૨ યોહાન
૧ પસંદ કરેલી બહેનને* હું એક વડીલ લખી રહ્યો છું. હું તેનાં બાળકોને પણ લખું છું. હું તેઓને ખૂબ ચાહું છું. ફક્ત હું જ નહિ પણ જેઓ સત્યને જાણતા થયા છે, તેઓ બધા પણ ચાહે છે. ૨ સત્યને લીધે અમે તમને ચાહીએ છીએ અને સત્ય આપણામાં હંમેશાં રહેશે. ૩ ઈશ્વર જે પિતા છે તેમની પાસેથી અને ઈસુ ખ્રિસ્ત* જે તેમના દીકરા છે તેમની પાસેથી આપણને અપાર કૃપા, દયા અને શાંતિ મળશે અને સત્ય તથા પ્રેમ પણ મળશે.
૪ પિતા પાસેથી આપણને મળેલી આજ્ઞા મુજબ તારાં અમુક બાળકો સત્યમાં ચાલે છે, એ જાણીને હું ઘણો ખુશ છું. ૫ તેથી બહેન, હવે હું તને વિનંતી કરું છું કે આપણે બધા એકબીજા પર પ્રેમ રાખીએ. (હું તને નવી આજ્ઞા નહિ, પણ શરૂઆતથી આપણી પાસે હતી એ આજ્ઞા લખું છું.) ૬ અને પ્રેમનો અર્થ એ છે કે આપણે પિતાની આજ્ઞાઓ પ્રમાણે ચાલતા રહીએ. જેમ તમે શરૂઆતથી સાંભળ્યું, તેમ આ આજ્ઞા છે કે તમે પ્રેમમાં ચાલતા રહો. ૭ કેમ કે દુનિયામાં ઘણા છેતરનારા ઊભા થયા છે, જેઓ કબૂલ કરતા નથી કે ઈસુ મનુષ્ય તરીકે આવ્યા હતા. જે કોઈ એવું કરે છે, તે છેતરનાર અને ખ્રિસ્ત-વિરોધી છે.
૮ તમે સાવધ રહો, જેથી જે મેળવવા અમે મહેનત કરી છે એ તમે ગુમાવી ન દો, પણ તમે પૂરેપૂરું ઈનામ પામો. ૯ જે કોઈ ખ્રિસ્તના શિક્ષણની હદબહાર જાય છે અને એમાં રહેતો નથી, તે ઈશ્વર સાથે એકતામાં નથી. જે કોઈ એ શિક્ષણમાં રહે છે, તે પિતા અને દીકરા સાથે એકતામાં રહે છે. ૧૦ જો કોઈ તમારી પાસે આવે પણ આ શિક્ષણ ન લાવે, તો તેને તમારા ઘરમાં આવકારશો નહિ કે તેને સલામ કહેશો નહિ. ૧૧ કેમ કે જે કોઈ તેને સલામ કહે છે, તે તેનાં દુષ્ટ કામોમાં ભાગીદાર છે.
૧૨ ખરું કે મારે તમને ઘણું લખવું છે, પણ હું એ કાગળ અને શાહીથી કરવા માંગતો નથી; પરંતુ, આશા રાખું છું કે હું તમારી પાસે આવું અને મોઢામોઢ વાત કરું, જેથી તમારી ખુશીમાં ઘણો વધારો થાય.
૧૩ તારી બહેન, જે પસંદ થયેલી છે, તેનાં બાળકો તને સલામ મોકલે છે.