યહોશુઆ
૬ ઇઝરાયેલીઓને લીધે યરીખોના દરવાજા મજબૂત રીતે બંધ કરી દેવાયા હતા; ન કોઈ બહાર જતું હતું, ન કોઈ અંદર આવતું હતું.+
૨ યહોવાએ યહોશુઆને કહ્યું: “મેં યરીખોને, એના રાજાને અને એના પરાક્રમી યોદ્ધાઓને તારા હાથમાં સોંપી દીધા છે.+ ૩ તમે બધા લડવૈયા પુરુષોએ રોજ એક વાર શહેર ફરતે કૂચ કરવી. એમ તમારે છ દિવસ સુધી કરવું. ૪ સાત યાજકોએ ઘેટાંનાં શિંગનાં રણશિંગડાં વગાડતાં વગાડતાં કરારકોશની આગળ ચાલવું. પણ સાતમા દિવસે તમારે શહેર ફરતે સાત વાર કૂચ કરવી અને યાજકોએ રણશિંગડાં વગાડવાં.+ ૫ રણશિંગડાં વગાડવામાં આવે અને તમને જેવો એનો અવાજ* સંભળાય કે તરત બધા લોકોએ લડાઈનો હોકારો કરવો. શહેરનો કોટ તૂટીને જમીનદોસ્ત થઈ જશે.+ પછી બધા લોકોએ સીધા શહેરની અંદર ધસી જવું.”
૬ નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવ્યા અને તેઓને કહ્યું: “કરારકોશ ઊંચકો અને સાત યાજકો ઘેટાંનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને યહોવાના કરારકોશ આગળ ચાલો.”+ ૭ પછી તેણે લોકોને કહ્યું: “આગળ વધો, શહેરની ફરતે કૂચ કરો અને હથિયારબંધ સૈનિકોએ+ યહોવાના કરારકોશ આગળ ચાલવું.” ૮ યહોશુઆએ લોકોને જણાવ્યું હતું તેમ, સાત યાજકો ઘેટાંનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને યહોવાની આગળ ચાલ્યા અને રણશિંગડાં વગાડ્યાં. યહોવાનો કરારકોશ તેઓની પાછળ પાછળ આવતો હતો. ૯ રણશિંગડાં વગાડતા યાજકોની આગળ હથિયારબંધ સૈનિકો ચાલતા હતા અને કરારકોશની પાછળ રક્ષક ટુકડી ચાલતી હતી. એ દરમિયાન યાજકો રણશિંગડાં વગાડી રહ્યાં હતાં.
૧૦ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી: “પોકાર કે અવાજ કરશો નહિ. તમારાં મોંમાંથી એકેય શબ્દ નીકળે નહિ. હું ન કહું ત્યાં સુધી તમે કંઈ બોલતા નહિ. જે દિવસે હું કહું કે ‘બૂમ પાડો!’ ત્યારે તમારે હોકારો કરવો.” ૧૧ યહોશુઆના કહેવા પ્રમાણે યહોવાના કરારકોશને શહેર ફરતે ફેરવવામાં આવ્યો. એક વાર કૂચ કરીને તેઓ છાવણીમાં પાછા આવી ગયા અને ત્યાં રાત ગુજારી.
