૨ કોરીંથીઓ
૨ મેં નક્કી કર્યું છે કે હું ફરીથી આવું ત્યારે તમને ઉદાસ નહિ કરું. ૨ કેમ કે જો હું તમને ઉદાસ કરું તો તમારા સિવાય બીજું કોણ છે જે મને ખુશ કરે? ૩ મેં તમને એટલા માટે લખ્યું, જેથી હું આવું ત્યારે તમારા લીધે ઉદાસ ન થાઉં પણ આનંદ કરું, કારણ કે મને ખાતરી છે કે જેનાથી મને આનંદ થાય છે એનાથી તમને બધાને પણ એટલો જ આનંદ થાય છે. ૪ કેમ કે ઘણી તકલીફો અને દિલની વેદના સાથે ઘણાં આંસુ વહાવીને મેં તમને લખ્યું છે. તમને ઉદાસ કરવા માટે નહિ, પણ તમને એ જણાવવા કે હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું!
૫ હવે, જો કોઈએ ઉદાસ કર્યા હોય તો તેણે મને નહિ, પણ અમુક હદે તમને બધાને ઉદાસ કર્યા છે. એ વિશે મારે વધારે કંઈ કહેવું નથી. ૬ ઘણા લોકોએ એ માણસને ઠપકો આપ્યો, એ પૂરતું છે. ૭ હવે તમારે તેને દિલથી માફ કરીને દિલાસો આપવો જોઈએ, જેથી તે અતિશય નિરાશામાં ડૂબી ન જાય.* ૮ એટલે, હું તમને ઉત્તેજન આપું છું કે તેને તમારા પ્રેમનો અહેસાસ કરાવો. ૯ મેં તમને લખ્યું એનું એક કારણ આ પણ છે: હું એ જોવા માંગતો હતો કે તમે દરેક વાતમાં આજ્ઞા પાળો છો કે નહિ. ૧૦ જો તમે કોઈને માફ કરો, તો હું પણ તેને માફ કરું છું. હકીકતમાં, મેં જે માફ કર્યું છે (મેં કંઈ માફ કર્યું હોય તો), એ ખ્રિસ્તની નજરમાં તમારા માટે માફ કર્યું છે, ૧૧ જેથી શેતાન આપણા પર ફાવી ન જાય,* કેમ કે આપણે તેની ચાલાકીઓથી* અજાણ નથી.
૧૨ હવે, હું ખ્રિસ્ત વિશે ખુશખબર જણાવવા ત્રોઆસ આવ્યો અને પ્રભુની સેવામાં મારા માટે એક દ્વાર ખોલવામાં આવ્યું.* ૧૩ એ વખતે મારો ભાઈ તિતસ મને ત્યાં મળ્યો ન હોવાથી, મારા મનને જરાય શાંતિ ન મળી. એટલે, મેં તેઓને આવજો કહીને મકદોનિયા જવા વિદાય લીધી.
૧૪ પરંતુ, ઈશ્વરનો આભાર કે, તે હંમેશાં આપણને ખ્રિસ્ત સાથે વિજયકૂચમાં દોરી જાય છે; ઈશ્વર આપણા દ્વારા દરેક જગ્યાએ પોતાના જ્ઞાનની સુગંધ ફેલાવે છે. ૧૫ કેમ કે ઉદ્ધાર પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં આપણે ઈશ્વર માટે ખ્રિસ્તની મીઠી સુગંધ છીએ; ૧૬ નાશ પામનારા માટે મોત તરફ લઈ જતી મોતની દુર્ગંધ અને ઉદ્ધાર પામનારા માટે જીવન તરફ લઈ જતી જીવનની સુગંધ. અને આવું કામ કરવા કોણ બધી રીતે લાયક છે? ૧૭ અમે લાયક છીએ, કેમ કે અમે ઈશ્વરના સંદેશાનો વેપાર કરનારા નથી,* જેમ બીજા લોકો કરે છે. પરંતુ, ખ્રિસ્તના શિષ્યો હોવાથી અમે સાફ દિલથી બોલીએ છીએ. હા, ઈશ્વરે અમને આ કામ માટે મોકલ્યા છે અને અમે તેમની સામે આ કામ કરીએ છીએ.