા ૬૬:૧, ૨.
તેમણે બાઇબલ લખાવ્યું.—૨ પિતર ૧:૨૦, ૨૧.
તેમણે જૂના જમાનાના ઈશ્વરભક્તોને ચમત્કારો કરવા શક્તિ આપી અને ઉત્સાહથી પ્રચાર કરવા માર્ગદર્શન આપ્યું.—લૂક ૪:૧૮; પ્રેરિતોનાં કાર્યો ૧:૮; ૧ કોરીંથીઓ ૧૨:૪-૧૧.
તે તેમની આજ્ઞા પાળનારા લોકોને સારા ગુણો કેળવવા મદદ કરે છે.—ગલાતીઓ ૫:૨૨, ૨૩.
પવિત્ર શક્તિ ઈશ્વર નથી
બાઇબલમાં ઈશ્વરની પવિત્ર શક્તિને ‘હાથ,’ ‘આંગળી’ કે “શ્વાસ” તરીકે રજૂ કરી છે. એ બતાવે છે કે પવિત્ર શક્તિ ઈશ્વર નથી. (નિર્ગમન ૧૫:૮, ૧૦) જેમ એક કારીગરનો હાથ તેના શરીર અને મગજ વગર કામ ન કરે, તેમ પવિત્ર શક્તિ ઈશ્વરની દોરવણી વગર કામ કરતી નથી. (લૂક ૧૧:૧૩) ચાલો એ સમજવા એક દાખલો જોઈએ. પંખો વીજળીની મદદથી ચાલે છે, પણ વીજળી કંઈ પંખો નથી. એવી જ રીતે, ઈશ્વર પવિત્ર શક્તિથી કામ કરે છે, પણ એનો એવો અર્થ નથી કે પવિત્ર શક્તિ ઈશ્વર છે. બાઇબલમાં ઘણી વાર પવિત્ર શક્તિને પાણી સાથે સરખાવી છે. પવિત્ર શક્તિનો ઉલ્લેખ જ્ઞાન અને શ્રદ્ધા જેવા ગુણો સાથે પણ થયો છે. એ બતાવે છે કે પવિત્ર શક્તિને કોઈ શરીર નથી, એ પોતાની રીતે વિચારી શકતી નથી અથવા તેનામાં લાગણીઓ નથી. આમ, પવિત્ર શક્તિ ઈશ્વર નથી.—યશાયા ૪૪:૩; પ્રેરિતોનાં કાર્યો ૬:૫; ૨ કોરીંથીઓ ૬:૬.
બાઇબલમાં યહોવા ઈશ્વર અને તેમના દીકરા ઈસુનું નામ આપવામાં આવ્યું છે. પણ ક્યાંય પવિત્ર શક્તિનું નામ જોવા નથી મળતું. (યશાયા ૪૨:૮; લૂક ૧:૩૧) ઈસુના એક શિષ્ય સ્તેફનને તેના મરણ પહેલાં ચમત્કારથી એક દર્શન બતાવવામાં આવ્યું હતું. એ દર્શનમાં તેણે ફક્ત બે લોકોને જોયા, ત્રણ લોકોને નહિ. બાઇબલમાં લખ્યું છે: “તે પવિત્ર શક્તિથી ભરપૂર થઈને આકાશ તરફ એકીટસે જોવા લાગ્યો. તેણે ઈશ્વરનો મહિમા જોયો અને તેમના જમણા હાથે ઈસુને ઊભા રહેલા જોયા.” (પ્રેરિતોનાં કાર્યો ૭:૫૫) સ્તેફને પવિત્ર શક્તિની મદદથી જ એ દર્શન જોયું હતું.
પવિત્ર શક્તિ વિશે ખોટી માન્યતાઓ
ખોટી માન્યતા: માથ્થી ૨૮:૧૯, ૨૦ પ્રમાણે પવિત્ર શક્તિ ત્રિએક અથવા ત્રૈક્યનો ભાગ છે. ત્રિએક એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર શક્તિ મળીને એક ઈશ્વર છે.
