યર્મિયા
૧૬ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો. તેમણે કહ્યું: ૨ “આ દેશમાં તું લગ્ન કરીશ નહિ કે દીકરા-દીકરીઓ પેદા કરીશ નહિ. ૩ કેમ કે આ દેશમાં જન્મેલાં દીકરા-દીકરીઓ વિશે અને તેઓને જન્મ આપનાર માબાપ વિશે યહોવા કહે છે: ૪ ‘તેઓ જીવલેણ બીમારીથી માર્યાં જશે.+ તેઓ માટે કોઈ શોક કરશે નહિ. તેઓને કોઈ દફનાવશે નહિ. તેઓ જમીન પર ખાતર બની જશે.+ તેઓ તલવારથી અને દુકાળથી માર્યાં જશે.+ તેઓનાં મડદાં પક્ષીઓનો અને પ્રાણીઓનો ખોરાક બની જશે.’
૫ યહોવા કહે છે,
‘તું એવા ઘરમાં ન જતો, જ્યાં શોક કરનારાને જમાડવામાં આવે છે.
તું વિલાપ કરવા કે દિલાસો આપવા પણ ન જતો.’+
યહોવા કહે છે, ‘આ લોકો પાસેથી મેં શાંતિ છીનવી લીધી છે.
મારો પ્રેમ* ખૂંચવી લીધો છે, મારી દયા પણ લઈ લીધી છે.+
૬ નાના-મોટા બધા આ દેશમાં મરી જશે.
તેઓને દાટવામાં નહિ આવે.
તેઓ માટે કોઈ શોક નહિ કરે,
કોઈ પોતાના શરીર પર કાપા નહિ પાડે કે પોતાનું માથું નહિ મૂંડાવે.*
૭ મરણ પ્રસંગે શોક કરનારાઓને દિલાસો આપવા
કોઈ તેઓને ખોરાક નહિ આપે.
માતા કે પિતાના મરણ પર આશ્વાસન આપવા
કોઈ તેઓને દ્રાક્ષદારૂનો પ્યાલો નહિ ધરે.
૮ તું મિજબાનીના ઘરમાં પણ ન જતો.
તેઓ સાથે બેસીને ખાતો-પીતો નહિ.’
૯ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું આ જગ્યાએ, તમારા દિવસોમાં અને તમારી આંખો સામે આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ. અહીંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ.’+
૧૦ “તું આ વાતો લોકોને કહેશે ત્યારે તેઓ તને પૂછશે, ‘યહોવા કેમ અમારા પર આ મોટી આફતો લાવવાનું કહે છે? અમે એવો તો શું ગુનો કર્યો છે? અમારા ઈશ્વર યહોવા વિરુદ્ધ અમે એવું તો શું પાપ કર્યું છે?’+ ૧૧ તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે, “તમારા બાપદાદાઓએ મને છોડી દીધો હતો.+ તેઓ બીજા દેવોની પાછળ પાછળ ચાલતા હતા, તેઓની ભક્તિ કરતા હતા અને તેઓને નમન કરતા હતા.+ પણ તેઓએ મને ત્યજી દીધો અને મારા નિયમો પાળ્યા નહિ.+ ૧૨ તમે તો તમારા બાપદાદાઓથી પણ વધારે દુષ્ટ છો.+ મારું સાંભળવાને બદલે તમે અડિયલ બનીને પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કરો છો.+ ૧૩ એટલે હું તમને અહીંથી એવા દેશમાં તગેડી મૂકીશ, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમારે રાત-દિવસ જૂઠા દેવોની સેવા કરવી પડશે.+ હું તમને જરાય દયા નહિ બતાવું.”’
૧૪ “યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવે છે, જ્યારે તેઓ એવું નહિ કહે: “ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!”*+ ૧૫ પણ તેઓ કહેશે, “ઇઝરાયેલીઓને ઉત્તરના દેશમાંથી અને તેમણે વિખેરી નાખ્યા હતા એ દેશોમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!”* તેઓ એવું કહેશે, કેમ કે હું તેઓને એ દેશમાં પાછા લાવીશ, જે મેં તેઓના બાપદાદાઓને આપ્યો હતો.’+
૧૬ યહોવા કહે છે, ‘હું ઘણા માછીમારો મોકલીશ,
તેઓ મારા લોકોને શોધીને પકડી પાડશે.
પછી હું ઘણા શિકારીઓ મોકલીશ,
તેઓ દરેક પહાડ પરથી અને દરેક ટેકરી પરથી
અને ખડકોની ફાટોમાંથી તેઓને પકડી પાડશે.
૧૭ કેમ કે તેઓના એકેએક કામ* પર મારી નજર છે.
તેઓ મારાથી સંતાઈ શકતા નથી.
તેઓનો એકેય અપરાધ મારાથી છુપાયેલો નથી.
૧૮ પણ પહેલા તો હું તેઓનાં અપરાધો અને પાપોનો હિસાબ લઈશ.+
તેઓએ મૂર્તિઓથી મારો દેશ ભ્રષ્ટ કર્યો છે. એ નિર્જીવ મૂર્તિઓને* હું ધિક્કારું છું.
તેઓએ મારા વારસાની જમીન એવી વસ્તુઓથી ભરી દીધી છે, જેને હું ધિક્કારું છું.’”+
૧૯ હે યહોવા, તમે મારી તાકાત અને મારો મજબૂત કિલ્લો છો.
તમે મારો આશરો છો, જ્યાં આફતના દિવસે હું નાસી જઈ શકું છું.+
પૃથ્વીના ખૂણે ખૂણેથી પ્રજાઓ તમારી પાસે આવશે.
૨૦ શું માણસ પોતાના માટે ઈશ્વર બનાવી શકે?
માણસ જે બનાવે છે એ કંઈ ઈશ્વર નથી.+
૨૧ “હું તેઓને બતાવી આપીશ,
આ સમયે હું તેઓને મારા પરાક્રમ અને મારી શક્તિનો પરચો આપીશ.
તેઓએ સ્વીકારવું પડશે કે મારું નામ યહોવા છે.”