ગણના
૨૮ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને આજ્ઞા આપ, ‘તમે મારું અર્પણ, એટલે કે મારો ખોરાક મને ચઢાવવાનું ચૂકતા નહિ. એને ઠરાવેલા સમયે+ આગમાં ચઢાવવાનાં અર્પણો તરીકે રજૂ કરો, જેની સુવાસથી હું ખુશ* થઈશ.’
૩ “તેઓને કહે, ‘તમે આગમાં ચઢાવવાનું આ અર્પણ યહોવાને રજૂ કરો: અગ્નિ-અર્પણ તરીકે રોજ+ ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય. ૪ એમાંનું એક બચ્ચું સવારના સમયે અને બીજું સાંજના સમયે*+ ચઢાવો. ૫ એની સાથે અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય.+ ૬ એ નિયમિત અગ્નિ-અર્પણ છે,+ જે વિશેનો નિયમ સિનાઈ પર્વત પર આપવામાં આવ્યો હતો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે. ૭ નર બચ્ચા સાથે તમે એનું દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો.+ દરેક બચ્ચા માટે પા હીન દ્રાક્ષદારૂ ચઢાવો. યહોવાને દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે ચઢાવેલા દારૂને પવિત્ર જગ્યાએ રેડી દો. ૮ ઘેટાનું બીજું નર બચ્ચું તમે સાંજના સમયે ચઢાવો. એની સાથે એનું અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો, જેમ સવારે ચઢાવો છો. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.+
૯ “‘પણ સાબ્બાથના દિવસે+ તમે આ અર્પણ ચઢાવો: ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય; અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો તેમજ એનું દ્રાક્ષદારૂ-અર્પણ. ૧૦ એ સાબ્બાથનું અગ્નિ-અર્પણ છે. એની સાથે તમે નિયમિત અગ્નિ-અર્પણ અને એનું દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો.+
૧૧ “‘દરેક મહિનાની શરૂઆતમાં તમે અગ્નિ-અર્પણ તરીકે યહોવાને આ ચઢાવો: બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષના સાત નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય;+ ૧૨ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો:+ દરેક આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર+ ૧૩ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. એ અગ્નિ-અર્પણ છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.+ ૧૪ એની સાથે તમે આ દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો: દરેક આખલા માટે અડધો હીન દ્રાક્ષદારૂ;+ નર ઘેટા માટે પોણો હીન દ્રાક્ષદારૂ+ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે પા હીન દ્રાક્ષદારૂ.+ એ માસિક અગ્નિ-અર્પણ છે, જે તમે વર્ષના દરેક મહિને ચઢાવો. ૧૫ નિયમિત અગ્નિ-અર્પણ અને એના દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત તમે પાપ-અર્પણ તરીકે યહોવાને બકરીનું એક નર બચ્ચું પણ ચઢાવો.
૧૬ “‘પહેલા મહિનાનો ૧૪મો દિવસ યહોવાના પાસ્ખાનો દિવસ છે.+ ૧૭ એ મહિનાનો ૧૫મો દિવસ એક તહેવાર* છે. સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ.+ ૧૮ તહેવારના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન* રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો. ૧૯ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૦ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો:+ દરેક આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૨૧ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૨૨ એની સાથે, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે પાપ-અર્પણ તરીકે એક બકરો ચઢાવો. ૨૩ દરરોજ સવારે ચઢાવવામાં આવતાં નિયમિત અગ્નિ-અર્પણ ઉપરાંત એ પણ ચઢાવો. ૨૪ એ વિધિ પ્રમાણે જ તમે એ અર્પણ સાત દિવસ સુધી દરરોજ ઈશ્વરને ખોરાક તરીકે, એટલે કે આગમાં ચઢાવવાના અર્પણ તરીકે રજૂ કરો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય. નિયમિત અગ્નિ-અર્પણ અને એના દ્રાક્ષદારૂ-અર્પણ સાથે તમે એ ચઢાવો. ૨૫ સાતમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+
૨૬ “‘જ્યારે તમે ફસલના પહેલા પાકના* દિવસે,+ એટલે કે કાપણીના તહેવારના* દિવસે યહોવાને નવું અનાજ-અર્પણ ચઢાવો,+ ત્યારે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+ ૨૭ અગ્નિ-અર્પણ તરીકે તમે બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.+ ૨૮ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: દરેક આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૨૯ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૩૦ એની સાથે, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે બકરીનું એક નર બચ્ચું ચઢાવો.+ ૩૧ નિયમિત અગ્નિ-અર્પણ અને એના અનાજ-અર્પણ ઉપરાંત તમે એ ચઢાવો. એ અર્પણો સાથે તમે એ બંનેનાં દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+