રોમનો
૨ એ માટે હે માણસ, જો તું ન્યાય કરે તો તું કોઈ બહાનું કાઢી શકે એમ નથી, પછી ભલેને તું ગમે તે હોય; કેમ કે તું જ્યારે બીજાનો ન્યાય કરે છે, ત્યારે તું પોતાને દોષિત ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે જ એ કામો કરે છે. ૨ આપણે જાણીએ છીએ કે જેઓ એવું કરતા રહે છે, તેઓ સામે ઈશ્વરનો ન્યાયચુકાદો સત્ય પ્રમાણે છે.
૩ પણ હે માણસ, તું આવાં કામો કરનારાઓનો ન્યાય કરે છે અને છતાં પોતે એવાં કામો કરે છે, તો શું તું એમ માને છે કે ઈશ્વરના ન્યાયચુકાદાથી તું છટકી જઈશ? ૪ કે પછી શું તું ઈશ્વરની પુષ્કળ કૃપા, સહનશીલતા અને ધીરજનો તિરસ્કાર કરે છે? શું તું જાણતો નથી કે ઈશ્વર પોતાની કૃપાથી તને પસ્તાવા તરફ દોરી જવાની કોશિશ કરે છે? ૫ પણ, તું હઠીલો છે અને તારું હૃદય પસ્તાવો કરતું નથી, એ કારણે તું પોતાને માટે ઈશ્વરનો કોપ ભેગો કરી રહ્યો છે. ઈશ્વર એ કોપ અદલ ન્યાયના દિવસે પ્રગટ કરશે. ૬ તે દરેક જણને તેનાં કામો પ્રમાણે બદલો ચૂકવી આપશે: ૭ જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. ૮ પરંતુ, જેઓ ઝઘડાખોર છે અને સત્યને માનતા નથી પણ દુષ્ટ કામો કરે છે, તેઓ ઉપર ઈશ્વરનો ગુસ્સો અને કોપ ઊતરી આવશે. ૯ ખરાબ કામો કરનાર દરેક માણસ* પર સંકટ અને દુઃખો આવશે, પહેલા યહુદી પર અને પછી ગ્રીક* પર; ૧૦ પરંતુ, સારાં કામ કરનાર દરેકને માન, મહિમા અને શાંતિ મળશે, પહેલા યહુદીને અને પછી ગ્રીકને પણ. ૧૧ કેમ કે ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી.
૧૨ જે બધા પાસે નિયમશાસ્ત્ર* ન હતું અને પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર ન હોવા છતાં નાશ પામશે; પણ, જે બધા પાસે નિયમશાસ્ત્ર હતું અને પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર દ્વારા થશે. ૧૩ કેમ કે જેઓ નિયમશાસ્ત્ર સાંભળે છે તેઓ ઈશ્વર આગળ નેક નથી, પણ જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે જીવે છે તેઓને નેક ઠરાવવામાં આવશે. ૧૪ અન્ય પ્રજાના લોકો પાસે નિયમશાસ્ત્ર ન હોવા છતાં, જ્યારે તેઓ સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે એ લોકો નિયમશાસ્ત્ર ન હોવા છતાં પોતાના માટે જાણે નિયમ બને છે. ૧૫ આ એ જ લોકો છે જેઓ બતાવે છે કે નિયમશાસ્ત્રની વાતો તેઓના હૃદયોમાં લખેલી છે; તેઓનું અંત:કરણ આ વાતની સાક્ષી પૂરે છે અને તેઓને પોતાના વિચારોથી દોષિત કે નિર્દોષ ઠરાવવામાં આવે છે. ૧૬ ઈશ્વર જ્યારે ખ્રિસ્ત ઈસુ દ્વારા મનુષ્યોની છૂપી વાતોનો ન્યાય કરશે, ત્યારે એવું બનશે. હું જાહેર કરું છું એ ખુશખબર પ્રમાણે એમ થશે.
૧૭ હવે, જો તું યહુદી કહેવાય છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે અને ઈશ્વરમાં ગર્વ કરે છે ૧૮ અને તું તેમની ઇચ્છા જાણે છે અને જે બાબતો મહત્ત્વની છે એને સ્વીકારે છે, કેમ કે તને નિયમશાસ્ત્ર શીખવવામાં* આવ્યું છે ૧૯ અને તને ખાતરી છે કે તું આંધળાને માર્ગ બતાવનાર અને જેઓ અંધકારમાં છે તેઓ માટે પ્રકાશ છે; ૨૦ તું મૂર્ખ લોકોને સુધારનાર અને બાળકોનો* શિક્ષક છે અને તારી પાસે નિયમશાસ્ત્રમાંથી મળતા જ્ઞાન અને સત્યની જરૂરી સમજણ છે; ૨૧ તો પછી, બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? “ચોરી ન કરવી” એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે? ૨૨ “વ્યભિચાર* ન કરવો” એમ કહેનાર, શું તું વ્યભિચાર* કરે છે? મૂર્તિઓને ધિક્કારનાર, શું તું મંદિરોને લૂંટે છે? ૨૩ નિયમશાસ્ત્રમાં ગર્વ લેનાર, શું તું પોતે નિયમશાસ્ત્રનો ભંગ કરીને ઈશ્વરનું અપમાન કરે છે? ૨૪ કેમ કે જેમ લખેલું છે તેમ, “તમારે લીધે અન્ય પ્રજાઓમાં ઈશ્વરના નામની નિંદા થઈ રહી છે.”
૨૫ ખરું જોતાં, જો તું નિયમશાસ્ત્ર પાળતો હોય તો જ સુન્નતથી* ફાયદો છે; પરંતુ, જો તું નિયમશાસ્ત્રનો ભંગ કરતો હોય, તો તું સુન્નત કરાવેલો હોવા છતાં સુન્નત ન કરાવેલો બની જાય છે. ૨૬ તેથી, જો સુન્નત ન કરાવેલો માણસ નિયમશાસ્ત્રમાં ઈશ્વરે જણાવેલી જરૂરિયાતોને પૂરી કરતો હોય, તો બેસુન્નતી હોવા છતાં તે સુન્નતી ગણાશે, ખરું ને? ૨૭ તારી પાસે લેખિત નિયમો છે અને તારી સુન્નત થઈ છે, છતાં તું નિયમશાસ્ત્રનો ભંગ કરે છે. એટલે, જેની શારીરિક રીતે સુન્નત થઈ નથી એ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલીને તારો ન્યાય કરશે. ૨૮ જે બહારથી યહુદી દેખાય છે તે સાચો યહુદી નથી અથવા જે શરીર પર થાય છે એ સાચી સુન્નત નથી. ૨૯ પરંતુ, જે અંદરથી યહુદી છે, તે જ સાચો યહુદી છે અને તેની સુન્નત હૃદયની છે, જે લેખિત નિયમોથી નહિ પણ પવિત્ર શક્તિથી થયેલી છે. આવા માણસની પ્રશંસા લોકો પાસેથી નહિ, પણ ઈશ્વર પાસેથી આવે છે.