નિર્ગમન
૨૪ ઈશ્વરે મૂસાને કહ્યું: “હારુન, નાદાબ, અબીહૂ+ અને ઇઝરાયેલના ૭૦ વડીલોને લઈને તું પર્વત ઉપર યહોવા પાસે આવ. તમે દૂરથી નમન કરીને તેમની ભક્તિ કરો. ૨ પછી મૂસા એકલો જ યહોવાની નજીક આવે. પણ તેની સાથે આવેલા માણસો દૂર ઊભા રહે. કોઈ ઇઝરાયેલી મૂસા સાથે ન આવે.”+
૩ એટલે મૂસાએ લોકો પાસે આવીને યહોવાના શબ્દો અને તેમના સર્વ કાયદા-કાનૂન તેઓને જણાવ્યા.+ બધા લોકોએ એકમતે કહ્યું: “યહોવાની દરેક વાત અમે રાજીખુશીથી પાળીશું.”+ ૪ મૂસાએ યહોવાના શબ્દો લખી લીધા.+ પછી વહેલી સવારે ઊઠીને તેણે પર્વતની તળેટીએ એક વેદી બાંધી અને ઇઝરાયેલનાં ૧૨ કુળોને રજૂ કરતા ૧૨ સ્તંભો બાંધ્યા. ૫ મૂસાએ એ વેદી પાસે ઇઝરાયેલના જુવાન માણસોને મોકલ્યા. તેઓએ એ વેદી પર યહોવાને અગ્નિ-અર્પણો અને આખલાનાં શાંતિ-અર્પણો ચઢાવ્યાં.+ ૬ મૂસાએ અડધું લોહી વાટકાઓમાં લીધું અને બાકીનું અડધું લોહી વેદી પર છાંટ્યું. ૭ પછી તેણે કરારના પુસ્તકમાંથી* લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું.+ લોકોએ કહ્યું: “યહોવાની દરેક વાત અમે રાજીખુશીથી પાળીશું. અમે તેમની બધી આજ્ઞાઓ માનીશું.”+ ૮ મૂસાએ લોહી લઈને લોકો પર છાંટતા+ કહ્યું: “યહોવાએ આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે જે કરાર કર્યો છે, એ કરાર આ લોહી દ્વારા અમલમાં આવ્યો છે.”+
૯ પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયેલના ૭૦ વડીલો પર્વત પર ગયા. ૧૦ તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને જોયા.+ ઈશ્વરના પગ નીચે જાણે નીલમ જડેલી ફરસ હતી અને એ સ્વર્ગ જેવી શુદ્ધ અને નિર્મળ હતી.+ ૧૧ ઈશ્વરે ઇઝરાયેલના આગેવાનોને કોઈ હાનિ ન પહોંચાડી.+ તેઓ ખાતાં-પીતાં હતા ત્યારે, તેઓએ સાચા ઈશ્વરનું દર્શન જોયું.
૧૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: “પર્વત પર મારી પાસે આવ અને ત્યાં જ રહે. હું તને પથ્થરની પાટીઓ આપીશ. હું એના પર નિયમો અને આજ્ઞાઓ લખીશ, જે લોકોના શિક્ષણ માટે હશે.”+ ૧૩ તેથી મૂસા પોતાના સેવક યહોશુઆને લઈને આગળ વધ્યો+ અને મૂસા સાચા ઈશ્વરના પર્વત પર ચઢ્યો.+ ૧૪ મૂસાએ વડીલોને કહ્યું: “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં અમારી રાહ જુઓ.+ તમારી સાથે હારુન અને હૂર+ છે. જો કોઈને કંઈ તકરાર થાય, તો તેઓ એ બે પાસે જાય.”+ ૧૫ પછી મૂસા વાદળથી ઢંકાયેલા પર્વત પર ગયો.+
૧૬ સિનાઈ પર્વત+ પર યહોવાનું ગૌરવ+ રહ્યું. છ દિવસ સુધી વાદળે એ પર્વતને ઢાંકી રાખ્યો. સાતમા દિવસે ઈશ્વરે વાદળમાંથી મૂસાને બોલાવ્યો. ૧૭ નીચે ઊભા રહેલા ઇઝરાયેલીઓને યહોવાનું ગૌરવ એવું લાગ્યું, જાણે પર્વતની ટોચ આગથી ભભૂકી રહી હોય. ૧૮ મૂસા વાદળની અંદર થઈને પર્વત પર ચઢ્યો.+ તે પર્વત ઉપર ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો.+