૧૨ બીજા દિવસે સવારે યહોશુઆ વહેલો ઊઠ્યો. યાજકોએ યહોવાનો કરારકોશ ઊંચકી લીધો.+ ૧૩ સાત યાજકો ઘેટાંનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને વગાડતાં વગાડતાં યહોવાના કરારકોશની આગળ ચાલ્યા. તેઓની આગળ હથિયારબંધ સૈનિકો ચાલતા હતા અને રક્ષક ટુકડી યહોવાના કરારકોશની પાછળ ચાલતી હતી. એ દરમિયાન યાજકો રણશિંગડાં વગાડી રહ્યાં હતાં. ૧૪ તેઓએ બીજા દિવસે પણ શહેર ફરતે એક વાર કૂચ કરી અને છાવણીમાં પાછા ફર્યા. તેઓએ છ દિવસ સુધી એમ કર્યું.+
૧૫ સાતમા દિવસે સવાર થતાં જ તેઓ વહેલા ઊઠી ગયા અને સાત વાર શહેર ફરતે અગાઉની જેમ કૂચ કરી. તેઓએ એ જ દિવસે શહેર ફરતે સાત વાર કૂચ કરી.+ ૧૬ સાતમી વાર કૂચ કરતી વખતે યાજકોએ રણશિંગડાં વગાડ્યાં અને યહોશુઆએ લોકોને કહ્યું: “બૂમ પાડો!+ યહોવાએ શહેર તમને આપી દીધું છે! ૧૭ શહેર અને એમાંનું બધું વિનાશને લાયક છે,+ એ સર્વ યહોવાનું છે. ફક્ત રાહાબ+ વેશ્યાને અને તેની સાથે ઘરમાં જે કોઈ હોય તેઓને જીવતા રાખો, કેમ કે આપણે મોકલેલા જાસૂસોને તેણે સંતાડી રાખ્યા હતા.+ ૧૮ વિનાશને લાયક વસ્તુઓથી દૂર રહો,+ એમ ન થાય કે એમાંની કોઈ વસ્તુ લેવા તમે લલચાઈ જાઓ અને એ લઈ લો.+ જો તમે એમ કરશો, તો ઇઝરાયેલની છાવણી પર આફત લાવશો* અને છાવણી વિનાશને લાયક ઠરશે.+ ૧૯ પણ બધાં સોના-ચાંદી અને તાંબા ને લોઢાની વસ્તુઓ, એ બધું યહોવા માટે પવિત્ર છે.+ એ વસ્તુઓ યહોવાના ભંડારમાં જવી જોઈએ.”+
૨૦ પછી રણશિંગડાં વગાડવામાં આવ્યાં ત્યારે લોકોએ બૂમ પાડી.+ લોકોએ જેવો રણશિંગડાંનો અવાજ સાંભળ્યો અને લડાઈનો હોકારો કર્યો કે તરત યરીખો શહેરનો કોટ તૂટીને જમીનદોસ્ત થઈ ગયો.+ બધા લોકો સીધા શહેરમાં ધસી ગયા અને એને જીતી લીધું. ૨૧ તેઓએ પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, બળદો,* ઘેટાં અને ગધેડાં, બધાનો તલવારથી નાશ કર્યો.+
૨૨ દેશની જાસૂસી કરવા ગયેલા બે માણસોને યહોશુઆએ કહ્યું: “રાહાબ વેશ્યાના ઘરે જાઓ. જેમ તમે તેની આગળ સમ ખાધા હતા, તેમ તેને અને તેના ઘરના બધાને બહાર કાઢી લાવો.”+ ૨૩ એટલે એ યુવાન જાસૂસો ગયા. તેઓ રાહાબ, તેનાં માતા-પિતા, તેના ભાઈઓ અને તેના ઘરના બધાને બહાર કાઢી લાવ્યા.+ તેઓએ તેના આખા કુટુંબને છાવણી બહાર એક જગ્યાએ સહીસલામત રાખ્યું.
૨૪ પછી તેઓએ શહેર અને એમાંની સર્વ વસ્તુઓ બાળી નાખી. પણ બધાં સોના-ચાંદી અને તાંબા ને લોઢાની વસ્તુઓ યહોવાના ઘરના ભંડારમાં આપી.+ ૨૫ યહોશુઆએ ફક્ત રાહાબ વેશ્યાનું, તેના પિતાના કુટુંબનું અને રાહાબના ઘરના બધા લોકોનું જીવન બચાવ્યું.+ રાહાબ ઇઝરાયેલમાં આજ સુધી રહે છે,+ કેમ કે યહોશુઆએ યરીખોની જાસૂસી કરવા મોકલેલા માણસોને તેણે સંતાડી રાખ્યા હતા.+
૨૬ એ વખતે યહોશુઆએ આ સમ ખાધા:* “યરીખો શહેર ફરીથી બાંધનાર માણસ પર યહોવાનો શ્રાપ આવે. તે એનો પાયો નાખે ત્યારે, તેનો મોટો દીકરો મરણ પામે અને એના દરવાજા ઊભા કરે ત્યારે, નાનો દીકરો મરણ પામે.”+
૨૭ યહોવા યહોશુઆની સાથે હતા+ અને તેની કીર્તિ આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ.+