હકીકત: એ કલમોમાં પિતા, પુત્ર અને પવિત્ર શક્તિનો ઉલ્લેખ એકસાથે થયો છે. એટલે અમુક લોકો દાવો કરે છે કે પવિત્ર શક્તિ ત્રિએકનો ભાગ છે. પણ એ કલમોને ધ્યાનથી વાંચો. શું એમાં એવું બતાવ્યું છે કે તાકાત, પદવી અને બુદ્ધિમાં એ ત્રણેય એકસમાન છે અને એટલે ત્રણેય મળીને એક ઈશ્વર છે? ના, એમાં એવું તો કંઈ જ બતાવ્યું નથી.
ખોટી માન્યતા: બાઇબલમાં પવિત્ર શક્તિને ‘હાથ’ સાથે સરખાવી છે. એટલે સાબિત થાય છે કે તે ઈશ્વર છે, તેનું એક રૂપ છે.
હકીકત: ઘણી કલમોમાં પવિત્ર શક્તિને એ રીતે બતાવવામાં આવી છે, જાણે તે કોઈ વ્યક્તિ હોય. દાખલા તરીકે, ઈસુએ પવિત્ર શક્તિનો ઉલ્લેખ “સહાયક” તરીકે કર્યો, (ગ્રીક શબ્દ, પેરાક્લીટ) જે અલગ અલગ કામો કરે છે. જેમ કે, પુરાવા આપે છે, સત્ય સમજવા મદદ કરે છે, કહે છે, સાંભળે છે અને મહિમા આપે છે. (યોહાન ૧૬:૭-૧૫) પણ એનાથી એ સાબિત નથી થતું કે પવિત્ર શક્તિ ઈશ્વર છે અને તેનું કોઈ રૂપ છે. બાઇબલમાં બુદ્ધિ, મરણ અને પાપને પણ એ રીતે બતાવવામાં આવ્યાં છે, જાણે તેઓ વ્યક્તિ હોય. (નીતિવચનો ૧:૨૦; રોમનો ૫:૧૭, ૨૧) જેમ કે, બુદ્ધિ વિશે કહ્યું છે કે તેનાં ‘કાર્યો’ છે. પાપ વિશે કહ્યું છે કે તે સ્વાર્થી ઇચ્છા જગાડે છે, છેતરે છે અને મારી નાખે છે.—માથ્થી ૧૧:૧૯; લૂક ૭:૩૫; રોમનો ૭:૮, ૧૧.
ખોટી માન્યતા: પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા લેવું, એ શબ્દોથી સાબિત થાય છે કે પવિત્ર શક્તિ ઈશ્વર છે.
હકીકત: બાઇબલમાં ઘણી વાર ‘નામ’ શબ્દ શક્તિ કે અધિકાર માટે વપરાય છે. (પુનર્નિયમ ૧૮:૫, ૧૯-૨૨; એસ્તેર ૮:૧૦) આપણે ગુજરાતી ભાષામાં ઘણી વાર કહીએ છીએ, “ધર્મના નામે . . .” પણ એનો અર્થ એવો નથી થતો કે ધર્મ ઈશ્વર છે. એવી જ રીતે, “પવિત્ર શક્તિના નામે,” એ શબ્દોનો એવો અર્થ નથી કે પવિત્ર શક્તિ ઈશ્વર છે. “પવિત્ર શક્તિના નામે” બાપ્તિસ્મા લેવાનો અર્થ થાય, વ્યક્તિ સ્વીકારે છે કે પવિત્ર શક્તિ ઈશ્વરનું બળ છે અને તેના દ્વારા યહોવા પોતાનો હેતુ પૂરો કરે છે.—માથ્થી ૨૮:૧૯.
ખોટી માન્યતા: ઈસુના પ્રેરિતો અને પહેલી સદીના ખ્રિસ્તીઓ માનતા હતા કે પવિત્ર શક્તિ ઈશ્વર છે.
હકીકત: એવું ન બાઇબલમાં લખ્યું છે, ન ઇતિહાસના પુસ્તકોમાં. ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં લખ્યું છે: ‘ઈસવીસન ૩૮૧માં કોન્સ્ટેન્ટીનોપલની પરિષદમાં આ વિચાર મૂકવામાં આવ્યો હતો કે પવિત્ર શક્તિ ઈશ્વર છે, જેની ભક્તિ થવી જોઈએ.’ પણ એ પરિષદ ઈસુના છેલ્લા પ્રેરિતના મરણના ૨૫૦ વર્ષ પછી યોજાઈ હતી.