યશાયા
૨૦ આશ્શૂરના રાજા સાર્ગોને પોતાના સેનાપતિને* આશ્દોદ+ સામે લડવા મોકલ્યો. તેણે એ જ વર્ષે આશ્દોદ સામે લડાઈ કરીને એને જીતી લીધું.+ ૨ એ સમયે યહોવાએ આમોઝના દીકરા યશાયાને+ કહ્યું: “તારી કમર પરથી કંતાન ઉતાર અને તારા પગમાંથી ચંપલ કાઢ.” તેણે એવું જ કર્યું. તે ઉઘાડા શરીરે* અને ઉઘાડા પગે ફર્યો.
૩ પછી યહોવાએ કહ્યું: “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ઉઘાડા શરીરે અને ઉઘાડા પગે ફર્યો છે. એ નિશાની+ અને ચેતવણી છે કે ઇજિપ્ત+ અને ઇથિયોપિયાના+ કેવા હાલ થશે. ૪ આશ્શૂરનો રાજા ઇજિપ્તના+ અને ઇથિયોપિયાના લોકોને ગુલામીમાં લઈ જશે. તે યુવાનોને અને વૃદ્ધ પુરુષોને ઉઘાડા શરીરે અને ઉઘાડા પગે, નગ્ન હાલતમાં લઈ જશે. એનાથી ઇજિપ્તે શરમાવું પડશે.* ૫ જેઓ ઇથિયોપિયા પર આશા રાખતા હતા અને ઇજિપ્ત પર ગર્વ કરતા હતા,* તેઓ ડરશે અને શરમાશે. ૬ દરિયા કાંઠે રહેતા લોકો એ દિવસે કહેશે: ‘જુઓ, આશ્શૂરના રાજાથી બચવા આપણે જેની પાસે ગયા, જેના પર ખૂબ આધાર રાખ્યો, એની કેવી દશા થઈ! હવે આપણે કેવી રીતે બચીશું?’”