નિર્ગમન
૧૧ પછી યહોવાએ મૂસાને કહ્યું: “ઇજિપ્ત પર અને એના રાજા પર હું બીજી એક આફત લાવવાનો છું. પછી તે તમને અહીંથી જવા દેશે.+ હા, તે તમને જબરજસ્તી અહીંથી કાઢી મૂકશે.+ ૨ હવે તું ઇઝરાયેલી સ્ત્રી-પુરુષોને જણાવ કે, તેઓ પડોશીઓ પાસેથી સોના-ચાંદીની વસ્તુઓ માંગી લે.”+ ૩ યહોવાએ એવું કર્યું કે ઇઝરાયેલીઓ પર ઇજિપ્તના લોકો કૃપા કરે. એટલું જ નહિ, રાજાના સેવકો અને ઇજિપ્તના લોકોની નજરમાં મૂસાનું માન ઘણું વધી ગયું હતું.
૪ પછી મૂસાએ રાજાને કહ્યું: “યહોવા કહે છે, ‘આશરે મધરાતે હું ઇજિપ્તમાં ફરીશ+ ૫ અને આખા ઇજિપ્તમાં બધા પ્રથમ જન્મેલા માર્યા જશે.+ ભલે એ રાજગાદીએ બેસનાર રાજાનો પ્રથમ જન્મેલો હોય કે પછી ઘંટીએ દળનાર દાસીનો પ્રથમ જન્મેલો હોય, એ બધા માર્યા જશે. દરેક જાનવરનો પ્રથમ જન્મેલો પણ માર્યો જશે.+ ૬ આખા દેશમાં એવી ભારે રડારોળ થશે કે, એના જેવી પહેલાં કદી થઈ નથી અને ફરી ક્યારેય થશે પણ નહિ.+ ૭ ઇઝરાયેલીઓ કે તેઓનાં જાનવરોને ડરાવવા કોઈ કૂતરો પણ ભસશે નહિ. એ પરથી તું જાણીશ કે, યહોવા ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે ફરક રાખી શકે છે.’+ ૮ તમારા બધા સેવકો મારી પાસે આવશે અને મારી આગળ નમીને કહેશે, ‘જા, તું અને તારી પાછળ ચાલનાર બધા લોકો અહીંથી નીકળી જાઓ.’+ એ પછી જ હું જઈશ.” એટલું કહીને મૂસા ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો.
૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: “હું ઇજિપ્તમાં હજી વધારે ચમત્કારો કરું એ માટે+ રાજા તારું નહિ સાંભળે.”+ ૧૦ મૂસા અને હારુને એ બધા ચમત્કારો રાજા આગળ કર્યા.+ પણ યહોવાએ રાજાનું દિલ હઠીલું થવા દીધું. એટલે રાજાએ ઇઝરાયેલીઓને પોતાના દેશમાંથી જવા દીધા નહિ.+